ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ગોવર્ધનધારણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગોવર્ધનધારણ

શ્રીકૃષ્ણે એક દિવસ જોયું કે બધા લોકો ઇન્દ્રયજ્ઞની તૈયારીઓ કરી રહ્યા છે. અંતર્યામી હોવા છતાં તેમણે વિનમ્ર ભાવે નંદબાવા અને બીજા વૃદ્ધ યાદવોને પૂછ્યું, ‘પિતાજી, અત્યારે આપણે કયા ઉત્સવની તૈયારીઓ કરી રહ્યા છીએ? એથી શો લાભ થશે? કયા કયા લોકો કયા ઉદ્દેશથી, કયાં સાધન વડે આ યજ્ઞ કરવાના? મને જરા સમજાવો. તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું. આ બધી વાતો સાંભળવાની ઉત્કંઠા છે. જેઓ બધાને પોતાનો આત્મા માને છે, જેને પોતાના અને પારકા જેવું કશું નથી, જેને કોઈ મિત્ર નથી કે નથી શત્રુ, તેની પાસે કશી ગુપ્ત વાત તો હોઈ જ ન શકે. … એટલે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે શાસ્ત્રસંમત છે કે લૌકિક છે તે બધું હું જાણવા માગું છું.’

નંદબાવાએ કહ્યું, ‘ભગવાન ઇન્દ્ર વર્ષા આપનારા મેઘોના સ્વામી છે. આ મેઘ તેમનાં જ રૂપ છે. બધાં પ્રાણીઓને તૃપ્ત કરનાર અને જીવનદાન આપનાર જળ તે વરસાવે છે. અમે અને બીજાઓ પણ એ મેઘસ્વામી ઇન્દ્રની યજ્ઞ દ્વારા પૂજા કરીએ છીએ. જે સામગ્રીથી આ યજ્ઞ થાય છે તે પણ તેમણે વરસાવેલ જળ વડે જ ઉત્પન્ન થાય છે. આ યજ્ઞ કર્યા પછી જે કંઈ બચે છે તે અન્ન વડે આપણે બધા અર્થ, ધર્મ અને કામ એમ ત્રિવર્ગની સિદ્ધિ માટે આપણો જીવનનિર્વાહ કરીએ છીએ. મનુષ્યો જે ખેતી કરે છે તેનાં ફળ પણ ઇન્દ્ર આપે છે. આ ધર્મ આપણી કુળપરંપરાથી ચાલી આવ્યો છે. જે માનવી કામ, ભય, લોભ કે દ્વેષને વશ થઈ આ પરંપરાગત ધર્મ ત્યજી દે છે તેનું કદી કલ્યાણ થતું નથી.’

બ્રહ્મા, શંકર ઉપર પણ શાસન કરનારા ભગવાન કેશવે નંદબાવા અને બીજા યાદવોની વાત સાંભળીને ઇન્દ્રને ક્રોધ થાય એ માટે પિતાને કહ્યું,

‘પિતાજી, પ્રાણી પોતાના કર્મ પ્રમાણે જન્મે છે અને કર્મ પ્રમાણે મૃત્યુ પામે છે. એનાં કર્મ પ્રમાણે એને સુખદુઃખ, ભય કે મંગલ સાંપડે છે. કર્મફળ આપનાર ઈશ્વર છે એમ માની લઈએ તો પણ તે કર્મ પ્રમાણે જ ફળ આપશે. કર્મ ન કરનાર પર એમની સત્તા ચાલતી નથી. જો બધાંને તેમનાં કર્મ પ્રમાણે જ મળતું હોય તો એમાં આપણને ઇન્દ્રની કઈ આવશ્યકતા? જે પૂર્વસંસ્કાર અનુસાર પ્રાપ્ત થનારાં મનુષ્યોનાં કર્મફળ બદલી નથી શકતા તેમનું પ્રયોજન કયું? એટલે કર્મ જ ગુરુ અને કર્મ જ ઈશ્વર. જેવી રીતે પોતાના વિવાહિત પતિને ત્યજીને બીજા પુરુષને ચાહનારી સ્ત્રીને કદી શાંતિ મળતી નથી તેવી રીતે કોઈ એક દેવને મૂકીને બીજા દેવને સેવે છે તેને કદી સુખ મળતું નથી. બ્રાહ્મણ વેદાધ્યયન વડે, ક્ષત્રિય પૃથ્વીપાલન વડે, વૈશ્ય વેપાર વડે, અને શૂદ્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવા વડે પોતાની આજીવિકા મેળવે છે. વૈશ્ય ચાર રીતે કમાય છે. કૃષિ, વાણિજ્ય. ગોપાલન અને વ્યાજવટું: આપણે તો પહેલેથી માત્ર ગોપાલન જ કરતા આવ્યા છીએ. આ સંસારનાં સ્થિતિ, ઉત્પત્તિ અને અંતનાં કારણ સત્ત્વ, રજસ અને તમસ છે. આ વિવિધ પ્રકારનું જગત સ્ત્રીપુરુષના સંયોગથી રજોગુણ દ્વારા જન્મે છે. એ જ રજોગુણની પ્રેરણાથી મેઘ બધે વરસાદ આપે છે. એનાથી જ અન્ન પાકે છે અને એ અન્ન વડે જ બધાની જીવિકા ચાલે છે. આમાં ઇન્દ્ર વચ્ચે ક્યાં આવ્યા?

પિતાજી, આપણી પાસે નથી કોઈ રાજ્ય કે નથી મોટાં મોટાં નગર આપણને આધીન. આપણે તો પહેલેથી વનવાસી. વન અને પહાડ જ આપણાં ઘર. એટલે આપણે ગાય, બ્રાહ્મણો, અને ગિરિરાજના યજ્ઞની તૈયારી કરીએ. ઇન્દ્રયજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરી છે તે વડે આ યજ્ઞ કરીએ. અનેક પ્રકારનાં પકવાન બનાવીએ. વ્રજનું બધું દૂધ એકઠું કરીએ. વેદપાઠી બ્રાહ્મણો પાસે સારી રીતે હોમહવન કરાવીએ અને તેમને અનેક પ્રકારની દક્ષિણા આપીએ. ચાંડાળ, પતિત અને કૂતરાં સુધ્ધાંને આપીએ. ગાયોને ખવડાવીએ પછી ગિરિરાજને નૈવેદ્ય ધરીએ. પછી ખાઈપીને, સારાં સારાં વસ્ત્ર પહેરીને, ચંદનઅર્ચા કરીને ગાય, બ્રાહ્મણ, અગ્નિ અને ગિરિરાજ ગોવર્ધનની પ્રદક્ષિણા કરીએ. હું તો આવું માનું છું. જો તમને ગમે તો આમ જ કરો. આવો યજ્ઞ ગાય, બ્રાહ્મણ અને ગિરિરાજને તો ગમે જ, મને પણ બહુ ગમે.’

ભગવાનની ઇચ્છા તો ઇન્દ્રનું અભિમાન દૂર કરવાની હતી. નંદબાવા અને બીજા ગોપલોકોએ તેમની વાત સાંભળીને આનંદપૂર્વક સ્વીકારી લીધી. શ્રીકૃષ્ણે જેવા યજ્ઞની વાત કરી હતી તેવા યજ્ઞની તૈયારી તેમણે કરવા માંડી. પહેલાં બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું, બ્રાહ્મણોને દક્ષિણા આપી. ગાયોને લીલુંછમ ઘાસ ખવડાવ્યું. પછી નંદબાવા અને બીજાઓએ ગાયોને આગળ કરીને ગિરિરાજની પ્રદક્ષિણા કરી. બ્રાહ્મણોના આશીર્વાદ મેળવીને ગોપલોકો અને ગોપાંગનાઓ સારાં વસ્ત્રાભૂષણ પહેરીને બળદગાડાંમાં બેસીને શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન કરતી ગિરિરાજની પ્રદક્ષિણા કરવાં લાગ્યાં. ભગવાન શ્રીકૃષ્ણ ગોપલોકોને પ્રતીતિ કરાવવા ગિરિરાજ ઉપર એક વિશાળ શરીર ધારણ કરીને પ્રગટ થયા અને ‘હું ગિરિરાજ છું’ એમ બોલી બધી સામગ્રી આરોગવા માંડ્યા. ભગવાને બીજા વ્રજવાસીઓની સાથે પોતાના તે સ્વરૂપને પણ વંદન કર્યાં. પછી કહ્યું, ‘જુઓ, કેવું અચરજ, ગિરિરાજે સાક્ષાત પ્રગટ થઈને આપણા ઉપર કૃપા કરી. આ ઇચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે. જે વનવાસી એમનો અનાદર કરે છે તેનો તે નાશ કરે છે. એટલે આવો, આપણું અને ગાયોનું કલ્યાણ કરવા આ ગિરિરાજને આપણે પ્રણામ કરીએ.’

આમ શ્રીકૃષ્ણની પ્રેરણાથી નંદબાવા અને બીજા નાનામોટા ગોપલોકો વિધિપૂર્વક ગિરિરાજ, ગાયો અને બ્રાહ્મણોનું પૂજન કરી શ્રીકૃષ્ણની સાથે વ્રજમાં પાછા ફર્યા.

જ્યારે ઇન્દ્રને જાણ થઈ કે મારી પૂજા બંધ કરી દીધી છે ત્યારે તે નંદબાવા અને બીજા ગોપલોકો પર ક્રોધે ભરાયા. પણ જ્યારે તેમના રક્ષક ભગવાન જાતે હોય ત્યારે ઇન્દ્ર શું કરી શકે? ઇન્દ્રને પોતાના પદનું બહુ અભિમાન હતું. તે એમ જ માનતા હતા કે ત્રિભુવનનો સ્વામી હું જ છું. એટલે તેમણે ક્રોધે ભરાઈ પ્રલય કરનારા મેઘોના સાંવર્તક નામના ગણને વ્રજ પર આક્રમણ કરવા કહ્યું, ‘અરે, આ જંગલી ગોવાળિયાઓનું આવું અભિમાન! એક સામાન્ય માનવી એવા કૃષ્ણના જોરે તેમણે મારું દેવરાજનું અપમાન કર્યું. આ પૃથ્વી ઉપર બહુ મંદબુદ્ધિના લોકો ભવસાગર પાર કરવા બ્રહ્મવિદ્યાનો ત્યાગ કરી ભાંગલી નૌકા વડે આ સંસારસાગર પાર કરવા માગે છે. આ કૃષ્ણ બકવાદી, નાદાન, અભિમાની, મૂરખ છે અને પાછો પોતાને બહુ વિદ્વાન માને છે. એ પોતે મૃત્યુનો ગ્રાસ છે અને એની સહાય લઈને આહીરોએ મારું અપમાન કર્યું છે. એક બાજુ તેઓ ધનના ગર્વમાં છે અને બીજી બાજુ કૃષ્ણે તેમને ચઢાવી માર્યા છે. હવે તમે જઈને તેમના ધનનો ગર્વ હરી લો. હું પણ તમારી પાછળપાછળ ઐરાવત પર બેસીને નંદના વ્રજનો નાશ કરવા મહાપરાક્રમી મરુત્ગણો સાથે આવું છું.’

