બારી બહાર/૮૪. ભુંડ
જુઓ ને આ ભુંડ,
નીચું કરી મુંડ,
દિન બધો ઘૂમી ઘૂમી એક માત્ર ખાય :
જાણે ના ધરાય !
અન્ય સહુ અંગ પરે પેટ કેરી આણ ફરે :
આંખ થકી છટકીને ક્યાં ય ના જવાય ;
સુંદરની સાથે કંઈ વાત નહીં થાય;
મધુર સૂરોને નહીં કાનથી સુણાય :
પેટ કેરી આણને તે કેમ ઉથાપાય !
ક્યાંથી હોયે એને ભાન,
–ઉપર રહ્યું છે એક નીલ આસમાન !
ઝાડ કેરી ડાળ પરે પણે એક ફૂલ;
કોકિલના સૂર રચે એક એક ગુલ.
સૂરજનું સોનું લઈ, ચાંદ કેરું રૂપું,
સજી શણગાર બેસે, જાણે નવવધૂ,
ધરતી આ : કેવી સોહે ! જોઈ જોઈ આંખ મોહે.
પણ પેલું ભુંડ,
નીચું કરી મુંડ,
એક માત્ર ખાય :
ધરતી રૂપ એને નહીં રે દેખાય !
બસ મારું ભાણું :
કશું યે ન બીજું જોઉં, સુણું નહીં જાણું :
પેટરાજા પળે પળે માગે નજરાણું .
ખોજી રહે દાસ ભુંડ,
નીચું નીચું કરી મુંડ, માત્ર એક ખાણું.