પ્રભુ પધાર્યા/૧૫. ફો-સેંઈના નૃત્યમાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૫. ફો-સેંઈના નૃત્યમાં

સવાસો `નાતમી'! એક મોટી ફોજ! `ના' કહેતાં માછલી, ને `તમી' કહેતાં દીકરી : નર્તકીને બર્મામાં આમ મત્સ્યકુમારી કહે છે. માછલીને મળતો જ દેહ-ઘાટ, માછલી જેવી જ તરલતા, માછલીની જ કુમાશ! અથવા નાતમી એટલે નાટ(યક્ષ)ની તમી (દીકરી) કહેતાં અપ્સરા. એવી સવાસો રંભાઓના ઘેર પીમના શહેરમાં ઊતરી પડ્યા. ફો-સેંઈનાં નૃત્યો બર્માને ગાંડું કરે છે. આપણે ઉદયશંકર છે, તેઓને ફો-સેંઈ. નટરાજ ફો-સેંઈ પીમનામાં આવ્યો હતો. તે દિવસ એના નટમંડળનું `તીંજ્યાં પ્વે' હતું. `તીંજ્યાં પ્વે' એટલે ઇન્દ્ર-ઇન્દ્રાણીનું નાટક. દીવાલે બાંધેલા ચોગાનમાં કશા જ ભપકા અથવા કરામતો વગરની એક રંગભૂમિ હતી. બેઉ બાજુએ બે પાંખો હતી, બાકી બધું ખુલ્લું હતું. પાંખો પાછળ થઈને નૃત્યકાર-પાત્રો એ રંગભૂમિ પર આવતાં અને નાટારંભ કરતાં. ધાવણાં બાળકોને તેડી તેડીને બ્રહ્મી સ્ત્રીઓ જલસામાં ચાલી છે, પુરુષોના હાથમાં બાલોશિયાં અને અક્કેક ચટાઈ છે. બબ્બે રૂપિયાની ટિકિટો લઈને પ્રેક્ષકો અંદર પ્રવેશ કરે છે, રંગભૂમિની સામે ધરતી ઉપર ચટાઈઓ પથરાય છે અને કુટુંબો બેસે છે. બાળકોને બાલોશિયાં પર સુવારે છે. કોઈ પોતાની જગ્યા માટે કલહ કરતું નથી, કોઈને જગ્યાની સંકડાશ પડતી નથી. ધરતીમાતાનો ખોળો પહોળો છે. પ્રેક્ષકોને હૈયે શાંતિ છે. પહોળા બનીને સૌ નિરાંતવાં ઘૂંટણભર બેઠાં છે. પ્રેક્ષકશાળાની પાછલી જગ્યામાં, આ ભોંય બેઠેલાંના બ્લોકની તદ્દન છેવાડે કલઠાંઈઓ નાખી છે. કલઠાંઈ એટલે ખુરશીઓ; કલા કહેતાં સામા કિનારાથી આવેલ હિંદીઓ અને ઠાંઈ કહેતાં બેઠક. હિંદીઓની બેઠક ખુરશી. એ બ્રહ્મદેશનું આસન નથી. હિંદીઓએ પણ એ પારકી ચાટેલી એઠ છે. એ કલઠાંઈ ઉપર એક પણ બરમો બેઠો નથી. હિંદીઓ આવી આવીને બેસતા ગયા. શેઠિયાઓનાં કુટુંબોએ ખુરશીનાં આસનો રોક્યાં. સાદડીઓ પર સૌની સાથે બેસતાં તેમને નાનમ લાગી. હેમકુંવરની સાથે ડૉ. નૌતમ દાખલ થયા ત્યારે વ્યવસ્થાપક આવીને એને કલઠાંઈવાળું સ્થાન બતાવી ગયો. ``આઈયે આઈયે, ડૉક્ટર! શેઠિયાઓએ સાદ કર્યો. ``ના રે ના, આંહીંયે પાછા જુદા ને જુદા