ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/પૂર્ણ શ્રેષ્ઠી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કટ્ઠહારી જાતક
પૂર્ણ શ્રેષ્ઠી

શૂર્પારકનો ભવ શ્રેષ્ઠી એક વાર માંદગીમાં પટકાયો, ત્યારે તેની માઠી દશા થઈ.

ભવની પાસે ધન તો એટલું હતું કે શૂર્પારકના પહેલી હરોળના દસબાર ધનિકોમાં તેની ગણના થતી. રૂપાળી પત્ની હતી. ત્રણ નાના પુત્રો હતા — ભવિલ, ભવત્રાત, ને ભવનંદી. દાસદાસીઓ હતાં, ને સગાંઓ પણ હતાં.

બધું હતું, પણ તેમાંથી કશું ભવને અત્યારે કામ નહોતું લાગતું, મંદવાડ લાંબો ચાલે તેવું લાગતાં ધીમે ધીમે સૌ તેનાથી કંટાળવા માંડ્યા. પેટે વાઢની શૂળ ઊપડી આવતાં તે અમળાતો હોય ત્યારે ઘણી વાર તેની પાસે કોઈ ન હોય. જોઈતી ચીજ ધીરજ ખૂટી જાય ત્યારે માંડ માંડ મળતી. ચોખ્ખું કરવા પાંચસાત વાર બોલાવે ત્યારે કોઈક આવતું. ઓસડવોસડ, પથારી કે કપડાંનાં પણ પૂરાં ઠેકાણાં નહોતાં. શૂળ કરતાં પણ તેને વિશેષ પીડતાં હતાં. આવી અવશતા ને ઉપેક્ષા તેણે કદી નહોતાં વેઠ્યાં. અત્યાર સુધી પોતાનું ગણતો હતો તેમાંથી ખરેખર પોતાનું કેટલું હતું?

તેનાં વ્યાધિ ને ઉપેક્ષા બંને વધતાં ચાલ્યાં. શ્રેષ્ઠીની અવદશા જોઈને તેની એક ભલી દાસી વિનતાને લાગી આવ્યું.

એક સારા વૈદ્યને જઈને વાત કરી.

‘આર્ય, ભવ શ્રેષ્ઠીને તમે ઓળખો છો?’

‘ઓળખું છું, કેમ?’ વૈદ્યે પુછયું.

‘તેને પેટનો વ્યાધિ થયો છે. આંતરડાં નબળાં પડ્યાં લાગે છે. કશું ખાધું પચતું નથી. પેટમાં વઢાય છે. મરવા પડ્યો છે. ને અધૂરામાં પૂરું ઘરના માણસો એની પૂરી ઉપેક્ષા કરી રહ્યા છે. તો તેને સારું થાય તેવું ઓસડ બતાવો.’

‘ઓસડ તો બતાવું, છોકરી,’ વૈદ્યે કહ્યું, ‘પણ તું કહે છે તેમ તેની પત્ની પણ સારસંભાળ લેતી ન હોય, તો શ્રેષ્ઠીને ઓસડ આપવું, અમુક જ ખાનપાન આપવાં, એ બધું કોણ કરશે?’ ‘હું કરીશ, આર્ય! પણ સોંઘાં ઓસડિયાં ચીંધજો.’ વૈદ્યે ચીંધેલાં ઓસડિયાં લાવી, ઔષધ તૈયાર કરી વિનતા ભવ શ્રેષ્ઠીને આપવા લાગી, પોતાને મળતા ખાવાપીવામાંથી થોડુંક બચાવીને, ઘરમાંથી થોડુંક ઉપાડીને તેણે વૈદ્યના કહેવા પ્રમાણે શ્રેષ્ઠીની તનતોડ સારવાર કરી. ધીરે ધીરે કરતાં ભવ સાજો થયો.

ઘરવાળાઓએ પોતાને ખૂણે નાખી રાખ્યો હતો, ત્યારે વિનતાએ કરેલી માવજતથી જ પોતે જીવ્યો એ વાત ભવ ભૂલે કેમ ભૂલે? વિનતાને તેણે કહ્યું, ‘છોકરી, તેં મારી સેવા કરી. હું જીવતો છું તે તારી લાગણી ને ઉપચારોને લીધે જ. તો તારી ઇચ્છા હોય તે મારી પાસેથી માગી લે.’

‘એમાં હું માગું શું, સ્વામી? મેં તો કરવું ઘટે તે કર્યું.’ વિનતાએ શરમાતાં ઉત્તર દીધો.

‘તને ગમે તે માગ, જે આપું તે ઓછું છે.’

‘તમે પ્રસન્ન હો તો એક વાત મારા મનમાં છે.’ શબ્દોમાં સંકોચ, ધ્રુજારી ને કુમાશ સ્પષ્ટ નીતરતાં હતાં.

‘તારા મનમાં હોય તે બોલી દે.’

‘મને તમારી અંગત સેવા માટે રાખી લો. તમારા સમાગમથી વધીને બીજું કશું મારે નથી જોઈતું.’ નીચી દૃષ્ટિએ વિનતા બોલી.

‘પણ મારી રખાત તરીકે રહેવાથી તારું શું વળશે? એને બદલે લે હું તને પાંચસો સુવર્ણ આપું છું, તેમ જ દાસીપણામાંથી મુક્ત કરું છું.’ ભવે લાગણીથી કહ્યું.

‘સ્વામી, તમારું આપેલું ક્યાં સુધી પહોંચે? પછી ફરી પાછો મારે ક્યાંક આધાર ગોતવો જ પડે. પણ તમે મને રાખી લો તો હંમેશાનો આશરો મળી જાય.’ વિનતાનો પણ થોડોક હક હતો. વળી વેપારમાર્ગમાં આની નવાઈ નહોતી, ને પત્ની ને પુત્રોને થોડીક શિક્ષા કરવાની પણ જરૂર હતી ને?

સમય જતાં વિનતાને ભવથી એક પુત્ર થયો. નામ ‘પૂર્ણ’ રાખ્યું. તારુણ્યમાં પ્રવેશ્યો ત્યારે પૂર્ણ તેના ગૌર સોનેરી વાન, વિશાળ લલાટ, ઉન્નત નાસિકા ને પ્રલંબ બાહુને લીધે ઘણો રૂપાળો લાગતો હતો. વિદ્યાકળામાં પણ તેણે સારી નિપુણતા પ્રાપ્ત કરી.

ભવે ત્રણે ઔરસ પુત્રોને માટે લાખલાખના ખરચે પોતપોતાના નિવાસ કરાવી આપેલા. પુત્રો પોતપોતાના પત્ની સાથે શરીર શણગારવામાં ને બાપકમાઈનો વૈભવ માણવામાં રચ્યાપચ્યા રહેતા. આને કારણે એક વાર હાથ પર માથું ઢાળીને ભવ બેઠો હતો. પિતાને ચિંતામાં ડૂબેલા જોઈને પુત્રો વિચારમાં પડ્યા.

‘તાત, અમે છીએ પછી તમારે કશી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તમે આટલા બધા ખિન્ન કેમ છો?’ મોટા પુત્ર ભવિલે વાત છેડી.

‘મારી ચિંતાનું કારણ તમારે પૂછવું પડે છે, તમને પોતાની મેળે એ નથી દેખાતું — એ જ ચિંતા કરવા માટે પૂરતું નથી? તમને રાજકુમારો જેવા આવાસ કરાવી આપ્યા, ને તમે વેપારધંધાને ખાડામાં નાખી, પત્નીમાં લટ્ટુ થઈને લહેર ઉડાવો છો! મારા ગયા પછી કુળની શી દશા થશે, એની ચિંતા તમને છેલબટાઉને તો થાય તેમ નથી, પછી એ મારે જ કરવી ને?’ ભવે મનનો ઉકળાટ ઠાલવ્યો.

પિતાનાં વીંધી નાખતાં વેણ સાંભળી ભવિલ, ભવત્રાત ને ભવનંદી ઘડીક તો અવાક્ જ થઈ ગયા. એક પણ શબ્દ બોલ્યા વિના ત્રણેય નીચે મોંએ ને ધીરે પગલે ત્યાંથી ચાલ્યા ગયા. તેમના કાનમાં ઝૂલતાં રત્નકુંડળની આભા ઝંખવાણી લાગતી હતી.

થોડીક વારે ત્રણેય પાછાં આવ્યા. ભવિલ સૌથી આગળ આવીને બોલ્યો, ‘તાત, મારી પ્રતિજ્ઞા છે કે એક લાખ સુવર્ણ કમાઈને ન લાવું ત્યાં સુધી હું રત્નકુંડળ નહીં પહેરું.’ ને ત્યાં ને ત્યાં તેણે પોતાનાં રત્નકુંડળ ઉતારીને લાકડાનાં કુંડળ પહેરી લીધાં. પછી ભવત્રાતે પણ એવી પ્રતિજ્ઞા કરી લાખનાં કુંડળ પહેર્યાં, ને ભવનંદીએ પણ બંનેને અનુસરીને કલાઈનાં કુંડળ ધારણ કર્યાં. શૂર્પારકના વેપારીઓમાં આ વાત ફેલાઈ ગઈ. ભવના પુત્રોનાં ભવિલ, ભવત્રાત અને ભવનંદી એ નામોને બદલે, આ પ્રસંગથી દારુકર્ણી, સ્તવકર્ણી ને ત્રપુકર્ણી એવાં નામ પડી ગયાં.

પણ તેઓ એની કશી પરવા કર્યા વિના માલથી વહાણ ભરી સાગર ખેડવા ઊપડી ગયા.

તરુણ પૂર્ણે પણ સાગર ખેડવા જવાની ભવ પાસે અનુજ્ઞા માગી, પણ ભવે કહ્યું,

‘વત્સ, તું હજી બાળક છે. અહીં રહીને તું આપણી અહીંની પેઢી જ સંભાળ.’

એટલે પૂર્ણે પોતાની ઇચ્છા પ્રમાણે શૂર્પારકની પેઢીનો વેપાર સંભાળી લીધો.

