ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અંગારક અને અશનિવેગનો પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અંગારક અને અશનિવેગનો પરિચય

અહીં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં કિન્નરગીત નામે નગર છે. ત્યાં અર્ચિ (શિખા)યુક્ત અગ્નિ જેવો તેજસ્વી રાજા અર્ચિમાલી નામે હતો. તેની દેવી પ્રભાવતી નામે હતી. તેના બે પુત્રો છે — જ્વલનવેગ અને અશનિવેગ. જ્વલનવેગની વિમલાભા નામે મહાદેવી છે અને તેનો અંગારક કુમાર છે. અશનિદેવની દેવી સુપ્રભા છે, તેની હું પુત્રી છું.

એક વાર રાજા અર્ચિમાલી પોતાની દેવી સાથે વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વિહાર કરીને પાછો પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક સ્થળે સુખપૂર્વક બેસીને તેઓ પરસ્પર વાર્તા કરતાં હતાં. તેનાથી થોડેક દૂર એક હરણ ઊભેલો હતો. રાજાએ એ મૃગ ઉપર બાણ ફેંક્યું, પણ તે પાછું વળ્યું અને મૃગ હાલ્યો પણ નહીં. તેથી ક્રોધથી રાજા બીજું બાણ સાંધતો હતો, ત્યાં અદૃષ્ટ રહેલી દેવતાએ તેને બોધ કર્યો, ‘ભગવાન નંદ-સુનંદ નામે ચારણશ્રમણો અહીં લતાગૃહમાં પ્રશસ્ત ધ્યાનમાં રહેલા છે. તેમની નજીકમાં જ તેં મૃગ ઉપર બાણ તાક્યું. તપરિદ્ધિમાન અણગારો સેંકડો પ્રાણીઓનું રક્ષણ કરે છે. તેઓ જ્યાં રહેલા હોય ત્યાં કોઈ પ્રાણીવધ કરે અને તેના ઉપર જો તેઓ કોપે તો પછી દેવો પણ તેનું રક્ષણ કરી શકતા નથી. માટે જા, ચારણોની ક્ષમા માગ, જેથી તારો નાશ ન થાય.’ દેવતાએ આમ કહ્યું, એટલે ડરેલો રાજા ચારણશ્રમણોની પાસે ગયો. ત્યાં વંદન કરીને તેણે કહ્યું, ‘ભગવંતો! મને ક્ષમા કરો, આપના ચરણની પાસે જ ઊભેલા મૃગનો વધ કરવાનું મેં ધાર્યું હતું.’ એટલે નંદ નામના સાધુએ કહ્યું, ‘રાજા! ક્રીડા કરતા લોકો કંઈક અર્થને માટે અથવા કેવળ નિરર્થક પ્રાણીવધ કરીને નીચી ગતિમાં જાય છે અને પરવશ થઈને ત્યાં ઘણા કાળ સુધી હજારો દુઃખો પામે છે માટે તું પ્રાણીવધનો ત્યાગ કર, વૈરબુદ્ધિનો ત્યાગ કર. અપરાધી જીવનો જે વધ કરે તે પણ પાપના સંચયરૂપ તેના ફળમાંથી સેંકડો ભવે પણ બહાર નીકળી શકતો નથી, તો પછી જે નિરપરાધી પ્રાણીઓનો વધ કરે તેનું તો કહેવું જ શું?’ આવા પ્રકારના ઉપદેશથી જેને વૈરાગ્ય થયો છે એવા તે રાજાએ પોતાના મોટા પુત્ર જ્વલનવેગને પ્રજ્ઞપ્તિવિદ્યા તથા રાજ્ય આપીને દીક્ષા લીધી તથા વૈરાગ્યવાન એવો તે વિચરવા લાગ્યો. ઘણા કાળ પછી તે નંદ-સુનંદ ચારણશ્રમણો પાછા વિહાર કરતા કિન્નરગીત નગરમાં આવ્યા. જ્વલનવેગ વંદન કરવાને માટે નીકળ્યો. સમૃદ્ધિની અનિત્યતા દર્શાવતા ચારણશ્રમણોએ તેને ઉપદેશ આપ્યો, એટલે કામભોગો પ્રત્યે જેને નિર્વેદ થયો છે એવો તે પોતાના નાના ભાઈને બોલાવીને કહેવા લાગ્યો કે, ‘હું વૈરાગ્યના માર્ગે ગયેલો હોઈને દીક્ષા લેવા ઇચ્છું છું; માટે તું પ્રજ્ઞપ્તિવિદ્યા તેમ જ રાજ્યને સ્વીકાર.’ એટલે અશનિવેગે કહ્યું, ‘તમારો કુમાર (અંગારક) બાળક છે. માટે તમે કહો છો તે ગ્રહણ કરવાનું મારે માટે યોગ્ય નથી. કુમાર પોતે તેની જે ઇચ્છા હોય તે ભલે સ્વીકારે.’ પછી કુમારને બોલાવ્યો અને પૂછ્યું, એટલે તેણે કહ્યું, ‘મને મારી માતા કહે તે લઉં.’ માતાએ કહ્યું, ‘તું પ્રજ્ઞપ્તિવિદ્યા લે; જે વિદ્યામાં અધિક હોય છે તે જ (વ્યવહારમાં) રાજ્યનો સ્વામી ગણાય.’ આમ તેણે પોતાની માતાના ઉપદેશથી પ્રજ્ઞપ્તિ લીધી, એટલે અશનિવેગ રાજા થયો.

