ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/કુબેરની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુબેરની કથા

પુલસ્ત્યના પુત્ર વિશ્રવાએ પિતાની જેમ જ તપ કરવા માંડ્યું.

તે સત્યવચની, શીલવાન, સ્વાધ્યાયરત, પવિત્ર અને ઇન્દ્રિયજિત હતા. તેમને આવા જાણીને ભરદ્વાજ ઋષિએ પોતાની દેવવણિર્ની નામની કન્યા આપી. આ લગ્નથી વિશ્રવાને ખૂબ જ આનંદ થયો અને થોડા સમયે તેમને ત્યાં પુત્ર જન્મ્યો. પુલસ્ત્ય તેને જોઈને ખૂબ જ રાજી થયા અને બોલ્યા, ‘આ પુત્ર તેના પિતા જેવો જ થશે. તેનું નામ વૈશ્રવણ પાડ્યું.’

આશ્રમમાં ઊછરી રહેલો પુત્ર આહુતિ આપવાથી વૃદ્ધિ પામતા અગ્નિની જેમ મોટો થવા લાગ્યો. તેને ધર્મમાં જ ધ્યાન પરોવવાનું મન થયું. તેણે હજાર વર્ષ સુધી પાણી પીને, વાયુભક્ષણ કરીને તપ કર્યું. બ્રહ્મા અમે બીજા દેવો ત્યાં આવ્યા અને બોલ્યા, ‘તારા તપથી હું પ્રસન્ન થયો છું, જે વરદાન જોઈતું હોય તે માગી લે.’ એટલે વૈશ્રવણે કહ્યુંં, ‘ભગવાન, મારી ઇચ્છા ધનરક્ષક-લોકપાલ થવાની છે.’

એટલે બ્રહ્માએ પ્રસન્ન થઈને કહ્યું, ‘હું ચોથા લોકપાલની શોધમાં જ હતો. એટલે યમ, ઇન્દ્ર અને વરુણના જેવું તને ગમતું પદ આપીશ. તું ચોથો લોકપાલ થઈશ, સૂર્યતેજ જેવું પ્રકાશિત પુષ્પક વિમાન લે. હવે અમે જઈશું, તારું કલ્યાણ થાઓ.’

એ બધા ગયા ત્યારે વૈશ્રવણે પિતાને કહ્યું, ‘મને વરદાન તો મળ્યું પણ કોઈ જીવને હાનિ ન થાય એવું નિવાસસ્થાન બતાવો.’

વિશ્રવાએ કહ્યું, ‘સાંભળ, વિશ્વકર્માએ ઊભી કરેલી લંકાનગરી છે, તે સુંદર છે, વિષ્ણુના ભયથી રાક્ષસો ત્યાંથી પાતાળમાં જતા રહ્યા છે એટલે તે સૂની છે. તું ત્યાં જઈને રહે.’ એટલે વૈશ્રવણ હજારો સેવકોને લઈને લંકામાં રહેવા લાગ્યા. માતાપિતાને મળવા પુષ્પક વિમાનમાં બેસીને જતા હતા. દેવો, ગંધર્વો, સિદ્ધો અને ચારણો તેમની પ્રશંસા કરતા હતા.

(ઉત્તરકાંડ, ૩)—સમીક્ષિત વાચના