પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત/મુલાકાત
યજ્ઞેશ : પ્રદ્યુમ્નભાઈ, '૬૦ના અરસામાં તો તમે અહીં ચિત્રકાર તરીકે સ્થાપિત થઈ ગયેલા. નિજને ગમતી નોકરી પણ કરતા હતા. ત્યાં ઈટલી જવાનું શા કારણે થયું? ને તેમાંય રોઝાલ્બા જોડે ક્યાં અને કેમ પરિચય થયો? પ્રદ્યુમ્ન : [હસીને] એ અંગે અમને અવારનવાર પૃચ્છા થતી રહે છે, હજીય. દેશમાં અને પરદેશમાંય. દેશ-વેશ, ધર્મ-ભાષા અને રહેણીકરણીએ નોખા એવા બે કલાકારોના પ્રણય વિષે જાણવાનું એક માનવસહજ કુતૂહલ ખરું ને! હવે વરતાય છે કે આખીય વિધિની જ રમત હતી. ને ખરેખાત તો મારે ઈટલી નહીં, યુગોસ્લાવિયા જવું હતું! 'પ૯થી '૬૧ લગીની, ટેક્સટાઈલ મિનિસ્ટ્રીના ‘ડિઝાઈન સેન્ટર’ (હાલના બુનકર સેવા કેન્દ્ર)ની કામગરી દરમિયાન, મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરીમાં, આપણા ભર્યુંભર્યાં પારંપારિક કલા-કસબોની બરોબરી કરે એવી યુગોસ્લાવ લોક-કલાઓનાં કેટલાંક પ્રદર્શનો જોઈ મુગ્ધ થઈ ગયેલો ને એક પ્રબળ ઇચ્છા થઈ આવેલી, ત્યાં જઈ એ બધાનો નિકટથી અભ્યાસ કરવાની! નાનાવિધ જાતિ-સમૂહોનું બન્યું યુગોસ્લાવિયા ત્યારે છેલ્લા દાયકાની ભૂંડી રાજકારણિક કાર્યવાહીને કારણે આજની જેમ અસ્તવ્યસ્ત નહોતું. ને વિધિનું કરવું તે '૬૦માં એક યુગોસ્લાવ શિષ્યવૃત્તિ પણ મળી ગઈ! પણ એ જ અરસામાં, બાપુનો હાથ કંઈક ખેંચમાં હતો એવું મા કનેથી જાણતાં કોઈનેય કીધા વિના એ જતી કરી. બાપુને એની ખબર પડતાં દુઃખી થઈ બોલેલા, ‘દીકરા! ચાહી તકને જતી કરતાં પહેલાં મને પૂછવું તો હતું !' બીજે વર્ષે કેટલીક ઈટાલિયન શિષ્યવૃત્તિઓની જાહેરાત થતાં એ માટેની અરજીની ખાસ ભલામણ કરી. મને તો દેશ-વિદેશનાં પારંપારિક લોકકલા અને કસબોમાં ઊંડો રસ, જ્યારે ઈટલી તો ‘ક્લાસિકલ' કહી. શકાય એવા કલા પ્રકારો માટે જગવિખ્યાત. પણ બાપુએ જાતે થઈ અરજી કરાવી ને એ શિષ્યવૃત્તિ પણ મળી ગઈ! બાપુએ કીધું, ‘કલાશાળામાં જેનો અભ્યાસ કર્યો એ બધુ હવે પંડે દેખીને પ્રમાણો ને શક્ય તે નવું શીખી આવો. એ અરસામાં લઘુચિત્રો કરતો. એટલે ઈટલીના મધ્યકાલીન કોદીચી મિનિયાતી (Codici Miniati) એટલે કે Illustrated miniature manuscriptsનો અભ્યાસ કરવાનું વિચાર્યું, પણ ઈટલીની એકેય કલાશાળામાં એવી કોઈ શક્યતા નહોતી. તેથી રોમની કલાશાળાના એ સમયના પ્રાધ્યાપક અને જાણીતા કલાકાર ફ્રાંકો જેન્તિલીની કને ભણવાનું ગોઠવ્યું. વળી જૂનથી અગસ્ત લગીના ત્રણ માસ માટે, ઈટલીના પેરુજ્જા શહેરની ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ઇટાલિયન ભાષા શીખવાની વ્યવસ્થા હતી. એ જાણે, મને પ્રિય એવા કંઈ કેટલાય ઈટાલિયન સાહિત્યકારોને એમની માતૃભાષા દ્વારા જ પામવાની ઉમંગેય ઓછો નહોતો ! પણ ‘ઇન્ટરવ્યૂ’ બાદ ઈટલી જવા માટેનો ‘વિઝા’, જરૂરી દસ્તાવેજો અને સ્ટીમરની ટિકિટ એટલાં મોડાં મળ્યાં કે અમે રોમ પહોંચ્યા ત્યારે કલાશાળાની ‘ટર્મ’ શરૂ થયાને બે માસ થઈ ગયેલા ને બધીયે જગ્યા ભરાઈ ચૂકેલી ! ફ્લોરેન્સ, વેનિસ કે મિલાન જેવાં શહેરોની કલાશાળાઓમાં પણ પ્રવેશ મળે એમ નહોતું. ઘણો ઊહાપોહ કર્યો, ઘણી જહેમત કરી કે કશુંક બદલાય, પણ કાંઈ વળ્યું નહિ! ઝીણી મોટી વિગતોમાં નહીં ઊતરું. ઠાલું લંબાઈ જશે. ટૂંકમાં વિધિ, રોઝાલ્બા જ્યાં ભણતી હતી એ નેપલ્સ શહેરની કલાશાળામાં ખેંચી લાવી! યજ્ઞેશ : એટલે ‘ઘટ સાથે રે ઘડિયાં' જેવું ! રોઝાલ્ઝા ત્યારે શું ભણતાં હતાં? પ્રદ્યુમ્ન : રોઝામ્બા કલાશાળાના ત્રીજા વર્ષમાં હતી ને ડ્રોઈંગ પેઇટિંગ અને ગ્રાફિક્સ શીખતી. સરસ મજાના ‘એચીંગ’ કરતી. દૂર દક્ષિણના બારી શહેરથી, નેપલ્સમાં સ્થાયી એની સૌથી નાની ફોઈને ઘેર અભ્યાસાર્થે આવેલી. અણધાર્યા ઊભા થતા રહ્યા પ્રતિકૂળ સંજોગોને કારણે ધાર્યું કશુંય બર ના’વ્યું એનો રંજ વિસારે પાડી, નવેસરથી સ્વસ્થ થતાં માસ–દોઢ માસ વીતી ગયો! અકાદમીનો અભ્યાસક્રમ પણ સાવ રેઢિયાળ કશી મઝા ન પડે. ગ્રાફિક્સ શીખવું ગમતું, પણ એના પ્રાધ્યાપક અઠવાડિયામાં કેવળ અરધા દિન માટે રોમથી શીખવવા આવતા. આમ સવારે શહેરમાં રખડીને રેખાંકનો કરતો ને બપોરે અકાદમીમાં પાછા ફરી મને ગમતાં ચિત્રો. એ વ્યથિત કાળ દરમિયાન રોઝાલ્બાનો પરિચય થયો. આરંભથી જ કલા પ્રત્યેની અદમ્ય લગન, જન્મજાત કુતૂહલવૃત્તિ અને ઉમંગને કારણે ભાષાની દેખીતી ઊણપ, બાધારૂપ થવાને બદલે એને વધુ વાતચીત કરવા પ્રેરતી. એ સતત ઉત્સુક રહેતી મને ઈટાલિયન શીખવવાને. ચારેક માસમાં તો ઠીક ઠી.ક બોલતી સમજતો થઈ ગયેલો. યજ્ઞેશ : રોઝાલ્બાના પરિચયમાં આવ્યા બાદ તમે એમના વિશે શું વિચારેલું ? પ્રદ્યુમ્ન : [હસીને] મીઠી મૈત્રી સિવાય ઓર કશુંય નહીં. આ રખડુરામને ત્યારે તો આછોય અણસારો નહોતો કે આ બાઈ આપણો હાથ ઝાલીને જ રહેશે! ને એ તો કાયમ કહેતી ફરે છે કે ખરેખાત તો એણે જ મનોમન નક્કી કરી રાખેલું કે પરણીશ તો આને જ, કોક ને કોક દિ' ! '૬૨ના અગસ્તમાં એ મીઠી મૈત્રીનાં નાનાવિધ સંભારણાં ને એની વિદાય લઈ, નેપલ્સથી મુંબઈ જવા નીકળ્યો. જન્મજાત કુતૂહલનો દોરાયો એક માલવાહક સ્ટીમર વાટે મેસ્સીના, પોર્ટ સઈદ, એડન, પોર્ટ સુદાન અને કરાંચી થતો થતો, પૂરા એક માસ બાદ ઘેર પહોંચ્યો એ પહેલાં રોઝાલ્બાના ત્રણ પત્રો મારી વાટ જોતા પડ્યા'તા ! ને પછી તો નિયમિત આવતા થયા. પણ માંડ શીખી ભાષા પરે ધારી ફાવટ નહીં ને બીચ બીચ થતાં રહેતાં ભ્રમણો અને વ્યાવસાયિક કામકાજના સતત રહેતા દબાણ આડે, એના પત્રોના જવાબ વાળતાં કાયમ મોડું થતું. ક્યારેક એકઠા થતા રહેતા પત્રોને પૂરા વાંચી-સમજવાનોય મેળ ન પડતો ત્યારે ભાણે જમતાં જમતાં એ બધા વાંચતો! ક્યારેક મા-બાપુને સંબોધીનેય કશુંક લખતી, એનો અકબંધ તરજુમો વાંચી સંભળાવવાની ભલામણ સહ. ત્યારે બાપુ મજાકમાં કહેતા, ‘દીકરા! આ છોડી હવે તારો કેડો નહીં મૂકે !' હું આનાકાની કરતો તો હસીને ઉમેરતા, ‘જોજેને! આ ધોળા અમથાં નથી આવ્યાં!' પછી તો ઘરનાં બધાંય ને નિકટતમ મિત્રો પણ રોઝાલ્બા વિષે જાણતાં થઈ ગયેલાં. એક દિ', કામકાજ પતાવીને ઘેર પાછા ફરતાં ઘણું મોડું થઈ ગયું. અન્ય સહુ જમીને આડાં પડ્યાં હતાં. ઘરઘાટણ કાશીબાઈ પણ જમી, વાસણ-રસોડું ધોઈ માંડ જંપી હતી એટલે ભાભી ઊઠ્યાં. ને મારો પાટલો માંડી, ઠરી ગયેલું ભાણું ‘ગૅસ’ પર ગરમ કરવા બેઠાં. આવું ઘણી વાર ઘટતું, પણ ભાભી ભર્યે ભાવ જાતે પીરસીને જમાડતાં ને ખાઈ લઉં ત્યાં લગી સામે બેસીને વાતો કરતાં. પણ રોઝાલ્બાના આવતા રહેતા પત્રોએ હવે દેર-ભોજાઈની એ ઘડીભરની ગોઠ બીચ દખલ કરવા માંડી હતી. તે દિ' એક નવું જ પરબીડિયું આવ્યું હતું, ચાર પાનાંનો પત્ર લઈ. જમતાં જમતાં કોણ જાણે ક્યાંય લગી વાંચતો રહ્યો હોઈશ. અચાનક, મૂંગા મૂંગા પીરસતા જતાં ભાભી ટીખળમાં બોલ્યાં, ‘સગલીનો કાગળ આવ્યો છે ઈ તો સહજ વરત્યું, પણ ભલા ! એવું તે શુંય લખ્યું છે કે એક નહીં, બે નહીં, આ ત્રીજી વાર વાંચવા માંડ્યો ? !' ઓશિયાળું હસી જવાબ દીધો, ભાભી! સાચું કહીશ તોય નહીં માનો. એક તો પરભાષા ને આવડે ઓછી, એમાં આ જલેબીના ગૂંછળા જેવું હાથ લખાણ ઉકલે પછી જ સમજાયને પત્રનો ભાવ?! ભાભી હસી પડ્યાં. ઠાલો બચાવ નહોતો, હકીકત હતી. પણ ભાભી કેમેય માનવા તૈયાર નહોતાં. યજ્ઞેશ : આમ તો તમારા લગ્નને ટ્રાન્સ-કલ્ચરલ, ટ્રાન્સ-લિંગ્વલ, ટ્રાન્સ-કોન્ટીનેન્ટલ, એમ ઘણી રીતે જોઈ શકાય. રોઝાલ્બા ઈટાલિયન, તમે ઇન્ડિયન, તો તેમનાં માબાપ, વડીલો અને સગાસંબંધીઓ ને તમારાં માબાપ, કુટુંબીઓ, એમ કોઈ પક્ષે વિરોધ થયેલો ખરો? કોઈએ ‘સપોર્ટ' કરેલો? કોઈનેય એમ થયેલું કે આ છોકરાંઓ ખોટાં ખાબકે છે? પ્રદ્યુમ્ન : રોઝાલ્બાના કુટુંબમાં તો એનાં નાનીમા સિવાય કોઈને જ આ પત્ર-વ્યવહારની જાણ નહોતી. મારેથી ધાર્યા પત્રો લખાતા નહીં ને હળુ હળુ સ્પષ્ટ થતી જતી અપેક્ષાનો ઉત્તર ટાળતો રહેતો ત્યારે એ એમની કને હૈયું હળવું કરતી. ને નાની ધીર દેતાં કહેતાં, ‘મનમાન્યું ક્વચિત્ જ જડે. જીવને ખરે જ જચી ગયો હોય તો ઝાલી રાખજે !' આમ લગાટ બે વર્ષ આવતાં રહ્યાં, નિયમિત ને બંધાણ થઈ જાય એવા એ પત્રો ! છેવટ, બાપુ કહેતા હતા એમ જ, મારી કનેથી લગ્નની હા પડાવીને રહી ને પછી અન્ય કુટુંબીઓને લીધા નિર્ણય થકી વાકેફ કર્યાં. ને એને ભીતિ હતી એવો જ આકરો વિરોધ થયો. પણ એ ડગી નહીં. પ્રતિકારનું દબાણ બઢતું ગયું ત્યારે હિંમતભેર સહુને જણાવી દીધું કે નિજી જીવનસાથીની પસંદગી કરી શકે એટલી વયસ્થ અને કાયદેસરની હક્કદાર હતી! ને એને માટે કટિબદ્ધ હતી બધુંય છોડી જવા ! છેવટ, દીકરીની રઢ સામે મા-બાપે નમતું જોખ્યું પણ એ શરતે કે હું ઈટલી જઈ છ-આઠ માસ એમની ભેળો રહું. સહુ કુટુંબીઓ મને નિકટથી ઓળખતાં થાય પછી જ લગ્ન લઈ આપે! તટસ્થપણે વિચારતાં, મુજથી સાવ અપરિચિત તેમ જ નાનાવિધ પ્રસાર-માધ્યમો દ્વારા મળતા રહેતા ભડકામણા સમાચારો થકી ભારત વિષે પૂર્વગ્રહ બાંધી બેઠાં