ભારતીયકથાવિશ્વ-૩/વિમલસૂરિકૃત પઉમચરિયની કથાઓ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિમલસૂરિકૃત પઉમચરિયની કથાઓ

(સંશોધન અને સંપાદન: મુનિ પુણ્યવિજયજી,
હિન્દી અનુવાદ: શાન્તિલાલ વોરા)


કથા અંજનાસુંદરી — પવનંજય અને હનુમાનની

ભરતક્ષેત્રમાં બંને બાજુની શ્રેણીઓથી શોભતો વૈતાઢ્ય નામનો પર્વત છે. ત્યાં શ્રેષ્ઠ ઉદ્યાનોથી સભર આદિત્યપુર નામનું નગર છે. પ્રહ્લાદ નામનો ખેચર તે નગરનો ઉપભોગ કરતો હતો. તેની પત્ની કીર્તિમતિ અને પુત્ર પવનંજય. સમગ્ર સંસારમાં પોતાના ગુણોને કારણે તે સર્વશ્રેષ્ઠ હતો. યૌવન, લાવણ્ય અને કાન્તિથી પૂર્ણ એવા કુમારને જોઈને કુળ અને વંશના ઉચ્છેદને કારણે ભયભીત રાજા ચિંતામાં પડ્યો. પવનંજયની કથા અહીં જ અધૂરી રાખીએ. હવે એની પત્નીના જન્મની કથા સાંભળો. ભારતવર્ષના કિનારે દક્ષિણ દિશામાં સમુદ્ર પાસે ઊંચાં અને ઉત્તમ શિખરોના સમૂહવાળો દન્તી નામનો એક પર્વત છે. ત્યાં મહેન્દ્રે ઉત્તમ ભવન, ઊંચાં ઊંચાં તોરણ, અટ્ટાલિકાઓ અને વિશાળ પ્રાકારવાળું મહેન્દ્રનગર નામનું પ્રસિદ્ધ નગર વસાવ્યું હતું. મહેન્દ્રની પત્ની હૃદયસુંદરીએ અરિન્દમ અને બીજા સુંદર, ઉત્તમ એવા સો પુત્રોને જન્મ આપ્યો. તેમની નાની બહેન અંજનાસુંદરી. બધી રૂપવતીઓના રૂપને એકઠું કરીને જાણે તેનું સર્જન થયું હતું. નવયૌવનથી શોભતી એક વાર પોતાના ઉત્તમ ભવનમાં દડાથી રમતી હતી ત્યારે સહસા મહેન્દ્રે તેને જોઈ. તેણે મંત્રીઓને બોલાવ્યા. તેઓ વિનય દાખવતા આસને બેઠા. પછી રાજાએ કહ્યું, ‘તમે મને સ્પષ્ટ કહો કે આ કન્યા હું કોને આપું?’ મતિસાગરે મહેન્દ્રને પ્રણામ કરીને કહ્યું, ‘અત્યંત ગુણવાન આ કન્યાને લંકાપતિ રાવણને આપો. અથવા રાવણના સુંદર રૂપવાન, વિદ્યા-બળથી સમૃદ્ધ મેઘવાહન કે ઇન્દ્રજિત પુત્રોને આપો.’ આ વાત સાંભળીને સુમતિએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો , ‘રાવણને આ કન્યા ના અપાય. તેને તો અનેક પત્નીઓ છે. જો ઇન્દ્રજિતને આપો તો મેઘવાહન નારાજ થાય અને મેઘવાહનને આપો તો ઇન્દ્રજિત નારાજ થાય. એક ગણિકા માટે શ્રીસેન રાજાના પુત્રોમાં માતાપિતા માટે ખૂબ જ દુઃખદ યુદ્ધ થયું હતું તે શું તમે નથી સાંભળ્યું?’ પછી તેણે કહ્યું, ‘વૈતાઢ્યની દક્ષિણે કનકપુર નગર છે. ત્યાં હરિણનાભ નામનો ખેચર રાજા છે. તેની પત્ની સુમના. તેમને રૂપ-યૌવનથી પરિપૂર્ણ અને ત્રણે લોકમાં પ્રશંસનીય એવો વિદ્યુત્પ્રભ પુત્ર છે. એને આ કન્યા આપી શકાય. તમે એમાં વિચાર ન કરતા અનુરૂપ યૌવન ધરાવનારાઓનો સંગમ જલદી થવો જોઈએ.’ આ સાંભળીને સંદેહપારગ મંત્રીએ માથું ધુણાવીને કહ્યું, ‘આ વિદ્યુત્પ્રભકુમાર તો મોક્ષમાર્ગે જનારો છે, અઢારમે વર્ષે ભોગનો ત્યાગ કરી, વ્રતનિયમ સ્વીકારી તે મોક્ષમાર્ગે જશે એવું મુનિવરે કહ્યું છે. ઉત્તમ યૌવનથી ઝળહળ થતી આ કન્યાને તે ત્યજી દેશે એટલે ચંદ્ર વગરની રાત્રિ જેવી તે શોભા વગરની થઈ જશે.’ પછી એક મંત્રીએ કહ્યું, ‘આદિત્યપુરમાં પ્રહ્લાદ નામનો એક મોટો વિદ્યાધર રાજા છે. તેની પત્ની કીર્તિમતિ અને રૂપ-યૌવનમાં કામદેવને ઝાંખો પાડે એવો એમનો યશસ્વી પુત્ર પવનંજય છે.’ આ દરમિયાન ગુણે સમૃદ્ધ અને વૃક્ષો-કમળસમૂહોમાં નવાં પર્ણ લાવનારો ફાગણ મહિનો આવ્યો. વિવિધ પુષ્પોની સમૃદ્ધિ અને સુવાસથી, ભમરાઓના ગુંજારવથી, કોયલોની કુહુકથી તે ઉદ્યાન શોભી ઊઠ્યું. આ દિવસોમાં દેવ નંદીશ્વર નામના શ્રેષ્ઠ દ્વીપમાં જઈ આઠ દિવસ જિનવરોની પૂજા કરે છે. હાથમાં પૂજાની સામગ્રી લઈને બધા વિદ્યાધર આનંદપૂર્વક વૈતાઢ્યપર્વત પર જઈ પહોંચ્યા અને સંતુષ્ટ થઈ જિનાલયોમાં વંદન કરવા લાગ્યા. ત્યાં મહેન્દ્ર પણ ગયો અને પૂજા કરીને સિદ્ધમૂતિર્ઓને સ્તુતિમંગલ વડે વંદન કરીને તે શિલા પર બેઠો. પ્રહ્લાદ રાજા પણ ભક્તિ રાગથી પ્રેરિત થઈ ત્યાં ગયો અને ઉત્સાહપૂર્વક જિનાલયોમાં સ્તુતિપાઠ કરવા લાગ્યો. પૂજાવિધિ સંપન્ન ક્રીને બેઠેલા પ્રહ્લાદને જોેઈ મહેન્દ્ર તેનું સન્માન કરવા ઊભો થયો. એકબીજા પ્રત્યે વિનય અને પે્રમ દાખવીને બંને ત્યાં બેઠા. પ્રહ્લાદે મહેન્દ્રના ખબરઅંતર પૂછ્યા. મહેન્દ્રે કહ્યું, ‘અપુણ્યશાળીઓને કુશળતા કેવી રીતે? યુવાન થયેલી રૂપવાન મારી એક પુત્રી છે. તેને યોગ્ય પતિ મળતો નથી. એટલે દુઃખી છું.’ પછી મહેન્દ્રે મધુર શબ્દોમાં પ્રહ્લાદને પૂછ્યું, ‘મંત્રીઓએ મને કહ્યું હતું કે તમારે પવનગતિ નામનો પુત્ર છે. મેં એને મારી કન્યા આપી. તેમનો વિવાહોત્સવ ઉજવો. મેં બહુ વિચાર્યું, હવે બધા મનોરથ પૂરા કરો.’ પ્રહ્લાદે કહ્યું, ‘વાત સાચી. તમારા પ્રેમથી હું પ્રસન્ન છું. માનસસરોવર પર જઈને ત્રીજા દિવસે તેમનો વિવાહ કરીએ.’ આવું નક્કી કરીને બંને પોતપોતાને સ્થાને ગયા, અને પછી હાથીઘોડા, સ્વજનોની સાથે સમયસર માનસસરોવરે પહોંચ્યા. ત્રણ દિવસમાં વિવાહ થશે એવું વડીલોએ જણાવ્યું પણ કન્યાનું દર્શન કરવાની ઇચ્છા ધરાવતા પવનંજય માટે તો આ ત્રણ દિવસ વિતાવવા ભારે પડ્યા. મદનરૂપી સાપે ડસેલો એવા તેને હૃદયની વેદનાને કારણે ગુણદોષની જાણ થતી ન હતી ન જાણવા જેવું તેને યોગ્ય જણાતું હતું. સર્પવિદ્યામાં એવું કહેવાયું છે કે સર્પદંશથી થતી વેદનાના સાત પ્રકાર હોય છે. પણ મદનરૂપી સાપે ડસેલી વ્યકિતને બીજા દસ પ્રકારની વેદના થાય છે. પહેલા પ્રકારમાં ચિંતા, બીજામાં દર્શનની ઇચ્છા, ત્રીજામાં દીર્ઘ ઉચ્છ્વાસ, ચોથામાં જ્વર, પાંચમામાં દાહ, છઠ્ઠામાં ભોજન ઝેર જેવું લાગે, સાતમામાં પ્રલાપ, આઠમામાં મોટેથી ગાયન, નવમામાં મૂર્ચ્છા, દસમામાં તો મૃત્યુ. આવા દસ પ્રકારો વર્ણવાયા છે. આમ કામરૂપી સર્પ ડસવાથી પવનંજયનું હાસ્ય અદૃશ્ય થઈ ગયું. વિરહરૂપી વિષના મારણ તરીકે તે કન્યારૂપી ઔષધની ઇચ્છા કરવા લાગ્યો. ઉત્તમ રાજમહેલમાં નિવાસ હતો, કિમતી શય્યા પર પણ તેને શાંતિ મળતી ન હતી. પદ્મસરોવરમાં, ઉદ્યાનોમાં મન લાગતું ન હતું. કન્યામાં જ જીવ પરોવીને તે વિચારતો હતો કે હું ક્યારે તેને જોઈશ અને મારા ખોળામાં બેઠેલી તે ક્ન્યાના શરીરનો સ્પર્શ ક્યારે કરીશ? બહુ વિચારવિમર્શ કરીને પોતાની સાથે નિત્ય રહેનાર મિત્ર પ્રહસિતને કહ્યું, ‘મિત્ર વિના હું કોને મારા દુઃખની વાત કરું? મિત્ર જ સુખદુઃખનો ભાગીદાર હોય છે. હવે હું જે કહું છું તે તું સાંભળ. જો મહેન્દ્રની કન્યાને આજે જ હું નહીં જોઉં તો મારું મૃત્યુ થશે. એમાં જરાય શંકા નથી. અરે પ્રહસિત, જો હું એક દિવસ એને જોયા વિના રહી શકતો નથી તો ત્રણ દિવસ કેવી રીતે વિતાવીશ? એટલે એવો કોઈ રસ્તો બતાવ કે આજે હું તેના મુખચંદ્રને જોઉં. મોડું ન કરતો.’ પ્રહસિતે કહ્યું, ‘હે સ્વામી, આવા કાયર ન બનો. આજે હું તમને અંજનાસુંદરીનું દર્શન કરાવીશ.’ આ પ્રકારે બંને વચ્ચે જ્યારે વિશ્રંભકથા ચાલતી હતી ત્યારે કિરણોને સમેટતો સૂર્ય આથમી ગયો. અંધારું થયું એટલે પવનંજયે મિત્રને કહ્યું, ‘ઊભો થા અને આગળ ચાલ. જ્યાં તે કન્યા છે ત્યાં આપણે જઈએ.’ તેઓ બંને આકાશમાં ઊડ્યા અને પવન જેવા કુશળ, અધિક સ્નેહવાળા તે બંને અંજનાસુંદરીના મહેલે જઈ પહોંચ્યા. મહેલના સાતમા માળે પહોંચીને દિવ્ય આસન પર બેસી પૂણિર્માના ચન્દ્ર જેવી તે કન્યાને જોઈ. તેના બંને સ્તન ઉન્નત અને ભરાવદાર હતા. કટિપ્રદેશ પાતળો હતો. તેના નિતંબ વિશાળ હતા. તે પોતાના રૂપ, યૌવન, વાતચીત, હાસ્ય અને ચંચળતાની સુંદરતાથી દેવોના ચિત્તને પણ હરી લેતી હોય તો પછી માનવીઓની તો વાત જ ક્યાં કરવી? તેને જોઈને પવનંજય વિચારવા લાગ્યા, પ્રજાપતિએ શું આ રૂપની પતાકા સર્જી છે! આ દરમિયાન વસંતતિલકા નામની સખી બોલી, ‘તું તો ધન્ય છે — પવનવેગ સાથે તારું લગ્ન થશે. તેની ગતિનો વિસ્તાર રોક્યો રોકાશે નહી. દુષ્ટ સ્ત્રીની જેમ તેની ઉત્તમ કીર્તિ પૃથ્વી પર ઘેર ઘેર ભ્રમણ કરે છે.’ બીજી એક સખી મિશ્રકેશીએ વસંતતિલકાને કહ્યું, ‘તું પુરુષોના ઉત્તમ, અધમ ગુણોને ઓળખતી નથી. અરે મૂઢ વસંતતિલકા, ગુણના ભંડાર, ધીર અને ચરમશરીર વિદ્યુત્પ્રભને બદલે તું પવનંજયનાં વખાણ કરે છે? એટલે વસંતતિલકાએ મિશ્રકેશીને કહ્યું, ‘તે તો અલ્પાયુ છે તેના વિના તો આ કન્યા લાવણ્યવિહીન થઈ જવાની.’ ત્યારે મિશ્રકેશીએ કહ્યું, ‘વિદ્યુતપ્રભની સાથે એક દિવસનો સંબંધ ઉત્તમ પણ કુપુરુષની સાથેનો દીર્ઘસહવાસ નકામો.’ આ સાંભળીને પવનગતિએ તે યુવતીને મારવા તલવાર ઉગામી. ‘હસીને અને ઉત્તર ન આપીને અંજનાસુંદરીએ એ વાતને ટેકો આપ્યો કારણ કે આવું બોલતી તે સખીને તેણે રોકી નહીં. આ બંનેનાં મસ્તક હું તલવારથી કાપી નાખીશ, તે ભલે પોતાના પ્રેમી વિદ્યુત્પ્રભ સાથે લગ્ન કરે.’ યુવતીઓના વધ માટે ઉગામેલી તલવાર જોઈ મિત્રે મધુર શબ્દોથી તેને રોકયો. ‘મોટા મોટા સૈનિકોને મૃત્યુને ઘાટ ઉતારનાર, હાથીઓના ગંડસ્થળને વાઢનાર આ તલવાર ઘણા અપરાધો કરનારી સ્ત્રીઓ ઉપર પણ ન જ ચલાવાય. તું ઉત્તમ કુળમાં જન્મ્યો છે. તારું આવરણ ઉત્તમ છે. એટલે આનો વધ ન કર, ક્રોધને શાંત કર.’ આમ પ્રહસિતે મીઠા શબ્દોથી તેને ટાઢો પાડ્યો. પવનગતિ પછી પોતાના આવાસે આવ્યો. શય્યામાં નિરાંતે બેઠેલો તે સ્ત્રી પ્રત્યે વૈરાગ્નિ ધારણ કરીને કહેવા લાગ્યો, ‘બીજામાં તેનું ચિત્ત ચોંટ્યું હોય તેવી સ્ત્રીઓનો વિશ્વાસ ન કરો. મૂરખ કુમિત્ર, નોકરના સ્વાંગમાં રહેલો શત્રુ અને બીજામાં આસક્ત સ્ત્રીને મેળવીને કોણ સુખી થાય?’ આમ જ રાત વીતી. તેને જગાડવાનાં વાદ્ય વાગ્યાં. બંદીજનોએ આનંદપૂર્વક મંગળગીત ગાયાં. જાગ્યા પછી પવનંજયે મિત્રને કહ્યું, ‘જલદી પ્રયાણનો શંખ વગાડ. આપણા નગરમાં પહોંચી જઈએ.’ મોંથી શંખ વગાડવામાં આવ્યો. એ સાંભળીને આખી સેના તરત જ જાગી ગઈ. તે વેળા ઉત્તમ કમળને ખીલવનાર અને મૃદુ કિરણોથી શોભતો સૂર્ય ઊગ્યો. હાથીઘોડા, રથથી ઘેરાયેલો, શ્વેતધારી, તથા ધ્વજાપતાકાના હલનચલનથી શોભતો પવનંજય પોતાના નગરની દિશામાં નીક્ળ્યો. તેના જવાના સમાચાર સાંભળી અંજનાસુંદરી વિચારે ચઢી — મારાં પુણ્ય ઓછાં છે, કારણ કે બીજાના વાંકે હૃદયેશ્રે મારો ત્યાગ કર્યો. ખરેખર ગયા જન્મમાં મેં કોઈ વાર પાપ કર્યું હશે. ધન આપીને મેં પાછળથી કોઈની આંખો ફોડી નાખી હશે. આવા આવા વિચારો કરતી હતી ત્યારે પવનંજયના માર્ગની પાછળ પાછળ મહેન્દ્ર અને પ્રહ્લાદ પણ ત્યાં આવી પહોંચ્યા. ઉતાવળે નીકળી જતાં પવનંજયને જોઈને તેમણે પૂછ્યું, ‘તું કટાણે કેમ નીકળ્યો?’ પ્રહ્લાદે કહ્યું, ‘હે પુત્ર, કાર્ય પૂરું કર્યા વિના તું ન જા. અકાર્યથી રિસાઈને તું મને નીચો પાડી રહ્યો છે. જે નિંદાસ્પદ હોય, ઉપહાસપાત્ર હોય, નરકમાં લઈ જનાર હોય તે કામ ઉત્તમ પુરુષે નહીં કરવું જોઈએ.’ આ સાંભળીને પવનગતિ મનમાં વિચારવા લાગ્યો, ‘આનું ઉલ્લંઘન ન થાય. વડીલોની આજ્ઞા પાળવી જોઈએ. લગ્ન કર્યા પછી હું એનો ત્યાગ કરીશ, આ મારે માટે કે અન્ય માટે અયોગ્ય છે.’ બુદ્ધિશાળી પ્રહ્લાદે તથા મહેન્દ્રે આવાં અસંખ્ય બોધવચનો કહીને કુમાર પવનંજયને પાછો બોલાવ્યો. પવનંજય પાછો આવ્યો એટલે બંને સેના આનંદમાં આવી ગઈ. અનેકવિધ ખાણીપીણી, સેંકડો ભોજ્યપદાર્થોથી લોકોએ મોજ કરી. બધું સરખી રીતે ગોઠવાયું એટલે સારો દિવસ, નક્ષત્ર, કરણ જોઈને તે કન્યા સાથે કુમારનું લગ્ન થયું. ઉત્સવ પત્યો એટલે દાન તથા વૈભવ દ્વારા એક બીજાનું સન્માન કરીને મહેન્દ્ર તથા પ્રહ્લાદ ત્યાં એક મહિનો રોકાયા. પછી એકાકાર મનવાળા બંને વિદ્યાધર રાજા એકમેકની સાથે મસલત કરીને પોતપોતાનાં નગરમાં આવી પહોંચ્યા. હાથીઘોડા અને રથથી ઘેરાયેલા પવનંજયે ધ્વજાપતાકા, વિજયવૈજયંતી પતાકા લહેરાવીને અંજનાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. ભોંયતળિયે મણિ જડેલો, શાલભંજિકાની પ્રતિમાઓવાળો એક ઉત્તમ મહેલ તેને આપ્યો. મહેન્દ્રપુત્રી અંજના એમાં રહીને સમય પસાર કરવા લાગી. આગલા જન્મમાં કરેલાં પાપપુણ્ય આ લોકમાં સુખ અથવા દુઃખ આપે છે, પણ ચારે ગતિના ભયવાળા, વૈરાગ્ય અને શ્રદ્ધાસંપન્ન, વિમલ હૃદયવાળા મનુષ્ય ધર્મમાં એકચિત્ત થાય છે. મિશ્રકેશીની વાત યાદ કરીને રિસાયેલા પવનંજયે નિર્દોેષ અને દુઃખી મનવાળી મહેન્દ્રપુત્રી અંજનાસુંદરીનો ત્યાગ કર્યો. વિરહાગ્નિથી તપેલા શરીરવાળી, ફીકી આંખોવાળી, ડાબા હાથ પર માથું મૂકીને તે વાયુકુમારનો વિચાર કરતી ઊંઘતી ન હતી. અત્યંત ઉત્કંઠિત થઈને તથા આંસુ સારી સારીને મલિન વક્ષ:સ્થળવાળી તે વાઘથી ડરેલી હરણીની જેમ વાટ જોતી બેસી રહેતી હતી. તેનાં બધાં અંગ ખૂબ જ ક્ષીણ થઈ ગયાં હતાં, કંદોરો તથા બીજાં આભૂષણો ઢીલાં પડી ગયાં હતાં, પોતાના વસ્ત્રના ભારથી જ તે ખિન્ન થતી હતી. દર્પ અને ઉત્સાહ ન રહેવાને કારણે તેના આખા શરીરે પીડા થતી હતી. મહેલમાં રહેવા છતાં તે વારે વારે મૂર્ચ્છા પામતી હતી. શીતળ પવનની લહેરના સ્પર્શે પાછળથી તેને સારું લાગતું હતું. મધુર, કોમળ તથા અવ્યક્ત શબ્દે તે દીનવચન કહેતી હતી — અરે મહાયશ, મેં તમારું જરાય બગાડ્યું નથી. તમે ક્રોધ મૂકી દો, મારા પર કૃપા કરો. આવા નિષ્ઠુર ન થાઓ. નમન કરનારી સ્ત્રીઓ પર તો પુરુષ પ્રેમ કરે છે. આવાં આવાં દીન વચન બોલતી મહેન્દ્રપુત્રી અંજનાએ ઘણો સમય વીતાવ્યો. આ દરમિયાન અભિમાની રાવણ અને વરુણ વચ્ચે વિરોધ થયો, પછી મોટું યુદ્ધ થયું. લંકાપતિ રાવણે તરત જ વરુણને ત્યાં દૂત મોકલ્યો. ત્યાં જઈને, આસન પર બેસીને તે દૂતે કહ્યું, ‘હે વિદ્યાધરોના સ્વામી વરુણ, રિસાયેલા રાવણે કહ્યું છે કાં તો તમે મને નમો અથવા યુદ્ધ કરો.’ એટલે હસીને વરુણે કહ્યું, ‘અરે અધમ દૂત, રાવણ કોણ છે? હું એને નથી માથું નમાવતો- નથી એની આજ્ઞા માનવાનો. હું કાંઈક વૈશ્રમણ નથી, નથી યમ કે નથી સહકિરણ — હું દિવ્ય શસ્ત્રોથી ડરી જઈને એની આગળ માથું નમાવવાનો નથી.’ આવા કઠોર વચનોથી અપમાનિત થયેલા તે દૂતે રાવણ પાસે જઈને વરુણે જે કહ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. દૂતની વાત સાંભળીને રાવણ બોલ્યો, ‘હું દિવ્યાસ્ત્રો વિના જ વરુણને હરાવીશ.’ પછી બધી સેના લઈને દશાનને પ્રયાણ કર્યું. મણિમઢેલા અને સુવર્ણના પ્રાકારવાળા વરુણપુર આગળ રાવણ જઈ પહોંચ્યો. રાવણનું આગમન જાણીને યુદ્ધના માટે અત્યંત ઉત્સાહિત થઈને વરુણ પુત્ર તથા સેના લઈને મેદાનમાં આવ્યો. રાજીવ, પુંડરિક વગેરે બત્રીસ હજાર પુત્રો તૈયાર થઈ, કવચ ધારણ કરી રાક્ષસ સૈનિકોનો સામનો કરવા લાગ્યા. આ યુદ્ધમાં એકબીજાનાં શસ્ત્રો ભાંગવા લાગ્યાં, એ શસ્ત્રોમાંથી આગની ચિનગારીઓ નીકળતી હતી, બળવાન સૈનિકો પરાજિત થતા હતા. બાણ, શક્તિ, તલવાર, તોમર, ચક્ર, આયુધ, મુદ્ગર હાથમાં લઈ રથ, હાથી, ઘોડા પર સવાર થઈને સૈનિકો લડવા માંડ્યા. જમીન પર ફસડાઈ પડેલા હાથી, ઘોડા, સૈન્યમાં પડેલું ભંગાણ જોઈ જળનો સ્વામી વરુણ આગળ આવ્યો. વરુણ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતંુ હતંુ ત્યારે વરુણના પુત્રોએ ખરદૂષણને પકડી લીધા. દૂષણ પકડાયો છે એ જોઈને મંત્રીઓએ રાવણને કહ્યુ, ‘અરે પ્રભુ, તમે લડતા રહેશો તો કુમાર ચોક્કસ મૃત્યુ પામશે.’ મંત્રીઓ સાથે નક્કી કરીને રાક્ષસસ્વામી રાવણ ખરદૂષણના જીવ બચાવવા રણમેદાનમાંથી પાછો ફર્યો. પાતાલપુરમાં પહોંચીને તેણે બધા સામંતોને એકઠા કર્યા. પ્રહ્લાદ ખેચરને બોલાવવા માટે તાબડતોબ એક માણસ મોકલ્યો. ત્યાં જઈને તેણે પ્રણામ કરી પ્રહ્લાદ રાજાને રાવણ સાથેના તેના સંબંધની વાત, રાવણ-વરુણની યુદ્ધકથા, દૂષણનું પકડાઈ જવું — આ બધું વિગતે કહ્યું. યુદ્ધમેદાનમાંથી પાછા ફરેલા રાવણ અત્યારે સામંતો સાથે છે અને તે તમને મળવા માગે છે, મને એટલા જ માટે મોકલ્યો છે.’ આ સાંભળીને પ્રહ્લાદ તે જ વખતે જવા તૈયાર થયો. આ જોઈ પવનંજયે તેને રોક્યો. ‘તમે અહીં જ નિરાંતે રહો. મારા હોવા છતાં તમે જવાની તૈયારી કેમ કરો છો? હું તમારે આધીન છું. મને ભેટીને જવાની મંજૂરી આપો.’ રાજાએ કહ્યું, ‘તું હજુ બાળક છે. તેં હજુ યુદ્ધ જોયું જ નથી. તું તારી મેળે રમતો રમતો અહીં રહે.’ એટલે પવનંજયે કહ્યું, ‘હું બાળક છું આવું ન કહો. શું મદોન્મત્ત હાથીને સિંહબાળ, મારતો નથી?’ એટલે પછી પ્રહ્લાદ રાજાએ પવનંજયને જવાની આજ્ઞા આપી અને કહ્યું, ‘પુત્ર, તું રાજાઓ પર વિજય મેળવનારો છે.’ પિતાને પ્રણામ કરી, માતાની સંમતિ લઈને આભૂષણો પહેરેલો તે પોતાના મહેલની બહાર નીકળ્યો. નગરમાં ચારે બાજુ ખબર પડી ગઈ કે પવનવેગ જઈ રહ્યો છે. આ સાંભળી અંજના તરત જ બહાર નીકળી. અત્યંત સ્નેહ પ્રદશિર્ત કરતી, થાંભલાના ટેકે ઊભી રહી પતિને જોતી અંજનાસુંદરી લોકોને સુંદર શાલભંજિકાની પ્રતિમા જેવી લાગી. આનંદિત થતી, કમળ જેવા નેત્રવાળી અંજનાસુંદરી તે કુમારને જોતાં ધરાતી ન હતી. તે વેળા પવનંજયે પણ અટારીએ ઊભા રહીને જોતી અંજનાને ઉદ્વેગપ્રદ ઉલ્કાની જેવી જોઈ. તેને જોઈ ક્રોધે ભરાયેલો પવનગતિ બોલ્યો, ‘કેવી નિર્લજ્જતા — તું મારી સામે આવી છે!’ એટલે હાથ જોડીને, તેની ચરણવંદના કરીને ઠપકો આપતી તે બોલી, ‘હે સ્વામી, તમે પ્રવાસે જઈ રહ્યા છો. જતી વખતે બધા સ્વજનો સાથે વાતચીત કરી. તમે મારી સાથે બોલ્યા પણ નહીં. મારાં જીવનમરણ તમારે આધીન છે એમાં કશી શંકા નથી. તમે ભલે પ્રવાસે હો — હું તમને યાદ કરતી રહીશ.’ તે આમ બોલતી રહી અને પવનગતિ મત્ત હાથી પર સવાર થઈને નગરમાંથી બહાર નીકળ્યો અને માનસરોવર પર જઈ પહોંચ્યો. વિદ્યાબળે તેણે શય્યાવાળો આવાસસ્થાન ઊભો કર્યો. તે વખતે સૂર્ય પણ ફરતા ફરતા અસ્તાચળે જઈ પહોંચ્યો. સંધ્યાકાળે પોતાના ભવનની અટારીમાં ઊભા રહીને નિર્મળ તથા ઉત્તમ જળથી ભરેલા સુંદર સરોવરને તેણે જોયું, માછલીઓ, કાચબા, સારસ તથા હંસોને કારણે તેના તરંગો ઊછળતા હતા. સહદળ કમળ પર ગુંજારવ કરતા ભમરાઓથી તે સરોવર છવાયેલું હતું. અતિ દારુણ પ્રતાપવાળા રાજાની જેમ દીર્ઘકાળ રાજ્ય કરીને તે સૂર્ય આથમી ગયો. દિવસે વિકસતાં અને ભમરાઓ જેને ત્યજીને જતા રહ્યા છે તેવાં કમળ સૂર્યવિરહમાં દુઃખી થઈને કરમાઈ ગયાં. એ સરોવરમાં ક્રીડા કરતા હંસ જેવા પક્ષીઓ પણ સંધ્યાકાળને કારણે પોતપોતાનાં સ્થાને જતાં રહ્યાં. ત્યાં પવનંજયે અત્યંત વ્યાકુળ ચિત્તવાળી, તાજા વિરહાગ્નિથી તપેલા શરીરવાળી, અનેક પ્રકારની ચેષ્ટા કરતી એક ચક્રવાકીને જોઈ. તે ઉપર જતી હતી, ચાલતી હતી, કાંપતી હતી, બગાસાં ખાતી હતી, પાંખો ફફડાવતી હતી, કાંઠા પરના ઝાડ પર બેસતી હતી અને પાછી પાણીમાં ડૂબકી મારતી હતી. પ્રિયની આશંકાથી ચંચુપ્રહાર કરતી તે કમળવૃંદમાં થઈને ચાલતી, પ્રતિધ્વનિ સાંભળીને એકદમ આકાશમાર્ગે ઊડી જતી હતી. પ્રિયના વિરહથી અત્યંત દુઃખી થયેલી ચક્રવાકીને જોઈને તેમાં પરોવાઈ ગયેલા મનવાળા પવનંજયને લાંબા સમયથી ત્યજી દીધેલી અંજનાસુંદરી યાદ આવી. તે બબડ્યો, ‘અફસોસ, મૂઢ અને અણઘડ, પાપી મેં આજે ત્યજી દીધી છે, જેવી રીતે આ ચક્રવાકી પોતાના પ્રિયવિરહથી દુઃખી થઈ ગઈ છે તેવી જ રીતે મારી અત્યંત દીનમુખવાળી પ્રિયતમા સમય પસાર કરતી હશે. તેની દુષ્ટ સખીએ કાને ન સંભળાય એવી અસહ્ય વાત કહી તો મેં શા માટે નિર્દોષ, વિશાલાક્ષીને ત્યજી દીધી?’ આમ વિચારીને પવનકુમારે પ્રહસિતને કહ્યું, ‘ચક્રવાકીને જોઈને મને મારી પત્ની અંજના યાદ આવી ગઈ. આવતી વખતે બરફના કરાથી આહત પદ્મિનીની જેમ, તથા સૌભાગ્યહીન, મહેલમાં ઊભી રહીને જોયા કરતી અંજનાને મેં જોઈ હતી. હે સત્પુરુષ, સમય ગુમાવ્યા વિના તું આજે જ એવો કોઈ ઉપાય કર જેથી ચિરકાલીન વિરહથી દુઃખી અંજનાકુમારીને હું જોઈ શકું.’ કાર્યના મહત્ત્વને જાણીને મિત્ર પ્રહસિતે કહ્યું, ‘અહીંથી જતા રહેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.’ પવનંજયે મુદ્ગર નામના અમાત્યને તરત જ બોલાવ્યો. તેને સેનાપતિ બનાવીને કહ્યું, ‘હું મેરુ તરફ જઉં છું.’ ચંદન અને પુષ્પ હાથમાં લઈને બંને આકાશમાર્ગે નીકળી પડ્યા અને તરત અંજનાના ભવને પહોંચ્યા. પવનવેગને ઘરના આગલા ભાગમાં મૂકીને પ્રહસિત અંદર પ્રવેશ્યો. અંજનાસુંદરીએ એકાએક તેને જોયો. પૂછ્યું, ‘તું કોણ છે? અહીં કેમ આવ્યો છે?’ ત્યારે તેણે પ્રણામ કરીને કહ્યું, ‘હું પવનવેગનો મિત્ર છું. હે સુંદરી, તમારો પ્રિયતમ અહીં આવ્યો છે. મને તેણે અહીં મોકલ્યો. મારું નામ પ્રહસિત. હે સ્વામિની, તમે શંકા ન કરો.’ સ્વપ્ન સમાન પવનંજયના આગમનની વાત સાંભળીને અંજના બોલી, ‘અરે પ્રહસિત, તમે મજાક કેમ કરો છે? હું તો યમ દ્વારા પણ ઉપહાસપાત્ર થઈ. તમારો શો દોષ? મારાં પૂર્વકર્મોનો જ દોષ, એટલે તો પ્રિયતમે મને તિરસ્કારી, બધા દ્વારા અપમાનિત થઈ.’ એટલે પ્રહસિતે કહ્યું, ‘સ્વામિની, આમ દુઃખી ન થાઓ. તમારો હૃદયનાથ આ ભવનમાં છે.’ વસંતમાલાએ બીજા ઓરડામાં ઊભેલા પવનંજયકુમારને પ્રણામ કરી શયનખંડમાં દાખલ કર્યો. પ્રિયતમને જોઈ અંજનાકુમારી એકદમ ઊભી થઈ ગઈ, માથું નમાવી ચરણવંદના કરી. પવનંજય પુષ્પોની ચાદરથી છવાયેલા રત્નમઢેલા પલંગ પર બેઠો. હર્ષથી રોમાંચિત થયેલી અંજના તેની પાસે બેઠી. વિનોદપૂર્ણ વાતો અને વિવિધ કથાઓ કહેનારી વસંતમાલા પ્રહસિત સાથે બીજા ઓરડામાં બેઠી. પવનવેગે અંજનાને કહ્યું, ‘સુંદરી, મેં તને દુઃખી કરી છે, મારા એ હજારો અપરાધોને માફ કર.’ અંજનાસુંદરી બોલી, ‘હે નાથ, એમાં તમારો વાંક નથી. મનોરથના ફળને યાદ કરીને હવે સ્નેહ પ્રગટ કરો.’ પવનંજયે કહ્યું, ‘હે સુંદરી, તું બધા અપરાધો ભૂલી જા અને પ્રસન્ન હૃદયવાળી બન. મેં તને આ પ્રણામ કર્યાં.’ કમળદળ જેવી કોમલાંગી અંજનાને તેણે આલિંગન આપ્યું. એકીટશે અંજના પ્રિયતમના મોઢાને જોઈ જ રહી. ગાઢ સ્નેહથી ભરેલા અને અનુરાગપૂર્ણ બંનેએ અનેક પ્રકારે સુરતક્રિયા કરી. આલિંગન, ચુંબન, રતિ વડે વિરહનું દુઃખ શાંત થઈ ગયું, મનને સંતોષ થાય એવો તે સુરતોત્સવ હતો. એ ઉત્સવ સમાપ્ત થયો એટલે ખેદ અને આળસથી ભરેલાં અંગોવાળાં એ બંને એકબીજામાં આલિંગનબદ્ધ થઈને સૂૂઈ ગયા. આમ સુરતસુખના ભોગ પછી તેમની રાત વીતી ગઈ. સવારે જાગી ગયેલા પ્રહસિતે પવનગતિને કહ્યું, ‘હે સુપુરુષ, જલદી ઊઠો. છાવણી તરફ પ્રયાણ કરીએ.’ મિત્રની વાત સાંભળીને પવનવેગ પથારીમાંથી બેઠો થયો અને પત્નીને આલિંગીને કહેવા લાગ્યો, ‘હું જ્યાં સુધી રાવણને મળીને આવું નહીં ત્યાં સુધી તું વિશ્વાસ રાખીને અહીં જ રહેજે, મનમાં કશો ઉદ્વેગ રાખતી નહીં.’ ત્યારે વિરહદુઃખે ભયભીત થયેલી તે બાલાએ વિનયપૂર્વક ચરણવંદના કરીને પ્રેમપૂર્વક અને મધુરવાણીથી કહ્યું, ‘હે નાથ, આજે ઋતુકાળમાં કદાચ મને ગર્ભ રહ્યો હોય. લોકોની દૃષ્ટિએ તો તમે પરોક્ષ છો, એટલે આ વાત મારે માટે નિંદાસૂચક લેખાશે. એટલે વડીલોને આ ગર્ભસંભાવનાની વાત કરો. દીર્ઘદૃષ્ટિવાળા બનો અને દોષ ન લાગે તે જુઓ.’ એટલે પવનવેગે કહ્યું, ‘હે ચંદ્રમુખી, મારા નામવાળી આ રત્નજડિત મુદ્રિકા છે. તે દોષનો નાશ કરશે.’ પત્ની અને વસંતમાલાને પૂછીને ગગનમાર્ગે પ્રહસિત અને પવનંજય બંને પોતાના પડાવે જઈ પહોંચ્યા... થોડો સમય વીત્યા પછી અંજનાસુંદરીનાં શરીરમાં ગર્ભાવસ્થાનાં અનેક પ્રકારનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. તેના સ્તન ઉન્નત અને ભરાવદાર થયા. મોં શ્યામ થઈ ગયું, કમર વિસ્તરી. ગર્ભના ભારથી સુંદર દેખાતી અંજનાની ચાલ ઢીલી પડી ગઈ. પવનંજયની માતાએ આ લક્ષણો જોઈને કહ્યું, ‘અરે પાપિણી, પતિ નથી અને છતાં તું ગર્ભવતી થઈ.’ માથું નમાવી અંજનાસુંદરીએ પ્રણામ કર્યા, પવનંજયના આગમનની બધી વાત કરી, સાક્ષી તરીકે મુદ્રિકા બતાવી તો પણ તેની સાસુને વિશ્વાસ ન આવ્યો. કીર્તિમતિએ કહ્યું, ‘જે તારું નામ સુધ્ધાં લેતો ન હતો તે દૂરદૂરના પ્રવાસેથી પાછો કેવી રીતે આવી શકે? અરે દુષ્ટશીલા, તને ધિક્કાર છે, ધિક્કાર છે. લોકોમાં નિંદાપાત્ર કર્મ કરીને તે તારું પવિત્રકુળ કલંકિત કર્યું છે.’ આમ અનેક રીતે સંભળાવી કીર્તિમતિએ નોકરોને આજ્ઞા આપી, આને હમણાં ને હમણાં પિયર લઈ જાઓ. આજ્ઞા મળી એટલે અંજનાસુંદરી સખીની સાથે તરત જ પાલખીમાં બેસી ગઈ. તે મહેન્દ્રનગરની દિશામાં ચાલી નીકળી. થોડા જ સમયમાં તે ત્યાં જઈ પહોંચી. નગર પાસે તે પાપી નોકર ક્ષમા માગીને પાછો ચાલ્યો ગયો. તે સમયે સૂર્યાસ્ત થઈ ગયો. રાત્રિનો અંધકાર ચારે બાજુએ ફેલાઈ ગયો એટલે દસે દિશાઓમાં નજર કરતી તે મોટે મોટેથી નિસાસા નાખી રડવા લાગી. ‘અરે વસંતમાલા, મેં ભૂતકાળમાં અતિભયંકર પાપ કર્યું છે, એટલે જ મારી અપકીર્તિની વાતો જોરશોરથી બધે થઈ રહી છે. પ્રિયવિરહની વેદના તો હજુ શમી નથી અને ત્યાં અપયશનું બીજું દુઃખ મારા માટે આવીને ઊભું રહ્યું. પ્રજાપતિ બ્રહ્માએ સુખ-શાન્તિ ન પામનાર અને અનેક દુઃખોના આધારરૂપ મારા આ શરીરનું સર્જન શું જોઈને કર્યું હશે?’ આમ વિલાપ કરતી અંજનાને વસંતમાલાએ કહ્યું, ‘આ વનમાં વિલાપ કરવાનો શો અર્થ? પહેલાં કરેલા કર્મનું ફળ મનમાં દુઃખી થયા વિના ભોગવવું જોઈએ.’ વસંતમાલાએ પર્ણોની પથારી કરી, ચિંતારૂપી સમુદ્રમાં પડેલી અંજના ઊંઘને કારણે જરા વારમાં સૂઈ ગઈ. સૂર્યોદય થયો એટલે તે પોતાના નગરમાં પ્રવેશી. ત્યારે દ્વારપાલે તેને રોકી. દ્વારપાલે પૂછ્યું એટલે વસંતમાલાએ પવનંજયની વાતને માંડીને અંજનાના આગમનની બધી વાત કહી. પછી શિલાકપાટ નામના દ્વારપાલે મહેન્દ્ર રાજાને આગમનના બધા સમાચાર પહોંચાડ્યા. સમાચાર જાણીને મહેન્દ્રે લજ્જાને કારણે માથું નમાવી દીધું. ‘આ પાપી પુત્રીને બહાર કાઢી મૂકો.’ ત્યારે મહોત્સવ નામના સામન્તે કહ્યું, ‘આ યોગ્ય નથી. પુત્રી માટે તો માતાપિતા જ આશ્રય હોય. લૌકિક ધર્મને અનુસરનારી કીર્તિમતિ તો સાવ નિર્દય છે. અરે સ્વામીં, આ બાલાને તેણે કાઢી મૂકી છે.’ એટલે મહેન્દ્રે કહ્યું, ‘પહેલાં પણ વાત સંભળાઈ હતી કે પવનંજયને અંજના ગમતી નથી. એટલે આ સગર્ભાવસ્થાની વાત શંકાસ્પદ છે.’ આ કલંકને કારણે મારી આબરૂ ખરડાય નહીં એમ માનીને તેણે દ્વારપાલને કહ્યું, ‘આને જલદી નગરની બહાર મૂકી આવ.’ આવી આજ્ઞા મળી એટલે દ્વારપાલે અંજનાસુંદરીને તેની સખીની સાથે નગરની બહાર કાઢી મૂકી. કોમળ હાથપગવાળી અંજનાને કાંટાઝાંખરાં, પથ્થરથી ભરેલા રસ્તે ચાલવાથી ભારે શ્રમ પડતો હતો. રહેવા માટે જે જે સ્વજનને ત્યાં જતી ત્યાં ત્યાં રાજાએ મોકલેલા નોકરો અટકાવતા હતા. આમ નિર્દય લોકો દ્વારા કાઢી મૂકાયેલી અંજના પુરુષો માટે પણ ભયાનક કહેવાય તેવા જંગલમાં પ્રવેશી. તે જંગલ અનેક પ્રકારના પર્વતોવાળું હતું, અનેક પ્રકારનાં વૃક્ષો હતાં, તે બહુ મોટું અને ફેલાયેલું હતું. જંગલી પશુઓ પણ વધુ હતાં. પવન અને તડકો તથા ભૂખતરસથી રિબાતી એક સ્થળે બેસીને અંજના રુદન કરવા લાગી, ‘અનેક પ્રકારનાં દુઃખ આપનાર તથા નિષ્કારણ વેરી વિધાતા મારા પર ટૂટી પડ્યો છે. હું કોના શરણે જઉં? પતિવિહોણી સ્ત્રીઓ માટે પિતા આશ્રય હોય છે. પુણ્યહીન એવી મારા માટે તો તેઓ પણ શત્રુ જેવા થઈ ગયા છે. જ્યાં સુધી સ્ત્રી પતિના ઘરમાં હોય છે ત્યાં સુધી જ માતાપિતા, બાંધવોના હૃદયમાં સ્થાન પામે છે, જ્યાં સુધી પતિ સ્નેહ વરસાવે છે ત્યાં સુધી જ સૌભાગ્ય અને ગૌરવ રહે છે. માતાપિતાભાઈએ કેવું વહાલ બતાવ્યું? નિરપરાધી એવી મારું બધું નષ્ટ થઈ ગયું. ન મારી સાસુએ કે અજ્ઞાનથી ઘેરાયેલા મારા પિતાએ બદનામીનું મૂળ નષ્ટ કર્યું, ન દોષની સાચી તપાસ કરી.’ આ પ્રકારે રુદન કરતી અંજનાને વચ્ચેથી અટકાવીને વસંતમાલાએ કહ્યું, ‘હે સ્વામિની, મારી વાત સાંભળો. આ પાસેની સુંદર ગુફા ધ્યાનથી જુઓ. ત્યાં આપણે જલદી જઈએ, અહીં ભયાનક જાનવરો રહે છે. તમારો ગર્ભ નાશ ન પામે.’ એમ કહી વસંતમાલા હાથ પકડીને તેને તરત જ ગુફાના મોં પાસે લઈ આવી. ત્યાં એક સપાટ શિલા પર બેઠેલા, યોગ કરી રહેલા એક નિર્મોહી શ્રવણને જોયો. નિર્ભય બનેલી આ બંને સ્ત્રીઓ હાથ જોડીને આ મુનિશ્રેષ્ઠ પાસે બેસી ગઈ. મુનિનું ધ્યાન પૂરું થયું એટલે ધર્મલાભ આપીને પૂછયું, ‘તમે ક્યાંથી આવો છો?’ સાધુને પ્રણામ કરીને વસંતમાલાએ કહ્યું, ‘આ મહેન્દ્રપુત્રી અંજના છે. લોકોએ તેની સગર્ભાવસ્થાને કલંકિત માનીને પવનંજયની પત્નીનો ત્યાગ બાંધવોએ કર્યો છે, એટલે એ વનમાં પ્રવેશી છે. તે શા માટે પોતાના પતિ અને સાસુથી અપમાનિત થઈ? કયા કર્મને કારણે તેને આવું દુઃખ ભોગવવું પડ્યું? તેના ઉદરમાં કયો પુણ્યહીન જીવ આકાર લઈ રહ્યો છે?’ એટલે તે મુનિએ વાત માંડી, ‘આ જંબુદ્વીપમાં આવેલી, મંદિરપુર નગરીમાં પ્રિયનંદી નામનો માણસ રહેતો હતો. તેની પત્ની જયા, દમયંત નામે પુત્ર. એક દિવસ દમયંત કોઈ સુંદર બાગમાં ગયો. નગરજનોથી વીંટળાઈને તે ક્રીડા કરવા લાગ્યો. બહુ વખત ક્રીડા કર્યા પછી ગુણસમૃદ્ધ સાધુને જોયો. તેની પાસે ધર્મ વિશે બોધ સાંભળ્યો. મુનિવરોને ભાવશુદ્ધિપૂર્વક સાત્ત્વિક દાન કર્યું, સંયમ, તપ અને નિયમ પાળીને બીજા જન્મે તે દેવ થયો. દિવ્ય, નિર્મલ દેહધારી તે દેવસુલભ ઉત્તમ સુખ ભોગવીને પછી જંબુદ્વીપના ઉત્તમ નગરમાં જન્મ્યો. પિયગુલક્ષ્મી તથા હરિવાહનને બધી કળાઓમાં પારંગત એવો સિંહચંદ્ર નામનો પુત્ર થયો. જિનધર્મમાં ભક્તિ રાખીને મૃત્યુ પછી ઉત્તમ દેવવિમાનમાં શ્રી, લક્ષ્મી, કીર્તિના ધામરૂપ એક દેવ તરીકે જન્મ્યો. પછી દેવસુખ પામીને આ વૈતાઢ્યમાં કનકોદરીના પેટે સુકંઠ પુત્રરૂપે જન્મ્યો. તે સિંહવાહને લાંબા સમય સુધી અરુણપુરને માણીને વિમલજિન તીર્થમાં લક્ષ્મીધર પાસે દીક્ષા લીધી. તપ અને તપના તેજથી સંયમ પાળીને લાંતક નામના દેવલોકમાં દિવ્યરૂપવાળો દેવ થયો. દેવના ઉત્તમ સુખ ભોગવીને પૂર્વકર્મોેને લીધે તે મહેન્દ્રપુત્રીના ઉદરમાં પ્રવેશ્યો છે. હવે અંજનાની વાત. આગલા જન્મે તે પટરાણી કનકોદરી હતી. લક્ષ્મી નામની શોક્ય હતી. તે વેળા લક્ષ્મી સમ્યક્ ભાવવાળી જિન પ્રતિમાની સ્થાપના કરીને એકાગ્ર ચિત્તે પૂજા કરતી હતી. ઘણાં મંગલગીતો વડે સ્તુતિપાઠ કરતી હતી. એટલે કનકોદરીએ ક્રોધે ભરાઈને જિન પ્રતિમા ઉપાડીને ઘરની બહાર મૂકી દીધી. નગરમાં ભિક્ષા માટે ભમતી સંયમશ્રી નામની આર્યાએ ઘરની બહાર પ્રતિમા જોઈ. તે આર્યાએ કનકોદરીને કહ્યું, ‘તારે માટે હિતકારી વચન સાંભળ. પોતાનાં પાપકર્મોથી ઘેરાયેલો જીવ નરમાં અને તિર્યંચ જાતિમાં ભટકતો ભટકતો છેવટે મહામુશ્કેલીએ મનુષ્ય રૂપે જન્મે છે. તને મનુષ્યજન્મ મળ્યો છે, વિશિષ્ટ કુલ સાંપડ્યું છે. આવી ગુણવાન તારે નિંદાપાત્ર કાર્ય નહીં કરવું. જિનેશ્વર દેવ તથા ગુરુ દ્વારા નિષિદ્ધ વસ્તુનું આચરણ કરનાર વ્યક્તિ હજારો દુઃખ ભોગવતી સંસારમાં ભટક્યા કરે છે.’ આર્યાની આવી વાત સાંભળીને સારો એવો ધર્મોપદેશ સાંભળેલી કનકોદરીએ આદરપૂર્વક ચૈત્યગૃહમાં જિનપ્રતિમાની સ્થાપના કરીને ગૃહસ્થધર્મમાં પરોવાઈ. સંયમગુણને કારણે તે દેવી થઈ, ત્યાંથી ચ્યુત થઈને અંજનારૂપે જન્મી. રાગદ્વેષને કારણે તેણે મૂતિર્ ઘર બહાર મૂકી તેને કારણે આ મહાદુઃખ આવી પડ્યું. સંસારના સુખનો નાશ કરનાર જિનધર્મ તું સ્વીકાર, નહીંતર ફરી ઘોરતમ ભવસાગરમાં ફરી ભટકવું પડશે. તારા ઉદરમાં જે પુત્ર છે તે જગતમાં પ્રસિદ્ધ થશે, તે વિદ્યાધરોની ઋદ્ધિ તથા સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે. થોડા જ દિવસોમાં તારો પતિ આવીને મળશે, એટલે તું ભયમુક્ત થા, ઉદ્વેગ દૂર કર.’ આ ધીરગંભીર શ્રમણ પછી બંનેને આશીર્વાદ આપીને ઉપર ઊડ્યો અને આકાશમાર્ગેથી પોતાના સ્થાને ગયો. તે ગુફાના આવાસમાં વસંતમાલાએ વિદ્યાબળથી પલંગ, ભોજનની સગવડ ઊભી કરી. પછી અનેક કિરણો ધરાવતો સૂર્ય ધીમે ધીમે અસ્ત થયો અને કાજળઘેરો અંધકાર બધે છવાઈ ગયો. તે વેળા મજબૂત દાંત તથા કેસરી યાળને કારણે રાતી આભાવાળો, પ્રજ્વલિત આંખો ધરાવતો, જીભ લબલબ કરતો એક સિંહ ત્યાં આવી ચઢ્યો. સિંહને જોઈને ભયજનક વિહ્વળતાવાળી તે બંને સાવ નિરાધાર થઈને દસે દિશામાં જોવા લાગી. અંજનાથી ત્રણેક હાથ છેટે જ ઊભેલા સિંહને જોઈ વસંતમાલા ટિટોડીની જેમ આકાશમાં ઘૂમવા લાગી. ‘અરે મુગ્ધા, શરૂઆતમાં દુર્ભાગ્યવશ વિરહ આવ્યો, બાંધવોએ તારો ત્યાગ કર્યો. હવે સિંહ સામે આવ્યો. હે વનદેવતા, આ મહેન્દ્રપુત્રી તથા પવનંજયની પત્નીને ગૃહિણીગુફામાં સિંહ ખાઈ જશે, તેની રક્ષા કરો.’ તે ગુફામાં રહેતા મણિચૂડ નામના ગંધર્વે આ જોઈને શરભનું રૂપ લીધું અને ગુફામાંથી સિંહને ભગાડી મૂક્યો. સિંહ ગયો એટલે બંનેના જીવમાં જીવ આવ્યો, અંજના વસંતમાલાએ કરી આપેલી પથારીમાં બેઠી. ત્યારે દેવી ચિત્રમાલાએ ગંધર્વને કહ્યું, ‘હે સ્વામી, આમનો ભય નિવારવા તમે એક ગીત ગાઓ.’ એટલે તે ગંધર્વ હાથમાં વીણા ધારણ કરી પોતાની પ્રિયતમાની સાથે જિનવરની સ્તુતિવાળું સુંદર ગીત ગાવા લાગ્યો. ગીત સાંભળીને જેમનો ભય નિર્મૂળ થઈ ગયો છે એવી મહેન્દ્રપુત્રી અંજના અને વસંતમાલા તે ગુફામાં રોકાઈ. સવારે જળમાં તથા જમીન પર ઊગનારાં પુષ્પો વડે મુનિ સુવ્રતસ્વામીની ચરણવંદના વિશુદ્ધ ભાવે કરી. જિનપૂજા તથા વંદન કરતી બંને બુદ્ધિવાળી યુવતીઓ ત્યાં રહેવા લાગી અને ગંધર્વ તેમની રક્ષાનો સતત પ્રયાસ કરતો હતો. પછી વસંતમાલાએ રચેલ શય્યા પર અંજનાએ પૂર્વદિશામાં ઊગતા સૂર્ય જેવો એક ઉત્તમ પુત્ર જણ્યો. તેના પ્રભાવે તે ગુફા ઉત્તમ વૃક્ષોના પુષ્પપર્ણવાળી, કોયલના ટહુકારવાળી, ભમરાઓના ગુંજારવવાળી બની ગઈ. બાળકને ખોળામાં લઈને તે મુગ્ધ અંજના રડતી હતી, ‘હું અપુણ્યશાળી છું, આ વનમાં તારા માટે શું કરું? અરે પુત્ર, પિતાને ત્યાં કે મામાને ત્યાં તારો જન્મોત્સવ હોત તો કેટલી ધામધૂમ થાત! હે પુત્ર, તારા જ કારણે જૂથથી વિખૂટી પડેલી હરિણીની જેમ હું પતિ અને સ્વજનો વિનાની જીવી રહી છું.’ એટલે વસંતમાલાએ કહ્યું, ‘હે સ્વામિની, તમે આ શોક ત્યજી દો. મુનિવરે જે કહ્યું છે તે અસત્ય નહીં થાય.’ તેમની આવી વાતચીત સાંભળીને એક વિદ્યાધર પોતાના સમગ્ર પરિવારને લઈને આકાશમાંથી ત્યાં ઊતર્યો. ગુફામાં પ્રવેશીને તેણે બે રૂપવાન યુવતીઓને જોઈ. દયાવાન વિદ્યાધરે તેમને પૂછ્યું, ‘ અહીં તમે કેવી રીતે?’ એટલે વસંતમાલાએ કહ્યું, ‘આ મહેન્દ્રપુત્રી અંજના છે, સૈનિક પવનંજયની પત્ની છે. આ પવનંજય એને સગર્ભા બનાવીને રાવણ પાસે જતો રહ્યો. કોઈને આની જાણ ન થઈ. નિર્દય હૃદયવાળી સાસુએ જોયું કે આ સગર્ભા છે. ચારિત્ર્યહીનતાનો આક્ષેપ કરીને તેણે અંજનાને પિયર મોકલી દીધી. આબરૂ જવાના ભયથી મહેન્દ્રે પણ તેને કાઢી મૂકી. એટલે તે મારી સાથે આ ઘોર વનમાં છે. નિર્દોષ અંજનાએ આજે રાતને પાછલા પહોરે પુત્રને જન્મ આપ્યો છે.’ આ સાંભળી વિદ્યાધરે કહ્યું, ‘સાંભળ, કુરુવર દ્વીપમાં મારા પિતા ચિત્રભાનુ છે. હું સુંદર માતાના પેટે જન્મેલો, મહેન્દ્રની પત્ની વરહૃદયસુંદરીનો ભાઈ છું. આ કન્યા મારી બહેનની પુત્રી છે. લાંબા સમયે એને જોઈ એટલે હું ભૂલી ગયો હતો પણ સ્વજનપ્રીતિને કારણે હવે મેં ઓળખી લીધી છે.’ અંજના મામાને મળીને વનમાં કરુણ સ્વરે કરવા લાગી. અત્યંત દુઃખે કરમાઈ ગયેલી અંજનાને વસંતમાલાએ ધીરજ બંધાવી. રડતી અંજનાને શાંત કરવા મામા પ્રતિસૂર્યે જ્યોતિષીને એ બાળકના નક્ષત્ર, કરણ, યોગ પૂછ્યા. તેણે કહ્યું, ‘આજે રવિવાર છે, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ છે. શ્રવણ નક્ષત્ર, બ્રહ્મ યોગ છે. મેષમાં રવિ ઉચ્ચ સ્થાને છે, મકરમાં ચન્દ્રમા સમસ્થાને છે. મંગલનું ગમન વૃષમાં છે, મેષમાં શુક્ર ઉચ્ચ સ્થાને છે. ગુરુ અને શનિ મીનમાં ઉચ્ચ સ્થાને છે, બુધ કન્યા રાશિમાં ઉચ્ચ છે. આ બધું આ બાળકનાં રાજઋદ્ધિ અને યોગીત્વનાં સૂચક છે. હે સુપુરુષ, તે સમયે શુભ મુહૂર્ત હતું, મીનનો ઉદય હતો, બધા ગ્રહ અનુકૂળ છે. આ બધા દ્વારા સૂચવાય છે કે બળ, રાજ્ય તથા સમૃદ્ધિનો ઉપભોગ કરતો આ બાળક મોક્ષસુખ પ્રાપ્ત કરશે. ત્યાં પ્રતિસૂર્ય નક્ષત્રપાઠક (જ્યોતિષી)નું સન્માન કરીને પોતાની ભાણીને કહ્યું- હવે આપણે હનુરુહ નગરમાં જઈએ. પછી ત્યાં વસતા દેવની ક્ષમા માગીને તે ગુફાની બહાર નીકળી. અને ઉત્તમ વિમાનમાં બેઠી. અંજનાના ખોળામાં સૂતેલો તે બાળક કિંકિણીના સમૂહને જોઈ માછલીની જેમ કૂદ્યો અને પહાડની શિલા પર પડ્યો. પુત્ર નીચે પડ્યો છે એ જોઈને અંજના કરુણ સ્વરે રડવા લાગી. ‘મને ખજાનો આપીને આંખો લઈ લીધી.’ મોટેથી હાહાકાર મચાવતી અંજના પ્રતિસૂર્યની સાથે નીચે ઊતરી અને શિલા પર બાળકને જોયો. બાળકને હેમખેમ જોઈ અંજનાએ આનંદપૂર્વક તેને ઊંચકી લીધો. હર્ષથી ઊભરાઈને પ્રતિસૂર્યે પણ તેની પ્રશંસા કરી. પુત્રને લઈને તરત તે વિમાનમાં બેઠી અને અનેક પ્રકારનાં વાદ્યો સાથે હનુરુહનગરમાં તેનો પ્રવેશ થયો. ઇન્દ્રના જન્મ વખતે સ્વર્ગમાં દેવતાઓએ જેવો જન્મોત્સવ ઉજવ્યો હતો તેવો જન્મોત્સવ ખેચરોએ બાળકનો મનાવ્યો. બાળપણમાં પહાડ પર પડ્યો અને એને કારણે પહાડના ટુકડા થઈ ગયા એટલે પ્રતિસૂર્યે તેનું નામ શ્રીશૈલ પાડ્યંુ. બધાને આનંદ આપનાર, દેવકુમાર સમાનરૂપવાળો અને માતાને પ્રિય એવો હનુમાન તે નગરમાં રમત રમતો રમતો સુખેથી રહેવા લાગ્યો... આ તરફ લંકાપતિ રાવણ પાસે જઈને પવનંજયે પ્રણામ કર્યા અને પછી વરુણની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં વરુણને હરાવ્યો અને પવનગતિએ વરુણ સાથે સંધિ કરાવી. જળના સ્વામી વરુણે ખરદૂષણને છોડી મૂક્યા. રાવણે પવનગતિનું લંકામાં સન્માન કરી તેને વિદાય આપી. તે આકાશમાર્ગે જલદી જલદી ગતિ કરતો પોતાના નગરની દિશામાં નીકળી પડ્યો અને નગરમાં પ્રવેશ્યો. આનંદિત થઈને ગુરુજનોને પ્રણામ કર્યા. પત્ની માટે ઉત્સુક થયેલા પવનંજયે અંજનાભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશી બધાંની સાથે વાતો કરી. પણ પત્ની ન જોઈ એટલે મિત્રને પૂછ્યું. કારણ જાણી મિત્રે કહ્યું, ‘તમારી પત્નીને મહેન્દ્રનગર લઈ ગયા છે. ત્યાં પિયરમાં ગઈ છે.’ એટલે પવનવેગ મહેન્દ્રનગર ગયો. ત્યાં સસરાને મળીને અંજનાનિવાસમાં ગયો. ત્યાં પણ પત્નીને ન જોઈ, એટલે વિરહાગ્નિથી દાઝેલા તેણે એ ભવનમાં રહેતી એક સુંદરીને પૂછ્યું, તેણે જણાવ્યું, ‘ગર્ભદોષને કારણે નિંદાથી દુઃખી થયેલા વડીલોએ તમારી પત્નીને ત્યજી દીધી છે, એટલે તે વનમાં જતી રહી છે.’ આ સાંભળી દુઃખથી રિબાતો પવનગતિ દરવાજાની બહાર નીકળ્યો અને પત્નીની શોધમાં ભટકવા લાગ્યો. પૃથ્વીમાં ભમ્યા પછી પણ અંજનાની ભાળ ન મળી એટલે પવનંજયે મિત્રને કહ્યું, ‘તું આદિત્યપુર જા. ત્યાં જઈ વડીલોને આ બધી વાત કરજે. હું અંજનાને શોધવા નીકળીશ. જો એમ કરતાં મને અંજના નહીં મળે તો નિશ્ચિત મારું મૃત્યુ થશે. આ મારી પ્રતિજ્ઞા છે.’ એટલે તેને મૂકીને પ્રહસિત તરત જ આદિત્યપુર પહોંચ્યા અને પવનંજયની બધી વાત કરી. આ બાજુ અન્યમનસ્ક થઈ ગયેલો પવનંજય ગગનગામી ઉત્તમ હાથી પર પૃથ્વી પર ભમતો ભમતો પ્રલાપ કરવા લાગ્યો. ‘શોકના તાપથી તપેલી, કમળદળ સરખી કોમળ શરીરવાળી મારી પત્ની જૂથમાંથી વિખૂટી પડેલી હરિણી જેવી ક્યાં હશે? સગર્ભાવસ્થાને કારણે ખિન્ન કાયાવાળી, દર્ભના કાંટાથી પગ છોલાયા હશે, તેને કોઈ દુષ્ટ પ્રાણી ખાઈ તો ગયું નહીં હોય? કોઈ ખેચરે તેનું અપહરણ તો કર્યું નહિ હોય? ભૂખતરસથી રિબાઈને તે વનમાં મૃત્યુ તો પામી નહીં હોય?’ આમ અનેક પ્રકારના પ્રલાપ કરતો ખિન્ન મોંવાળો પવનંજય તેને શોધતો શોધતો ભૂતરવ નામના અરણ્યમાં પ્રવેશ્યો. વિલાઈ ગયેલા મોંવાળા પવનંજયે ત્યાં પણ પત્નીને ન જોઈ, પોતાની પ્રતિજ્ઞા યાદ કરીને, શસ્ત્રો સમેત હાથીને ત્યાં મૂકી દીધો. ‘હે ગજશ્રેષ્ઠ, વાહનમાં અત્યંત આસક્ત રહીને મેં તારો ભારે તિરસ્કાર કર્યો છે, તો મને ક્ષમા કર. હવે ઇચ્છામાં આવે તે રીતે વનમાં ફર.’ અને એમ પવનંજયે રાત વનમાં વીતાવી. પ્રહસિતે જ્યારે પવનંજયની વાત વડીલોને કરી ત્યારે બધા સ્વજનો અત્યન્ત દુઃખી થઈ ગયા, તેઓ સૂનમૂન થઈ ગયા. દુઃખ અને શોકથી પિડાતી કીર્તિમતિએ ગળગળા સાદે કહ્યું, ‘મારા પુત્રને મૂકીને તું એકલો શા માટે અહીં આવ્યો?’ તે બોલ્યો, ‘હે દેવી, વિરહથી દુઃખી થઈને તેણે આવી પ્રતિજ્ઞા કરી મને અહીં મોકલ્યો. તમારા પુત્રે કહેવડાવ્યું છે કે ઉત્તમ કાયાવાળી અને ચન્દ્ર જેવા સૌમ્ય મુખવાળી અંજનાને જો હું નહીં જોઉં તો મારું અહીં જ મરણ થશે.’ આ સાંભળીને કીર્તિમતિ મૂર્ચ્છા પામી. ભાનમાં આવીને તે કરુણ વિલાપ કરવા લાગી. ‘કાર્ય-અકાર્યનું જ્ઞાન ન રાખનારી મેં કેવું પાપ કર્યું છે, હવે મારા પુત્ર માટે મને સંદેહ થવા માંડ્યો છે. વન-ઉપવનોથી સમૃદ્ધ આદિત્યપુર મારો પુત્ર નથી એટલે અરણ્યની જેમ સુખ નથી આપતું.’ પત્નીને ધીરજ બંધાવી પ્રહસિતને આગળ કરી પ્રહ્લાદ પુત્રની શોધમાં નગર બહાર નીકળ્યો. બંને શ્રેણીઓમાં રહેનારા બધા ખેચરોને બોલાવ્યા. તેઓ પ્રહ્લાદ રાજા પાસે તરત આવ્યા. પવનંજયની શોધમાં પૃથ્વી પર ચારે દિશામાં ઘૂમવા લાગ્યા. પ્રહ્લાદ રાજાના સંદેશવાહક પુત્રોને પ્રતિસૂર્યે પૂછયું એટલે પવનંજયની બધી વાત કરી. તે સાંભળીને અંજના પણ બહુ દુઃખી થઈ. રડતાં રડતાં તે બોલી, ‘અરે નાથ, પાપિણી, અતિ દુઃખિયારી, મિલનસુખથી વંચિત મને ત્યજીને તમે ક્યાં ગયા છો?’ પ્રતિસૂર્ય પણ અંજનાને આશ્વાસન આપીને જલદી આકાશમાં ઊડ્યો, તેણે બધા વિદ્યાધરો જોયા. શોધતાં શોધતાં તેઓ ભૂતારણ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે પવનંજયની પાસે જે મદોન્મત્ત હાથી હતો તે જોયો. તે હાથીને જોઈને બધાં વિદ્યાધર આનંદમાં આવીને એકબીજાને કહેવા લાગ્યા, ‘આટલામાં પવનંજય હોવા જ જોઈએ. અંજનગિરિના જેવો શ્યામવર્ણવાળો, શ્વેત દાંતવાળો, પગથી ચપળ ગતિ કરતો તે હાથી વફાદાર સેવકની જેમ ચારે બાજુ ફરીને પોતાના સ્વામીની રક્ષા કરતો હતો. પવનવેગને જોઈને આકાશમાંથી બધા વિદ્યાધર નીચે ઊતર્યા. પવનંજયની પાસે આવનારાઓને હાથી રોકતો હતો. હાથીને વશમાં આણીને ખેચર પવનંજય પાસે પહોંચી ગયા. ત્યાં તેમણે યોગ કરી રહેલા ઋષિની જેમ નિશ્ચલ શરીરવાળા પવનંજયને જોયો. પુત્રને ભેટીને પ્રહ્લાદ અનેક જાતના વિલાપ કરતો રડવા લાગ્યો. ‘ અરે વત્સ — સ્ત્રી માટે તેં આવું દુઃખ ઉઠાવ્યું, આહારનો ત્યાગ કરી મૌન ધારણ કર્યું, મરણ માટે આટલો બધો ઉત્સાહ -’ અંજનાનો વિરહ વેઠી રહેલા પવનંજયને પ્રતિસૂર્યે કહ્યું, ‘અરે સાંભળ. સંધ્યાગિરિના શિખર પર અનંતવીર્ય નામના મુનિને કેવળજ્ઞાન થયું. તે શ્રમણને વંદન કરીને પાછા ફરતી વખતે મેં પલ્યંકગુફામાં રડતી અંજનાને જોઈ. તેને પૂછ્યું, એટલે ખબર પડી કે તેને શા માટે કાઢી મૂકી. સ્વજન માટેના સ્નેહથી મેં તેને આશ્વાસન આપ્યું. તે જ દિવસે તેને રૂપ-લાવણ્યથી શોભતો પુત્ર જન્મ્યો. દિવ્ય વિમાનમાં બધાને બેસાડીને અમે જતા હતા ત્યારે તે પૃથ્વી પડી પડી ગયો. હું અંજના અને તેની સખીની સાથે નીચે ઊતર્યો અને જોયું તો પર્વતીય પ્રદેશમાં તે પડ્યો હતો. બાળકના અચાનક પડવાથી પર્વતના ચૂરેચૂરા થઈ ગયા. એટલે તે કુમારનું નામ શ્રીશૈલ પાડ્યું. સખી તથા બાળક સાથે અંજનાને સન્માનપૂર્વક હનુરુહનગરમાં લઈ ગયા. ત્યાં મોટો ઉત્સવ મનાવ્યો. હનુરુહનગરમાં તે બાળક મોટો થયો એટલે તેનું બીજું નામ હનુમાન પાડ્યું. તો આ અંજનાની કથા. પુત્રની સાથે અંજનાસુંદરી મારા નગરમાં છે. તમે મનમાં બીજો વિચાર ન કરો.’ આ સાંભળીને અત્યંત આનંદમાં આવેલો પવનંજય વિદ્યાધરોની સાથે નીકળી પડ્યો અને હુનુરુહનગર પહોંચ્યો. વિદ્યાધરોએ ત્યાં વિવિધ ખાનપાન, નટલોકોના ખેલ, નૃત્ય વગેરે વડે અત્યંત સુંદર આગમન-ઉત્સવ મનાવ્યો. ત્યાં બે માસ રહીને બધા ખેચર પોતપોતાના નગરમાં ગયા. અંજનાની સાથે પવનંજય તે નગરમાં રહ્યો. પુત્ર તથા પત્નીની સાથે પવનંજય હનુરુહનગરમાં ઉત્તમ દેવની જેમ સુખસમૃદ્ધિ ભોગવતો ત્યાં રહેવા લાગ્યો. પવનગતિના વિયોગમાં અંજનાસુંદરીએ ગયા જન્મના કર્મને કારણે જે તીવ્ર દુઃખ ભોગવ્યું તથા હનુમાનના પૂર્વભવોની કથા જેઓ પરમ સંતોષથી સાંભળે છે તેઓ પોતાના ભાગ્યને પવિત્ર કરીને સુખ પામે છે.

લાંબા સમય સુધી ક્રોધનો ભાર વેઠવાથી દુઃખી થયેલા રાવણે વરુણ સાથે યુદ્ધ કરવા બધા વિદ્યાધરોને એકઠા કર્યા. કિષ્કિન્ધિપુરના પાતાલલંકાપુરના તથા રથનૂપુર નગરના વિદ્યાધરો એકઠા થયા. પછી રાવણે હનુરુહપુરમાં દૂત મોકલ્યો. તેણે પવનંજયને તથા પ્રતિસૂર્યને રાવણનો સંદેશો કહ્યો. દૂતની વાત સાંભળીને જવા માટે ઉત્સાહી અને નિશ્ચલ બુુદ્ધિવાળાએ હનુમાનના રાજ્યાભિષેકની જાહેરાત કરી. તે વેળા વાંજિત્રોનો, નગારાંનો, ભેરીનો ધ્વનિ મોટેથી સંભળાવા લાગ્યો. હાથમાં, કળશ લઈને મંત્રીઓ હનુમાન આગળ ઊભા રહ્યા. એટલે હનુમાને પૂછ્યું, ‘આ બધું શું થઈ રહ્યું છે?’ મંત્રીઓએ કહ્યું, ‘તમારો રાજ્યાભિષેક થઈ રહ્યો છે.’ પવનંજયે કહ્યું, ‘વત્સ, હનુરુહના રાજાને બોલાવ્યા છે. અમારે સ્વામીનંુ કાર્ય લંકા જઈને કરવું પડશે. રસાતલ નગરમાં વરુણ નામનો એક શત્રુ છે. તે સો પુત્રો અને સૈન્યને કારણે શકિતશાળી, ખૂબ પ્રચંડ અને યુદ્ધમાં અજેય છે. આ સાંભળી વિનયથી નમ્ર શરીરવાળા હનુમાને કહ્યું, ‘મારા હોવા છતાં તમારે યુદ્ધમાં જવું પડે તે સારું ન કહેવાય.’ પવનંજયે કહ્યું, ‘હજુ તું બાળક છે. ઘોર યુદ્ધમાં ક્રોધિત સૈનિકોનું મોં પણ તે જોયું નથી.’ એટલે હનુમાને કહ્યું, ‘કાયર યુદ્ધમાં જઈને શું કરશે? નાની વય હોવા છતાં સિંહ મત્ત હાથીઓનો શિકાર કરે છે.’ બહુ સમજાવવા છતાં કુમારે યુદ્ધમાં જવાની જીદ પકડી જ રાખી ત્યારે વડીલોએ આજ્ઞા આપી અને તે તૈયાર થયો. સ્નાન વગેરે કાર્ય કરી તે, વડીલોને પૂછી કરીને ઉત્તમ વિમાનમાં બેઠો અને સૈન્યની સાથે લંકા જવા નીકળી પડ્યો. જલવીચિ નામના પર્વત પર રાત વીતાવી, સૂર્યોદય વેળાએ સમુદ્રને જોતાં જોતાં હનુમાને લંકામાં પ્રવેશ કર્યો. સેનામાં દક્ષતા મેળવેલા અને બધા પ્રકારના અલંકારોથી શોભતો હનુમાન રાક્ષસોને દેવકુમાર જેવો લાગ્યો. રત્નોથી તેજસ્વી, સામંતોથી ઘેરાયેલો, અનેક પ્રકારનાં પુષ્પોથી પૂજાવિધિ પામતા હનુમાને રાવણની સભામાં પ્રવેશ કર્યો. મદોન્મત્ત હાથીની જેમ ચાલતા પવનપુત્રે લંકેશ રાવણને પ્રણામ કર્યા. તે પણ તરત જ ઊભો થઈને ભેટ્યો. હનુમાનને બિરાજવા માટે આસન અપાયું. પછી હનુમાને રાવણના કુશળક્ષેમ પૂછ્યા. ભેટસોગાદો વડે રાવણનું ભારે સન્માન કર્યું. આમ બધી સેના લઈને યુદ્ધ માટેના ભારોભાર ઉત્સાહ સાથે રાવણે લંકામાંથી નીકળીને વરુણપુરીની દિશામાં પ્રયાણ કર્યું. તેની સેનાએ કવચનો જ અંગરાગ કર્યો હતો, પછી રાવણ વિદ્યાબળથી સાગરને વીંધી તરત જ વરુણના નગરે જઈ પહોંચ્યો. રાવણના આગમનના સમાચાર જાણીને તૈયાર થયેલા, કવચધારી વરુણ પોતાની સમગ્ર સેના સાથે રાવણનો મુકાબલો કરવા નીકળી પડ્યો. શર, શક્તિ, તલવાર, મુદ્ગર જેવાં શસ્ત્રો દ્વારા ઘા ઉપર ઘા કરતા વરુણના સો પુત્ર રાક્ષસો સામે લડવા લાગ્યા. યુદ્ધમાં નિર્દય પ્રહાર કરનારા વરુણપુત્રોએ રાક્ષસસેનાને વિખેરી નાખી છે તે જોઈને રાવણ તરત જ લડવા તૈયાર થયો. વર્ષાઋતુમાં વાદળોથી ઢંકાઈ ગયેલા સૂર્યની જેમ વરુણપુત્રોએ લડી રહેલા રાવણને ઘેરી લીધો. ઇન્દ્રજિત, વિભીષણ તથા ભાનુકર્ણ જેવા સૈનિકોને જાણે ચાક પર ચડાવ્યા હોય તેમ વરુણે ઘુમાવ્યા. રાક્ષસસેનાને પરાજિત જોઈને ખૂબ ક્રોધે ભરાયેલો હનુમાન બાણ ચલાવતા પોતાની સેના સાથે આગળ આવ્યો. ચારે બાજુ ફેલાયેલા વિક્રમવાળો હનુમાન તલવાર, મુદ્ગર અને ચક્ર વડે યમની જેમ સૈનિકોને મારવા લાગ્યો. લાંબા સમય સુધી યુદ્ધ કરીને હનુમાને વરુણપુત્રોને પકડી લીધા. રાવણે નાગપાશ વડે વરુણને બાંધી દીધો. પુત્રની સાથે વરુણને લઈને લંકાપતિએ ઉત્તમ ઉદ્યાનમાં તંબૂ તાણ્યો, સામંતોની સાથે તે પણ ત્યાં રોકાયો. નાયક વિનાના, ઉત્તમ દ્રવ્ય તથા મહત્ત્વની ચીજવસ્તુઓ વિનાના, કેદમાં પકડાયેલા લોકોના રુદનવાળા તે નગરને રાક્ષસસૈનિકોએ છિન્નભિન્ન કરી નાખ્યું. તે નગરના ચારે બાજુથી થઈ રહેલા વિનાશને જોઈ ઉત્તમ પુરુષ અને દયાવાન રાવણે તરત જ સૈનિકોને અટકાવ્યા. વરુણને અને તેના પુત્રોને મુક્ત કર્યા, વરુણે રાવણને પ્રણામ કરીને સત્યવતી નામની કન્યા હનુમાનને આપી. વિવાહવિધિ પતાવીેને વરુણને તેના નગરમાં પાછો બેસાડી, યુદ્ધોત્સાહને કારણે ક્રોધે ભરાયેલો રાવણ લંકા પાછો ફર્યો. રાવણે પણ ચન્દ્રનખાની ગુણવાન પુત્રી અનંગકુસુમા હનુમાન સાથે પરણાવી. તેની સાથે લગ્ન કરીને કર્ણકુંડલ નામના નગરમાં હનુમાન દેવકુમારની જેમ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યો. પછી નલે હરિપાલિની નામની કન્યા આપી. કિન્નરપુરમાં પણ હનુમાનને સો કિન્નરકન્યાઓ પ્રાપ્ત થઈ. કિષ્કિન્ધિપુરના રાજા સુગ્રીવ તારાની પદ્મરામા નામની પુત્રીને જોઈ ચિંતા કરતો હતો. તેના લગ્ન માટે વિદ્યાધર રાજાઓનાં ચિત્ર આણવામાં આવ્યાં. તે કન્યા પણ એ ચિત્રો જોવા લાગી. આમ જોતાં જોતાં તેણે કામદેવ જેવા હનુમાનનું રૂપ જોયું અને તેના હૈયામાં તે વસી ગયો. તેના ભાવ જાણીને સુગ્રીવે દૂત મોકલીને તરત જ હનુમાનને બોલાવ્યો. મોટો ઉત્સવ કરીને તે કન્યા હનુમાનને આપી. દાન, માન, વૈભવ સમેત હનુમાને તે સુંદરી સાથે લગ્ન કર્યું. પછી તે શ્રીપુર ગયો અને રતિયુક્ત ભોગ ભોગવવા લાગ્યો. આ રીતે રૂપ અને ગુણથી સંપન્ન, પૂનમના ચંદ્ર જેવી સુંદર મુખવાળી એક હજાર ઉત્તમ સ્ત્રીઓને હનુમાન પરણ્યો.

