પ્રથમ પુરુષ એકવચન/પશ્ય દેવસ્ય કાવ્યમ્

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પશ્ય દેવસ્ય કાવ્યમ્

સુરેશ જોષી

બૃહદારણ્યક કહે છે કે જગત તો આત્માને જોવાનું નિમિત્ત છે, પણ મને પ્રશ્ન થાય છે – આત્માને જોવા માટે જગતને કેમ નિમિત્ત બનાવવું પડે? આત્માને જગતથી નિરપેક્ષ રીતે પામી ન શકાય? વેદાન્તી ગમે તે કહે, કવિ તો કહેશે, ‘ના, જગતથી નિરપેક્ષ રીતે આત્માને પામી નહિ શકાય.’ મને કવિની વાત રુચે છે.

‘ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ’ એવી ફરિયાદ આપણે કરવાની નથી. આપણને તો ઇન્દ્રિયોને પાછી વાળી લેવાનું, દૃષ્ટિને ચિત્તમાં કેન્દ્રિત કરવાનું જ શીખવ્યું છે. જગતને તો આપણે સત્ય ગણવાનું જ નથી. એ તો ભ્રાન્તિ જ છે એમ માનવાનું છે.

આપણે તો કવિનો પક્ષ લઈને કહીશું, ‘એ ભ્રાન્તિને અમે સત્યથી અદકેરુ’ સત્ય બનાવી દઈશું. રવીન્દ્રનાથે એને જ તો કહ્યું, ‘સવાઈ સત્ય.’ એમ તો ઉપનિષદનો કવિ પણ આપણા જ પક્ષમાં હતો. હિરણ્યમય આવરણથી સત્યનું મુખ ઢંકાયેલું છે. સત્યનું એણે આવું મનોહર રૂપ બનાવ્યું. પૂષન્ એનું અનાવરણ કરે કે ન કરે.

જગતમાં હોવા છતાં જગતમાં મોટે ભાગે ગેરહાજર રહીને જીવન પૂરું કરનારા ઘણા બધા, જગતને ચાહનારા તો બહુ થોડા. ભુવનેશ્વરના મન્દિર વિશે રવીન્દ્રનાથે એક મહત્ત્વની વાત કરી છે તે અહીં યાદ આવે છે. મન્દિરના અંદરના ભાગમાં ઈશ્વરની કોઈ મૂતિર્ જ નથી. આજે ઘણા પૂજારીઓએ પરાણે મૂતિર્ ઘસડી લાવીને પૈસા કમાવાનું સાધન ઊભું કર્યુ છે તેની વાત જવા દો. અંદર ઈશ્વરની જુદી મૂતિર્ નથી કારણ કે ભુવનથી જુદો ઈશ્વર છે જ નહિ. તમે ભુવનને જુઓ અને ઈશ્વરને જુઓ તે એક જ. વેદના એક કવિએ પણ આથી તો આ પૃથ્વીને ચીંધી બતાવતાં કહ્યું છે, ‘પશ્ય દેવસ્ય કાવ્યમ્.’ ઈશ્વરની કવિતા રૂપે જો સૃષ્ટિને જોતાં હોઈએ તો એને ચાહ્યા વગર રહી શકીએ?

આથી જ મને વિરક્તિ વિરતિમાં ઝાઝો વિશ્વાસ નથી. બોદ્લેરની વિરતિને સમજાવતાં સાર્ત્રે આ વાત સરસ રીતે સ્પષ્ટ કરી છે. બોદ્લેરના પિતાનું, એ છ વર્ષનો હતો ત્યારે મૃત્યુ થયું. પછી તો મા જ બની ગઈ સર્વસ્વ. મા જ એને મન ‘એબ્સોલ્યુટ’, પણ એક જ વર્ષ બાદ એની મા ફરીથી પરણી ગઈ. પછી એને છાત્રાલયમાં મોકલી દીધો. આ એના જીવનનો મહત્ત્વનો વળાંક. ત્યારથી એણે જગત તરફથી મોઢું ફેરવી લઈને ‘અનન્તકાલનું એકાન્ત’ સ્વીકારી લીધું. બોદ્લેરે આ વિકલ્પ સ્વીકારી લીધો. એમ કરવાથી એ પોતાને અદ્વિતીય બનાવી દઈ શકાશે એવી કશીક એને આશા હતી.

