ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિશ્વામિત્રના જન્મની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિશ્વામિત્રના જન્મની કથા

ભરતવંશમાં અજમીઢ નામના યજ્ઞકર્મવાળા અને ધાર્મિકશ્રેષ્ઠ રાજા થઈ ગયા. તેમને એક પાટવી પુત્ર જહ્નુ હતો, ગંગા નદી તેમની પુત્રી તરીકે ઓળખાય છે. એમનો મહાયશસ્વી પુત્ર સિંધુદ્વીપ તેમના જ જેવા ગુણવાળો હતો.

સિંધુદ્વીપનો પુત્ર મહાબલિ રાજર્ષિ બલાકાશ્વ હતો. સાક્ષાત્ ધર્મ જેવો તેમને વલ્લભ નામે પુત્ર જન્મ્યો. અને તેમને ઇન્દ્ર સમાન તેજસ્વી કુશિક નામે પુત્ર થયો. કુશિકનો પુત્ર રાજા ગાધિ. તે અપુત્ર હોવાથી વનમાં રહેતા હતા. જ્યારે તે વનમાં હતા ત્યારે તેમને ત્યાં એક કન્યા જન્મી, તેનું નામ સત્યવતી, પૃથ્વી પર તેના જેવી કોઈ રૂપવતી ન હતી. ચ્યવન મુનિના પુત્ર ભાર્ગવ ઋચીક નામે જાણીતા તપસ્વી હતા. તેમણે રાજાની આગળ સત્યવતીનું માગું કર્યું. શત્રુનાશી ગાધિરાજે ઋચીક દરિદ્ર છે એમ માની કન્યા આપવાનીં ના પાડી. ઋચીક મુનિ પાછા ફરી રહ્યા હતા ત્યારે રાજવીશ્રેષ્ઠે તેમને કહ્યું, ‘ જો તમે મારી કન્યા ઇચ્છતા હો તો એનું શુલ્ક આપો.’

ઋચીકે કહ્યું, ‘હું તમને કેટલું શુલ્ક આપું તે નિ:સંદેહ કહો, એમાં બીજો કોઈ વિચાર ન કરતા.’

ગાધિ બોલ્યા, ‘હે ભાર્ગવ, ચંદ્રકિરણ જેવા પ્રકાશવાળા, વાયુ સમાન વેગીલા અને જેનો એક કાન શ્યામ હોય એવા એક હજાર ઘોડા મને આપો.’

ત્યાર પછી ભૃગુશ્રેષ્ઠ ચ્યવન મુનિના પુત્રે અદિતિપુત્ર વરુણદેવને કહ્યું, ‘એક કાન શ્યામ અને ચંદ્ર સમાન કાંતિમાન, વાયુ સમાન વેગવાળા એક હજાર ઘોડા હું તમારી પાસે યાચું છું.’

આદિત્ય વરુણદેવે એ ભૃગુશ્રેષ્ઠ ઋષિને કહ્યું, ‘ભલે, તમારે જે સ્થળે તે ઘોડાની અભિલાષા હશે ત્યાં એક હજાર ઘોડા ઉપસ્થિત થઈ જશે.’

ત્યાર પછી ઋચીક મુનિએ ધ્યાન ધર્યું એટલામાં મહાતેજસ્વી ચંદ્રમા જેવા એક હજાર શ્યામકર્ણી અશ્વો ત્યાં ગંગાજળમાંથી પ્રગટ્યા. કાન્યકુબ્જ પાસે જ્યાં ગંગા તટે આ ઘોડા પ્રગટ્યા તે સ્થળને આજે પણ લોકો અશ્વતીર્થ કહે છે. ત્યાર પછી રાજા ગાધિને ઋચીક ઋષિએ પ્રીતિપૂર્વક શુલ્કાર્થે એક હજાર શુભ્ર અશ્વો આપ્યા. ગાધિરાજ તે જોઈને વિસ્મય પામ્યા અને શાપભયથી અલંકૃત કરેલી પોતાની કન્યા ઋચીક મુનિને અર્પી.

બ્રહ્મર્ષિશ્રેષ્ઠ ઋષિએ વિધિપૂર્વક પાણિગ્રહણ કર્યું, તે પણ ઋષિને પતિ રૂપે પામીને પ્રસન્ન થઈ. બ્રહ્મર્ષિ તેના ચરિત્રથી સંતુષ્ટ થયા અને અત્યંત સૌંદર્યવતી પત્નીને વર આપવા તૈયાર થયા. તે રાજકન્યાએ બધી વાત માતાને અને પિતાને કહી. માતાએ નીચું મોં કરીને ઊભેલી પુત્રીને કહ્યું, ‘હે પુત્રી, તારા પતિ મને પણ પુત્ર આપવા કૃપા કરી શકે છે, તેઓ મહાતપસ્વી છે, સમર્થ છે.’