વિશલ્યાકથા

બીજા ઘણા બધા યુદ્ધકુશળ રાક્ષસ કવચ પહેરીને, સજ્જ થઈને વાનર-સૈનિકોની સામે ઊભા રહી ગયા. ઢોલ, નગારાં, ઝાલર, મોટાં ઢોલ, વાદ્ય તથા મૃદંગના પ્રચંડ ધ્વનિથી જાણે આકાશના ટુકડા થઈને પૃથ્વી પર પડી રહ્યા છે એમ લાગતું હતું. એવામાં દેવેન્દ્ર જેવો વૈભવ ધરાવતો મહાત્મા લંકાપતિ રાવણ સેનાને લઈને રણભૂમિ પર જવા નીકળ્યો. હાથમાં વિવિધ શસ્ત્રો લઈને, અનેક પ્રકારનાં વાહનોમાં સવાર થઈને તથા અનેકવિધ ચિહ્નોવાળા યુદ્ધવીરો પણ ત્યાં આવી પહોંચ્યા. બાણ, ઝસર, શક્તિ, સવ્વલ, ભયંકર ભાલા ફેંકનારા તે લોકોએ સ્વચ્છ આકાશને પણ જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું કરી મૂક્યું. પછી ઘોડેસવારોની સામે ઘોડેસવારો, સૈનિકોની સામે સૈનિકો, રથારૂઢોની સામે રથારૂઢો યુદ્ધ કરવા લાગ્યા. મદોન્મત્ત હાથી પર બેઠેલાઓની સામે હાથી પર બેઠેલા સૈનિકો યુદ્ધે ચઢ્યા. આમ સરખા બળવાળા સૈનિકો સામસામે યુદ્ધ કરવા લાગ્યા. રાક્ષસોએ પરાજિત કરેલા, વિખેરી નાખેલા વાનરોની સેનાને નીલ વગેરે સૈનિકોએ ધીરજ બંધાવી. પોતાની સેનાનો પરાજય જોઈને લંકાપતિ રાવણના સામન્ત શત્રુસેનાની સાથે આવીને શસ્ત્રપ્રહાર વડે યુદ્ધ કરવા લાગ્યા. શુક, ચારણ, મારીચિ, ચન્દ્ર, અર્ક, વિદ્યુદ્વહન, જીમૂતનાયક વગેરે યમ જેવા ભયાનક મોંવાળા તથા યુદ્ધવીર સૈનિકોએ યુદ્ધભૂમિ પર વાનરસેનાના કરેલા વિનાશને જોઈ સુગ્રીવના સૈનિકો આગળ આવ્યા. અતિ બળવાન વાનરોએ રાક્ષસોને ભગાડી મૂક્યા. આ જોઈ રાક્ષસપતિએ રથ આગળ આણ્યો. તેણે તરત જ ભારે શસ્ત્રપ્રહારોથી વાનરોને હાંકી કાઢ્યા. આ જોઈ વિભીષણ આગળ આવ્યો. રાક્ષસેન્દ્રે તેને કહ્યું, ‘મારી આંખ સામેથી તું દૂર થઈ જા. યુદ્ધમાં સગા ભાઈને મારી નાખવો યોગ્ય નથી. આ સાંભળી ક્રોધે ભરાયેલા વિભીષણે કહ્યું, ‘બંને સૈન્યોની સામે સ્ત્રીની પેઠે હું યુદ્ધમાં પીઠ નહીં બતાવું.’ રાવણે ફ્રી કહ્યું, ‘અરે દુષ્ટ, તેં પોતાના વંશને ત્યજીને પાદચારી અધમ માનવીઓની સેવા સ્વીકારી છે.’ એટલે સારી રીતે એ વાતનું પ્રતિપાદન કરતાં વિભીષણે કહ્યું, ‘બંને લોકમાં સુખજનક, હિતકારક અને પથ્ય મારું વચન સાંભળ. એટલું થયા પછી પણ જો તારે વિપુલ ધન, રાજ્ય, સમૃદ્ધિ જોઈતી હોય તો રામ સાથે સંધિ કર, સીતાને સોંપી દે. તારું અભિમાન બાજુ પર મૂકીને રામને જલદી પ્રસન્ન કર. એક સ્ત્રીને માટે અપયશના કાદવ વડે તારી જાતને કલંકિત ન કર.’ તેની વાત સાંભળીને રાવણ રાતોપીળો થઈ ગયો. અભિમાની રાવણ આકરાં બાણ વરસાવવા લાગ્યો. પોતાના સ્વામીના હિતચિંતક બીજા સામંતો રથ, હાથી, ઘોડા પર સવાર થઈને, કવચ પહેરીને વાનર સૈનિકો સાથે લડવા લાગ્યા. સગા ભાઈને યુદ્ધમાં આવતો જોઈને વિભીષણે ક્રોધે ભરાઈને અર્ધચંદ્ર બાણ વડે તેની ધજા કાપી નાખી. ક્રોધિત લંકાપતિ રાવણે પણ તેનું ધનુષ છેદી નાખ્યું. તે પછી વિભીષણે મોટા ભાઈના ધનુષના બે ટુકડા કરી નાખ્યા. ઘણા બધા સૈનિકોના જીવનનો અંત આણનાર દારુણ યુદ્ધ જ્યારે ખેલાઈ રહ્યું હતું ત્યારે પિતાનો પરમ ભક્ત ઇન્દ્રજિતકુમાર સામે આવ્યો. જેવી રીતે ઊછળતા સાગરને પર્વત રોકે તેવી રીતે લક્ષ્મણે તેને અટકાવ્યો. રામે સામે આવી રહેલ કુંભકર્ણને પડકાર્યોે. દુર્મર્પદ્યટોદરિ પર અને ઇન્દ્રાશનિ કાલી પર ક્રુદ્ધ થયો. ચન્દ્રનખની સાથે સ્કંદ અને ભિન્નાંજનની સામે પરાજિત તરત જ લડવા લાગ્યો. ક્રોધે ભરાયેલા મયે અંગદને પડકાર્યો. કુમ્ભકર્ણના પુત્ર કુન્તીની સામે હનુમાન ઊભો રહ્યો. સુગ્રીવ સામે સુમાલી, ભામંડલ કેતુ સામે અને યુદ્ધની ઇચ્છાવાળા દૃઢરથ સામે કાલી યુદ્ધ કરવા લાગ્યા. બીજા પણ સમાન તથા સદૃશ બળવાળા સૈનિકો રણભૂમિ પર આવ્યા અને મત્સર તથા ઉત્સાહપૂર્વક આહ્વાન કરી ચીસો પાડતા યુદ્ધ કરવા લાગ્યા. મારો, કાપો, તોડો, ફેંકો, ઊઠો, જલદી પકડો, પીટો, મારો, ઊલટાવી દો, મારી નાખો — આવી ચીસો સૈનિકો પાડતા હતા. વાદળ સરખાં શસ્ત્રો વડે અંધકારમય બનેલી દિશાઓ અનેક પ્રકારના વાદ્યોના ધ્વનિથી, સૈનિકોના હુંકારાથી ગરજવા લાગી. શૂરવીરો અને કાયરોની કસોટીનો આ સમય હતો, કારણ કે જે રીતે અન્ન ખવાય છે તે રીતે યુદ્ધમાં લડાતું નથી. હે કાયર, ડરીશ નહીં: જે પરાજિત થાય છે તે દીનને હું મારતો નથી. એટલે સામે ઉત્તર મળતો — આજે તો તારું મરણ જ છે. કોઈ સૈનિક ભાંગી ગયેલા કવચને જોઈને જેવી રીતે સજ્જન લોકો તૂટેલા સ્નેહને જોડે છે તેવી રીતે એ કવચ જોડતા હતા. તલવાર દાંત વડે પકડીને કમરબંધ કસીને સ્વામીના સંતોષ ખાતર કોઈ સૈનિક જરાય વિરતિ વિના લડતો હતો. મદોન્મત્ત હાથીના દાંતથી અલગ તથા કાનરૂપી ચામરોથી ઝુલાવીને કોઈ સૈનિક સ્વામી પ્રત્યેનું કર્તવ્યપાલન કરીને સ્વર્ગે સિધાવ્યો હતો. એકબીજાનાં મસ્તક કાપીને કેટલાય વીર તલવાર વડે લડતા હતા. તલવાર, કનક અને તોમર વડે સૈનિકો એકબીજાને મારતા હતા. આખી સેના જાણે કે રક્તાશોકનું અરણ્ય હોય કે કેસૂડાનાં વૃક્ષોનું ઝુંડ હોય તેવી થઈ ગઈ. શસ્ત્રો નાશ પામ્યાં હોય તેવા કેટલાય સૈનિકો ભારે હુમલાથી નીચે પડી જતા હતા. પાછા ઊભા થતા હતા, કેટલાક જમીન પર સૂઈ જતા હતા. જર્જરિત કાયાવાળા તથા લોહીવાળા તીવ્ર મદજળ છોડતા હાથી વર્ષા ઋતુમાં ગેરુ રંગે રંગેલા પર્વતના જેવા દેખાતા હતા. હાથી અને ઘોડાના પગે ખોદેલી ધરતીના કારણે ઊડેલી ધૂળને કારણે દિશાઓ ધૂંધળી થઈ ગઈ અને સામે બધું સ્પષ્ટ દેખાતું ન હોવાને કારણે સૈનિકો પોતાના જ પક્ષના સૈનિકો સાથે લડવા લાગ્યા. આવા યુદ્ધમાં સામે આવેલા લક્ષ્મણ પર ઇન્દ્રજિતે બાણવર્ષા કરી. લક્ષ્મણે પણ સામે એવી જ બાણવર્ષા કરી. પછી રાવણપુત્ર ઇન્દ્રજિતે તામસ શસ્ત્ર ફેંક્યું. ક્રોધે ભરાઈને લક્ષ્મણે દિવાકર અસ્ત્ર વડે તેનો નાશ કર્યો. પછી ઇન્દ્રજિતે ભયંકર બાણવર્ષા કરી લક્ષ્મણને બાંધી દીધો. પછી લક્ષ્મણે પવનવેગી વૈનતેય અસ્ત્ર સામે ઉગામ્યું. મોંમાંથી ઝેર ઓકતા સર્પોનું બંધન કાપી નાખ્યું. લાંબો સમય યુદ્ધ કરીને રામના નાના ભાઈ લક્ષ્મણે ઇન્દ્રજિત કુમારને ગાઢ નાગપાશથી બાંધી દીધો. પરાક્રમી રામે દિવાકર અસ્ત્રનો નાશ કરી, રથ ભાંગી નાખી ભાનુકર્ણને નાગપાશથી બાંધી દીધો. નાગપાશથી બદ્ધ અને નિશ્ચેષ્ટ બનેલાને રામના કહેવાથી ભામંડલે પોતાના રથમાં નાખી દીધો. એવી જ રીતે બાંધેલા ઇન્દ્રજિતને પણ લક્ષ્મણના કહેવાથી વિરાધિતે પોતાના રથમાં નાખ્યો. આમ મેઘવાહન વગેરે સૈનિકો યુદ્ધમાં પકડાઈ ગયા. વાનરો તેમને બાંધીને પોતાની છાવણીમાં લઈ આવ્યા. આ દરમિયાન ક્રોધિત રાવણે વિભીષણને કહ્યું કે જો તને યુદ્ધનો બહુ શોખ હોય તો તું એક પ્રહાર વેઠી લે. ધીરમતિ વિભીષણે કહ્યું, ‘એક પ્રહારથી શું? અપ્રમત્ત બનીને ઇચ્છા થાય એવા પ્રહાર કર.’ એટલે રાવણે યુદ્ધમાં ભાઈ ઉપર શૂળ ફેંક્યું. આવતા શૂળને લક્ષ્મણે બાણો વડે નિવાર્યું. તે શૂળનો નાશ થયેલો જોઈ રાવણે ઉલ્કાની જેમ સળગતી અમોઘવિજયા નામની શકિત સજ્જ કરી. તે સમયે ઘનશ્યામ, ગરુડ ધ્વજાવાળા, વિશાળ છાતી વાળા, લાંબા હાથવાળા લક્ષ્મણને સામે જોયો. રાક્ષસરાજાએ કહ્યું, ‘મેં બીજા માટે શસ્ત્ર ઉગામ્યું છે. મારી સામે ઊભા રહેવાનો તને કયો અધિકાર છે? અરે લક્ષ્મણ, તું આ સંઘર્ષમાં મૃત્યુ પામવા ઇચ્છતો હોય તો સામે ઊભા રહીને મારો શક્તિપ્રવાહ સહન કર.’ એટલે વિભીષણને બાજુ પર હટાવીને દૃઢનિશ્ચયી, નિર્ભય લક્ષ્મણ શત્રુ સામે યુદ્ધ કરવા લાગ્યો. રાવણે જ્વાળા અને તણખાવાળી એક શક્તિ ફંગોળી. લક્ષ્મણની વિશાળ છાતીને તેણે વીંધી. એ પ્રહારને કારણે તીવ્ર વેદનાને કારણે તથા મૂર્ચ્છાને કારણે આંખો બંધ કરેલો લક્ષ્મણ જમીન પર ફસડાઈ પડ્યો. લક્ષ્મણને યુદ્ધમાં જમીન પર પડેલો જોઈ રામ વિદ્યાધરેન્દ્રની સામે લડવા લાગ્યા. તેમણે ધનુષ, ધજા, કવચ, રથનો નાશ કર્યો એટલે અભિમાની રાવણ ભૂમિ પર ઊભો રહી ગયો. બીજા રથમાં બેસીને હાથમાં ધનુષ પકડે તે પહેલાં તો રામે તેનો રથ ભાંગી નાખ્યો. રામનાં ઉત્તમ બાણોથી રાક્ષસ તરત જ બેબાકળો બની ગયો. તે ધનુષ કે બાણ લઈ ન શક્યો. રામનાં બાણોને કારણે રાવણ ભૂમિ પર આવી જતો હતો અને રાવણને છ વાર રથ વિનાનો કરી નાખ્યો, તો પણ અદ્ભુત કર્મવાળો, યુદ્ધવીર વશમાં આવતો ન હતો. વિસ્મિત થઈને રામ બોલ્યા, ‘મારાં બાણોથી ઘવાઈને પણ તારું મૃત્યુ થતું નથી. ખરેખર તો આગલા જનમમાં કરેલા પુણ્ય તને બચાવે છે. હે રાક્ષસરાજ, મારી એક વાત સાંભળ. તેં મારા ભાઈ ઉપર શક્તિપ્રહાર કર્યો છે, હવે નિ:શંક હું તેની પાછળ પાછળ તને યમલોકે મોકલી આપીશ.’ ‘એમ...’ કહી રાવણ લંકામાં પાછો ફર્યો. અભિમાનપૂર્વક તે વિચારતો હતો કે મારો એક શત્રુ તો મરી ગયો. આમ હર્ષ પામતો તે પોતાના મહેલમાં પ્રવેશ્યો. પુત્ર તથા યુદ્ધવીર ભાઈ પકડાઈ ગયાના સમાચાર સાંભળી રાવણ દુઃખી થયો અને રાતે શોક કરતો બેઠો. યુદ્ધમાં પૂર્વકૃત પાપને કારણે ઘણા લોકો નાશ પામે છે. બીજાઓ હતાશ થઈને કેદ થાય છે. બીજા ધીર પુરુષો સુચરિત્રને કારણે જીતે છે અને લોકમાં વિમળ યશ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી વ્યાકુળ મનવાળા તથા શોકસંતપ્ત રામ જ્યાં લક્ષ્મણ હતા ત્યાં આવી ચઢ્યા. શક્તિ વડે ઘવાયેલા અને ભૂમિ પર સૂતેલા લક્ષ્મણને જોઈને અશ્રુપૂર્ણ નેત્રોવાળા રામ મૂર્છા પામ્યા. વીંટળાઈ વળેલા વાનરોએ તેમના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. એટલે રામ ભાનમાં આવી કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યા. ‘અરે વત્સ... અત્યંત દુર્ગમ સમુદ્ર પાર કરીને વિધિના યોગે તું બીજે જતો રહ્યો છે. અરે યશસ્વી, શું માનને કારણે રડી રહેલા મને તું ઉત્તર નથી આપતો? તું જાણે છે કે તારો વિરહ ઘડીભર પણ વેઠી શકતો નથી. વડીલોએ આદરપૂર્વક તને સોંપ્યો હતો. હવે નિર્લજ્જ બનીને હું તેમને કયો ઉત્તર આપીશ? જગતમાં લોકો માટે કામ, અર્થ વગેરે અનેક સંબંધો છે. પણ અહીં માત્ર ભાઈ, માતા-પિતા નથી મળતા. કદાચ મેં પરલોકમાં અતિ ભયંકર પાપ કર્યું હશે. સીતાનિમિત્તે તેનું આ ફળ મને મળ્યું. કેયૂરથી શોભતા મારા આ હાથ પ્રયોજનહીન બનવાને કારણે શરીર માટે બોજરૂપ બની ગયા છે. ુયમે મારા આ પાપી હૃદયને વજ્ર જેવું બનાવ્યું છે, એટલે જ ભાઈનું મૃત્યુ થયું છતાં તે ફાટી પડતું નથી. શત્રુ રાજાએ ફેંકેલી પાંચ શક્તિઓ તે વેળા મેં ઝીલી હતી, પણ આજે એકનેય તું રોકી ન શક્યો એટલે લાગે છે કે આ શક્તિ નિશ્ચિત વજ્રસમૂહ વડે બનાવી હશે. એટલે જ શ્રીવત્સથી વિભૂષિત લક્ષ્મણનું વક્ષસ્થળ તે ભેદી શકી. હે લક્ષ્મીવલ્લભ, તું ઊભો થા, ધનુષ ધારણ કરવામાં વિલંબ ન કર. મારો વધ કરવા આવેલા આ શત્રુઓને તું રોક. દુઃખ ન હોય ત્યાં સુધી આ કુટુંબપરિવાર મનુષ્યની દૃષ્ટિએ રમણ કરે છે. દુઃખના સમયે તે પરાઙ્મુખ થઈ જાય છે. શસ્ત્રોરૂપી દાંતોવાળા સિંહને ન જુએ ત્યાં સુધી જ અનુજીવી લોકો મનોહર વાક્યો બોલે છે. શત્રુઓ વડે ઘેરાયેલો અભિમાની પણ એકાકી માણસ ચારે બાજુ જોઈને સહોદર ભાઈને યાદ કરે છે. અરે વત્સ, તને મૂકીને બીજું કોણ પોતાના હિતનો વિચાર કરી આ મહા વિગ્રહમાં મારી સામે ઊભો રહી શકે? તારા કારણે તો મેં આ દુઃખદ સંકટ ઉઠાવ્યું હતું. હવે હું એકલો કેવી રીતે જીવી શકીશ તે નથી જાણતો. હે મિત્ર વાનરરાજ, તમે તમારી સેના સાથે કુલોચિત દેશમાં નિવિર્ઘ્ને જતા રહો. હે ભામંડલ, તમે પણ નીકળી પડો. હે વિભીષણ, નિષ્ફળ નીવડવાને કારણે મારું આખું હૃદય સળગી રહ્યું છે. એના દુઃખ આગળ સીતાવિયોગનું દુઃખ કશી વિસાતમાં નથી. સુગ્રીવ વગેરે તો પોતપોતાનાં નગરોમા જશે, પણ વિભીષણ તમે કયા દેશમાં જશો? આ લોકમાં ઉત્તમ પુરુષો પહેલેથી ઉપાય કરે છે, મધ્યમ પુરુષ પાછળથી કરે છે, પરંતુ અધમ પુરુષ તો બંનેમાં અસમર્થ રહે છે. હે સુગ્રીવ, હે ભામંડલ, મારા માટે ચિતા તૈયાર કરો, વિલંબ ન કરો. હું પરલોક સિધાવીશ. તમે પણ યથેચ્છ કરો.’ આમ મૃત્યુ માટે કૃતનિશ્ચય થયેલા રામને જોઈને જામ્બવાને કહ્યું, ‘સ્વામી, તમે ધીરજ રાખો, આવો શોક ન કરો. વિદ્યાશસ્ત્ર વડે ઘવાયેલા લક્ષ્મણ બેસુધ થયા છે. હે સ્વામી, તમારો ભાઈ જીવશે, એમાં શંકા નથી. રાત્રિના સમય દરમિયાન કોઈ ઉપાય કરો, નહીંતર સૂર્યોદય સુધીમાં લક્ષ્મણ મૃત્યુ પામશે.’ ત્યારે ભયભીત કપિસૈનિકોએ વિદ્યા વડે નગરના ત્રણ ગોપુર અને સાત પ્રાકાર બનાવ્યા. રથ, હાથીઘોડા, કવચવાળા સૈનિકોની સાથે નીલ હાથમાં ધનુષ લઈને પહેલા દરવાજે ઊભો. ભયંકર હાથી પર સવાર થઈને નલ બીજા દરવાજે, ત્રિશૂલપાણિ અને વિભીષણ ત્રીજા દરવાજે ઊભા. ચોથા દરવાજે કવચ પહેરેલા અને તુણીર બાંધેલ કુમુદ તથા પાંચમા દરવાજે સુષેણ ભાલો લઈને, ભિન્દિપાલ નામનું શસ્ત્ર લઈને સુગ્રીવ છઠ્ઠા દરવાજે ઊભા અને સાતમા દરવાજે હાથમાં તલવાર લઈને જનકપુત્ર ભામંડલ ઊભો રહ્યો. સિંહની ધ્વજાવાળો અને યુદ્ધ કરવામાં અતિકુશળ શરભ પૂર્વ દ્વારે ઊભા તથા પશ્ચિમ દરવાજે અંગદકુમાર ઊભા રહ્યા. જે પોતાના સામર્થ્ય વડે યમને પણ જીતી લે એવા કઠોર દર્પવાળા ચન્દ્રરશ્મિ નામના વાલિપુત્ર ઉત્તર દ્વારની રક્ષા કરતો ઊભો. આમ બળ, શક્તિ અને કીર્તિ ધરાવતા બીજા સૈનિકો તૈયાર થઈને, કવચ બાંધીને દક્ષિણ દિશામાં ઊભા રહ્યા. આમ ખેચર રાજાઓએ આખો સન્નિવેશ ઊભો કર્યો. પોતાની ઉજ્જ્વળ કાન્તિથી આ સન્નિવેશ આકાશમાં નક્ષત્રની જેમ શોભતો હતો. લક્ષ્મણની મરણાવસ્થા જાણીને રાવણ કેદ કરેલા સહોદર ભાઈ તથા પુત્રો માટે મનમાં શોક કરવા લાગ્યો. ‘અરે ભાનુકર્ણ, તું હમેશા મારા કલ્યાણ માટે તત્પર રહેતો હતો. ભાગ્યવશાત્, તું યુદ્ધમાં પકડાયો કેવી રીતે? અરે પુત્ર ઇન્દ્રજિત, પુત્ર મેઘવાહન- સુકુમાર અને કોમળ શરીરવાળા તમે ભારે દુઃખ અને બંધનાવસ્થામાં કેવી રીતે રહેતા હશો? લક્ષ્મણના મૃત્યુને કારણે શોકપીડિત શત્રુઓ બંધનાવસ્થાવાળા અને શરણ વિનાના મારા પુત્રો સાથે કેવો વર્તાવ કરશે? અરે હૃદયવલ્લભ, તમારા દુઃખે અને પકડાઈ જવાથી સવિશેષ તો હું પકડાઈ ગયો છું એમાં શંકા નથી.’ જેવી રીતે મહા બળવાન હાથી પકડાઈ જવાને કારણે પોતાના જૂથમાં દુઃખી થાય તેવી રીતે શોકસંતપ્ત રાવણ પોતાના બાંધવજનોમાં દુઃખી થયો. બીજી બાજુ, શક્તિ વડે ઘવાયેલા લક્ષ્મણ વિશે જાણીને શોકાકુલ સીતા રડવા લાગી, ‘હે ભદ્ર લક્ષ્મણ, હે મહાયશ, આ સમુદ્રને પાર કરીને તું આવ્યો અને મારે કારણે તારી આ અવસ્થા થઈ. હે સુપુરુષ, બાંધવોને મૂકીને પોતાના મોટા ભાઈની સેવા કરનારો તું રાક્ષસદ્વીપમાં કેવી રીતે મૃત્યુ પામ્યો? દુઃખનું કારણ એવી પાપિણી હું બાળપણમાં જ કેમ મૃત્યુ ન પામી? મારે કારણે જ ગુણના ધામ એવા લક્ષ્મણનો વધ થયો. હે લક્ષ્મણ, તારા પ્રાણોની રક્ષા બધા દેવ કરે, મારા વચનથી તું તરત જ શલ્યહીન થઈ જા.’ આમ પોતાના દિયરના ગુણોને યાદ કરીને રડતી સીતાને ખેચર સ્ત્રીઓએ અનેક ઉપદેશ દ્વારા શાંત કરી. ‘અરે ભદ્ર, હજુ તારા દિયરનું મરણ થયું છે કે નહીં એ ચોક્કસ નથી. તું વિલાપ કરીને તે વીરનું અમંગલ ન કર.’ વિદ્યાધરીઓની વાતોથી સીતા જ્યારે થોડી સ્વસ્થ થઈ ત્યારે ત્યાં એક બનાવ જોવા મળ્યો. તે સમયે એક વિદ્યાધર દુર્ગના દ્વાર પાસે આવ્યો. અજાણ્યા આચારવાળો હોવાથી ભામંડલે તેને પ્રવેશ કરતાં અટકાવ્યો. તે વિદ્યાધરે કહ્યું, ‘જો તમે કુમારને જીવતો જોવા માગતા હો તો મને રામ પાસે લઈ જાઓ. હંુ તેમને ઉપાય કહીશ.’ આમ કહેવાથી તુષ્ટ થયેલા અને લક્ષ્મણ માટે ઉત્સાહી ભામંડલ તેને રામ પાસે લઈ ગયો. ત્યાં જઈને તેણે રામની ચરણવંદના કરીેને કહ્યું, ‘હે સ્વામી, તમે મારી વાત સાંભળો. હે પ્રભુ, વિદ્યાધર દ્વારા ઘવાયેલો કુમાર જીવિત છે. હું ચંદ્રમંડલ, શશિમંડલનો પુત્ર છું, મારી માતા સુપ્રભાદેવી અને સુરગ્રીવનો હું પુરોહિત છું. ગગનતલમાં વિહાર કરતી વેળા વેલાયક્ષના પુત્ર સહવિજય શત્રુએ મને જોયો. સાળીના વેરને યાદ કરીને તેણે દારુણ યુદ્ધ કર્યું, ખૂબ જ ક્રોધે ભરાઈને તેણે ચંડરવા શક્તિ વડે મારા પર પ્રહાર કર્યો. દૃઢ શક્તિ દ્વારા હું ઘવાયો અને આકાશમાંથી મહેન્દ્રોદય નામના સંુદર ઉદ્યાનમાં પડ્યો. ત્યાં સાધુપુરુષ ભરતે મને જોયો. કરુણાવાળા ભરતે ચંદનજળ છાંટ્યું. એટલે શલ્યરહિત થયો અને ભારે બળવાન તથા કાન્તિવાળો થયો. ગભરાયેલા રામે તે વિદ્વાનને પૂછ્યું, ‘એ જળ વિશે તમે જે જાણતા હો તે મને કહો.’ તેણે કહ્યું, ‘તો દેવ, તમે સાંભળો, હું એ જળની ઉત્પત્તિ વિશે જાણું છું. મેં પૂછ્યું હતું એટલે ભરત રાજાએ મને બધી વાત કરી હતી. જો આખું નગર કે આખો પ્રદેશ ઉપદ્રવ, તાવ, ફોલ્લા, બળતરા, અરુચિ, શૂળથી વગેરે રોગોથી પિડાતા હોય તો તે જળ વડે નીરોગી થઈ શકે છે.’ આ નગરમાં દ્રોણમેઘ નામનો રાજા હતો. તે પશુ, મંત્રી, સ્વજન, પરિચિતોની સાથે નીરોગી થઈ ગયો ત્યારે તેને બોલાવવામાં આવ્યો. તેને પૂછયું, ‘તમે નીરોગી કેવી રીતે થયા? મને સ્પષ્ટ જણાવો. મને બહુ નવાઈ લાગે છે.’ તેણે કહ્યું, ‘લોકમાં વિશેષ ગુણગાન એવી મારી પુત્રી વિશલ્યા છે. તે મારી પત્નીના ઉદરમાં આવી એટલે મારી પત્ની નીરોગી થઈ ગઈ. તે જિનશાસનમાં અનુરક્ત છે અને પૂજા માટે હમેશા ઉત્સુક રહે છે. બાંધવજનો અને સ્વજનો દ્વારા તે દેવીની જેમ પૂજાય છે. હે દેવ! મારા સ્વજનોના દેખતાં તેણે સુગંધિત જળથી સ્નાન કરાવ્યું. તેનાથી હું નીરોગી થઈ ગયો.’ વિદ્યાધર પાસેથી આ વાત સાંભળી એ ઉત્તમ ઉદ્યાનમાં રહેતા સત્ત્વમય શ્રમણને વિશલ્યા વિશે પૂછ્યું. એટલે મેઘસમાન ગંભીર સ્વરવાળા ચતુર્જ્ઞાની મુનિએ મને કહ્યું, ‘પુંડરિક વિજયમાં ચક્રધ્વજ નામનું એક નગર છે. ત્યાં ધીર અને ત્રણે લોકને આનંદ આપનાર અનંગશર નામનો ચક્રવર્તી રાજા થઈ ગયો. તેની એક ગુણવાન પુત્રી હતી. એક દિવસ ભયંકર તૃષ્ણાવાળા થઈને, સુપ્રતિષ્ઠાના રાજા પુનર્વસુએ તે કન્યાનું અપહરણ કર્યું. ચક્રવર્તીની આજ્ઞાથી વિદ્યાધરોએ તેની સાથે અસ્ત્રશસ્ત્રવાળું ભયાનક યુદ્ધ કર્યું. તે સમયે ક્રોધે ભરાયેલા ખેચરોએ તેનું ઉત્તમ વિમાન તોડી પાડ્યું. શરશ્ચન્દ્રની શોભા જેવી તે તેમાંથી નીચે પડી. પુનર્વસુ દ્વારા પ્રયોજાયેલી વિદ્યાને કારણે, પુણ્ય ઓછા હોવાને કારણે જંગલી પ્રાણીઓના પ્રચંડ ધ્વનિવાળા ઘોર વનમાં જઈ પડી. તે જંગલમાં વિવિધ પ્રકારનાં ઊગેલાં વૃક્ષો હતાં, વાંસના ઝુંડ એકબીજામાં પરોવાઈ ગયાં હતાં. ત્યાં વિષમ પર્વતોને કારણે પ્રવેશ બહુ મુશ્કેલ હતો, સેંકડો જંગલી જાનવરો ત્યાં હતાં. મધુર વાણી ધરાવતી તેણે એક જ દૃષ્ટિપાતમાં દશે દિશાઓ માપી લીધી. બાંધવોનો પ્રેમ યાદ કરીને તે પ્રલાપ કરવા લાગી. ‘હે તાત, તમે પરાક્રમ કરીને શત્રુઓને જીતો છો, આખા લોકનું પાલન કરો છો, આ વનમાં તમે મારા જેવી પાપી પર દયા કેમ કરતા નથી? અરે માતા, અતિશય ભારે ઉદરદુઃખ વેઠીને ભયવિહ્વળ, ઉદ્વેગવાળી તું મને કેમ યાદ કરતી નથી? એ બંધુઓ, મારા જેવી પાપિણી પર વાત્સલ્ય બતાવતા હતા, તો હવે એ કેમ નથી વરસાવતા?’ આમ ગદ્ગદ કંઠે પ્રલાપ કરીને દુઃખી તથા હતાશ કન્યા એ ભયાનક વનમાં રહેવા લાગી. ભૂખતરસથી રિબાતી તે પત્ર ફળનો આહાર કરતી, આઠમ-દસમના ઉપવાસ કરતી, એક જ વાર આહાર કરતી હતી. અગ્નિના તાપ વિના, મકાનમાં ન રહેવાથી તેણે શિયાળો ભારે ઠંડી વેઠીને વીતાવ્યો. ત્યાર પછી અનેક પુષ્પોની સુવાસથી સમૃદ્ધ વસંતઋતુ આવી. ત્યાર પછી પ્રાણીઓને પીડનારી ગ્રીષ્મ ઋતુ આવી. વાદ્યો વાગતાં હોય એવી, વાદળોની ગર્જનાવાળી, વરસાદની ધારા પડવાને કારણે તડતડ અવાજ કરતી, ચંચળ વીજળીઓની કાન્તિવાળી વર્ષા ઋતુ આવી ગઈ. આમ તે અનંગશરાએ ત્રણ હજાર વર્ષ સુધી તપ કર્યું. પછી તેણે સંવેગયુક્ત સંલેખનાનો નિશ્ચય કર્યો. ચતુવિર્ધ આહાર, શરીર આ બધાંનું પ્રત્યાખ્યાન કરીને તે બોલી, ‘અહીંથી સો હાથથી આગળ નહીં જઉં.’ નિયમધારણનો છઠ્ઠો દિવસ વીત્યો ત્યારે લબ્ધિદાસ નામનો એક ખેચર મેરુને પ્રણામ કરી પાછો ફરી રહ્યો હતો. તે કન્યાને જોઈ તે નીચે ઊતર્યો. પિતાની પાસે લઈ જવા રોકાયેલા તેણે કહ્યું, ‘તારું અહીં શું કામ છે? તું તારે દેશ જા.’ લબ્ધિદાસ તરત જ ચક્રવર્તી પાસે ગયો અને તેને લઈને યોગયુક્ત અનંગશરા જ્યાં હતી ત્યાં આવ્યો. ચક્રવર્તી નીચે ઊતર્યો અને અજગર દ્વારા આહાર કરાતી તે કન્યાને જોઈ. રડીકકળીને તે તરત જ પોતાના નગરમાં જતો રહ્યો. તીવ્ર વૈરાગ્ય પ્રગટવાથી ત્રિભુવનાનંદ ચક્રવર્તીએ બાવીસ હજાર પુત્રો સાથે શ્રમણત્વ પ્રાપ્ત કર્યું. અજગર દ્વારા ભોગ બનેલી તે કન્યા મંત્ર જાણતી હોવા છતાં કૃપાવશ થઈને તે પાપી અજગરને તેણે ન માર્યો. ધર્મધ્યાનમાં લીન બનેલી તે પુણ્યશાળી કન્યા મૃત્યુ પામીને દેવલોકમાં જન્મી અને દિવ્ય રૂપવાળી દેવી થઈ. ખેચરોન્દ્રોને જીતીને પુનર્વસુએ તેના વિરહથી દુઃખી થઈને દ્રુમસેન મુનિ પાસે દીક્ષા લીધી. તપનો આચાર પામીને મૃત્યુ પછી તે દેવ થયો. ત્યાંથી પતન પામીને તે દશરથપુત્ર લક્ષ્મણ તરીકે જન્મ્યો. તે અનંગશરા પણ દેવલોકમાંથી પતન પામીને દ્રોણવન રાજાની વિશલ્યા નામે પુત્રી રૂપે જન્મી છે. આગલા જન્મે ઉપસર્ગ સાથે તપ કર્યું હતું એટલે આ વિશલ્યા ઘણા રોગનો નાશ કરનારી બની છે. એક વેળા અનેક રોગોને જન્માવનારી અતિ ભયાનક હવા ફેલાઈ. પૂછવાથી મુનિએ તેની ઉત્પત્તિ વિશે કહ્યું. ગજપુર નામના નગરમાં રહેતો વિંધ્ય નામનો અતિસંપન્ન વેપારી ભેંસો પર વેચવાની ચીજવસ્તુઓ લાદીને સંકેતપુરીમાં ગયો. ત્યાં તે વેચાણ માટે એક મહિનો રોકાયો. એ દરમિયાન એક ઉત્તમ પાડો વધુ ભારને કારણે પડી ગયો. કર્મની નિર્જરાને કારણે મૃત્યુ પછી તે પવનાસુર રૂપે જન્મ્યો અને પવનાવર્તના નામે શ્રેયસ્કરપુર નામના નગરનો સ્વામી થયો. અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વજન્મની કથા જાણી લીધી. ખૂબ જ ક્રોધે ભરાઈને તે લોકોના વિનાશનો વિચાર કરવા લાગ્યો. જનપદના લોકો મારા માથા પર પગ મૂકીને જતા હતા, તે લોકોનો હું નિશ્ચિત દંડ કરીશ. એમ વિચારી દેશ અને નગર પર ક્રોધે ભરાયેલા તે દેવે અનેક રોગ જન્માવનારી હવા ફેલાવી. ઘણા રોગોને જન્માવનાર પવનને વિશલ્યાએ તત્ક્ષણ સ્નાનજળથી નષ્ટ કરી નાખ્યો. હે પ્રભુ, સર્વભૂતશરણ મુનિએ ભરતને અને ભરતે મને જે કહ્યું હતું તે બધું મેં તમને સંભળાવ્યું. ત્યાં જઈને તરત જ અભિષેકજળ મંગાવો. તેમાંથી કુમાર જીવતો થશે, બીજી કોઈ રીતે નહીં થાય...’ તેની આ વાત સાંભળીને અત્યંત સંતુષ્ટ થયેલા રામ જવા માટે વિદ્યાધરોની સાથે વિચારવિમર્શ કરવા લાગ્યા. જાંબૂનદ વગેરે મંત્રીઓએ રામને કહ્યું કે આ અંગદ, હનુમાન તથા જનકપુત્રને પાણી લેવા મોકલો. રામે ભામંડલ, હનુમાન તથા વાલીપુત્ર અંગદને પાણી લેવા સાકેતપુરી જવા કહ્યું. આજ્ઞા માથે ચઢાવીને તેઓ ક્ષણાર્ધમાં સાકેતપુરી પહોંચી ગયા અને રાજભવનમાં ઊતર્યા. સંગીત દ્વારા ગુણગાન થતાં ભરત તરત જ ઊભો થયો. સંતુષ્ટ થઈને ભવનમાંથી નીચે ઊતર્યો અને ખેચરોને પૂછ્યું, સીતાહરણને કારણે લક્ષ્મણ શક્તિ વડે ઘવાયો છે એ વાત તેમણે ભરતને કરી અને બધી વાર્તા ટૂંકમાં કહી. આ સાંભળી ક્રોધે ભરાયેલા ભરતે મહાભેરી વગડાવી અને તરત જ હાથી, ઘોડા, રથ સાથે તૈયાર થઈ ગયો. ભેરી સાંભળીને સાકેતપુરીના નિવાસીઓ ‘શું છે? શું થયું?’ એમ કહી ભયથી વિહ્વળ અને વ્યાકુળ થઈ ગયા. લોકો કહેવા લાગ્યા કે શું સર્વદા વિરોધ કરનાર અને ભરતના દોષ જોઈ ઘાત કરનાર અતિવીર્યનો પુત્ર રાતે અહીં આવી ચડ્યો છે? મણિ, સોનંુ, ચાંદી, પ્રવાલ, ઘણાંબધાં વસ્ત્રાભરણ — લઈ ભોંયરામાં સંતાડી દો. રથ, હાથી, ઘોડા પર સવાર થઈને શત્રુઘ્ન વગેરે સૈનિકો તૈયાર થઈને, કવચ પહેરીને ભરતના નિવાસે આવ્યા. યુદ્ધ માટે અત્યંત ઉત્સાહ તથા જવા માટે તૈયાર થયેલા જનકપુત્ર ભામંડલે કહ્યું, ‘હું તમને જે કહું છું તે ધ્યાનથી સાંભળો.’ ‘હે રાજા, લવણસમુદ્રની વચ્ચે લંકાનગરી આવી છે. તે સમુદ્ર ભયંકર છે, ખૂબ વિશાળ છે. પગે ચાલનાર તમે એને ઓળંગશો કેવી રીતે?’ આ સાંભળી ભરતે કહ્યું, ‘તો પછી અહીં શું કરી શકાય? તે મને તરત કહો, જે કહેશો તે બધું અહીં લાવું.’ એટલે ભામંડલે કહ્યું, ‘હે મહાયશસ્વી, વિશલ્યાનું સ્નાનોદક તમે મને આપો. એમાં તમે વિલંબ ન કરો. એનો છંટકાવ થશે એટલે લક્ષ્મણ તરત બેઠો થશે. એટલે અમે તરત નીકળી જઈએ. સૂર્યોદય થશે ત્યારે તો તે મૃત્યુ પામશે.’ ભરતે કહ્યું, ‘એ જળ તો શું, દ્રોણમેઘની પુત્રી વિશલ્યા જાતે જ ત્યાં જાય. મુનિએ કહ્યું છે કે આ મહિલારત્ન તેની પટરાણી થશે, બીજા કોઈની નહીં.’ ભરતે દ્રોણમેઘને ત્યાં દૂત મોકલ્યો. પુત્ર તથા સેના સાથે તૈયાર દ્રોણે વિશલ્યા ન મોકલી. કૈકેયીએ જઈને તેને મીઠી વાણીમાં બધું સમજાવ્યું, પછી પ્રસન્ન થઈને દ્રોણે પુત્રીને મોકલી. પછી ભામંડલે રાજાઓની એક હજાર કન્યાઓને પોતાના ઉત્તમ વિમાનમાં બેસાડી. ઊડીને તેઓ તરત જ યુદ્ધભૂમિ પર પહોંચી ગયા. ઉત્તમ વિમાનોની અર્ઘ્ય વગેરેથી પૂજા કરીને તેઓ નીચે ઊતર્યા. જેવી રીતે સુંદર ચામર ઢોળાય તેવી રીતે હંસની ગતિથી ચાલતી વિશલ્યા લક્ષ્મણ પાસે પહોંચી. તેના સ્પર્શથી તે શક્તિ વક્ષસ્થલમાંથી બહાર નીકળી. તે સમયે કામી પુરુષના ઘરમાંથી નીકળતી દુષ્ટ મહિલા જેવી દેખાતી હતી. આકાશમાર્ગેથી જનારી તે વિસ્ફુરિત અગ્નિસમૂહવાળી શક્તિને અતિ વેગીલા હનુમાને કૂદીને પકડી લીધી. તે શક્તિ ક્ષણવારમાં દિવ્ય રૂપથી સમૃદ્ધ એક સુંદરી બની ગઈ. પછી તેણે હનુમાનને કહ્યું, ‘મને છોડી દો. આમાં મારો દોષ નથી. હું ત્રિલોકમાં વિખ્યાત અમોઘવિજયા નામની શકિત છું. સંતુષ્ટ નાગરાજે મારી સોંપણી રાવણને કરી હતી. જ્યારે વાલી કૈલાસ પર્વત પર યોગારૂઢ હતો ત્યારે રાવણે હાથ ચીરીને વીણા બનાવી હતી. ચૈત્યગૃહો આગળ જિનચરિતનું ગાન કરનારા રાવણને પ્રસન્ન ધરણેન્દ્ર દેવે મારી સોંપણી કરી હતી. હે પ્રભુ, દુસ્સહ તેજવાળી તથા ગુણસમુદ્ર વિશલ્યા સિવાય હું ત્રિભુવનમાં કોઈ વ્યક્તિથી પરાજિત થઈ નથી. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, શારીરિક વેદના સહન કરનારી તેણે પૂર્વજન્મમાં ઘોર તપ કરીને કર્મપ્રાપ્તિ કરી હતી. હે સુપુરુષ, સમ્યક્ રીતે જિનવરના તપનું માહાત્મ્ય જુઓ, એનાથી બીજા જનમમાં આવાં કાર્ય સિદ્ધ થાય છે. અથવા આ લોકમાં સાધિત કાર્ય માટે વિસ્મય કેવું, કારણ કે આનાથી તો જીવ કર્મક્ષય કરીને મોક્ષસુખ પણ મેળવે છે. તેના તપથી હું પરાજિત થઈ છું. હું પરાયત્ત છું, મને છોડી દો. હું મારા સ્થાને જઈશ. હે સ્વામી, મારાં દુશ્ચરિતને ક્ષમા કરો.’ આવું સંભાષણ કરનારી તે શક્તિદેવીને ભયે ફફડતા હનુમાને છોડી મૂકી. તે પોતાના સ્થાને જતી રહી. દ્રોણમેઘની વિનયી પુત્રી વિશલ્યા રામને નમસ્કાર કરીને લક્ષ્મણ પાસે જઈને બેઠી. તે મુગ્ધાએ કમળ જેવા કોમળ હાથ વડે લક્ષ્મણને ઢંઢોળ્યો અને ગૌશીર્ષચંદન વડે તેના અંગપ્રત્યંગ પર લેપ કર્યો. આરામથી સૂતેલા, સહેજ રાતા નયનોવાળા, જેના હાથ સહેજ સહેજ સળવળ્યા હતા તથા જેનો શ્વાસોચ્છ્વાસ ચાલવા લાગ્યો હતો તેવા લક્ષ્મણનો જાણે બીજો જન્મ થયો. સંગીત વડે થતા ગુણગાન સાંભળીને તે એકાએક ઊભો થઈ ગયો. ક્રોધિત લક્ષ્મણ ચારે બાજુ જોઈને પૂછવા લાગ્યો, ‘ક્યાં છે રાવણ?’ રોમાંચને કારણે કર્કશ અને સ્મિતપૂર્ણ મોંવાળા રામ નાના ભાઈને ભેટી પડ્યા અને કહ્યું, ‘એ શત્રુ નાશ પામ્યો છે. શક્તિના પ્રહારની વાત તથા બીજું બધું કહ્યું અને મન્દર વગેરે સૈનિકોએ ઉત્સવ મનાવ્યો. રામના કહેવાથી વિશલ્યાએ તે ચંદન દિવ્ય શસ્ત્રોથી ઘવાયેલા ઇન્દ્રજિત વગેરે સૈનિકોને લગાવ્યું. ચંદનજલના અભિષેકથી તે ખેચર શલ્યરહિત થઈ ગયા અને પરમ આનંદપૂર્વક તરત ચાલ્યા ગયા. સુંદર રૂપ અને લાવણ્યવાળી, ચંદ્રમુખી દ્રોણપુત્રી વિશલ્યા લક્ષ્મણની જોડે ઇન્દ્રની દેવી જેવી શોભતી હતી. બધાં કાર્ય સારી રીતે સંપન્ન થયાં એટલે રામના કહેવાથી અતિશય ધૈર્યવાળા લક્ષ્મણે ધામધૂમથી વિશલ્યા સાથે લગ્ન કર્યું. આમ માનવી પૂર્વભવમાં કરેલાં ધર્મકાર્યોને કારણે દુઃખમુક્ત થાય છે, યથેચ્છ દિવ્ય પદાર્થ મેળવે છે અને લોકમાં તેમને વિમળ યશ પ્રાપ્ત થાય છે. (૬૪મું પર્વ)

