ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/કંસનો પૂર્વભવ
કંસે મંત્રીઓનું રંજન કરી, તેમનો પ્રેમ મેળવી ઉગ્રસેનને કેદ કર્યો હતો. પિતા પ્રત્યેના તેના પૂર્વભવના દ્વેષનું કારણ અતિશયજ્ઞાની સાધુઓ મને કહ્યું હતું. તે કંસ પૂર્વભવમાં બાલતપસ્વી હતો. માસક્ષપણ કરતો કરતો તે મથુરાપુરીમાં આવ્યો. માસે માસે બહાર નીકળીને તે પારણું કરતો હતો. આ રીતે તે પ્રસિદ્ધ થયો. ઉગ્રસેને તેને નિમંત્રણ આપ્યું કે, ‘ભગવાને મારે ઘેર પારણું કરવું.’ પરન્તુ પારણાને સમયે ચિત્ત બીજે રોકાયેલું હોવાથી ઉગ્રસેન તેને ભૂલી ગયો, પેલો તપસ્વી પણ અન્યત્ર જમ્યો. એ જ પ્રમાણે બીજા અને ત્રીજા પારણા સમયે પણ થયું. આથી દ્વેષ પામેલો તે તાપસ ‘હું ઉગ્રસેનના વધને માટે જન્મ લઈશ’ એ પ્રમાણે નિયાણું કરીને કાલધર્મ પામી ઉગ્રસેનની ગૃહિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તેણીને ગર્ભના ત્રીજા મહિને રાજાના ઉદરનું બલિમાંસ ખાવાનો દોહદ ઉત્પન્ન થયો. મંત્રીઓએ સરસ બલિમાંસની રચના માટે માંસના જ રંગનું વસ્ત્ર તૈયાર કરીને, દેવીની નજર પડે તેમ (રાજાના ઉદર ઉપર તે મૂકી) તેમાં માંસ કાપ્યું. પછી તે માંસ રાણીની પાસે લાવવામાં આવ્યું. તે ખાધા પછી જેના દોહદ પૂરો થયો છે એવી રાણીને અનુક્રમે ઉગ્રસેન (જીવતો) બતાવવામાં આવ્યો. (આવો અમંગળ દોહદ થયો હોવાથી) ‘મારા ગર્ભમાં વધેલો આ પુત્ર નિ:સંશય કુળનો વિનાશ કરનાર થશે’ એમ વિચારીને રાણીએ તેને કાંસાની પેટીમાં સુવાડીને યમુનામાં વહેતો મૂક્યો. શૌરિપુરના રસ-વણિકે (તેલ વગેરે પ્રવાહી પદાર્થોનો ધંધો કરનાર વાણિયાએ) તેને લીધો. મારી પાસે તે ઊછર્યો.૧ મેં આ પ્રમાણે કારણ જાણીને, ‘ઉગ્રસેનનો આ જન્મશત્રુ છે’ એમ વિચારીને ઉગ્રસેને છોડાવવા માટે પ્રયત્ન કર્યો નહીં.
અનાધૃષ્ટિ આદિ મારા પુત્રોને કલાઓ શીખવવા માટે કલાચાર્યને રાખવામાં આવ્યો. પછી કંસ પણ મને બહુમાનપૂર્વક મથુરા લઈ ગયો, મારો આદરસત્કાર કર્યો, અને વિશેષે કરીને મારા પ્રત્યે વિનીત થઈને રહેવા લાગ્યો. પરિજન સહિત એવા મારો સમય શૂરસેન દેશના વનખંડોમાં આ રીતે વીતવા લાગ્યો.