પરદેશ ગયેલા ત્રણ પુત્રો એક વરસે પાછા આવ્યા. ભવને મળીને કહ્યું કે અમને થયેલો લાભ ગણી જુઓ. ત્રણેય એક એક લાખ કમાઈને આવેલા. ઘરે રહી ન્યાય ને પ્રામાણિકતાથી વેપાર કરતાં દાસીપુત્ર પૂર્ણે પોતે પેઢી ચલાવવા માંડી ત્યારથી થયેલો લાભ ગણી લેવા પિતાને કહ્યું, તેને શિખાઉ માનતા ભવે કહ્યું, ‘તારું શું ગણવું હતું? તું પલોટાઈને તૈયાર થા, એ જ મોટો લાભ.’

પણ પૂર્ણે આગ્રહ કર્યો, ભવે પેઢીના નફાતોટાનું સરવૈયું કાઢ્યું ત્યારે જણાયું કે પૂર્ણને હસ્તક વેપારમાંથી ત્રણ લાખનો નફો થયો હતો. નિપુણતા, બુદ્ધિ ને સુશીલતાને લઈને પૂર્ણ ભવનો અત્યંત પ્રીતિપાત્ર બન્યો.

ભવની ઉંમર અને અશક્તિ વધતાં હતાં. એમ કરતાં એક વાર તે ભારે મંદવાડમાં ફરી પટકાયો. આ વેળા તેના સાજા થવાની આશા ન હતી. તેને થયું, મારા ગયા પછી છોકરાઓમાં ફૂટ પડવાની. સૌના સ્વભાવ એ જાણતો હતો. પુત્રવધૂઓનો પ્રભાવ કેવું પરિણામ લાવશે તેની ચિંતા થઈ.

અંત નજીકમાં છે જાણી તેણે પુત્રોને બોલાવ્યા.

સૌ આવ્યા. ભવ બોલ્યો:

‘સૌ આવી ગયા?’

‘હા, તાત!’

‘એક કામ કરો.’

‘શા આજ્ઞા છે?’

‘ચાર ઈંધણાં લઈ આવો.’

ઈંધણાં આવ્યાં એટલે ભવે સળગાવવા કહ્યું.

ઈંધણાં સળગતાં ભવ બોલ્યો:

‘સળગતામાંથી એક ઉંબાડિયું કાઢી લો.’

કહેવા પ્રમાણે સળગતાં કરગાઠિયામાંથી એક ખેંચી લીધું, પછી ભવના કહેવાથી ક્રમે બીજું, ત્રીજું ને ચોથું પણ ઉંબાડિયું કાઢી લેવાયું. ઉંબાડિયાં લઈ લીધાથી અગ્નિ ઓલવાઈ ગયો.

‘જોયું ને તમે? બધાં ઉંબાડિયાં સાથે હતાં ત્યારે તે કેવા તપતાં ને અજવાળું આપતાં હતાં? એકએક લઈ લેતાં તાપ ને અજવાળું ઘટતાં ગયા ને બધાં કાઢી લીધાં એટલે અગ્નિ જ ઓલવાઈ ગયો. આમ જ, પુત્રો, મારા ગયા પછી સાથે રહેશો તો તમારા પ્રભાવ ને તેજ તપતાં રહેશે. નહીં તો કુળ નષ્ટ થશે.’

‘તાત, તમારી ઇચ્છા પ્રમાણે કરીશું.’ પિતાના ઝાંખા પડતા જતા જીવનદીપથી દુઃખી પુત્રોએ આશ્વાસન દીધું. ‘ને બીજું’, થાકેલા ને તૂટતા સ્વરે ભવે આગળ ચલાવ્યું, ‘સુખી થવું હોય તો સ્ત્રીની ભંભેરણીનો ભોગ ન બનશો. તેમનું સાંભળવું જ નહીં. તમે કહેવત જાણો છો ને — કાયરનો વાણીથી, ગુપ્ત વાતનો અપાત્રથી, પ્રેમનો લોભથી અને કુટુંબનો સ્ત્રીથી નાશ થાય છે?’

શ્વાસ ને નબળાઈ વધી જતાં ભવ ઘડીક આંખ મીંચી પડી રહ્યો. મોટા પુત્ર ભવિલ સિવાયના બીજા ત્યાંથી ગયા, ભવિલને ભવ કાંઈક વિશેષ સમજુ ગણતો. રહીસહી શક્તિ એકઠી કરી તેણે તેને કહ્યું, ‘ભવિલ, જતાં જતાં એક વાત તારા હિતની કહેતો જાઉં છું. આ આપણો પૂર્ણ મહાપુણ્યશાળી જીવ છે.... ગમે તે ભોગે પણ તું પૂર્ણનો સંગ નહીં છોડતો.’

તે પછી થોડી વારે ભવે દેહ છોડ્યો. પુત્રોએ લીલાં, પીળાં, લાલ, વસ્ત્રોથી શબવાહિની સજાવી ને પિતાના ને કુળના મોભાને શોભે તેવી રીતે એની અંતિમ ક્રિયા કરી. પિતા ચાલ્યા ગયાનો શોક કાંઈક શમતાં ભવના પુત્રો વિચાર કરવા એકઠા મળ્યા. પિતાની સાથે જ તેમની વેપારની આવડત, અનુભવ, શાખ, બધું ગયું. શૂર્પારકની પેઢીમાંથી, કુટુંબનો મોભો એવો ને એવો જળવાઈ રહે એટલું હવે પ્રાપ્ત થાય તેમ ન હતું. તો શું કરવું? ત્યાં ને ત્યાં રહીને પડતીને નોતરવી કે તે કરતાં પરદેશ શું કામ ન ખેડવો?

દેશાંતર જવાનો નિર્ણય લેવાયો. પૂર્ણે પણ સૌની સાથે જવાની તત્પરતા બતાવી, પણ તેને શૂર્પારકની પેઢી સંભાળવા રાખીને ત્રણેય ભાઈઓ માલના વહાણ ભરી સાગર ખેડવા ઊપડી ગયા. પરચૂરણ ખરચ માટે રોજરોજનું અમુક દ્રવ્ય ત્રણેની સ્ત્રીઓને પેઢી પરથી મળે એવો પ્રબંધ કરવામાં આવેલો, ખરચ માપ બહાર ન જાય એની હવે તો સંભાળ રાખવાની હતી ને!

બાંધી આપેલી ખરચની રકમ લેવા માટે સ્વામિનીઓ દરરોજ પોતપોતાની દાસીઓને પેઢી પર મોકલતી, ત્યાં પૂર્ણ ઘણી વાર ખરીદવેચાણ, લેવડદેવડ વગેરે કારણે અનેક વેપારીઓ, શ્રેષ્ઠીઓ ને સાર્થવાહોથી આખો વખત વીંટળાયેલો રહેતો. તેથી દાસીઓને તેને મળવાનો અવકાશ તરત ન મળતો. કેટલીક વાર તો તેમને ઠીકઠીક વાટ જોવી પડતી. દાસીઓ ઘરે મોડી પાછી ફરતી તેથી તેમની સ્વામિનીઓ તેમને વઢતી ને ધમકાવતી. દાસીઓ પોતાને પેઢી પર કેટલું ખોટી થવું પડે છે તેની બઢાવીચઢાવીને વાત કરતી. આથી ‘જેમના કુટુંબમાં દાસીપુત્ર કર્તાહર્તા હોય, તેમને ત્યાં આવું જ હોય ને? બીજી શી સારાવાટ હોય?’ એમ પૂર્ણની ભાભીઓ બળાપો કાઢતી.

થોડાક દિવસ આ પ્રમાણે ચાલ્યું, એટલે ભવિલની પત્નીએ પોતાની દાસીને કહ્યું કે તારે વખત જોઈને પેઢી પર જવું, તે વેપારીની ભીડ ન હોય તેવે સમયે જવા લાગી. તેને જતી તેવી જ ખરચીની રકમ લઈને પાછી આવતી જોઈ બીજી બંને દાસીઓ પણ તેને પૂછીને તેની સાથે જવા લાગી. એટલે તેમને પણ હવે થોભવું ના પડતું, ‘છોકરીઓ, ખરચી હવે તરત જ કેમ મળી જાય છે? પહેલાં તો વાટ જોવરાવી જોવરાવીને દાસીપુત્ર જીવ કાઢી નાખતો?’ વચલી અને નાની સ્વામિની પૂછતી.

‘આર્યા, ભલું થજો. મોટી દાસીનું, એ જાય ત્યારે જઈએ છીએ, એટલે હવે અમારો જલદી છૂટકો થાય છે!’ દાસીઓ કહેતી.

‘એમ વાત છે ત્યારે કહોને? મોટી માનીતી ને અમે અણમાનીતી? આવો અંતરટાળો? પણ જેમના કુટુંબમાં દાસીપુત્ર કર્તાહર્તા હોય, ત્યાં શો ભલીવાર હોય?’ સ્વામિનીઓના મોંમાંથી ધૂંધવાતા શબ્દો નીકળતા.

એમ ને એમ ત્રણેક વરસ નીકળી ગયાં. ભવિલ, ભવત્રાત ને ભવનંદી સારી એવી કમાણી કરીને હેમખેમ પરદેશથી પાછા આવ્યા.

ભાવિલે પત્નીને પૂછયું, ‘ભદ્રે! અમારી ગેરહાજરીમાં પૂર્ણ તારી સારસંભાળ તો બરાબર લેતો હતો ને?’

‘હા, સ્વામી! મને એણે કશું ઓછું આવવા નથી દીધું.’ તેેને ઉત્તર મળ્યો.

ભવત્રાત અને ભવનંદીએ પણ પત્નીઓને એવો જ પ્રશ્ન કર્યો. ‘અરે! જેમના કુટુંબમાં બધું દાસીપુત્રના હાથમાં હોય તેમની કેવી બુરી દશા થાય તેનો અમે બરાબર સ્વાદ લીધો,’ બંનેની પત્નીઓએ કહ્યું ને આંસુ, ડૂસકાં ને નિસાસાની સજાવટ સાથે, ત્રણ ત્રણ વરસ પૂર્ણે તેમને ઓશિયાળાપણાના કેવા કડવા ઘૂંટડા પાયા ને જેઠાણી પર તે કેવો વરસતો તેનો ભભકતો ચિતાર આપ્યો.

પણ પિતાનાં વચન યાદ કરી, સ્ત્રીઓનો ભાઈભાઈ વચ્ચે ફૂટ પડાવવાનો સ્વભાવ જ હોય છે માની નાના ભાઈઓએ વાતને આગળ ન વધારી.

