બે દેશ દીપક/વકીલાતની ગાડી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વકીલાતની ગાડી

વકીલાતની ગાડી ખેંચવામાં વકીલ ઘોડાને સ્થાને છે: પરંતુ પૈડા વિના ઘોડાનું જોર શા ખપનું? ટાપટીપ રૂપી પૈડાં જોઈએ. વકીલ ચાહે તેવો ઉત્તમ વક્તા હોય, કે તિવ્ર દૃષ્ટિવાળો હોય, પણ જો એની બેઠક શણગારેલી ન હોય અને એના કબાટમાં પુસ્તકો ભર્યા ન હોય, (પછી ભલેને પુસ્તકો કાયદાનાં હો કે નવલકથાનાં) જો કચેરીમાં એ ગાડીમાં બેસીને જવાને બદલે ખાસડાં ઘસડતો જતો હોય; અને જો એનો પોશાક ભડકામણો ન હોય તો કોઈ અસીલ એની પાસે નહિ ડોકાય! મારે તો આમાંનો કશો ઠાઠ નવેા નીપજાવવાનો નહોતો. મારા પિતાજીની પાસે ઘોડાગાડી હતી. ખુરશીઓ પણ હતી, અને કાયદાનાં પુસ્તકોને બદલે સાહિત્ય, ઈતિહાસ વગેરે ગ્રંથો તો ભરપૂર હતા. સાથે યજુર્વેદ ઋગવેદનાં ભાષાન્તરો પણ મળી ગયાં. બસ! કબાટ શોભી ઊઠ્યા! મારો મુન્શી મારી ગેરહાજરીમાં સહુને કહેતો કે ‘મુન્શીરામજી મોટા વકીલ છે, કેમકે આવું પુસ્તકાલય તો ફક્ત બે જ વકીલોને ઘેર છે!' હવે વકીલાત રૂપી ગાડીમાં કોચવાન પણ જોઈએ ને! એ કોચવાન એટલે વકીલોના મુન્શીઓ! મારા મુન્શીનું એક દૃષ્ટાંત આપું : હું જ્યારે લાહોર વકીલાતનો અભ્યાસ કરવા ગયો ત્યારે થોડા મુકદમા મારી પાસે બાકી હતા. તેનો નિકાલ તો મારા અમુક મિત્રોએ કરી નાખ્યો. પરંતુ મારા મુન્શી સાહેબ તો મારી ગેરહાજરીમાં જૂના મુકર્દમાઓની ફી વસૂલ કરવા ઉપરાંત નવા મુકર્દમા પણ હાથ ધરવા લાગ્યા! અને મારા વકીલોની પાસેથી એમ કહીને કામ લેવરાવવા લાગ્યા કે ‘આ તો જૂના પડ્યા છે!' જો કોઈ જૂનો અસીલ આવી ચડે તો મુન્શીજી એમ જ કહી દે કે ‘બીજો વકીલ કરવો હોય તો કરી લ્યો, પણ ફાવશો આ વકીલ કરવામાં.' ત્યારે અસીલ પૂછતો કે ‘પણ ભાઈ તો નથી. એટલે કેસની તજવીજ કોણ કરશે?' મુન્શી જવાબ દેતો ‘અરે ગાંડા! લાહોરમાં આ બધા વકીલોની નિશાળ છે, ત્યાં સરકારને એક બાહોશ શિક્ષકની જરૂર પડી હતી. બીજો કોઈ બાહોશ ભણાવનાર દેખ્યો નહિ તેથી સરકારે ભાઈને બોલાવેલ છે. તેની ગેરહાજરીમાં કોઈ વકીલ આપણને હરાવી નાખે તો ય શું? ભાઈ આવીને તુરત અપીલ કરશે. ખબર છે?' મુન્શીજીના આવા કાંટામાં કોઈ કોઈ માછલાં ફસાતાં પણ ખરાં! દુકાનનું પાટિયું બનાવરાવવા મેં મુન્શીને આજ્ઞા દીધેલી. લખાઈને પાટિયું આવી પહોંચ્યું, જોઉં તો મારા નામની જોડે ‘મુખતીઆર ‘ને બદલે ‘લીગલ પ્રેકટીશનર'નું પદ લગાડેલું. આ જૂઠાણાથી હું મુન્શી પર અત્યંત નારાજ થયેલો. મને જવાબ મળ્યો