ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ/સૌભરિ ઋષિની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સૌભરિ ઋષિની કથા

એક સમયે સૌભરિ નામના મહર્ષિ બાર વર્ષ સુધી પાણીમાં રહ્યા. ત્યાં સંમદ્ નામનો એક બહુ સંતાનોવાળો અને વિશાળ મત્સ્યરાજ હતો. તેના પુત્ર, પૌત્ર, દૌહિત્ર આગળપાછળ, પુચ્છ, શિર પર ભમ્યા કરતા હતા. આનંદિત થઈને તેની સાથે ક્રીડા કર્યા કરતા હતા. તે પણ સંતાનોના સ્પર્શથી આનંદ પામતો મુનિના દેખતાં બધાની સાથે રાતદિવસ રમ્યા કરતો હતો.

પાણીમાં રહેતા સૌભરિ પોતાની સમાધિ ત્યજીને રાતદિવસ આ મત્સ્યરાજને આમ રમતો જોઈ વિચારવા લાગ્યા, ‘અહો, ધન્ય છે. આવી નીચ જાતિમાં જન્મીને આ પોતાનાં પુત્ર, પૌત્ર, દૌહિત્ર સાથે રમે છે, મારા હૃદયમાં ઈર્ષ્યા જન્મે છે. હું પણ આમ પુત્રો સાથે મોજ કરીશ.’ આવી ઇચ્છા કરીને તે પાણીમાંથી બહાર આવ્યા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની ઇચ્છાથી રાજા માંધાતા પાસે આવ્યા. મુનિને આવતા જોઈ રાજાએ તેમનું સ્વાગત કર્યું અને તેમની પૂજા કરી.

સૌભરિએ કહ્યું, ‘રાજન્, હવે હું પરણવા માગું છું. એટલે તું મને એક કન્યા આપ. કકુત્સ્થ વંશ પાસે આવેલો કોઈ માણસ ખાલી હાથે જતો નથી. આ પૃથ્વી ઉપર હજારો રાજા છે અને તેમની અનેક કન્યાઓ છે પરંતુ યાચકોને માંગેલી ચીજ આપવામાં દૃઢ પ્રતિજ્ઞાવાળું તારું કુળ પ્રશંસનીય છે. તારે તો પચાસ કન્યાઓ છે, તેમાંથી તું એક મને આપ. મારી પ્રાર્થનાનો ભંગ તો નહીં થાય ને એવી શંકાથી મને ડર લાગે છે.’

ઋષિની આવી વાત સાંભળી, તેમનો વૃદ્ધ દેહ જોઈ શાપનો ડર પણ રાજાને લાગ્યો. તે નીચું મુખ કરીને મનોમન ચંતાિ કરવા લાગ્યો.

સૌભરિ બોલ્યા, ‘રાજન્, ચંતાિ કેમ કરે છે? મેં કોઈ અસહ્ય વાત તો કરી નથી. આમેય તારે એક દિવસ તો કન્યા કોઈને આપવી તો પડશે ને?’

રાજા માંધાતાએ ઋષિના શાપથી ડરતા ડરતા કહ્યું, ‘ભગવન્, અમારા કુળની પરંપરા છે કે જે વરને કન્યા પસંદ કરે તેને આપવી. હવે મને સમજ નથી પડતી કે મારે શું કરવું? બસ આ જ ચંતાિ છે.’

રાજાની આવી વાત સાંભળી સૌભરિએ વિચાર્યું, ‘મને ટાળવાનો આ ઉપાય છે. આ વૃદ્ધ તેને તો પ્રૌઢાઓ પણ પસંદ કરતી ન હોય તો કન્યાઓ તો પસંદ કરશે જ કેવી રીતે?’

આમ વિચારી રાજાએ આવું કહ્યું છે, એટલે તેમણે રાજાને કહ્યું, ‘જો આમ વાત હોય તો કન્યાઓના અંત:પુરના નપુંસક રક્ષકને મારા પ્રવેશ માટે કહો. જે કન્યા મારી માગણી કરે તે કન્યા હું સ્વીકારીશ. બાકી આ ઢળતી વયે આવા ઉદ્યોગનું કોઈ પ્રયોજન નથી.’ એટલે મુનિના શાપના ડરથી રાજાએ કન્યાઓના અંત:પુરરક્ષકને આજ્ઞા આપી. તેની સાથે અંત:પુરમાં પ્રવેશ કરતી વેળા સૌભરિએ પોતાનું રૂપ બદલીને ગંધર્વથી, સિદ્ધથી ચઢિયાતું બનાવી દીધું. તે ઋષિને અંત:પુરમાં લઈ જઈ રક્ષકે કન્યાઓને કહ્યું, ‘તમારા પિતા માંધાતાની આજ્ઞા છે કે આ બ્રહ્મર્ષિ એક કન્યા માટે પધાર્યા છે અને મેં તેમની આગળ પ્રતિજ્ઞા કરી છે કે મારી જે કોઈ કન્યા તેમને પસંદ કરશે તો તેની સાથે હું ઋષિનું લગ્ન કરાવીશ.’