એનાં માબાપ અને કુટુંબીજનોનો ખળભળાટ અમુક અંશે સમજી શકાય એવો હતો. વાસ્તવમાં, રોઝાલ્બાનેય સહુને રાજી રાખી મનનું ધાર્યું કરવું હતું. આમ, આ સાંપડી સમજૂતી થકી એનો ઉમંગ બેવડાયો ને એણે લગ્નવિધિ અંગેની પૃચ્છા અને તૈયારી કરવા માંડી. મારે પક્ષે તો વિરોધનો કોઈ પ્રશ્ન જ નહોતો. ઊલટું સહુ રાજી હતાં. આખર આ રીઢા રખડુને બાંધનારી કોક મળી! ને સહુ ઉત્સુક હતાં એને જોવાં—આવકારવા. પણ એ અરસાની કથળી રાજકીય અને આર્થિક પરિસ્થિતિ બીચ ભારત બહાર જવું, ખરે જ કઠિન હતું. ઘણા યત્નો બાદ, ભાવિ શ્વસુરે મોકલી બાહેંધરી પરે ઈટલી જવાનો વિઝા મળ્યો ત્યારે વિધિએ એક નવું જ પારખું માડ્યું ! કોણ જાણે કેમ, સર્વ પ્રકારે રાજી એવા પિતાને શંકા થઈ આવી કે વખતે હું પરણીને સ્વદેશ ન પણ ફરું! આરંભના ઉમંગ-ઉલાળ પછી અણધાર્યા ઊભરી આ ભીતિની હૈયાવરાળ એ મા કને ઠાલવતા રહ્યા. વ્યથિત માએ, એક સાંજે, મારી હાજરીમાં જ મોઢામોઢ પૃચ્છા થકી શંકાનું નિવારણ કરી લેવા સૂચવ્યું. ખરે જ આઘાત પામ્યો એમનું કહેવું સાંભળી. શું મને એટલો નાદાન ને નગુણો માન્યો કે જેમને જીવથી ચાહ્યાં ને કેમેય જેમનું ઋણ ફેડાય એમ નહોતું એવાં જનક-જનનીની માયા ને આ ભરીભાદરી ભોમકામાં ઊંડે ઊંડે ઊતરી ગઈ જડોની ખેંચને અવગણી, લગ્ન બાદ પરદેશ રોકાઈ રહ્યો હોત ?! પણ આવેશમાં બોલાયા શબ્દો થકી જાણે ‘બળતામાં ઘી’ હોમાયું ને કડક સ્વભાવના પિતા સંગ વડચડ જામી ગઈ. ત્યાં અચાનક, મા સંગ દ્દષ્ટિ મળતાં, સાંભરી આવ્યો એમને દીધો કોલ ! જે કેવળ જનની જ નહીં પણ જીવનના આદર્શ થઈને રહ્યાં છે, એમણે એક દિ', આત્મીયતાની એક મધુર ઘડીએ, એમના હાથ મહીં મારો હાથ લેતાં થરકતે કંઠે કીધું હતું, ‘બેટા! માને ખરે જ ચાહતા હો તો મારું આટલું વેણ રાખજો : શબ્દની આમન્યા જાળવજો. એના જેવી અમોઘ ઑર કોઈ શક્તિ નથી, એ જ તારે ને એ જ મારે! ને આવેશ આવર્યો ન રહેતો હોય ત્યાંથી આઘા ખસી જઈ વણસતી વાતને થામજો !’ એમની છલછલ આંખો મહીં અટવાતી પીડાને ઓળખી ને ઉતાવળે બારણું ખોલી ઘર બહાર નીકળી ગયો. આકળે જીવ ક્યાંય લગી ચાલતો રહ્યો. મરીનડ્રાઈવને કાંઠે કાંઠે મોડી રાતે, આવેશ ઓસરતાં ઘરભણી પાછો વળ્યો. સવારે બેયને પગે પડી, ઉથાપ્યા કોલ ને વણચાહ્યા અકળાટ થકી દીધાં સંતાપ બદલ, અંતરથી ક્ષમા માગી લેવાનું વિચારતો, હળવે પાય ખંડમાં પ્રવેશી, પથારી બીચ લંબાયો. પડખેના ખંડમાં બેઉ આડાં પડ્યાં'તાં. વરત્યું કે જાગતાં હતાં, મારી વાટ જોતાં, ચૂપચાપ. રાત આખી ઊંઘ ન આવી. છેક પરોઢે સહેજ આંખો મળી, ને ઝબકી જાગ્યો ત્યારે દિવસ ચડી ગયો હતો ! જરીક, બંધ આંખોએ જ પડ્યો પડ્યો વિચારતો રહ્યો. પછી નજ૨ ફેરવતાં જ બારણા થકી બેયને ડોકાતાં જોયાં. હજી ઊભો થાઉં થાઉં ત્યાં તો બાપુએ નજીક સરકી, વણ બોલ્યે બથમાં લીધો. ભીડી બાંહો બીચ વરત્યો એમની છાતીના ડૂમાનો થરકાટ ને અસ્પષ્ટ, રૂંધાયા. બોલ, ‘દીકરા! પંડના સમાધાન આડે તારી મથામણને ન ઓળખી !' વાંકા વળી, એમને પગે પડવા ચાહ્યું પણ એમણે જકડી રાખ્યો. પડખે ઊભાં માની આંખો થકી નીતરતા ભીના હુલાસ મહીં ગરક થઈ ગયો પાછલી રાતનો વિષાદ ! યજ્ઞેશ : તમે એક વાર ઉલ્લેખ કરેલો કે નેપલ્સના એક નાનકડા ચર્ચનું તમારા જીવનમાં મોટું મહત્ત્વ છે. તમારી અંગત સ્મૃતિઓ જોડે સંકળાયા એ ચર્ચ વિષે કહોને! પ્રદ્યુમ્ન : રેઢિયાળ અકાદમીની અવેજીમાં દીધી હોય એમ નેપલ્સની નગરપાલિકાએ, અમારા જેવા પચીસેક પરદેશી વિદ્યાર્થીઓ માટે શહેરની બહુ જાણીતી ડુંગરી ‘પોઝિલ્લીપો’ પરે ‘પેરેડાઈઝ’ નામક હોટલમાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા કહેલી. આખોયે ત્રીજો માળ અમને ફાળવેલો. હરેકનો એક ‘સેલ્ફ કન્ટેઈન્ડ રૂમ’. જ્યોતિભાઈ ભટ્ટ અને હું અડખેપડખે ! અમારા ‘રેક્ટર’, એક નિવૃત્ત નેવી એડમીરલ, રોઝારિયો વિયોલા અને એમનાં પત્ની, એક મોટા બ્લૉકમાં અમારી ભેળાં જ રહેતાં. બેય સંતાનહીન એટલે અમારા બધા પરે ઘણી માયા. ‘બ્યુરોક્રાટીક’ ઢીલને કારણે, પેરુજ્જા શહેરની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં, ઈટાલિયન ભાષાનો ત્રણ માસનો પાયાનો અભ્યાસ પણ નહોતા કરી શક્યા એ જાણે એમના સેક્રેટરીને પ્રાથમિક ઈટાલિયન શીખવવાની ભલામણ કરેલી. રોઝાલ્બાની શીખવણી પણ ચાલુ જ હતી. અવારનવાર ઢળતી બપોરે, ‘મેરજેલિના’ના સમુદ્રકાંઠે થતાં થતાં, ડુંગરીની કડધારે આવ્યા એ ચર્ચના ચોક મહીં ઘડીક થોભતાં. ત્યાંથી કાયમ જોવું ગમે એવું શહેરનું કમનીય દૃશ્ય આંખો મહીં ભરી લેતાં. પછી રોઝાલ્બા બસ પકડી એની ફઈને ઘેર જતી ને હું ત્યાંથી થોડે જ દૂર, ચઢાણે આવી અમારી હૉસ્ટેલ ભણી. ત્યારે આછોય અંદાજ નહોતો કે આ ચર્ચ : અમારા માટે અતિ મહત્ત્વનું થઈ રહેશે. બે વર્ષ બાદ પરણવાનું નક્કી કરતાં વિચાર્યું કે જ્યાં પ્રથમ વેળા મળ્યાં એ નેપલ્સ શહેરમાં જ પરણીએ ને રોજ સાંજે જેના ચોકમાંથી છૂટાં પડતાં એ ચર્ચ મહીં લગ્નગાંઠે બંધાઈએ ! [હાસ્ય]. સ્થાનિક માછીમારોનું કહેવાતું એ ચર્ચ અમને પહેલેથી જ ગમી ગયેલું. બહારથી સાવ સામાન્ય લાગતા એ દેવળની ભીતર ભર્યો પડ્યો'તો આસ્થાનો એક અનોખો સંચય. જગતમાં બધે જ સરખાં કહી શકાય એવાં ભોળાં લોક-વરણે લીધી બાધા-આખડીની ચર્ચા શાં પ્રતીકો થકી ખીચોખીચ ભરી હતી મ્હાંયની ભીંતો ! યજ્ઞેશ : આપણે ત્યાં પણ ઘણાં થાનકે, માનતામાં લોકો હાથપગનાં પ્રતીકો ચડાવતાં હોય છે, એવાં ? પ્રદ્યુમ્ન : બિલકુલ એવાં જ. નાનાવિદ્ય કદનાં હાથ-પગ, સાથળ, છાતી-પેટ શા વ્યાધિમુક્ત થયાં અંગઉપાંગોની વચ વચ, ફલિત પ્રેમનાં બદામી ઘાટનાં કાળજાં ને સંતાન પ્રાપ્તિરૂપ બાળોતિયાં મહીં વીંટાયા બાળુડાંના, ચાંદીનો ઢોળ ચડાવેલ, ધાતુના બીબાઢાળ નમૂનાઓ ! ઘણાં તો દાયકાઓ જૂના. વીતી વેળાના રતુમડાં પાસવાળાં, મીણબત્તીઓની પીળી જ્યોતોને અંજવાળે જાણે જીવંત હોય એવા ભાસતાં. એ ભાતીગળ અંતરાગાર બીચ, ઈસા મસીહની સાથે ને શ્વશુરના કુટુંબીજનો અને નિકટતમ મિત્રોની હાજરીમાં, ‘૬૫ની ૧૫મી સપ્ટેમ્બરની તડકે ઝળાંઝળાં સવારે અમે પરણ્યાં, કશીય ધર્માન્તર વિધિ વિના! રોઝાલ્બાએ વૅટીકનના વહીવટ ખાતા કનેથી, એ અંગેની આગોતરી પરવાનગી મેળવી રાખી હતી. ભારત-ઈટલી વચ્ચેના લાંબા અંતર, ‘વિઝા'ની મુશ્કેલી અને ખર્ચને સમજી શકાય એવા બાધને કારણે મારા કુટુંબીજનોમાંથી કોઈ આવી શકે એમ નહોતું. પણ હોટલ ‘પેરેડાઈઝ’ની પેલી હૉસ્ટેલમાં રહી, હજીયે અભ્યાસ કરતાં કેટલાંક જૂનાં વિદ્યાર્થી મિત્રોમાંના- બે સ્પેનીશ, એક એક ટર્કીશ, જોરદાની, ઈરાની, અફઘાની અને ટાન્ઝાનિયન મળીને સાત, હૉસ્ટેલના ગૃહપતિ એડમીરલ વિયોલા અને પત્ની, અને હૉસ્ટેલની નજીકના જ આલીશાન મકાનમાં રહેતાં એક જાણીતા ડચ કલાકાર મિત્ર હાન્સ હારલોફ અને એમનાં પત્ની મારે પક્ષે, સાક્ષી રૂપે હાજર હતાં! ને એક વર્ષ બાદ, રોઝાલ્બાએ મનોમન લીધી માનતા મુજબ, ચર્ચના ‘પેટ્રન’ સંત આન્તોનિયોની સ્મૃતિમાં, અમારી પહેલી દીકરીનું નામ પાડ્યું. ‘આન્તોનેલ્લા’! આવાં નાનાવિધ તાણે-વાણે કાયમનું વણાઈ ગયું છે એ ચર્ચ અમારા જીવનપટે! યજ્ઞેશ : ઈટલી તો કળાનું ધામ. સદીઓના સભર કલાવારસાના, શિલ્પ સ્થાપત્ય અને ચિત્ર શૈલીએ નોખા નોખા પિરિયડો પૈકી તમને વધુ ગમતો કયો? પ્રદ્યુમ્ન : અમને બેઉને સહુથી વધુ ગમતો સમયગાળો તે રોમાનિક. એ અરસાનાં સ્થાપત્યો- બહુધા દેવળો અને મઠોની, આંતરિક સાધનાને અનુરૂપ એવાં માનવીય માપની ‘ફ્રૂગલ, એસેન્સીઅલ યટૂ હાઈલી એલીગન્ટ' બાંધણી અને બાર-બારીનાં શિલ્પો જેવી સજાવટ અમે ઑર કશામાં નથી જોઈ કે નથી અનુભવી ભૌતિક સ્તરથી પર એવાં ભિત્તિચિત્રો થકી ઊભરતી એક ‘મીસ્ટીક ઈન્ટીમસી'. યજ્ઞેશ : રોમાનિક સમયગાળો કર્યો? પ્રદ્યુમ્ન : અગિયારમીથી તેરમી સદી લગીનો. યજ્ઞેશ : એટલે ‘પ્રી-રેનેસાં' ? પ્રદ્યુમ્ન : હા, રોમાનિક પછીનો ગોથીક અને એ પછીનો રેનેસાં. રેનેસાંના ‘ઓવર પાવરીંગ સ્કેલ અને નીઓક્લાસીકલ’ સન્નિવેશ આડે, ઘણા કાળ લગી રોમાનિક ગાળાનું સર્જન પછાત અને ઊતરતી કોટિનું ગણાયું. હવે એનું નોખું જ મૂલ્યાંકન થાય છે. યજ્ઞેશ : એવું શા કારણે કે સમય જતાં મૂલ્યાંકનો બદલાય ? ! કલા તો એની એ જ રહે પણ એ અંગેનાં ‘સેન્સીબિલિટી’ અને ‘પરસેપ્શન’ બદલાય ! પ્રદ્યુમ્ન : એવું તો કાયમને બધે જ થતું આવ્યું છે ને! કોઈક ગાળા દરમિયાન એક નિશ્ચિત કલાપ્રકાર, ઑરની બોલબાલા આડે વગોવાતો ને અણપ્રીછ્યો રહે પણ સાચું મૂલ્યાંકન તો કાળ જ કરતો હોય છે! એ પછી જે પ્રસ્થાપિત થાય એ નિશ્ચિત રૂપે દેશના સાંસ્કૃતિક વારસાનો હિસ્સો બની રહે. યજ્ઞેશ : તમે તો ઘણીય ચિત્રવીથિઓ જોઈ હશે. મધ્યકાલીન ચિત્રકારો પૈકી તમને ગમતા કયા ? પ્રદ્યુમ્ન : ચીમાબુએ, જ્યોન્તો, સિમોને માર્તિની, લોરેન્ઝેન્તી ને પીએરો દેલ્લા ફ્રાન્ચસકા જેવા કલાકારો અમને રેનેસાંના ખ્યાતનામ લેઓનાર્દો વિન્ચી, મીકેલ આન્જેલો કે રાફ્ફા એલ્લો કરતાંય વધુ ગમે છે.
