ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સુઘરી અને વાંદરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુઘરી અને વાંદરો


કોઈ એક વનમાં શમીવૃક્ષની શાખ ઉપર માળો કરી વગડાઉ ચકલીનું (સુઘરીનું) એક જોડું રહેતું હતું. એક વાર તે સુખપૂર્વક બેઠું હતું ત્યારે હેમંત ઋતુનો મેઘ મંદ મંદ વરસવા લાગ્યો. એ સમયે પવન અને વરસાદના ઝપાટાથી પીડા પામવાથી હડબડતા શરીરવાળો, દાંતની વીણા વગાડતો (ઠંડીથી જેનાં દાંત કડકડતા હતા એવો), તથા કંપતો એવો કોઈ એક વાંદરો શમીવૃક્ષની નીચે આવીને બેઠો, એટલે તેને એ પ્રકારે જોઈને ચકલી બોલી, ‘હે ભદ્ર! હાથપગવાળો હોઈને પુરુષ જેવી આકૃતિવાળો દેખાતો હોવા છતાં તું ટાઢથી હેરાન થાય છે. હે મૂઢ! તું ઘર શા માટે બાંધતો નથી?’

એ સાંભળીને વાંદરો કોપથી બોલ્યો, ‘તું મૌન શા માટે રહેતી નથી? અહો! આ ચકલીની ધૃષ્ટતા તો જુઓ! અત્યારે તે મારો ઉપહાસ કરે છે!

હે દુરાચારિણી અને પંડિતની જેમ વાતો કરનારી સુઘરી! આ પ્રમાણે બકવાદ કરતાં તું વિચાર કરતી નથી. માટે એને હું કેમ ન મારું?’

એ પ્રમાણે બબડાટ કરીને વાંદરાએ તેને કહ્યું, ‘હે મૂર્ખી! તારે મારી ચિન્તા કરીને શું કામ છે? કહ્યું છે કે

જે શ્રદ્ધાવાળો હોય અને વિશેષ કરીને પૂછતો હોય તેને કહેવું; શ્રદ્ધા વગરનાને કહેવું એ અરણ્યરુદન સમાન છે.

માટે ઘણું કહેવાથી શું?’ તો પણ માળામાં રહેતી ચકલીએ ઉપદેશ આપવા માંડ્યો, એટલે વાંદરાએ તે શમીવૃક્ષ ઉપર ચડીને એ માળાના સો ટુકડા કરી નાખ્યા.—