ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/વાનર થયેલા સોમસ્વામીની કથા
તે યક્ષિણીના ગયા પછી નિશ્ચયદત્તે તે વનમાં અગાધ તળાવ દીઠું, તે તળાવનું જળ બહારથી સ્વચ્છ ને શીતળ દેખાતું હતું પણ અંદર ઝેરવાળું હતું. સૂર્યનારાયણ કિરણો ફેલાવીને જાણે પ્રસિદ્ધ કરીને દાખલો બતાવતા હોય કે, અરે મૂર્ખ, પ્રેમી સ્ત્રીનું હૃદય પણ એવું જ હોય છે. ઉપરથી સ્વચ્છ અને શીતળ તથા અંદરથી ઝેરવાળું માટે આ તળાવથી સાવધ રહેજો. નિશ્ચયદત્તે મનુષ્યના કર્તવ્ય પ્રમાણે ગંધથી તે તળાવના જળને ઝેરી જાણી, છોડી દીધું. તેણે પૃથ્વીના ટીંબા ઉપર બે પદ્મરાગ મણિ ચળકતા હોય તેમ ચળકતા બે પદાર્થો દીઠા. પછી તે જમીન ઉપર રહેલા ઊચા ભાગને ખોદીને તેમાંથી માટી કાઢી તો એક જીવતા વાંદરાનું માથું દેખાયું; પદ્મરાગની માફક ચળકતી હતી તે તેની આંખો હતી, નિશ્ચયદત્ત આ જોઈને ‘આ શું?’ આમ વિચાર કરે છે; એવામાં તે વાંદરો મનુષ્યવાણીથી બોલવા લાગ્યો: ‘હું મનુષ્ય છું. હું તને મારું પોતાનું સર્વ વૃત્તાંત કહી બતાવીશ.’ નિશ્ચયદત્ત તે વાનરનું મનુષ્ય જેવું બોલવું સાંભળતાં જ આશ્ચર્ય પામ્યો. પછી પેલા ખાડામાંથી મટોડીને દૂર કરી, તે વાંદરાને પૃથ્વીમાંથી બહાર કાઢ્યો. વાનર બહાર નીકળી ફરી તેના ચરણમાં પ્રણામ કરીને બોલ્યો: ‘તેં ઘણી મહેનતે મને ખાડામાંથી બહાર કાઢી મારા પ્રાણ બચાવ્યા છે. હવે ચાલ, હમણાં તું થાકી ગયો હોઈશ, માટે ફળ ખાઈને જળપાન કર; અને હું પણ તારી મહેરબાનીથી ઘણે દિવસે આજ પારણું કરીશ.’ આમ કહી તે વાંદરો નિશ્ચયદત્તને દૂર આવેલી એક નદીના કિનારા ઉપર લઈ ગયો. ત્યાં સ્વાધીન અને સ્વાદિષ્ટ ફળવાળાં તથા શીતળ છાયાવાળાં ઝાડ હતાં; નદીમાં નિશ્ચયદત્તે સ્નાન કીધું અને ફળ તથા જળનો ઉપભોગ કરીને, વાંદરા પાસે આવ્યો. વાંદરાએ પણ ઘણા દિવસનો ઉપવાસ હોવાથી પારણું કર્યું હતું, પછી નિશ્ચયદત્તે તેને પૂછ્યું, ‘તું નરમાંથી વાનર કેમ થયો તે કહી બતાવ.’ એટલે તે વાંદરે ઉત્તર આપ્યો, મારું વૃત્તાંત હું હમણાં તને કહું છું, હે મિત્ર! તું તે સાંભળ:
કાશી નામના નગરમાં એક ચંદ્રસ્વામી નામનો ઉત્તમ બ્રાહ્મણ રહેતો હતો. તેની સુવૃત્તા નામની સ્ત્રીને પેટે હું જન્મ્યો અને પિતાએ મારું નામ સોમસ્વામી પાડ્યું હતું. હું ક્રમે ક્રમે મદમત્ત હોવાથી નિરંકુશ બની દુષ્ટ કામને આધીન થઈ ગયો. તે નગરમાં એક શ્રીગર્ભ નામનો વાણીઓ રહેતો હતો. તેની પુત્રીનું નામ બંધુદત્તા હતું. એ કન્યા તરુણ અવસ્થામાં હતી અને તે કન્યા મથુરામાં રહેનારા વારાહદત્ત નામના નગરશેઠની સ્ત્રી થતી હતી, પણ તે પોતાના પિતાને ત્યાં આવીને રહી હતી. એક દિવસે તેણે બારીમાં બેઠાં બેઠાં મને દીઠો, મને જોતાં વેંત જ તે કામાતુર થઈ ગઈ. પછી મારું નામ ખોળી કાઢી, મારી