બીડેલાં દ્વાર/કડી સત્તરમી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડી સત્તરમી


“ઓહો! પ્રસવ આવી લાગ્યો કે?” કહેતાં દાક્તરે પ્રભાના નવા મંડાયેલા મૃત્યુ-પછાડાઓને પોતાના પરિચિત દોસ્તો ગણી વધામણાં દીધાં.

મનુષ્યના હૃદયમાં એક આકાશ છે. એ છે સ્થિરતાનું, સમતાનું આકાશ. એવું આકાશ વધુમાં વધુ દાક્તરોનાં હૃદયોમાં જડે છે. પ્રભાનો દાક્તર એવી કોઈ જુદી જ દુનિયાનો નિવાસી હતો. એણે પ્રભાના કારમા મરણ-પછાડાને જોતાં જોતાં જરીકે આકળા બન્યા સિવાય ડગલો ઉતાર્યો. ઝભ્ભો પહેર્યો. લિજ્જતથી લોશનમાં હાથ ધોયા, ને પછી ફરી એકવાર દર્દીના શરીરને તપાસી લીધું. “વાહ! બરાબર છે.” દાક્તરના એ શબ્દ સાંભળતી પ્રભા સામે ગભરાટભર્યો અજિત ડાચું ફાડીને તાકી રહ્યો હતો. એના મનથી તો પ્રભાનો જીવ ઝીણે તાંતણે ટીંગાતો હતો. “જો, બહેન!” દાક્તરે પ્રભાને પંપાળી : “આજે જે પીડા તને થઈ રહેલ છે ને તે તો ગર્ભાશયના સંકોડાવાને લીધે છે. બીજું કશું જ જોખમ એમાં નથી. બહેન! માટે તું તારે ગભરાતી ના, હો કે? જે થઈ રહેલ છે તે બરાબર કુદરતના નિયમ મુજબ જ થાય છે. હવે તારે તો આ દરેક વેણની જોડાજોડ શ્વાસ રૂંધીને આ ક્રિયાને જોર દેવાનું છે. જો તું બૂમ પાડીશ, તો તરત જ ગર્ભાશયનું દબાણ વછૂટી જશે, વેણ ચાલી જશે, ને સ્થિતિ એ-ની એ રહેશે. માટે તારે તો હિંમતથી દરેક આંચકાને બને તેટલો લાંબો સમય સહી લેવો. તું બેહોશ બની જાય તેટલું બધું કષ્ટ ઉઠાવવાની જરૂર નથી; પણ જેટલું વધુ દબાણ તું ગર્ભાશય પર લાવી શકીશ તેટલું આ બધું તોફાન વહેલું પતી જશે; સમજી, બહેન?’ દાક્તરની જીભ પ્રભાના હૃદય ઉપર શાંતિ વેરતી હતી : ને દાક્તરના હાથ દરદીના કપાળ પર ફરતા હતા. શિકારીઓના ફાંસલામાં ફસાઈને લપાયેલી કોઈ હરણીની માફક પ્રભા ફાટતે ડોળે દાક્તર સામે તાકી રહી. દાક્તરે કહેલું બધું કાને સાંભળવામાં તો સાવ સાદું ને સહેલું હતું. પણ અજિતને તો એ સાદી વાતની ભયાનકતાએ બહાવરો બનાવી મૂક્યો. ઓ પ્રભુ! આ તારી રાક્ષસી લીલા! કયા કિરતારની આ ઘાતકી ક્રીડા! જાણે કોઈ ઘોર અંધારામાં ઊતરેલા બે પક્ષોના ભેટંભેટા થાય છે : જાણે યોદ્ધાઓ મૃત્યુની બાથમાં ભીંસાઈ રહેલ છે. જાણે શસ્ત્રો સામસામાં અફળાય છે. જાણે હૈયેહૈયાના ભુક્કા બોલે છે. જાણે શબ્દ બોલવા-સાંભળવાની તો અવસ્થા જ ઓળંગાઈ ગઈ છે. મહાસાગરનાં મોજાંની ઉપરાઉપરી દોટાદોટની માફક, કોઈ પ્રલયકારી આંધીના એક પછી એક વંટોળની પેઠે, એક પછી