અવારનવાર ભાઈઓના નાના છોકરાઓ પેઢીએ પહોંચી જતા ત્યારે પૂર્ણ તેમને રાજી કરવા કાંઈક ને કાંઈક આપતો. એક વાર ભવિલનો છોકરો દુકાને આવ્યો ત્યારે કોઈ ઘરાક સાકર ખરીદતો હતો. પૂર્ણે ભવિલના છોકરાના હાથમાં સાકરનો પડો આપ્યો. વળતે દિવસે ભવપાત્ર ને ભવનંદીના છોકરા દુકાન પર ગયા ત્યારે તરતમાં આવેલા ગોળના ગાડવા ત્યાં પડેલા હતા, એટલે પૂર્ણે તેમને થોડો થોડો તાજો ગોળ બાંધી આપ્યો. ગોળ જોઈને છોકરાઓની માતાઓએ તરત જ પતિના કાન કરડ્યા.

‘જોયું ને? અમે ખોટું કહેતાં હતાં? મોટા ઘરના છોકરાને સાકર ને આપણાં છોકરાંને બિચારાંને ગોળ? આ તો ઉઘાડો જ અંતરટાળો છે ને?’

જે જેની દૃષ્ટિમાં જ હોય તેને વાંધો શોધવા ક્યાં જવું પડે છે? વાંધાઓ આપોઆપ જ આવીને તેની પાસે ખડા થઈ જાય છે. એક વાર બનારસી કાપડનો એક સરસ સોદો પાર ઊતર્યો. તેથી પ્રસન્ન ચિત્તે પૂર્ણ બેઠો હતો, ત્યાં ભવિલનો છોકરો આવી ચડ્યો. પૂર્ણે તેને બનારસી કાપડના નમૂનાનો એક ટુકડો ત્યાં જ ગાદી ઉપર પડ્યો હતો તે આપ્યો. આ ખબર પડી કે તરત નાના ભાઈઓની સ્ત્રીઓએ પોતાના છોકરાઓને પેઢી પર ધકેલ્યા. એ છોકરાઓ ત્યાં પહોંચ્યા ત્યારે સુતરાઉ કાપડની ઘરાકી નીકળેલી. ભાવની ખૂબ રકઝક ને તાણાંખેંચ ચાલતી હતી. પૂર્ણે નાના ભત્રીજાઓને ઊંચી જાતના ઝીણા સુતરાઉ કાપડના નમૂનાના ટુકડા આપ્યા ને પાછો તે ઘરાક સાથે વાતે વળગ્યો, સુતરાઉ કાપડના ટુકડા જોઈને નાના ભાઈઓની સ્ત્રીઓ લાલચોળ થઈ ગઈ.

આમ વાતનું વતેસર થતું ચાલ્યું ને ચાલુ ભંભેરણીઓથી ભાઈઓનાં મન પણ ઊંચાં થઈ ગયાં, છેવટે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે કાંઈક નિકાલ તરતમાં ન આવે તો ગમે તે ઘડીએ ભડકો થાય. બંને નાના ભાઈઓને ભવિલ અને પૂર્ણ ખૂબ જ અકારા થઈ ગયા.

ભવત્રાત ને ભવનંદીએ સંતલસ કરી. મજિયારાના ભાગલા પાડી લેવા. ને ભાગ એવી રીતે પાડવાની ગોઠવણ કરવી કે ભવિલના હાથમાં ધૂળ જ આવે. તેઓ જાણતા હતા કે ભવિલનો પૂર્ણ ઉપર ઘણો ભાવ છે. એટલે તેમણે ચોકઠું પણ એ પ્રમાણે ઘડી કાઢ્યું.

ભવિલને બોલાવી ભવત્રાતે કહ્યું, ‘ભાઈ, સત્યાનાશ! હવે ભાગ પાડવા વિના છૂટકો નથી.’

‘ભાઈઓ, વાત ઘણી જ માઠી છે,’ ભવિલે ભારે સ્વરે કહ્યું, ‘પૂરો વિચાર કર્યા વિના પગલું ન લેશો. પિતાજીનાં વચનો ભૂલી ગયાં કે સ્ત્રીઓથી ઘર ભાંગે છે?’

‘એ બધું સાચું પણ અમે તો નક્કી કર્યું છે કે ભાગ પાડી લેવા. એમાં જ સૌનું હિત છે.’ ભવનંદી બોલ્યો.

‘તમે નક્કી કરી જ નાખ્યું હોય તો પછી ભલે. બોલાવીએ પંચને’

‘એમાં પંચને શું બોલાવવું? આપણે જ ત્રણ સરખા ભાગ કરી નાખીએ.’ ભવત્રાતે સૂચવ્યું.

‘ત્રણ જ ભાગ કેમ? પૂર્ણનો ભાગ નહીં?’ ભવિલે પૂછયું.

‘દાસીપુત્રનો તે ભાગ હોતો હશે? અમે તો એને પણ મિલકતનો એક ભાગ ગણીને વહેંચણીમાં લીધો છે. જુઓ, એમ કરીએ કે એક જણ ઘર ને ખેતર રાખે, બીજો અહીંની પેઢી ને પરદેશનો વેપાર રાખે ને ત્રીજાને ભાગે એકલો પૂર્ણ આવે. તારે જોઈએ તો પૂર્ણને તું રાખ. બીજું અમે વહેંચી લઈએ.’ ભવત્રાતે ગોઠવી રાખ્યા પ્રમાણે ચોખ્ખી ને ચટ વાત કરી.

ભવિલ ભાઈની બાજી સમજી ગયો. પાડેલા વિભાગોનો અન્યાય ઉઘાડો હતો. પણ તે વાંધો કાઢે તો કુટુંબક્લેશ થયા વિના ન રહે તે બીકે કશું ન બોલ્યો. પિતાનાં અંતિમ વચન સંભારીને તેણે એટલું જ કહ્યું, ‘સારું, હું પૂર્ણને રાખું છું.’

ભવત્રાતે પેઢી ને વેપાર રાખ્યાં, ભવનંદીએ ઘર ને ખેતર રાખ્યાં.

આમ વહેંચણી પતી ગઈ એટલે ભવનંદી સીધો ઘરે પહોંચ્યો. જઈને તેણે ભવિલની પત્નીને કહ્યું, ‘મોટી ભાભી, ઘરની બહાર નીકળ.’ એ બહાર આવી એટલે ભવનંદી બોલ્યો:

‘હવે ફરીથી આ ઘરમાં તારે પગ નથી મૂકવાનો, સમજી?’

‘શા માટે, ભાઈ?’ ડઘાઈ ગયેલી ભવિલપત્નીએ પૂછ્યું.

‘અમે મજિયારો વહેંચી લીધો છે. આજથી આ આખું ઘર મારું છે. તું પહેરેલ કપડે બહાર નીકળી જા.’

છોકરાંને લઈને તે ઘરની બહાર નીકળી.

તો બીજી તરફ ભવત્રાત પણ સીધો પેઢીએ પહોંચ્યો, જઈને પૂર્ણને કહે, ‘એલા પૂર્ણ, દુકાનેથી હેઠો ઊતર.’

પૂર્ણ નીચે ઊતર્યો. ‘હવે સાંભળી લે. બરોબર, જો ફરીથી પેઢીમાં તેં પગ મૂક્યો છે, તો તારો પગ જ ભાંગી નાખીશ.’ ભવત્રાતે કઠોર સ્વરે કહ્યું.

‘કાંઈ કારણ?’ સમજ ન પડતાં પૂર્ણે પૂછયું.

‘કારણ એ કે અમે ત્રણે ભાઈઓએ ભાગલા પાડી લીધા છે. પેઢીનો સ્વામી હવે એકલો હું જ છું, ને તારો સ્વામી ભૂખડીબારસ ભવિલ, જા અહીંથી.’

કશું બોલ્યા વિના પૂર્ણ ઘરે આવ્યો, ત્યાં ભવિલના કુટુંબને ઘરબહાર કાઢેલું તેણે જોયું, ભવિલની પત્ની પિયર જઈ રહી હતી. ભૂખ્યાં છોકરાં રડતાં હતાં. પૂર્ણને જોયો એટલે ભવિલની પત્ની બોલી, ‘પૂર્ણ, છોકરાઓને કાંઈક નાસ્તો તો લાવી દે.’

‘દામ આપો એેટલે હમણાં જ લઈ આવું.’ પૂર્ણે કહ્યું.

‘અરે, તું લાખો સોનૈયાનો વેપાર કરનારો ને તારી પાસે છોકરાઓના નાસ્તા જેટલું પણ ન મળે?’ ભવિલની પત્નીએ ટકોર કરી.

‘ભાભી, મને શું ખબર એ લોકો તમારી આવી દશા કરશે? એવું જાણતો હોત તો મેં લાખો સોનૈયા સંઘર્યા હોત.’ પૂર્ણ લાગણીથી બોલ્યો, ‘સ્ત્રીઓના છાયલને છેડે બેચાર તાંબિયા બાંધેલા જ હોય છે. તો તારે છેડે કાંઈ હોય તો જો.’

ભવિલની પત્નીએ છેડેથી તાંબિયો છોડી આપ્યો. તે લઈને પૂર્ણ ઉતાવળે પણ દૃઢ પગલે બજાર તરફ ઊપડ્યો.

પૂર્ણનું ચિત્ત તેમ જ બધી ઇન્દ્રિયો અત્યારે ખૂબ જ સતેજ બની ગયાં હતાં.

તેને હવે રાખમાંથી મહાલય ઊભો કરવાનો હતો.

માબાપ ગયાં ત્યારથી આ અજાણ્યા જેવા વિશાળ જગતમાં તેની એકલતા હળવી બનાવે તેવું મોટા ભાઈ ને મોટી ભાભી સિવાય બીજું કોણ હતું? શેરીમાં રડવડતી દશામાંથી તેમને પહેલાં કરતાંયે સવાયાં પ્રતિષ્ઠિત કરવા એ હવે તેનું કામ.

વચલાં ને નાનાં ભાઈભાભીએ બન્યું તેટલા કડવા ઘૂંટડા તેને પાયા ને એથી ન ધરાયા હોય તેમ છેવટે તેને તગડી મૂક્યો. એ તો ઠીક, પણ મોટા ભાઈનું પણ બધું આંચકી લીધું! ન્યાય, સત ને દયા જેવું કેમ બહુ ઓછું જોવા મળતું હશે?