માતાની આ વાત સાંભળીને તે ત્વરાથી પતિ પાસે જઈને માતાની ઇચ્છા કહી સંભળાવી. ત્યારે ઋચીકે કહ્યું, ‘હે કલ્યાણી, મારી કૃપાથી તને અને તારી માતાને પુત્ર જન્મશે, તારી માતાનો પ્રેમપૂર્વકનો અનુરોધ નિષ્ફળ નહીં જાય. આપણા વંશની વૃદ્ધિ કરનારો ગુણવાન પુત્ર થશે. અને તારી માતાને પણ વંશપરંપરા જાળવનારો પુત્ર જન્મશે. હે કલ્યાણી, તારી માતા ઋતુસ્નાતા થઈને પીપળાના વૃક્ષને ભેટે અને તું ઉમરાના વૃક્ષને, તમારા બંનેની ઇચ્છા ફળશે. હે શુચિસ્મિતા, આ મંત્રયુક્ત બે ચરુ છે, તમે એક એક ખાઈ લેજો. પછી તમને પુત્ર થશે.’

સત્યવતી ખૂબ જ હર્ષ પામીને માતા પાસે ગઈ અને ઋચીક મુનિએ જે કહ્યું હતું તે બધું કહ્યું, બે ચરુની વાત પણ કરી. ત્યારે તેની માતાએ પુત્રી સત્યવતીને કહ્યું, ‘હે પુત્રી, તારી મા હોવાને કારણે હું વધુ માનનીય છું, એટલે હું કહું તેમ કર. તારા પતિએ તને આપેલો ચરુ મને આપ, અને મારા માટેનો ચરુ તું લઈ લે. હે શુચિસ્મિતા, અનિન્દિતા, હું તારી મા છું, જો તને મારી વાત માન્ય હોય તો આપણે વૃક્ષો પણ અદલબદલ કરી તેમને ભેટીએ. ભગવાન ઋચીકે પણ અવશ્ય આમ જ કર્યું હશે. હે સુમધ્યમા, એટલે જ મને તારા વૃક્ષ અને ચરુમાં મારી ઇચ્છા જાગી છે. જે રીતે તારો ભાઈ શ્રેષ્ઠ નીવડે એમ તું વિચાર.’

સત્યવતી અને તેની માતા: બંનેએ બંને ચરુની અદલાબદલી કરી. પછી બંનેને દિવસો રહ્યા.

ભૃગુશ્રેષ્ઠ ઋષિએ પોતાની પત્નીને સગર્ભા જોઈને દુઃખી થઈને કહ્યું, ‘હે કલ્યાણી, તમે ચરુની અદલાબદલી કરી છે એમ લાગે છે. એવી જ રીતે વૃક્ષોને ઊલટી રીતે જ ભેટ્યાં છો. મેં તારા ચરુમાં વિશ્વ બ્રહ્મતેજ ભર્યું હતું. અને તારી માતાના ચરુમાં ક્ષાત્રતેજ ભર્યું હતું. હવે તું ત્રિલોકમાં પોતાના ગુણોથી વિખ્યાત વિપ્રને જન્મ આપશે. તારી મા શ્રેષ્ઠ ક્ષત્રિય પુત્રને જન્મ આપશે. મેં આખું વિચારીને કર્યું હતું ને હે શુભાંગના, તું અને તારી માતા આમાં ફેરફાર કરીને બેઠાં છો, એટલે તારી મા વિપ્રને જન્મ આપશે, તું પ્રચંડ કાર્ય કરનાર ક્ષત્રિયને જન્મ આપીશ. હે ભામિની, માતૃસ્નેહમાં તણાઈને આ સારું કાર્ય નથી કર્યું.’

તે સુંદર સત્યવતી આ સાંભળીને શોકાર્ત, દુઃખી થઈને મનોહર લતાની જેમ ભૂમિ પર પડી ગઈ. થોડા સમય પછી ગાધિરાજની પુત્રી હાથ જોડીને માથું નમાવીને બ્રાહ્મણ શ્રેષ્ઠ પતિને કહેવા લાગી, ‘હે વેદજ્ઞ વિપ્રર્ષિ, હું તમારી પત્ની છું. પ્રસન્ન થઈને મારા પર કૃપા કરો, મારે ક્ષત્રિય પુત્ર નથી જોઈતો. તમને એમ લાગતું હોય તો મારો પૌત્ર ભલે ઉગ્ર કર્મી ક્ષત્રિય થાય. પણ મારો પુત્ર ક્ષત્રિય ન થવો જોઈએ. મને આ વર આપો.’

મહા તપસ્વી ઋચીકે કહ્યું, ‘ભલે.’ ત્યાર પછી સત્યવતીએ શુભ લક્ષણોવાળા જમદગ્નિને જન્મ આપ્યો. અને યશસ્વિની ગાધિરાજની પત્નીએ બ્રહ્મર્ષિના પ્રભાવથી બ્રહ્મવાદી વિશ્વામિત્રને જન્મ આપ્યો. વિશ્વામિત્રે ક્ષત્રિય થઈને પણ બ્રાહ્મણત્વનો લાભ લીધો, બ્રાહ્મણવંશના કર્તા બન્યા.’

(અનુશાસન પર્વ, ૪)