એક અણથંભ્યા અને દયાહીન વેદના-તરંગો એક નાની, સુકુમાર અને અનાથ અબળાના દેહમાં વિનાશનો કાંડ વર્તાવવા ધસારો કરે છે. ગાંડા બનેલા સાંઢિયા જાણે એક નાની બકરીને ફાડી નાખવા એકઠા થયા છે. આ વેદનાની તો અક્કેક પળ એવી હતી કે ગઈ આખી રાતનું કષ્ટ એની પાસે કોઈ વિસાતમાં ન રહ્યું. અજિતે કદી ન દીઠેલું, ન સાંભળેલું, કલ્પનામાંય ન અનુભવેલું એવું દારુણ આ કાળ-તાંડવ હતું. પોતે જેને પ્રાણાધિક ચાહતો, તેને જાણે પોતે જ આ વરૂઓનાં મોંમાં ફગાવી દીધી હતી. બીડેલાં દ્વારની અંદર શું આવી બિભીષિકા પડી હતી? કોઈએ એને કહ્યું કેમ નહિ? એની નિશાળમાં, કૉલેજમાં, કુટુંબમાં, સમાજમાં, અરે ક્યાંય એને આ દ્વારની તરડ પણ કોઈએ કેમ ન દેખાડી? એણે પૂછ્યું : “દાક્તર સાહેબ? આમ ક્યાં સુધી ચાલશે?” દાક્તરે નાક પર આંગળી મૂકી અજિતને ચૂપ રહેવા ચેતાવ્યું. એ પ્રશ્નનો ઉત્તર પ્રભાને કાને પડે એવી દાક્તરની ઇચ્છા નહોતી. કારણ કે પ્રભા અત્યારે પોતાના દાંતને ભીંસતી પ્રત્યેક વેદનાની વેણનો સરસ સામનો કરી રહી હતી. પોતામાં હતું તેટલું જોર એ શ્વાસ રૂંધવામાં ઠાલવતી હતી. એનો આત્મા જાણે કે યોદ્ધો બન્યો હતો. જાણે કોઈ વિશ્વજનનીનો કોમળ પંજો એની પીઠ થાબડી રહ્યો હતો. એને જાણે કિરતારે લોહકવચ પહેરાવ્યું હતું. એ કવચ માતૃહૃદયમાં સ્વયંભૂ જાગ્રત થતી શ્રદ્ધાનું હતું. આ વેદનાની પછવાડે કોઈ મહાન હેતુની સિદ્ધિ હોવાની પ્રભાને જાણે કે પ્રતીતિ થઈ રહી હતી. ને અજિતની નજરમાં પ્રભાનું વેદનામાં નાહી વિશુદ્ધ બનેલું પરમ સ્વરૂપ વિલસી રહ્યું. એણે વિચાર્યું કે આ શું એ જ સ્ત્રી, જે હજુ ગઈ કાલ સુધી તો મૂળા ચાવતી, ખિખિયાટા કરતી, ગાંડાં કાઢતી, ભાનસાન વગરની એક નાની બેજવાબદાર છોકરી હતી! એ જ એ સાધારણ છોકરી શું અત્યારે આટલું સહી રહેલ છે! સ્ત્રી એટલે શું આ દશાને સારુ નિર્માણ પામેલી! ક્ષુદ્રમાં ક્ષુદ્ર સ્ત્રીનેય શું આ ગુપ્ત શક્તિ વરેલી છે! અજિતનો આત્મા નમી પડ્યો. તારા સ્નેહનો જીવનભરનો અધિકારી હું કેવી રીતે બની રહું! એ સ્નેહાધિકારને માટે હું શાં શાં વ્રતસાધના કરું! એવા મૂંગા વિનમ્ર ભાવે એ કલાકારનો આત્મા આ સ્ત્રીનાં ચરણોમાં ઝૂકી રહ્યો. ને આ બધી કેવળ કલ્પનામાં રમતી તકલાદી ઊર્મિઓ નહોતી. આ કોઈ હૃદયાવેગનો વંટોળ નહોતો. આ તો સારીયે કલ્પનાસૃષ્ટિને, પ્રભાત-સંધ્યાની રંગલીલાને, ચંદ્રની વ્યોમ ભરતી કૌમુદીને, નિરાકાર સર્જનહારનાં સ્તોત્રોને, સર્વને ટપી જનારી, પૃથ્વીના