પણ એક રીતે તો એ ઘણું સારું જ થયું, હવે એમનું નડતર જતાં, પોતામાં કેટલું પાણી છે, મોટા ભાઈ માટે પોતે કેટલું કરી શકે છે એ પોતે બરાબર બતાવી આપી શકશે.

વિચારોનાં આવાં આવાં ગૂંચળાં વાળતો પૂર્ણ એક તાંબિયાની મૂડી સાથે ધપી રહ્યો હતો. ધોરી બજાર તરફ જવાને બદલે તેની પછવાડે ત્રણચાર ગલીઓ હતી તેમાંથી એક પહોળી ગલીમાં તે વળ્યો. ત્યાં કૈંક જાણીતી ને અજાણી, મામૂલી ને ચિત્રવિચિત્ર જૂની નવી ચીજો ને જાતજાતની કાટકૂટ ને આચરકૂચર વેચાવા આવતાં.

ગીધ જેવી નજરથી અનેક ચીજો નિહાળતો, ઠેકઠેકાણે થોભતો પૂર્ણ આગળ વધતો હતો. તેની નજર લાકડાંનો ભારો લઈને એક તરફ બેઠેલા એક કઠિયારા પર પડી. ધૂળના લપેટા, કાળા ભંઠ વાન ને ભારે થાકને લીધે કઠિયારો પોતે જ કોઈ જંગલી લાકડાની ગાંઠ જેવો લાગતો હતો. ભારામાં પણ જાતજાતનાં, જાડાં-પાતળાં, પુરાણાં ને વિચિત્ર દેખાતાં લાકડાં બાંધેલાં હતાં.

દારુપરીક્ષામાં નિપુણ પૂર્ણે ભારાને આમતેમ તપાસ્યો. એકાએક તેની આંખમાં ચમક આવી. ભારાની અંદરના એક લાકડાને નખથી ખોતરી તપાસતાં તેણે કઠિયારાને પૂછ્યું.

‘શું લેવું છે ભારાનું?’

‘પાંચ સો તાંબિયા, શેઠ.’

‘કાંઈ ઓછું?’

‘ક્યાંય ક્યાંય આઘે જંગલમાં રખડીને ભેગાં કર્યાં છે. પોલાંબોલાં નથી. વજન જુઓ, લોખંડના ટુકડા જ જોઈ લો. આવાં લાકડાં પાંચસોથી ઓછે કોઈ આપે?’

‘સારું, ઉપાડ ભારો.’ કહી કઠિયારાને માથે ભારો મુકાવી પૂર્ણ તેને સાથે લઈને ચાલ્યો.

બજારમાં એક ઓળખીતા વેપારીના હાટ આગળ ભારો ઉતરાવી, તેમાંથી પેલું લાકડું પૂર્ણે ખેેંચી કાઢ્યું. કરિયાણાં-ગંધિયાણાં પારખવામાં અનુભવી બની ગયેલી તેની આંખે વરતી કાઢ્યું હતું કે એ લાકડું બીજું કશું નહીં, પણ અતિ વિરલ એવું ગોશીર્ષ ચંદન હતું. એક અસાધારણ ઓસડિયા લેખે તેમ જ સુગંધી દ્રવ્ય તરીકે તેના મોંમાગ્યાં નાણાં ઉપજતાં.

દુકાનદાર પાસેથી વાંસલો, ફરશી ને કરવત માગી પૂર્ણ ગોશીર્ષના લાકડાને છોલ્યું, ગોળાકાર બનાવ્યું, ને ચાર મોટા ટુકડા કરી કપડામાં બાંધી લીધા.

છોડાં ને છોલ પડ્યાં હતાં તે લઈને પૂર્ણ બજારમાં ગયો ને એક હજાર તાંબિયામાં તે વેચ્યાં. સાથે પોતાની પાસે કેટલુંક ગોશીર્ષ ચંદન હોવાની વાત તેણે બે-ચાર આગળ પડતા ગાંધીઓને કાને નાખી દીધી.

ઊપજેલા હજારમાંથી પાંચ સો કઠિયારાને આપ્યા અને ભાભીના પિયરનું ઠેકાણું દઈને તેને કહ્યું, ‘ભારો એ સ્વામિનીને આપી દેજે ને કહેજે કે પૂર્ણે મોકલ્યો છે.’

કઠિયારાએ કહ્યા પ્રમાણે ભારો પહોંચાડ્યો. કશી ખાદ્યસામગ્રી કે ચવાણાને બદલે માત્ર લાકડાં જોઈને ભવિલપત્ની કપાળ કૂટી બોલી, ‘અરેરે, ધન ગયું તે સાથે પૂર્ણની બુદ્ધિ પણ ચાલી ગઈ કે શું? રસોઈની સામગ્રીને બદલે રસોઈનું સાધન મોકલ્યું! લાકડાંથી શું મારા હાથ પકાવું?’

ત્યાં તો થોડી વારે પૂર્ણ પોતે આવી પહોંચ્યો. વધેલા પાંચ સો તાંબિયામાંથી તે રસોઈની બધી સાધનસામગ્રી, વસ્ત્રો, દાસી, ગાય ને બીજી ઘરઉપયોગી ચીજવસ્તુ પોતાની સાથે લેતો આવ્યો હતો. ભાભીનો કચવાટ કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયો.

હવે બનવાકાળ તે શૂર્પારકના રાજાને એ દિવસોમાં દાહજવર ઊપડી આવ્યો. અનેક ઓસડો ને ઉપચારો કર્યા, પણ કશી કારગત ન ચાલી. એટલે રાજવૈદ્યે કહ્યું કે ગોશીર્ષ ચંદન એ જ હવે મહારાજના રોગનું એકમાત્ર ઓસડ છે.

અમાત્યોએ ગોશીર્ષ ચંદનની બજારમાં તપાસ કરી. કોઈ પણ ગાંધીને ત્યાં ન હતું, પણ ત્રણચાર જણ પાસેથી વાત મળી કે ભવશ્રેષ્ઠીના પુત્ર પૂર્ણ પાસે એ હોય તો હોય.

અમાત્યો પૂર્ણ પાસે પહોંચ્યા. પૂછ્યું, ‘પૂર્ણ, તારી પાસે ગોશીર્ષ છે?’

‘હા, છે તો ખરું, કેમ?’ પૂર્ણે સામે પૂછ્યું.

‘મહારાજાના દાહજ્વરમાં ઉપચાર માટે જોઈએ છે. બોલ, કેટલા લઈશ?’

‘ઓહો! મહારાજાનું ઓસડ કરવા જોઈએ છે? તો તો મારાથી વધુ ન લેવાય. એક હજાર સોનૈયા હું પૂરતા ગણીશ,’ એમ કહી પૂર્ણે ચારેય ટુકડામાંથી થોડો થોડો ભાગ કાપી આપ્યો.

ગોશીર્ષવાળા ઓસડના લેપથી રાજાનો દાહજ્વર મટી ગયો. રાજાને થયું, આવું ચમત્કારી ઓસડ રાજાને ત્યાં ન હોય એ તે કેવું?

તેણે અમાત્યોને બોલાવીને પૂછ્યું:

‘ગોશીર્ષ તમે ક્યાંથી મેળવ્યું?’

‘ભવશ્રેષ્ઠીના પુત્ર પૂર્ણશ્રેષ્ઠી પાસેથી મહારાજ! આખા શૂર્પારકમાં માત્ર તેની જ પાસેથી નીકળ્યું.’

‘પૂર્ણને બોલાવો. હોય, તો તેની પાસેથી આપણે થોડુંક લઈ રાખીએ.’

પૂર્ણને સંદેશો અને તેડું ગયાં. ગોશીર્ષના ત્રણ ટુકડા રેશમી વસ્ત્રમાં બાંધી, એક છૂટો હાથમાં લઈ પૂર્ણ જઈને રાજાને મળ્યો. રાજાએ કહ્યું:

‘પૂર્ણ, તારી પાસે થોડુંક ગોશીર્ષ હોય તો મારે જોઈએ છે. ’

‘આ રહ્યું, દેવ.’ હાથમાંનો ટુકડો ધરતાં પૂર્ણ બોલ્યો.

‘દેવ જાણે છે કે કેટલી વિરલ આ ચીજ છે તે. એક લાખે માગણી થઈ છે.’

‘આટલું જ તારી પાસે છે કે બીજું પણ છે?’

‘બીજા પણ ત્રણ ટુકડા છે.’ પૂર્ણે પોટલી છોડી ટુકડા રાજા આગળ મૂક્યા.

રાજાએ પૂર્ણને ચાર લાખ ગણી આપવાની અમાત્યોને આજ્ઞા કરી. પૂર્ણ બોલ્યો:

‘દેવ, આમાંથી એક ટુકડાની આપને હું ભેટ ધરું છું, કૃપા કરી આપ એ સ્વીકારો ને મને ત્રણ લાખ જ આપો.’

‘ભલે પૂર્ણ, તારી ભેટ સ્વીકારું છું, પણ મારાથી એ સાવ એમ ને એમ ન લેવાય. તુંયે એના બદલામાં મારી પાસેથી કાંઈક લે.’

‘દેવ’, પૂર્ણ બોલ્યો, ‘ભેટનો બદલો લઉં તો એ પછી ભેટ ક્યાં રહી? પણ આપનું કહેણ પાછું ઠેલવું એ પણ અઘટિત ગણાય. એટલે આપની પ્રસન્નતા હોય, તો એક આટલું માગું કે આપના રાજ્યમાં મારું કોઈને હાથે અપમાન ન થાય.’

અપમાનના ઘૂંટડા પીને ગળે આવી ગયેલા પૂર્ણને આથી વધીને બીજી કઈ માગણી કરવા જેવી લાગે?

રાજાએ અમાત્યોને કહી દીધું:

‘જુઓ, આજથી તમારે આ વાતની બરાબર સાવચેતી રાખવી. મારા કુમારોને આજ્ઞા કરવાનું પ્રાપ્ત થાય તો કરવી, પણ પૂર્ણને કદી પણ કોઈએ કશી આજ્ઞા ન કરવી!’

ત્રણ લાખ લઈ, રાજાને પ્રણામ કરી પૂર્ણ ઘરે આવ્યો.