આમ ઇન્દ્રે પ્રલયકારી મેઘને આજ્ઞા આપી અને તેમનાં બંધન કાપી નાખ્યાં. જોરશોરથી નંદબાવાના વ્રજ પર તે મેઘ ટૂટી પડ્યા. મુસળધાર વરસાદ પડવા માંડ્યો. ચારે બાજુ વીજળીઓ ચમકવા લાગી, વાદળો ગરજવાં લાગ્યાં, કડાકાભડાકા થવા લાગ્યા, પ્રચંડ આંધી આવી. થાંભલા જેવી ધારાઓ વરસવા લાગી. વ્રજભૂમિનો એકેએક ખૂણો પાણીથી ભરાઈ ગયો. ક્યાં જમીન ઊંચી છે, ક્યાં ખાડો છે તે જ સમજાતું ન હતું. ભયાનક વરસાદમાં એકેએક પશુ થથરવા લાગ્યું. ગોપ, ગોપાંગના ઠંડીથી કાંપવાં લાગ્યાં. તેઓ શ્રીકૃષ્ણ પાસે આવ્યાં. વરસાદને કારણે હેરાન થયેલા ગોપ પોતાનાં બાળકોને જેમતેમ સાચવીને લાવ્યાં હતાં. તેમણે કહ્યું, ‘ભગવાન, તમે તો બહુ ભાગ્યશાળી છો. હવે તો તમારા સિવાય કોઈ આરો નથી. આ ગોકુળના એક માત્ર સ્વામી તમે, ઇન્દ્રના કોપમાંથી તમે જ અમને બચાવી શકશો.’

ભગવાને જોયું કે ભારે વરસાદને કારણે બધા હેરાનપરેશાન થઈ ગયા છે. તેમને સમજાઈ ગયું કે આ કારસો ઇન્દ્રનો જ છે. તેણે જ ક્રોધે ભરાઈને આ કર્યું છે. તે મનોમન બોલ્યા, ‘આપણે ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો એટલે વ્રજનો નાશ કરવા વગર ચોમાસે તે વાયુ અને વરસાદ વડે વ્રજનો નાશ કરવા તૈયાર થયો છે. હવે હું મારી યોગમાયા વડે તેને બતાવીશ. આ ઇન્દ્ર મૂર્ખાઈને કારણે પોતાને લોકપાલ માને છે. તેનાં ઐશ્વર્ય અને ધનનો ઘમંડ તથા અજ્ઞાન હું દૂર કરીશ. દેવતાઓ તો સત્ત્વપ્રધાન હોય. તેમને કશાનું અભિમાન ન હોવું જોઈએ. એટલે આ સત્ત્વગુણ વિનાના દેવોનો માનભંગ હું કરીશ. તો જ છેવટે તેમને શાંતિ મળશે. આ આખું વ્રજ મારું આશ્રિત છે. હું જ તેમનો એકમાત્ર રક્ષક છું. એટલે મારી યોગમાયા વડે તેમનું રક્ષણ કરીશ. સાધુજનોની રક્ષા કરવાનું તો મેં વ્રત લીધું જ છે. હવે એ વ્રતનું પાલન કરવાનો અવસર આવ્યો છે.’

આમ કહી ભગવાને પોતાના એક જ હાથ વડે ગિરિરાજ ગોવર્ધનને રમતાં રમતાં ઊંચકી લીધો. પછી તેમણે કહ્યું, ‘વ્રજવાસીઓ, હવે તમે તમારી ગાયો અને સામગ્રીઓ સાથે આ પર્વતના ખાડામાં બેસી જાઓ. મારા હાથમાંથી આ પર્વત નીચે પડી જશે એવી શંકા ન કરતા. તમે જરાય ગભરાતા નહીં. તમને બચાવવા જ આવું મેં કર્યું છે.’

જ્યારે ભગવાને આવી ધીરજ બંધાવી ત્યારે બધા ગોપ પોતપોતાનાં ગોધન, ગાડાં, આશ્રિતો, પુરોહિતો, નોકરચાકર લઈને તેમાં બેસી ગયા. સાત દિવસ સુધી ભગવાને આ પર્વત ઊંચકી રાખ્યો. તેઓ જરા પણ હાલ્યા નહીં. શ્રીકૃષ્ણની આ લીલા જોઈને ઇન્દ્રના અચરજનો પાર ન રહ્યો. તેઓ પોતાની ઇચ્છા પૂરી કરી ન શક્યા. પછી તેમણે મેઘોને અટકાવી દીધા. જ્યારે વરસાદ બંધ થયો, આંધી દૂર થઈ ગઈ અને સૂરજ નીકળી આવ્યો ત્યારે ભગવાને કહ્યું,‘ હવે તમે નિર્ભય થઈ જાઓ. બધાંને લઈને બહાર નીકળી જાઓ. વરસાદ નથી, પવન નથી.’

ભગવાનની આવી આજ્ઞા સાંભળી બધા પોતપોતાનો સંસાર લઈને બહાર નીકળ્યા. ભગવાને બધાના દેખતાં ગોવર્ધનને જ્યાં હતો ત્યાં પાછો મૂકી દીધો.

વ્રજવાસીઓ ઝૂમી ઊઠ્યાં. તેઓ તરત ભગવાન પાસે દોડી આવ્યાં. મોટી વયની ગોપાંગનાઓએ તેમને મંગળ તિલક કર્યાં. યશોદા, રોહિણી, નંદબાવા અને બલરામ તેમને ભેટી પડ્યાં. આકાશી સત્ત્વોએ સ્તુતિ કરી અને પુષ્પવર્ષા કરી. દેવતાઓ વાજિંત્રોવગાડવા લાગ્યા. ગંધર્વોએ ગીત ગાયાં. પછી ભગવાને વ્રજયાત્રા કરી, તેમની સાથે બલરામ ચાલતા હતા. પ્રેમઘેલી ગોપીઓ પોતાને આકર્ષતા, પ્રેમ જગાડતા શ્રીકૃષ્ણની લીલાઓનાં ગીત ગાતી વ્રજમાં આવી.

ભગવાનનો મથુરાપ્રવેશ

ભગવાને મથુરામાં પ્રવેશ કર્યો ત્યારે જોયું તો કપડાં રંગનાર એક ધોબી સામેથી આવી રહ્યો હતો. ભગવાને તેની પાસે ધોયેલાં કપડાં માગ્યાં. ‘ભાઈ, અમને બરાબર આવી જાય તેવાં કપડાં આપ. અમે એ કપડાંના અધિકારી છીએ. જો તું અમને એવાં કપડાં આપીશ તો તારું કલ્યાણ થશે.’

પણ તે ધોબી કંસનો સેવક હતો એટલે તે તો ગુસ્સે થઈને બોલ્યો, ‘તમે લોકો રહો છો તો જંગલમાં, પહાડોમાં — શું ત્યાં આવાં વસ્ત્ર પહેરો છો? તમે બહુ નફ્ફ્ટ થઈ ગયા છો એટલે જ આવી વાતો કરો છો. હવે તમને રાજાઓનું ધન લૂંટવાની ઇચ્છા થઈ છે. અરે મૂરખ લોકો, ભાગો અહીંથી. જો જીવવું હોય તો આવી રીતે માગતા નહીં. તમારા જેવાને રાજસેવકો કેદ કરીને મારી નાખશે, તમારી પાસે જે હશે તે છિનવી લેશે.’

જ્યારે ધોબી આવો બકવાસ કરવા લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણે ક્રોધે ભરાઈને એક તમાચો માર્યો, તેનું માથું ધડથી અલગ થઈ ગયું. આ જોઈ ધોબીના હાથ નીચે કામ કરનારાઓ કપડાંના બધા ઢગલા ત્યાં ને ત્યાં મૂકીને નાસી ગયા. શ્રીકૃષ્ણે અને બલરામે પોતાને ગમતાં વસ્ત્ર પહેરી લીધાં, બાકીનાં ગોપબાલોને વહેંચી આપ્યાં, ઘણાં બધાં કપડાં ત્યાં ને ત્યાં રહેવા દઈને ચાલી નીકળ્યા.

થોડે આગળ ગયા એટલે બંને ભાઈઓને એક દરજી મળ્યો. ભગવાનનું અનુપમ સૌંદર્ય જોઈ તેને પ્રસન્નતા થઈ. રંગબેરંગી, સુંદર વસ્ત્ર એમનાં શરીર પર ખૂબ જ શોભી ઊઠ્યાં. અનેક પ્રકારનાં વસ્ત્રોથી વિભૂષિત થઈ બંને ભાઈ વધુ શોભી ઊઠ્યા. એવું લાગ્યું કે ઉત્સવના પ્રસંગે શ્વેત અને શ્યામ મદનિયાં સારી રીતે શણગારી દીધાં છે. ભગવાન તે દરજી પર પ્રસન્ન થયા.

કુબ્જા

ભગવાન શ્રીકૃષ્ણ પોતાની મંડળી સાથે મથુરાના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક યુવતીને જોઈ, તેનું મોં તો બહુ સુંદર હતું પણ શરીરે તે કૂબડી હતી. એટલે તેનું નામ પડ્કહ્યું હતું કુબ્જા. તેના હાથમાં ચંદન ભરેલું પાત્ર હતું. શ્રીકૃષ્ણ તો પે્રમરસનું દાન કરનારા હતા, એટલે તેમણે કુબ્જા પર કૃપા કરવા પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે? આ ચંદન કોને માટે લઈ જાય છે? સાચે સાચું કહેજે. આ ઉત્તમ ચંદન, આ અંગરાગ, તું અમને આપ, એના દાનથી તારું પરમ કલ્યાણ થશે.’

