ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/પરિવ્રાજક અને ઉંદર
‘દક્ષિણ જનપદમાં મહિલારોપ્ય નામે નગરથી થોડેક દૂર ભગવાન શ્રીમહાદેવનું મઠાયતન આવેલું છે. ત્યાં તામ્રચૂડ નામે પરિવ્રાજક રહેતો હતો. નગરમાં ભિક્ષાટન કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. ખાતાં વધેલી ભિક્ષા ભિક્ષાપાત્રમાં જ રાખીને, એ ભિક્ષાપાત્ર ખીંટી ઉપર લટકાવીને પછી તે રાત્રે સૂઈ જતો હતો. પ્રભાતમાં તે અન્ન કામ કરનારાઓને આપીને તેમને દેવતાનું મંદિર સારી રીતે સાફ કરવાની, લીંપવાની તથા સુશોભિત કરવાની આજ્ઞા કરતો હતો.
પછી એક દિવસે મારાં સગાંસબંધીઓએ મને નિવેદન કર્કહ્યું કે, ‘સ્વામી! મઠાયતનમાં રાંધેલું અન્ન ઉંદરોના ભયથી એ જ ભિક્ષાપાત્રમાં હમેશાં ખીંટી ઉપર લટકાવેલું રહે છે. આથી અમે તે ભક્ષણ કરી શકતા નથી. પરન્તુ આપ ક્યાંય ન જઈ શકો એવું નથી. તો બીજાં સ્થાનોએ વૃથા ભટકવાથી શું? આજે તમારી કૃપાથી ત્યાં જઈને અમે એ અન્ન યથેચ્છ ખાઈએ.’ આ સાંભળી મારા આખા યૂથ વડે વીંટળાઈને હું તે જ ક્ષણે ત્યાં ગયો, અને કૂદીને તે ભિક્ષાપાત્ર ઉપર ચડી ગયો. ત્યાં વિવિધ ખાદ્ય પદાર્થો મારા સેવકોને આપીને મેં પોતે પણ ખાધા. સર્વને તૃપ્તિ થયા પછી ફરી પાછા અમે પોતાને ઘેર આવ્યા.
એ પ્રમાણે નિત્ય તે અન્ન હું ખાતો હતો. પરિવ્રાજક પણ તેનું યથાશક્તિ રક્ષણ કરતો હતો. પણ જ્યારે તે નિદ્રાવશ થતો ત્યારે ત્યાં આવીને હું મારું કામ કરી લેતો હતો.
પછી, એક વાર તેણે મને અટકાવવા માટે મોટો યત્ન કર્યો. તે જર્જરિત થયેલો વાંસ લાવ્યો. સૂતાં સૂતાં પણ મારા ભયથી તે વાંસ એ ભિક્ષાપાત્ર ઉપર પછાડતો હતો. હું પણ અન્ન ખાધું ન હોવા છતાં પ્રહારના ભયથી દૂર ચાલ્યો જતો હતો. આ પ્રમાણે તેની સાથે વિગ્રહ કરતાં આખી રાત્રિ વીતી જતી હતી.
હવે, એક વાર તેના મઠમાં બૃહત્સ્ફ્ફ્ નામે તેનો મિત્ર પરિવ્રાજક તીર્થયાત્રા પ્રસંગે ફરતો ફરતો અતિથિ તરીકે આવી પહોંચ્યો. તેને જોઈને તામ્રચૂડે સામે જઈ આદર કરી, અભ્યાગતની ક્રિયાથી તેનો વિધિપૂર્વક સત્કાર કર્યો. પછી રાત્રે તે બન્ને જણા દર્ભના એક જ પાથરણામાં સૂઈ જઈને વિવિધ ધર્મકથાઓ કહેવા લાગ્યા. ઉંદરના ત્રાસથી વિક્ષિપ્ત મનવાળો તામ્રચૂડ જર્જરિત વાંસ ભિક્ષાપાત્ર ઉપર પછાડતો બૃહત્સ્ફ્ફ્નીિ કથાગોષ્ઠિમાં શૂન્ય પ્રત્યુત્તર આપતો હતો, અને ભિક્ષાપાત્ર તરફ ધ્યાન હોવાને કારણે કંઈ બોલતો નહોતો. એટલે એ અભ્યાગત અત્યંત કોપાયમાન થઈને તેને કહેવા લાગ્યો, ‘હે તામ્રચૂડ! તું મારો સાચો મિત્ર નથી તે મેં જાણી લીધું છે. એ કારણથી તું મારી સાથે આનંદપૂર્વક વાર્તાલાપ કરતો નથી. માટે રાત્રે જ તારા મઠનો ત્યાગ બીજા કોઈ મઠમાં હું ચાલ્યો જઈશ. કહ્યું છે કે
‘આવો, પધારો, વિશ્રામ લો, આ આસન રહ્યું, કેમ ઘણે સમયે દેખાયા? શા સમાચાર છે? બહુ દુર્બળ થઈ ગયા! કુશળ તો છો ને? તમારા દર્શનથી હું પ્રસન્ન થયો છું —- ઘેર આવેલા સ્નેહીજનોને જેઓ આ પ્રમાણે આદરથી આનંદ પમાડે છે તેમના મહાલયોમાં સદાકાળ અશંકિત મનથી જવું યોગ્ય છે. જે ઘરનો માલિક આવેલા અતિથિને જોઈને દિશાઓમાં અથવા નીચે જુએ છે તે ઘેર જેઓ જાય છે તેઓ શિંગડાં વિનાના બળદો છે. જ્યાં સામે આવીને આદર કરવામાં આવતો નથી, જ્યાં મધુર અક્ષરયુક્ત વાર્તાલાપો થતા નથી અને ગુણદોષની વાત થતી નથી તે મહાલયમાં જવું યોગ્ય નથી.