એનું પરિણામ આવ્યું આત્મરતિ, પણ આત્મરતિની અતિમાત્રા જ વિરતિમાં પરિણમે. આપણે પ્રેમનો મહિમા આટલો બધો શા માટે કરીએ છીએ? એ આખરે ભક્તિ કે અદ્વૈતમાં પરિણમે એટલા માટે? ના, એ આત્મરતિની સંકુચિતતામાંથી આપણને પ્રબળપણે બહાર ખેંચી કાઢે છે. હું જેને ચાહું તેના જ સુખનો વિચાર કરું, મારા સુખનો નહિ. આ રીતે મારી ચેતનાની વિસ્તૃતિ થાય. પણ વિરતિ હોય ત્યાં વિસ્તૃતિ ક્યાંથી હોય?

બાળક જગતને જુએ છે તે રીતે કવિએ જગતને જોવાનું છે એમ અમેરિકી ફિલસૂફ જ્યોર્જ સાન્તાયના કહે છે તે ખોટું નથી. બાળકમાં જગત અનાયાસ ગતિ કરતું હોય છે. એને ઉગ્ર અભિગ્રહોનો કે જડ ટેવની બરડતાનો સામનો કરવાનો રહેતો નથી. એ પછી ‘હું’, ‘મારું’ એવું બોલતાં શીખે છે, પણ એ વિષે ઝાઝો વિચાર કરતું નથી. આ બોદ્લેરમાં તો એકસરખો પોતાને વિશેનો વિચાર છે. એ પોતાના આત્મા સાથે જ વાત કરે છે. એના એકાંતમાં સાથ એને કેવળ આત્માનો છે. આથી ચેતનામાં થઈને જગત સરકતું નથી. બધું જાણે સ્થગિત થઈ ગયેલું લાગે છે. આ સ્થગિતતા આખરે રોષ, ઈર્ષ્યા, ઘૃણા અને વિરતિ તરફ દોરી લઈ જાય છે. આપણે વૃક્ષને વૃક્ષ લેખે જ જોઈએ. મારા મનમાં જે કાંઈ છે તેની અવેજીમાં હું વૃક્ષને જોતો નથી. પણ બોદ્લેરને વૃક્ષની અભિજ્ઞતા નથી. પોતે વૃક્ષ જોઈ રહ્યો છે તેનું જ ભાન એને હોય છે.

જગતની પ્રચુરતાથી માનવી બચતો રહ્યો છે, પણ કવિને માટે આવી સલામતી ખતરનાક નીવડે, પોતાને એ કેવળ નિમિત્ત રૂપે પણ ન લેખે, તેમ જ જગતને કેવળ પોતાની અભિજ્ઞતા પામવાના નિમિત્ત લેખે ન જુએ તે એના કાવ્ય માટે અત્યન્ત જરૂરી છે. કવિની ચેતનામાંથી પસાર થઈને નવું રૂપ પામેલું જગત પરમ દર્શનીય છે એને કારણે પરોક્ષતા નહિ પણ એક અદ્ભુત પ્રકારની પ્રત્યક્ષતાનો અનુભવ થાય છે. જે કવિમાં આ અવ્યવહિત વ્યવધાનરહિત પ્રત્યક્ષતાને જિરવવાની મગદૂરી નથી તે ‘તત્ત્વનું ટૂંપણું’ લઈને બેસી જાય છે. સંવેદનાની અવેજીમાં વિભાવના ન ચાલે. જગતમાંથી આપણી ચેતનાનું થતું પ્રત્યાખ્યાન એ એક ગમ્ભીર સમસ્યા છે, કવિતાનાં વળતાં પાણી થાય છે ત્યારે જ આવાં વલણો જોવામાં આવે છે. કવિતામાં જગતના પુન:પ્રવેશની આપણે પ્રતીક્ષા કરીએ.

25-6-78