બીડેલાં દ્વાર/કડી દસમી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડી દસમી


તને છોકરાં ગમે છે, ખરું પ્રભા?” અજિતે પૂછ્યું.

“ગમે તો ખરાં જ ને!” પ્રભાએ ઉત્તર દીધો. એ એક જ ચમકારાએ અજિતને સાચું દર્શન કરાવી આપ્યું. પ્રભાની એ છલ-રમત નહોતી, એ તો હતો પ્રકૃતિનો વિરાટ પંજો. વરવહુને બન્નેને ઘોલકીની રમત રમવા દેતી એ પ્રકૃતિમાતા અંદર રહીને તો પોતાની જ પેરવી ચલાવતી હતી. એના નિગૂઢ પંજાની આંગળીઓ પ્રભાના જીવનવણાટમાં છૂપી છૂપી પોતાના જ ઇચ્છિત વાણાતાણા વણ્યે જતી હતી. આખરે! — પ્રભાને બાળકો ગમતાં હતા. સંગીત અને સાહિત્યથી અનંતગણાં વધુ વહાલાં એને સંતાનો હતાં. એ ઊંડી આતમ-ક્ષુધા પર અજિતે જ ડહાપણનું બનાવટી ઢાંકણ પાથરવા પ્રયત્ન કર્યો હતો. પ્રભાને બાપડીને પોતાનો સાચો અંતર્નાદ સાંભળવાની તક નહોતી, અથવા પોતે આજ સુધી એ અવાજને ગૂંગળાવવા જ મથી હતી. ઇરાદાપૂર્વક એ રમત નહોતી રમી, એ તો ચોક્કસ વાત છે. ‘ત્યારે તો એને બાળક મળવાં જ જોઈએ. ભલે મેળવે,’ એ નિર્ણય પર અજિત આવી ગયો. આ નિર્ણયની અંદર તો પોતાને જીવનની એક જબ્બર આંટીનો ઉકેલ પણ જડી ગયો. લગ્ન થયાં તે દિવસથી જ અજિતના અંતઃકરણ ઉપર એક અકળ-અગમ ભયનો ઓળો રમતો હતો. પોતાના લગ્નજીવનના ઊંડાણે એક કરુણ અંતનું — ધ્વંસનું — બીજ રોપાયેલું છે, એવી ગુપ્ત વેદના એને રિબાવી રહી હતી. પોતાને જીવનમાં એક મહાન સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, અને પ્રભા પોતાની સાથે ઝડપી ગતિ રાખી શકવાની નથી; એટલે આખરે એક દિવસ પ્રભાને ઘસડાતી જોઈ નહિ શકાય; બેઉના પંથ જુદા ફંટાશે : અંતરિયાળ જ પ્રભાને છોડી દઈ પોતાનો પ્રવાસદંડ ઉઠાવી પોતાને કલાયાત્રાના માર્ગ પર એકલા ચાલી નીકળવું પડશે : એવી આગાહી એનો આત્મા આપી રહ્યો હતો; ને તે દિવસ આવશે ત્યારે પ્રભાના રુદનનો અંત નહિ રહેવાનો, પ્રભાનું હૃદય લોહીલોહાણ બનવાનું. આજે એ ભયાનક પ્રસંગનો સુંદર નિકાલ સાંપડ્યો. પ્રભાને એનું બાળક મળશે — એટલે હું નિરાંતે મારી ચોપડીઓ ભેગો થઈશ. બાળકની અંદર પ્રભા તન્મય બની શકશે. એને એની તૃપ્તિ અને જીવતરની સફલતા જડી રહેશે. પછી એને મારી ઊણપ — મારો અભાવ — નહિ વરતાય. હું નાસી છૂટીશ. ‘પ્રભાને એક બાળક જોઈએ છે’ : બુઢ્ઢા દાક્તરકાકાના એ શબ્દો એની નજર સામે સળગી ઊઠ્યા. ઘેર પહોંચતાં પહેલાં તો એણે દિલ સાથે આ ગાંઠ વાળી લીધી : ગમે તેટલા ભોગે ને જોખમે, બસ, પ્રભાને બાળક મળવું જ જોઈએ; પરંતુ આ નિશ્ચયની પાછળનું સાચું કારણ કોઈને નથી કહેવાનું — પ્રભાને પણ નહિ, હું પોતે મોકળો બનવા સારુ આ વિચાર પર આવ્યો છું એ કોઈ નહિ જાણે. પ્રભા જાણે તો તો સત્યાનાશ જ થાય ને! પોતાની અને કુદરતની વચ્ચેનું જ એ રહસ્ય રહેશે, બસ, બધી ઘડ્ય બેસી ગઈ. — ને અજિતે એ કાળી કાળી જવનિકાની પછવાડેથી પ્રકૃતિનું તોફાની હાસ્ય સાંભળ્યું. બુઢ્ઢી ખડખડાટ દાંત કાઢી રહી હતી — અજિતની આત્મવંચના પ્રત્યે ‘બેવકૂફ! બેવકૂફ! બેવકૂફ!’ એ બોલના ભણકારા ઊઠતા હતા. ‘ગજબ બેવકૂફી કરી છે મેં.’ અજિત બબડ્યો : ‘કુદરત પર શાસન કરવાનાં કંઈ ઓછાં એલફેલ કર્યાં છે મેં! મારા અત્યાચારીપણાને મેં મુક્તિ માની; પ્રભાની ગુલામીને મેં સત્યના નિશ્ચયમાં ખપાવી.’