બારી બહાર/૬૧. વર્ષા
વર્ષાની ધારના કોણે આકાશથી
અવનિને ઉર આ તાર સાંધિયા ?
અંગુલિ વીજની કોણે આ ફેરવી,
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ? વર્ષા.
ગીત એ થનથન નાચે છે મોરલા,
ટહુકારે વન વન વ્યાપી રહ્યાં;
રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાંઓ નાચતાં,
પર્વતના બંધ સૌ તૂટી ગયા. વર્ષા.
ચારે તે આરે ભેટે સરોવર,
નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વનવન સમૃિદ્ધ સાંપડી,
શુષ્કતા ભુજંગપાશ તૂટી ગયા. વર્ષા.
ગીત એ આભમાં નાચે છે વાદળી,
પોઢયા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતાં થયાં. વર્ષા.