ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસુદેવનું ગૃહાગમન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વસુદેવનું ગૃહાગમન

ચન્દ્રાભ રાજાએ અને મેનકા દેવીએ વેગવતી અને ધનવતીની અનુમતિથી મને બાલચન્દ્રા આપી. શુભ મુહૂર્તે રાજવૈભવને છાજે એવો અમારો લગ્નમહોત્સવ થયો. ઘણા દિવસ વીત્યા પછી અમને બત્રીસ સુવર્ણકોટિ ધન, કુશળ પરિચારિકાઓ તથા પાત્ર, શયન, આસન અને આભૂષણનો વૈભવ આપવામાં આવ્યો. પછી વેગવતી અને બાલચન્દ્રાને મેં કહ્યું, ‘દેવીઓ! મને વડીલોએ કહ્યું હતું કે ‘તું અમને મળ્યા પછી ચાલ્યો ન જઈશ, આપણે સાથે રહીશું. તું વિદ્યમાન હોય એટલે વહુઓ પણ પોતાનાં પિયરમાં ન રહે. માટે તમને જો રુચતું હોય તો શૌરિપુર જઈએ.’ એટલે સંતોષ વ્યક્ત કરતી એવી તે બન્નેએ એકી સાથે મને વિનંતી કરી, ‘આર્યપુત્ર! તમારા મનમાં જો આવો નિશ્ચય થયો છે, તો જરૂર દેવોએ કૃપા કરી હશે. વધારે શું કહીએ? પણ જો અમો પ્રત્યે તમારું બહુમાન હોય તો અહીં વિદ્યાધરલોકમાં અમારી જે ભગિનીઓ(સપત્નીઓ) તમારું સ્મરણ કરતી વસે છે તેઓ અહીં રહેલા એવા તમને ભલે મળે. તેઓ આવી પહોંચશે, એટલે વડીલોની સમીપે જઈશું.’ મેં કહ્યું, ‘ભલે’.

પછી મારા પોતાના હાથે લખેલા, અભિજ્ઞાન સહિત પત્રો મેં ધનવતીના હાથમાં આપ્યા. તે પત્રો લઈને તે ગઈ. પછી શુભ દિવસે મારા હૃદયને વશવર્તી તથા પ્રફુલ્લિત હૃદયવાળી એવી શ્યામલી, નીલયશા, મદનવેગા અને પ્રભાવતી પોતાના પરિવાર સહિત, સરિતાઓ જેમ મહોદધિ પાસે આવે તેમ, આવી. દેવીઓની સાથે રહેલો જાણે દેવ હોઉં તેમ, રાજાએ મારી પૂજા કરી અને તેઓની સાથે હું રમણ કરવા લાગ્યો. પછી પ્રયાણનો દિવસ નક્કી કરવામાં આવ્યો. વિકુર્વેલા વિમાન દ્વારા બાલચન્દ્રા અમને લઈ જવા લાગી. અમે શૌરિપુર નગર પહોંચ્યાં. મારા જ્યેષ્ઠ સહોદર અર્ઘ્ય લઈને સામે આવ્યા. પત્નીઓ સહિત મેં તેમને પ્રણામ કર્યા. અગાઉથી સજ્જ કરેલું ભવન અમને આપવામાં આવ્યું. પરિવાર સહિત હું તેમાં પ્રવેશ્યો. પાછળ રહેલ પત્નીઓને પણ ગુરુજનોની અનુમતિથી તેડી લાવવામાં આવી, તે — શ્યામા, વિજયસેના, ગન્ધર્વદત્તા, સોમશ્રી, ધનશ્રી, કપિલા, પદ્મા, અશ્વસેના, પુંડ્રા, રક્તવતી, પ્રિયંગુસુન્દરી, સોમશ્રી, બંધુમતી, પ્રિયદર્શના, કેતુમતી, ભદ્રમિત્રા, સત્યરક્ષિતા, પદ્માવતી, પદ્મશ્રી લલિતશ્રી અને રોહિણી. પોતપોતાના પરિવાર સહિત આ સ્ત્રીઓ અક્રૂર આદિ કુમારોની સાથે આવી. પછી ભાગીરથી (પ્રભાવતીની મોટી મા), હિરણ્યવતી (નીલયશાની માતા) અને ધનવતીને વિદાય આપવામાં આવી. મેં પણ આચાર જાણીને કુમારો અને પરિવાર સહિત રાણીનો તથા કુટુંબીઓ અને સંબંધીઓનો વસ્ત્રાભરણોથી સત્કાર કર્યો. અત્યંત પ્રીતિ અનુભવતો હું પણ ગોત્રની સાથે સુખપૂર્વક વિહરવા લાગ્યો. અનાથોને માટે મેં શાલા — આશ્રયસ્થાન કરાવ્યું. ત્યાં મનોહર અન્નપાણી આપવાના કામ માટે વૃત્તિપગાર બાંધીને માણસોને રાખ્યા.