પ્રથમ સ્નાન/એક ઓપરેશનની પૂર્વભૂ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક ઓપરેશનની પૂર્વભૂ


દવાખાનાને બાંકડે રીઢા રોગીઓનું બાઘામંડળ કચ્છપગતિએ પલટાતું
અનિયમિત ભરતી-ઓટ રૂપે સર્યે જાય છે.
બાટલીઓના જલતરંગ બજ્યે જાય છે.
દવાખાનાના ઉંબરની પેલે પાર સગડીથી તડાતડ તડતડિયાં ઊડ્યે જાય છે.
બા થેપલાં કરે છે. ટીણિયો સામે ઘડિયા લખે છે. કોકી ને દિનો
માચો રમે છે.
બિલ્લી ચટાપટાને ચાટે છે, વહુનું પેટ આતુરતાથી છાપાંની રાહ જુએ છે.
કહોવાયેલાં અવયવોની, ખોટી-કડવી ટોનિક દવાઓની ગંધનો ખીચડો
રસોડામાં ઠલવાયે જાય છે.
ઉંબર વળોટી અસંખ્ય પ્રલયંકર જીવાણુઓ હવા પર તરતાં, માખીના
પગને સૂંઢ પર
લટકતાં, અશ્રાવ્ય અવાજે ગણગણતાં, થેપલાં-માચા-અટપટા-ઘડિયા
પર છીંક્યે જાય છે;
ખુલ્લાં દેહદ્વારો વાટે પ્રવેશે છે ને સંતરીઓને હંફાવે છે.
મરઘી જેમ ઇંડાને જુએ તેમ બા આંખમીંચેલી વહુનું પેટ તાકી રહે છે.
‘ગર્ભપાત કાયદેસર’નું બીલ આજનાં છાપાં પર લટકે છે.
ઉંબર બહાર એક દર્દી, નામે અપવાદ, ઊલટી કરી, લથડિયું ખાઈ,
આંખ ચડાવી દે છે.
રોગીઓની હમદર્દી સ્ટ્રેચરને વારાફરતી ખભો આપતી, ડાઘુ બનીને
ચાલી નીકળે છે.
બેકાર ડોકટરનાં બૂટાળાં પગલાં ઉંબરે થોભી, સાદાં બની,
અંદર દાખલ થતાં વહુ ઘૂમટેદાર બને છે.
કંપાઉંડર ફૂટડો મ્યાનમાંથી ડી. ડી. ટી. પંપ ખેંચીને ઊભો છે
ને હાથીપગાનો એક મચ્છર નિ:સ્પૃહ ગણગણાટમાં ઘરની પાર ઘાસનાં
ઝૂંડમાં ચાલ્યો જાય છે.
વળાંક પર વળાંક લેતી એમ્બ્યુલન્સ પ્રસૂતિગૃહમાં પછડાતાં,
હવે સજર્યન પેટનો પડદો કાપે-ચીરે-ખોલેની રાહમાં,
પરસેવે રેબઝેબ હથેળીઓ મસળતાં,
ગાંઠ, વ્યંડળ, દીકરો, દીકરી કે શબ?

૮-૮-૭૫