યજ્ઞેશ : આવું નિવેદન ગુલામ મોહમ્મદ શેખે પણ કરેલું! તો એ બધાનું કામ ગમવાનું કારણ શું? પ્રદ્યુમ્ન : કેવળ શબ્દો દ્વારા એ સમજાવવું સહેલું નથી. વળી કલાઅભ્યાસ થકી ઘડાઈ દૃષ્ટિ અને હથોટીની સાથોસાથ વ્યક્તિગત રુચિનું અગત્ય પણ અહીં ગણવું રહ્યું. સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે એમનાં ચિત્રોનું કથાવસ્તુ બહુધા ધાર્મિક કેથોલિક સંપ્રદાયને લગતું હોવા છતાંય રોમાનિક કલાશૈલીના, વાસ્તવિકતાને વળોટી જતાં બાહ્ય અને આંતરિક તત્ત્વોને વણી લેતાં એમના ચિત્ર-સંયોજનોનું સૌષ્ઠવ, એક અનોખી સાંપ્રતીક અનુભૂતિ કરાવતાં રહે છે. યજ્ઞેશ : હવે થોડુંક આધુનિક કલાકારો વિષે. મેટાફિઝીકલ ચિત્રકાર જોર્જો દે કિરીકો તમને ગમે છે? પ્રદ્યુમ્ન : બહુ નહીં. અંગતપણે એ કલાસરણી બહુ ગમતી નથી. યજ્ઞેશ : ને જેણે બહુધા શીશીઓનાં જ સેંકડો ચિત્રો કર્યાં છે એ જોર્જો મોરાન્દી? પ્રદ્યુમ્ન : અમને બેઉને ખરે જ પ્રિય છે. પ્રચલિત વાદ-વલણોથી પર રહી, કેવળ નિજી રુચિ-સૂઝને અનુસરતા રહ્યા એ કલાકારે નાનાવિધ શીશીઓ, ફૂલદાન અને બરણીઓનાં બ્લેક ઍન્ડ વ્હાઈટ ડ્રોઇંગ અને આછા પેસ્ટલ રંગોમાં, એકંદરે ‘ઍબસ્ટ્રેક્ટ' કહી શકાય એવાં ચિત્રસંયોજનોની ખરે જ કમનીય હારમાળા સરજી છે. યજ્ઞેશ : તો તમને ગમતાં હોય એવાં ‘ઍબસ્ટ્રેક્ટ' કલાકારો પણ ખરા ? ! પ્રદ્યુમ્ન : ત્રણ : આફ્રો, બુર્રી અને કાપોગ્રોસ્સી, ત્રણેયમાંથી એકેય હયાત નથી. '૬૧/૬૨ની સ્કૉલરશિપ લઈ ઈટલી ભણવા આવ્યો એ અરસામાં, રોમની મૉડર્ન આર્ટ ગૅલેરીમાં પ્રથમ વેળા એમનાં ચિત્રોને જોતાં, અમૂર્ત કલાપ્રકાર પણ કેટલો ‘પાવરફૂલ' હોઈ શકે એ ખરેખાત પ્રમાણ્યું. હું તો ત્યારે ‘ફિગરેટીવ' લઘુચિત્રો કરતો ને તોય એમનું કામ જોઈ રોમાંચિત થઈ ઊઠેલો. વખતે 'પ૯થી '૬૧ના ગાળા દરમિયાન, ભારતની ટેક્સટાઈલ મિનિસ્ટ્રીના ઉપક્રમે, આપણી સદીઓ જૂની વસ્ત્રપરંપરાઓ અને પદ્ધતિઓના અભ્યાસ - ભાતભાતના વણાટ, પોત, રંગાઈ, ભૌમિતિક ડિઝાઈન કલ્પનોનાં નાનાવિધ સંકલનો દ્વારા જાણ્યેઅજાણ્યે અમૂર્ત પ્રત્યેની ‘સેન્સીબીલીટી’ કેળવાઈ હશે. ખેર, એમના કામથી એવો પ્રભાવિત થયેલો કે મેં પણ એ પ્રકારનાં ચિત્રો કરવા માંડેલાં. પણ રહીરહીને થતું કે એમને પગલે ચાલતાં નિજી કહી શકાય એવું કશું ઊભરતું નહોતું! છતાંય એમના કામ દ્વારા આસપાસની વસ્તુઓને નિહાળવાની એક નવી જ દૃષ્ટિ જડી હતી એ સતત પ્રેરતી રહી એક નવી જ દિશા, એક નવું જ માધ્યમ ગોતવા. ને ‘સ્ટ્રેન્જલી ઈનફ આઈ ફાઉન્ડ માય વે થ્રુ ફોટોગ્રાફી, વીચ વૉઝ જસ્ટ ધ ઓપોઝીટ ઑફ પેઈન્ટિંગ !’ યજ્ઞેશ : પ્રદ્યુમ્નભાઈ, મારી સમજ મુજબ તો ફોટોગ્રાફી મુખ્યત્વે દસ્તાવેજી માધ્યમ ગણાય. એ દ્વારા મૌલિક એવાં ઍબસ્ટ્રેક્શન્સ કઈ પેરે નીપજે ? પ્રદ્યુમ્ન : આરંભે તો આપણાં પારંપારિક કલા-કસબોના દસ્તાવેજીકરણ માટે જ કૅમેરા વાપરતાં શીખ્યો, ફોટોગ્રાફી જાણતાં મિત્રોના માર્ગદર્શન થકી બહુધા આપમેળે જ. પછી, એના જ અનુસંધાનમાં થતાં રહેતાં ભ્રમણો દરમિયાન, આપણી તળપદી ભોમનાં નાનાવિધ પાસાંઓ – પ્રકૃતિ, મોસમી દૃશ્યચિત્રો, ગ્રામ-સમૂહો, ભાતીગળ જનજાતિઓ, એમના પહેરવેશ અને ઉત્સવો વગેરેની છબીઓ લેતાં ને એ વિષે લેખો લખતાં, ને કૅમેરામાંય ન ઝિલાયું એવું કંઈ કેટલું ભીતર સંઘરી લેતાં, જે સરતાં જતાં સમયની સાથોસાથ, નિજી પદ્ય, ગદ્ય અને ચિત્રણ રૂપે ઊભરતું રહે છે અવારનવાર ! તમારી સહજ પૃચ્છાના જવાબમાં થોડુંક વધુ ઉમેરું. પેઈટિંગમાં તો મરજી મુજબ ‘મનીપ્યુલેટ' કરી શકાય. સાવ નવેસરથી ચીતરી શકાય. જોઈતું ઉમેરી શકાય, કે પછી કાઢી શકાય. જ્યારે ફોટોગ્રાફીમાં તો જે સામે પડ્યું છે, જેને હરકોઈ જોઈપ્રમાણી શકે છે, એ વાસ્તવિકતા થકી, નિજને અડી જતું પરખી, કૅમેરા વડે મૂળ સંદર્ભ થકી તારવી, પોતાનું કરી લેવાનું! ને હવે તો 'હાઈલી કોમ્પ્યુટરાઈઝ્ડ ડીજીટલ' કૅમેરાઓ મળતા થયા છે, આમ, કોઈ પણ ‘ટેક્નિકલી’ સારા ફોટાઓ પાડી શકે. પણ મૌલિક કે પછી વ્યક્તિગત કહી શકાય એવું તો સતત શોધનશીલ, બાહ્ય અને ભીતરી આંખની અનુભૂતિ અને સંવેદના થકી જ નીપજે. ને એ કેળવાતી રહે એ વિચારે જાતે થઈ એક નિષેધ આંક્યો : અન્ય ઉપકરણોના કશાંયે ‘ગીમીક્સ’ વિના, કેવળ કૅમેરાની ઝાંખણ-બારી થકી ફોટાની છપાઈ વેળાએ કશુંય ‘માસ્કીંગ કે ક્રોપીંગ’ ન કરવું પડે એટલું જ ‘કંપોઝ' કરી અંકિત કરવું! એ સહેલું નહોતું. પણ ધીમે ધીમે, આયાસ થકી ફાવટ આવતી ગઈ ને હવે તો બહુ મજા પડે છે. ‘ઈટ સ્યોર ઈઝ એન એક્સાઈટિંગ મિડિયમ !' આ પ્રકારના ‘ઍબસ્ટ્રેક્ટ' ફોટાઓનું પહેલું પ્રદર્શન, “એબીસી -ઍબસ્ટ્રેક્ટ'ના શીર્ષક સહ, મને પ્રિય એવી ઉપરોક્ત ત્રિપુટી – આફ્રો, બુર્રી અને કાપોગ્રોસ્સી – ને અર્પણ કરેલું. શીર્ષકનું એક ઑર અર્થઘટન તે નવા શીખ્યા માધ્યમની બારાખડીના શ્રીગણેશ શા ‘એબીસી’ ! યજ્ઞેશ : ફોટોગ્રાફીનાં એવાં ઑર ‘થીમેટિક એક્ઝીબીશન્સ' કર્યાં હોય તો એ કયાં કયાં ? પ્રદ્યુમ્ન : કુલ ચાર. એ પૈકીનું સૌથી પહેલું તે ‘ડિઝાઈન એલીમેન્ટ ઈન અમેરિકન સિટીસ્કેપ્સ'. '૮૧માં, શિકાગોની સ્કૂલ ઑફ ધ આર્ટ ઇન્સ્ટિટ્યૂટની શીખવણીની ટર્મ દરમિયાન આવી એક શ્રેણી આરંભેલી જે ઉદ્ભવી, મેં વર્ગમાં દાખ્યા એક સ્લાઈડ શોના અનુસંધાનમાં, ગુજરાત- રાજસ્થાનનાં નાનાવિધ પારંપારિક ડિઝાઈન કલ્પનો જોતાં કેટલાક વિદ્યાર્થીઓ બોલી ઊઠેલા, ‘તમને તો આ બધું સદીઓ જૂના તમારા કલાવારસામાં મળ્યું, અમારે ત્યાં તો એવી કોઈ પરંપરા જ ક્યાં છે?!' ને મેં જવાબ વાળેલો, ‘માનીએ કે ભારત જેવો પારંપારિક કલાવારસો તમને નથી મળ્યો, પણ જેને સાંપ્રતીક, આધુનિક કહી શકાય એવાં ડિઝાઇન-કલ્પનો તો તમારી ચોગમ પડ્યાં છે! હું તો કેવળ બે માસથી જ અહીં છું, પણ આવાં કલ્પનોના કોડીબંધ ફોટાઓ મેં અંકિત કર્યા છે તમારા ‘સિટીસ્કેપ' થકી |’ સહુ વિદ્યાર્થીઓએ ઉત્સુક થઈ એ જોવા ચાહ્યું ને જોઈ, ઉત્તેજિત થઈ અન્ય શિક્ષકોને વાત કરી, એટલે એ બધાયનેય દેખાડ્યાં. છેવટ વાત પહોંચી શહેરના મુખ્ય અખબાર ‘શિકાગો ટ્રીબ્યુન’ લગી જેના એક ‘સન્ડે એડીશન'માં એમાંનાં કેટલાંકને છાપતાં, પત્રના ચીફ એડીટરે લખેલું :
REFLECTING ON A CITY'S SHADES AND SHAPES
Most of us dash hurriedly from one place to another, so intent on our destinations that we ignore the surroundings. Indeed, sometimes it takes a visitor to show us the intriguing aspects of things we see as mundane - if we even look at them at all. Such a visitor is Pradumna Tana, a native of India, who now lives in Italy, where he designs fabric prints and works as a free-lance magazine writer and photographer. On a trip to Chicago this winter as a visiting lecturer and designer in the Fiber and Fabric Department of the School of The Art Institute, Tana become fascinated by Chicago's 'geometry' – the patterns, angles and designs he saw everywhere around him. ‘The city has so many patterns and they continuously keep changing with the light', he says. ‘The same scene can look altogether different, depending on the time of the day.' Frequently using a telephoto lens ('It flattens the distances and accents the shapes') Tana saw a city laced with patterns, textures and shades that were ever changing. એક દાયકા બાદ, '૯૨માં ‘ડિસ્કવરી ઑફ અમેરિકા'ની પાંચમી શતાબ્દીની (સહિયારી, ઈટાલો-અમેરિકન) ઊજવણીને લક્ષમાં રાખી, મિલાનની ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઇન્ફરમેશન સર્વિસ’ (યુસીસ)ના અધિકારીઓને આવી પૃચ્છા કરેલી : ‘હકીકત પ્રમાણે તો કોલંબસ ‘ઇન્ડિયા’ શોધવા નીકળેલો ને જઈ પહોંચ્યો અમેરિકા! ને એથી જ તો ત્યાંના આદિવાસીઓ ‘ઇન્ડિયન’ તરીકે ઓળખાયાં. આજે હવે એક ‘ઓરિજિનલ ઇન્ડિયન’, નિજી દૃષ્ટિએ અમેરિકાને ખોળી લાવ્યો હોય એવી ફોટોસામગ્રીમાં તમને રસ પડે ખરો ? !’ મારી શબ્દરમતથી રમૂજ પામી 'યુસીસ'ના અધિકારીઓએ જોવા ચહી ને પછી તો એમની લાઇબ્રેરીના વિશાળ ખંડમાં, આમજનતા માટે એક માસ લગી પ્રદર્શન રૂપે રાખી. ને વર્ષબાદ, મેં ભારતમાં કરવા ધાર્યા એક ઑર ફોટોગ્રાફિક પ્રદર્શન, ‘ઇન્ડિયા ધેટ અનકેની ટાઇમલેસનેસ'ની સાથોસાથ ફરીને મુંબઈ, નવી દિલ્હી, અને અમદાવાદ-શાં નગરો મહીં ‘સ્પોન્સર’ કરેલું. એ બીજા ફોટોગ્રાફિક એક્ઝીબીશનની પરિચય-પ્રસ્તાવનામાં મેં આમ લખેલું : India is a land of incredible contrasts. It has the world's highest mountain ranges and a huge, hostile desert. It has lush green tropical forests and bleak, salty wastelands ! It is a land where abject poverty and glaring opulence profound spirituality and stifling orthodoxy, primitive work procedures and up-to-date technical know-how, elegant artifacts and shocking kitsch, go side by side. Even time seems to linger here between such extremes... These photos are usual annotations clicked during my sporadic, off-beat wanderings in the native land, often improvised and without any specific destination, guided only by an incurably nomadic instinct! They carry no promotional messages nor do they denounce anything, and may be viewed and assessed singly. They represent moments which have filled up my eyes and spirit with beauty and serenity. They serve as anchors against the varied upheavals of daily living... ત્રીજું તે ‘એબીસી-ઍબસ્ટ્રેક્ટ', જેને વિષે વિસ્તારથી કહી ચૂક્યો. ચોથું હતું : ‘ધ સી' (The Sea) : અમારા બેઉના સહિયારા કામનું. અદ્રિઆતિક સમુદ્ર જળ અને રેતાળ કાંઠાના મારા ફોટાઓ અને ભીતરની જળચર સૃષ્ટિ પરે આધારિત, રોઝાલ્બાના ‘ફાઈબર’ શિલ્પોનું. મિલાનના એક્વેરિયમને ઉપક્રમે યોજાયું. યજ્ઞેશ : એમના આલ્બમમાં હમણાં જ એક ફોટો જોયો જેમાં જાણે કોરલ-પરવાળાનું બન્યું હોય એવું શિલ્પ છે! પ્રદ્યુમ્ન : સાચું. પણ એ રોઝાલ્બાનું તાજેતરનું કામ છે. ‘સિસલ ફાઈબર્સ' થકી બનાવેલું, પલંગ જેવડું મોટું! અમારા ઉનાળુ રહેઠાણ મોન્તેસિલ્વાનોમાં, મોસમ દરમિયાન હરરોજ કશુંક નવું કરતી રહી એ. કંઈ કેટલી વેળા, તેજમંડિત આભ અને સમદરના ઝળાંહળાં જળપથાર દ્વારા, કવિ ઉન્ગારેત્તીની પેલી અતિ જાણીતી અને રમ્ય પંક્તિ – ‘અસીમ થકી ઉજાળું સ્વને' – ને ફોટા મહીં અંકિત કરી છે. આજ લગી સેંકડો ફોટાઓ પાડ્યા હશે ને તોય કશું ને કશું નવું જ લાધતું રહે છે. વાસ્તવમાં, એકેય દિન સરખો નથી હોતો ને હરેક દિન નિજી અચરજોનો નોખો જ ભંડાર લઈ આવતો હોય છે. અનુકૂળ સંજોગો અને ધારી જોગવાઈ થતાં આ જ વિષયવસ્તુનું એક સંવર્ધિત પ્રદર્શન કરવાની ઇચ્છા છે. ઉપરાંત બીજાં બે ફોટોગ્રાફિક પ્રદર્શનોની સામગ્રી પણ તૈયાર પડી છે. એકનું વસ્તુ છે : ‘વર્ક ઈન પ્રૉગ્રેસ = સમારકામ ચાલુ છે' એવી સંજ્ઞાવાળાં પાટિયાંઓની આસપાસ થઈ રહી રસ્તાઓની ખોદાઈ, ખોદાઈને ‘કૉર્ડન' કરતી રાતી-પીળી પ્લાસ્ટિકની ‘પરફોરેટેડ' જાળીઓ, પોલી ઈંટોના ઢગલા, મકાનોના સમારકામને આવશ્યક એવાં મચાન- માળખાંનાં ઢેર ને પ્લાસ્ટિક-કંતાનોનાં આવરણો ને નાનાવિધ કાટમાળે ભર્યાં, અસ્તવ્યસ્ત વાતાવરણ થકી સાંપડી, વણકલ્યાં ગ્રાફિક સંયોજનોની સામગ્રી. બીજાનું વસ્તુ છે :’રેમીનીસન્સીસ ઑફ ફાર-ઈસ્ટર્ન પેઈન્ટિંગ્સ’. ચીની જાપાની કલાકારોએ, કેવળ કાળી શાહીમાં પરભાર્યાં પીંછી વડે કીધાં કૈલીગ્રાફિક આલેખોના અણસાર સમા, નિજી કૅમેરા થકી અંકિત કીધાં વૃક્ષ-વેલીઓ અને જળવિહંગોનાં પ્રાકૃતિક ચિત્ર-સંયોજનો.
યજ્ઞેશ : અહીં દૂર બેઠાં બેઠાં, અમને તો ઈટલી અંતર્વિરોધથી ભરપૂર હોય એવું લાગે. જગતને જેણે લૅટીન ભાષા આપી, કાયદો ને વ્યવસ્થા આપ્યાં, રેનેસાં જેવો નવજાગૃતિનો દીર્ઘકાળ આપ્યો, એણે જ સાથોસાથ રોમન સામ્રાજ્યવાદ ને ગઈ સદીની 'ફાસિસ્ટ’ વિચારસરણી ને આફ્રિકાનો 'કોલોનિયાલીઝમ' પણ આપ્યો હોય! હાલ, એક તરફથી કમ્યુનિસ્ટોનો પ્રભાવ હોય, બીજી બાજુથી કેથલીક ચર્ચનો. આવી સહોપસ્થિતિવાળું ઈટલી તમને કેવું લાગે છે? પ્રદ્યુમ્ન : છેલ્લા ત્રણ દાયકામાં, પશ્ચિમ યુરોપના નાનાવિધ દેશોનો જે થોડોઘણો પરિચય થયો છે એ વિચારતાં ઈટલીમાં ખરે જ ઘર જેવું લાગે ! યુરોપના ‘ગાર્ડન’ રૂપે ઓળખાતો ને ભૌગોલિક વૈવિધ્યે ભારત જેવો જ રળિયામણો ને સદીઓ પુરાણી સંસ્કૃતિએ ભર્યો ભર્યો દેશ. આબોહવા, લોકોની રહેણી ને ખાણી-પીણી, કૌટુંબિક સંબંધો અને વાચાળ-વિનોદી વૃત્તિ, બધુંય ભારતની યાદ અપાવે. સરકારી કારોબારની ‘બ્યુરોક્રસી’ અને ઘર કરી ગયાં ભ્રષ્ટાચારનાં દૂષણો પણ આપણી બરોબરી કરે એવાં ! [હાસ્ય] અને ‘મેલોડ્રામા’ તો ઈટાલિયનોની આગવી ખાસિયત. રજનું ગજ કરવામાં એમની કાબેલિયતને કોઈ ન પહોંચે ! આમ સહજપણે કહી શકાય કે કોઈ ને કોઈ કારણે, યુ મે કન્ટીન્યુઅસલી બી ફ્રસ્ટ્રેટેડ ઓર ઈરીટેટેડ, બટ યુ કેન નેવર બી બોર્ડ ઈન ઈટલી'!! [બન્નેનું હાસ્ય]. વળી આપણી ભાષા પણ ઈટાલિયનને બહુ મળતી લાગે. આરંભે, ને હજીયે એનો અભ્યાસ કરતાં થઈ આવે કે આ પરભાષા છે કે પછી. આપણી જ! વ્યાકરણથી માંડીને સેંકડો શબ્દોના ઉચ્ચાર અને અર્થોય આપણા જેવા લાગે ! ક્યારેક એ વિષે વિગતે લખવાનું મન થઈ આવે પણ નાનાવિધ રોજિંદી કાર્યવાહી આડે ધારી નવરાશ નથી મળતી.