પૂર્ણે રાજકૃપાથી વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત કર્યાની વાતને થોડોક સમય થયો હશે, તેવામાં પાંચ સો પરદેશી વેપારીઓ સાગર ખેડી માલનાં વહાણ ભરી શૂર્પારક આવી પહોંચ્યા. માલમાં ખાસ તો મહામૂલાં કેસર ને કસ્તૂરીનો મોટો જથ્થો હતો.

શૂર્પારકના વેપારી મહાજનને પરદેશી માલ આવ્યાના સમાચાર મળ્યા. મહાજન એકઠુું મળ્યું ને એવો ઠરાવ કર્યો કે આવેલા વેપારીઓ પાસે માલ ખરીદવા કોઈએ એકલા ન જવું. મહાજન તરફથી જ માલની ખરીદી કરવી અને પછી વેપારી દીઠ વહેંચણી કરી આપવી. એટલે આપસઆપસની હરીફાઈનો પરદેશીઓ નકામો લાભ ઉઠાવી ન જાય.

ઠરાવ કરવા સૌ ભેગા મળ્યા, ત્યારે કોઈએ સૂચવ્યું કે ભવિલને અને પૂર્ણને પણ બોલાવીએ. પણ ત્યાં તો બેચાર જણ બોલી ઊઠ્યા: ‘એ ભિખારીઓને તે શું બોલાવવા?’ એટલે વાત પડતી મુકાઈ ને તેમના વિના જ ઠરાવ થયો.

શૂર્પારકના વેપારીઓ આવેલા પરદેશીઓના માલની ખરીદનીતિ નક્કી કરવાનો હજી તો આવો ઊહાપોહ ચલાવી રહ્યા હતા, ત્યારે પૂર્ણ તો માલ આવ્યાની જાણ થતાં જ ગુપચૂપ એકલો સીધો વહાણ પર પહોંચી ગયેલો, ને નાણાંની થેલી પણ સાથે લઈ ગયેલો. આવેલા વેપારીઓ પાસેનાં કેસરકસ્તૂરી ઘણી ઊંચી જાતનાં હતાં. વળી એની અત્યારે શૂર્પારકમાં ઘણી અછત હતી. અને ખાસ તો તેણે કરેલી ગુપ્ત તપાસ ઉપરથી જાણવા મળ્યું હતું કે રાજકુટુંબ માટે થોડાક જ દિવસોમાં સારા જથ્થામાં કેસરકસ્તૂરી ખરીદ કરવાનાં હતાં.

ભવશ્રેષ્ઠીની જૂની શાખ હતી અને પૂર્ણ સાથે, આવેલા વેપારીઓને આ પહેલાં પ્રસંગ પડેલો. તેઓ પૂર્ણની સચ્ચાઈ ને બાહોશીથી સારી રીતે પ્રભાવિત હતા.

વેપારીઓ પાસે કેટલો ને કેવો માલ છે તે જાણી લઈ પૂર્ણે ભાવતાલની વાત કાઢી.

‘શ્રેષ્ઠી, ભાવ અમે શું કરવાના હતા?’ પરદેશીઓનો મોવડી હસીને બોલ્યો, ‘આઘા જઈએ કે પાછા, છેવટે તો અમારે અહીં તને જ પૂછીને પગલું ભરવાનું હોય છે. પછી તારી સાથે ભાવતાલ શું કરવો? લઈ જા. તારો જ માલ છે.’

‘ઠીક છે, એ તો. તમારો મારા પર ભાવ એ જ મોટી વાત છે. પણ કાંઈક નામ તો પાડો.’ પૂર્ણે કહ્યું.

‘માલ તો તેં જોયો ને? પણ અમારે તો જલદી ઘરભેળા થવું છે, એટલે થોડું ઓછું કે થોડું વધારે. ને તારી સાથે ભાવ કરવાનો થોડો હોય? જા, તું લઈ જતો હોય તો અઢાર લાખે આપ્યો. બીજો હોય તો વીશથી એક દામ ઓછો ન કરીએ. આવો માલ ક્યાં છે અત્યારે?

‘અછતનો લાભ લઈને જ તમે બમણો ભાવ માગો છો, પણ ભાવ કબૂલ. લો, આ ત્રણ લાખ બાના પેટે આપી જાઉં છું. બાકીના પહોંચાડી દઈશ. ને આ માલ હવે મારો.’

સોદો નક્કી થઈ ગયો. માલ પર પોતાના નામની મુદ્રા લગાવીને પૂર્ણ પાછો ફર્યો.

બીજે દિવસે મહાજનનો પ્રતિનિધિ માલ ને ભાવતાલની તપાસ કરવા આવ્યો. પરદેશીઓએ તેને માલ બતાવ્યો. માલ જોઈને વેપારી આગળથી નક્કી કરીને આવ્યો હતો તે પ્રમાણે બોલ્યો, ‘માલ તો સારો છે જાણે, પણ તમે કવેળાએ આવ્યા છો. કેસરકસ્તૂરીનો ભરાવો અમારે ત્યાં એટલો થઈ ગયો છે કે તમારે માટે મને તો બહુ આશા નથી પડતી. હા, તમારી પાસે ઊંચી જાત છે. એટલી એક ઊગરવાની બારી છે.’

‘શ્રેષ્ઠી, તું એ બાબતની ચિંતા મા કરીશ’ પરદેશીઓનો મોવડી ટાઢપથી બોલ્યો, ‘તમારે ત્યાં માલ ભર્યો પડ્યો હોવાની વાત કદાચ સાચી હશે. પણ આ અમારો માલ તો વેચાઈ ગયેલો છે.’

‘માલ વેચાઈ ગયેલો છે?’ મહાજનનો પ્રતિનિધિ આભો થઈ ગયો. ‘કોને વેચ્યો?’

‘પૂર્ણ શ્રેષ્ઠીને. આ એની મુદ્રા જ જોઈ લે ને!’

‘ઓહો! પૂર્ણને? ત્યારે તો તમને ઘણું મળ્યું હશે એની આગળથી,’ પ્રતિનિધિ શ્રેષ્ઠી દાઢમાંથી બોલ્યો.

‘કેમ એમ બોલો છો?’

‘શ્રેષ્ઠી, તમે છો પરદેશી, અહીંની વાત તમે શું જાણો? પણ મારી સાથે સંબંધ છે એેટલે કહું છું કે પૂર્ણ હવે સાવ ખાલીખમ થઈ ગયો છે. એણે જે કાંઈ મોટી મોટી વાતો કરી હોય તે આભના તારા જ માનજો.’

‘શ્રેષ્ઠી,’ પરદેશીના મોવડીએ સહેજ ખુલ્લા સ્વરે કહ્યું, ‘આભના તારા નથી, આ તો હથેળીના જ તારા છે. તમે ભાવ પેટે પણ ન આપો એટલું પૂર્ણ બાનામાં આપી ગયો છે, સમજ્યા?’

‘કેટલા આપ્યા?’

‘ત્રણ લાખ.’

‘એમ વાત છે!’ મહાજનના પ્રતિનિધિએ હસતાં હસતાં કહ્યું, ‘ત્યારે તો પૂર્ણે તેના ભાઈઓને પેટ ભરીને લૂંટ્યા. આટલું બધું હશે, એની આપણને ખબર નહીં.’ મહાજનનો પ્રતિનિધિ પાછો ફર્યો.

તેણે મહાજનને વાતની જાણ કરી. તેમણે પૂર્ણને બોલાવીને કહ્યું, ‘પૂર્ણ, મહાજને ઠરાવ કર્યો છે કે કોઈ વેપારીએ હાલ આવેલા પરદેશીઓનો માલ વ્યક્તિગત ન ખરીદતાં, મહાજન તરફથી જ ખરીદવો. એ છતાં તેં એકલા જઈ માલ ખરીદી લઈને મહાજનના ઠરાવનો ભંગ કેમ કર્યો?’

પૂર્ણે ઉત્તર દીધો, ‘આ અંગે મારે તમને એટલું એક પૂછવાનું છે કે મહાજને આ ઠરાવ કર્યો ત્યારે મારા ભાઈ ભવિલને કે મને બોલાવેલો ખરો? ઠરાવ તમે કર્યો હોય તો તમે પાળો. મને એ કઈ રીતે લાગુ પડે?’ જરાયે દબાયા વિના પૂરા નીડરપણે અપાયેલો આ ઉત્તર મહાજનના મોવડીઓને માટે પૂરતો હતો. તેમણે પૂર્ણનો સાઠ સોનામહોર દંડ કર્યો અને તેની સાથે કોઈ પણ વેપારીએ વહેવાર ન રાખવો એવો ઠરાવ કર્યો.

પૂર્ણ પ્રત્યેના આવા વર્તાવની વાત અધિકારીઓ દ્વારા રાજાને કાને પહોંચી. તેણે મહાજનના મોવડીઓને બોલાવ્યા. પૂર્ણની સંમતિ વિનાનો ઠરાવ પૂર્ણને બંધનકર્તા કઈ રીતે હોય એવું મોવડીઓને પૂછતાં તેઓ ઝંખવાણા પડી ગયા અને પૂર્ણ ઉપર મૂકેલા પ્રતિબંધો તેમણે પાછા ખેંચી લીધા.

થોડા દિવસમાં જ રાજાના અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં કેસરકસ્તૂરી પૂરાં પાડવા વેપારીમહાજનને જણાવ્યું. સૌની વખારો ખાલી હતી. માત્ર પૂર્ણ જ જોઈએ તેટલો માલ પૂરો પાડી શકે તેમ હતો. મહાજને રાજાને આ વાત કરી. રાજાએ કહ્યું, ‘પૂર્ણને હું આજ્ઞા ન કરું. તમે જ તેની પાસેથી ખરીદવાની ગોઠવણ કરો.’

મહાજને પૂર્ણને બોલાવવા માણસ મોકલ્યો. પૂર્ણ ન આવ્યો. એટલે આ બધા મહાજનના મોવડી ભેળા મળી પૂર્ણને નિવાસે ગયા. બારણા આગળ ઊભા રહી અંદર માણસ મોકલ્યો.

માણસે પૂર્ણને કહ્યું, ‘પૂર્ણ, જલદી બહાર આવ. તારે બારણે વેપારીમહાજન આવીને ઊભું છે.’