ત્યારે કુબ્જાએ કહ્યું, ‘હું કંસની પ્રિય દાસી છું. મારું નામ છે ત્રિવક્રા. મેં તૈયાર કરેલાં ચંદન અને અંગરાગ કંસને બહુ ગમે છે. પરંતુ તમારા બેથી ચઢિયાતું વળી કોણ?’ ભગવાનનાં સૌંદર્ય, સુકુમારતા, રસિકતા, મંદસ્મિત, પ્રેમાલાપથી કુબ્જાનું મન ડગી ગયું. તેણે ભગવાનને પોતાનું હૃદય અર્પી દીધું. બંને ભાઈઓને એ સુંદર અંગરાગ આપી દીધો. શ્રીકૃષ્ણે પોતાના શ્યામ શરીરે પીળા રંગનો અને બલરામે રાતો અંગરાગ લગાવ્યો અને તેનાથી બંને ભાઈ સુશોભિત થઈ ઊઠ્યા. શ્રીકૃષ્ણ કુબ્જા પર બહુ પ્રસન્ન થયા અને પોતાના દર્શનનું ફળ આપવાની ઇચ્છાથી ત્રણ જગાએથી વાંકી અને સુંદર મોંવાળી કુબ્જાને સીધી કરવાનો વિચાર આવ્યો. શ્રીકૃષ્ણે પોતાના પગ વડે કુબ્જાના બંને પગના પંજા દબાવ્યા, હાથ ઊંચો કરીને તેની હડપચી પર ફેરવ્યો અને તેના શરીરને જરા ઊંચું કર્યું, તરત જ તેનાં બધાં અંગ સીધાં થઈ ગયાં. પ્રેમ અને મુક્તિના દાતા શ્રીકૃષ્ણના સ્પર્શથી તે તરત જ વિશાળ નિતંબ અને ઉન્નત સ્તનમંડળવાળી ઉત્તમ યુવતી બની ગઈ.

તેનું મન શ્રીકૃષ્ણમાં પરોવાઈ ગયું અને તે બોલી, ‘હે વીર, આવો-મારે ઘેર ચાલો. હવે હું તમને જવા નહીં દઉં. મારા પર પ્રસન્ન થાઓ.’ બલરામના દેખતાં કુબ્જાએ આવી પ્રાર્થના કરી, શ્રીકૃષ્ણે પોતાના સાથીઓને જોઈને હસતાં હસતાં કહ્યું, ‘સુંદરી, તારું ઘર તો સંસારી લોકોની માનસિક વ્યાધિ દૂર કરનારું છે. હું મારું કાર્ય પૂરું કરીને તારે ત્યાં આવીશ. અમારા જેવા બેઘરનું તો તારું ઘર આશ્રયસ્થાન છે.’ એમ કહીને શ્રીકૃષ્ણે કુબ્જાને વિદાય કરી અને મથુરાના બજારમાં તે પહોંચ્યા. વેપારીઓએ તેમને અને બલરામને પાન, ફૂલ, હાર, ચંદન વગેરે ભેટો આપીને તેમનું પૂજન કર્યું. તેમના દર્શનમાત્રથી સ્ત્રીઓના મનમાં પ્રેમાવેગ વધી જતો હતો. તેમને પોતાના શરીરની પણ સુધ રહેતી ન હતી. તે ચિત્રોમાં આલેખાતી મૂતિર્ઓની જેમ જડ બનીને ઊભી રહી જતી હતી.

પછી ધનુષયજ્ઞના સ્થળ વિશે પૂછતાં પૂછતાં રંગશાળામાં જઈ પહોંચ્યા અને ત્યાં ઇન્દ્રધનુષ જેવું અદ્ભુત ધનુષ જોયું. તે અનેક અલંકારોથી છવાયેલું હતું. એની પૂજા થઈ ગઈ હતી, ઘણા બધા સૈનિકો તેની રક્ષા કરતા હતા. રક્ષકોએ રોકવા છતાં શ્રીકૃષ્ણે બળજબરી કરીને ધનુષ ઊંચકી લીધું, પ્રત્યંચા ચઢાવી અને એક જ ક્ષણમાં દોરી ખેંચીને વચ્ચેથી તેના બે કકડા કરી નાખ્યા, જેવી રીતે બળવાન હાથી શેરડીને રમતાંરમતાં ભાંગી નાખે છે તેવી રીતે. ધનુષના ટુકડા થયા એટલે એનો અવાજ ચારે બાજુ છવાઈ ગયો.

એ અવાજ સાંભળીને કંસ પણ ડરી ગયો. હવે ધનુષના રક્ષક અસુરો પોતાના સહાયકો ઉપર બહુ નારાજ થયા, અને શ્રીકૃષ્ણને ઘેરીને ઊભા રહી ગયા. ‘પકડો-પકડો; બાંધી લો-જવા ન દેતા.’ તેમના મનની વાત જાણીને શ્રીકૃષ્ણ અને બલરામ ક્રોધે ભરાયા, ધનુષના ટુકડા ઉપાડીને તે વડે જ તેમને પૂરા કરી નાખ્યા. અસુરોની મદદ માટે કંસે મોકલેલી સેનાનો નાશ કર્યો; પછી બંને ભાઈ યજ્ઞશાળાના મુખ્ય દ્વારેથી બહાર નીકળ્યા અને મથુરાની શોભા જોઈને વિચરવા લાગ્યા. જ્યારે નગરજનોએ બંને ભાઈઓના આ અદ્ભુત પરાક્રમની વાત સાંભળી ત્યારે તેમણે માની લીધું કે આ બંને ઉત્તમ દેવ હોવા જોઈએ. આમ મથુરામાં ફરતાં ફરતાં સાંજ પડી ગઈ. પછી પોતાનાં ગાડાં જ્યાં હતાં ત્યાં તેઓ આવી ચઢ્યા. વિરહાતુર બનીને વ્રજની ગોપીઓએ મથુરાના લોકો વિશે જે કહ્યું હતું તે બધું સાચું પડ્યું. તેઓ પરમાનંદમાં તલ્લીન થઈ ગયા. પછી હાથપગ ધોઈને શ્રીકૃષ્ણે-બલરામે દૂધની વાનગીઓ આરોગી, હવે કંસ શું કરશે તેનો વિચાર કરતાં કરતાં રાતે નિરાંતે સૂઈ ગયા.

જ્યારે કંસને જાણ થઈ કે કૃષ્ણ અને બલરામે ધનુષભંગ કરી દીધો છે, રક્ષકોનો અને તેમની સહાય માટે મોકલેલી સેનાનો પણ ખાતમો બોલાવી દીધો છે, ત્યારે તેને ઊંઘ પણ ન આવી. જાગ્રત અવસ્થામાં બહુ અપશુકન થયા. ત્યારે તેણે જોયું કે પાણીમાં અને આયનામાં શરીર તો દેખાય છે પણ મસ્તક દેખાતું નથી. કશાની આડશ ન હોવા છતાં ચંદ્ર, તારા, દીપક — બબ્બે દેખાવા લાગ્યા. છાયામાં છેદ દેખાય છે, કાનમાં આંગળી નાખવા છતાં તેને કશો અવાજ સંભળાતો ન હતો. રેતીમાં કે કીચડમાં પગની છાપ દેખાતી ન હતી. સ્વપ્નમાં જોયું તો તે પ્રેતોને વળગી બેઠો છે, ગધેડા પર ચઢીને ચાલે છે અને ઝેર ખાઈ રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તરબતર છે, ગળામાં જબાકુસુમની માળા છે અને નગ્ન થઈને તે ક્યાંક જઈ રહ્યો છે. આ સિવાય પણ ઘણાં અપશુકન તેણે જોયાં. એટલે તે વધુ ચિંતા કરવા લાગ્યો. તેને મરણની બીક લાગી અને રાતે જરાય ઊંઘ ન આવી.

રાત વીતી, સવાર પડી એટલે સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઊગ્યા, કંસ રાજાએ મલ્લભવનમાં કુસ્તીની તૈયારી કરાવી. સેવકોએ તે ભવન સારી રીતે શણગાર્યું. વાજિંત્રો વાગવાં લાગ્યાં. લોકોને બેસવાના મંચ ફૂલહાર, પતાકા, વંદનવારોથી શણગાર્યા અને તેના પર બ્રાહ્મણ, ક્ષત્રિય તથા ગ્રામજનો યથાસ્થાને બેઠા. રાજા કંસ મંત્રીઓની સાથે ઉત્તમ રાજસિંહાસન પર બેઠો. તે વખતે પણ અપશુકનોથી ગભરાયેલો તો હતો જ. ત્યારે પહેલવાનોએ આવીને તાલ ઠોક્યા, વાજિંત્રો વાગવાં લાગ્યાં, અભિમાની મલ્લ સજીધજીને પોતાના ગુરુઓની સાથે અખાડામાં આવી પહોંચ્યા. ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ ભેરાલ જેવા મુખ્ય મુખ્ય મલ્લ વાજિંત્રોના ધ્વનિથી ઉત્સાહિત થઈને અખાડામાં બેસી ગયા. તે જ વખતે કંસે નંદ વગેરે ગોપબાલોને બોલાવ્યા, તેમણે ભગવાનની ભેટસોગાદો કંસને ધરી અને પછી એક મંચ પર જઈને બેઠા.