યજ્ઞેશ : વખતે આવું સરખાપણું, મૂળ સંસ્કૃત થકી ફંટાઈ લૅટીન અને એ થકી નીપજી ઈટાલિયન, સ્પેનીશ, પોર્ચુગીઝ, ફ્રેન્ચ વગેરેને કારણે હોય. એ બધામાં ઈટાલિયન થોડી વધુ ‘મ્યુઝિકલ' લાગે, ખરું? ! પ્રદ્યુમ્ન : સાચું. એ મોટા ભાગના શબ્દોને અંતે આવતાં સ્વરો (ઈટાલિયન બારાખડી પ્રમાણે) આ, એ, ઈ, ઓ, ઉ ને કારણે. આમ આપણે ઈટાલિયનને યુરોપની ‘બંગાળી’ કહી શકીએ.
યજ્ઞેશ : ઈટાલિયન સાહિત્ય થકી તમે ઘણુંય વાંચ્યું હશે ને સતત વાંચતા રહેતા હશો. ઉન્ગારેત્તી અને મોન્તાલેની કવિતાના તો સીધા ઈટાલિયનમાંથી અનુવાદો પણ કર્યા છે. તો ત્યાંના સહુ સાહિત્યકારો પૈકી તમને ગમતા કયા કયા? પ્રદ્યુમ્ન : હવે તો એ યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. પણ મને બહુ ગમતામાં જુઝેપો ઉન્ગારેત્તી, એઉજેનિયો મોન્તાલે, સાલ્વાતોરે ક્વાઝીમોદો, લુઈજી પીરાન્દેલ્લો, ચેઝારે પાવેઝે, ઈતાલો કાલ્વીનો વગેરેને ટાંકી શકું. અગાઉ જેમનો પરિચય અંગ્રેજી અનુવાદો દ્વારા થએલો એ બધાંને હવે પરભાર્યા ઈટાલિયનમાં જ વાંચતાં એમની સર્જન પ્રતિભાના આંતરરાષ્ટ્રીય વ્યાપને સાચા અર્થમાં પ્રમાણું છું. પીરાન્દેલ્લો બહુધા એનાં નાટકો માટે જગવિખ્યાત છે. જેમની સરખામણીમાં, સન ૧૯૨૨થી આરંભી ‘નોવેલ્લે પર ઉન આનો' (વર્ષભરની નવલિકાઓ) નામક એટલી જ સઘન અને સચોટ લઘુકથાઓની શ્રેણી કંઈક અણપ્રીછી જ રહી છે. ખરેખાત તો એનાં ઘણાં નાટકો આ લઘુકથાઓ થકી ઉદ્ભવ્યાં છે એમ કહી શકાય. કશાયે ડોળ દમામ વિનાની, સીધી, સરળ ને ત્વરિત સરતી કથાઓ મહીં આળેખાઈ અસ્તિત્વની ક્ષણભંગુરતા, શિથિલતા અને અરાજકતાને સતત પ્રમાણતી લેખકની વેધક દૃષ્ટિ, ખંડિત કરતી રહે છે ઠાલી ધારણાઓ ને ધરપતને, નોબેલ પારિતોષિકથી સન્માનિત આ સમર્થ સાહિત્યકારના ‘લેખકની શોધમાં છ પાત્રો' નામક વિખ્યાત નાટકના ફણગા રૂપે, સદી પહેલાના એક વિગ્રહને કેન્દ્રમાં રાખી લખાઈ એક લઘુકથાનાં કડવાં, ઉઘાડાં સત્યો, સતત ઊભરતા વિગ્રહો અને સંઘર્ષોથી ભરેલા આ સાંપ્રતકાળમાં પણ એટલાં જ યથાર્થ અને વેધક લાગે. ટૂંકમાં, વિષયવસ્તુ કંઈક આવું છે : કથાનાયકે એની ઑફિસના બારણે ચોડ્યા એક પતાકડામાં લખ્યું હતું : ‘જેમણે પ્રમાણપત્રો સાથે કોઈ નવલકથા કે નવલિકામાં પોતાના સમાવેશ માટેની અરજી કરી હોય એવાં હરકોઈ વર્ગ, વય અને વ્યવસાયનાં સ્ત્રી-પુરુષ પાત્રો જોડેના વાર્તાલાપો આજથી રદ છે.’ તા.ક. : આવા સંજોગોમાં, નિજી કિસ્સાઓનું દારિદ્રય રજૂ કરનાર સહુ શ્રીમાન પાત્રો, તેમના પ્રમાણપત્રો અને અરજી પાછા લઈ જઈ અન્ય લેખકોનો સંપર્ક સાથે, જો સાંપડે તો.
વાસ્તવમાં, કથાનાયકનો એકનો એક દીકરો આપમેળે સૈન્યમાં ભરતી થઈ ઑસ્ટ્રિયન સરહદે જામ્યા યુદ્ધમાં લડવા ગયો છે. એથી અતિ ઉદ્વિગ્ન, એવી અવસ્થામાં, મળવાની મના કરી હોવાં છતાંય બહુ બોલકું અને ક્યારનું પૂંઠે પડ્યું એક પાત્ર આવીને, પતાકડામાં નિર્દેશ્યા ‘આવા સંજોગો' વિષેનો ખુલાસો માંગતું રહે છે. એથી ધૂંઆપૂંઆ થતો નાયક એને ઑફિસની બહાર ધકેલી દે છે. પણ પેલું વાચાળ - અને કલ્પિત હોવાને કારણે સ્થૂળ બંધનો વિનાનું – પાત્ર એનો પીછો છોડતું નથી. ને પછી બેયની જામી વડચડના સંવાદો દ્વારા લેખકે અસ્તિત્વના મહિમાનું એક નોખું જ દર્શન કરાવ્યું છે! ખરે જ વાંચવા જેવી કથા છે. પાત્રો સંગ પરિસંવાદના શીર્ષકવાળી આ લઘુકથાનો અનુવાદ ત્રણેક વર્ષ પૂર્વે, યુ.કે.થી પ્રકટ થતા માસિકપત્ર ‘ઓપિનિયન' મહીં છપાયો હતો. ને લો, વાત માંડી જ છે તો એમાંનાં કેટલાંક અવતરણો ટાંકું : મને બ્હાર ફેંકી દેવો છે? કશુંય થવાનું નથી મને. હું તો ફરીથી આવીશ સ્ટુડિયોમાં પેલી બારી વાટે. શું લાગેવળગે મને, પંખીઓ, ગુલાબો અને ફુવારાને તમારા યુદ્ધ સાથે? મેનાને પેલા વૃક્ષેથી ઉડાડી મૂકશો તો જઈ બેસશે પાસના બગીચાના વૃક્ષ પરે ને ટહુક્યા કરશે મોજથી ! જાવ, બોલતી બંધ કરી દો પેલી મેનાને ને ઉખેડી નાખો. બાગોનાં બધાંય ગુલાબોને! નથી માનતો કે તમને મોઢું બાંધવા દે પંખીઓ અને સહેલું નથી બધાય બાગો થકી ઉખેડવા આ વાસંતી ગુલાબોને. અને મારું માનો તો ફગાવી દો આ બધાં છાપાંને. છેવટ ખરે જ વખાણશો મને. કેમકે એ બધીય છે સરી જતી ઘટનાઓ. ને કશુંક આંકશે તોયે ન આંક્યા બરોબર. કારણ એ આંક્યા પછીય કાયમ આવવાની છે વસંત. જુઓ, ગુલાબો ઓછાંવત્તાં હશે તોય રહેશે એની એ જ. અને મનુષ્યોને જરૂર છે સૂવા ને ખાવાની, રોવા ને હસવાની, હિંસા અને પ્રેમની. ગઈ કાલની રમૂજ પરે રોવાની, આજે મર્યા પરે પ્રેમ કરવાની. વાગાડંબર, ખરુંને ? લાગે જ ને ! કારણ એવાને બાલિશપણે માનો છો કે યુદ્ધને કારણ બધું જ બદલાવું જોઈએ. શું બદલાવું એ વ્યક્તિઓની સાથેસાથ જે એમને વળોટી શકતી નથી. રહે છે જીવન, એ જ અપેક્ષા, એ જ ઉન્મેષ, એ જ ઉમળકાથી ભર્યું, જાણે કશુંય ન ઘટ્યું હોય એવું દયાપાત્ર છે. અડિયલ અને આંધળી જીદ. ધૂંધવાઓ છો, ક્રોધે ભરાઓ છો જે કોઈ તમારી જેમ ન વરતે તેની સામે ! જે કોઈ હલી ન ઊઠે તેની સામે. તમે વિચારતા હશો કે બધું નષ્ટ થઈ ચૂક્યું છે, ને સંભવ છે કે થઈ ચૂક્યું હોય તમારે માટે. પણ ક્યાં લગી ? તમે કંઈ મરી નથી જવાના તેને માટે. જુઓ, જેને શ્વસો છો તે હવા તમને કહેતી નથી કે તમે જીવો છો. વાસંતી બાગો મહીં પંખીઓનો કલરવ સાંભળો છો પણ બાગ કે પંખીઓ તમને કહેતાં નથી કે તમે જીવો છો. એમની મહેકને શ્વસતાં ને એમનાં કલરવને સાંભળતાં. તમને આવરી ગઈ છે એક તુચ્છ વિટંબણા. ઉઘાડી ઈન્દ્રિયો થકી તમારા ભીતરમાં પ્રવેશતા જીવનની ગણના જ નથી! ને પછી કકળો છો. શા માટે ?’ મને બહુ ગમતો એક ઑર લેખક તે ચેઝારે પાવેઝે, ‘ફેરીએ દ’ગોસ્તો' (અગસ્તની રજાઓ) નામક એના એક સંગ્રહની ઘણી લઘુકથાઓના અનુવાદો મેં કર્યા છે. નિજી વતનની તળપદી ભોમ અને પ્રકૃતિના માદક, ઇન્દ્રિયગમ્ય અલસ્ય અને ગ્રામીણ પાત્રોના સાલસ, યૌવન ઉભારનાં એના આળેખ, ખરે જ સ્પર્શી જાય એવાં છે. પાવેઝેએ કાવ્યો પણ લખ્યાં છે, ઈટાલિયન તેમ જ અંગ્રેજીમાં પણ. યજ્ઞેશભાઈ, કરવું તો ઘણું ઘણું છે પણ સમય જાણે ઓછો પડે છે.
યજ્ઞેશ : આ તો ગાલીબ કહે છે તેમ, ‘હજાર ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે!’ જેવી વાત થઈ એટલે પંચોતેરમે વર્ષેય સાહસ કરતાં રહેવાનું, ખરું ને ? ![ બેયનું હાસ્ય]. પ્રદ્યુમ્ન : આમ જુઓ તો ‘ફોર્મલી' ઈટાલિયન ભણવાનો ધાર્યો અવસર કે નિશ્ચિત સમયગાળો જ નથી મળ્યો. હું તો જે કાંઈ શીખ્યો છું અને હજીય શીખતો રહું છું તે નિજી લગન અને મારી ઢબના મને ગમતા અભ્યાસ થકી. ખાસ તો જીવને અડી જતી સાહિત્યકૃતિઓના અનુવાદો દ્વારા. જેને કારણે ભાષાની નાનાવિધ ખૂબીઓ – શબ્દ, સંગીત, લય અને વ્યંજનાઓને સતત વધુ ને વધુ માણતો-પ્રમાણતો રહું છું. ને ધીમે ધીમે પરબાર્યાં ઇટાલિયનમાં પણ કાવ્યો લખતો થયો છું. અહીંના સાહિત્યકાર મિત્રોના આગ્રહે એમાંનાં કેટલાંક કવિતાનાં સામયિકોમાં પ્રકાશન પામી એક ‘એન્થોલૉજી’માં પણ લેવાયાં! યજ્ઞેશ :' તો એકાદું એવું ઈટાલિયનમાં જ સંભળાવો ને! પ્રદ્યુમ્ન : (યાદ કરતાં...).
L'ABITO
Dal giorno in an
Dotto il mantello awareo
Mantle
del mio genio, possedetti
Latha innocenga ignuda,
vado vestito
di silenzco !
✽
THE DRESS
Since the day,
under the
aureate mantle
of my genius
I posseed
your nude innocence-
doning silenceI go !
યજ્ઞેશ : જ્ઞાતિએ તમે લોહાણા, મોટા ભાગે ધંધા-વ્યાપાર જોડે સંકળાયેલી જ્ઞાતિ. તમારા પિતાજી ‘બિઝનેસ'માં હતા ? ચિત્રકળા-કવિતા જેવી કળાઓ તમને વારસામાં ક્યાંથી આવી? તમારા વિકાસમાં કોનો કોનો ફાળો ? પ્રદ્યુમ્ન : ઉભય પક્ષે, મારા કુટુંબના વડવાઓ મૂળ ગોહિલવાડના, ભાવનગર નજીકના અધેવાડા અને અકવાડા ગામના વતની. ઓગણીસમી સદીના અંતભાગમાં ઉપાર્જન અર્થે દહાણુ ભણી આવેલા અને નિજી ઉદ્યમ અને આવડત થકી ઘણી સંપદા રળી ત્યાં જ ઠરીઠામ થયેલા. આમ મૂળ વતનની રહેણીકરણી અને તળપદી બોલી ભેળાં પ્રસંગોપાત્ત ગવાતાં ગીતો-ગરબા, ગરબી અને રાસ-ભજનોના લયસંગીત પણ ગુજરાત-મહારાષ્ટ્રને સાંધતાં એ સરહદી ગામ લગી આવ્યાં! મારા દાદા, થાણા જિલ્લાના ‘ટીંબર કિંગ' કહેવાતા. એ કાળે નવી. નખાતી રેલવે લાઈનો માટેના ‘સ્લીપરો’ પૂરા પાડતા. આજે વિચારતા રંજ થાય છે કે એ વિસ્તારનાં ગાઢાં જંગલોની કાપણીમાં એમનોય આડકતરો હિસ્સો રહ્યો! દાદાને કિવિ નાનાલાલના કુટુંબ સંગ ઘરોબો. આમ મારા બાપુને સાહિત્યની સહજ ખેંચ ને કવિના પીઠબળે વાતિઓ લખતા થયા, ‘અવધૂત’ના ઉપનામે. એમાંની ઘણી ખરી વડોદરાથી પ્રગટ થતા ‘શારદા’ માસિકમાં છપાતી, તંત્રી શ્રી ગોકુલદાસ રાયચુરા તો ક્યારેક માથે બેસીનેય લખાવતા! બાપુએ બે નવલકથાઓ પણ લખી છે. પહેલી, ‘અસ્મતજાન' હપ્તે હપ્તે ‘શારદા’માં છપાયેલી અને બીજી, ‘અથડાતા આદર્શો’ જ્ઞાતિના મુખપત્ર ‘લોહાણા હિતેચ્છુ’માં. બન્નેએ અનેક વાચકોની ચાહના મેળવેલી. મારાં માનો કંઠ સરસ. બેય હાથે, પગના દબાણે ચાલતું ‘હારમોનિયમ’ વગાડતાં ને ગાતાં જૂનાં લોકગીતો અને નરસી-મીરાંનાં ભજનો. તો ક્યારેક એ અરસાની રંગભૂમિ પરે લોકપ્રિય નીવડ્યાં નાટકોનાં ગીતોય બચપણમાં. મારા નાનાને ઘેર, સરખી સાહેલીઓના સંગમાં એમને ગોલ્ફ રમતા પણ જોયાં હતાં.
યજ્ઞેશ : ગોફ એટલે? પ્રદ્યુમ્ન : રાસ પ્રકારનું એક સમૂહ-નૃત્ય. જેમાં હરેક રમનારના એક હાથમાં, છત થકી ઢળતી એક મોટી કડી સંગ બાંધેલી દોર હોય ને બીજામાં દાંડિયો. પછી દાંડિયાને ઠેકે ઠેકે રમાતા રાસના ચકરાવે બધીય દોર આપસમાં ગૂંથાઈ જાય એટલે વળતે ચકરાવે એને ઉખેળતાં જવાનું. એ ઉપરાંત, નોરતામાં મારા નાનાના ઘરની સામે જ માતાજીનો માંડવો બંધાતો. રોજ રાતે સ્ત્રીઓ ગરબે રમતી અને પુરુષો ગરબી લેતા. મારી સૌથી મોટી ને રૂપાળી પિતરાઈ બહેન હીરાના મોકળા, હલકભર્યે કંઠે ગવાતા ગરબા ‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી'ની ગુંજ હજીય રણઝણતી પડી છે ભીતર. આમ બચપણથી જ લોહી સંગ ભળી ગયાં છે એ બધાંય લયમાન ને લોક-ઢાળો.
યજ્ઞેશ : તમે ચિત્રકળા પરે પહેલા હાથ અજમાવ્યો કે પહેલા કવિતા લખવાનું થયું ? પ્રદ્યુમ્ન : પ્રથમ ચિત્રકળા, મીડલ-સ્કૂલ ‘ચિલ્ડ્રન્સ એકેદમી'માં ભણવા માંડ્યું ત્યારથી જ ચીતરવું ગમતું. અમારા ચિત્ર-શિક્ષક શ્રી રવીન્દ્ર દત્તે મારી એ જન્મજાત રુચિને આવડને ઓળખી આરંભથી જ પ્રોત્સાહન દેવા માંડેલું. એમના સાંજના ક્લાસમાંયે આવીને મનભર ચીતરી શકું એ વિચારે બધીય ચિત્રસામગ્રીની સુવિધા કરી દીધેલી. પોતેય બહુ રૂપાળાં લઘુચિત્રો કરતાં. આમ એ પ્રકાર પ્રત્યેનો રસ સૌ પ્રથમ એમના તરફથી મળ્યો.