પૂર્ણ કશી ઉતાવળ વિના નિરાંતે થોડી વારે બહાર આવી મહાજનને મળ્યો. મોવડીઓએ કહ્યું, ‘પૂર્ણ, તારી પાસે જે કસ્તૂરી ને કેસર છે, તે મહારાજા માટે જોઈએ છે. તો તું ખરીદેલા ભાવે અમને આપ.’

‘મહાજનને મોઢે આવી વાત શોભે ખરી?’ પૂર્ણ બોલ્યો. ‘કોઈ વેપારી ખરીદભાવે પોતાનો માલ વેચે ખરો? અને તે પણ મહારાજા જેવા ખમતીધરને પૂરો પાડવાનો હોય ત્યારે?’

મોવડીઓ સૌ શૂર્પારકના પ્રમુખ વેપારીઓ જ હતા. રાજાને જોઈતી ચીજવસ્તુઓ નફાનો કેટલો ગાળો રાખીને તેઓ પૂરી પાડતા એ જાણીતું હતું.

મોવડીઓએ બમણે ભાવે પૂર્ણનો માલ ખરીદવાની તૈયારી બતાવી. ‘મહાજનનું વચન પાછું નથી ઠેલી શકતો,’ એમ ઉપર હાથ રાખી પૂર્ણે તેમને માલ વેચ્યો, ને આવેલાં નાણાંમાંથી તેણે પરદેશીઓની બાકીની રકમ ચૂકવી દીધી.

આમ સૂક્ષ્મદશિર્તા ને અનુભવને બળે પૂર્ણ ઝડપથી પગભર થવા લાગ્યો.

પૂર્ણ પગભર થવા લાગ્યો એમ કહેવું તે કરતાં એણે ઘડીક પગ ઠરાવવા જેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી એમ કહેવું જ વધુ ઠીક હતું. પૂર્ણને થયું, આ રીતે તો ક્યારે ઊંચા આવીશું?

અકસ્માત તક મળી ને બેત્રણ સોદા સારા પાર ઊતર્યા એમાં કોઈનું દળદર ફીટે ખરું? ઝાકળનાં ટીપાંથી ઘડો કયે દહાડે ભરાવાનો હતો? આ ગતિએ ચાલવું એ ભવશ્રેષ્ઠીનો હતો તેવો મોભો જમાવવો એમાં તો આખો જન્મારો પણ પૂરો ન પડે. અને તેણે મહાસાગર ખેડવાની તૈયારી કરી. બેવાર તેના ભાઈઓ સાગર ખેડવા ગયેલા. પણ બંને વાર પૂર્ણને શૂર્પારકમાં જ રહેવું પડ્યું હતું. તેની સ્વભાવગત સાહસવૃત્તિ આથી વધુ ઉત્કટ — વધુ ઉગ્ર બની હતી. અનેક વાર તે કૂદાકૂદ કરતી હવે તે દાબી દબાય તેમ ન હતું. પૂર્ણે શૂર્પારકમાં ઘંટાઘોષ કરાવ્યો: પૂર્ણ સાર્થવાહ મહાસાગરની ખેપે જાય છે. જે કોઈ વણિક સાથે જવા ઇચ્છતો હોય તે પૂર્ણને જાણ કરે ને લઈ જવાનો માલ તૈયાર રાખે. તેના રક્ષણ, જકાત ને પ્રવાસખર્ચનો બધો ભાર પૂર્ણ પોતે ઉઠાવશે.

અનેક વેપારીઓ પૂર્ણ સાથે જવા તૈયાર થઈ ગયા. માંગલિક વિધિ ને સ્વસ્તિવાચન કરાવી શુભ શુકને અને મૂહુર્તે તેઓ ઊપડ્યા. દિવસોના દિવસો પ્રવાસ કરી દૂરના દ્વીપોમાં પહોંચ્યા. ને માલની લેવેચ કરી ઘણો સારો એવો લાભ પ્રાપ્ત કરી ક્ષેમકુશળ સૌ શૂર્પારક પાછા આવી ગયા. હવે લોહી ચાખી ગયેલા વાઘની જેમ પૂર્ણ કોઈનો ઝાલ્યો રહે તેમ ન હતો. એક દ્વીપદ્વીપાંતરોમાંથી અઢળક દ્રવ્ય રળી લાવ્યો. સમૃદ્ધિ ને પ્રતિષ્ઠાનાં એક પછી એક શિખર તે સર કરતો ગયો. હવે શૂર્પારકના ત્રણચાર અગ્રગણ્ય સાર્થવાહોમાં તેની ગણના થવા લાગી. એટલું જ નહીં, એક સાહસિક સફળ સાગરખેડુ તરીકે તેની નામના દેશદેશાંતરમાં પ્રસરી ગઈ.

એક વાર શ્રાવસ્તીનગરીના કેટલાક આગળ પડતા વેપારીઓ માલનાં વહાણો ભરીને શૂર્પારક આવ્યા. પ્રવાસનો થાક ઉતારતાં તેઓ પૂર્ણ સાર્થવાહને મળવા ગયા અને તેને મહાસાગરની ખેપમાં પોતાની સાથે આવવા કહ્યું.

પૂર્ણે કહ્યું, ‘સાર્થવાહો! હું તમને એક પ્રશ્ન પૂછું છું, તેનો ઉત્તર આપશો? તમે આટલા બધા જણ છો, એમાંથી એક પણ એવો છે ખરો જેણે છ વાર મહાસાગર સફળતાથી ખેડ્યો હોય, ને જે પાછો સાતમી વાર જતો હોય?’

પૂર્ણની આવવાની અનિચ્છાથી નિરાશ થતા વેપારીઓએ કહ્યું, ‘સાર્થવાહ, અમે ઘણે દૂરથી તારી કીર્તિ સાંભળીને આશાથી આવ્યા છીએ.’

‘તારે અમને સાથ ન જ આપવો હોય તો પછી જેવી તારી ઇચ્છા. બીજું તો અમે શું કહીએ?’

વેપારીઓનું મન દુભાતું જોઈને પૂર્ણ હવે ધનની કશી અબળખા નહોતી રહી તોયે તેમની સાથે નીકળ્યો.

પ્રવાસની પહેલી રાત પૂરી વીતી. વહેલા પ્રભાતે શ્રાવસ્તીના સાર્થવાહો ઊઠીને મધુર, પ્રલંબ સ્વરે સ્તોત્રો, ગાથાઓ ને સૂત્રોનો સ્વાધ્યાય કરવા લાગ્યા. તેમાંથી નીતરતી શ્રદ્ધા ને પવિત્રતાની નિર્મળ ભાવનાથી પૂર્ણ ઘણો પ્રભાવિત થયો.

તેણે તેમને કહ્યું, ‘તમે ઘણાં સુંદર ગીતો ગાઓ છો.’

‘સાર્થવાહ,’ શ્રાવસ્તીના વેપારીઓ તરફથી ઉત્તર મળ્યો, ‘એ ગીતો નહોતાં, એ તો હતાં બુદ્ધવચન.’

ઊંડા ભાવથી ઉચ્ચારાયેલું આ બુદ્ધનું નામ પૂર્ણે આ પહેલાં કદી પણ નહીં સાંભળેલું. તેણે આદરથી પૂછયું, ‘એ બુદ્ધ કોણ?’

એક વેપારીએ ખુલાસો કર્યો. ‘બુદ્ધનું નામ તેં નથી સાંભળ્યું, સાર્થવાહ? એ શ્રવણ ભગવાનનો જન્મ શાક્યકુળમાં થયેલો — ગૌતમ તેમનું નામ. તેમણે મસ્તક ને દાઢી મૂંડાવી. કાષાય વસ્ત્ર ધારણ કરી સાચી શ્રદ્ધાથી ઘરવાસ છોડ્યો, પ્રવજ્યા લીધી ને સમ્યક સંબોધિ પામ્યા, એટલે તેઓ બુદ્ધ કહેવાય છે.’

‘અત્યારે ભગવાન શ્રાવસ્તીના જેતવનમાં અનાથપંડિકના આરામમાં વિહરે છે.’ તેને ઉત્તર મળ્યો. આ પ્રસંગે પૂર્ણને ઘડીક ઊંડા વિચારમાં નાખી દીધો. તેના ચિત્તમાં બુદ્ધ પ્રત્યેની સાચી આસ્થાનું બીજ વવાયું.

પ્રવાસીઓ નિર્ધારિત સ્થળોનો પ્રવાસ કરી સારો એવો લાભ કરી સ્વદેશ પાછા ફર્યા. પૂર્ણે પણ શૂર્પારકમાં પ્રવેશ કર્યો.

પણ આ વખતે સાગર ખેડીને પાછા આવેલા પૂર્ણમાં કાંઈક અવનવું પરિવર્તન જણાતું હતું. ઉપર ઉપરથી તો તેનો અદમ્ય ઉત્સાહ, અણથક શ્રમ લેવાની શક્તિ ને તીક્ષ્ણ દૃષ્ટિ એનાં એ જ લાગતાં હતાં. પણ તેનાં બોલવા ચાલવામાં પહેલાં આછી આછી કળાતી વિષાદની રેખા હવે કાંઈક વધુ પ્રકટ, વધુ સ્ફુટ લાગતી.

પ્રવૃત્તિના પૂરમાં એ એટલો જ ડૂબેલો રહેતો. પણ તેનો સ્વાદ જાણે કે તેને માટે ફિક્કો પડી ગયો હોવાની શંકા હતી. ખૂબ જ મહત્ત્વના કામની વચ્ચે તેનું મન કોઈ કોઈ વાર સૂનમૂન થઈ જતું. કાંઈક ઊંડી ગડમથલમાં તે ગૂંચવાયેલો લાગતો.

તેના મોટાભાઈ ભવિલની દૃષ્ટિથી પૂર્ણમાં થયેલો ફેરફાર છાનો ન રહ્યો. તેને થયું, સંકટ ને જોખમભર્યા અનેક લાંબા પ્રવાસો ખેડીખેડીને પૂર્ણ હવે ગળે આવી ગયો લાગે છે. અત્યાર સુધી આવતાં અનેક સારાં સારાં માગાં પૂર્ણે એક નહીં ને બીજે બહાને પાછાં ઠેલ્યાં છે. પણ હવે ગૃહસ્થીનું સુખ માણવાનો સમય તેને માટે ક્યારનોયે પાકી ગયો છે.

