બીડેલાં દ્વાર/કડી ચોથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડી ચોથી

બંનેએ ચર્ચા કરી લીધી; પણ અજિતે તો તે છતાંય દાકતરને મળવાનો નિશ્ચય કર્યો. બીજું કંઈ નહિ તો પોતાના હૈયાની વરાળ ઠાલવવા સારુ પણ જવું છે; કારણ કે અજિતને એનું અઢી વર્ષનું બ્રહ્મચર્યવ્રત તોડાવીને આ વિનાશી પંથ પર મૂકનાર જ દાક્તર હતા.

અજિતે યાદ કર્યું : મૈત્રીને ખાતર, વિદ્યાપ્રાપ્તિને ખાતર અમે બન્નેએ લગ્ન કરેલાં. ભાઈબહેનની માફક રહ્યાં હતાં. કિલ્લોલ કરતાં હતાં. એ સંગીત શીખતી ને હું કાવ્યો રચતો. એ મારાં કાવ્યો સાંભળતી ને મને પ્રેરણાઓ આપતી. મારું દેવીપદ દીપાવતી. એમાં એક દિવસ ઓચિંતાનો એવો યોગ બની ગયો, કે બેઠાડુ જીવનને કારણે બાદી-બદહજમીથી પીડાતો હું મારા વડીલ મુરબ્બી પ્રતાપરાય દાક્તરની કને દવા લેવા ગયો હતો. વિદાય લેતાં લેતાં પ્રતાપરાય કાકાએ જરા રમૂજમાં પૂછેલું કે “કાં, શું કરે છે તારી પ્રભા? કેમ દેખાતી નથી? તબિયત તો સારી છે ને? કે છોકરાંને નવરાવવા-ધોવરાવવામાંથી જ નવરી થતી નથી?” “છોકરાં!” અજિતથી આશ્ચર્યમાં ને આશ્ચર્યમાં બોલાઈ ગયેલું, “છોકરાં વળી કેવાં?” “કેમ રે બેવકૂફ? શૃંગી ઋષિનો અવતાર લાગે છે! છોકરાં કેવાં!” “પણ — પણ પ્રતાપરાય કાકા, અમારે છોકરાં ન હોય.” “કેમ? નિયમન કરો છો?” “ના — ના — અમે એ રીતે રહેતાં જ નથી.” “અરે મૂરખા!” કાકા તાકી રહેલા : “ત્યારે કેવી રીતે રહો છો? આમ પાછો આવ. બેસ, અલ્યા, હું અત્યાર સુધી તો હસતો હતો, પણ હવે ‘સિરિયસલી’ પૂછું છું : બોલ, કઈ રીતે રહો છો?” “ભાઈબહેનની રીતે.” “ગધેડા, ત્યારે પરણ્યાં શા માટે?” “અભ્યાસ કરવા માટે.” “શાનો?” “દરેક વિદ્યાનો : મુખ્યત્વે સંગીતનો.” “ને ક્યાં સુધી એમ ચલાવ્યે રાખવું છે?” “ઘણાં વર્ષો સુધી, કંઈક વિદ્યા પ્રાપ્ત કરી લઈએ, કંઈક રળીએ ત્યાં સુધી.” સાંભળીને ડૉ. પ્રતાપકાકા તો શ્વાસ જ લઈ ગયેલા. બોલેલા, “હવે મને કશી જ અજાયબી નથી, કે તારી હોજરી કેમ આવી થઈ ગઈ છે.” “શું — શું કહો છો, પ્રતાપકાકા?” “કંઈ નહિ.” દાક્તરે એ મુદ્દા પરથી સરી જઈને પૂછ્યું : “તને કંઈ ભાન છે, ગધ્ધા, કે તું પ્રભાની શી દશા કરી રહ્યો છે?” “કેમ, વારુ?” “તું એની આખી જિંદગીનો ભુક્કો કરી રહ્યો છે — પ્રથમ પહેલાં તો એના શરીરનો.” “પણ એમ કેમ બને, દાક્તરકાકા? એ તો સંપૂર્ણ સુખી છે. અમે બન્ને સંયુક્ત મક્કમતાથી આ માર્ગે ચાલ્યાં છીએ.” “કપાળ તારું! ત્યારે તો તારા પર એને હેત જ નથી, ખરું?” “છે, છે; પણ એ રીતનું નહિ.” “શા પરથી જાણી શક્યો તું?” કાકા હસ્યા. “પ્રભાના પોતાના જ કહેવાથી.” “એ…મ? એને તારા પર આ કારણે હેત ન હોય, સુખ ન હોય, તો શું તું એમ ધારે છે, કે