બારી બહાર/૫૦. સૂર્યોદય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૦. સૂર્યોદય

અપાર જલ સિંધુનાં નિકટમાં હતાં વિસ્તર્યાં,
અને તિમિર રાતનાં ગગનથી હતાં ઓસર્યાં;
પ્રતીક શુચિતા તણાં,– અહીં તહીં ઝગે તારલા;
સૂતેલ ટૈંટિયું વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં.

થયું મિલન સિંધુનું, સ્મરણભાત તેની પડી
રહી સકલ રેતીએ : નવ જરી ય ભૂંસાય તે,
–વિચારી મન તે, વહે પવન મંદ વેગે અતિ;
ઊભાં ઉભય તેજ ને તિમિર આ સમે એક થૈ.

તહીં ક્ષિતિજ ઉપરે અજબ ચેતના જાગતી,
અને વિવિધ રંગને પળપળે નભે છાંટતી;
સુવર્ણ તણી લીટીઓ સકલ વ્યોમમાં આંકતી,
જણાય નભ-સાગરે ભરતી તેજની આવતી.

ઊગે, પ્રભવસ્થાન એ સકલ ચેતનાનો, રવિ :
અપાર જલની સહુ હસી રહે તરંગાવલિ !