શ્રીકૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ વિધિથી પરવારીને દંગલને અનુરૂપ વાજિંત્રોના અવાજ સાંભળી રંગભૂમિ જોવા ચઢ્યા. રંગભૂમિના દ્વાર આગળ ઊભેલો કુવલયાપીડ હાથી શ્રીકૃષ્ણે જોયો. તેમણે કમર કસી અને વાંકડિયા વાળ સરખા કરી દીધા. અને ગંભીર અવાજે મહાવતને કહ્યું, ‘અરે મહાવત, અમને બંનેને રસ્તો આપ. સંભળાય છે કે નહીં? મોડું ન કર. નહીંતર તને હાથીની સાથે યમલોક પહોંચાડી દઈશ.’ શ્રીકૃષ્ણે આવી રીતે મહાવતને ધમકાવ્યો એટલે તે ક્રોધે ભરાયો અને અંકુશ મારીને હાથીને શ્રીકૃષ્ણ સામે ધક્કેલ્યો. હાથીએ શ્રીકૃષ્ણ પાસે પહોંચીને ખૂબ જ ઝડપથી તેમને સૂંઢમાં લપેટી લીધા. પણ શ્રીકૃષ્ણ તરત જ બહાર નીકળી ગયા અને એક મુક્કો મારીને તેના પગની વચ્ચે સંતાઈ ગયા. પોતાની સામે શ્રીકૃષ્ણને ન જોયા એટલે હાથી ચિડાયો. તેણે સૂંઘીને શ્રીકૃષ્ણને શોધી કાઢ્યા અને પકડી લીધા, પણ શ્રીકૃષ્ણ તરત જ છૂટી ગયા. પછી તેમણે હાથીનું પૂંછડું પકડી લીધું અને રમતાં રમતાં તેને સો હાથ ઘસડ્યો. જેવી રીતે બાળક વાછરડા સાથે ગોળ ગોળ ઘૂમે અથવા શ્રીકૃષ્ણ વાછરડાઓ સાથે રમે તેવી રીતે હાથી સાથે રમત રમવા લાગ્યા. જ્યારે હાથી તેમને જમણી બાજુથી પકડવા આવતો ત્યારે તેઓ ડાબી બાજુ જતા રહેતા અને જ્યારે હાથી ડાબી બાજુથી પકડવા આવતો ત્યારે જમણી બાજુ જતા રહેતા. પછી હાથીની સામે જઈને એક મુક્કો માર્યો. તેને પાડી નાખવા તેની સામેથી દોડ્યા. પછી દોડતાં દોડતાં એક વાર પોતે પડી ગયાનો દેખાવ કર્યો. હાથીએ જોયું કે શ્રીકૃષ્ણ નીચે પડી ગયા છે ત્યારે દંતશૂળ જમીન પર ફંગોળ્યા. જ્યારે પોતાનું આક્રમણ નિષ્ફ્ળ ગયું છે તે જોઈને તે વધુ ચિઢાયો. મહાવતોની દોરવણીથી તે શ્રીકૃષ્ણ પર ટૂટી પડ્યો, એ જોઈને શ્રીકૃષ્ણે તેની પાસે જઈને એક હાથે સૂંઢ પકડી લીધી અને તેને ધરતી પર પાડી નાખ્યો. એ નીચે પડ્યો એટલે તેના દંતશૂળ ઉખાડી લીધા અને તેના વડે હાથી અને મહાવતોને પૂરા કર્યા. મરેલા હાથીને ત્યાં જ મૂકીને તેના દંતશૂળ સાથે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. તેમની શોભા અદ્ભુત હતી, ખભા પર હાથીદાંત હતા, શરીર પર લોહી અને મદનાં ટીપાં હતાં, મોઢે પરસેવો હતો. બંને ભાઈઓના હાથમાં હાથીદાંત હતા, ગોપબાલોની સાથે તે ચાલી રહ્યા હતા. આમ તેમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો, ત્યારે પહેલવાનોને ભાઈઓના વજ્ર જેવા કઠોર શરીર દેખાયા, સામાન્ય માનવીઓને નરરત્ન, સ્ત્રીઓને સાક્ષાત્ કામદેવ, ગોપબાલોને સ્વજન, દુષ્ટ રાજાઓને દંડનારા શાસક, માતાપિતા જેવા વૃદ્ધ જનોને બાળક, કંસને મૃત્યુદેવ, અજ્ઞાનીઓને વિરાટ, યોગીઓને પરમ તત્ત્વ, ભકતશિરોમણિઓને પોતાના ઇષ્ટ દેવ જેવા લાગ્યા.

આમ તો કંસ વીર હતો પણ જ્યારે તેણે જોયું કે બંને ભાઈઓએ હાથીને મારી નાખ્યો છે ત્યારે તેને સમજાકહ્યું કે આમના પર વિજય મેળવવો બહુ અઘરો છે. તે ગભરાઈ ગયો. બંને ભાઈઓના હાથ લાંબા હતા. પુષ્પહાર, વસ્ત્ર, અલંકારોથી એવું લાગતું હતું કે ઉત્તમ વેશભૂષા પહેરેલા બંને નટ બનીને આવ્યા છે. જેમની આંખો એક વાર તેમના પર પડતી કે તેઓ જોયા જ કરતા. પોતાની કાન્તિથી સામાનાં મનને લોભાવતા હતા. મંચ પર બેઠેલા સૌ કોઈની આંખો કૃષ્ણ અને બલરામને જોઈને ખીલી ઊઠી, ઉત્કંઠિત થઈ ગયા. જોઈ જોઈને તેઓ ધરાતા ન હતા. જાણે આંખોથી તેમને પીતા હતા, નાક વડે સૂંઘતા હતા, હાથ ફેલાવીને તેમને આલિંગતા હતા. તેમનાં સૌંદર્ય, ગુણ, માધુર્ય અને નિર્ભયતા વડે દર્શકોને તેમની લીલાઓનું સ્મરણ કરાવ્યું. તેઓ અંદરઅંદર બોલવા લાગ્યા,

‘આ બંને નારાયણના અંશ છે. વસુદેવને ઘેર તે જન્મ્યા હતા. આ શ્યામ રંગવાળા દેવકીના પેટે જન્મ્યા હતા, જન્મની સાથે જ વસુદેવે તેમને ગોકુળ પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ છુપાઈને રહ્યા, નંદજીને ઘેર મોટા થયા. તેમણે પૂતના, તૃણાવર્ત, શંખચૂડ, કેશી, ધેનુક વગેરે અસુરોનો વધ કર્યો, યમલ-અર્જુનનો ઉદ્ધાર કર્યો. ગાયો અને ગોપબાલોને દાવાનળમાંથી બચાવ્યા. કાલિય નાગનું દમન કર્યું, ઇન્દ્રનું અભિમાન ઓગાળી દીધું. સાત દિવસ સુધી એક જ હાથ પર ગોવર્ધન ઊંચકી રાખ્યો હતો, અને ગોકુળને ઝંઝાવાત-વરસાદમાંથી ઉગારી લીધું. ગોપીઓ શ્રીકૃષ્ણના આછા સ્મિત, મુખારવિંદના દર્શનથી આનંદ પામતી હતી. એવું બધા કહે છે કે તેઓ યદુવંશનું રક્ષણ કરશે, આ વંશ તેમની સહાયથી મહાન સમૃદ્ધિ, યશ અને ગૌરવ પામશે. આ બીજા કૃષ્ણના મોટા ભાઈ બલરામ છે. બધાના મોઢે સાંભળ્યું છે કે તેમણે પ્રલંબાસુર, વત્સાસુર અને બકાસુરને માર્યા હતા.’

દર્શકો જ્યારે આમ વાતો કરી રહ્યા હતા ત્યારે ચાણૂરે શ્રીકૃષ્ણને અને બળરામને કહ્યું, ‘શ્રીકૃષ્ણ અને બલરામ, તમે બંને વીરોના આદરપાત્ર છો. અમને મહારાજ પાસેથી જાણવા મળ્યું છે કે તમે કુસ્તી લડવામાં નિપુણ છો, તમારી આવડત જોવા અહીં બોલાવ્યા છે. જુઓ જે પ્રજા મન-વચન-કર્મથી રાજાનું પ્રિય કાર્ય કરે છે તેમનું કલ્યાણ થાય છે અને રાજાની ઇચ્છાવિરુદ્ધ કરનારનું અહિત થાય છે. બધા એક વાત તો જાણે છે કે ગાય-વાછરડા ચરાવતા ગોપબાલો દરરોજ નિરાંતે જંગલમાં કુસ્તી લડતા રહે છે, ગાયો ચરાવે છે. તો ચાલો, તમે અને અમે મળીને મહારાજને પ્રસન્ન કરવા કુસ્તી લડીએ. આમ કરવાથી બધા આપણા પર પ્રસન્ન થશે, રાજા સમસ્ત પ્રજાના પ્રતિનિધિ છે.’

શ્રીકૃષ્ણ તો ઇચ્છતા જ હતા કે કુસ્તી લડીએ. એટલે ચાણૂરની વાતને ટેકો આપ્યો અને દેશકાળને ધ્યાનમાં રાખીને તે બોલ્યા, ‘ચાણૂર, અમે પણ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ. એટલે અમારે પણ તેમને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરવા જોઈએ. પણ ચાણૂર, અમે તો બાળક છીએ. એટલે અમે અમારા જેવા બળવાન સાથે કુસ્તી લડીશું. કુસ્તી સમાન બળવાળા વચ્ચે જ લડાય, એટલે જોનારા સભાસદોના મનમાં અન્યાયનું સમર્થન કરવાનું પાપ ન લાગે.’

ચાણૂરે કહ્યું, ‘તમે અને બલરામ નથી તો બાળક, નથી તો કિશોર. તમે તો બલવાનોમાં શ્રેષ્ઠ છો, હમણાં જ તમે હજાર હાથીઓ જેટલું બળ ધરાવતા કુવલયાપીડને મારી નાખ્યો, એટલે તમારે અમારા જેવા બળવાનો સાથે લડવું જ જોઈએ. આમાં ક્યાંય અન્યાય નથી. તમે મારી સાથે લડજો અને બલરામ મુુષ્ટિક સાથે લડશે.’

શ્રીકૃષ્ણે ચાણૂર વગેરેના વધનો સંકલ્પ કરી લીધો. અને શ્રીકૃષ્ણ ચાણૂર સાથે અને બલરામ મુષ્ટિક સાથે કુસ્તી કરવા તૈયાર થયા. એકબીજાને જીતી લેવાની ઇચ્છાથી હાથ વડે હાથ અને પગ વડે પગ, પંજા વડે પંજાને, ઘુંટણ સાથે ઘુંટણને, માથા સાથે માથાને અને છાતી સાથે છાતી ભીડીને એકબીજાને ઘાયલ કરવા લાગ્યા. આમ દાવપેચ રમતા, પોતાના પ્રતિદ્વન્દ્વીને પકડીને આમતેમ ઘુમાવતા, ઉઠાવીને ફેંકતા, જોરથી બાઝી પડતા, છૂટીને ભાગી જતા, ક્યારેક પીછેહઠ કરતા. આમ એકબીજાને રોકતા, સામા પર પ્રહાર કરતા અને પ્રતિદ્વન્દ્વીને પછાડતા, હાથ પકડીને ઉપર લઈ આવતા. ગળામાં લપેટાઈને બીજાને હડસેલી દેતા અને હાથપગ એકઠા કરીને ગાંઠ વાળી દેતા.