કે ‘મેં તો આપના ભલા માટે કર્યું હતું. મેં કહ્યું કે ‘મારે એવું ભલું ન જોઈએ.' પાટિયું પાછું મોકલી ‘વકીલ' શબ્દ છેકી ‘મુખતીઆર' શબ્દ લખાવ્યો. ધીરે ધીરે મારી મુખતીઅારીનું કામ ઝલકવા લાગ્યું. ઘણા ઘણા વકીલો કરતાં પણ મારી આમદાની ચડીઆતી થઈ ગઈ. પરંતુ સત્યાસત્યની એક એવી કસોટીમાં હું મુકાયો કે સત્યની બરદાસ્ત કરવા બદલ મારી તમામ પ્રતિષ્ઠા અપ્રતિષ્ઠામાં પલટાઈ ગઈ. બન્યું એવું કે મુન્શી મારી પાસે એક મુકર્દમો લાવ્યો. કોઈ વેપારીના ચોપડાના ખાતાના બાકી રૂ. ૧૦૦૦નો સાધારણ દાવો કરવાનો હતો. મેં ચોપડો જોયો તો બાકી લેણા રૂ. ૧૦૦૦ ઉપર ટીકીટ અને સહી નહોતાં, મેં કહી દીધું કે આ દાવો નહિ ચાલી શકે. એ વખતે તો એ વેપારી ચાલ્યો ગયો. પણ થોડા દિવસ પછી એણે બાકી રકમ પર પોતાની જ ટીકીટ લગાવી, દાવો લખાવી અદાલતમાં દાખલ કરી દીધો, અને મારા મુન્શીને મળી મુખતીઆરનામા પર મારી સહી પણ કરાવી દીધી. સહી શી રીતે કરાવી? એ સમજવા જેવું છે. જો પ્રભાતે સહી કરાવવા આવેલ હોત તો હું ચોપડો જોવા માગત. પણ કચેરીમાં જવા માટે હું ગાડીમાં ચડ્યો અને મુન્શીએ મુખતીઆરનામું સહી માટે ધર્યું. મેં કહ્યું કે ‘ચોપડો જોવો જોઈએ' મુન્શી કહે કે ‘સાહેબ! મામૂલી ચોપડાના ખાતાના રૂા. ૧૦૦૦નો દાવો છે, એમાં રૂા. ૫૦ની તો ફી આપે છે. રૂ. રપ તો લઈ પણ લીધા છે, ફક્ત એકજ સુનાવણીનું કામ છે. એમાં મોટી શી વાત છે?' હું ભોળવાઈ ગયો. રૂ. ૨૦ના કામમાં રૂા. ૫૦ મળતા હતા ખરા ને! એટલે મેં સહી કરીને ગાડી હાંકી મૂકી. મોટી અદાલતમાંથી કામ કરી હું મુન્સફની કચેરીમાં પહેાંચ્યો. એજ દાવા માટે મારી રાહ જોવાઈ રહી હતી. મુન્સફ મારા પર અત્યંત કૃપા રાખતા. મને દાવો રજૂ કરવા ફરમાવ્યું. પ્રતિવાદીનું બચાવનામું વાંચતાંની વાર જ મને સંદેહ પડ્યો. મે મારા અસીલના મોં સામે જોયું અને ચોપડાનું ખાતું કાઢ્યું. બસ, મને ખાત્રી થઈ ચૂકી કે આ બધું અસીલ મહાશયનું કારસ્થાન જ છે! હું લગાર પણ ન અચક્યો. મુન્સફ સાહેબને સભળાવી દીધું કે “સાહેબ મારા, અસીલે જૂઠી સહી (Forgery) કરી છે. હું એનો મુકદમો નહિ લડી શકું.” મુન્શીને મેં કહ્યું “એના રૂ. રપ પાછા આપી દેજો.” અદાલતમાં એક જાણે માટે કડાકો થયો. મુન્સફે અંગ્રેજીમાં મને બહુ સમજાવ્યો કે “તારી પ્રતિષ્ઠા તૂટી પડશે, તારી કમાઈને હાનિ પહોંચશે.” પણ હું ન માન્યો. ચાલી નીકળ્યો. બીજે જ દિવસ મારો ગ્રહ બદલી ગયો. મારી પાસે આવનાર અસીલોને અન્ય વકીલોએ ચેતવી દીધા કે ‘પોતાના જ અસીલની