પ્રથમ પુરુષ એકવચન/મારા જ નામની બહાર
સુરેશ જોષી
મારા નામની બહાર નીકળી જઈને જીવવાનું પર્વ શરૂ થયું છે. હવે મારા નામને મારાથી નિલિર્પ્ત, સ્વતન્ત્ર અસ્તિત્વ લેખે હું કુતૂહલપૂર્વક જોઉં છું. મારા નિન્દકો એને કોઈ તૂરા ફળની જેમ ચાખે છે ને તુષ્ટ થાય છે. કોઈ વાર હું એને કવિ રિલ્કેની સમાધિ પર છાયા ઢાળતા વૃક્ષ રૂપે ઘટા પ્રસારતું જોઉં છું. કોઈ અજાણ્યા ગામના પાદરે ઊભેલી ટેકરી જેવું અટૂલું લાગે છે. એના પર એક્કેય વૃક્ષ નથી, કે નથી એને ઘસાઈને કોઈ નદી વહેતી. કોઈક વાર એ નિશાળના પાટિયા પર લખાઈને તરત ભુંસાઈ જતા શબ્દ જેવું વિલીયમાન બની જાય છે. કોઈ વાર નિદ્રાહીન રીતે દૂરથી આવતી શિરીષની ક્ષીણ ગન્ધની જેમ એને હું અનુભવું છું.
બાળપણનું હુલામણું નામ તો આપણી સાથે કશા સખત બન્ધનથી જકડાયેલું હોતું નથી. ત્યારે તો હજુ જગતને વિસ્મયથી જોતા જ હોઈએ છીએ. વસ્તુઓનાં રૂપને અનુભવવાનો જ ત્યારે હજી તો પ્રારમ્ભ થયો હોય છે. વસ્તુના પર નામના સિક્કા પાડીને એને સમજણનાં કોષ્ટકના ખાનામાં મૂકીને નિશ્ચિન્ત થઈ જવાની ત્યારે કશી જરૂર નથી. મન એટલું ચંચળ હતું કે એ ક્ષણે ક્ષણે પરિચિત વસ્તુઓનાં રૂપ પણ બદલ્યા કરતું હતું. ત્યારે ઈશ્વરતુલ્ય બનીને બહુવિધ થઈને વ્યાપી જવાની ક્રીડા જ મુખ્ય હતી.
પોતાને વિશેય ત્યારે આપણે ક્યાં કશું જાણતા હતા? બાળપોથીમાં આપેલી બારાખડીનો પ્રપંચ ત્યારે સહેજેય સમજાતો નહોતો. શિક્ષક પતંગનો ‘પ’ બોલે ત્યારે પેલો ‘પ’ તો બિચારો દેખાતો જ નહોતો, એને નજર આગળથી ખસેડી નાખીને શિશુચિત્તના આકાશમાં તો પેલો પતંગ જ ઊડવા માંડતો. ત્યારે ચરણો હળવાં હતાં. પૃથ્વી પરથી ઊંચકાઈ જતાં એમને ઝાઝી વાર નહીં લાગતી. લીમડાને જોઈ રહેતા ફિલસૂફની જેમ નહીં, પણ કવિની જેમ પ્રવેશવાની એ વય હતી.
કોઈ વાર શિક્ષક મારું નામ દઈને બોલાવે તો મારું મન તરત જ એ નામ જોડેનો સમ્બન્ધ સ્થાપી શકતું નહિ. નિશાળના હાજરીપત્રકમાંનું એ સાફસૂથરું નામ મને જ અજાણ્યું હતું. એ નામથી મને બાળપણના કોઈ સાથી ઓળખતા નહોતા. આથી હું એ નામના દ્વાર આગળ અજાણ્યાની જેમ જ ઊભો રહી જતો. શિક્ષક ચિઢાઈને કહેતા, ‘એય, તારું ધ્યાન ક્યાં છે?’ આ પ્રશ્ન તો નર્યો દાર્શનિક. એનો ત્યારે શો જવાબ આપી શકાય?
મારું નામ ધરાવતો મારો એક પિતરાઈ ભાઈ હડકાયું કૂતરું કરડવાથી મરી ગયો. કેમ જાણે એ નામની જ યમને માયા હોય તેમ દાદાએ મારું નામ બદલી નાખ્યું. નામપરિવર્તનનો એ પ્રથમ અનુભવ. પણ ત્યારે આવા પરિવર્તનથી રોમાંચ અનુભવવાની મારી વય નહોતી. નવા નામમાં વસવું એટલે શું તેની ખબર નહોતી. પણ ધીમે ધીમે પેલા હુલામણા નામને, સદા બદલાયા કરતા હોવાને કારણે જે કેવળ મારું છે એવો ભાવ મને જેને માટે જાગ્યો જ નહોતો તે નામને, દૂર ખસેડીને આ નામ મને એની પકડમાં જકડવા લાગ્યું હતું. હું સાવધ નહોતો, પણ મારાથી અજાણપણે મેં એ નામ ઘૂંટવા માંડ્યું હતું. હવે હું મારે હાથે ભણવાની ચોપડીઓ અને નોટ પર એ નામ લખવા માંડ્યો હતો. માલિકીની ભાવનાના એ પ્રથમ ઉદયને પણ મેં ક્યાં ઓળખ્યો હતો? પણ ત્યારે જ મને અકળ રીતે એક સત્ય સમજાઈ ગયું હતું – અલબત્ત, એને આજે જે શબ્દોથી રજૂ કરું છું તે શબ્દોમાં હું રજૂ કરી શક્યો ન હોત! એ સત્ય તે આ : પ્રિય વસ્તુના પર માલિકીના ભાવથી આપણું નામ અંકિત થઈ શકતું નથી. ભમરડા પર કે લખોટી પર કોઈ દિવસ મારું નામ કોતર્યાલખ્યાનું મને યાદ નથી!