આ યુદ્ધ જોવા નગરની ઘણી સ્ત્રીઓ પણ આવી હતી. મોટા મોટા પહેલવાનો સાથે નાનાં બાળકોને લડતાં જોઈ તેઓ દયાભાવથી એકબીજીને કહેવા લાગી. ‘આ કંસ રાજાના સભાસદો અન્યાય અને અધર્મ આચરી રહ્યા છે. કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ બળવાન પહેલવાનો અને નિર્બળ બાળકોના યુદ્ધનું અનુમોદન થઈ રહ્યું છે. આ પહેલવાનોના શરીરનું એકેએક અંગ વજ્ર સમાન છે. દેખાવેય મોટા પર્વત જેવા છે. શ્રીકૃષ્ણ, બલરામ તો હજુ જવાન પણ નથી. તેમની કિશોરાવસ્થા છે. તેમનું એકએક અંગ કોમળ છે. ક્યાં એ અને ક્યાં આ! જેટલા લોકો અહીં જોઈ રહ્યા છે તેમને ચોક્કસ ધર્મોલ્લંઘનનું પાપ લાગશે. ચાલો, આપણે અહીંથી જતા રહીએ. જ્યાં અધર્મ હોય ત્યાં રહેવું ન જોઈએ- આ શાસ્ત્રનો નિયમ છે. શાસ્ત્ર તો એમ કહે છે કે સભાષદોના દોષ જાણ્યા પછી બુદ્ધિમાનોએ સભામાં જવું ન જોઈએ. ત્યાં જઈને તેમના અવગુણો કહેવા, ચૂપ રહેવું અથવા મને ખબર નથી એ ત્રણે વાત મનુષ્યને દોષભાગી બનાવે છે. જુઓ…જુઓ… શ્રીકૃષ્ણ શત્રુની ચારે બાજુ પેંતરો બદલી રહ્યા છે. કમળપત્ર પર જળબિંદુ શોભે એવી રીતે શ્રીકૃષ્ણના મોં પર પ્રસ્વેદબિંદુઓ છે. અરે સખીઓ, તમે જુઓ તો છો ને કે મુષ્ટિક પ્રત્યેના રોષને કારણે તેમનુંમોં લાલ લાલ થઈ ગયું છે. અને છતાં હાસ્યનો આવેગ કેટલો સુંદર છે. આ પુરુષોત્તમ અહીં મનુષ્યરૂપે વસે છે. સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મી કૃષ્ણની ચરણવંદના કરે છે, એ જ ભગવાન ત્યાં રંગબેરંગી વનપુષ્પોની માળા પહેરીને, બલરામની સાથે વાંસળી વગાડે છે, ગાયો ચરાવે છે, જાત જાતના ખેલ કરે છે અને આનંદ મનાવે છે. સખી, ખબર નથી, ગોપીઓએ કેવું તપ કર્યું હશે કે તેઓ શ્રીકૃષ્ણના રૂપની માધુરીનું પાન કરે છે. સંસારમાં એમનું રૂપ અનુપમ છે, કોઈનું રૂપ ચઢિયાતું તો હોય જ કેવી રીતે? એ પણ રૂપસજ્જાથી નહીં, વસ્ત્રાભૂષણથી નહીં- સ્વયંસિદ્ધ છે. એ જોઈને જરાય તૃપ્તિ નથી થતી. એ કેમ પ્રત્યેક ક્ષણે નવું થઈ જાય છે, નિત્યનૂતન છે. એમનું દર્શન બીજાઓ માટે તો દુર્લભ છે પણ ગોપીઓના ભાગ્યમાં તો લખાયેલું જ છે. વ્રજગોપીઓ ધન્ય છે, શ્રીકૃષ્ણમાં જ મન પરોવેલું રાખવાને કારણે તેમની લીલાઓનું ગાન ગાયા કરે છે. ઘરનું કામકાજ કરતી વખતે, બાળકોની આસનાવાસના કરતી વખતે શ્રીકૃષ્ણના ગુણોમાં જ મસ્ત રહે છે. શ્રીકૃષ્ણ સવારે ગાયો ચરાવવા વ્રજથી વનમાં જાય છે અને સાંજે વ્રજમાં પાછા ફરે છે, ત્યારે વાંસળી વગાડે છે. એ સાંભળીને ગોપીઓ ઘરનું બધું કામકાજ પડતું મૂકીને ઝટઝટ રસ્તે દોડી આવે છે. અને ભગવાનનું મોં જોઈને પ્રસન્ન થાય છે, ખરેખર ગોપીઓ પુણ્યશાળી છે.’

જે વેળા નગરની સ્ત્રીઓ આમ વાતો કરતી હતી ત્યારે શ્રીકૃષ્ણે મનોમન શત્રુને મારી નાખવાનો નિર્ધાર કર્યો. સ્ત્રીઓની આ બધી વાતો દેવકી અને વસુદેવ સાંભળી રહ્યાં હતાં. તેઓ પુત્રસ્નેહથી વિવશ થઈ ગયાં. તેઓ પોતાના પુત્રોના બળને જાણતાં ન હતાં. જેવી રીતે શ્રીકૃષ્ણ અને ચાણૂર જુદા જુદા દાવપેચ રમતા હતા તેવી રીતે બલરામ અને મુષ્ટિક પણ. શ્રીકૃષ્ણની પકડથી ચાણૂરની રગેરગ ઢીલી પડી ગઈ, તેને લાગ્યું કે મારા બધા સાંધા તૂટી રહ્યા છે. તેને ખૂબ જ વ્યથા થઈ. હવે તે ક્રોધે ભરાઈને બાજની જેમ ટૂટી પડ્યો. બંને હાથ વડે શ્રીકૃષ્ણની છાતીમાં મુક્કો માર્યો. પણ એનાથી શ્રીકૃષ્ણ જરાય હઠ્યા નહીં. તેમણે ચાણૂરના બંને હાથ પકડી લીધા, અને હવામાં વીંઝીને જમીન પર પટક્યો. વીંઝાતાં વેંત ચાણૂરનો જીવ તો જતો રહ્યો. તેની વેશભૂષા વિખરાઈ ગઈ, કેશ અને માલા વિખરાઈ ગયાં, તે ઇન્દ્રધ્વજની જેમ પડી ગયો. એ જ રીતે મુષ્ટિકે બલરામને એક મુક્કો માર્યો. બલરામે તેને જોરથી તમાચો માર્યો. તરત જ તે ધૂ્રજી ગયો અને ઝંઝાવાતમાં ઊખડી પડેલા વૃક્ષની જેમ પ્રાણહીન થઈને ધરતી પર લોહી ઓકતો નીચે પડી ગયો. પછી યોદ્ધામાં શ્રેષ્ઠ બલરામે પોતાની સામે આવેલા કૂટ પહેલવાનને રમતાં રમતાં મારી નાખ્યો. તે જ વેળા શ્રીકૃષ્ણે પગની કાંકર વડે શલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યુંં, અને તોશલને તો તણખલાની જેમ ઊભો ને ઊભો ચીરી નાખ્યો. હવે ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે બચી ગયેલા પહેલવાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા. પછી શ્રીકૃષ્ણ અને બલરામ પોતાની ઉંમરના ગોપબાલો સાથે નાચીને કુસ્તીના ખેલ કરવા લાગ્યા.

શ્રીકૃષ્ણ અને બલરામની આ અદ્ભુત લીલા જોઈને બધા દર્શકોને ખૂબ જ આનંદ થયો. બ્રાહ્મણો અને સાધુઓ ‘ધન્ય ધન્ય’ કહીને પ્રશંસા કરવા લાગ્યા. પણ કંસ દુઃખી થઈ ગયો. તે વધુ ચિઢાઈ ગયો. જ્યારે તેના મુખ્ય પહેલવાનો મૃત્યુ પામ્યા અને બીજા બધા ભાગી ગયા ત્યારે તેણે વાજિંત્રો બંધ કરાવી દીધાં અને સેવકોને આજ્ઞા આપી, ‘વસુદેવના આ દુષ્ટ છોકરાઓને નગરબહાર મોકલી દો અને ગોપબાલોની માલમિલકત ઝૂંટવી લો, નંદને કારાવાસમાં નાખો, વસુદેવ દુર્બુદ્ધિ છે અને દુષ્ટ છે. તેને તરત મારી નાખો. ઉગ્રસેન મારા પિતા છે છતાં તે પોતાના અનુયાયીઓ સમેત દુશ્મનો સાથે ભળી ગયા છે. એટલે તેમને પણ મારી નાખો.’ કંસ આમ બકવાસ કરી રહ્યો હતો ત્યારે ક્રોધે ભરાઈને શ્રીકૃષ્ણ કૂદકો મારતાંકને કંસની પાસે જઈ પહોંચ્યા. જ્યારે કંસે જોયું કે મારા મૃત્યુ રૂપે કૃષ્ણ આવી ગયા છે ત્યારે તે સિંહાસન પરથી ઊભો થઈ ગયો, હાથમાં ઢાલ-તલવાર લીધાં. હાથમાં તલવાર લઈને હુમલો કરવાના પેંતરા કરવા લાગ્યો. આકાશમાં ઊડતા બાજની જેમ ક્યારેક જમણી કે ડાબી બાજુ જતો તો ક્યારેક ડાબી બાજુએ જતો. જેવી રીતે ગરુડ સાપ પર તૂટી પડે તેવી રીતે કૃષ્ણ કંસ પર ટૂટી પડ્યા. તે વેળા કંસનો મુુકુટ પડી ગયો, ભગવાને તેના વાળ ઝાલીને નીચે પટક્યો. પછી તો શ્રીકૃષ્ણ તેના પર કૂદી પડ્યા અને તરત જ કંસનું મૃત્યુ થઈ ગયું. બધાનાં દેખતાં શ્રીકૃષ્ણ કંસના શબને ઘસડવા લાગ્યા, બધાનાં મોંમાંથી ચિત્કારો નીકળ્યા. કંસ નિરંતર ભયજનક સ્થિતિમાં પણ શ્રીકૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો; ખાતાપીતાં, સૂતાં-બેસતાં, બોલતાં શ્વાસ લેતી વેળાએ પોતાની સામે ચક્રધારીને જ જોયા કરતો હતો. આ ચિંતનને કારણે તેનો મોક્ષ થયો, ભગવાનના રૂપની પ્રાપ્તિ થઈ.

કંસના કંક અને ન્યગ્રોધ વગેરે આઠ નાના ભાઈ હતા. તેઓ પોતાના મોટાભાઈની હત્યાનો બદલો લેવા શ્રીકૃષ્ણ અને બલરામ તરફ ધસી ગયા, બલરામે જોયું કે તેઓ બહુ ઝડપે યુદ્ધ કરવા આવી રહ્યા છે ત્યારે તેમણે સિંહ જેવી રીતે પશુઓને મારી નાખે તેવી રીતે તે બધાને મારી નાખ્યા, આકાશમાં દુંદુભિ વાગ્યાં, અપ્સરાઓનાં નૃત્ય થયાં. કંસ અને તેના ભાઈઓની સ્ત્રીઓ સ્વજનોના મૃત્યુથી બહુ દુઃખી થઈ, રડતી કકળતી, માથું કૂટતી તે મોટેથી રડવા લાગી.

શ્રીકૃષ્ણે તેમને ધીરજ બંધાવી, લોકરીતિ પ્રમાણે બધાના મરણોત્તર સંસ્કાર કરાવ્યા. શ્રીકૃષ્ણે અને બલરામે કારાવાસમાં જઈને માતાપિતાને છોડાવ્યાં, ચરણવંદના કરી. પુત્રોએ પ્રણામ કર્યાં તો પણ દેવકીએ અને વસુદેવે તેમને ગળે ન લગાવ્યા. જગદીશ્વર પુત્ર કેવી રીતે?