અવસર જોઈ તેણે પૂર્ણને કહ્યું, ‘ભાઈ, હવે તારા મનની ચોખ્ખી વાત કરી દે. અત્યાર સુધી તેં ના ના કર્યું છે. પણ હવે નહીં ચાલે. કહે, શૂર્પારકના કયા ધનપતિની, કયા સાર્થવાહની પુત્રી પર તારું મન છે? તું કહે એટલે આજ ને આજ જઈને માગું નાખું. હવે નથી થોભવું.’

‘મોટાભાઈ,’ પૂર્ણે સહેજ ભારે સ્વરે કહ્યું, ‘ખરું કહું? કોણ જાણે કેમ પણ બધામાંથી મારો રસ એકાએક સુકાઈ જતો લાગે છે. ને કામભોગ તરફ તો મને કશી વૃત્તિ જ નથી. એથી થોડીયે ઇચ્છા કે રુચિ હોત તો તમારું કહેવું જરૂર માથે ચડાવત.’

‘એવું તે હોય, ગાંડા,’ ભવિલ બોલ્યો. ‘વિવાહ વિના જ તારું મન મૂંઝાય છે. રૂપાળી, સુશીલ વહુ આવશે એટલે ધંધો શું, અમને પણ ભૂલી જઈશ.’

‘વાત ઊલટી છે, મોટાભાઈ, મને તો હવે એમ થાય છે કે તમે આજ્ઞા આપી તો હું પ્રવજ્યા લઈ લઉં?

‘શી વાત કરે છે તું આ?’ ભવિલ આભો બની ગયો. ‘પ્રવજ્યા? પ્રવજ્યા લેવાનું કોઈ કારણ? અને પછી આ આટલું અઢળક ધન રળ્યો, આટલી પ્રતિષ્ઠા, આટલી કીર્તિ એ બધું કોને માટે? હા, પ્રવજ્યા લેવા જેવું હતું ખરું એક વાર, જ્યારે ભવત્રાતે ને ભવનંદીએ આપણને પહેરેલા કપડે કાઢી મૂક્યાં હતાં, ને ખાવા ધાન ન હતું, પણ અત્યારે લક્ષ્મીની છોળો ઊછળે છે, કીર્તિની ટોચે બેઠો છે ત્યારે પ્રવજ્યા?’

‘મોટાભાઈ, પડતી દશામાં લીધેલી પ્રવજ્યા તો કાયરતા ગણાત. કાંઈ છોડવાનું ન હોય ને છોડવા બેસે એનું મૂલ કેટલું? શોભા તો હવે જ પ્રવજ્યા લેવામાં છે. પિતાશ્રીથી સવાયો મોભો મેળવ્યો, કુળપરંપરા જાળવી, જગત જોયું ને તમારી થોડીક સેવા કરી. પણ હવે આ બધું નીરસ લાગે છે.’ અને ભવિલે તેને ઘણો સમજાવ્યો, છતાં પૂર્ણનો નિર્વેદ એટલો વ્યાપક હતો કે તેને ન છૂટકે ને ઊંડા દુઃખે અનુજ્ઞા આપવી પડી.

વિદાયવેળાએ પૂર્ણે ભવિલને કહ્યું, ‘ ભલે મોટાભાઈ, જતાં જતાં એટલી વિનંતી કરું છું કે બે વાનાં આપે કદી પણ ન કરવાં. એક તો એ કે કદી પણ સાગર ખેડવા ન જશો. તમે બે વાર જઈ આવેલા છો ને હું પણ સાત વાર જઈને આવેલો છું, છતાં ખરી વાત એ છે કે એમાં દુઃખ ઝાઝાં ને સ્વાદ થોડો છે. ને એ ખેડે તો કૈંક, પણ પાર ઊતરે છે કોઈક. ને બીજું એ ભવત્રાત ને ભવનંદી ગમે તેટલું કહે તો પણ તેમની સાથે રહેવા ન જશો. આપણું ધન ન્યાયથી મેળવેલું છે, એમનું અન્યાયથી. બસ, આટલી છેવટની વાત મારી માનજો.’

ભાઈ-ભાભીને પ્રણામ કરી, સાથમાં માત્ર એક અનુચર લઈ, પૂર્ણ શૂર્પારક છોડીને નીકળ્યો.

અનેક દિવસોના પ્રવાસનો છેવટે અંત તો આવ્યો, પૂર્ણ શ્રેષ્ઠીએ શ્રાવસ્તીની ભાગોળ દીઠી, ને કોઈ અવનવી શાતાએ એના ચિત્તને ભરી દીધું. એક પ્રબળ ઉમળકો તેના રોમને તરંગિત કરી રહ્યો.

સાગરની તેણે ખેડેલી સાતસાત ખેપોમાં એવી કટોકટીની પળો ઓછી નહોતી. જ્યારે તેણે જીવન ને મરણની વચ્ચે ઝોલાં ખાધાં હોય, ને જ્યારે કાંઠાનો આધાર ને માનવી હૂંફ મળતાં ઊંડી શાતા અનુભવી હોય, વેપારવાણિજ્યમાં પણ એવી સંકડામણો ઠીકઠીક આવી ગયેલી, જ્યારે ઊંધું પડે તો રસ્તાના ભિખારી થવું પડે; પણ એવી ભીડોયે ભાંગી ગયેલી, ને એ ભાંગતાં તેણે નિરાંતે સાહસના સાફલ્યની મદિરાનો નશો માણેલો, પણ અત્યારની તેની શાતાનો ને તેના ઉમળકાનો સ્વાદ અનોખો, સાવ અજોડ હતો.

અને આમાં પૂર્ણની હમણાંની મનોદશાએ પણ જેવોતેવો ભાગ નહોતો ભજવ્યો. તેણે શૂર્પારક છોડ્યું ને અત્યારે શ્રાવસ્તી આવી પહોંચ્યો, એ પ્રવાસમાં તેને જીવનમાં પહેલી જ વાર ખરેખરું એકાંત સાંપડ્યું હતું. ચોવીસે કલાક વીંટળાઈને રહેતો, તેનામાં પરોવાઈને રહેતો નઠોર ઘોંઘાટ ને આંધળી ધાંધલધમાલ સાપની કાંચળીની જેમ તેનાથી અળગો થઈ ગયાં હતાં. આ પ્રવાસમાં કોઈ તેનામાં માથું મારનાર ન હતું, ન તો તેને કોઈનામાં માથું મારવાપણું હતું.

આવી અણબોટી નિરાંતે ને એકાંતમાં તે પોતાના અત્યાર સુધીના જીવનના અનેકરંગી ચિત્રપટનું આખુંયે ઓળિયું ઉખેળીને ફેરવી ફેરવીને તપાસી ગયો હતો.

બચપણમાં અનૌરસ પુત્ર તરીકે વેઠેલી કડવી હીણપત...સમજણો થતાં ભાઈ-ભાભીઓએ પાયેલાં અપમાનનાં ગરલ... રોજરોજનું રળી લાવી મોટાભાઈના કુટુંબનું ભરણપોષણ કરવામાં કપરા, અણખૂટ દિવસો... વેપારની ખટપટ, કૂડકપટ, કાવાદાવા ને મથામણો... જીવસટોસટની ને કષ્ટનાં કટકે ઊભરાતી દરિયાઈ ખેપો... અને એ બધું શાને માટે? પોતે કોટિપતિ તો થયો, પણ તેથી સુખનો કયો ભંડાર લૂંટ્યો? ક્ષણનો નશો, તેના પરિણામે ઊંડો અવસાદ, વળી નવા નશા માટે હવાતિયાં — કેવા ભયંકર ચક્કરમાં એ ફસેલો! કાંઠાથી થોડેક દૂર દેખાતા લોભામણા જાદુઈ કમળને હાથ કરવા તેણે જળાશયમાં ઝંપલાવ્યું, બાવડાં વીંઝતો — આ હમણાં પકડી લઉં છું.’ એવી આશાભર્યો તે અંતર કાપતો જ રહ્યો, કમળની તે નજીક પહોંચવાનો ભ્રમ સતત સેવતો રહ્યો, તે કમળ તેનાં જ હાથ-પગ વીઝાંતાં ઊઠતાં વમળોને આગળ ને આગળ વધુ ઊંડાણ ને તાણની દિશામાં ધકેલાતું રહ્યું! આશાના ઝાંઝવામાં, પ્રવૃત્તિઓની ઘૂમરીઓમાં તે બાથોડિયાં ભરતો જ રહ્યો, ભરતો જ રહ્યો.

પણ હવે તો તેને પોતાના ઉદ્ધારનો માર્ગ સૂઝી ગયો હતો. તારણહારની પાસે જ તે જઈ રહ્યો હતો ને!

તેનું શ્રાવસ્તી આવવું તેને વધુ ને વધુ ગૌરવવંતું લાગતું હતું. શ્રાવસ્તીની દૂરથી ઝાંખી થતાં સાથે જ તેણે અદમ્ય તૃષ્ણા ને ગૂંગળાવતા તરવરાટમાંથી તરતમાં છૂટવાનો — અરે કહો ને કોઈ અનેરા જીવનના અરુણોદયનો — રોમાંચ અનુભવ્યો. બુદ્ધનું શાતાદાયી શરણ...

પણ એટલામાં, આગળથી અનુચરને સંદેશો દઈને શ્રાવસ્તીમાં મોકલેલો તે સામેથી પાછો આવતો દેખાયો, ને પૂર્ણની તરંગતંદ્રા તૂટી.