તરી નીકળવું? અમે તો ત્યાં સૌની સાથે જ બેસશું. એમ કહીને એ તો આગળ ચાલ્યા, ને શામજી શેઠે ટકોર કરી : ``આ ખુરશી ઉપર દાક્તરાણી સમાય પણ નહીં ના, બાપા! એમની પાછળ ભાઈ મનસુખલાલનો પરિવાર હતો. મનસુખલાલ ગુજરાતી, અને પત્ની બર્મી. સાથે યુવાન પુત્રી હતી. શાંતિદાસે કહ્યું : ``આ મનસુખલાલે તો રહી રહીને વીસ વર્ષે જતું પરણેતર જાહેર કર્યું. ``તો આટલાં વર્ષ શું રખાત તરીકે રાખેલી? બીજાએ પૂછ્યું. ``એમ જ ના? ``ના રે ના, રીતસર ગૃહિણી જ છે. માત્ર લગ્નવિધિ નહીં કરેલ. ``દેશમાં એને પરણેલ સ્ત્રી છે? ``નહીં. ``ત્યારે પછી રખાત કેમ કહેવાય? ``લગ્ન તો કરેલ નહીં ને! પણ હવે દીકરી સાંઢડો થઈ, પરણાવવી જોશે, એટલે લગ્ન જાહેર કર્યું. ``આ રહ્યા મુરતિયા! પાછળ ચાલ્યા આવતા એક યુવકને જોઈ શામજી શેઠ બોલ્યા. એ યુવક હતો રતુભાઈ. રંગૂનની ચાવલ મિલો છોડીને આખરે પાછા ફરી વાર એણે પીમનામાં સોના-ઝવેરાતનું પોતાનું જૂનું ક્ષેત્ર હાથમાં લીધું હતું. ``બાઈને કોઈ લેતું નથી, ને ભાઈને કોઈ દેતું નથી. સરખાસરખી જોડ છે. ``લાગે છે એ જ વેતરણમાં. એ બધાં સીધાં ચાલ્યાં ગયાં ને પોતપોતાની ચટાઈઓ બિછાવીને બર્મી લોકોની સાથે બેઠાં. ચટાઈ પર નીચે બેઠાં બેઠાં ચોમેર નજર કરતા નૌતમે પત્નીને બતાવ્યું : ``નીમ્યા દીઠી? ``ક્યાં? ``ઓ રહી. આંખથી જ દિશા બતાવી. ``અરે, એની પાસે તો બાળક છે ને શું? કેવી કરી! એને છોકરું આવ્યું તેને માટે આપણે કશી ભેટ લઈ જવાનું જ ભૂલી ગયાં! એમ કહેતી હેમકુંવર ઊઠી અને દૂર એક ચટાઈ પર બેઠેલ નીમ્યા પાસે ગઈ, નીમ્યાને ઝબકાવી, કોઈ ન કળે તેમ કેડ્યે ચીમટીનો વળ દઈને ઠપકો આપ્યો : ``ખબર પણ ન આપી કે? ``માંડ માંડ બચી છું. નીમ્યાએ પ્રસવ-પીડાની વાત કરી. ``તો અમને કેમ ન બોલાવ્યાં? ``આ રૂપાળા શરમાઈને બેઠા રહ્યા! નીમ્યાએ પતિ બેઠો હતો તે તરફ આંખો કરી. ``પણ હવે તું કરે છે શું? માની દુકાને બેસતી નથી? ``ના, હમણાં તો રતુબાબુ એની દુકાનેથી ચીજો આપે છે તે વેચવા મહેનત કરું છું. ``તું ફિક્કી પડી ગઈ છે. ``અરે, હોય કાંઈ? નીમ્યા બ્રહ્મી નારી હતી. એનો બોલ મોળો હોય જ નહીં. ``એ તો આ છોકરો ધાવે છે તેથી. બાકી તો લહેરમાં છું. બાબલો