બહુરંગી/તથાસ્તુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તથાસ્તુ

પલ્લવી મિસ્ત્રી

“ચાલ, મારી સાથે આવવા તૈયાર થઈ જા.” “હેં? કોણ છો? કોણ છો તમે?” “મને ના ઓળખ્યો, હું દેવદૂત.” “તમારી ફોઈએ તમારું નામ તો સરસ પાડ્યું છે. દેવદૂત, પણ આપણે પહેલાં ક્યારેય મળ્યાં હોઈએ, એવું મને યાદ નથી.” “આપણે પહેલાં ક્યારેય મળ્યાં જ નથી.” “આમ સાવ અચાનક, પરમિશન લીધા વિના કોક અજાણ્યો માણસ મારા ઘરમાં ઘૂસી આવે તે મને પસંદ નથી.” “મારે કોઈ પણ જગ્યાએ જવા માટે પ્રભુ સિવાય કોઈનીય પરમિશન લેવાની હોતી નથી.” “પ્રભુ? એ તમારા બૉસ છે?” “હા, એ સૌ કોઈના બૉસ છે. સર્વશક્તિમાન છે, વિશ્વનિયંતા છે.” “તમને વિશેષણો સારાં આવડે છે. ગુજરાતીમાં હાઇયેસ્ટ માર્ક્સ આવ્યા હશે, પણ તમે નાટકમંડળીમાં શા માટે જોડાયા?” “હું કોઈ નાટકમંડળીમાં જોડાયો નથી.” “તો? ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લેવા જવાના છો?” “ના, ના.” “તો પછી આવો વિચિત્ર - હાસ્યાસ્પદ ડ્રેસ કેમ પહેર્યો છે, ને તમારું અહીં આવવાનું પ્રયોજન શું છે?” “આ અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે અને હું તારો જીવ લેવા આવ્યો છું.” “અરે! વિશ્વમાં લાખો-કરોડો લોકો છે. મારો જ જીવ લેવાનું કોઈ કારણ?” “તેં મને બોલાવ્યો ને હું આવ્યો.” “આવ્યા તો ભલે આવ્યા. બેસો, બી કમ્ફર્ટેબલ. ચા-કૉફી પીઓ, પણ મેં તમને બોલાવ્યા એવું જૂઠું બોલી માન ન માન મૈં તેરા મહેમાન જેવું કરવાની કંઈ જરૂર છે?” “તેં પ્રાર્થના કરી હતી. “મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો." તે ભગવાને સ્વર્ગનાં મંગળ મંદિર તારા માટે ખોલ્યાં છે.” “અરે! પણ એવી પ્રાર્થના તો હું ઘણા દિવસોથી, ના, ના, ઘણા મહિનાઓથી, સાચું કહું તો ઘણાં વર્ષોથી કરતી આવી છું.” “તો માની લે કે તારી વર્ષોની તપશ્ચર્યા ફળી.” “તમે કહો એટલે મારે માની લેવાનું? મારી પ્રાર્થનામાં તો મેં મંગળ મંદિર ખોલવા ઉપરાંત મારા પતિનું નોકરીમાં પ્રમોશન, મારાં બાળકોનું સારી કૉલેજોમાં ઍડ્મિશન, મારા ભાઈ માટે ઇમ્પોર્ટેડ કાર, મારી મમ્મી માટે આલીશાન બંગલો, મારા માટે લતા મંગેશકર જેવો અવાજ અને “ડી-બિયર્સ”નો સાચા હીરાનો હાર-એવું એવું ઘણુંય માગેલું. ત્યારે નહીં ને આજે જ મારી પ્રાર્થના સ્વીકારવાનું કોઈ કારણ?” “કારણ-બારણ તો ભગવાન જાણે, આ તો જરા નવરો પડ્યો એટલે...” “પણ તમે નવરા પડ્યા જ શા માટે? પેલી કહેવત તમે નથી સાંભળી? નવરો બેઠો નખ્ખોદ વાળે?” “એટલે શું?” “એટલે... જવા દો તમને નહીં સમજાય. તમે પાછા જાવ, ને કોઈ સારા કામે લાગી જાવ." “એવું ન ચાલે. મારાથી કોઈ જીવને લીધા વિના ખાલી હાથે પાછા જવાય જ નહીં.” “તો એક કામ કરો. પ્રજાના (પારકા) પૈસે લહેર કરતા કોઈ રાજકારણીનો જીવ લઈ જાવ." “ના, બાબા, ના. એક વાર મેં એવું કરેલું, તો પ્રભુએ કહ્યું, આ ભ્રષ્ટાચારીને ક્યાંથી ઉપાડી લાવ્યો? તારી તે કંઈ ચોઇસ છે? વેરી પુઅર. એટલે આ વખતે કોક સારા જીવને જ ઉપાડી જવાનું મેં નક્કી કર્યું છે.” “મને ‘સારો જીવ’ ગણવા બદલ થેન્ક્યુ દેવદૂતજી. પણ મારા છોકરાંઓને હજી ‘મા’ની જરૂરત છે.” “એવું તું માને છે, છતાંય... સંતોષ ખાતર તું એમને પૂછી જોઈ શકે છે.” “જિગર-સંકેત, હું દેવદૂત સાથે જાઉં છું.” “મમ્મી, તારી કાર રિપેરિંગમાં છે. જોઈએ તો મારું કાઈનેટિક લઈ જા.” “બેટા, હું જ્યાં જઈ રહી છું, ત્યાં કાર-સ્કૂટર એલાઉડ નથી.” “તો? વૉકી-ટૉકી? તું થાકી જશે. એના કરતાં જવાનું માંડી વાળ.” “તારી વાત તો સાચી છે બેટા, પણ આ તો... જવું જ પડે એમ છે.” “જેમ નવા વર્ષના દિવસે અમારે તમારી સાથે સગાં-વહાલાંઓના ઘરે આવવું પડે છે એમ?” “એમ માની લો.” “ઓ. કે. તો પછી જા, બીજું શું?” “તમને બંનેને મારા વગર ગમશે?” “ગમશે તો નહીં ... પણ... ચલાવી લઈશું. ટેક કૅર ઑફ યોરસેલ્ફ.”

