બહુરંગી/ધી સાહિત્ય સર્જન પ્રાઇવેટ લિમિટેડ!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધી સાહિત્યસર્જન પ્રાઇવેટ લિમિટેડ!

આંકડાશાસ્ત્રના ‘ચાન્સીસ ઑફ પ્રોબેબિલિટી’ના નિયમ અંગે ચિંતન કરતાં કોઈકે કહ્યું છે કે એક વાંદરાના હાથમાં ટાઇપરાઇટર આવ્યું હોય અને અનેક વર્ષો સુધી તે સતત બિલકુલ અટક્યા વિના ટાઇપ કર્યાં જ કરે તો બાય ચાન્સ એ શૅક્સપિયરનું એકાદ નાટક આખુંયે ટાઇપ કરી નાખે! જો વાનર ટાઇપરાઇટરની મદદથી આટલી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે તો એના અનુજો એવા આપણે-મનુષ્યો શું ડિક્શનરીની મદદથી અને વાનરથી અનેકગણા વિકસિત મગજની મદદથી સાહિત્યનું સર્જન ન કરી શકીએ? જરૂર કરી શકીએ! જોકે કેટલાક ઉન્નતભ્રૂ વિવેચકો સાહિત્યમાં ઊર્મિ, સંવેદન વ.વ. ને સંડોવે છે ખરા! પરંતુ આપણે તો વિજ્ઞાનયુગમાં જીવતાં, તર્ક અને બુદ્ધિ વડે જ દોરવાતાં માનવીઓ છીએ અથવા આપણે એવાં જ હોવું જોઈએ એમ કેટલાક વિદ્વાનોએ આપણને વર્ષના બાવન શનિવારોમાંથી ઓગણપચાસ શનિવારે કહ્યું છે, એટલે સાહિત્યસર્જનમાં પણ ભાષા, ડિક્શનરી, શબ્દો અને વિજ્ઞાનયુગને સહજ એવું ગાણિતિક કૌશલ્ય - આટલું પૂરતું છે એમ માની શકાય. આ સિદ્ધાંતને કાવ્યક્ષેત્રે પણ પ્રયોજી શકાય. વળી કાવ્યક્ષેત્રે એ પ્રયોજવાનું તો ઘણું જ સરળ પણ કહેવાય, કારણ કાવ્યો ટૂંકાં હોય છે અને એમાં અનેક પ્રકારના પ્રયોગોને અવકાશ છે. સલામતમાં સલામત કાવ્યપ્રકાર સરરિયાલિસ્ટિક કાવ્યોનો છે. વસ્તુઓ અને રંગો અનેક કૉમ્બિનેશન તમે એમાં કરી શકો. વળી, વસ્તુજગતને નવો જ અર્થ આપવાનો હોવાથી બ્રહ્માએ ક્યારેય સર્જવાની કલ્પના પણ ન કરી હોય એવા અદ્ભુત વિશ્વનું મૌલિક ચિત્રણ તમે કરી શકો. ઉદાહરણ જુઓ :

જ્યારે તું મારા ઉંબરનાં ચૉકલેટી
પગલાં ચઢે છે,
તારા ભૂરાં ભૂરાં પાયલનો
તૂરો તૂરો રણકાર ઝંકારતી
તું
મારા
તપખીરી
અસ્તિત્વને મિલના
ધુમાડાની જેમ
વ્યાપી
વ્યાપી વળે છે –
મારા આંગણામાં લાલ લાલ ચંદ્ર
ઘવાયેલા પ્રેમીના હૃદયની જેમ
ફચ્ચ કરતો ફસકી પડે છે.
અને....
સમગ્ર વાતાવરણ
પીળું પીળું! નારંગી નારંગી!