પછી તો એ નામ ઠીક ઠીક રજોટાતું રહ્યું. કોઈ વાર કૂંપળની જેમ ફૂટ્યું તો કોઈ વાર ઊંડા કૂવામાંની છાયાની જેમ રહસ્ય બની ગયું. કોઈ વાર એણે મને સાવ ઢાંકી દીધો તો કોઈક વાર એની સાથેનો મારો સમ્બન્ધ મિત્ર જેવો રહ્યો, કોઈક વાર મારે માટે એ અભેદ્ય દીવાલ જેવું બની રહ્યું. કોઈ હોઠે એ ઉચ્ચારાયું ત્યારે જાણે મને નવો જન્મ મળ્યો. કોઈ વાર સરકારી સિક્કા નીચે એ દબાયુંકચડાયું પણ ખરું. કોઈક વાર એને લોલીપોપની જેમ મોંમાં મમળાવ્યું પણ ખરું, હંમેશાં એનો મધુર જ સ્વાદ આવ્યો છે એવુંય નથી. કોઈક વાર મારા પરની એની પકડ અસહ્ય બની ત્યારે મેં એને ઊતરડી નાખવાનો પણ પ્રયત્ન કર્યો. કોઈક વાર થાકીને મારું નામ મેં બીજાઓને સોંપી દીધું. ભલે, એમને જે કરવું હોય તે કરે! ઘરમાં બાળકની પધરામણી થઈ ત્યારે એની કાલીકાલી વાણીમાં મારું નામ ફરીથી નવું રૂપ પામ્યું. જાણે એને એનું શૈશવ ફરીથી લાધ્યું!
બાળપણમાં ચંચળ હાથે જે નામ ચોપડી પર લખતો હતો તે નામ છાપાંની કાળી શાહીમાં ઝબકોળાઈને છપાવા લાગ્યું ત્યારે વળી મને એ અજાણ્યું લાગ્યું. સભાસમારમ્ભમાં એનો ઉલ્લેખ થતો ત્યારે હું ત્રાહિત વ્યક્તિની જેમ જોઈ રહ્યો હતો. પછી તો નિકટના મિત્રોએ જ શીખવ્યું કે પ્રશંસા અને નિન્દા એ એક સિક્કાની બે બાજુઓ છે. જેણે એક વાર કમળની જેમ ઊગી નીકળીને મને સુધ્ધાં ચકિત કરી દીધો હતો તે કાદવમાં રગદોળાયું, કોઈકે એમાં કીડાની જેમ ભરાઈને એને કોરી ખાધું, કોઈએ એને ઠેબે ચઢાવ્યું, કોઈએ એને ધારદાર ખીલાની જેમ મારા પર ઠોકી દીધું. કોઈ વાર મારા નામના વજનને જ કારણે હું જાણે ડૂબતો હોઉં તેમ ગૂંગળાવા લાગ્યો.
હવે હું મારા નામની બહાર નીકળી ગયો છું. સંન્યાસીઓ જીવતેજીવ પોતાનું શ્રાદ્ધ કરી નાખે તેમ મેં મારા નામનો અન્તિમ વિધિ મનોમન કરી નાખ્યો છે. શિષ્ટાચાર ખાતર હું મારું નામ ઉચ્ચારાતાં નજર ઊંચી કરીને જોઉં છું. સંસાર-વ્યવહારની જવાબદારી સ્વીકારીને દસ્તાવેજો પર દસ્તખત કરું છું. ભૂતકાળની કોઈ ઘટના તાજી કરીને કોઈ મને એમાં સંડોવે તો એ વેળાનું મારું નામ અજાણ્યું થઈ ગયું હોવા છતાં હું એની બહાર છટકી જવા મથતો નથી. હવે ફરી શૈશવના દિવસો યાદ આવે છે. નામોની અહૈતુક ફેરબદલી કરીને રમણીય આસ્વાદ્ય ગોટાળા કરવાની રમત રમવાનું મન થાય છે. મારું નામ સાંભળીને હું કોઈ અપરિચિત હોઉં એમ વર્તે છે ત્યારે હું એક વિલક્ષણ પ્રકારની હળવાશ અનુભવું છું. નામમાંથી છુટકારો મેળવવો એ જ મોક્ષ.
15-4-78