***

“બસ સાંભળી લીધું? ચાલ, હવે તૈયાર થઈ જા.” “પણ મારા પતિને એક પત્નીની (મારી) જરૂર છે.” “ઓહ! આ કાળા માથાનો માનવી? જીવતેજીવ ભ્રમણામાંથી ક્યારેય બહાર નહીં આવે. ઠીક જા. તારા પતિને પૂછી લે.” “કહું છું. સાંભળો છો?" “ના, અત્યારે હું વાંચી રહ્યો છું. રાત્રે કહેજે જે કહેવું હોય તે.” “રાત્રે હું નહીં હોઉં અને વાત અરજન્ટ અને ઇમ્પોર્ટન્ટ છે.” “તું પિયર જવાની છે? પરમિશન જોઈએ છે? જો - બાળકોની ચિંતા ન કરતી.” “હું પિયર નથી જતી, ઉપર.. ભગવાનના ઘરે જાઉં છું.” “ઉપર તો જમુકાકા રહે છે. ભગવાનદાસ તો ત્રીજે ઘરે રહે છે.” “મજાક ન કરો, હું સ્વર્ગમાં જાઉં છું.” “તું અને સ્વર્ગમાં? મજાક તો તું કરી રહી છે.” “સાચું કહું છું, મને લેવા દેવદૂત આવ્યા છે.” “વાહ! ભગવાને મારી... એટલે કે તારી પ્રાર્થના છેવટે સાંભળી ખરી.” “એટલે? હું મરી જાઉં તો તમને બહુ ગમે. ખરું ને?” “એવું તો મારાથી કેમ કહેવાય? પણ તને સ્વર્ગ મળતું હોય, તો એમાં રુકાવટ ઊભી કરું એવો સ્વાર્થી તો હું નથી જ.” “જોઈ લીધો તમારો પ્રેમ, અમસ્તા જ કહેતા હતા - તારા વગર હું જીવી જ ન શકું." “અરે હોય કંઈ? એ વાત સાચી છે. તારા વગર મને ટૂથપેસ્ટ, કાંસકો, ટુવાલ, દાઢીનો સામાન, કપડાં, બૂટ, હાથરૂમાલ.. કોણ શોધી આપે?” “એવું જ જો હોય તો દેવદૂતને સમજાવીને પાછો વાળો.” “અરે! હું તે કંઈ ‘સત્યવાન’ છું કે ‘સાવિત્રી’ને લેવા આવેલા યમદૂતને પાછા વાળું? કોઈના કામમાં ‘દખલગીરી’ કરવી સારી નહીં.” “સારું. ન કરતા દખલગીરી, મરવા દો મને.” “અરે, અરે! હું તો મજાક કરતો હતો. ભાઈ દેવદૂત... આને લઈ જવી રહેવા દે..” “શા માટે?” “તું પરણેલો છે?” “ના.” “એટલે જ. એટલે જ તને ખબર નથી કે સ્ત્રીને લઈ જવી એ કેટલું ડેન્જરસ કામ છે. મુજ અનુભવીની સલાહ માન અને આને છોડી દે.” “તથાસ્તુ!!!”

પલ્લવી મિસ્ત્રી
‘છે મજા તો એજ’માંથી