શ્રીકૃષ્ણે ઉગ્રસેનને યદુવંશીઓના રાજા બનાવ્યા. શ્રીકૃષ્ણે કહ્યું, ‘મહારાજ, અમે તો તમારી પ્રજા છીએ. તમે શાસન કરો. યયાતિનો શાપ છે એટલે યદુવંશી સિંહાસન પર બેસી નથી શકતા, પણ હું સેવક બનીને તમારી સેવા કરીશ. મોટા મોટા દેવતા પણ માથું નમાવીને તમને ભેટ આપશે’… કંસના ભયથી જે બધા ભાગી ગયા હતા તે બધાને શોધી શોધીને બોલાવ્યા. ઘરની બહાર રહેવાની તેમને બહુ મુશ્કેલી પડી હતી. શ્રીકૃષ્ણે તેમનો સત્કાર કર્યો, પુષ્કળ ધનસંપત્તિ આપી…

શ્રીકૃષ્ણે અને બલરામે સાંદીપનિ ઋષિના આશ્રમમાં જઈને અનેક વિદ્યાઓ મેળવી. પછી ગુુરુદક્ષિણામાં ઋષિએ માગણી કરી, ‘પ્રભાસક્ષેત્રમાં અમારો દીકરો સમુદ્રમાં ડૂબી ગયો હતો, તે અમને લાવી આપો.’

બલરામ અને શ્રીકૃષ્ણનું પરાક્રમ તો અદ્ભુત હતું, બંને મહારથીઓ હતા. તેઓ બંને નીકળી પડ્યા અને પ્રભાસ ક્ષેત્રમાં જઈ પહોંચ્યા. ત્યાં જઈને થોડી વાર સમુદ્રતીરે બેઠા, પછી તે બંને ઈશ્વરના અવતાર છે એમ માનીને સમુદ્ર પૂજાસામગ્રી લઈને ત્યાં આવ્યા… યમપુરીમાં જઈને શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. એ અવાજ સાંભળીને યમરાજે તેમનો સત્કાર કર્યો, વિધિવત્ પૂજા કરી. પછી નમ્ર બનીને શ્રીકૃષ્ણને કહ્યું, ‘લીલા કરવા મનુષ્ય બનેલા હે પરમેશ્વર, તમારા બંનેની હું શી સેવા કરું?’

શ્રીકૃષ્ણે કહ્યું, ‘યમરાજ, અહીં અમારો ગુરુપુત્ર છે, તમે મારી વાત માનો, એના કર્મ પર ધ્યાન આપ્યા વિના તેને મારી પાસે લઈ આવો.’ યમરાજે એમની વાત માનીને ગુરુપુત્ર લાવી આપ્યો. પછી શ્રીકૃષ્ણ અને બલરામ બાળકને લઈને ઉજ્જૈન આવ્યા, ગુુરુને તેમનો પુત્ર આપીને કહ્યું, ‘બોલો, બીજું પણ જે કંઈ જોઈતું હોય તે કહો.’

ગુુરુએ કહ્યું, ‘તમે બંનેએ સારી રીતે ગુરુદક્ષિણા આપી. હવે બીજું શું જોઈએ? તમે કીર્તિમાન થાઓ. તમે જે વિદ્યા ભણ્યા તે આ લોકમાં-પરલોકમાં સદા નવી બની રહે.’

ત્યાંથી બંને ભાઈ મથુરા આવી ચઢ્યા, ઘણા દિવસથી બધાંએ શ્રીકૃષ્ણને જોયા ન હતા એટલે તેઓ આનંદ પામ્યાં.

જરાસંધ અને શ્રીકૃષ્ણ

કંસની બે પત્નીઓ — અસ્તિ અને પ્રાપ્તિ. વિધવા થઈ એટલે બંને પોતાના પિતાની રાજધાનીમાં જઈ પહોંચી. તેમનો પિતા જરાસંધ. બંનેએ પોતાના વૈધવ્યની વાત કરી. આ ખરાબ સમાચાર સાંભળીને પહેલાં તો જરાસંધને દુઃખ થયું પણ પછી ભારે ક્રોધ થયો. તેણે નિશ્ચય કર્યો કે એક પણ યદુવંશીને રહેવા નહીં દઉં. તેણે યુદ્ધની તૈયારી કરી અને તેવીસ અક્ષૌહિણી સેના લઈને મથુરાને ઘેરો ઘાલ્યો.

શ્રીકૃષ્ણે જોયું કે જરાસંધની સેના તો ઊછળતો સમુદ્ર છે. ચારે બાજુથી રાજધાનીને ઘેરો તેણે ઘાલ્યો છે. ‘આપણા સ્વજનો અને પુરવાસી ભયભીત થઈ રહ્યા છે. હું તો પૃથ્વીનો ભાર ઉતારવા જ મનુષ્ય રૂપે જન્મ્યો છું. હવે મારા અવતારનું પ્રયોજન કયું અને અત્યારે મારે શું કરવું જોઈએ? જરાસંધે એકઠી કરેલી સેના તો પૃથ્વી પરનો ભાર છે. અસુરોની સેના એકઠી કરશે. પૃથ્વી પરથી આવા લોકોનો ભાર ઓછો કરું, સાધુસજ્જનોની રક્ષા કરું અને દુર્જનોનો સંહાર કરું. અવારનવાર ધર્મરક્ષા માટે, વૃદ્ધિ પામતા અધર્મને અટકાવવા માટે હું અનેક અવતાર લઈશ.’

શ્રીકૃષ્ણ આમ વિચારતા હતા ત્યાં જ આકાશમાંથી સૂર્ય જેવા તેજસ્વી બે રથ આવ્યા. તેમાં યુદ્ધની બધી સામગ્રી હતા, સારથિ પણ હતા. ભગવાનનાં દિવ્ય અને સનાતન આયુધ પણ ત્યાં આવ્યાં. તે જોઈને શ્રીકૃષ્ણે બલરામને કહ્યું, ‘ભાઈ, તમે બહુ શક્તિશાળી છો. અત્યારે યદુવંશીઓ તમને જ સ્વામી અને રક્ષક માને છે. તેમના પર ભારે આપત્તિ આવી પડી છે. આ તમારો રથ, તમારાં પ્રિય આયુધ — હળ અને મુસળ પણ છે. હવે તમે આ રથ પર સવાર થઈને શત્રુસેનાનો વિનાશ કરો. સાધુઓનું કલ્યાણ કરવા જ આપણે બંનેએ અવતાર લીધો છે. જરાસંધની સેનાનો તમે વિનાશ કરો.’ પછી બંને રથ પર સવાર થઈને મથુરાથી નીકળી પડ્યા. તેમની સાથે નાનકડી સેના પણ હતી. શ્રીકૃષ્ણનો સારથિ હતો દારુક. નગરની બહાર નીકળીને તેમણે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. એ ભયંકર ધ્વનિ સાંભળીને શત્રુસેનાના વીર પુરુષોનાં હૃદય થથરી ઊઠ્યાં. જરાસંધ તેમને જોઈને બોલ્યો, ‘પુરુષાધમ કૃષ્ણ, તું તો બાળક છે. તારી સાથે લડવામાં મને શરમ આવે છે. આટલા દિવસ ન જાણે તું ક્યાં સંતાઈ ગયો હતો. તું તો તારા મામાનો ઘાતક છે. હું તારી સાથે નહીં લડું. ભાગી જા. બલરામ, તને જો લાગે કે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગ મળે છે તો તું હિંમતભેર મારી સાથે લડ. મારાં બાણોથી ઘવાયેલું શરીર અહીં છોડીને સ્વર્ગમાં જા અથવા તારામાં બહુ જોર હોય તો મને મારી નાખ.’

આ સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું, ‘જે વીર છે તે બડાઈ નથી મારતો, તે તો પોતાનું બળ દેખાડે છે, અત્યારે તારા માથા પર મૃત્યુ છે. સનેપાતનો દરદી જેમ બોલે તેમ તું બોલી રહ્યો છે. બક, હું તારી વાત પર ધ્યાન નથી આપતો.’

વાયુ વાદળ વડે સૂર્યને અને ધુમાડો આગને ઢાંકી દે છે, પણ ખરેખર એવું થતું નથી, તેમનો પ્રકાશ ફરી ફેલાય છે. મગધરાજ જરાસન્ધે શ્રીકૃષ્ણ અને બલરામની સાથે પોતાની વિરાટ સેના આણીને બંનેને ઘેરી લીધા. તેમની સેના, રથ, ધ્વજા, અશ્વ, સારથિઓ પણ દેખાતા બંધ થયા. મથુરાની સ્ત્રીઓ પોતાના મહેલોની અટારીઓ પર ચઢીને યુદ્ધ જોઈ રહી હતી. જ્યારે તેમણે બલરામ અને શ્રીકૃષ્ણના રથ ન જોયા ત્યારે તેઓ શોકાર્ત થઈને મૂર્ચ્છા પામી. શ્રીકૃષ્ણે જોયું કે શત્રુઓ આપણી સેના પર બાણવર્ષા કરી રહ્યા છે અને એને કારણે આપણા સૈનિકો હેરાન થઈ રહ્યા છે ત્યારે તેમણે પોતાના શાર્ઙ્ગ ધનુષનો ટંકાર કર્યો. પછી તેમણે ધનુષની પણછ તાણીને બાણવર્ષા આરંભી. અને એ રીતે શ્રીકૃષ્ણે હાથી, ઘોડા, રથ અને પદાતિઓ — એમ જરાસંધની ચતુરંગિણી સેના પર આક્રમણ કર્યું. ઘણા બધા હાથીઓનાં મસ્તક વીંધાઈ ગયાં, અનેક ઘોડાઓનાં મસ્તક કપાઈ ગયાં. ઘોડા, ધ્વજા, સારથિ હણાવાને કારણે રથ નકામા થઈ ગયા. પદાતિઓનાં શરીર કપાવા માંડ્યાં. ભગવાન બલરામે પોતાના મુસળ વડે ઘણા શત્રુઓને મારીને લોહીની નદીઓ વહેવડાવી. ક્યાંક માણસો, ક્યાંક હાથી-ઘોડા તરફડતા હતા. શત્રુઓના હાથ સાપ જેવા અને તેમનાં મસ્તક કાચબા જેવાં દેખાતાં હતાં. શત્રુઓના કેશ શેવાળ જેવા, હાથ-સાથળ માછલીઓ જેવા, ધનુષ તરંગો જેવા અને અસ્ત્રશસ્ત્ર તૃણવત્ દેખાવાં લાગ્યાં. કિમતી મણિ, આભૂષણ પથ્થરોના ટુકડા જેમ વહી રહ્યાં હતાં. એ નદીઓ જોઈને કાયરો ડરી રહ્યા હતા અને વીર ઉત્સાહી થઈ રહ્યા હતા. જરાસન્ધની સેના સમુદ્ર જેવી દુર્ગમ, ભયજનક અને મહામુશ્કેલીએ જીતી શકાય એવી હતી. પણ શ્રીકૃષ્ણે અને બલરામે થોડા જ સમયમાં એ સેનાનો ખાત્મો બોલાવી દીધો. તેઓ તો જગતના સ્વામી છે એટલે તેમને મન તો આ સેનાનો નાશ કરવો એ રમતવાત હતી. ભગવાનના ગુણ અનંત છે. તેઓ રમતવાતમાં ત્રણે લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. શત્રુસેનાનો આવો સંહાર કરવો એ એમને મન બહુ મોટી વાત ન હતી.