સાથે સંગમ કરવાની ઇચ્છાથી, તે સ્ત્રીએ યથાર્થવાદિની નામની તેની એક સખીને મારી પાસે મોકલી. તેની સખી, પોતાની સખીને કામાંધ બનેલી જાણી એકાંતમાં મારી પાસે આવી અને પોતાની તે સખીનો અભિપ્રાય કહી બતાવી, મને પોતાને ઘેર લઈ ગઈ. પોતાના ઘરમાં બેસારી, કોઈ જાણે નહીં તેમ, તે જ વખતે જઈને તે બંધુદત્તાને તેડી લાવી. બંધુદત્તા પણ ઉત્કંઠાથી શરમનો ત્યાગ કરી ત્યાં આવી અને તરત મને આલિંગન આપ્યું. સ્ત્રીઓનો પરાજય કરનાર છેવટનો એક વીર કામદેવ છે. બંધુદત્તા આવી રીતે દરરોજ પોતાની સખીને ઘેર આવતી અને મારી સાથે રમતગમત કરતી હતી. એક વખતે તે સ્ત્રીનો ધણી, જે મહાજનનો વડો હતો તે વારાહદત્ત, ઘણા દિવસથી બાપને ઘેર રહેતી પોતાની સ્ત્રીને તેડવા, મથુરા નગરથી કાશી નગરમાં આવ્યો. કન્યાના પિતાએ પુત્રીને સાસરે જવા માટે રજા આપી અને તેના ધણીએ પણ તેડી જવાની ઇચ્છા બતાવી: એટલે બંધુદત્તાએ પોતાની ગુપ્ત બાબત, જે બીજી સખી જાણતી હતી તેને કહ્યું: ‘અલિ સખિરી! મારો પતિ મને અવશ્ય મથુરા નગરી લઈ જશે; પણ હું સોમસ્વામી વગર ત્યાં જીવી શકીશ નહીં. માન ન માન તેના વિના હું મરી જઈશ માટે આ બાબતમાં કોઈ ઉપાય હોય તો મને બતાવ.’ તે સાંભળીને તેની સખી સુખશયા, જે યોગવિદ્યા જાણતી હતી તે બોલી: ‘મારી પાસે બે મંત્રના પ્રયોગ છે. તે બે મંત્રમાં એક મંત્ર ભણી કંઠમાં દોરો બાંધો કે તરત જ મનુષ્ય વાંદરો બની જાય; અને બીજો મંત્ર ભણી દોરો છોડે કે તે પાછો મનુષ્ય થઈ જાય છે. જ્યારે માણસ વાંદરો થાય ત્યારે તેની બુદ્ધિ નાશ પામતી નથી પણ તેની તે જ રહે છે. હે સુશ્રોણિ! માટે જો તારી ઇચ્છા હોય અને સોમસ્વામી તને વહાલો લાગતો હોય તો તેને હમણાં વાંદરાનું બચ્ચું બનાવી મૂકું. તું મારા મંત્ર વડે તેને વાંદરાના આકારમાં તારી પાસે રાખજે અને એકાંતમાં તારા પ્રિયતમને પુરુષ બનાવજે. તે સખીએ આમ કહ્યા પછી બંધુદત્તાએ એકાંતમાં મને બોલાવી પ્રેમસહિત, જેમ સખીએ કહ્યું હતું તેમ યથાર્થ વાત મને જણાવી. મેં તેની આજ્ઞા કબૂલ રાખી. પછી તેની સખી સુખશયાએ મારા ગળામાં મંત્રનો દોરો બાંધી મને એક ક્ષણમાં વાંદરાનું બચ્ચું બનાવી મૂક્યો. બંધુદત્તા વાંદરાના આકારમાં રહેલા મને પોતાના પતિ પાસે લઈ જઈ બોલી: ‘મને મારી સખીએ આ રમતગમત કરવા માટે આપ્યો છે,’ એમ કહીને વાંદરા બનેલા મને બતાવ્યો. વારાહદત્ત મને પોતાની સ્ત્રીના ખોળામાં બેઠેલો જોઈ, આ રમાડવા લાયક છે, એમ સમજી રાજી થયો. હું બુદ્ધિશાળી અને મનુષ્યની માફક સ્પષ્ટ બોલતો હતો. તો પણ વાંદરો જ હતો! મને આ દેખાવ જોઈ; ‘અરે સ્ત્રીનું ચરિત્ર વિચિત્ર છે’, આમ થવાથી મનમાં હસવું આવતું હતું; તથાપિ હું તે અવસ્થામાં બેસી રહ્યો કારણ કે આ સંસારમાં કામદેવ કોને દુઃખ આપતો નથી? સર્વને દુઃખી કરે છે.