બહુરૂપા વિદ્યાની પ્રાપ્તિ માટે રાવણે કરેલી સાધના

રાવણ મંત્રીઓ સાથે મંત્રણા કરતાં બોલ્યો, ‘ઘણા બધા રાજાઓની સહાય માટે યુદ્ધ લડીને શત્રુઓ પર વિજય મેળવું તો પણ મારા પુત્રોનો વિનાશ તો થવાનો જ છે. કાં તો રાત્રે અજ્ઞાત વેશે પુત્રોના શત્રુઓને ઘેરી લઉં, એમને કપટ વડે મારી નાખી કુમારોને લઈ આવું.’ આમ કરતાં તેને એકદમ બહુરૂપા વિદ્યાની સાધના કરવાનો વિચાર આવ્યો. તે મહાવિદ્યા અત્યંત બળવાન, તેને દેવો પણ જીતી ન શકે. આમ વિચારી તેણે સેવકોને ભગવાન શાન્તિનાથના મંદિરને તોરણો વડે તરત જ સુશોભિત કરવા અને બધાં જિનમંદિરોમાં મહાપૂજા કરવા કહ્યું. આની બધી જવાબદારી મંદોદરીને સોંપી. તે વેળા કોયલકૂજનના સંગીતવાળો ફાગણ માસ હતો. ભગવાન મુનિસુવ્રતના તીર્થમાં આ ભરતક્ષેત્ર જિનભવનોથી અલંકૃત હતું; ગ્રામસમૂહ શેઠ, ગૃહસ્થ અને ભવ્ય લોકોને આનંદમયી અને સુખદાયી હતો. અહીં જિનમંદિર ન હોય એવું કોઈ ગામ, નગર, નદીનો સંગમ, પર્વત, ત્રિભેટો, ચાર રસ્તા કે ચોક ન હતા. ચન્દ્રમા અને કુન્દ પુષ્પ જેવા શ્વેત, અનેક સંગીત તથા વાદ્યોના ધ્વનિવાળું, અનેક પ્રકારનાં ધ્વજાચિહ્નોવાળાં, સુવર્ણમય, રત્નમય, મણિમય પ્રતિમાઓથી ભરચક; ધ્વજા, પતાકા, છત્ર, ચામર, લંબૂષ (દડા આકારનું આભરણ) તથા દર્પણોથી સજાવેલાં ગૃહવાળાં મંદિરો લોકોએ વિભૂષિત કર્યાં, આમ લંકાનગરી પણ મનોહર તથા અલંકૃત જિનભવનોને કારણે ઇન્દ્રનગરી અલકાપુરીની જેમ શોભી રહી હતી. ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમથી પૂનમ સુધી અઠ્ઠાઈ-મહોત્સવ ઉજવાયો. બંને સેનાઓમાં લોકોએ નિયમ લીધા. આઠ દિવસ તો બીજા લોકો પણ સંયમ પાળે. આ દિવસોમાં દેવો પણ દેવલોકમાં સમગ્ર પરિવાર સાથે ચૈત્યપૂજામાં વ્યસ્ત રહે છે. નંદીશ્વર દ્વીપમાં જઈને દેવ આઠ દિવસ દિવ્ય પુષ્પોથી જિન ચૈત્યોની પૂજા કરે છે. દેવો સુવર્ણકળશોમાં ક્ષીરસાગરના જળથી જિનેશ્વર ભગવાનને સ્નાન કરાવે છે, એટલે અહીં પણ પત્રપુટ વડે જિનાભિષેક કરવો જોઈએ. દેવો સુવર્ણ-પુષ્પોથી જિનેશ્વર ભગવાનને સ્નાન કરાવે છે, એટલે અહીં પણ લોકોએ પુષ્પોથી પૂજા કરવી જોઈએ. લંકાનગરીમાં ઉત્સાહી, દૃઢ ભાવવાળા લોકોએ ધ્વજા, છત્ર, પતાકા વડે ચૈત્યગૃહો સુશોભિત કર્યાં. ગોશીર્ષચંદનથી લીંપેલાં આંગણાં તરત જ સુવર્ણ વગેરે રજથી આલેખિત રંગાવલિથી ચિતરાયાં. હીરા, ઇન્દ્રનીલ, મરકતશાળાઓથી દરવાજા સુશોભિત હતા, સુવાસિત પુષ્પો વડે તેમાં પૂજા થઈ હતી. જિનવરના પૂજાભિષેક માટે દહીં, ખીર, ઘીથી ભરેલા અને મોટાં ઉત્તમ પુષ્પોથી ઢાંકેલા પૂર્ણકળશ બારણે મુકાયા. ઝલ્લરિ, હુડુક, તિલિમ જેવા ઘોષ કરનારાં વાદ્ય જિનમંદિરોમાં વાગ્યાં. હજારો ભવનોના સમૂહની વચ્ચે આવેલ, નગરીના ભૂષણરૂપ રાવણનો મહેલ કૈલાસ પર્વતના ઊંચા શિખર જેવો શોભતો હતો. તેની બાજુમાં સુવર્ણની બનેલી ઉજ્જ્વળ અને વિચિત્ર દીવાલવાળું હજારો સ્તંભવાળું શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું. અનેકવિધ રત્નો અને પુષ્પોથી પૂજાતા એ મંદિરને બધી બાજુએથી સુશોભિત કર્યું હતું. તે મંદિરમાં વિદ્યાસાધના માટે રાવણે પ્રવેશ કર્યો. તે સમયે મોટાં મોટાં નગારાં તથા વાદ્યોના વિવિધ ધ્વનિથી ત્રણે લોક જાણે ક્ષુબ્ધ થઈ ઊઠ્યા અને સ્નાનાભિષેકના ચંદનની રજથી આકાશ પીળું પીળું થઈ ગયું. શુદ્ધ ઇન્દીવર કમળ જેવા નીલવર્ણના મહાત્મા રાવણે નૈવેદ્ય, સુગન્ધિત ધૂપ અને પુષ્પોથી પૂજા કરી. શ્વેતવસ્ત્રધારી, નિયમપાલનવાળા, કુંડળોને કારણે તેજસ્વી લલાટવાળો રાવણ મનસા, વાચા, કર્મણા ત્રણે પ્રકારે વંદન કરી અર્ધપર્યંકાસનમાં બેસી, હાથમાં અક્ષમાલા લઈને વિદ્યાનું સ્મરણ કરવા લાગ્યો. શરૂઆતમાં મંદોદરીને બધી જવાબદારી સોંપી હતી, તેણે મંત્રીને કહ્યું, ‘તમે નગરમાં યમદંડ નામની ઘોષણા કરાવો. બધા લોકો તપ, નિયમ, શીલ પાળે, જિનવરની પૂજા કરે અને જીવદયા રાખે. જે કોઈ ક્રોધે ભરાઈને આ દિવસોમાં પાપ કરશે તેનો વધ કરવામાં આવશે. પછી તે પિતા હોય કે બીજો કોઈ.’ મંદોદરીના કહેવાથી યમદંડે ઘોષણા જાહેર કરીને નગરજનોને કહેવામાં આવ્યું કે આ દિવસોમાં કોઈ દુવિર્નીત નર પણ પાપ ન આચરે. મંત્રીની ઘોેષણા સાંભળીને બધા જિનેન્દ્રના ઉત્તમ શાસનમાં ભક્તિભાવવાળા થયા, મુક્તિસ્થાનમાં ગયેલા, વિમલ તથા ચંદ્રમા જેવી કાન્તિવાળા તે જિનેન્દ્રોની આવશ્યક કર્તવ્યરૂપ પૂજા કરવામાં નિત્ય પ્રવૃત્ત રહ્યા. ગુપ્તચરો પાસેથી આ સમગ્ર વૃત્તાંત જાણીને, શત્રુઓના વિજયને ન સહી શકનારા સૈનિકો અંંદરોઅંદર કહેવા લાગ્યા કે ભગવાન શાન્તિનાથના મંદિરમાં પ્રવેશી દેવોને પણ ભય પમાડનારી બહુરૂપા નામની મહાવિદ્યા રાવણ સિદ્ધ કરે તે પહેલાં ત્યાં જઈને નિયમસ્થ રાક્ષસપતિને ક્ષુબ્ધ કરવો જોઈએ, વિલંબ ન ચાલે. હે રાઘવ, જો તે બહુરૂપિણી મહાવિદ્યા મેળવી લેશે તો બધા દેવ પણ તેને જીતી નહીં શકે, પછી આપણા જેવા ક્ષુદ્રોની તો વાત જ શી? વિભીષણે રામને કહ્યું, ‘શાન્તિનાથ મંદિરમાં પેઠેલા અને વ્રતનિષ્ઠ રાવણને તમે શરૂઆતમાં જ પકડી લો.’ આ સાંભળી રામે કહ્યું, ‘યુદ્ધમાં ભયભીત પુરુષને પણ હું મારતો નથી, તો પછી જિન ચૈત્યગૃહમાં નિયમારૂઢ પુરુષની તો વાત ક્યાં કરવી?’ આ પછી આ વાનરસૈનિકોએ આઠ દિવસ મંત્રણા કરીને સેના સાથે કુમારોને લંકાનગરી મોકલ્યા. કવચધારી, ચિહ્નવાળા તે કુમાર હાથી ઘોડા રથ પર સવાર થઈને રાવણને ક્ષુબ્ધ કરવા નીકળી પડ્યા. કુમાર મકરધ્વજ, આટોપ, ગરુડ, ચંદ્રાભ, રતિવર્ધન, શૂર, મહારથ, દૃઢરથ, વાતાયન, જ્યોતિ, મહાબલ, નન્દન, નીલ, પ્રીતિકર, નલ, સર્વપ્રિય, સર્વદુષ્ટ, સાગરઘોષ, સ્કન્દ, ચન્દ્રમરીચિ, સુપૂર્ણચન્દ્ર, સમાધિબહુલ, સિંહકટિ, દાસત્રી, જાંબુનદ, સંકટ, વિકટ, જયસેન — જેવા બીજા ઘણા સૈનિકો લંકાનગરી ગયા. તેમણે લંકાનગરીમાં લોકોને નિર્ભય જોયા. તેઓ આશ્ચર્ય પામીને બોલ્યા, ‘લંકાનરેશ કેટલો ધીરજવાન છે! યુદ્ધમાં ભાનુકર્ણ, ઇન્દ્રજિત, ધનવાહન પકડાઈ ગયા છે અને અક્ષ વગેરે ઘણા સૈનિકો મૃત્યુ પામ્યા છે. તો પણ રાક્ષસપતિ ક્ષણવાર માટે પણ ભય પામતો નથી.’ આમ વાતો કરતાં તેઓ ચકિત થયા. પછી વિભીષણના પુત્ર સુભૂષણે કહ્યું, ‘શંકા રહેવા દઈ તમે લંકામાં પ્રવેશ કરો અને યુવતીઓને છોડીને તેમને લલચાવો.’ આમ કહ્યું એટલે, કમાડવાળા ઉત્તમ દરવાજા તોડીને ચંચલ અને પ્રચંડ વાનર સૈનિકોએ લંકામાં પ્રવેશ કર્યો. લંકામાં પ્રવેશેલાઓની દુંદુભિ સાંભળીને લોકો ખળભળ્યા. ‘શું થયું? શું થયું?’ બોલતાં તેઓ ભયવિહ્વળ અને વ્યાકુળ થઈ ગયા. ‘અરે, વાનરસેના આવી પહોંચી છે. બહુ બીક લાગે છે. જલદી ઘરમાં પેસી જાઓ, નહીંતર મરી જશો. અરે ભદ્ર, બચાવો, ભાઈ — તમે ન જતા. જલદી પાછા આવો. અરે દોડો... શત્રુસેનાથી ત્રસ્ત નગરી નથી દેખાતી?’ આમ કોલાહલ કરીને, એકબીજાને અથડાતા નગરજનોને કારણે રાવણનો મહેલ ક્ષુબ્ધ થઈ ઊઠ્યો. ભયને કારણે નાસી જતી કોઈ સ્ત્રીની મેખલા તૂટી જવાથી રત્નો વિખરાઈ ગયાં હતાં. તો કોઈ હાથનો આધાર લઈ જલદી જલદી જઈ રહી હતી. ભયને કારણે ચીસો પાડતી કોઈ પુષ્ટ નિતંબોવાળી સ્ત્રી ઉતાવળમાં પદ્મખંડમાં હંસીની જેમ પગ મૂકતી હતી. ઉન્નત અને ભારે સ્તનવાળી, બહુ પરિશ્રમથી વ્યાકુળ સ્ત્રી દારુણ ભય સામે આવી ચડ્યો હોવા છતાં શેરીમાં ધીરે ધીરે લચકતી ચાલે જઈ રહી હતી. કોઈ બીજી સ્ત્રીનો હાર પડી ગયો; કોઈના કડાં, કુંડળ તથા આભરણ પડી ગયાં, કોઈનું ઉત્તરીય સરી ગયું અને તો પણ કોઈને ખબર ન પડી. આ પ્રકારે ભયવિહ્વળ તથા ક્ષુબ્ધ નગરજનોને જોઈને મયરાજા તૈયાર થઈને સેનાની સાથે રાવણના મહેલ પાસે આવ્યો. જિનવરના સિદ્ધાન્તનું સ્મરણ રાખનારી મંદોદરીએ તેમની સાથે યુદ્ધ કરતા તેને અટકાવ્યો. નગરજનોને ભયથી વ્યાકુળ જોઈને ભગવાન શાન્તિનાથ મંદિરમાંથી અતિભયંકર, વિકરાળ દાંત ધરાવતા મોઢાવાળા, ગ્રીષ્મકાળના સૂર્ય જેવા તેજસ્વી તથા ક્રૂર તેઓ આકાશમાં ઊડ્યા. તેમણે હાથી, ઘોડા, વાઘ, ભયાનક સાપ, મેઘ, અગ્નિવર્ષા કરતા પવન તથા પર્વત જેવાં રૂપ ધારણ કર્યાં. આ ભયાનક આકૃતિવાળા દેવોને જોઈ ભયને કારણે અકળાઈ ગયેલી વાનરસેના એકબીજા સાથે અથડાતી ભાગવા માંડી. શાન્તિનાથ મંદિરોમાં રહેતા દેવો ખિજાયા. પછી દેવતાઓની વચ્ચે જ શસ્ત્રો ફેંકાવાં લાગ્યાં, એકબીજાને લલકારવા લાગ્યા, અને ભયાનક મહાયુદ્ધ થયું. બીજા દેવોએ શાન્તિનાથ મંદિરના દેવોની સેનાને ભગાડી મૂકી છે એ જોઈ વાનર સૈનિકો ફરી લંકાનગરી જવા તૈયાર થયા. આ જાણીને ખિજાયેલા પૂર્ણભદ્રે માણિભદ્રને કહ્યું, ‘વાનર ચિહ્નવાળા આ મહાપાપીઓ શું કરે છે તે તો જુઓ. શાન્તિનાથ મંદિરમાં આવેલા, નિયમસ્થ, એકલા, રાવણને મારવા અતિભયાનક અને મિથ્યાદૃિષ્ટ વાનર તૈયાર થયા છે.’ ત્યારે માણિભદ્રે કહ્યું, ‘સાક્ષાત્ ઇન્દ્ર આવે તો તે પણ જિનભવનમાં ધ્યાનસ્થ રાવણને ક્ષુબ્ધ કરવા સમર્થ નથી.’ એમ કહી તે ખિજાયેલા યક્ષાધિપો ત્યાં જઈને એવી રીતે લડવા લાગ્યા કે દેવતાઓ લજ્જિત થઈને ભાગી ગયા. પછી પથ્થરો વડે વાનરસેનાને મારવા માટે આ યક્ષ ગયા ત્યારે તેમણે આકાશમાં ઊભેલા રામને જોયા. પૂર્ણચંદ્રે કહ્યું, ‘ઉત્તમ કુળમાં જન્મેલા, વિખ્યાત દશરથપુત્ર રામ, મારી વાત સાંભળો. તમે ધર્મ-અધર્મ જાણો છો. અને જ્ઞાનસાગર પાર કરી ગયા છો. આવા ગુણવાન હોવા છતાં તમે આવું ખરાબ કાર્ય કેમ કરો છો? નિયમસ્થ અને ધીર રાવણ ભગવાન શાન્તિનાથના મંદિરમાં ધ્યાન ધરી રહ્યા છે ત્યારે તમે તમારા સેવકો દ્વારા લંકાનગરીના લોકોને શા માટે દુઃખી કરો છો? જે કોઈનું દ્રવ્ય છિનવે છે તે નિશ્ચિત તેના પ્રાણ હરે છે. આમ જાણી હે રાઘવ, તમારા સૈનિકોને અટકાવો.’ આ સાંભળી લક્ષ્મણે કહ્યું, ‘આ રાજાની ગુણનિધિ પત્ની સીતાનું હરણ રાક્ષસપતિ રાવણે કર્યું છે. આવાની તમે દયા ખાઓ છો?’ ત્યાર પછી વાનરનિધિ સુગ્રીવે સ્વર્ણપત્રો વડે અર્ઘ્ય આપીને યક્ષનરેન્દ્રને કહ્યું, ‘તમે આ મહાકોપ ટાળો.’ વશમાં આવેલી બહુરૂપિણી વિદ્યા તો શું — અત્યંત અભિમાની રાવણ બીજી વિદ્યાની સાધના પણ કેમ કરતો નથી? હે મહાયશ, તમે મારી સામે જુઓ. ક્રોધ મૂકીને, પ્રસન્નચિત્તે તમે તમારા સ્થાને જાઓ.’ એટલે પૂર્ણચંદ્રે કહ્યું, ‘આ નગરીમાં માત્ર આટલું કરો. જૂના તણખલાને પણ કોઈ દુઃખ પહોંચાડે એવું કાર્ય ન કરો.’ આમ કરી સમાનધર્મ ઉપર વાત્સલ્ય રાખનારા અને પરમેશ્વરમાં શ્રદ્ધાવાન યક્ષો પોતપોતાના સ્થાને જતા રહ્યા. આમ જે માનવી આ લોકમાં જિનેન્દ્રના શાસનમાં ભક્તિ, ઉત્સાહ અને સ્થિર મનોબળ રાખે છે તે એ ધીર સુખસુવિધા પ્રાપ્ત કરનારી વિદ્યા તો શું પણ વિમલ મોક્ષ પણ પામે છે. યક્ષપતિ શાન્ત થયા છે એ જાણીને દર્પ અને અમર્ષવાળો અંગદ કિષ્કિન્ધિ દંડ નામના હાથી પર સવાર થયો. હાથમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રો લઈને તથા વિવિધ વાહનો પર સવાર થઈને, કુમુદ, ઇન્દ્રનીલ વગેરે સૈનિકો લંકાપુરી જવા નીકળી પડ્યા. કુંકુમની અર્ચાવાળા, વિવિધ અલંકારમંડિત શરીરવાળા, બળવાન તથા પ્રચંડ કુમારો એક સાથે વગાડાતાં વાદ્યોના ધ્વનિથી વીંટળાયેલા હતા. ધ્વજ અને છત્રને કારણે તથા સેનાસમેત તેઓ અંગદ વગેરેને લઈને વાનર સૈનિકો લંકામાં પ્રવેશ્યા. નગરજનોને બીવડાવતા તેઓ રાવણના મહેલના આંગણે જઈ પહોંચ્યા. ત્યાં પાણી અને ગ્રાહોથી ભરેલી રત્નજડિત ભૂમિ જોઈને તેઓ બીધા. તે રત્નજડિત ભૂમિ પર બનાવેલી સ્થિર નેત્રોવાળી આકૃતિઓને ઓળખીને તેઓ રાવણના ભવનની પર્વતના ગુફા જેવા આકારવાળા દ્વારે જઈ પહોંચ્યા. ત્યાં ઇન્દ્રનીલમણિની ફરસમાં ભયંકર યંત્રોવાળા મોં ધરાવતા સિંહોને જોઈને વાનરો નાસી જવા તૈયાર થયા. કારણ જાણીને અંગદે બહુ મુશ્કેલીથી વાનર સૈનિકોને પાછા વાળ્યા અને પછી તેઓએ ચારે બાજુ નજર કરીને ભવનમાં પ્રવેશ કર્યો. સ્ફટિકમય સ્વચ્છ દીવાલને આકાશ માનનારા વાનરસૈનિકોનાં મસ્તક કઠણ શિલા સાથે અથડાયા અને ઘણા તો નીચે પડી ગયા. ઘુંટણ અને કોણીઓ ભાંગી જવાથી બહુ પીડાતા અને બીધેલા વાનરોને રસ્તાની ખબર પડી એટલે બીજા દરવાજામાં પેઠા. ત્યાં પણ ઇન્દ્રનીલમણિ વડે તૈયાર થયેલું કાજળકાળું આંગણું હતું. એમાંથી પસાર થવું શંકાસ્પદ છે એમ માનીને તેઓ ભાર દઈને પગ મૂકતા ન હતા. ત્યાં સ્ફટિકમય સોપાન પર તેમણે એક યુવતી જોઈ. દિગ્ભ્રાન્ત થઈને તેમણે પૂછ્યું, ‘ભદ્રે, જિનમંદિર ક્યાં છે?’ મંદિર શોધી રહેલાઓને તેણે ઉત્તર ન આપ્યો, જ્યારે તેને અડક્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો લેપ્યમહિલા (વિવિધ પ્રકારના પદાર્થોમાંથી બનાવેલી) છે. પડી ગયેલાં મોં લઈને તેઓ એક બીજા ખંડમાં ગયા. ત્યાં મહાનીલમણિની બનાવેલી દીવાલો સાથે અથડાયા. આંધળાની જેમ એકબીજાને ન જોઈ શકતા તે સૈનિકો ખૂબ લાંબી દીવાલોને હાથ વડે અડકવા લાગ્યા. એમ કરતાં કરતાં આગળ વધનારા તેમણે વાણી વડે સજીવ માનવીને જાણીને તેના કેશ નિષ્ઠુરતાથી પકડ્યા અને શાન્તિગૃહ બતાવવા કહ્યું અને આમ માર્ગદર્શક માણસને આગળ કરીને તે સૈનિકો શાન્તિજિનેન્દ્રના ઉત્તમ ભવનમાં જઈ પહોંચ્યા. તેમણે શરદઋતુના મેઘની જેમ શ્વેત, અનેક ચિત્રો દ્વારા સુશોભિત તથા ધ્વજપતાકાવાળું તે ભવન તેમને નીચે ઊતરેલા સ્વર્ગીય વિમાન જેવું લાગ્યું. વજ્ર, ઇન્દ્રનીલ તથા મરકત માલાઓ અને રેશમી વસ્ત્રોથી સુશોભિત દ્વારવાળા, વિવિધ પ્રકારનાં રત્નોથી તેજસ્વી, ઉત્તમ સુવાસિત પુષ્પો દ્વારા થતી પૂજા અને નૈવેદ્યથી ભરેલા, કાલાગરુની ખૂબ જ ધૂપથી ગંધવાળા, તે જ વખતે ચૂંટેલાં કમળથી પૂજાતા જિનમંદિરને જોઈ તે વિસ્મિત સૈનિકોએ ત્રણ વાર પ્રદક્ષિણા કરીને શાન્તિનાથ ભગવાનને વંદન કર્યાં.

