બારી બહાર/૬૭. શ્રાવણ
નીંદ ઊડી ક્યાં ? આંખ ખૂલી કાં ? સાંભળી કોની વાત ?
બારી ઉઘાડી, બારણે જોતાં શ્રાવણ-મેઘલી રાત ! નીંદ.
અભ્રઘટાના કોઈ એકાન્તે છૂપિયા તારક લાખ,
ગોપનવાતે કોઈ ઉરોને ભરતા આજે બાથ. નીંદ.
મંદ ઝરી ઝરી આભ કરે છે વાત વસુંધરા સાથ;
છુપાઈ કોઈને કાજ બજાવે મંદાકિની ઉર-સાજ. નીંદ.
વિદ્યુતને નિજ ઉર લઈને મેહુલે માંડી વાત;
મંદ હસે એ, ને વીજનો શો સ્મિત તણો ઝળકાટ ! નીંદ.
ગોપનવાતોની હીરદોરીએ હૈડાં સહુ બંધાય,
મુક્ત આ ત્યારે અંતરની મમ કેમ કરી સે’વાય ? નીંદ.