બીજી થોડીક/રમણીય રૂપસૃષ્ટિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રમણીય રૂપસૃષ્ટિ

સુરેશ જોષી

આપણે ત્યાં બીબાંઢાળ બની ગયેલા ઘાટોમાં લગભગ સરકી ગયેલી, અને એ રીતે પોતાનું વ્યક્તિત્વ લગભગ ગુમાવવા આવેલી, હમણાં હમણાં લખાતી મોટા ભાગની વાર્તાઓથી પોતાની નવીન શૈલી, નવીન આયોજનપદ્ધતિ, નવા જ આકાર અને નવીન ઉપમાઅલંકાર-પ્રતીકાદિથી સ્પષ્ટ રીતે જુદી પડી આવતી આ વાર્તાઓ ટૂંકી વાર્તાના સાહિત્યના રૂપરંગમાં રસિક અભ્યાસીને જોઈતું આકર્ષણ પૂરું પાડે તેમ છે; અને એ સાહિત્યના અંતસ્તત્ત્વના મર્મગામી વિવેચકને પણ નિરાશ કરે તેમ નથી.

એટલું જ નહિ પણ ટૂંકી વાર્તામાં જે અનંત શક્યતાઓ સમાયેલી છે તેમાંની થોડી શક્યતાઓ તરફ એ આપણને બળપૂર્વક દોરી લઈ જાય છે, એ એનું વિશિષ્ટ અર્પણ છે.

લેખકનું બહુશ્રુતત્વ, તેમની કવિત્વમય ભાષાશૈલી, ઊંડી નજરે જોવાની અને વસ્તુના ઊંડાણમાંથી તેનો તાગ મેળવવાની તેમની કુદરતી બક્ષિસ વગેરે સમર્થ ગુણો આ પ્રયોગોને માત્ર પ્રયોગો ન રહેવા દેતાં, તેમના સામર્થ્ય દ્વારા અનેક શક્યતાઓભર્યા નવા પ્રસ્થાનના પહેલા પગલાં તરીકે તેમને અત્યંત આકર્ષક બનાવે છે. અને એમાં શ્રી.જોષીનું જ માત્ર નહિ, પણ આપણી ટૂંકી વાર્તાના સાહિત્ય-પ્રકારનું પણ શ્રેય જ સમાયેલું છે. ‘ગૃહપ્રવેશ’ના આમુખમાંથી- ગુલાબદાસ બ્રોકર