જરાસન્ધની સેનાનો નાશ થયો, તેનો રથ ભાંગી ગયો, શરીરમાં માત્ર પ્રાણ જ બચ્યા. ત્યારે એક સિંહ બીજા સિંહને પકડી લે તેવી રીતે બલરામે જરાસંધને પકડી લીધો. જરાસન્ધે ભૂતકાળમાં ઘણા શત્રુરાજાઓને મારી નાખ્યા હતા, આજે એને બલરામ તેને બાંધી રહ્યા હતા. શ્રીકૃષ્ણે વિચાર્યું, એને જીવતો રાખીશું તો હજુ વધારે સેના ભેગી કરશે અને આપણે પૃથ્વી પરનો ભાર ઊતારીશું, એટલે બલરામને રોકી પાડ્યા. મોટા મોટા મહારથીઓ જરાસન્ધનું સન્માન કરતા હતા એટલે આજે શ્રીકૃષ્ણે અને બલરામે દયા કરીને છોડી મૂક્યો એ વાતે તેને લજ્જા આવતી હતી.

તેને તપ કરવાનો વિચાર આવ્યો. પછી તેના સાથીઓએ સમજાવ્યો, ‘રાજન, યાદવોમાં છે શું? તેઓ તમને હરાવી ન શકે. પ્રારબ્ધને કારણે નીચાજોણું થયું છે. તમારે તપ કરવાની જરૂર નથી.’ તે વેળા જરાસન્ધની બધી સેના ખતમ થઈ ગઈ હતી. બલરામે તેની ઉપેક્ષા કરીને છોડી દીધો, તે બહુ ઉદાસ થઈને મગધ જતો રહ્યો.

શ્રીકૃષ્ણની સેનામાં કોઈને જરાય આંચ ન આવી. આવડી મોટી સેના પર તેમણે વિજય મેળવી લીધો. દેવતાઓને તેમના પર પુષ્પવર્ષા કરી. જરાસન્ધના પરાજયથી મથુરાવાસી નિર્ભય થઈ ગયા, શ્રીકૃષ્ણના વિજયથી તેમને ભારે હર્ષ થયો. સૂત, માગધ, બન્દીજનો ગીતો ગાવા લાગ્યા. શ્રીકૃષ્ણે નગરપ્રવેશ કર્યો ત્યારે શંખ, નગારાં, ભેરી, વીણા, વાંસળી જેવાં વાદ્ય સંભળાવાં લાગ્યાં. મથુરાની સડકો પર પાણીનો છંટકાવ થયો હતો. ચારે બાજુ લોકો આનંદથી હરતાફરતા હતા. ધ્વજપતાકા, લહેરાઈ રહ્યાં હતાં, નગરની સ્ત્રીઓ શ્રીકૃષ્ણને પ્રેમપૂર્વક જોઈ રહી હતી. ફૂલ, હાર, અક્ષત, દહીંની વર્ષા કરી રહી હતી. શ્રીકૃષ્ણ રણભૂમિ પરથી અઢળક ધન — આભૂષણો લાવ્યાં હતાં. તે બધું યાદવોના રાજા ઉગ્રસેનને આપી દીધું.

આમ જરાસંધે સત્તર વખત મથુરા પર આક્રમણ કર્યું, પણ દર વખતે તેની સેનાનો નાશ જ થતો હતો. સેના નાશ પામે એટલે યાદવો એને છોડી મૂકતા અને જરાસન્ધ પોતાની રાજધાનીમાં પાછો જતો રહેતો હતો, અઢારમી વખતે આક્રમણ થવાનું હતું ત્યારે નારદે મોકલેલ કાળયવન દેખાયો. યુદ્ધમાં કાળયવનનો મુકાબલો કરી શકે એવું કોઈ ન હતું. જ્યારે તેણે જાણ્યું કે યાદવો પણ અમારા જ જેવા બળવાન છે અને મુકાબલો કરી શકે એવા છે, ત્યારે ત્રણ કરોડ મલેચ્છોની સેના વડે મથુરાને ઘેરો ઘાલ્યો.

કાળયવનની આ અણધારી ચઢાઈ જોઈને શ્રીકૃષ્ણે બલરામને કહ્યું, ‘અત્યારે જરાસન્ધ અને કાળયવન — એમ બંને આપત્તિઓ એક સાથે આવી ચઢી છે, અત્યારે કાળયવને ઘેરો ઘાલ્યો છે અને બેત્રણ દિવસમાં જરાસન્ધ આવી ચઢશે, જો આપણે બંને આની સાથે લડવા જઈશું અને જો જરાસંધ આવી ચઢશે તો તે આપણા બંધુઓને મારી નાખશે અથવા તેમને બંદી બનાવી પોતાના નગરમાં લઈ જશે. એટલે આપણે કોઈ કરતાં કોઈનો પ્રવેશ ન થઈ શકે એવો દુર્ગ બનાવીએ, સ્વજનો — સબંધીઓને ત્યાં મોકલી દઈએ અને પછી કાળયવનનો વધ કરીએ.’ બલરામની સાથે સંતલસ કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની વચ્ચે એક દુર્ગમ નગર બનાવ્યું, અદ્ભુત વસ્તુઓથી ભરચક હતું, તેની લંબાઈ — પહોળાઈ અડતાલીસ કોશ હતી. એ નગરની એકએક વસ્તુમાં વિશ્વકર્માનાં વિજ્ઞાન અને શિલ્પકળાની નિપુણતા પ્રગટ થતી હતી, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મોટા રાજમાર્ગ, ચોક, શેરીઓનું આયોજન કર્યું હતું. સરસ મજાના ઉદ્યાનો, વિચિત્ર ઉપવનોમાં દેવવૃક્ષો હતાં. ઊંચાં સુવર્ણશિખરો આકાશ સાથે વાતો કરતાં હતાં, સ્ફટિક મણિની અટારીઓ અને ઊંચા દરવાજા સુંદર દેખાતાં હતાં. અનાજ સંઘરવા ચાંદી, પિત્તળની કોઠીઓ હતી. મહેલ સોનાના હતા અને સુવર્ણકળશોથી સુશોભિત હતા. વાસ્તુદેવતાનું મંદિર અને ધજા પણ અદ્ભુત હતાં, ચારે વર્ણના લોકો ત્યાં હતા. ઉગ્રસેન, વસુદેવ, બલરામ અને શ્રીકૃષ્ણના મહેલ ઝગમગતા હતા. ઇન્દ્રે શ્રીકૃષ્ણ માટે પારિજાત અને સુધર્મા સભા મોકલી આપ્યા. એ સભા એવી દિવ્ય હતી કે તેમાં બેઠેલાઓને ભૂખતરસ લાગતાં ન હતાં. વરુણદેવે શ્વેત અશ્વો મોકલ્યા, તેમનો એકેક કાન શ્યામ હતો, તે મનોવેગી હતા. ધનપતિ કુબેરે પોતાની આઠે સિદ્ધિઓ મોકલી, બીજા લોકપાલોએ પણ પોતાની વિભૂતિઓ મોકલી. બધા લોકપાલોને શ્રીકૃષ્ણે તેમના અધિકારના ભોગવટા માટે શક્તિઓ અને સિદ્ધિઓ આપ્યાં હતાં. જ્યારે શ્રીકૃષ્ણ મનુષ્ય રૂપે અવતર્યા ત્યારે તેમણે બધી સિદ્ધિઓ ભગવાનના ચરણે નિવેદિત કરી. શ્રીકૃષ્ણે પોતાના બધા જ સ્વજનોને અચંત્યિ મહાશક્તિ યોગમાયા વડે દ્વારકા મોકલી દીધા. બાકીની પ્રજાની રક્ષા માટે બલરામને મથુરા રાખ્યા અને પોતે ગળામાં કમળમાળા પહેરી, કોઈ અસ્ત્રશસ્ત્ર વિના નગરના મોટા દ્વારેથી બહાર નીકળી આવ્યા.

જ્યારે શ્રીકૃષ્ણ મથુરાના મુખ્ય દ્વારેથી નીકળ્યા ત્યારે એવું લાગ્યું કે જાણે પૂર્વ દિશાએથી ચંદ્રોદય થઈ રહ્યો છે. તેમની શ્યામ કાયા ખૂબ જ સુંદર હતી, તેના પર રેશમી પીતાંબર સોહતું હતું. છાતી પર શ્રીવત્સ ચિહ્ન હતું, ગળામાં કૌસ્તુભ મણિ ચમકતો હતો. ચાર ભુજાઓ લાંબી અને પુષ્ટ હતી. હમણાં જ ખીલેલાં કમળ સમાન કોમળ નેત્ર હતાં. મોઢા પર નર્યો આનંદ હતો, આછું સ્મિત જોનારાઓનાં મનને લોભાવતું હતું. કાનમાં મકરાકૃતિવાળાં કુંડળ હતાં. આ જોઈને કાળયવને માની લીધું કે આ જ શ્રીકૃષ્ણ છે. નારદે જે જે ચિહ્નો બતાવ્યાં હતાં તે બધાં જ ત્યાં હતાં. અત્યારે તેઓ કોઈ અસ્ત્રશસ્ત્ર વિના આ બાજુ આવે છે તો હું પણ વગર અસ્ત્રશસ્ત્રે લડીશ.

આવો નિર્ધાર કરીને કાળયવન શ્રીકૃષ્ણ પાછળ દોડ્યો, શ્રીકૃષ્ણ બીજી દિશામાં મોં કરીને રણભૂમિથી નાઠા અને ભગવાનને પકડવા માટે કાળયવન તેમની પાછળ પાછળ દોડ્યો. શ્રીકૃષ્ણ તો લીલા કરતા ભાગી રહ્યા હતા, કાળયવન ડગલે ને પગલે એમ માનતો કે આ પકડ્યા, આ પકડ્યા. શ્રીકૃષ્ણ આમ તેને બહુ દૂર આવેલી એક પર્વતગુફામાં લઈ ગયા, કાળયવન બોલ્યા કરતો હતો, ‘અરે, તું તો પ્રખ્યાત યદુવંશમાં જન્મ્યો છે, આમ યુદ્ધભૂમિ ત્યજીને જતા રહેવું તને શોભતું નથી.’ પરંતુ તે ભગવાનને પામી ન શક્યો, તે બોલતો રહ્યો અને શ્રીકૃષ્ણ ગુફામાં પેસી ગયા. તેમની પાછળ કાળયવન પણ પ્રવેશ્યો. ત્યાં તેણે બીજા કોઈને સૂતેલ જોયો. એ જોઈને કાળયવન બબડ્યો, ‘જુઓ તો ખરા — મને આટલે દૂર લઈ આવ્યો અને હવે જાણે કશી ખબર જ ન હોય તેમ સાધુ બનીને સૂઈ રહ્યો છે.’ અને તેણે સૂતેલાને લાત મારી. તે પુરુષ ઘણા દિવસથી સૂઈ રહ્યો હતો, લાત વાગી એટલે તે જાગી ગયો, આંખો ખોલીને જોયું તો કાળયવન સામે ઊભો હતો. આવી રીતે જાગી જઈને તે પુરુષ ક્રોધે ભરાયો અને તેના દૃષ્ટિપાતથી જ કાળયવન સળગીને ભસ્મ થઈ ગયો.