પ્રભા તને સાચી વાત કહી દેશે?” “કેમ નહિ કહે?” “દીકરા! તે કરતાં તો એ મરવું વધુ પસંદ કરશે.” અજિત તો ઠરી જ રહ્યો. દાક્તરકાકા બોલ્યા : “જો સાંભળ, સ્ત્રી-સ્વભાવનો મારો અભ્યાસ તને કહું. મને પરણ્યાં આજ ત્રીસ વર્ષ થયાં ને અમે સાચોસાચ પરણ્યાં જ છીએ, કેમકે મારે પાંચ સંતાનો છે. પણ આ ત્રીસ વર્ષોમાં એક પણ વખત મારી પત્નીએ સામેથી ચાલીને મને એની વાસના વ્યક્ત કરી નથી.” અજિત જાણે કોઈ ગુપ્ત વિદ્યાના પોપડા પછી પોપડા ઉકેલી રહ્યો હતો. દાક્તરકાકાએ એને હજુ વધુ ઊંડાણે લીધો : “બેભાન! તારે મન પ્રેમનું તત્ત્વ તુચ્છ છે; કેમકે તારે પુસ્તકોનાં થોથાં છે, કવિતા છે અને ‘કેરીઅર’ ઘડવાનો તનમનાટ છે : એટલે તું એમ માની લે છે, કે પ્રભાએ પણ તારી જ મહત્ત્વાકાંક્ષાઓને પોતાની કરી લેવી? એણે તારી જ નકલ — તારી જ નાની આવૃત્તિ — બનવું? તું એને તારી એરણ ઉપર તારે હથોડે ટીપીને તારી મુરાદોને બંધબેસતો ઘાટ ઘડવા બેઠો છે? એ સ્ત્રી છે, એનો પરમ જીવનરસ પ્રેમ છે. પ્રેમને સારુ તો સ્ત્રીનું નિર્માણ છે : તેને બદલે તું એને ‘મિત્ર’ બનાવી રહ્યો છે. તું એનું જીવતર રોળી રહ્યો છે. એને સંતાનની ભૂખ લાગી હશે. એ તૃપ્તિનું ટાણું અત્યારે જ છે. પછી એ કાળ, એ ઋતુ ચાલી જશે; ને તું એને અત્યારે બાલકની અવેજીમાં સંગીત અને તત્ત્વજ્ઞાન આપવા બેઠો છે, ડાહ્યા!” “પણ કાકા, એને તો કશું નથી જોઈતું.” “એને શું જોઈએ છે તે આત્મભાન ઉપર જ તું ચાંપીને ચડી બેઠો છે. એની સ્વતંત્ર ઇચ્છા ઉપર જ તો તેં તારાં ચોપડાંનો ગાંસડો લાદેલ છે. તારી ડંફાસભરી મહત્ત્વાકાંક્ષાઓ ગાઈ ગાઈ તેં એની જીભમાંથી ‘હા’ ખેંખેંચી છે. એના ઊંડા પ્રાણમાં પડેલો અવાજ તું કઢાવી તો જો! ખબર પડશે.” “પણ દાક્તર, એ જરીકે રૂંધાયેલી નથી. એ તદ્દન મુક્ત મનથી આવું જીવન ગાળે છે.” “કેમ? એ ‘નર્વસ’ નથી? કોઈ કોઈ વાર ઉદાસ નથી રહેતી? નથી ચિડાતી? તને ચુંબન કરવાનો ઉમળકો નથી દેખાડતી? તું એને તારા બાહુપાશમાં પકડી રાખે છે, ત્યારે શું એના ચિદાત્માને સુખની લહેરમાં નથી ભાળતો?” કાકાએ ઉમેર્યું : “છોકરી બિચારી તારા પર પ્રેમ ઢોળવા તલખતી હોવી જોઈએ. તને એ વાત સમજવાની અક્કલ નથી.” “પણ — પણ બાળકો થાય, તો અમારી શી ગતિ? મારી કને પૈસા નથી.” “તો પછી બાળકો બિલકુલ ઉત્પન્ન કરવાં જ નહિ.” “તે શી રીતે?” “એ બોતડ! એ પણ ખબર નથી?” એમ કહી દાક્તરકાકાએ અજિતને વિગતવાર આખું પ્રકરણ સમજાવ્યું. અનેક પદ્ધતિઓથી વાકેફ કર્યો. બાવીસ વર્ષના અજિતની આંખો તે દિવસ પહેલી જ વાર ઊઘડેલી; ને જ્યારે એણે વિદાય લીધી ત્યારે ડૉ. પ્રતાપરાયે એની પીઠ પર થાપો મારીને એટલું જ કહેલું કે “જા, બેવકૂફ, ઘેર જા, તારી સ્ત્રીની પાસે જા.”