આ સાંભળી યુથપતિ ગજેન્દ્રની પસંદગી કરતી હાથણીઓની જેમ ‘હું, હું એમને પસંદ કરું છું.’ તેઓ બોલવા લાગી, ‘અરે બહેનો, વ્યર્થ પ્રયત્ન કેમ કરો છો? તમે શાંત થઈ જાઓ. અંત:પુરમાં આવતાંવેંત સૌથી પહેલાં મેં તેમને પસંદ કર્યા છે, તો તમે બળી કેમ મરો છો?’ આમ પહેલાં મેં, પહેલાં મેં એમ રાજકુમારીઓમાં મોટો કલહ મચી ગયો.

આ બધી કન્યાઓએ મુનિવરને પસંદ કરી લીધા એવા સમાચાર રક્ષકે રાજાને આપ્યા. ‘આવું બને જ કેવી રીતે?’ પણ પોતે વચન આપ્યું હતું એટલે રાજાએ વચનપાલન કર્યું અને સૌભરિ મુનિ બધી કન્યાઓને લઈને આશ્રમ ગયા. ત્યાં તેમણે વિશ્વકર્માને બોલાવ્યા અને દરેક કન્યા માટે જુદો મહેલ બનાવવા કહ્યું, તેમાં હંસ, કારંડવ જેવાં પક્ષીવાળું જળાશય હોય, બધી સાધનસામગ્રી હોય, ખુલ્લી જગા હોય.

વિશ્વકર્માએ તેમની સૂચના પ્રમાણે મહેલ બનાવી આપ્યા અને ઋષિને દેખાડ્યા. પછી સૌભરિના કહેવાથી બધી રાજકન્યાઓ અતિથિઓને અને સેવકોને સાચવવા લાગી. એક દિવસ પુત્રીઓને મળવા રાજા ત્યાં આવ્યા. પુત્રીઓ સુખી છે કે દુઃખી? આશ્રમ પાસે આવ્યા તો તેમણે રમણીય ઉપવન અને જળાશયોવાળા મહેલોની હાર જોઈ. પછી તે એક મહેલમાં જઈ પોતાની કન્યાને ભેટીને અશ્રુપૂર્ણ નેત્રે બોલ્યા, ‘પુત્રી, તું સુખી તો છે ને? તને કોઈ વાતે દુઃખ તો નથી ને? ઋષિ તને પ્રેમ તો કરે છે ને?’

આ સાંભળી પુત્રીએ કહ્યું, ‘પિતાજી, આ મહેલ અતિ સુંદર છે, અહીં ખીલેલાં કમળ છે, પક્ષીઓ છે, ખાવાપીવાની વિવિધ સામગ્રી છે આભૂષણ છે, તો પણ જન્મભૂમિની યાદ કોને ન આવે? એક જ ચંતાિ છે. મારા પતિ અહીંથી બહાર જતા જ નથી, મારી પાસે જ રહે છે. બીજી બહેનો પાસે જતા નથી. મારી બહેનો દુઃખી હશે.’

આ સાંભળીને રાજા બીજા મહેલમાં ગયો તો તેણે પણ પહેલીની જેમ જ કહ્યું. મારી પાસે જ તે રહે છે, બીજે જતા જ નથી. આમ રાજા બધે ગયા તો ત્યાં આવી જ વાત સાંભળવા મળી. પછી રાજા સૌભરિ ઋષિને મળ્યા, પૂજા કરીને કહ્યું, ‘આ તમારી યોગસિદ્ધિનું જ ફળ છે.’ થોડી ક્ષણો તેમની સાથે ગાળીને રાજા પોતાના નગરમાં ગયા.

કાલક્રમે ઋષિને તે રાજકન્યાઓથી સો પુત્ર જન્મ્યા. દિવસે દિવસે વધુ સ્નેહ પ્રસરવાને કારણે તેમનું હૃદય મમતામય થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા. ‘આ પુત્રો બોલતા થશે? ચાલતા થશે? તેઓ પરણશે? હું પુત્રપૌત્રોને જોઈશ? આ મનોરથોનો તો કોઈ અંત નથી. નવા નવા મનોરથો જન્મ્યા જ કરવાના. એટલે મૃત્યુ સુધી એનો અંત નથી. મારી સમાધિ પાણીના પેલા મત્સ્યરાજના સંગથી તૂટી.’

છેવટે તેઓ બધી માયામમતા મૂકી દેવા તૈયાર થયા અને પત્નીઓને લઈ વનમાં જતા રહ્યા ને સંન્યાસી થઈ ગયા.


(૨: ૪)