હવે, વિમલાભા પહેલાંની જેમ, પ્રજા પાસેથી કર લેતી હતી, આથી પ્રજાજનો રાજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ‘દેવ! અમે હવે સુપ્રભા દેવીને (રાણી તરીકેનું) ભેટણું કરીએ છીએ; અને વિમલાભા પણ અમારી પાસેથી કર માગે છે. બન્ને અમારે તો સ્વજનો છે, માટે અમારે શું કરવું તે કહો.’ પછી રાજા અશનિવેગે વિમલાભાને બોલાવીને કહ્યું, ‘પ્રજાને હેરાન ન કરશો.’ એટલે તે બોલી, ‘હું પુત્રની માતા છું, માટે મને ભેટણાં કરવામાં આવે એ યોગ્ય છે.’ વારવા છતાં પણ વિમલાભા પ્રજાને પીડતી હતી અને પોતાના પુત્રને ચઢાવતી. તેનો પુત્ર પણ બલાત્કારે પોતાને ઇચ્છા થાય તે વસ્તુનો ભોગવટો કરતો હતો. એ પ્રમાણે વિરોધ વધતાં મારા પિતા અશનિવેગનો પોતાની વિદ્યાથી પરાજય કરીને તે (સંગ્રામમાંથી) પાછો આવ્યો. પોતાનો અભિષેક થયા પછી તે મને બોલાવીને કહેવા લાગ્યો, ‘શ્યામલી! તું ચિન્તા કર્યા વગર રહે. તારા ભાઈની સમૃદ્ધિ ભોગવ, તને કોઇ પ્રકારનો વાંધો નહીં આવે.’ મેં કહ્યું, ‘દેવ! સ્વજનોનાં હૃદયો હંમેશાં અશુભની શંકા કરે છે. સંગ્રામમાંથી પાછા વળેલા તમને તો મેં અક્ષત શરીરવાળા જોયા. પણ તમારી રજાથી મારા પિતાને પણ હું મળી લઉં.’ અંગારકે કહ્યું, ‘જા, જો ઇચ્છા થાય તો અહીં આવજે.’ પછી પરિજન સહિત હું અષ્ટાપદ પર્વતની પાસે પડાવ નાખીને રહેલા મારા પિતાને મળી.

કેટલાક દિવસ પછી જિનમંદિરમાં અંગીરસ નામે ચારણશ્રમણને વંદન કરીને મારા પિતાએ પૂછ્યું, ‘ભગવન્! મને ફરી વાર રાજ્યલક્ષ્મી મળશે કે નહીં? હું સંયમ પાળવાને યોગ્ય થઈશ?’ આવો પ્રશ્ન રાજાએ પૂછતાં ચારણે કહ્યું, ‘અર્ચિમાલી રાજર્ષિ મારા ધર્મભાઈ હતા, માટે કહું છું. હજી તારો પ્રવ્રજ્યાકાળ આવ્યો નથી, તને ફરી વાર રાજ્ય મળશે.’ રાજાએ પૂછ્યું, ‘ભગવન્! મને કેવી રીતે રાજ્યપ્રાપ્તિ થશે?’ સાધુએ મને બતાવીને કહ્યું, ‘આ શ્યામલી કન્યાનો જે પતિ થશે તેનાથી તને રાજ્યપ્રાપ્તિ થશે. એ પુરુષ અર્ધભારતના અધિપતિ(વાસુદેવ)નો પિતા થશે.’ ફરી રાજાએ પૂછ્યું, ‘ભગવન્! મારે એને કેવી રીતે ઓળખવો?’ સાધુએ ઉત્તર આપ્યો, ‘કુંજરાવર્ત અટવીમાં સરોવરની પાસે જે વનગજની સાથે યુદ્ધ કરે તેને તારે ઓળખી લેવો.’

પછી સાધુને વંદન કરીને અમે કુંજરાવર્ત અટવીમાં રહ્યાં. દરરોજ રાજાની આજ્ઞાથી બબ્બે પુરુષો એ પ્રદેશમાં ફરતા રહેતા હતા. સાધુએ કહ્યું હતું તેવા તમને ત્યાં જોવામાં આવ્યા અને અહીં લાવવામાં આવ્યા. ચારણશ્રમણનો આદેશ મારા ભાઈ અંગારકના પણ સાંભળવામાં આવ્યો છે. આથી દ્વેષવાળો તે કદાચ તમારો બેધ્યાન અવસ્થામાં વધ કરે. પરન્તુ નાગરાજે અમો વિદ્યાધરો માટે નિયમ ઠરાવેલો છે કે, ‘સાધુની પાસે, જિનગૃહમાં કે પત્નીની પાસે રહેલાનો અથવા સૂતેલાનો જે વધ કરે તે વિદ્યાભ્રષ્ટ થશે.’ આ કારણથી હું વિનંતી કરું છું કે તમે મારી સાથે હશો ત્યાં સુધી તે તમને કંઈ કરી શકશે નહીં.’

