બારી બહાર/૮૮. મેલો એક કોડિયું
મેલો એક કોડિયું, રે ભાઈ, મેલો એક કોડિયું :
એક એક કોડિયે, ભાઈ, કોટિકોટિ દીવડાઓ થાય.
એક એક કોડિયાના તેજ તણા ધાગા માંહી
કોટિ કોટિ દિલડાંઓ સંધાય;
ઘરનાં તે આંગણાં ને દૂર તણા પંથ આપણ,
એના તે તેજથી છવાય. મેલો.
એક એક કોડિયાના અજવાળે અજવાળે
કોટિકોટિ ચરણો ચાલ્યા જાય;
એક એક કોડિયાની આલબેલ સાંભળીને
લાંબો તે પંથ ટૈંકો થાય : મેલો.
એક એક કોડિયું એ, સફરીને કાજે સૌએ,
આશાનું ગીત મીઠું ગાય;
એક એક કોડિયાથી દરિયો અંધાર કેરો
તરી જઈ સામે પાર જવાય મેલો.