ગરદન કાપનાર એ મુખતીઆર પાસે જવા કરતાં એવા વકીલ પાસે જાઓ કે જે પોતાના અસીલને ખાતર બધા કાવાદાવા રમવા તત્પર હોય!' અને સાચેસાચ એમ જ બન્યું. મારી કમાઈ રૂા. ૫૦૦ થી ઉતરીને ૧૫૦ જેટલી થઈ ગઈ. મારા મુન્શીને મેં રૂખસદ આપી. છતાં મને કશો શેાચ નહોતો. હું જાણતો હતો કે ‘સબ દિન હોત ન એક સમાન!' બે માસમાં જ લોકો મારા કૃત્યને વિસરી ગયા અને ફરીવાર મારી પ્રતિષ્ઠા ચડવા લાગી. ત્યાર પછીનાં દસ વર્ષો મારા સંસારી અને ધાર્મિક જીવનની એક અનોખી તવારીખ સરજે છે. વકીલાતની ઉત્તરોત્તર ઉજ્જવલ સફલતા : ધર્મોપદેશ : આર્યસમાજની ભિન્ન ભિન્ન શાખાઓમાં પ્રાણસંચાર : મેળામાં વેદધર્મનો પ્રચાર : ઉત્સવો : જાલંધર કન્યામહાવિદ્યાલયની સ્થાપના : ‘સદ્ધર્મપ્રચારક' પત્રનો જન્મ : અને શાસ્ત્રાર્થની ધૂન : ઈત્યાદિ અખંડિત પ્રવાહમાં પ્રવૃત્તિ કરતો ગયો. પરંતુ મારા અંતરમાં જાણે કે દેવદાનવનો સંગ્રામ જામતો હતો. તા. ૧૧-૧-૧૮૯૧ની રોજનિશિમાં મેં લખ્યું છે કે ‘જો કે મેં આ દરમિયાન આર્યસમાજની અત્યંત સેવા કરી છે, એકલે હાથે જ ‘સદ્ધર્મપ્રચારક'નું સંપાદન કર્યું છે, વર્ણવ્યવસ્થા પર એક પુસ્તક પણ લખ્યું છે, શાસ્ત્રાર્થો પણ કર્યા છે, વેદધર્મપ્રચારનાં ઘણાં ઘણાં વ્યાખ્યાનો દીધાં છે, પરંતુ શું મારી આત્મિક અવસ્થામાં વાસ્તવિક ઉન્નતિ થઈ છે ખરી? હે અમારા અંતર્યામી! તું એક જ જાણે છે કે આ ઉપલક દેખાવની પાછળ કેટલી અપવિત્ર ચેષ્ટાઓ છુપાયેલી છે, હે પ્રાણેશ્વર! મને બલ આપ કે જેથી હું ધર્મમાર્ગ પર ચાલી શકું ને દૃઢ રહું.' એ વખતનાં લખાણે પરથી જાણી શકું છું કે વકીલાત છોડવા માટે હૃદયમાં યુદ્ધ થઈ રહ્યું હતું. ૧૮૯૧ની ૧૨મી જાનેવારીની રોજનિશિમાં મેં એક મહન્તના દુરાચારનો અહેવાલ લખ્યો છે. સંન્યાસ-આશ્રમની દુર્દશાનું વર્ણન કર્યું છે કે ‘માતૃભૂમિના પુનરૂદ્ધાર માટે ઉગ્ર તપવાળા આત્મસમર્પણની કેટલી આવશ્યકતા છે, તે આવી ઘટનાઓ બતાવી આપે છે.' એ જ દિવસે કચેરીમાં જવાનું વૃત્તાંત લખ્યું છે કે ‘વકીલોના ખંડમાં આ ધંધાના ધર્માધર્મ પર વાતચીત થઈ. હું વારંવાર મારા અંતરાત્માને પૂછી રહ્યો છું કે વેદધર્મની સેવાનું વ્રત ધારણ કરતો છતાં વકીલાત શી રીતે કરી શકું? મને સાચો માર્ગ કોણ બતાવે? પરમ પિતાની પાસે જ આ માર્ગ પૂછવો પડશે. આ સંશયાત્મકતાનો અંત આવવો જ જોઈએ. સેવા માટે સંપૂર્ણ આત્મસમર્પણ કરવું જ જોઈએ. પરંતુ આ કુટુંબનો મોટો અંતરાય છે તેનું શું? હે પિતા! તમે જ હવે તો હાથ ઝાલો ને માર્ગે દોરો!'”