ક્યાં? ``ઘેર નોકર પાસે. ``એમ ઘેર કંઈ મુકાય? આ જુઓને, અમારાં બધાં છોકરાં અહીં લહેરથી ઊંઘે છે. ``મને શી ખબર કે આ રીતની બેઠકો હશે? હવે તું આ બધા ફો-સેંના નાચ-મરોડો શીખી લેજે હો કે? તારે પાછું કોઈક દિવસ કમળમાં નાચવું પડશે ને? હજુય નાચે કે? ``હો-હો! ઘરડી થઈશ તોપણ નાચવું નહીં છોડું. બોલતે બોલતે એણે સઢૌં સમાર્યો. ``આ રઢિયાળા કેમ શાંત બેઠા છે? હેમકુંવરબહેને નીમ્યાના સ્વામીની સૂરત પર ટકોર કરી. ``નહીં રે! બેઠા બેઠા લે'રથી સેલે (ચિરૂટ) ચસકાવે છે. ``કંઈ છે નહીં ને? ``લવલેશ નહીં. આનંદ છે. મોજ કરીએ છીએ. બેઉ જણાંની વાતો બંધ પડી. રંગાલય પર વગર ઘૂઘરે, વગર નૂપુરે ને ઝાઝા થથેડા-લપેડા વગર ફો-સેંઈનું નૃત્ય હજારો આંખોને એક જ તારે પરોવી રહ્યું, ત્યારે મા-નીમ્યાનો પતિ કોઈ ન જાણે તેમ કલઠાંઈ(ખુરસીઓ)વાળા સમૂહમાં નજર ખુતાડી રહ્યો હતો. બાવીસ વર્ષનો યુવાન રંગભૂમિ પર હાજર થયો. એ ફો-સેંઈ નહોતો, બુઢ્ઢો ફો-સેંઈ હવે સ્ટેજ પર આવતો બંધ પડ્યો હતો. આ એનો પુત્ર હતો. ચપોચપ લુંગીમાંથી એના પગ ચગવા લાગ્યા. એની સાથે રંભાઓનું વૃંદ હતું. એક પછી એક દરેકની પાસે જઈને એ કૂંડાળે સહનૃત્ય કરવા લાગ્યો. પહેલો વિરામ આવી પહોંચ્યો. કલઠાંઈવાળા ખુરશી-બ્લોકમાં વાતો ચાલી : ``ગોથું ખવરાવી દ્યે એવું જ છે આ ફો-સેંઈનું, હો ભાઈ! વાત તો સાચી. આમાં બરમાઓનાં કલેજાં હાથ ન રહે. ``જુઓ ને જુવાનિયાં ઊઠી ઊઠીને બહાર જવા લાગ્યાં. ``સવારે આમાંથી કંઈકનાં માવતર ગોતાગોત કરશે, બીજું શું! ``ઠીક છે ભલા આદમી! એ હિસાબે આપણને કંઈ નુકસાન નથી. એ બચ્ચાઓ લહેર માણતા હશે તો જ આપણે બે પાંદડે થશું. ``પણ ફુંગીઓ વીફર્યા છે, હો ભાઈ! આ નાચણવેડા સામે એમની આંખ ફાટી છે. ``તઢીન્જ્યુનું પ્રદર્શન જોયું ને? તઢીન્જ્યુ એટલે દિવાળી. આપણી દિવાળી કરતાં પંદર દિવસ વહેલો આવતો બ્રહ્મદેશનો દીપોત્સવ. તઘુલામાં જેવા તોરથી તેઓ પાણી ઉડાડે તેટલા જ તોરથી પાગલ બનીને બર્મા તઢીન્જ્યુમાં દીવા જલાવે. કાગળનાં ફાનસો, અંદર જલે દીવા, અને અંદર દીવા ફરતી કંઈક પશુપંખીની રચના કરી હોય. નદીમાં પણ દીવાનાં મોટાં સૈન્યો તરે. ``શું છે એ પ્રદર્શનમાં? ``બાવલાં બનાવ્યાં