મુદ્રણકળા તમને સાથ આપે અને સારો પ્રકાશક મળે તો આ જ કાવ્યને અર્થસૂચક આકૃતિમાં છાપી વધુ ધારદાર બનાવી શકાય! પરંતુ એ કરવાનું અમે વાચકોની કલ્પનાને મોકળું મેદાન આપવાના શુભ આશયથી બાકી રહેવા દઈએ છીએ. (અમારી ‘ગુજરાતમિત્ર’ના પ્રૂફરીડરો અને કંપોઝિટરોની ખફગી વહોરવાની ઇચ્છા નથી એ અલગ વાત છે!) એ જ પ્રમાણે જીવનની નિરર્થકતાને નિરૂપતાં અનેક કાવ્યો લખી શકાય. દાખલો :

મારી નાની બાળકીએ વાર્તા કહેવાનો પ્રસ્તાવ મૂક્યો.
એ મને પૂછે :
‘મમ્મી એક હતો...
‘કોણ હતો એક,’ મેં કહ્યું : ‘કોઈ નહીં!’
એણે પૂછ્યું : ‘એણે શું કર્યું?’
‘કંઈ નહીં!’ મેં ઉત્તર આપ્યો.
આપણે બધાં ‘કોઈ નથી’ અને
‘કાંઈ નથી’
વાળા -
‘કોઈ નથી’ અને ‘કાંઈ નથી’થી
ભરેલા
વિશ્વમાં
અટવાતા નથી શું?
નથી! નથી! નથી! નથી!
કશું નથી! કશું નથી! કશું નથી!
કોઈ નથી! કોઈ નથી! કોઈ નથી!

આ કાવ્યમાં ‘નથિંગનેસ’ને કેવી સચોટ અને ધારદાર અભિવ્યક્તિ મળી છે! એ માણવાનું કાર્ય સહૃદયી વાચકો પર જ છોડી દઉં છું! તમે સાવ અદ્યતન કાવ્ય લખવા માગતા હો તો રસ્તો એથીય સરળ છે. તમારે એક પુસ્તક પ્રસિદ્ધ કરવું – ગજવાને પોષાય તો દળદાર, નહીં તો ઉનાળાની સાબરમતી જેવું ક્ષીણ! પ્રથમ પાને મુદ્રાલેખ અથવા તમારો મૅનીફેસ્ટો જાહેર કરવો : ‘શબ્દોની ખોજ કરી અનુભૂતિઓને વાચા આપવા મેં યત્ન કર્યો; પરંતુ મારી શબ્દોની ખોજ વંધ્ય રહી. આજના સંકુલ વિશ્વની અનુભૂતિઓને વાચા આપવા લીસા, ચપટા શબ્દોનો શો ઉપયોગ? માટે રજનીશની જેમ મારા મૌન સંક્રમણને પાછળ આવતાં પૃષ્ઠોમાં સાંભળી લેશો!’ ત્યાર પછી તમારી ઇચ્છાનુસાર કોરાં પૃષ્ઠો રાખી અંતિમ પાને લખવું : ‘પૃષ્ઠોની ધવલતા જ છે વાચાળ.’ અને આટલા સરળ માર્ગો છતાં તમારે કાવ્યનો કઠિન પથ કાપવો જ હોય. કશુંક લખવું જ હોય તો બીજો પણ એક માર્ગ છે. તમારે થોડાં પ્રાસયુક્ત શબ્દ જોડકાં ડાયરીમાં ટપકાવી લેવાં. ઉ.ત. : ‘છગન-મગન’, ‘રૂપાળી-સુંવાળી’, ‘ખજૂરી-મજૂરી’, ‘બોડો-ઘોડો’, ‘બટાકો-ચટાકો’, ‘લગ્ન-ભગ્ન’ વ. વ. આમાંથી એકાદ જોડકું પસંદ કરી કાગળને ડાબે છેડે, છેક છેવાડે લખવું. આ રીતે :

છગન મગન

અને કાગળની ખાલી જગ્યા ધીમે ધીમે, મહેનતપૂર્વક વિચાર કરી, અથવા ન કરી ભરવી. આ રીતે એ થઈ શકે :

‘દારૂ પીએ છે, નશામાં ઝૂમે છે,
ખુશીઓથી છલબલ છલકતો છગન,
મૂજી બનીને, મદિરાને ત્યાગી,
બબૂચક બનીને મરે છે મગન.’