છેલ્લી ગાંઠનું છેદન

પરમાત્માના દરબારમાં મારી આ પ્રાર્થના પહોંચી ગઈ. સંસાર સાથેની છેલ્લી ગાંઠ છૂટી જવાનો સમય અતિ નિર્દય ડગ ભરતો આવી પહોંચ્યો. મારી ધર્મપત્ની શિવદેવી, કે જે પોતે ધર્મગ્રંથોના અભ્યાસ ઉપરાંત મારા અન્ય વિચારોમાં પણ સહભાગી થઈ ચુકી હતી, અને મારી પુત્રીએાને સ્વહસ્તે જ શિક્ષણ આપવા ઉપરાંત પર્દાની રૂઢી ફગાવી દઈ મારી રઝળપાટોની અંદર મારી સાથે ફરતી હતી, એના ઉપર મૃત્યુદેવના ઓળા ઊતરવા લાગ્યા. કુટુંબને ‘અંતરાય' ગણ્યા પછી સાત જ મહિને દેવીને પાંચમી પ્રસૂતિ આવી ને તે સમયે એને બહુ કષ્ટ થયું. બાલક મરી ગયું ને માતા નિર્બલ બની ગઈ. ઝાડા શરૂ થઈ ગયા. બહુ ઈલાજો કર્યા, પણ કોઈનું કાંઈ ન ચાલ્યું, રાતે એની મા જરા દૂર ગઈ, એટલે પુત્રી પાસે ખડીઓ કલમ મગાવીને એણે કાંઈક લખ્યું. લખીને એ કાગળ કલમદાનના ખાનામાં મૂકી દીધો. એક બજે મેં એને ઔષધ પીવરાવ્યું એટલે એણે મને પ્રણામ કર્યા, એના ભાઈએ પૂછ્યું ‘કાં બહેન, ભજન સાંભળવું છે?' એણે હા પાડી, ભાઈએ ભજન ઉપાડ્યું, ‘પ્રભુજી! ભેટ ધરું કયા મેં તેરી!' એ સ્તવન ગવાતું ગયું તેની સાથેસાથ દેવી પોતાના હોઠ ફફડાવતી ગઈ. ભજન સમાપ્ત થયું. એની માતાએ રોઈને પૂછ્યું ‘દીકરી, બચ્ચાં કોને ભળાવી ચાલી?' ઉત્તર મળ્યો કે ‘એની મેળે જ મોટાં થઈ જશે.' આખરની ઘડી આવી પહોંચી. બે વાર મને એણે બોલાવ્યો ‘બાબુજી! બાબુજી!' અને છેલ્લી ઘડીએ ‘ૐ'નું ઉચ્ચારણ કરી પોતાના પ્રાણ તજી દીધા. એ પુનિત મૃત્યુ પર રોવાકૂટવાની અમે મના કરી, એ મૃતદેહને અમે સ્મશાને લઈ ગયા. અને મારા એ અમુલખ ધનને અગ્નિમાં ભસ્મીભૂત થતું હું ભારે હૃદયે જોઈ રહ્યો. બીજે દિવસે પ્રભાતે હું મારી દેવીનો સામાન સંભાળતો સંભાળતો એનાં સ્મરણ-ચિહ્નોને સ્પર્શ કરી રહ્યો હતો ત્યાં તો મારી મોટી પુત્રી કલમદાન લઈને આવી અને મને કહ્યું કે ‘બાપુ, માતાજીએ એક કાગળ લખીને આમાં મૂકી રાખ્યો છે.' મેં એ કાગળ ઉખેળીને વાંચ્યો. એમાં લખ્યું હતું:– “સ્વામીનાથ! હું તો હવે રજા લઉં છું. મારા અપરાધ ક્ષમા કરજો. આપને તો મારાથી વધુ રૂપાળી અને બુદ્ધિશાળી