પછી બંધુદત્તા સખીની પાસેથી બન્ને મંત્રો શિખી, પિતાને ઘેરથી પતિની સાથે મથુરા જવા માટે નીકળી. તે વખતે માર્ગમાં બંધુદત્તાને સારું લગાડવા માટે તેના પતિએ એક ચાકરના મસ્તક ઉપર મને બેસાર્યો. અમે સઘળા ચાલવા લાગ્યાં. રસ્તામાં ચાલતાં ચાલતાં બે ત્રણ દિવસ થયા પછી એક વનમાં આવી ચઢ્યાં.વનમાં ગયા પછી વાંદરાઓ અમને કિવી કિવી શબ્દો કરી પરસ્પર બોલાવવા લાગ્યા અને ભેળા થઈ ટોળેટોળાં ચોતરફથી અમારી ઉપર તૂટી પડ્યાં. બંધુદત્તાના પતિના પંડના માણસોએ તે વાંદરાઓને બહુ વાર્યા તો પણ તે અટક્યા નહીં અને પાસે આવી જે વાણીઆના ચાકરની કાંધ ઉપર હું બેઠો હતો તેને ખાઈ જવા માટે તૈયાર થયા! આથી તે ચાકર વિહ્વળ બની ગયો અને ભયથી મને જમીન ઉપર પટકી તરત જ પલાયન કરી ગયો. પછી તે વાંદરાઓ મને ઉપાડી ગયાં. વાંદરાઓ મને લઈ ગયા જોઈ, મારા ઉપરના સ્નેહને લીધે, બંધુદત્તા, તેનો વર અને તેનાં માણસો પથરા વતી અને લાકડી વતી વાંદરાઓને મારવા લાગ્યા, પણ તે વાંદરાઓને હરાવી શક્યા નહીં. મારા મૂઢનાં કુકર્મથી કોપ્યા હોય તેમ વાનરોએ નખ વતી અને દાંત વતી મારા દરેક અંગમાંથી રૂવાંડેરૂવાડાં ઉખેડી કાઢ્યાં. કંઠમાં બાંધેલા દોરાના પ્રતાપથી અને શંકરનું ધ્યાન ધરવાથી મારામાં બળ આવ્યું, એટલે હું તેના બંધને તોડી નાખી, ત્યાંથી ભાગી એક ગાઢ વનમાં જઈ તેની નજરથી દૂર થઈ ગયો; અને ધીમે ધીમે એક વનમાંથી બીજા વનમાં ને બીજાથી ત્રીજામાં જતાં જતાં આ વનમાં આવી પહોંચ્યો છું. શોકમાં અંધ થઈ ગયેલો હું, આવી રીતે વર્ષાઋતુમાં અહીંથી ત્યાં એમ ભટકતો હતો ને મારા મનને કહેતો હતો કે ‘અહો! તું બંધુદત્તાથી વિખૂટો પડ્યો અને આ જ જન્મમાં પરસ્ત્રી સમાગમ કરવાથી વાનર થયો! આ તેનું ફળ તને મળ્યું કેમ?’ મારા આવા દુઃખથી પણ બ્રહ્માને સંતોષ વળ્યો નહીં, માટે તેણે વળી બીજું દુઃખ પણ આપ્યું. એક હાથિણી અકસ્માત્ ત્યાં આવી પહોંચી અને મને શુંડની અંદર વીંટાળી વરસાદના પાણીથી ભીંજવેલો એક રાફડો હતો તેના ગારાની અંદર મને ખોસી દીધો. અહાભાગ્ય! આ ગારામાંથી નીકળવા માટે મેં બહુ બહુ પ્રયત્ન કર્યો પણ હું નીકળવા શક્તિમાન થયો નહીં, તે ઉપરથી હું માનું છું કે તે હાથિણી કોઈ પણ નસીબદેવે મોકલેલી દેવી હશે. હે મિત્ર! હું આ રાફડામાં શ્વાસ લઈને કેવળ જીવતો હતો એમ ન હતું; પણ પ્રતિદિવસ શંકરનું ધ્યાન ધરતો હતો એથી મારા મનમાં જ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયથી મારી ક્ષુધા, તૃષા મરી ગઈ, તેં આજે મને આ શુષ્ક થયેલા રાફડામાંથી બહાર કાઢ્યો છે, મને જ્ઞાન થયું છે, પણ તે જ્ઞાનના પ્રમાણમાં જોઈએ તેટલી શક્તિ છે નહીં કે જે શક્તિને આધારે આ વાનરપણામાંથી મારા આત્માને મુક્ત કરું, જ્યારે કોઈ પણ યોગિની તે જ મંત્ર ભણીને મારા ગળાનો આ દોરો છોડશે, ત્યારે હું ફરી મનુષ્ય શઈશ. આ રીતનું મારું વૃત્તાંત છે. હે મિત્ર! તું આ અગમ્ય વનમાં શા માટે આવ્યો છે, તે હવે મને કહી બતાવ.’