યજ્ઞેશ : પણ ચિત્રકળાનું વિધિવત્ શિક્ષણ કયા કારણે લીધું? પ્રદ્યુમ્ન : હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં એક અણધાર્યા અકસ્માત થકી ઉદ્ભવી નાદુરસ્તીનું ખોટું નિદાન અને બિનજરૂરી દવા-ઈન્જેક્શનોની વિપરીત અસરોને કારણે સ્વાસ્થ્ય કથળતું રહ્યું ને માંદગી બે વર્ષ લગી લંબાઈ! સુભાગ્યે, એક કુશળ હોમિયોપાથના સાચા નિદાન અને ઉચિત ઉપચારો થકી છ માસમાં ફરી હરફરતો થઈ ગયો. ભણવામાં હોશિયાર ને ઇચ્છા હતી આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયર થવાની, પણ બે વર્ષના લાંબા ગાળા બાદ ખોરવાયો અભ્યાસ ક્રમ ફરી ઉપાડવો સહેલો નહોતો! આમ મુંબઈની કલાશાળામાં ભણવાનું વિચાર્યું. ચિત્રકળામાં રસ તો હતો જ પણ વ્યવસાયરૂપે નિર્વાહમાં કેટલી ઉપયોગી થઈ પડશે એનો કશોય અંદાજ કે ધરપત નહોતાં! આજે હવે વરતું છું કે એમ ન ઘડ્યું હોત તો ભીતરી આંખ કઈ પેર ઊઘડી હોત ?! પ્રકૃતિની સનાતન ચૈતન્યલીલાને કઈ પેર આટલી માણી-પ્રમાણી હોત ?! અહીં એક ઑર સંકલ્પનો ઉલ્લેખ પણ કરી લઉં. કલા-અભ્યાસની સાથોસાથ, નંખાઈ ગઈ કાયાને પુનઃ પુષ્ટ કરવાના ઇરાદે મુંબઈની ‘સ્વસ્તિક લીગ'ના અખાડે જવા માંડ્યું. અખાડાના ગુરુ શ્રી ભીડે, મહારાષ્ટ્રી બ્રાહ્મણ, ભારે રૂપાળા ને અલમસ્ત. સ્વભાવેય હસમુખા પણ કડક શિસ્તના આગ્રહી. પ્રવેશની પ્રાથમિક પૂછતાછ વેળા જ હું ગુજરાતી હતો એ જાણતાં આછું મરકીને બોલ્યા, ‘તો નક્કી તું અઠવાડિયા બાદ નહીં આવે !’ ત્યારે જવાબ વાળ્યો, 'આ ગુજરાતી નોખી માટીનો છે, મારો શરત !' ને લગાટ આઠ વર્ષ લગી ત્યાં વ્યાયામ કરતો રહ્યો. એટલું જ નહીં, પણ બે મશિયાઈ ભાઈ સહિત બીજા આઠ ગુજરાતી મિત્રોને અખાડે ખેંચી લાવેલો! બહુ ખુશ રહેતા એ મુજ પરે. મારા ઘડતરમાં એમનોય બહુમૂલ ફાળો છે. એ કાળના ધારા પ્રમાણે ‘એલીમેન્ટરી’ અને ‘ઇન્ટરમિડીએટ’ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા બાદ જ કલાશાળામાં પ્રવેશ મળે એમ હતું. જે કારણે પાંચને બદલે સાત વર્ષ ભણવું પડ્યું! વર્ષો જૂનો ‘આઉટડેટેડ’ અભ્યાસક્રમ. છેલ્લાં બે વર્ષ દરમિયાન ખરે જ કંટાળી ગયેલો.
યજ્ઞેશ : એ પછી તો ફાઈન આર્ટ્સ કૉલેજોના અભ્યાસક્રમોમાં ઘણા ફેરફાર થયા હશે ને? પ્રદ્યુમ્ન : પણ મારાં નસીબ એટલાં પાધરાં નહોતાં. છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે વડોદરાની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી જામી ગઈ હતી. શ્રી બેન્દ્રે અને મણિસાહેબ (સુબ્રમણિયન્) જેવા પ્રતિષ્ઠિત પ્રાધ્યાપકો કને શીખવાનું ઘણું મન હતું પણ એક જ વર્ષ માટે બધું બદલવું શક્ય ન બન્યું.
યજ્ઞેશ : મુંબઈની કલાશાળાના યાદ રહી ગયા હોય એવા ગુરુશિક્ષકો ? પ્રદ્યુમ્ન : બે, શ્રી જગન્નાથ અહિવાસી અને શ્રી શંકર પળસીકર. અહિવાસીજી મૂળે ઉત્તર પ્રદેશના પણ વર્ષોથી મુંબઈ રહેતા. ગુજરાતી પર પ્રભુત્વ. વ્રજભાષા અને પરંપરાગત શૈલીઓના નિષ્ણાત પળસીકરજી મહારાષ્ટ્રી. એમનું ડ્રોઈંગ અને પોર્ટ્રેઈટ પેઇન્ટિંગ ખરે જ જોરદાર આધુનિક કલા-શૈલીઓના પુરસ્કર્તા. આમ બેઉ વચ્ચે ધાર્યો મેળ નહીં. પણ મને તો બેઉ કને શીખવું ગમતું. જેને કારણે એક વાર અહિવાસીજી ઊકળી જઈ બોલ્યા, ‘તમે એક ગુરુમાં વિશ્વાસ રાખો !' ત્યારે કીધું, વિશ્વાસ તો છે જ પણ ઑર કોઈ પણ ભાવે મને ગમતું શીખવે એ પણ મારા ગુરુ જ ને !' એમના મનની આવી સંકુચિતતા ત્યારે ખરે જ કઠી હતી.
યજ્ઞેશ : એ અરસાના તમારા સમકાલીનો જેમણે આગળ જતાં નામ કાઢ્યું હોય? ભલેને તમારાથી થોડા આગળ-પાછળ ભણ્યા હોય. પ્રદ્યુમ્ન : મારી આગળનામાં મોહન સામંત, ગાયતોંડે, તૈયબ મહેતા, અકબર પદમશી, વાસુદેવ સ્માર્ત, દિનેશ શાહ વગેરે. ને પાછળનામાં ભૂપેન્દ્ર કારિયા, તૂફાન રફાઈ, બી. પ્રભા (પ્રભા બડગેલવાર), પ્રફુલ્લા દહાણુકર, સરયૂ દોશી વગેરે.
યજ્ઞેશ : ભૂપેન ખખ્ખર ? પ્રદ્યુમ્ન : એણે મુંબઈની કલાશાળામાં રીતસરનો અભ્યાસ નથી કર્યો. એની પ્રથમ ઓળખાણ થઈ 'પ૦ના દાયકા દરમિયાન મિત્ર સુનીલ કોઠારી દ્વારા. આમ તો સુનીલ અને ભૂપેન બન્ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ બેઉને સાહિત્ય અને કલામાં ઊંડો રસ. સુનીલ શાસ્ત્રીય નૃત્યોનો અઠંગ અભ્યાસી ને એ પરે આલોચનાપૂર્ણ લેખો લખે, જે કા૨ણે નામી નૃત્યકારો જોડેય નિકટનો પરિચય. ભૂપેનને ચીતરવાની ખેંચ. કુમાર’માં પ્રગટ થતાં રહેતાં મારાં કાવ્યો અને ચિત્રો દ્વારા મને ઓળખે. એક દિન એનું કામ દેખાડવા સુનીલ સંગ મારે ઘેર આવ્યો. એનાં રેખાંકનો જોતાં જ ગમી ગયેલાં ને વરતી એની હથોટી મહીં ભરી મૌલિક અભિવ્યક્તિની શક્યતા. પછી તો એને હર પ્રકારે પ્રોત્સાહિત કરતો રહ્યો. સન '૬૦માં મેવાડના મારા પહેલા ભ્રમણમાં, તમારી જેમ જ એને સાથે લઈ ગયેલો. ઉદેપુર, એકલીંગજી, નાથદ્વારા જેવા મધ્યકાલીન શહેરોને આસપાસનાં નાનાં, રૂપકડાં ગામોમાં શક્ય તે ‘ઑન ધ સ્પૉટ' સ્કેચીઝ કર્યાં. સાથોસાથ કેસરિયાજીને પૂજવા આવતા ભીલોનો એક ભાતીગળ મેળોય મનભર માણ્યો. એની કારકિર્દીના પૂર્વાર્ધમાં, મેવાડી હવેલીઓનાં ભિત્તિચિત્રોને સદી પહેલાનાં નાથદ્વારા શૈલીનાં બજારુ ચિત્રોની અસર સહેજે વરતી શકાય. હું મુંબઈ રહ્યો ત્યાં લગી તો કલા-સાહિત્યની સહિયારી આપલે કરતી અમારી ત્રિપુટી બરોબરની જામી રહી. એ અરસામાં મુ. બચુભાઈ રાવત અમને સુ. પ્ર. ભૂ.ના સહિયારા સંબોધને પત્રો લખતા ને મુંબઈ આવવાનો યોગ ઊભો થતાં અમારા સંગમાં નાનાવિધ કલા-પ્રદર્શનો અને નૃત્ય-સંગીતના કાર્યક્રમો જોવાનો આગ્રહ રાખતા. આમ ‘ટ્રેડિશનાલિસ્ટ’ પણ ધીમે ધીમે કોન્ટેમ્પરરી આર્ટ્સમાં પણ રસ લેતા થયાં. ‘કલામાં વિકૃતીકરણ' નામક જ્યોતિભાઈ ભટ્ટની લેખમાળા એની શાખ પૂરશે. કાળે કરી ભૂપેનની કલા પ્રત્યે વાધતી જતી ખેંચ અને આવડને પ્રમાણતાં, એને વડોદરાની કલાશાળામાં પ્રતિષ્ઠિત પ્રાધ્યાપકોના સાન્નિધ્યમાં અભ્યાસ કરવા કટિબદ્ધ કર્યો, એના કુટુંબીઓની નારાજગી વ્હોરીનેય ! પછી તો ભીતર હતું એ ફૂલતું-ફાલતું ગયું.
યજ્ઞેશ : એ પછીય તમારે મળવાનું થયું હશે ને? પ્રદ્યુમ્ન : પહેલા જેવું નહીં. કારણ '૬૧માં વિધિ મને ઈટલી તાણી ગઈ પછી ધાર્યો સંપર્ક ન રહ્યો. પણ '૭૫ના અગસ્ત દરમિયાન પંદરેક દિવસ એ અમારી ભેળો મોન્તેસિલ્વાનોના ઉનાળુ રહેઠાણે રહી ગયો ત્યારે એને દક્ષિણ ઈટલીનાં નાનાવિધ રૂપાળાં ગામોમાં ફેરવતાં, દોઢ દાયકા પૂર્વેના અમારા સહિયારા મેવાડી પ્રવાસની કંઈ કેટલી યાદો ઊભરી આવેલી !
યજ્ઞેશ : એક સંપાદક તરીકે બચુભાઈએ તમારી શૈલી અને ભાષા માટે ક્યારેક સૂચનો કરેલાં ? ‘કુમાર'માં તમારી કવિતા તો છપાતી જ હતી, પણ કલાવિષયક લેખોનાં એમનાં સૂચનો મળ્યાં હોય એવું ખરું? પ્રદ્યુમ્ન : એવી કોઈ દખલ એમણે નહોતી કરી. ઊલટું એમને જે કંઈ ગમી જતું એનો કાયમ નિર્દેશ કરતા. નવા અંકોના પ્રકાશનના સતત રહેતા દબાણ આડેય સમય કાઢી, મોતી-શા રૂપાળા અક્ષરે પત્રો લખતા. ને એમનું સંકલન પણ કેવું ! હર કોઈને ગમતું કશુંક જડી આવે એટલું વિષયવૈવિધ્ય : કવિતા, લઘુકથા, નવલ, ચરિત્ર, આત્મકથા, સમીક્ષા, ગણિત, વિજ્ઞાન, યોગ-આયુર્વેદ, ચિત્રો, રેખાંકનો અને કૅમેરાનો કસબ. દેશવિદેશના પુરાણા અને સાંપ્રત સાહિત્ય અને કલાપ્રકારોની જાણ દેતી, હાથે કંપોઝ થતી પ્રચુર સામગ્રી ને લેટરપ્રેસની સુઘડ છપાઈમાં હર માસ નવો સંનિવેશ લઈ આવતા ‘કુમાર’ના એ અરસાના અંકોને પુનઃ પ્રમાણતાં, વીજાણુ માધ્યમોની ભરમારના આ જમાનામાંયે અચરજ થઈ આવે. ને કેવળ ગુજરાતી જ નહીં, ભારતની અન્ય ભાષાઓમાં પ્રકટ થતાં ઉત્તમ, સમકાલીન સામયિકોનેય ઝાંખાં પાડે એવું ‘કુમાર’ એટલે બચુભાઈ! ગુજરાતની ત્રણ ત્રણ પેઢીના સંસ્કાર ઘડતરમાં જેમનું અનોખું પ્રદાન છે એવા ‘કુમાર’ના સંસ્થાપક કલાગુરુ શ્રી રવિશંકર રાવળ અને સંપાદક બચુભાઈ રાવત શા વિદ્યમાન અને નિષ્ઠાસભર વડીલો વિષે તો લખીએ એટલું ઓછું!
યજ્ઞેશ : સાચી વાત. એમની ખોટ તો આજે પણ નથી પુરાઈ, હાલનું ‘કુમાર' જોતાં સહજ થઈ આવે કે આ બચુભાઈનું ‘કુમાર' નથી ! પ્રદ્યુમ્નભાઈ, ચિત્રકળાનો વિધિવત્ અભ્યાસ પૂરો કર્યા બાદ વ્યવસાય તરીકે ટેક્સટાઈલ ડિઝાઇનિંગનું ક્ષેત્ર કેમ અને ક્યારે પસંદ કર્યું? પ્રદ્યુમ્ન : '૫૪માં કલાશાળાનો અભ્યાસ પૂરો કરી પ્રથમ વેળા રાજસ્થાનની બનસ્થલી વિદ્યાપીઠે યોજી બીજી ‘ફ્રેસ્કો કેમ્પ'માં ગયેલો, બે નિકટતમ મિત્રો જોડે. ત્યાં પહોંચતાં જ, સાંજના સોનેરી તડકામાં, મસ મોટી સીમ વચાળ લંબાઈ વિદ્યાપીઠને પડખે વસ્યા, નાનકડા બનથલી ગામને જોતાં અણકથ્યો રોમાંચ થઈ આવેલો. આટલું ચિત્રાત્મક, રળિયામણું ગામ અગાઉ ક્યારેય દીઠું નહોતું. બચપણમાં, નાનીમાને મુખે અનેક વેળા સાંભળી કૃષ્ણકથાઓ દ્વારા કલ્પ્યા ગોકુળને જાણે બનથલી મહીં સાકાર થયું જોયું! ગયો હતો રાજસ્થાની ભિત્તિચિત્રોની પારંપારિક પદ્ધતિઓ શીખવા ને મોહી પડ્યો એ મનોહારી ગ્રામ-સૃષ્ટિમાં ! અભ્યાસની સાથોસાથ, બે માસના રહેવાસ દરમિયાન કંઈ કેટલા આળેખો થકી ભરી દીધાં ‘સ્કેચબૂકો'નાં પાનાં. વિદ્યાપીઠના જ એક ભલાભોળા ચપરાશીનાં લગન પણ માણ્યાં. પછી તો એવું ઘેલું લાગ્યું કે કોઈ ને કોઈ બહાને નીકળી પડતો એ પ્રદેશ ભણી. એ અરસામાં, ટેક્સટાઈલ મિનિસ્ટ્રીનું ‘ડિઝાઇન સેન્ટર’ (હાલના વિવર્સ સર્વિસ સેન્ટર) નામે ઓળખાતું એક સંશોધન કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું. એક ચિત્રકાર મિત્ર પહેલી જ બૅચમાં ભરતી થયેલો. એણે થોડાક માસમાં જ સંદેશો પાઠવ્યો, ‘પ્રદ્યુમ્ન! ધીસ ઈસ ધ જૉબ ફૉર યુ!' ને આગ્રહ કરી એ નોકરી લેવરાવી! ત્રણ વર્ષની એ કામગીરી દરમિયાન વારંવાર દેશના તળપ્રદેશમાં આવ્યાં નાનાવિધ કુટિર-ઉદ્યોગોની મુલાકાતે જવાનું થતું. અગાઉ જે ભ્રમણો હું મારી મર્યાદિત વાટખર્ચીને કારણે ઘણી તકલીફો વેઠી કરતો એ હવે સરકારી ખર્ચે અને ઉચિત સુવિધા સહ કરતો થયો. જે મારે માટે તો ‘ભાવતું'તું ને વૈદે કીધા' જેવી વાત હતી. ! પછી તો અમે એક ‘સ્લોગન કોઈન’ કરેલું : ‘જોઈન ડિઝાઇન સેન્ટર એન્ડ વિઝિટ ઈન્ડિયા !' [બન્નેનું મુક્ત હાસ્ય]. અહીં શ્રી. કે. જી. સુબ્રમણ્યન્ શા બહુશ્રુત શિક્ષક અને બહુમુખી કલાકારના માર્ગદર્શન હેઠળ, કેન્દ્રમાં જ કામ કરતાં પંદરેક જેટલા પારંપારીય વણકરોના સાંનિધ્યમાં, વિશ્વભરમાં અજોડ એવા હાથવણાટ, હાથ છપાઈ, ભરત, બંધેજ અને દેશી-રંગાટ પરેની અનેક આશ્ચર્યજનક ખૂબીઓને નિકટથી જાણી-પ્રમાણી. ને એને આધારે કંઈ કેટલાં મૌલિક ડિઝાઇન કલ્પનો કરતો થયો. પછી તો એ પ્રવૃત્તિ જ આજીવિકાનું મુખ્ય માધ્યમ બની રહી !