દાસી મળી રહેશે. પરંતુ આ બચ્ચાંને ન વિસારજો હો! મારા છેલ્લા પ્રણામ સ્વીકારજો.' મારા અંતર પર એ શબ્દો અંકાઈ ગયા. રાત્રિએ બધાં બચ્ચાંને બોલાવીને મેં એક કલાક સુધી પરમાત્મા પાસેથી સહનશક્તિ મેળવવા પ્રાર્થના કરી અને તે ક્ષણથી મહાવ્રત લીધું કે આ બચ્ચાંની માતાની ખોટ હું પોતે જ પૂરી પાડીશ. આજે મારાં બાળકો બોલી શકશે કે એ સંકલ્પ મેં પાર ઉતાર્યો છે કે નહિ. મારી સમીપે એ ક્ષણે ખડાં થયેલાં પ્રલોભનમાંથી મને બેશક સ્વામી દયાનંદના સદ્બોધોએ તેમ જ વેદધર્મના આદેશોએ તો ઉગારી લીધો, પરંતુ મારા અંતરમાં માતૃભાવનો સંચાર કરી, માતા અને પિતા બન્નેનું સ્થાન પૂરું કરવા બંધાયેલ એવો ગુરૂકુળને યોગ્ય આચાર્ય જો મને કોઈએ બનાવ્યો હોય, તો તે બનાવનાર મારી દેવીનો છેલ્લો સંદેશો જ હતો. મારાં બીજાં બધાં બચ્ચાંને લઈને મારી ભાભી તલવન ચાલી ગઈ અને પુત્ર હરિશ્ચંદ્રને લઈને મેં સાર્વજનિક જીવનનો રસ્તો લીધો. માંસભક્ષણની વિરૂદ્ધ ઉગ્ર યુદ્ધ લડતો લડતો હું ઘૂમવા લાગ્યો. એ મત પરત્વે આર્યસમાજમાં બે પક્ષ પડી ગયા. અને જે પાપ આજ સુધી ગુપ્ત ચાલતું હતું તે પ્રગટ બની પોતાનો પ્રચાર કરવા લાગ્યું. એમ કરતાં આખા પંજાબના આર્યસમાજની પ્રતિનિધિસભાના પ્રધાનપદે મારી ચૂંટણી થઈ, તે વખતથી મારું જીવન મારું પોતાનું ન રહ્યું, એ જીવન સાર્વજનિક બની ગયું, અને તેથી જ હું મારી જીવનયાત્રાની બીજી મજલને અહીં જ સમાપ્ત કરું છું. હું એને આશ્રમ નથી કહેતો કેમકે બ્રહ્મચર્યાશ્રમની સાથે તો મારે સ્પર્શ સરખો યે નહોતો થયો. તેમ વળી ગૃહસ્થાશ્રમ પણ વેદ ધર્મના નિયમાનુસાર મેં નથી પાળ્યો. હા, આ પૂર્વે મેં વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની તૈયારી આરંભી દીધી હતી. અને નવ વર્ષ એ તૈયારીમાં વીતાવ્યા પછી કેવી રીતે મેં વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તથા એ આશ્રમ-ધર્મના પાલનમાં મને ક્યાં ક્યાં ઠોકરો લાગી તેના વર્ણનનો સમય હજુ નથી આવ્યો. એટલે પછી ચોથા આશ્રમમાં (સંન્યસ્તમાં) પ્રવેશ કરવાનું વર્ણન તો હજુ ઘણું ઘણું દૂર છે.