આટલું લાંબું લાંબું લખતાં ન ફાવે તો ચિંતા કરવી નહીં! ટૂંકાં કાવ્યો દ્વારા નવો ચીલો ચતરાઈ ચૂક્યો જ છે! ચાતુરીપૂર્વક પદાર્પણ કરી શકાય :

બજારે બટાકો!
જીભે તો ચટાકો!
પત્ની રૂપાળી!
બનાવે સુંવાળી!
રૂપાળો બટાકો!
સુંવાળો ચટાકો!

વળી એક શબ્દને કેન્દ્રમાં રાખીને પણ કાવ્ય રચી શકાય. ઉ.ત. : ‘ટાલ’

તડકામાં ચમકે છે કોઈની ટાલ!
કોણે હશે પાડી કોઈની ટાલ?
ચિંતાતણું એક સીમ્પટમ છે ટાલ!
વાળો ખર્યા કેરી એંધાણી ટાલ!
મસ્તકે બેઠી છે પાનખર-ટાલ!
કેશવર્ધક તેલોની જાહેરખબરોમાં,
અહો કેવી શોભી ઊઠી છે ટાલ!

આવા તો અનેકાનેક પ્રયોગોને ઘણો જ અવકાશ છે; પરંતુ અર્ધપ્રકટ વસ્તુઓનું આકર્ષણ જ વધુ હોય છે. માટે અમે આ કલાની બધી જ ખૂબીઓ હાલ તુરંત વ્યક્ત કરી દેવા માગતા નથી! પરંતુ કવિપદવાંચ્છુઓ આ જ પ્રકારે સાહિત્યના વિવિધ પ્રકારોનું ખેડાણ કરી શકશે. એમ કરવા માટે પ્રેરણા મેળવવા માટે વાતાવરણ ખડું કરવા માટે એક સૂચન કરી અમે વિરમીશું. ગાંધીજી ત્રણ ચીનાઈ વાંદરાનું રમકડું પાસે રાખતા તેમ કવિપદવાંચ્છુ આ લેખને પ્રારંભે સૂચવ્યું છે તેમ ટાઇપરાઇટર પર ટાઇપ કરતા વાનરનું રમકડું બનાવડાવી નજર સમક્ષ રાખી શકે. નીચે આવું કાંઈક લખી શકે : “આજથી અનંતકાળ પૂર્વે સર્પે ઇવને કહેલું : ‘નિષિદ્ધ ફળ ખાઈને હું સર્પ માનવવાણી બોલી શકું છું. તો તું – માનવ એ ફળ ખાઈ શું ન કરી શકે?” આ વાનરનો સંદેશ છે : “ટાઇપ કરતાં કરતાં હું જો અકસ્માત્ શૅક્સપિયરનું નાટક ટાઇપ કરી નાંખી શકું તો તું – માનવ શા શા સાહિત્યિક ઉન્મેષો ન બતાવી શકે?’ આ વાનરનું રમકડું, એક શબ્દકોશ અને ટેબલ પર ‘ધ સાહિત્યસર્જન પ્રાઇવેટ લિમિટેડ’નું નાનું પાટિયું ગોઠવી પ્રેરણા મેળવી શકાય. અમારા આ સાહિત્યસર્જન અંગેના મહાનિબંધો વાંચ્યા પછી જન્મનારા સાહિત્યકારોને વધાવવા ગુર્જરગિરા અસીમ અપેક્ષાઓ, અનંત આદર અને અતૂટ આશા લઈ ઉંબરે ઓવારણાં લેવા ઊભી જ છે! માટે,

‘સાહિત્યસર્જનનો ઉતારો ફાલ!
કલમ પકડો હાથમાં હાલ અને હાલ!’

અંજની પારેખ
‘વિનોદિકા’માંથી