તે ઇક્ષ્વાકુવંશી મહારાજ માંધાતાના પુત્ર મુચકુન્દ હતા. તે બ્રાહ્મણોના પરમભક્ત, સત્યવચની, યુદ્ધવિજયી, મહાપુરુષ હતા. એક વેળા ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી ડરી ગયા હતા. એટલે તેમણે પોતાની રક્ષા માટે મુચકુન્દને પ્રાર્થના કરી. ઘણા દિવસો સુધી તેમણે દેવોની રક્ષા કરી. પછી ઘણા દિવસે દેવતાઓને સેનાપતિ રૂપે કાર્તિકેય મળી ગયા ત્યારે દેવતાઓએ કહ્યું, ‘રાજન્, તમે અમારી રક્ષા માટે બહુ શ્રમ ઉઠાવ્યો છે. હવે તમે આરામ કરો. તમે અમારી રક્ષા માટે મનુષ્યલોકનું રાજ્ય જતું કર્યું, જીવન જતું કર્યું. હવે તમારા પરિવારમાં કોઈ કરતાં કોઈ રહ્યું નથી. બધા કાળની ગર્તામાં ખોવાઈ ગયા છે. કાળ બધા બળવાનોમાંય બળવાન છે. તે સ્વયં પરમ સમર્થ અવિનાશી, ભગવત્ સ્વરૂપ છે. રાજન્, તમારી જે ઇચ્છા હોય તે કહો. અમે તમને મોક્ષ સિવાય બધું જ આપી શકીશું. મોક્ષ આપવાની શક્તિ તો માત્ર વિષ્ણુ ભગવાનમાં જ છે.’

દેવતાઓએ આમ કહ્યું એટલે તેમણે દેવોને વંદન કર્યાં અને બહુ થાકેલા હોવાને કારણે નિદ્રાનું વરદાન માગ્યું. એટલે પર્વતની ગુફામાં જઈને સૂઈ ગયા. તે વખતે દેવતાઓએ કહ્યું, ‘કોઈ મૂર્ખ જો તમને ઊંઘમાંથી ઉઠાડશે તો તમારી દૃષ્ટિ એના પર પડતાં વેંત તે ભસ્મ થઈ જશે.’

જ્યારે કાળયવન ભસ્મ થઈ ગયો ત્યારે શ્રીકૃષ્ણે રાજા મુચકુન્દને દર્શન આપ્યાં. શ્રીકૃષ્ણનો વર્ણ વર્ષાઋતુના મેઘની જેમ શ્યામ હતો, વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ચિહ્ન હતું. ગળામાં કૌસ્તુભ મણિ હતો. વૈજયન્તીમાળા ઘુંટણ સુધી લટકતી હતી. મુખકમળ અત્યંત સુંદર અને પ્રસન્ન હતું…મુચકુન્દ આ દિવ્ય જ્યોતિર્મયી મૂર્તિ જોઈને ચકિત થઈ ગયા.

મુચકુન્દે પૂછ્યું, ‘તમે કોણ છો? આ કાંટાથી છવાયેલા ભયાનક જંગલમાં કમળ જેવા કોમળ પગ વડે કેમ ફરો છો? આ પર્વતની ગુફામાં શા માટે આવી ચઢ્યા? તમે ભગવાન અગ્નિદેવ તો નથી? શું તમે સૂર્ય, ચન્દ્ર, ઇન્દ્ર કે બીજા લોકપાલ છો? મને તો લાગે છે કે દેવતાઓના આરાધ્ય દેવ બ્રહ્મા, વિષ્ણુ, શંકર — આ ત્રણમાંથી ભગવાન નારાયણ જ છો. જેવી રીતે દીપક અંધકારને દૂર કરે છે તેવી રીતે તમારી જ્યોતિથી આ ગુફામાં અંધકાર દૂર થઈ ગયો. તમને જો યોગ્ય લાગે તો તમારા જન્મ, કર્મ, ગોત્ર બતાવો, હું એ બધું જાણવા આતુર છું.

તમે જો મારા વિશે પૂછતા હો તો મારું નામ મુચકુન્દ છે, મહારાજ માંધાતાનો પુત્ર છું. ઘણા દિવસ જાગતો રહ્યો એટલે હું થાકી ગયો હતો. નિદ્રાને કારણે મારી બધી ચેતના લુપ્ત થઈ ગઈ હતી. એટલે આ નિર્જન સ્થાને સૂઈ રહ્યો હતો. ત્યારે જ મને કોઈએ જગાડ્યો. તેનાં પાપોને કારણે જ તે ભસ્મ થઈ ગયો. પછી તમે મને દર્શન આપ્યું. હું તમને લાંબો વખત જોઈ પણ શકતો નથી.’

આ સાંભળી શ્રીકૃષ્ણે હસીને કહ્યું, ‘મારાં તો હજારો નામ છે, હું ગણત્રી કરીને બતાવી નહીં શકું. બધા ઋષિઓ મારાં કર્મોનું વર્ણન કરે છે. બ્રહ્માએ ધર્મરક્ષા માટે અને પૃથ્વીનો ભાર બનેલા અસુરોનો સંહાર કરવા પ્રાર્થના કરી હતી એટલે મેં યદુવંશી વસુદેવને ત્યાં જન્મ લીધો; બધા મને વાસુદેવ કહે છે. અત્યાર સુધી હું ઘણા અસુરોનો સંહાર કરી શક્યો છું. આ કાળયવન મારી પ્રેરણાથી જ અહીં આવ્યો અને તમારી દૃષ્ટિ પડતાં તે ભસ્મ થઈ ગયો. હવે તમારા પર કૃપા કરવા હું અહીં આવ્યો છું. પહેલાં પણ તમે મારી બહુ આરાધના કરી હતી. હું છું ભક્તવત્સલ. એટલે તમારી જે ઇચ્છા હોય તે માગો. હું બધું આપીશ. જે વ્યક્તિ મારા શરણે આવે છે તેને માટે શોક કરવો પડે એવું કશું નથી.’

જ્યારે શ્રીકૃષ્ણે આમ કહ્યું ત્યારે મુચકુન્દને ગર્ગ ઋષિની વાત યાદ આવી ગઈ કે યદુવંશમાં ભગવાન અવતાર લેવાના છે. આ ભગવાન નારાયણ જ છે. એટલે રાજાએ ભગવાનની સ્તુતિ કરી…

શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે ક્ષત્રિય ધર્મનું પાલન કરીને ઘણાં બધાં પશુઓનો વધ કર્યો છે. હવે એકાગ્ર ચિત્તે મારી ઉપાસના કરીને એ પાપ ધોઈ નાખો. હવે પછીના જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને બધાં પ્રાણીઓના હિતચિંતક બનશો અને મારી પ્રાપ્તિ કરશો.’ ફરી મુચકુન્દે ભગવાનની સ્તુતિ કરી.

તેમણે ગુફામાંથી બહાર નીકળીને જોયું તો બધાં મનુષ્ય, પશુ, વૃક્ષ, સાવ નાનાં બની ગયાં છે, કળિયુગનું આગમન થઈ ગયું છે એ જાણીને તેઓ ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા, ભગવાન શ્રીકૃષ્ણમાં મન પરોવી ગંધમાદન પર્વત પર પહોંચ્યા. બધી જ મુશ્કેલીઓ વેઠતાં વેઠતાં શ્રીકૃષ્ણની આરાધના કરવા લાગ્યા.

હવે શ્રીકૃષ્ણ મથુરા આવી પહોંચ્યા. કાળયવનની સેનાએ નગરીને ઘેરો ઘાલ્યો હતો. શ્રીકૃષ્ણે મલેચ્છોની સેનાનો સંહાર કર્યો, તેમનું બધું ધન લઈને દ્વારકા જવા નીકળ્યા. જે વેળા ભગવાનની આજ્ઞાથી લોકો ધન લઈ જઈ રહ્યા હતા ત્યારે જરાસન્ધે ફરી હુમલો કર્યો. શત્રુ સેનાનો પ્રબળ વેગ જોઈને તેની સામેથી જ ભાગી નીકળ્યા. તેમને જરાય ભય ન લાગ્યો. અને છતાં જાણે બહુ ડરી ગયા હોય તેમ બધું ધન ત્યાં પડતું મૂકીને કેટલાય યોજન સુધી દોડતા રહ્યા. જરાસન્ધે જોયું કે શ્રીકૃષ્ણ અને બલરામ તો ભાગી ગયા છે, ત્યારે તે હસવા લાગ્યો, અને સેના લઈને તેમનો પીછો કરવા લાગ્યો, તેને શ્રીકૃષ્ણ અને બલરામના પ્રભાવની કશી ખબર જ ન હતી. બહુ લાંબે સુધી દોડવાને કારણે બંને ભાઈ થાકી ગયા, તેઓ ઊંચા પ્રકર્ષણ પર્વત પર ચડ્યા. એ પર્વત પર નિત્ય વર્ષા થતી હતી એટલે તેનું નામ એવું પડ્યું હતું. જરાસન્ધે જોયું કે બંને ભાઈ પર્વત પર સંતાઈ ગયા છે,

તેમની શોધ કરી છતાં મળ્યા નહીં, ત્યારે તેણે પર્વતની ચારે બાજુ ઇંધણ મૂકીને આગ લગાડી. શ્રીકૃષ્ણે જોયું કે પર્વતની સીમાઓ સળગવા માંડી છે ત્યારે બંને ભાઈ જરાસન્ધની સેનાને ઓળંગીને ખૂબ ઝડપથી અગિયાર યોજન નીચે કૂદીને આવ્યા. જરાસન્ધે કે એની સેનાએ તેમને જોયા જ નહીં, ત્યાંથી ચાલીને બંને સમુદ્રથી ઘેરાયેલી દ્વારકામાં આવી પહોંચ્યા. જરાસન્ધે માની લીધું કે બંને ભાઈ બળી મર્યા છે. એટલે પોતાની સેના લઈને તે મગધ પહોંચી ગયો.