ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/અગસ્ત્ય અને વંધ્યાિચળની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અગસ્ત્ય અને વંધ્યાિચળની કથા

સૂર્યનો એક નિત્યક્રમ હતો. સવારે અને સાંજે પર્વતશ્રેષ્ઠ મેરુની પ્રદક્ષિણા કરવી. દરરોજ સૂર્યની આ પ્રદક્ષિણા જોઈને વિંધ્યાચળનું મન લલચાયું. સૂર્ય મારી પણ પ્રદક્ષિણા કરે તો? એટલે વિંધ્યાચળે સૂર્યને કહ્યું, ‘અરે સૂર્ય, જેવી રીતે તમે દરરોજ મેરુની પ્રદક્ષિણા કરો છો એવી રીતે મારી પણ પ્રદક્ષિણા કરો ને!’

આ સાંભળીને સૂર્યે કહ્યું, ‘હું કંઈ મારી પોતાની ઇચ્છાથી આ પ્રદક્ષિણા કરતો નથી. આ જગત કોણે સર્જ્યું? પરમાત્માએ! તો તેમણે જ મારો માર્ગ નિશ્ચિત કર્યો છે.’

સૂર્યની આ વાત સાંભળીને વિંધ્યાચળ શાંત રહે ખરો? તે તો ક્રોધે ભરાયો. સૂર્ય-ચંદ્રનો માર્ગ રોકી રાખવા તે ઊંચો ને ઊંચો થવા લાગ્યો. આ જોઈને ઇન્દ્ર અને બધા દેવો ચિંતામાં પડી ગયા. તે બધા વિંધ્યાચળ પાસે ગયા. કેટલી બધી રીતે તેને સમજાવ્યો પણ તેણે દેવતાઓની એકે વાત ન માની. હવે? બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં એટલે અગસ્ત્ય ઋષિ પાસે ગયા અને વાત કરી, ‘આ વિંધ્યાચળ તો ક્રોધે ભરાયા છે અને સૂર્ય-ચંદ્રનો માર્ગ રોકવા બેઠા છે. તે ઊંચા ને ઊંચા થઈ રહ્યા છે, હે ભગવન્, તમારા સિવાય વિંધ્યાચળને કોઈ રોકી નહીં શકે.’

એટલે ઋષિ પોતાની પત્નીને લઈને વિંધ્યાચળ પર્વત પાસે ગયા. તેને તેમણે કહ્યું, ‘મારે દક્ષિણ દિશામાં જવું પડે એમ છે. તું મને રસ્તો આપે તો હું જઉં. હું પાછો ન આવું ત્યાં સુધી તારે આમ જ રહેવાનું. પાછો આવું ત્યાર પછી તારે વધવું હોય એ રીતે વધજે.’

અગસ્ત્ય ઋષિ આ રીતે વિંધ્યાચળને બોલે બાંધી દક્ષિણમાં ગયા તે ગયા.

(આરણ્યક પર્વ, ૧૦૨)