પોપડામાં ને કીચડમાં રગદોળાઈ રહેલી વસ્તુસ્થિતિ હતી. દિગ્દિગન્તનેયે પેલે પાર ભ્રમણ કરતા આ કલાકારના વિચારોને એ વસ્તુસ્થિતિએ વ્યોમના સીમાડા પરથી કાન ઝાલી પાછા વાળ્યા. જાણે એ વસ્તુસ્થિતિએ કલાકારને એના માથાનાં ઝંટિયાં ખેંચીને ધુણાવ્યો, આંગળી ચીંધી કહ્યું : ‘અહીં, ઓ બેવકૂફ! અહીં કીચડમાં છે તારી સર્વ કલ્પનાસમૃદ્ધિનો આખરી ઓવારો.’ બીડેલાં દ્વાર! સૈકાઓથી સીસાના રસે રેવીને બંધ કરી રાખેલ એ ઢાંકણ ઊઘડતું હતું; ને અંદરથી ભૂતાવળના હુહુકાર ઊઠતા હતા. મર્ત્યલોકનું માનવી જ્યાં નજર નાખી શકતું નથી એવું એ પાતાળી ઊંડાણ હતું. કોટિ કોટિ પ્રસવકાળોના અતલ તલમાં કોઈ માનવીની દૃષ્ટિ પહોંચી નથી. કોટિ જન્મે છે, ને કોટિ મરે છે; માટે જ શું એ મામૂલી પ્રકૃતિક્રમ લેખાતો હતો? આ જ શું જીવન! જીવન — પ્રત્યેક જીવન શું આવી કારમી પદ્ધતિએ રચાય છે! મેં આજ સુધી શું આની ઝાંખીયે કરી હતી? જીવન, જીવન, આ જીવન! બાકીનું તમામ શું પોકળ નહોતું? ઠાલો ભપકો જ નહોતો? સ્નેહ, સૌંદર્ય, સુખની એકેએક લાગણી, એકેએક મૃદુ ભાવ — એ તમામ તો અહીં સર્જાઈ રહ્યાં હતાં. તે સર્જન શું આટલું જીવલેણ! આટલું અકથ્ય અને અવર્ણનીય! ના-ના-ના — મારે આવું સર્જન, આવું જીવન નથી જોઈતું. આ પ્રભાની કિકિયારી ને આ પછાડા મારાથી નથી સહેવાતા. આવી આહુતિ માગતા સર્જન પર મને કશો જ હક નથી. મારે ન ખપે એવું જીવન. આવી ભારી કિંમત ચુકાવીને જ જો કોઈ જીવન પામી શકાતું હોય તો એ મને નથી ખપતું. હું ઠગાયો છું. કુદરતને હાટડે હું ફસાયો છું. કુદરતનાં પલ્લાંમાં દગો છે, આવો વિનિમય અન્યાયથી, અનીતિથી ભરેલો છે; પ્રભુનું — કોઈ પ્રભુનું આવું કરપીણ કાર્ય હોઈ જ ન શકે. સર્જનહારને આમાં સ્થાન જ કેમ હોય? આ તો કોઈ કતલનો કાંડ છે; ને જગતમાં ઊભરાતા અબજોનું આવાગમન આવા ઊકળતા ચરુની અંદરથી થયું છે! કલાકે કલાકે ને પલે પલે શું આ જ્વાલામુખીની ખદબદતી દેગમાંથી જ માનવી ચાલ્યાં આવે છે! યુગયુગાન્તરોથી ચાલી રહેલ શું આ એ-ની એ જ અનંત યાતના છે! શું કોઈ નથી બચી શક્યું? એના આત્મામાં બંડની ઇચ્છા જાગી. આ ઘોર કાંડને સમૂળો ખતમ કરી નાખવાની એને દાઝ ચડી. પણ એ દાઝ ઠેકડીને જ પાત્ર હતી. આ તો વિધાતાનું અટલ નિર્માણ હતું. પ્રભાને પાછી ખેંચી લેવાનો સમય નહોતો રહ્યો. પ્રભાના ઓહકારા, મૂંઝારા, આ પડખેથી પેલે પડખે દુઃખપછાડા : જાણે કોઈ પહાડશિખર પર ઊભેલા વૃક્ષને હચમચાવી રહેલ ઝંઝાવાતો ફૂંકાતા હતા.