પાસે આવી પહોંચ્યો તેવો જ તેનો અનુચર એક શ્વાસે બોલવા લાગ્યો, ‘સ્વામિન્, અનાથપિંડક શ્રેષ્ઠીને મેં ખબર આપ્યા કે પૂર્ણ શ્રેષ્ઠી શ્રાવસ્તીની ભાગોળે આવી પહોંચ્યા છે, ત્યાં તો તેમણે કેટલીયે પૂછપરછ કરી નાખી: ‘સાથે કેટલા સોદાગરો છે? કેટલો માલ છે? કઈ કઈ ચીજો છે? જળમાર્ગે નીકળવાને બદલે આ વેળા સ્થળ-માર્ગે નીકળ્યા?’ અને જ્યારે મેં ખુલાસો કર્યો કે સ્વામી તો એકલા, માત્ર મને એકને સાથે લઈને આવ્યા છે, ત્યારે તેમના અચંબાનો પાર ન રહ્યો. તેમણે તો આમાં એવું કાંઈક માની લીધું કે વેપારધંધામાં અવળું પડતાં અને સ્વામી બધું ગુમાવી દઈને રઝળતા થઈ ગયા હશો! ગમે તેમ પણ, સ્વામિન્, તેઓ તમારું સામૈયું કરવા મોટી ધામધૂમથી રસાલો મોકલી રહ્યા છે, એટલે તો હું તમને ખબર કરવા ઉતાવળે દોડતો આવ્યો.’

થોડીક વાર થઈ ત્યાં અનાથપિંડક પોતે તેને ઉમળકાથી લેવા આવ્યો.

સ્નાન, ભોજન વગેરેથી પરવારીને જંબુદ્વીપના આ બે પ્રધાન શ્રેષ્ઠીઓ આરામ કરતા બેઠા. અનાથપિંડકે વાત છેડી, ‘શ્રેષ્ઠીન્, મારું ધન કે તન જે કાંઈ તને ખપમાં આવે તેમ હોય તે તારું પોતાનું જ ગણજે. તારા જેવો શાહસોદાગર તો અમારું સૌનું ગૌરવ છે. ને ભરતીઓટની આપણે વળી શાની નવાઈ?’

શ્રાવસ્તીના કોટિપતિ અનાથપિંડકનાં આ વેણમાંથી નીતરતી કુલીનતાથી અને પોતાની અજોડ શાખની મળેલી, આવી અણધારી પ્રતીતિથી પૂર્ણ શ્રેષ્ઠીનું વિરક્તિ તરફ ઢળી રહેલું હૃદય પણ ઘડીક તો દ્રવિત થઈ ગયું.

કૃતજ્ઞતા પ્રગટ કરી પૂર્ણે ટૂંકમાં જ પોતાના આવવાનું પ્રયોજન સ્ફુટ કર્યું. વેપારવાણિજ્યમાંથી તેમ સંસારમાંથી હવે તેનું મન ઊઠી ગયું હતું. શાસ્તા-ભગવાન-બુદ્ધ વિહાર કરીને હમણાં શ્રાવસ્તી આવ્યા જાણી, તેમના વરદ હસ્તે પ્રવજ્યા લેવા તે આવ્યો હતો.

બુદ્ધોપાસક અનાથપિંડક પૂર્ણના શબ્દો સ્તબ્ધ ભાવે સાંભળી રહ્યો. ક્ષણભર તે અવાક્ થઈ ગયો. પૂર્ણના સ્વરમાં છતી થતી સ્વસ્થ દૃઢતા તેના નિર્ણયની પ્રતીતિરૂપ હતી. કાળની ચડતી-પડતીના ચક્કરે પૂર્ણના મુખ પર પાડેલા આંકા ને આંટાની જાળગૂંથણીમાં ઉપરછલ્લી જ કઠોરતા હતી. એ કઠોરતાના પાતળા પડ પાછળ અનાથપિંડકને એક આર્દ્ર ને સૌમ્ય તેજોયમતાની ઝાંખી થઈ. તેણે ભાવભર્યા સ્વરે પૂર્ણની ભાવનાનું અનુમોદન કર્યું.

પૂર્ણ જેવો આખા જંબુદ્વીપમાં અગ્રણીની ખ્યાતિ ધરાવતો શાહસોદાગર, ભર્યાભર્યા ધનભંડાર ને કણકોઠાર તેમ જ સ્વજનો ને બંધુવર્ગ — બધું જ જીર્ણ વસ્ત્રની જેમ ફગાવી દઈને ભિક્ષુક થવા નીકળ્યો! સંઘનો જય!

બીજે દિવસે બંને જણ શાસ્તાનાં દર્શને ગયા. અનાથપિંડકે પૂર્ણની ભાવનાની વાત કરી. શાસ્તાએ મૌનથી સંમતિ આપી ને પૂર્ણને કહ્યું, ‘આવ, ભિક્ષુ બનીને બ્રહ્મચર્ય આચર.’ પૂર્ણથી ગદ્ગદિત થઈ જવાયું.

મસ્તક મુંડાવી, સંઘાટી ને પાત્ર ગ્રહણ કરી, શાંત ભાવ ધરી પૂર્ણ ભિક્ષુ થયો.

કેટલોક સમય પૂર્ણે નિષ્ઠાપૂર્વક ભિક્ષુનો આચાર સેવ્યો. તેની એકતાનતા ને જાગતિર્ ઘડીકે પણ મોળાં નહોતાં પડતાં. તત્ત્વોની સમજ વધતી જતી હતી. રાગ ને તૃષ્ણા પાતળાં પડતાં જતાં હતાં.

એક દિવસે પૂર્ણે શાસ્તા પાસે આવી વિનંતી કરી, ‘ભદંત, મેં બ્રહ્મચર્યનું સેવન કર્યું. આચરવાનું યથાશક્તિ આચર્યું. હવે વિશેષ શું કરવું તે નથી જાણતો. તો કાંઈક સંક્ષેપમાં પણ એવો ધ્યાનમંત્ર આપો કે જેનું પરિશીલન કરતો હું ભગવાનથી દૂર રહીને પણ પ્રમાદ વિના અને સંયત ચિત્તે વિહરું.’

શાસ્તાએ પ્રોત્સાહનના સ્વરે કહ્યું, ‘આયુષ્યમાન, ધન્ય છે તને. સાવધાન થઈને સાંભળ, તારી ભાવનાને અનુરૂપ એક ઉપદેશવચન આપું છું: ઇન્દ્રિયને સુખદ હોય તેવા વિષયોમાં રાગ ન કેળવવો, આ ઉપદેશનું અપ્રમાદ ને નિષ્ઠાથી સેવન કરજે. કહે, અહીંથી વિહરીને તેં ક્યાં વાસ કરવા ધાર્યો છે?’

‘પશ્ચિમ સીમાડાના શ્રોણ દેશમાં, ભદંત.’ સહેજ વિચાર કરીને પૂર્ણ ધીમા સ્વરે બોલ્યો, ‘આપે કરુણા કરી દીધેલા ઉપદેશવચનને આચરવા માટે એ ભૂમિ અનુકૂળ રહેશે.’

‘પણ આયુષ્યમાન, શ્રોણના લોકો તો અવિચારી, ચંડ, ઉદ્દંડ ને કર્કશ સ્વભાવના છે. કલહપ્રિય, ક્રોધી ને કટુભાષી છે. તેઓ તને ગાળો ભાંડશે, જૂઠાણાંથી તથા ક્રૂર ને મર્મઘાતક વેણથી ઉશ્કેરવાનું કરશે, ત્યારે તું શું કરીશ?’ બુદ્ધે કસોટીરૂપે ચેતવણીનો સૂર કાઢ્યો.

‘એ લોકો એવો વાણીવ્યવહાર કરશે, ભદંત,’ પૂર્ણે અનાકુલ ભાવે કહ્યું, ‘ત્યારે મને એમ થશે કે આ લોકો કેટલા ભદ્ર, કેટલા સ્નેહાળ છે કે મને માત્ર કઠોર શબ્દો જ કહે છે, ને હાથથી કે ઢેફાંથી પ્રહાર નથી કરતા.’

‘પણ ધાર કે તને હાથ વતી કે ઢેફાં વતી પ્રહાર કરશે તો?’

‘તો ભદંત, મને એમ થશે કે આ લોકો કેટલા ભદ્ર, કેટલા સ્નેહાળ છે કે મને માત્ર હાથ કે ઢેફાં વતી મારે છે, પણ લાઠી કે શસ્ત્રથી નથી મારતા.’

‘ને લાઠી ને શસ્ત્રથી મારશે તો?’ શાસ્તાને પૂર્ણની પક્વતા કસી જોવી હતી.

‘તો મને એમ થશે કે આ કેવા ભદ્ર લોકો છે! મને માત્ર મારે જ છે, પણ સાવ મારી નથી નાખતા.’

‘પણ માન કે કદાચ તને મારી નાખવા સુધી એ ક્રૂર લોકો જાય તો? તો તું શું કરીશ?’ પૂર્ણનું માપ કાઢવા ભગવાને છેવટની કસોટીનો ઇશારો કર્યો.

‘તો મને એમ થશે, ભદંત,’ પૂર્ણે એના એ જ નિર્મમ ભાવે અને સ્વચ્છ સ્વરે ઉત્તર દીધો, ‘કે આ અશુચિ અને નાશધર્મી કાયામાં રહીને પીડતા, ત્રાસતા, કંટાળતા લોકો કોઈક શસ્ત્રથી, કોઈક ઝેર પીને, કોઈક ફાંસે લટકીને તો કોઈક ભેખડથી પડતું મૂકીને આપઘાત કરે છે. માટે ધન્ય છે આ શ્રોણવાસીઓને કે જેઓ મને અશુચિ, મલિન કાયામાંથી સાવ થોડા જ કષ્ટે મુક્ત કરી દે છે.’

‘ધન્ય છે, પૂર્ણ, ધન્ય છે તને!’ પ્રસન્નભાવે શાસ્તા બોલ્યા, ‘આવો અડોલ ક્ષમાભાવ જેના ચિત્તમાં છે, તે જ શ્રોણના અનાડી પ્રદેશમાં વસવાની યોગ્યતા ધરાવે છે. જા, આયુષ્યમાન, તું મુક્ત થઈ બીજાને મુક્ત કરજે. તરીને બીજાને તારજે. આશ્વસ્ત થઈ બીજાને આશ્વાસનરૂપ થજે. નિર્વાણ પામી બીજાને નિવૃત્ત કરજે.’

શાસ્તાનાં આશીર્વચનો ભાવપૂર્વક શિર પર ઝીલી, બોધવચન હૃદયમાં કોતરી લઈ, વંદના કરી પૂર્ણ ચાલ્યો. તેનાં ધીર, સ્થિર, મૃદુ પગલાં પશ્ચિમ સીમાડાના અનાડી શ્રોણજનપદ તરફ એક એક કરતાં આગળ ને આગળ ઊપડી રહ્યાં...