આ સાંભળીને શ્યામલીને મેં કહ્યું, ‘અંગારક મને કંઈ કરી શકશે નહીં; વાણીથી ભલે મને બાધા કરે. છતાં પણ તને રુચે છે તે હું કરીશ.’ એ પ્રમાણે શ્યામલીની સાથે ઇન્દ્રની જેમ ઇચ્છિત વિષયસુખરૂપી નંદનવનમાં રહેતા એવા મારો સમય વીતતો હતો. શ્યામલીએ મને વિશેષ સંગીતકળા શીખવી; બંધવિમોચની (જેનાથી બંધનમાંથી છૂટી શકાય) તથા પત્રલઘુકિકા (જેનાથી કોઈ વસ્તુને પાંદડા જેવી હળવી બનાવી શકાય) એ બે વિદ્યાઓ પણ તેણે મને શીખવી. એ બન્ને વિદ્યાઓ મેં શરવનમાં સાધી. ચિન્તારહિત અવસ્થામાં હું મારી હિતકારિણી શ્યામલી સાથે ઊંઘતો હતો તે વખતે કોઈ મને હરી જવા લાગ્યું, એટલે હું જાગ્યો. મને હરી જતા એક પુરુષને મેં જોયો અને શ્યામલીના મુખના આકાર સાથે તેની સમાનતા ઉપરથી તે અંગારક હશે એવો તર્ક મેં કર્યો. પછી મેં વિચાર કર્યો, ‘જે શત્રુનો નાશ કરે તે ઉત્તમ છે, જે તેની સાથે નાશ પામે તે મધ્યમ છે, અને જેનો શત્રુ વડે નાશ થાય તે અધમ છે. માટે હું મધ્યમ બનીશ, આની સાથે જ નાશ પામીશ, પણ તેનાથી ન્યૂન નહીં થાઉં.’ આ પ્રમાણે વિચાર કરીને મેં તેના ઉપર પ્રહાર કરવાની ઇચ્છા કરી ત્યાં તો મારાં ગાત્રો થંભી ગયાં અને હું હાલીચાલી શક્યો નહીં. ઊભો રહીને અંગારક મને કહેવા લાગ્યો, ‘કુમાર! કયો વિદ્યારહિત પુરુષ નાગને પકડવાની હિંમત કરી શકે? મેં જ તમારાં ગાત્રો થંભાવેલાં છે.’

એ વખતે શ્યામલી આવીને અંગારકને કહેવા લાગી, ‘દેવ! મારા પતિનો વધ કરવાનું આપને માટે યોગ્ય નથી, કારણ કે તે તમારા પૂજ્ય છે.’ અંગારકે હુંકારથી તેનો તિરસ્કાર કર્યો, એટલે તે ફરી વાર બોલી, ‘મારા પતિને છોડી દો; જો નહીં છોડી દો તો તમારી સાથેનો સ્વજન સંબંધ હું ત્યજી દઉં છું.’ એટલે ક્રુદ્ધ થયેલા અંગારકે મને ફેંકી દેતાં હું પરાળથી ભરેલા હવડ કૂવામાં પડ્યો. ત્યાં પડ્યાં પડ્યાં મેં યુદ્ધ કરતાં તે ભાઈબહેનને જોયાં. પછી અંગારકે પોતાની તલવારથી શ્યામલીના બે ટુકડા કર્યા. મેં વિચાર્યું કે, ‘પોતાની બહેનનો વધ કરનાર આ અંગારક અતિ નિર્દય છે.’ પણ ત્યાં તો એકની બે શ્યામલીઓ થઈ ગઈ. શ્યામલીએ પણ ખડ્ગથી અંગારક ઉપર પ્રહાર કર્યો, એટલે તેના બે અંગારક થઈ ગયા. મેં વિચાર કર્યો કે, ‘આ તો એમની માયા છે; શ્યામલી નાશ પામી નથી.’ યુદ્ધ કરતાં કરતાં બન્ને જણાં અદૃશ્ય થયાં. હું પણ ઉપસર્ગો દૂર થાય તે માટે દ્રવ્યથી બેઠેલો છતાં ભાવથી ઊભો રહી કાયોત્સર્ગ કરીને રહ્યો. એટલે વિદ્યાદેવતા હસીને અદૃશ્ય થઈ. એવામાં જાળિયામાંથી આવતો દીવાનો પ્રકાશ જોઈને મેં ધાર્યું કે, ‘આ વાઘ હશે.’ પણ ફરી પાછું મેં વિચાર્યું કે, ‘જો વાઘ હોત તો અહીં પડેલા મારા ઉપર જરૂર આક્રમણ કરત; માટે આ વાઘ નથી. ચોક્કસ, અહીંથી થોડેક દૂર કોઈ પ્રાસાદ હોવો જોઈએ, જેમાંથી આ દીવાનો પ્રકાશ આવતો હશે.’

પ્રભાત થતાં હું (કૂવામાંથી) બહાર નીકળ્યો.