યજ્ઞેશ : એ અરસામાં કીધાં કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ્સ યાદ હોય તો. પ્રદ્યુમ્ન : પ્રોજેક્ટ્સ તો ઘણા કર્યા, ભાતભાતનાં પારંપારિક વસ્ત્રો પરે. તેમાંય તળગુજરાતની ભરવાડ-રબારી જેવી જનજાતિઓનાં વસ્ત્રો જોઈ આંખો ઊઘડી ગઈ! આપણે ત્યાં પણ હાથ-વણાટના કેટલાં રૂપાળાં વસ્ત્રો થાય છે એ પહેલી વાર પ્રમાણ્યું.
યજ્ઞેશ : એનાં પોત, રંગો, ડિઝાઈન કલ્પનો. પ્રદ્યુમ્ન : બધું જ મનોહારી. પુરુષો, નિજી માલ (ઘેટાં-બકરા)ની ઊન થકી વણાતા ધાબળાઓ ઓઢે, ત્રણ જાતનાં પટિયો, કચ્છીકોરો ને કાળી કામળ જેવાં નામો, ધાબળાને બેઉ છેડે, રંગીન ‘એક્સટ્રા વેફ્ટ' (વધારાનો વાણો)માં આછી ઊપસેલી ભૌમિતિક ભાત્યું. પોરબંદર નજીકના છાયા, ટુકડા અને રતિયા જેવાં ગામોના મેઘવાળોને વિગતે એ બધું વણતા જોયા. પછી વઢવાણ (સુરેન્દ્રનગર) નજીકનાં નાનાં નાનાં ગામોમાં સ્ત્રીબરનાં વસ્ત્રોનાં વણાટ જોયાં. ચરમલિયાં, રામરાજ ને ઘૂંસળા જેવાં નામો. કુંવારકાઓ ચરમલિયાં વ્હેરે, પરણ્યાં રામરાજ ને આધેડવયના ધૂંસળાં, ચરમલિયાંની રાતી-મજીઠ ભોંય પરે ઊપસેલી આડી પટ્ટીઓ ને છેડે તાણા-વાણા ફરતે વીંટ્યા ધોળાં-પીળાં ને લાલ-લીલા “એક્સ્ટ્રા-વેફ્ટ’ થકી, કિડિયાં મોતી શી આગળ-પાછળ સરખી જ લાગતી, દાણાદાર ભાત્યુમાં મોર, પોપટ, પૂતળી, આંબો ને ફૂલ-છોડવાં! થેપાડાની જેમ કેડથી પાનીઢક પહેરાય. માથેય ઊભની ઓઢણાં ને લોબડિયું – બોલતાંયે મોઢું મલકી ઊઠે એવાં રૂડાં નામો : ગલમેંદી, મોરઝલી ને મોહનિયાં! બધાંય વસ્ત્રો નાની હાથશાળ પરે બે ભાગમાં વણાય. જેમને પછી વચ્ચેથી ટાંકા લઈ જોડવા પડે, એ ‘ખિલવટ'ને નામે ઓળખાય. આવાં રૂપાળાં વસ્ત્રો પહેરી-ઓઢીને ઊમટ્યાં ખડતલ લોકવરણને ‘૫૭માં પહેલવહેલા તરણેતરને મેળે, હૂડો, ટિટોડો ને રાસ જેવાં સમૂહનૃત્યો ખેલતાં જોઈ ખરે જ મુગ્ધ થઈ ગયેલો! ત્યારે તો સંકેતમાં એ તરણેતરને બદલે ‘પરણેતર'નો મેળો કહેવાતો! એ અવસરે તરુણ સ્ત્રી-પુરુષોની ભેટ-ઓળખ થકી પરિણમતા પ્રણયને કારણે. (શા હાલહવાલ કરી નાખ્યા છે એ અતિ સહજ ને તળપદા ખુમારભર્યા લોકમેળાના, રાજ્યના પર્યટક ખાતાએ વિદેશી સહેલાણીઓના નામે! એ વિષેની હૈયાવરાળ કોઈ ઑર પ્રસંગે...) ને હવે તો એ દેશી વસ્ત્રોય બદલાતાં, નામશેષ થતાં ચાલ્યાં. ઘણાંયમાં દૃષ્ટિ-રુચિને કઠતું બજારુ તત્ત્વ ઊભરતું જાય છે. વળી ઔદ્યોગિક પાયે શહેરોની મિલોમાં વણાતાં વસ્ત્રોની સરખામણીમાં હાથ- વણાટનાં આવાં કપડાંય હવે તો ઘણાં મોંઘાં પડે.
યજ્ઞેશ : તો તમે જેની વાતો કરી એ ધાબળાં, થેપાડાં, ઓઢણાં વગેરે રોજબરોજના વપરાશમાંથી ધીમે ધીમે ખસતાં જઈ અદૃશ્ય થઈ જશે. એ બધાંને, એમના વણાટ-રંગાટની ટેકનિકો અને ડિઝાઈનોને, ભવિષ્યની પેઢી માટે આપણે સાચવી શકીશું? પ્રદ્યુમ્ન : આમ જુઓ તો જગતભરનાં નાનાં મોટાં મ્યુઝિયમોમાં અનેક પ્રકારનાં આપણાં પારંપારિક વસ્ત્રો સચવાયાં છે. પણ એટલું બસ નથી. ટેક્નિકો સચવાય એ માટે સૌ પ્રથમ તો વણકરો, એમનાં સંતાનો કે ઓરને એની આવડ હોય એવાંને પૂરતું પ્રોત્સાહન અને ઉચિત રોજી મળવી જોઈએ. વળી એમના ઉત્પાદનને આવશ્યક એવું માર્કેટ પણ વિકસાવવું રહ્યું. ’પ૦ના દાયકામાં આ દિશામાં કામ કરનારા માત્ર ચાર સરકારી કેન્દ્રો હતાં ભારતભરમાં, આજે વધીને ચાલીસેક જેટલાં થઈ ગયાં છે! જ્યાં સતત પ્રયોગો થતા રહે છે, ને નવું નીપજતું બધુંય નાનાવિધ સહકારી સંસ્થાઓને વિનાશુલ્ક અપાતું હોય છે. સાથોસાથ, અમદાવાદની એન.આઈ.ડી. (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન), નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવાં મહાનગરોની ‘નીફ્ટ' (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નૉલૉજી) જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની ડિઝાઈન સ્કૂલો થકી ઉત્તીર્ણ થતાં સ્નાતકોમાંના ઘણાય ‘એન્ટરપ્રેન્યોર' રૂપે હાથવણાટનાં વસ્ત્રોનું ઉત્પાદન અને વ્યાપાર કરતાં થઈ ગયાં છે. હવે તો જગતભરમાં ’ઈન્ડિયન હેન્ડલુમ ક્લોથ્સ'ની બોલબાલા છે! ફર્ક એટલો જ કે પહેલાં જે તળભૂમિ થકી પ્રકટતું, જેનું એક નોખું કૌવત અને નિશ્ચિત ઓળખ –‘આઈડેન્ટિટી' હતી તે વર્ણસંકર થતી ચાલી. સાંગાનેરી, બાડમેરી કે કચ્છી છપાઈની ઊડીને આંખે વળગે એવી લાક્ષણિકતાઓ ભૂંસાતી ચાલી. પણ જૂનાં ડિઝાઈન કલ્પનો પરે પણ કેટલા કાળ નભી શકાય? પેઢી દર પેઢી એમાં કશુંક ઉમેરાતું રહે તો જ પરંપરાને ‘લીવિંગ ટ્રેડિશન’ કહી શકાયને? સાથોસાથ, પ્રસ્થાપિત શૈલીઓ ‘એબ્રપ્ટલી બ્રેકઅપ’ થવાને બદલે નવી આવતી પેઢીની મોકળા ને દેહયષ્ટિની જેમ હળુ હળુ બદલાતી રહે એમ કરવુંય એટલું જ જરૂરી હતું. એ કામ અમારી જેવા મધ્યસ્થીઓએ કરવાનું હતું, ને મુંબઈના ડિઝાઈન સેન્ટરમાં હું એ સરસ રીતે કરતાં શીખ્યો. ભારતભરનાં નાનાવિધ વસ્ત્રોની ઓળખની સાથોસાથ પરંપરાગત શૈલીઓની યાદ અપાવે એવાં ડિઝાઈન કલ્પનો પણ કરી જાણું છું ને અવકાશે કેવળ નિજાનંદ માટેય કરતો રહું છું, પણ મારાં પોતીકાં, સાવ નવાં જ!
યજ્ઞેશ : ઈટલી લગ્ન કરીને ભારત પાછા ફર્યા બાદ શું શું કર્યું? પ્રદ્યુમ્ન : મુંબઈના પરમમિત્ર બિપિનભાઈ શાહે અમે પાછાં ફરીએ એ પહેલાં જ મને અને રોઝાલ્બાને, ઘાટકોપરમાં આવી, એમની મિલ ‘જયફેબ્સ રેયૉન ઇન્ડસ્ટ્રીઝ પ્રાયવેટ લિમિટેડ'માં ચીફ-ડિઝાઈનર રૂપે નોકરીનું કૉન્ટ્રેક્ટ લખી મોકલાવેલું. મૂળથી જ એટલી માયા અને શ્રદ્ધા અમારી રુચિ અને આવડ પરે કે મિલનાં બધાંય ખાતાઓને આદેશ આપેલો, અમે જે કહીએ તે કરવાનો. આમ અવનવું કામ કરવાની ખરે જ મોકળાશ હતી. ને પછી તો મુંબઈની કાપડ-બજારમાં અમારી ડિઝાઈનોની માંગ વધતી ગઈ. અમે ત્રણેક વર્ષ એમની જોડે કામ કર્યું.
યજ્ઞેશ : રોઝાલ્બાને મુંબઈમાં ગમતું ખરું? પ્રદ્યુમ્ન : હા, પણ આરંભે અગવડોય ઘણી વેઠવી પડી. અમે રહેતાં ચોપાટી ને નોકરી અંગે ઠેઠ ઘાટકોપર લગી જવાનું થતું. ત્યારે પોતીકાં ગાડી-ડ્રાઇવર રાખી શકીએ એવી સ્થિતિ નહોતી. આમ રોજ સવારે પગપાળા ગ્રાન્ટરોડ જતાં, ત્યાંથી ટ્રેન પકડી દાદર ને દાદરથી ટ્રેન બદલી ઘાટકોપર. ને ત્યાંથી બસ દ્વારા મિલ પરે પહોંચતાં બે કલાક થઈ જતા ! પણ અમારી જેવાં તો લાખો નગરવાસીઓ આવી જ હાડમારીઓ વેઠી રોજી રળતાં હતાં ને તોય પશ્ચિમના નોકરિયાત વર્ગમાં પ્રવર્તતી ‘ડિપ્રેસીવ બીટરનેસ' એણે ક્યાંય ન વરતી એથી એ ખરે જ નવાઈ પામી. વાસ્તવમાં, રોજિંદા જીવનની નાનાવિધ હાડમારીઓ દ્વારા જ એ મને, મારા કુટુંબીઓ, મિત્રો અને દેશવાસીઓને સાચા અર્થમાં ઓળખતી થઈ, ‘એન્ડ શી રીઅલી ફોલ ઈન લવ વીથ ધ કન્ટ્રી એન્ડ ઈટ્સ પીપલ !'
યજ્ઞેશ : તમારાં માતા-પિતા, ભાઈ-ભાભી અને કુટુંબીઓ જોડે એમને કેવુંક ફાવતું? પ્રદ્યુમ્ન : ભાષાની દેખીતી મુશ્કેલી છતાંય એ તો આવતાં જ બધાની વહાલી થઈ પડેલી. એનો સ્વભાવ જ છે એવો ઉમંગી, તરવર ને વાતીડિયો. હાથ-મોંનાં હાવભાવ ને અરધાં પરધાં અંગ્રેજી-ગુજરાતીમાં એ સતત તડાકા મારતી રહેતી સહુ કુટુંબીઓ જોડે. મા-ભાભીના હાથનું ખાણુંય એને એટલું પ્રિય કે એને ભાવતું બધુંય એ રાંધતાં શીખી ગઈ! ચાહો તો ઈટલીમાંય તમને ઘર જેવાં જ દાળ-ભાત, શાક-કઠોળ, ખીચડી-કઢી-ઓસામણ, મૂઠિયાં-પાતરાં ને દૂધપાક, શ્રીખંડ, શીરો ને મગજ જેવાં મિષ્ટાન્નોય જમાડે ! માએ તો આરંભે જ એના હાથમાં મારો હાથ મૂકતાં કહેલું, ‘મારા આ રખડુરામને તેં બાંધ્યો એનો મને ઘણો રાજીપો છે. આજ લગી મેં એને જાળવ્યો, હવે તું એને સાચવજે'
યજ્ઞેશ : મુંબઈ છોડી દિલ્હી જવાનું શા કારણે થયું? પ્રદ્યુમ્ન : બિપિનભાઈને એમના ભાગીદારો જોડે બન્યું નહીં. થોડો વિખવાદ તો ચાલતો જ હતો કેટલાંક વર્ષોથી. છેવટ વાજ આવી જઈ એમણે નિજી શેરો વેચી દીધા ને છૂટા થઈ ગયા. અમે ઘણી નારાજી અનુભવી, પણ શું થાય?! પછી વેળાસર જ વરત્યું કે નવા માલિકો અગાઉ જેમ મનધાર્યું કામ નહીં કરવા દે. તેઓ સામે ચાલીને કશું કહે એ પહેલાં જ નોકરી બદલવી ઉચિત હતી! બૉમ્બે ડાઈંગ મિલનો ચીફ ડિઝાઈનર મારો જૂનો મિત્ર. એને વાત કરી. એ જ અરસામાં ડી. સી. એમ. (દિલ્હી ક્લોથ મિલ્સ)વાળા એક ચીફ ડિઝાઈનરની ખોજમાં હતા. આમ એણે મિલના જનરલ-મેનેજર જોડે મુલાકાત ગોઠવી આપી, જે સર્વ પ્રકારે સફ્ળ રહી પણ મિલવાળા ધાર્યો પગાર આપવા તૈયાર નહોતા. ને મુંબઈના મારા વર્ષો જૂના ‘કમર્શિયલ કૉન્ટેક્ટસ'ની બદલીમાં પૂરતું ‘કોમ્પેન્સેશન’ ન મળે તો મારે જવું નહોતું! છેવટ માની ગયા પણ ત્યારે આછોય અંદાજ નહોતો કે માથે કેટલી વીતશે! આવતાં જ વર્ષોથી ખાઈ બદેલા રંગાટ અને છપાઈ ખાતાના અધિકારીઓએ વાતો ફેલાવવા માંડી કે આવા મુંબઈગરા તો ઘણાય આવી ગયા આજ સુધીમાં. બધાંયને પાંચ-છ માસમાં તો ગાંસડાં-પોટલાં બંધાવી પાછા મુંબઈ મોકલી દીધા! બિપિનભાઈની ઓથમાં તો અમારે મનગમતા ડિઝાઈન સર્જન સિવાય બીજું કશુંય કરવાનું નહોતું, જ્યારે અહીં તો રોજેરોજ, નાનાવિધ વણકલ્પી, વણપ્રીછી વહીવટી સમસ્યાઓનો સામનો કરવો પડતો! માસ-બે માસ ભારે તંગદિલી અનુભવી. પણ હવે તો નિજી ગૌરવ અને આવડતનો સવાલ હતો. આમ વળતો પડકાર દીધો કે જોઈએ કોની દેન છે આ ‘લવાણા’ને ‘ઈનકોમ્પિટન્ટ’ ઠરાવી મુંબઈ પાછો મોકલવાની, એ જશે તો કેવળ એની મરજીએ! છ માસ એવી લડત આપી કે અંતે હું જ એ રીઢા અધિકારીઓની બદલી કરાવીને રહ્યો ! લાંબી વાત છે, વિગતોમાં નહીં ઊતરું. પણ પછી તો દાદો થઈને રહ્યો પૂરાં પાંચ વર્ષ, ને શકલ આખીય ફેરવી નાખી ડિઝાઈન સ્ટુડિયોની, ને એ મસમોટી પણ મુંબઈની મિલોની સરખામણીમાં મધ્યમ કક્ષાની ગણાતી મિલને પ્રથમવેળા ભારતના ફૅશન ક્ષેત્રે આણી !