એક મઠની પ્રાપ્તિ થતાં પણ તું ગર્વિત થયો છે અને મિત્રસ્નેહનો તેં ત્યાગ કર્યો છે. પણ મઠાશ્રયના નિમિત્તે તેં નરક ઉપાર્જન કર્યું છે એ તું જાણતો નથી. કહ્યું છે કે
નરકમાં જવાની ઇચ્છા હોય તો એક વર્ષ પુરોહિતપણું કર; અથવા બીજા ઉપાયનું શું કામ છે? ત્રણ દિવસ સુધી મઠની વ્યવસ્થાનો વિચાર કર.
માટે હે મૂર્ખ! શોકને પાત્ર એવો તું ગર્વિત થયો છે. તેથી હું તારા મઠનો ત્યાગ કરીને જાઉં છું.’ એ સાંભળીને ભયથી ત્રસ્ત મનવાળો તામ્રચૂડ તેને કહેવા લાગ્યો ‘હે ભગવન્! એવું ન બોલશો. તમારા સમાન મારો બીજો કોઈ મિત્ર નથી. પણ ગોષ્ઠિમાં શિથિલતા થવાનું કારણ સાંભળો. આ દુરાત્મા ઉંદર ઊંચે સ્થાને મૂકેલા ભિક્ષાપાત્ર ઉપર પણ કૂદીને ચડી જાય છે અને એમાં રહેલો ભિક્ષાશેષ ખાઈ જાય છે. ભિક્ષાશેષને અભાવે મઠમાં સાફસૂફીની ક્રિયા પણ થઈ શક્તી નથી. માટે ઉંદરના ત્રાસને લીધે આ વાંસ હું ભિક્ષાપાત્ર ઉપર વારંવાર પછાડું છું; બીજંુ કોઈ કારણ નથી, વળી આ દુરાત્મા ઉંદરનું આ બીજું પણ કુતૂહલ જુઓ કે તે પોતાના કૂદકાથી બિલાડા અને વાંદરાને પણ પાછળ પાડી દે છે.’ બૃહત્સ્ફિફ બોલ્યો, ‘એનું બિલ — દર ક્યા સ્થળે આવેલું છે એ જાણવામાં છે?’
તામ્રચૂડે કહ્યું, ‘એ હું બરાબર જાણતો નથી.’ તે બોલ્યો, ‘નક્કી, નિધાન — ધનભંડારની ઉપર એનુંબિલ હોવું જોઈએ. નિધાનની ઉષ્માથી એ ઊંચે કૂદે છે. કહ્યું છે કે
ધનની માત્ર ઉષ્મા પણ દેહધારીઓનાં તેજમાં વૃદ્ધિ કરે છે, તો દાન આપવા સહિતનો તેનો ઉપભોગ તેજવૃદ્ધિ કરે એમાં શું કહેવું
તેમ જ
શાંડિલીની માતા છડ્યા વિનાના તલને સાટે છડેલા તલ એકાએક વેચે નહિ; તેથી એમાં કંઈક કારણ હોવું જોઈએ.’
તામ્રચૂડ બોલ્યો, ‘એ કેવી રીતે?’ તે કહેવા લાગ્યો —