ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/શ્યામલી સાથે લગ્ન
થોડીક વાર પછી સફેદ અને સૂક્ષ્મ રેશમી વસ્ત્ર જેણે પહેરેલું છે તથા એવા જ વસ્ત્રનું ઉત્તરીય નાખેલું છે એવી એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી પ્રણામ કરી પોતાનું નામ બતાવીને કહેવા લાગી, ‘રાજા અશનિવેગની પુત્રી વિદ્યાધરકન્યા શ્યામલીની બહારની પ્રતિહારી હું મત્તકોકિલા નામે છું. હે દેવ! સાંભળો. રાજાની આજ્ઞાથી તેના પવનવેગ અને અર્ચિમાલી નામના સચિવો તમને અહીં લાવ્યા છે. એ રાજાની શ્યામલી નામે કન્યા વૈશાખ માસના સંધ્યાકાળના શ્યામ કમલ જેવી શ્યામ, લક્ષણપાઠકોએ જેની પ્રશંસા કરેલી છે એવાં સમ અને સ્વાભાવિક રીતે રાતાં પગનાં તળિયાંવાળી, તળિયાંની આગળ અનુક્રમે આવેલી ગોળ આંગળીઓ અને રાતા નખથી યુક્ત ચરણયુગલવાળી, માંસલ, ગોળ અને સુકુમાર તથા એકદમ દેખી શકાય નહીં એવાં ગૂઢ રોમયુક્ત જંઘાઓવાળી, પુષ્ટ અને સરખાં તથા કદલીસ્તંભ જેવાં ઊરુવાળી, માંસલ અને ભરાવદાર નિતંબોથી યુક્ત વિશાળ શ્રોણિભાગવાળી, દક્ષિણાવર્ત નાભિવાળી, તલવારના અગ્રભાગ જેવી સૂક્ષ્મ અને કૃષ્ણવર્ણની રોમરાજિ વડે સુશોભિત, અને પંજામાં સમાઈ શકે તેવા મધ્યભાગવાળી, પુષ્ટ, ઉન્નત, હાર વડે સુશોભિત, હૃદયહારી તથા પરસ્પર મળેલાં એવાં સ્તનોવાળી, સ્નાયુઓમાં ગૂઢ રહેલા સાંધાવાળી તથા સૌન્દર્યશાળી અને સંગત બાહુલતાવાળી, ચામર, મત્સ્ય અને છત્ર વડે અંકિત હસ્તરેખાઓવાળી, રત્નમાળા વડે અલંકૃત કંબુ કંઠવાળી, વાદળાંના પટલમાંથી બહાર નીકળેલા પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય વદનચંદ્રવાળી, જેમના ખૂણા રાતા છે તથા મધ્યભાગ ધવલ અને કૃષ્ણ વર્ણનો છે એવાં નયનોવાળી, બિંબના ફળ જેવા રમણીય અને રૂપાળા હોઠવાળી, કુંડલ જેવાં આભૂષણને યોગ્ય અને સરખા શ્રવણવાળી, ઊંચી અને પ્રશસ્ત નાસિકાવાળી, શ્રવણ અને મનને સુંદર લાગે એવી મધુર વાણીવાળી તથા પરિજનોનાં નયનોરૂપ ભ્રમરો વડે જેનો લાવણ્યરસ પિવાય છે એવી (અત્યંત સૌન્દર્યશાલી) છે. રાજા તમને એ કન્યા આપવા ઇચ્છે છે, માટે ચિન્તાતુર ન થશો.’
એ સ્થળની નજીકમાં એક વાવ આવેલી હતી. તેમાં આકાશમાર્ગે ખારકા૧ ઊતરતી હતી. મેં વિચાર્યું, ‘આ ખારકા આકાશમાર્ગે આવે છે, તો શું તે નાગકન્યા કે વિદ્યાધરી હશે?’ મત્તકોકિલા મારું મનોગત લાગી, ‘દેવ! આ ખારકા વિદ્યાધરી નથી. કારણ સાંભળો — ઝરણામાંથી આવતા મીઠા અને પથ્ય પાણીવાળી આ વાવમાં ચતુષ્પદ પ્રાણીઓ જાય નહીં, એટલા માટે તેનાં પગથિયાં સ્ફટિકનાં બનાવવામાં આવ્યાં છે. જો પાણી પીવાની તમારી ઇચ્છા હોય તો તમને અંદર ઉતારું.’ મેં હા કહી. પછી તેની સાથે પગથિયાં ઊતરીને વાવમાં ગયો. તરસ્યા થયેલા મેં પ્રિયના વચનામૃત જેવું મધુર અને ગુરુના વચન જેવું પથ્ય તે પાણી પીધું. પછી હું બહાર નીકળ્યો. રાજાની આજ્ઞાથી પરિજનો સ્નાનની સામગ્રી, વસ્ત્ર અને આભરણો લઈને આવ્યાં. કલહંસી નામે આભ્યંતર-પ્રતિહારીએ તથા તેનાં પરિજનોએ મને નગરના દ્વાર આગળ સ્નાન કરાવ્યું અને લોકો વડે પ્રશંસા કરાતો હું અલંકાર પહેરીને નગરમાં પ્રવેશ્યો. રાજા અશનિવેગને મેં જોયો અને તેને પ્રણામ કર્યા. ‘સ્વાગત’ એમ બોલતા તેણે સામે આવીને મને પોતાના અર્ધા આસન ઉપર બેસાડ્યો. મત્તકોકિલાએ વર્ણવી હતી તેવી રાજકન્યા શ્યામલીને મેં શુભ મુહૂર્તમાં જોઈ. સંતુષ્ટ રાજાએ વિધિપૂર્વક મારી સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. પછી હું ગર્ભગૃહમાં પ્રવેશ્યો.
લગ્ન થઈ રહ્યા પછી શ્યામલી મને એકાંતમાં કહેવા લાગી, ‘આર્યપુત્ર! હું વિનંતી કરું છું, મને વરદાન આપો.’ મેં કહ્યું, ‘પ્રિયે! વિનંતી તો મારે તને કરવી જોઈએ. તું વિનંતી કરે છે તે મારા ઉપર કૃપા થઈ.’ તે બોલી, ‘સર્વદા તમારો અવિયોગ ઇચ્છું છું.’ મેં કહ્યું, ‘આ વર તો મારો છે, તારો નથી.’ તેણે કહ્યું, ‘આ વર માગવાનું કારણ સાંભળો —