યજ્ઞેશ : રોઝાલ્બા પણ સાથે નોકરી કરતાં ? પ્રદ્યુમ્ન : ના. એની આવશ્યકતા નહોતી. ‘આઈ વોઝ અર્નિંગ ગુડ ઈનફ.' પણ એ સતત પ્રવૃત્ત રહેવા ટેવાયેલી એટલે ઘરે રહી એને મનગમતું સર્જન કરતી. દિલ્હીના જાણીતા હેન્ડ-પ્રિન્ટેડ ટેક્સટાઈલ હાઉસ- ‘વિચિત્ર’ના માલિક જોડે મારો વર્ષો જૂનો સંબંધ. એમને રોઝાલ્બાની ડિઝાઈનો ઘણી ગમતી. ભાવે ઘેર આવીને કામ સોંપી જતાં. આને કારણે ભારતમાં જન્મેલાં અમારાં બીજાં બે સંતાનોના ઉછેરની પણ સરળતા રહેતી.
યજ્ઞેશ : અહીં કયાં સંતાનોનો જન્મ થયેલો ? પ્રદ્યુમ્ન : વચેટ દીકરી નીરા મુંબઈમાં અને સૌથી નાનો નિહાર નવી દિલ્હીમાં, એમને દીધાં ભારતીય નામો પણ એ જ કારણે. છ વર્ષના ભારત રહેવાસ બાદ, '૭૩માં રોઝાલ્બાને ઈટલીના સરકારી શિક્ષણ ખાતાનું કહેણ આવ્યું જેમાં કલાશિક્ષિકા તરીકેની એની અગાઉની નોકરીમાં એ ‘પરમેનન્ટ' થઈ જાય એવી ‘ઑફર' હતી. (પરણીને ભારત આવતાં પહેલાં એણે સાત વર્ષ લગી એક સરકારી શાળામાં શીખવ્યું હતું) પણ એ માટે ઈટલી પાછા ફરી બે વર્ષની ફરજિયાત નોકરી કરવી જરૂરી હતી. આ કહેશે અમને ખરે જ દ્વિધામાં મૂકી દીધાં! ચાણક્યપુરીનો સુખસગવડભર્યો જીવનક્રમ છોડી એને નોકરી અર્થે ફરી ઈટલી જવાની કશીયે આવશ્યકતા નહોતી. પણ ભવિષ્યનો વિચાર કરતાં - (મારી અને રોઝાલ્બાની વય બીચ બારેક વર્ષનો ગાળો છે. ન કરે નારાયણ ને મને કશુંક થઈ જાય તો એ એકલી ત્રણ બાળકો જોડે ભારતમાં કઈ પેર નિર્વાહ કરી શકે?!) - એ બે વર્ષ બાદ નોકરીની ‘પરમેનન્ટ ગ્રેડ’માં પ્રવેશી ભારત પાછી ફરે એવું ગોઠવ્યું. આમ ત્રણ નાનાં સંતાનો – સાત વર્ષની આન્તોનેલ્લા, ચારની નીરા અને કેવળ દસ માસના નિહારને લઈ એ ઈટલી રવાના થઈ ને હું દિલ્હીનો મારો ‘જૉબ’ કરતો રહ્યો ! અમારા જીવનનો એ ભારે કપરો નિર્ણય હતો. પરણ્યા બાદ અમે ક્યારેક છૂટાં પડ્યાં નહોતાં. પણ આ અગ્નિપરીક્ષામાં સહુથી વધુ સહેવું પડ્યું બાળકોને ! બે વર્ષના દેખીતા, વણચાહ્યા. ઝુરાપા ઉપરાંત, દિલ્હીની અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ભણતાં મોટાં બેઉને બધુંય બદલી નવેસ૨થી ઈટાલિયનમાં વિધિવત્ અભ્યાસ કરવો પડ્યો ! ને ત્યારે અંદાજ નહોતો કે બે વર્ષે માંડ એમાં ઠરીઠામ થયાં બાદ ફરીને બધું બદલવું કેટલું અઘરું થઈ પડશે! છેવટ મારે જ ભારત છોડી ઈટલી જવું પડ્યું
યજ્ઞેશ : એટલે કે સ્થાયી થઈ ગયા. પ્રદ્યુમ્ન : હા, મને-કમને સ્થાયી થઈ ગયાં. [લૂખું હાસ્ય].
યજ્ઞેશ : કમને કેમ? આટલાં વરસો પછી તમે એમ તો ન કહી શકો કે કમને સ્થાયી થયા! પ્રદ્યુમ્ન : આરંભે ખરે જ એવું લાગતું હતું. અવારનવાર થઈ આવતું કે નાહકનો ઈટલી આવ્યો! વાસ્તવમાં, જેની બાહેંધરીએ દિલ્હીનો ‘પ્રેસ્ટી જિયસ, વેલપેઈડ' જૉબ છોડી કોમો આવ્યો, એ શહેરની અતિજાણીતી ટેક્સટાઈલ મિલવાળા જ છેલ્લી ઘડીએ, જગવ્યાપી ઊભર્યાં પેટ્રોલ ‘ક્રાઈસીસ’નું ઓઠું ધરીને ફરી ગયા! ને અમારે એક વણકલ્પી, વણચાહી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો! સારે નસીબે રોઝાલ્બાની નોકરી તો હતી, પણ ઉપરોક્ત સંજોગોમાં મારે હવે શક્ય તે ‘ફ્રીલાન્સ ડિઝાઈનિંગ' દ્વારા જ રોજી રળવાની હતી. આમ ચાણક્યપુરીનું મસમોટું ને સુખસગવડભર્યું ઘર છોડી કોમોના એક નાનકડા ફ્લૅટમાં રહેવું પડ્યું! વળી દિલ્હીમાં બાળકોને ભાવે સાચવતાં ને રોઝાલ્બાને ઘરકામ અને રસોઈમાં મદદ કરે એવા સાલસ ચાકરો પણ અહીં ક્યાંથી મળે? આમ વ્યાવસાયિક કામકાજની સાથોસાથ, સઘળાંય ઘરકામ અને બાળકોના ઉછેરની નાનાવિધ જવાબદારીઓ પણ અમારે જ ઉપાડવી રહેતી. 'સમહાવ વી હેડ ટુ સર્વાઈવ થ્રુ ધૅટ ડિફિકલ્ટ પિરિયડ !'
યજ્ઞેશ : પણ એ સંઘર્ષમાં જ છોકરાંઓ તૈયાર થયાં ને!? પ્રદ્યુમ્ન : આજ સ્વસ્થપણે વિચારતાં થાય છે કે વિધિએ ઘણાં તાવ્યાં પણ અંતે જે ઘડ્યું એ સારા માટે જ હતું એ હવે સ્પષ્ટપણે જોઈ શકું છું. આર્થિક ખેંચ અને ઘરની સ્થૂળ સંકડાશ બીચ મોટાં થતાં ગયાં સંતાનો પણ અમારી મથામણ, જહેમત અને કાળજીને પ્રમાણતાં પરિસ્થિતિને અનુકૂળ થઈ રહેતાં શીખ્યાં. ને એ સૂઝ થકી જન્મી એક ભરી ભરી નિકટતા અમ સહુને સાંકળતી, હજીય અકબંધ રહી છે, ત્રણેય અવ નોખાં નોખાં રહેતાં હોવાં છતાંય !
યજ્ઞેશ : અત્યારે ત્રણેય સંતાનો કયાં કયાં ક્ષેત્રોમાં સ્થાયી થયાં છે ? પ્રદ્યુમ્ન : સૌથી મોટી દીકરી આન્તોનેલ્લાને બચપણથી જ ભાષાઓની ફાવટ. મુંબઈ અને દિલ્હીના અમારા રહેવાસ દરમિયાન એ સહજપણે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી શીખી ને ઘરમાં અમારી સંગ ઈટાલિયન વયસ્થ થતાં મિલાન અને રોમની યુનિવર્સિટીઓમાં ‘મૉડર્ન લેન્ગ્વેજીસ અને લિટરેચર'નો ઉચ્ચ અભ્યાસ કર્યો. છેલ્લાં ચારેક વર્ષથી સ્ટુટગાર્ટની જગવિખ્યાત ઑટૉમોબાઈલ ફર્મ, ક્રાઈસલ૨ ડેઈમલરના ટેનિકલ વરિષ્ઠની પી. એ. તરીકે કામ કરે છે. ને બીચ બીચ સમય ફાળવી, એની માની જેમ હાથવણાટ અને ‘પેપર મેશે’માં પણ નિતનવું સર્જન કરતી રહે છે. હાલમાં જ ‘પેપર મેશે’ પરે આધારિત એનાં ચિત્રોનું એક પ્રદર્શન એની કંપનીના ઉપક્રમે યોજાયું હતું. વચલી દીકરી નીરા ‘ટૂક ઓવર ફ્રોમ વ્હેર આઈ લેફ્ટ એઝ ફેબ્રીક ડિઝાઇનર !' એ કોમોની અતિ જાણીતી ટેક્સટાઈલ સ્કૂલ સેતી ફિલ્મો (સિલ્ક સ્કૂલ)માંથી ઉત્તીર્ણ થતાં જ વ્યાવસાયિક ડિઝાઈનર તરીકે કામ કરતી થઈ ગયેલી. દસેક વર્ષ શહેરની સૌથી મોટી ટેક્સટાઈલ ફર્મમાં, ક્ષેત્રના નાનાવિધ વિષયોમાં પારંગત થતી, હાલ ચારેક વર્ષથી એક નવી પેઢીમાં ફેશન ડિઝાઈનર તરીકે કામ કરે છે. અને વલેન્તીનો, માક્સ મારા, બ્લૂ મટીન, નીના રીચી, ઓસ્કાર દે લા ટેન્તા, જેવી જગવિખ્યાત પેઢીઓ માટે આગામી ફૅશનોના આગોતરાં ‘કલેક્શનો' કરતી રહે છે. સૌથી નાનો દીકરો નિહાર મિલાનની ‘પોલિટેકનિક’માંથી આર્કિટેક્ટ તરીકે ઉત્તીર્ણ થઈ છેલ્લાં બે વર્ષથી રોમની એક મોટી આર્કિટેક્ટ ફર્મમાં કામ કરે છે. એનેય મારી જેમ ફોટોગ્રાફીમાં ઊંડો રસ છે. આમ જુઓ તો ત્રણેયને બચપણથી જ કલા પ્રત્યે લગાવ છે અને નાનાવિધ માધ્યમોમાં સર્જન કરતાં રહે છે. અમે એમને ‘ફોર્મલી' કશુંય શીખવ્યું નથી. અમને જોતાં ને અમારી જોડાજોડ કામ કરતાં, સાવ સહજપણે એ ત્રણેય એમને અનુકૂળ એવાં માધ્યમોમાં કામ કરતાં શીખી ગયાં છે.
યજ્ઞેશ : તમારી કવિતાની વાત કરીએ તો બચપણથી જ તમે મુંબઈના ‘અર્બન-મિલ્યુ' (શહેરી વાતાવરણ)માં ઊછર્યા છો પણ તમારાં કાવ્યોના પરિવેશ અને ભાષા સાવ જુદાં લાગે. એમનાં તળપદ લય અને પ્રાકૃતિક રોમાન્ટીસીઝમને આમ જુઓ તો મહાનગર સાથે કોઈ લેવાદેવા નથી. તો એ સંસ્કારો તમારાં મા જે ગાતાં-વજાડતાં એ થકી ઝીલ્યા કે તમારા ચિત્તે મેળવ્યા ઓર કોઈ સંધાન થકી? પ્રદ્યુમ્ન : આવા પ્રશ્નોથી ઘણી વાર રમૂજ પામતો હોઉં છું, તો ક્યારેક રંજ પણ, વિધાનોની ઈંગિત અપેક્ષાને પ્રમાણતાં. લો, પ્રત્યુત્તરમાં કેટલાક મુદ્દાઓ ટાંકું. પહેલો : હું મુંબઈ શા મહાનગરમાં ઊછર્યો તેથી એ ‘અર્બન મિલ્યુ’ મારાં કાવ્યો મહીં આવવું જ જોઈએ એવું શા માટે ?! મારે શું અને કયા પ્રકારમાં લખવું એ તો મારી અંગત રુચિનો સવાલ અને અધિકાર પણ ખરો ને?! વાસ્તવમાં, સહજ અને ઉચિત લાગ્યા ત્યારે શહેરી વાતાવરણને નિરૂપતાં અછાંદસ કાવ્યો પણ મેં લખ્યાં છે, મારાં ગીતોની સરખામણીમાં અલ્પ હોવાને કારણે ઘણાંયને એની જાણ ન હોય એ શક્ય છે. ઉદાહરણ રૂપે, ગુજરાતનાં છેલ્લાં કોમી રમખાણોએ સર્જી ભીષણ તારાજી અને ઊભરી વ્યથાને વ્યક્ત કરતાં એક દીર્ઘ નગરકાવ્ય ‘ચમત્કાર’ના કેટલાક અંશો અહીં ટાંકું :
રહી ગયાં પણ રસ્તે રસ્તે વહી જતાં બેફામ વાહનો
કેરી વણથંભ દોટ, ઊભરતાં દૂષિત ધૂમ્રના ગોટ,
ભીંસતી ભરચક ભરચક ભીડ
ભીડનાં ધક્કા, ઢીંક, ધપેડા, ખાંસી-ઠસકાં, લાળ, ગાળ ને રીડ
આવડાં ભીંત-ભીંતનાં લેપ-લપેડાં,
લીરે લીરા પતાકડાંના -
ધર્મબોધ ને માંડ પત્યાં ઘેરાવ-ચૂંટણી કેરાં !
હજી હવામાં ફરતી ભૂંડી, ચડામણીની આળઝાળ
કંઈ ત્રાડે ચાનક, 'તારી માને... જા! જા! જાને. ..
ભભક ભભૂકતી આગ ભયાનક
બાળે બાળે બાળે ચાનક :
મંદિર-મસ્જિદ, ગિરજાઘરને
સાંઈ-સંતના થાનક થાનક !
વાઢે વાઢે વાઢે ચાનક :
માથાં-કાંધાં, જાંઘાં-ટાંગા
બાવડ કેરી બહુમૂલ કાવડ !
ભખભખ રેલે લોહી, લોહીની નીક
અને ગૂ-મૂતર શબની અરતે-ફરતે,
ગંધ-ગંધ દુર્ગંધ અકારી અરતે ફરતે...
કેટકેટલી રુવે ત્રાવડ, ચીખે લેત મરશિયાં,
‘પૂતર ! હાય હાય ઓ પૂતર !'
બળ્યાં ઘરાં બીચ રુવે અબળાં
લઘરવઘર ને હાય અલેતા ભૂખ્યાં-તરસ્યાં બાળુ...
આ જ ખરે શું ધમધમતાં સહુ શહેર ? !
અહીં તો મોલાતુંના કાટમાળના ઢેર પરે શા ઢેર !
ગયાં ક્યાં એશ અનેરા ને નિત થાતી લીલાલ્હેર ? !
અહીં તો ઊભરતાં સમશાન, કદી ના કલ્પ્યાં
ના કદી ભાળ્યાં એવાં ડરામણાં સમશાન...
બીજો : ખરેખાત તો પ્રકૃતિને જ ‘ઉત્ક્રાંત’ માનવે સ્થાપ્યાં મૂલ્યો, ધારા-ધોરણો કે સીમાઓ જોડે કશી લેવાદેવા નથી! સુભાગ્યે, એણે નથી બદલ્યું નિજી વલણ કે તજ્યું નિજી ચલણ! સતત શોધનરત મહાભૂતો હજીય નિવારતાં રહે છે માનવે ફેલાવ્યાં અનેકવિધ દૂષણોને. મહાનગરોમાંયે ચાલતી રહે છે એ પ્રક્રિયા જનસમુદાયની ત્રસ્ત, ભાગદોડભરી રોજિંદી કાર્યવાહીની જોડાજોડ ! બેરુત-બેલગ્રેડ કે બગદાદના ભીષણ બમ્બમારા આઠેય અહીંતહીં બચ્યાં વૃક્ષવેલીઓ વસંત વેળા ખીલવાનું વીસર્યાં નથી! પંખીઓ ટહુક્યાં છે! આવાસોના ખંડેરો બીચ પણ શિશુઓની રમણરીડ થતી રહી છે! એની ઓથમાં હજીય સર્વ કાંઈ કોળતું, કિલ્લોલતું રહે છે! પળમાં દારુણ વિનાશ સ૨જે એવી સર્વ શક્તિમાન પ્રકૃતિ આદિ ગુણે સદા પ્રસન્ન-મંગલ અને કરુણામયી છે! અદિતી, સરસ્વતી, મહાલક્ષ્મી, અન્નપૂર્ણા, દુર્ગા, ભૈરવી, મહાકાલી શાં નામો એ આદ્યશક્તિના મુદિત અને ભયાનક સ્વરૂપોના દ્યોતક છે! એના સીધા સંપર્કમાં રહેતાં તળભૂમિના અનેક ભોળાં ગ્રામજનો નાનાવિધ ઉત્સવો દ્વારા નિજી આસ્થા અને આમન્યા વ્યક્ત કરતાં એ જીવનદાત્રીને બિરદાવતાં રહે છે. ત્રીજો : જેને તમે ‘પ્રાકૃતિક રોમાન્ટીસિઝમ' કહ્યો એ શબ્દ મહીં ઈંગિત ‘એવેઝીવ' કે ‘સેન્ટીમેન્ટલી નોસ્ટાલ્જક' એવું કશુંય નથી મારા કાવ્યોના પરિવેશમાં.