આવી રીતે વાનર બનેલા સોમસ્વામીએ પોતાની કથા કહ્યા પછી નિશ્ચયદત્ત પોતાનું વૃત્તાંત તેને કહેવા લાગ્યો, ‘હું ઉજ્જયિનીથી અનુરાગપરા નામની વિદ્યાધરીને મળવાને ચાલ્યો આવું છું, અને રસ્તામાં એક યક્ષિણીને ધૈર્યથી હરાવી તેના ઉપર બેસીને અત્ર રાત્રે આવ્યો છું.’ તે વૃત્તાંત સાંભળી બુદ્ધિશાળી અને વાનરનું રૂપ ધારણ કરનાર સોમસ્વામી આશ્ચર્ય પામ્યો અને નિશ્ચદત્તને કહેવા લાગ્યો: ‘તેં મારી માફક સ્ત્રી માટે મોટા દુઃખનો અનુભવ કર્યો છે. કોણ જાણે લક્ષ્મીનો અને સ્ત્રીનો કોઈ સ્થળે સ્થિર વાસ હોતો નથી. સ્ત્રીઓ સંધ્યાની માફક ક્ષણવાર રક્ત દેખાય છે અને નદીની માફક કુટિલાશયા હોય છે, તે સપિર્ણીની માફક અવિશ્વાસ કરવા જોગ છે. વધારે શું? વીજળીની માફક ચંચલ સ્વભાવની હોય છે માટે તે વિદ્યાધરી અનુરાગપરા તારા ઉપર આશક છે, છતાં પણ કોઈ સ્વજાતિનો પુરુષ મળશે ત્યારે એક ક્ષણમાં તું મનુષ્યની ઉપર ઉદાસ થઈ જશે. માટે સ્ત્રી માટેનો તારો આ પ્રયાસ નિષ્ફળ છે. પાક્યા પછી માઠાં પરિણામ લાવનારું ફળ જેમ નીરસ થઈ પડે છે, તેમ આ પ્રયાસ પણ નીરસ છે. હે મિત્ર! માટે તું વિદ્યાધરની પુષ્કરાવતી નગરીમાં જવું બંધ રાખ, અને યક્ષિણીની ખાંધ ઉપર ચઢી, ઉજ્જયિની નગરીમાં જ પાછો જા. મિત્ર! મારું કહ્યું માન! મેં પ્રેમને લીધે મિત્રનું કહ્યું કર્યું નહીં. તેને લીધે હમણાં પણ પસ્તાઉં છું. જ્યારે હું બંધુદત્તા ઉપર આશક થયો, ત્યારે ઘણા જ કોમળ મનવાળા અને બ્રાહ્મણ જાતિમાં જન્મેલા ભવશર્મા નામના મારા મિત્રે મને એ કામ કરતાં અટકાવ્યો અને આ પ્રમાણે કહ્યું હતું: ‘અરે મિત્ર! તું સ્ત્રી ઉપર આશક બની તેને વશ થા મા; કારણ કે સ્ત્રીનું મન ન જણાય તેવું હોય છે. વળી તેણે મને એક કથા કહી હતી તે કથા પણ હું તને કહું છું તે સાંભળ-