છે. એમાં એક સ્ત્રી પરી થઈને આકાશમાં ઊડી જાય છે ને પાછળ પાંચ છોકરાં પૃથ્વી પર ટળવળે છે. બાવલા પર લખ્યું છે : નાચણવેડાનું પરિણામ! ``માળો રતુ પણ પક્કો લાગે છે હો! ``કાં? ``ઓલી મનસુખલાલની બર્મી છોકરી બહાર ગઈ, પણ પોતે ઊઠ્યો નથી હજી. ``આપણને જોઈને, બાકી તો ગોઠવાઈ ગયો લાગે છે. એટલામાં નવું નૃત્ય ચાલુ થયું. ઇન્દ્ર બનેલો ફો-સેંઈ કુમાર પાછો આવ્યો. ઇન્દ્રનો કોઈ ખાસ વેશ નહીં, માત્ર નવરંગી લુંગી. એંજી ને ઘાંઉબાંઉ બદલેલ, પરંતુ ઇન્દ્ર રૂપે ઓળખાય વધુ આભૂષણોથી. ઝાઝે હીરે ઝળકતી વીંટીઓથી ભરેલા હાથનાં આંગળાં, હીરે જડેલ બટનથી મઢેલી છાતી : બસ આટલા જ્યોતિકણો એને સર્વ પાત્રોથી જુદો પાડવા માટે પૂરતા હતા. અને એને સર્વની ઉપર લઈ જનાર તો એનું રૂપ હતું, એનું નૃત્ય હતું. એક વિદૂષક પણ જોડાજોડ હતો. (આપણાં નાટકોના રાજાની પાસે પણ એ જ રહેતો, આપણી ભવાઈનાં મુખ્ય પાત્રો પાસે પણ એ ડાગળારૂપે હતો. અને આપણામાંના નરોત્તમોની નજીક સાચા જીવનમાં પણ એ ક્યાં નથી હોતો!) વિદૂષકે વઢવેડ ઊભી કરી : ``નાચવાની તાકાત છે? આ મારા મૃદંગ-બજવૈયાને લગી શકે તો કહું કે તું ખરો ઇન્દ્ર છે. ``તૈયાર છું. ``મોઈ ત્વામે. (થાકી જઈશ, થાકી.) ``મમો દેબુ. (ન થાકું.) પછી તો એ નટરાજના પગ અને મૃદંગ પરની કર-થપાટો, બેઉ વચ્ચે વેગીલી સ્પર્ધા ચાલી. નટરાજે સાંકડા લુંગી-કૂંડાળે પગની કણીએ કણીઓ કરી વેરી દીધી. મૃદંગે એ કણીઓના પણ છૂંદા બોલાવ્યા. ઇન્દ્રની છાતી શ્વાસે ભરાઈ ગઈ. એ જરીક પસીનો લૂછવા જાય ત્યાં તો વિદૂષક ચિત્કારી ઊઠે : ``મોઈ ત્વારે! (થાકી ગયો, બસ થાકી ગયો!) ``મમો દેબુ, ખીમ્યા! મમો દેબુ. (નથી થાક્યો, બાપા! નથી થાક્યો!) બજાવો મૃદંગ, ઝપટથી બજાવો. આખા પ્રેક્ષકગણને અધ્ધર ઉપાડી લેનાર એ નૃત્ય હતું. કોઈનો શ્વાસ હાલતો નહોતો. અને તે સૌમાં વધુ થડકાર નીમ્યાના હૃદયમાં હતો. શું થશે! ઇન્દ્ર થાકી જશે ને હારી જશે તો શું? હે ફયા! મારામાં જે જોર હોય તે એનામાં સિંચાજો; નૃત્યનો વિજય થજો. બધું હારજો, એક નૃત્ય ન હારજો! — ને છેવટે મૃદંગકાર તાલ ચૂક્યો, અને પ્રેક્ષકોએ તાળીના ગગડાટ કરી હથેળીઓ તોડી નાખી. નીમ્યાનું દિલ ફયાને ઝૂકી પડ્યું.