યજ્ઞેશ : આ તો સાહિત્યને જોવાની-કહેવાની એક રીત છે. ‘ડોન્ટ કન્સીડર ઈટ ઍઝ ડેરોગેટરી... પ્રદ્યુમ્ન : પણ એ ‘ટર્મ’ જ ખોટી છે ને! કેવું નિસ્તેજ અર્થઘટન થઈ ગયું છે એનું, તત્કાલીન આલોચના મહીં! ખરેખાત તો ‘રોમાન્ટિક’ નહીં, રોમાંચક જોઈએ ! જેના સંધાને, રોમરોમ થનકી ઊઠે એવી. શાશ્વત ચૈતન્યલીલાનાં લાધતા રહેલાં અચરજોના પરભાર્યા, લયબદ્ધ આળેખો છે મારા ઘણાંય કાવ્યોમાં :
સકળ ભરી બ્રહ્માંડ અનૂઠાં વાટે ઘાટે
વેર્યાં છુટ્ટે હાથ
અહો કાંઈ અનગળ અનગળ
વાલે મારે વેર્યાં અચરજ અનગળ !
વાયુ તણે પરપોટે પૂર્યા ધરા, સરિત, ગિરિમાળ
ફરતો વીંટ્યો સાત સમંદર કેરો નીલ જુવાળ !
અહો કાંઈ અનગળ અનગળ
શ્યામ સઘન અંધારું બાહર, ભીતર ભૂરો વ્યાપ,
કહીં ઊભરતાં તેજ - છાંય, કહીં ઝલમલે ઇન્દર-ચાપ !
અહો કાંઈ અનગળ અનગળ
કણમાં ભરિયાં કોશ, બીજમાં વનરાવન ઘેઘૂર
પ્રગટાવ્યો વડવાનળ જળમાં, શ્વાસ મહીં તે સૂર !
અહો કાંઈ અનગળ અનગળ..
ને ‘પ્યોરલી નેરેટિવ’ આળેખો થકી ઊપજતાં વ્યંજના-વિલાસ તો ચીની-જાપાની કવિતાની આગવી લાક્ષણિકતા છે. બે'ક નમૂનાઓ ટાંકું. પહેલી છે આઠમી સદીના જગવિખ્યાત ચીની કવિ-ચિત્રકાર વાંગવેઈના કાવ્યના ઈટાલિયન પરથી કીધો અનુવાદ :
કિયાંગ કેરા વ્હેણ થકી ડોકાતાં ધોળા પ્હાણ,
ટાઢીબોળ હવામાં અહીં તહીં ઊડતાં રાતાં પાંદ,
પર્વતની પગવાટે વારિ વરસ્યાં નથી લવલેશ.
વ્યોમ તણી ભૂરાશે આ તો ભીના આપણ વેશ !
બીજું છે જાપાની, વીસમી સદીનું
ચાંદોય સરી ગર્યો
જળ ચાટલાની બ્હાર,
રખે રહી ગયો હોય
તળિયે કો' પ્હાડ !
- શોજી ફૂજીકી (૧૯૩૭)
યજ્ઞેશ : મને યાદ આવે છે તમારું એક ગીત ‘ટાઢ’. વીસ વરસ પહેલાં રાણકપુરમાં, તમે મારી ડાયરીમાં લખી આપેલું. એવું કોઈ ઑર સંભળાવોને જેમાં તમારી ચિત્રકારની આંખનો લાભ મળ્યો હોય.
પ્રદ્યુમ્ન : એ છે ‘ઘટા’. મને અને બીજા ઘણાંયને ગમતું. જેના લયમાનને શબ્દાલેખોને બુંદીના રાજમહેલોનાં ભિત્તિચિત્રો જોડે સરસ સંધાન છે. લીલીછમ્મ, ગાઢી વનરાજિ પરે થઈ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા.
માથે લળુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા
ને તરતી તરલ છાંયમાં તળે, વચવચાળે ઊભરે પરે,
તેજના ચટાપટા !
ઢળતી ને વળ ખાતી જતી ઘટાની સાવ અડોઅડ ઊડતાં
બગ ને બગની ટકરાતી રહેતી ચાંચ.
એટલી નીચી લોલ લળે કાંઈ એટલું ઢળતી જાતી
સાવ અડોઅડ ઊડતાં બગની ચાંચ રહે ટકરાતી !
ને ચોગમ તૂટી લડ્યથી સર્યાં, મોતન શા બુંદ જાય રે ઝર્યાં,
લળખ લખળ થતાં !
માથે લળુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા,
ને આ ચંચળ, મનોહારી મોસમ મહીં કશુંય થીર કે મૂંગું નથી.
આજ કશું નહીં થીર કે મૂંગું, કલરવ કૂવા-કાંઠે,
હાલકદોલક ગાગર-હાંડે જળ ચઢ્યાં શીય વાતે!
દૂરનાં જાંબુલ વનથી ભીનાં, લાવતાં આંહીં સૂરને ઝીણાં
પવન આવતાં જતાં !
માથે લળુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા...
ને છેવટ પરમાણો સાંકડી શેરી વચે થઈ પનિહારીઓની વિમાસણ.
સાંકડી આવી શેરી, વયે થઈ સરીએ તે કઈ પેરે?
એક પરે એક ઢળતા ઝરૂખ લોલુપ થઈને હેરે
અંગ ચોંટ્યાં ને ઊડતાં સખી ! જળસું ભીનાં ઓઢણ થકી
જોવન થતાં છતાં !
માથે લબુંબ ઝળૂંબ લળુંબ ઝળૂંબ સરતી સાવનઘટા.
યજ્ઞેશ : કલાકાર હોવાનો લાભ મળ્યો કવિને. વાતાવરણની ચિત્રાત્મકતા, રંગો, ટેક્ષ્ચર અને આયોજનોને આત્મસાત્ કરવાની સૂઝ, બધુંચ ઉપકારક નીવડ્યું નીપજી કૃતિઓને. આવો કોઈ આંતર સંબંધ ફોટોગ્રાફી અને ચિત્રકલા બીચ ખરો? કે બન્ને કલાઓ એકબીજાને અને તમને પૂરક બની હોય? કારણ બન્ને દૃશ્યકલાના પ્રકારો છે. આમ જુઓ તો જુદા. છતાંય એકબીજાને પૂરક બની શકે ખરા? પ્રદ્યુમ્ન : બની શકે. હું એ સમયની સાથસાથ પ્રમાણતો ગયો. કૅમેરા, સરી જતી ક્ષણોના દેખિત સ્વરૂપને હૂબહૂ સ્થગિત-અંકિત કહી લેતું માધ્યમ છે. કલમ-પીંછી દ્વારા પણ દૃષ્ટિ સામે પડ્યું દોરી-ચીતરી શકાય પણ એ પ્રક્રિયા કૅમેરા જેટલી ત્વરિત ન હોવાને કારણે વધુ સમય અને હથોટીની કાબેલિયત માગે, જ્યારે વાણી તો ભીતરી આંખ બીચ ભર્યાં પડ્યાં અનેક દૃશ્ય-સંવેદનો થકીય ચાહે ત્યારે નિતનવા શબ્દાલેખો કરતી રહે, જેમને સ્થળકાળના સ્થૂળ બંધનો ન હોવાને કારણે એમના વ્યાપ અને ચાંચલ્યને કોઈ સીમા નથી હોતી.
યજ્ઞેશ : ફોટોગ્રાફિક અસાઈન્મેન્ટ માટે પણ તમે મહત્ત્વની યાત્રાઓ કરી હશે ને? પ્રદ્યુમ્ન : પહેલી અસાઇન્મેન્ટ મળી હતી. '૬૩માં મુંબઈના વિખ્યાત સાપ્તાહિક ‘ઇલસ્ટ્રેટેડ વીકલી'એ કર્ણાટકના પ્રસિદ્ધ યાત્રા-તીર્થ શૃંગેરી પરે એક સચિત્ર, વિગતપૂર્ણ અહેવાલ પ્રકટ કરવાનું વિચાર્યું હતું, બે હપ્તામાં. પહેલો હપ્તો, ઐતિહાસિક રૂપરેખા આપતો, પ્રા. નીલકંઠ રાવ લખવાના હતા ને મારે એને અનુરૂપ ફોટાઓ પૂરા પાડવાના હતા. બીજા હપ્તા માટે, નાના વિધ ફોટાઓ (મંદિરના કોઠાર મહીં સચવાયાં, વારતહેવારે દેવી-દેવતાઓને ચડાવાતાં અમૂલ્ય આભૂષણોમાંય)ની સાથ સાથ ‘આઈ વૉઝ સપોઝ્ડ ટૂ રાઈટ માય ઈમ્પ્રેશન્સ ઑફ ધ પ્લેસ એઝ વેલ એઝ ઇન્ટરવ્યૂ ધ શંકરાચાર્ય !' ઓવો મોકો ક્યારે મળે? હોંશે હોંશે ગયો. ફર્સ ટાઈમ ઈન માઈ લાઈફ આઈ રીઅલાઈઝ્ડ વૉટ ઈઝ પાવર ઑફ પ્રેસ! ‘રેડ કારપેટ ટ્રીટમેન્ટ' મળી! મને ગમે ત્યાં ફરીને ફોટાઓ પાડવાની છૂટ હતી. કેવળ એક નિયમ પાળવો જરૂરી હતો. મંદિરનાં દેવી-દેવતાઓ અને શ્રી શંકરાચાર્યની આમન્યા રૂપે અન્ય પુરુષ યાત્રીઓની જેમ મારે પણ કેવળ લૂંગીભર રહી બધે હરવું-ફરવું આવશ્યક હતું. આપણા રામને તો મજા જ પડી ગઈ! મુંબઈમાં આમ અધ ઉઘાડે અંગ ફરવાનું ક્યારે બને?! ને ત્યારે તો હતોય ગઠીલો ને પુષ્ટ... [હાસ્ય] યજ્ઞેશ : તમને થયું હશે કે એટલુંય પહેરવાનું ન હોત તો વધુ સારું થાત ! [બન્નેનું મુક્ત હાસ્ય]. પ્રદ્યુમ્ન : અઠવાડિયું ત્યાં રહ્યો. ઘણા ફોટાઓ પાડ્યા ને નિજી સંવેદનો નોંધ્યાં. શ્રી શંકરાચાર્ય જોડેના વાર્તાલાપને શબ્દબદ્ધ કર્યો ને પેલી પુરાણી કહેવત ‘ગંગા સ્નાનમ્ તુંગા પાનમ્'ની યથાર્થતાને પંડે પ્રમાણી. આવા મીઠાં ને નીતર્યાં સરિત-જળ મેં બીજે કશેય ન'તાં પીધાં! આજેય '૬૩ના એ શૃંગેરીને સંભારતાં એક અણકથ્યો રોમાંચ થઈ આવે છે. એવું રૂપાળું, ચોખ્ખુંચણક, નીરવ શાંતિ અને આધ્યાત્મિકતાએ ભર્યું ભર્યું તીર્થસ્થાન અગાઉ ક્યારેય જોયું ન'તું! પૂરાં ત્રીસ વર્ષ બાદ ફરીને ત્યાં જવાનો યોગ સાંપડ્યો ત્યારે એ અદ્ભુત સ્થળના હાલહવાલ જોઈ દુઃખી દુઃખી થઈ ગયેલો. બધુંય એટલું 'કમર્શિયલાઈઝ' થઈ ગયું હતું. યજ્ઞેશ : એવી જગ્યાએ ફરી વિઝિટ ન કરવી જોઈએ કારણ એટલો બધો ચેઈન્જ આવી ગયો હોય જે તમે સ્વીકારી ન શકો. પ્રદ્યુમ્ન : હા, હું એ શીખતો રહું છું કે ‘મેઈક નો સેન્ટીમેન્ટલ જર્ની ઈફ પોસીબલ...’ યજ્ઞેશ : વરસે બે વરસે તમે ફરીને ભારત આવો ત્યારે તમને કેવું લાગતું હોય છે? ફરી ગુજરાતી સાંભળતાં કેવું લાગે ? અગાઉ જોયેલી જગ્યાએ ફરી જાઓ ખરા? પ્રદ્યુમ્ન : સ્વદેશ પાછા ફરવું તો મારે માટે સદાય રોમાંચક હોય છે! માતૃભાષાની બાબતમાં તો ઈટલીમાં સાવ એકલો પડી જાઉં. જ્યાં. અંગ્રેજી બોલવાનુંય કવચિત્ ઘટે ત્યાં ગુજરાતીની તો વાત જ ક્યાં કરવી! એટલે સ્વદેશથી કોઈ આવે અને તેમાંય ગુજરાતી બોલનારું હોય તો ઑર જ મઝા પડે. રોઝાલ્બા શક્ય એટલું સાંભળે, સમજેય ખરી પણ પછી થાકે ત્યારે મહેમાનની રજા લેતાં હસીને કહે, ’આઈ વીશ યુ ગુડનાઈટ ! મારા વરને તો નિજી ભાષાનો રણકો સાંભળતા રાત ઓછી પડશે !' પણ એ ઝંખના કેવી હોય એ તો પરદેશ વેઠે એને જ ખબર પડે. અહીં આવું ત્યારે નવી નવી જગ્યા જોવાની સાથોસાથ, ચાલતી રહેતી અંગત ‘રિસર્ચ'ને કારણે જાણી-માણી જગ્યાએ પણ ફરી જવાનું થાય. ખાસ કરીને મને પ્રિય એવો પૂર્વ/દક્ષિણ રાજસ્થાનનો તળપ્રદેશ ખૂંદવા. તેમાંય દિવાળી ટાણે આવી શકું તો ગજબનો ઉમંગ અને આકાંક્ષા હોય. વર્ષોથી ‘માંડણાં’ પરે સંશોધન કરું છું ને હજીય જાણે અધૂરું હોય એમ નવી નવી સામગ્રી મળતી જ રહે છે. એ પછી કાર્તિકી અગિયારસથી પૂનમ લગીના નાનાવિધ ધાર્મિક ને મસમોટા પશુમેળાઓ જોવા મળે! મેં તો ઘણાંય જોયા-માણ્યા છે, પણ રહી રહી થઈ આવે કે નિજી સંતાનો અને નિકટના મિત્રોને પણ આ ભર્યો ભર્યો તળપદો વૈભવ દેખાડી શકું! મારે મન તો આ છે આપણું ‘ફેબ્યુલસ’ ઇન્ડિયા ! પણ આ ઉત્સવગાળો ઑક્ટોબર/નવેમ્બર દરમિયાન આવે અને પશ્ચિમના બહુધા નિવાસીઓને નાતાલની રજાઓ પહેલાં ભારત આવવું શક્ય ન બને.
યજ્ઞેશ : પણ એ બધું બદલાતું કે ભૂંસાતું જાય છે તે પણ તમે નજરે જોતાં જ હશો. 'પ્રદ્યુમ્ન :' હા. ને એનો અફસોસ તો મારા જેવા ઘણાયને થતો હશે. પણ એનો કોઈ ઈલાજ નથી.! ‘રીલેન્ટલેસ ઇન્ડસ્ટ્રિયલ ઑનસ્લોટ’ અને વાધતા જતા મીડિયા-માધ્યમોની ભરમારને કારણે બધેય કંઈ કેટલા રુચિહીન બજારતત્ત્વો ભળતાં જાય છે. તેમાંય મને સૌથી વધુ કઠતું હોય તો એ છે ‘નોઈઝ પોલ્યુશન !' જ્યાં ફરો ત્યાં – શહેરો અને નાનાં નાનાં ગામડાંઓમાંય, દિવસના કોઈ પણ પ્રહરે, એકધારું, તીવ્ર સ્વરે રેડિયો પરથી વહેતું ફિલ્મ-સંગીત અને નાનાવિધ ‘સેટેલાઈટ' ટેલિવિઝન ચેનલો પરથી પ્રસારિત થતા રહેતાં છાકટાં નૃત્યોને ખરે જ ભારત પાછા ન ફરવાનાં મુખ્ય કારણોમાં ગણાવી શકું!
યજ્ઞેશ : અને પાછા ફરવા માટેનાં કયાં કારણો ? પ્રદ્યુમ્ન : એ તો ઘણાં ઘણાં છે. [હસતાં હસતાં] આ મારી જનમભોમ છે. ને જે થકી ઘડાયો ને ભર્યો ભર્યો વરતું છું નિજને, એ આખીય ભાતીગળ, તળપદી સૃષ્ટિ છે! અહીં છે નિકટતમ કુટુંબીઓ ને સગા-સંબંધીઓ. ને એથીય વધીને વ્હાલા લાગે એવા મિત્રો છે ! પણ એ બધાંયને સાચા પરિમાણમાં પામવા દૂર પરદેશ રહેવું પડે એય વિધિની કેવી ગતિ ?! ખેર, એટલું નક્કી કે આ ભવે ને આવતે ભવેય આ ભરીભાદરી ભોમકાને મનભર ખૂંદવા ફરી ફરી આવતો રહીશ. આમ જ કો'ક લહિયો-ચિતારો થઈ પરમ ચૈતન્યના અબાધ આવિષ્કારને ફરી ફરીને આળેખવા.