આમ પોતાની સેનાને બહારનાં ખંડમાં ઊભી રાખીને દૃઢ હૃદયવાળા અંગદે શાન્તિનાથ મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભાવપૂર્વક વંદન કરીને તેણે સામે રત્નજડિત ભૂમિ પર યોગસ્થ રાક્ષસપતિ રાવણને જોયો. અંગદે તેને કહ્યું, ‘હે રાજા, જનકરાજાની પુત્રી સીતાનું અપહરણ કરીને ત્રણે લોકમાં ઉત્તમ એવા ભગવાનની આગળ શું દંભનું અનુષ્ઠાન કર્યું છે? હે અધમ રાક્ષસ, દુશ્ચરિત્રનું ધામ, તને ધિક્કાર છે. ખૂબ જ ક્રોધે ભરાયેલો યમ પણ તારા જે હાલ ન કરે તે હવે હું તારા કરીશ.’ 

પછી બળવાન હાથવાળા અને ક્રોધે ભરાયેલા સુગ્રીવપુત્ર અંગદે મોટે મોટેથી બરાડીને તેણે રાવણને ફટકાર્યો. તેની આગળ મૂકેલાં સહદળ કમળ ઊઠાવ્યાં અને ત્યાં જમીન પર બેઠેલી યુવતીઓને તેનાથી ફટકારી. તેના હાથમાં વિશુદ્ધ સ્ફટિકની બનેલી અક્ષમાલા વાદળમાં બકપંક્તિ જેવી શોભતી હતી. ઉત્તમ રત્નોની તેજસ્વી માળા અંગદે તરત જ તોડી નાખી. પછી પોતાનું વસ્ત્ર રાવણના ગળે વીંટાળ્યું. ખૂબ જ ગુસ્સે થયેલા અંગદે વસ્ત્ર લટકાવ્યું. પછી કુમારે મંદિરના સ્તંભ સાથે રાવણને બાંધ્યો. હસતા હસતા રાક્ષસરાજને પાંચ દીનારમાં પોતાના માણસને વેચી દીધો પછી કઠોર શબ્દોથી ગાળો સંભળાવી. અંગદકુમારે યુવતીઓના કાનમાંથી કુંડળ લઈ લીધાં, મસ્તક પરના અલંકાર, પગમાંનાં ઝાંઝર લઈ લીધાં. કોઈ બીજી સ્ત્રીનું વસ્ત્ર લઈ લીધું, એકબીજાના કેશથી બંનેને બાંધીને ચારે બાજુ ઘૂમતો તે હાથ વડે મારવા લાગ્યો. જેવી રીતે એક સાંઢ આખા ગોકુલને ક્ષુબ્ધ કરી મૂકે તેવી રીતે અંગદકુમારે તે અંત:પુરને ખળભળાવી મૂક્યું. તેણે ફરી રાવણને કહ્યું, ‘અરે પાપી, તેં છલથી અને માયાથી આ એકાકી સીતાનું અપહરણ કર્યું છે. અરે રાવણ, હવે તારી સામે જ આ બધી સ્ત્રીઓનું અપહરણ કરું છું. તાકાત હોય તો રોક.’ એમ કહી જેવી રીતે ચક્રવર્તી ભરતે લક્ષ્મીને ખેંચી હતી તેવી રીતે પટરાણી મંદોદરીના કેશ પકડીને તેને ખેંચી. ‘અરે રાવણ, જો તારી હૃદયવલ્લભાને લઈ જઉં છું. તે વાનરપતિની ચામરધારિણી થશે.’ મંદોદરીનાં બધાં આભૂષણ પડી ગયાં હતાં, હાથ વડે વસ્ત્ર સંભાળતી, આંખોમાં આંસુ લાવીને પતિના બાહુઓમાં સમાવા મથી. ‘હે નાથ, રક્ષા કરો, હે યશસ્વી, આ પાપી વાનર તમારી સામે દીન અને કરુણ વિલાપ કરતી મને લઈ જાય છે. જો તમે ચન્દ્રહાસ તલવારથી આનું માથું વાઢી ન નાખો તો તમારા આ ધ્યાન-ઉપાસનાથી શું?’ આંસુ સારતી મંદોદરીએ આવા ઘણા વિલાપ કર્યા તો પણ રાવણ ગાઢ ધ્યાનમાં મગ્ન રહ્યો. વિદ્યાસાધનામાં તત્પર તથા ધ્યાનમગ્ન તેની બધી ઇન્દ્રિયો સંયત હોવાથી તે ન તો સાંભળતો હતો, ન જોતો હતો. મેરુની જેમ અકમ્પ, સાગરની જેમ અક્ષોભ્ય એ મહાત્મા, એકાગ્ર મનથી સીતાનું ચિંતન કરનારા રામની જેમ વિદ્યા માટે ધ્યાન કરી રહ્યો હતો. તે સમયે બધી દિશાઓને પ્રજ્વલિત કરતી, જયઘોષ કરતી બહુરૂપા વિદ્યા આવી. તે મહાવિદ્યાએ કહ્યું, ‘સ્વામી, હું સિદ્ધ થઈ છું. તમારા માટે કાર્ય કરવાને હું તત્પર છું. તમે આજ્ઞા કરો. મારા માટે સમગ્ર ત્રિલોક સાધ્ય છે. હે પ્રભુ, એક ચક્રવર્તી સિવાય આખા ત્રિભુવનને હું વશમાં લાવી શકું છું. લક્ષ્મણ અને રામની તે શી વિસાત?’ રાવણે કહ્યું, ‘ભગવતી વિદ્યા, એમાં તો કશી શંકા નથી. હું મનમાં વિચારું કે તરત મારી પાસે આવી જજો.’ નિયમ સમાપ્ત થયેલો લંકેશ રાવણ વિદ્યાને નમસ્કાર કરીને તે ભગવાન શાન્તિનાથના મંદિરમાં પ્રદક્ષિણા કરવા લાગ્યો, તે વેળા નિર્મલ યશ ધરાવતી મંદોદરીને મૂકીને સેનાને લઈ અંગદ રામ પાસે ચાલ્યો ગયો. ત્યાર પછી રુદન કરતી અઢાર હજાર સ્ત્રીઓએ રાવણની ચરણવંદના કરીને કહ્યું, ‘હે પ્રભુ સાંભળો. હે સ્વામી, તમારા બધા વિદ્યાધર રાજાઓ હાજર હોવા છતાં વાલીપુત્ર અંગદે અમારું અપમાન કર્યું છે.’ તેમની વાત સાંભળીને ખિજાયેલા લંકાપતિએ કહ્યું, ‘જે આવો વ્યવહાર કરે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. હવે ક્રોધ ન કરો. મનમાંથી ચિંતા દૂર કરો. હું યુદ્ધમાં સુગ્રીવને મારી નાખીશ એમાં શંકા નથી. ભામંડલ વગેરે બધા જ દુષ્ટ વિદ્યાધરોને મારી જ નાખીશ, પછી બેપગા મનુષ્યોનું તો પૂછવું જ શું?’ આમ સ્ત્રીઓને આશ્વાસન આપીને તે બહાર નીકળ્યો. બધાં સાધન સુવિધાઓવાળા સ્નાનગૃહમાં તે પ્રવેશ્યો, જેમ અભિષેક વેળાએ પાંડુશિલા પર મુનિસુવ્રત જિનવર શોભતા હતા તેમ વૈદૂર્ય મણિથી નિર્માયેલી સ્નાનપીઠિકા પર શ્યામ વર્ણનો રાવણ શોભી રહ્યો હતો. મણિઓથી જડેલા શુદ્ધ સુવર્ણમાંથી બનેલા ઘડા અને ચંદ્રનાં કિરણો જેવા બહુ જ કિંમતી મણિમય ઘડા પાણીથી ભરેલા હતા. ગંભીર અવાજ કરતાં, ભેરિ, કાહલ, મૃદંગ, તલિમા અને સુંદર શંખવાળા, વાદળની જેમ ગરજતાં વાદ્યો વાગી રહ્યાં હતાં. ચન્દ્રમુખી સુંદર સ્ત્રીઓ રાવણને વિવિધ ચૂર્ણ, વર્ણ, ગંધયુક્ત દ્રવ્યોનો લેપ કરી રહી હતી. કેશપ્રસાધન કરીને રાવણે સુગંધિત શરીરને સુખ આપનાર શીતળ જળ વડે વિધિપૂર્વક સ્નાન કર્યું. હાર, કટક, કુંડલ, મુકુટ તથા અલંકારભૂષિત શરીર ધરાવતા રાવણે મંદિરમાં પ્રવેશ કરીને અનેક પુષ્પોથી પૂજા કરી, ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વન્દન કર્યાં, અને સહજ રીતે તે ભોજનમંડપમાં પ્રવેશ્યો. આપવામાં આવેલા આસન પર તે બિરાજ્યો. બીજા સૈનિકો પોતપોતાનાં નિર્મલ આસનો પર વેત્રાસન તથા સુવર્ણરચિત આસનો પર બેઠા. હાથપગ ધોવા માટેનાં વાસણ અપાયાં. ઘણી જાતનાં ભોજન આણ્યાં. બધા સૈનિકોની સાથે રાવણે ભોજન લીધું. અગણિત ખાદ્ય પદાર્થો, ચોસઠ પ્રકારનાં ભોજન, સોળ પ્રકારનાં ભોજનથી પૂર્ણ આહાર તે જમ્યો. ભોજનમાંથી પરવારીને સૈનિકોથી વીંટળાયેલો તે લીલા કરતો કરતો ક્રીડાભૂમિમાં ગયો, ત્યાં વિદ્યાની પરીક્ષા કરી. વિદ્યાબળ વડે રાક્ષસપતિએ અનેક રૂપ લીધાં, શત્રુઓને કંપિત કરીને હાથ વડે જમીન પછાડી ત્યારે સૈનિકોએ કહ્યું, ‘તમારા સિવાય બીજું કોણ રામને મારી શકે એમ છે?’ આવું સાંભળીને બધા અલંકારોથી સુશોભિત કાયાવાળા રાવણે આનંદિત થઈને ઇન્દ્ર જેવી રીતે નંદનવનમાં પ્રવેશે તેવી રીતે પદ્મોદ્યાનમાં પ્રવેશ કર્યો. રાવણની વિશાળ સેના જોઈને વિદીર્ણ હૈયાવાળી સીતાએ વિચાર્યું, આને તો ઇન્દ્ર પણ જીતી નહીં શકે, આવી ચિંતાતુર સીતાને રાવણે કહ્યું, ‘હે સુંદરી, મેં પાપીએ દગાફટકાથી તારું અપહરણ કર્યું છે. હે કૃશોદરી, અનન્તવીર્યને પગે પડીને મેં વ્રત લીધું હતું કે અપ્રસન્ન પરનારીનો સહવાસ હું નહીં કરું. હે વિશાલાક્ષી, તે વ્રતને યાદ કરીને મેં તારી સાથે વિલાસ કર્યો નથી. હે સુંદરી, હવે રામનો વધ કરીને હું તારી સાથે સહવાસ કરીશ. હે શશિવદના, પુષ્પક વિમાનમાં બેસીને તું આખી પૃથ્વી જોજે, મારી કૃપાથી ઉત્તમ સુખ ભોગવજે.’ આ સાંભળી ગદ્ગદ કંઠે સીતાએ રાવણને કહ્યું, ‘મારી વાત સાંભળ. હે લંકાપતિ, જો મારા પર તું સ્નેહ રાખતો હોય તો પુષ્કળ ક્રોધ આવે તો પણ યુદ્ધમાં સામે આવેલા રામ, લક્ષ્મણ, ભામંડલનો વધ ન કરીશ. આ પુરુષસિંહો વિશે કશો અશુભ ઉદ્વેગકર સમાચાર નહીં સાંભળું ત્યાં સુધી જ હું જીવતી રહીશ.’ આમ કહી સીતા ભૂમિ પર પડી ગઈ અને બેસુધ થઈ ગઈ. અશ્રુ સારતી સીતાને રાવણે મૃત્યુની નજીક જોઈ. તે એકાએક કોમળ હૃદયનો થઈ વિચારવા લાગ્યો, ‘કર્મોદયને કારણે કોઈ ગાઢ સ્નેહથી બંધાયો છું. ધિક્કાર છે મને, મેં પાપીએ આ નિંદાજનક કાર્ય કર્યું છે. એક બીજા માટે પ્રેમ રાખનારા આ યુગલને મેં જુદું કર્યું છે. પરનારી માટે કામાસક્ત બનીને મેં ચંદ્ર અને પુંડરીક જેવા શ્વેત અને ઉત્તમ કુળને કલંકિત કર્યું છે. નરશાર્દૂલ રામની પત્નીનું વનમાંથી અપહરણ કરીને કામવશ બનીને હું અહીં લઈ આવ્યો. આ દુષ્ટ કાર્ય માટે મને ધિક્કાર છે. નરકના વિશાળ માર્ગ જેવી, સ્વર્ગની કઠિન અર્ગલા જેવી, અનીતિની ભૂમિ જેવી, નદીની જેમ કુટિલ હૃદયવાળી સ્ત્રીનો ત્યાગ કરવો જોઈએ. જેને પહેલી વાર જોઈ ત્યારે જ અમૃતની જેમ મારાં અંગોને સ્પર્શનારી આ સ્ત્રીનું ચિત્ત તો બીજામાં છે, એટલે મારે માટે તે ઉદ્વેગકારક છે. રામ માટે જે સદ્ભાવ છે તે ત્યજીને મને ચાહે તો પણ અપમાનથી દુઃખી થયેલા મનવાળા મને ધૃતિ નહીં થાય. સતત અનુકૂળ મારો ભાઈ વિભીષણ જ્યારે મને હિતવચન સંભળાવતો હતો ત્યારે પણ મનમાં અનુરાગ ન હતો. મહા સૈનિકો પકડાઈ ગયા છે. હવે મોટા મોટા સૈનિકો મૃત્યુ પામ્યા છે, રામ અપમાનિત થયા છે. હવે મારો પ્રેમ ક્યાં? જો હું દયા કરીને સીતા રામને સોંપી દઉં તો જેમનાં હૃદય મહામુશ્કેલીએ સમજી શકાય છે એવા લોકો મને અશક્તિશાળી માનશે. આ યુદ્ધમાં સિંહ અને ગરુડની ધ્વજાવાળા રામ-લક્ષ્મણને જીતીને પછી પરમ વૈભવ સાથે હું સીતા તેમને સોંપીશ. આમ કરવાથી મારું પૌરુષ ઝાંખું નહીં પડે, સમસ્ત વિશ્વમાં નિર્મલ કીર્તિ પ્રાપ્ત થશે, એટલે યુદ્ધ કરું.’ આમ કહીને મહાન ઋદ્ધિવાળા રાવણે પોતાના ભવનની દિશામાં પ્રયાણ કર્યું. તે વેળા શત્રુજનિત પરાજિતની સ્મૃતિ આવી. ક્રોધે ભરાઈને તે બોલ્યો, ‘સુગ્રીવ અને અંગદને પકડીને આ ચંદ્રહાસ તલવારથી બંનેના ટુકડા કરી નાખીશ. પાપી ભામંડલને પકડીને વધુ મજબૂત સાંકળથી બાંધી. આજે મુદ્ગર વડે મારી મારીને તેને મડદું બનાવી દઈશ. કાષ્ઠયંત્રમાં જકડીને હનુમાનને આ તલવારથી વધેરી નાખીશ. રામલક્ષ્મણ સિવાયના બીજા સૈનિકોને મોતને ઘાટ ઉતારી દઈશ.’ આવો નિશ્ચય કરી બેઠેલા રાવણને પરાજયસૂચક ચિહ્નો વરતાવાં માંડ્યાં. સૂર્ય શસ્ત્ર જેવો અને આકાશ કઠોર રંગવાળું થઈ ગયા. રાતે પૂર્ણ ચંદ્ર જાણે ભયભીત થઈને જતો રહ્યો. ધરતીકંપ થયો. ભયાનક વીજળીઓ પડવા લાગી. પૂર્વ દિશાને ચમકાવતી રાતી ઉલ્કાઓ ખરવા માંડી. મોંમાં જ્વાળાવાળી શિયાળવી ઉત્તર દિશામાં ભયાનક રુદન કરવા લાગી. ધૂ્રજતી ગરદનવાળા મોટા મોટા ઘોષ કઠોર અને શુષ્ક હણહણાટી કરવા લાગ્યા. પોતાની સૂંઢો જમીન પર પછાડતા હાથી મોટે મોટેથી ચીસો પાડવા લાગ્યા. દેવોની મૂતિર્ઓ આંસુ સારવા લાગી. સૂર્ય જોઈને કાગડાઓ કા કા કરવા લાગ્યા. મોટાં મોટાં બધાં સરોવર સુકાઈ ગયાં, આકાશમાંથી તડ તડ અવાજ કરતી લોહીની વર્ષા થઈ. આ અને આવા ઘણા કરુણ ઉત્પાત થયા. આ બધા વડે રાજાનું મૃત્યુ સૂચવાય છે એમાં શંકા નથી. અત્યંત કુટિલ ગ્રહોને કારણે નક્ષત્રોના બળ વિનાનો તે અભિમાની ના પાડવા છતાં યુદ્ધની આકાંક્ષા રાખતો હતો. પોતાના વિનાશથી બીધેલો અને એક માત્ર શૃંગાર રસમાં અત્યંત લીન રાવણ શાસ્ત્ર જાણતો હતો છતાં કાર્ય-અકાર્યનો વિવેક કરી શકતો ન હતો. તે વેળા રાવણના મનમાં કેવા વિચારો ચાલતા હતા? શત્રુસૈન્ય પર વિજય મેળવીને, બધા પુત્ર અને ભાઈઓને છોડાવીને હું લંકામાં પ્રવેશ કરીશ. પછી આમ કરીશ. સમગ્ર ભારત વર્ષના મનુષ્યોને મારી નાખીને બળ, શક્તિ, કાન્તિવાળા વિદ્યાધરોને સ્થાપીશ, એટલે પછી આ વંશમાં સુરેન્દ્રો વડે પૂજાતા ઉન્નત, વિમળ કીર્તિવાળા, અત્યંત બળવાન મહાત્મા જિનેશ્વર, ચક્રવર્તી, બલરામ, નારાયણ જન્મે. એક તેજસ્વી દિવસે ઇન્દ્ર સમાન ઋદ્ધિપૂર્ણ રાવણ સૈનિકોની સાથે સભાસ્થાનમાં બેઠો હતો. ઉત્તમ હાર, સુવર્ણકુંડળ, મુકુટ, અલંકારોથી સુશોભિત શરીરવાળો તે પોતાની સભાને જોઈ વિશેષ ચિંતાતુર થયો. ભાઈ ભાનુકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન પુત્રો, સુભદ્ર હસ્ત-પ્રહસ્ત દેખાતા નથી. તે બધા ત્યાં ન હતા એટલે સુભટની ભ્રૃકુટિથી દેદીપ્યમાન મોં કરીને ચક્ર રત્ન ઉપર દૃષ્ટિ નાખી. હૃદયમાં વ્યાપેલા રોગવાળો તે શસ્ત્રાગારમાં જવા તૈયાર થયો. ત્યારે એકાએક વધુ ખરાબ શુકન થવા માંડ્યા. પગેથી ચાલવા જતાં બીજા પગથી ઘા થયો, સામેથી કાળો સાપ રસ્તે આડો ઊતર્યો. અરે અરે આગળ ન જાઓ — એવા અમંગળ શબ્દ સંભળાવા લાગ્યા, પરાજયસૂચક શુકન થવા લાગ્યા. તેનું ઉત્તરીય સરી પડ્યું, વૈદુર્યના દંડવાળું છત્ર ટૂટી પડ્યું. ત્યારે મંદોદરીએ હાથ જોડીને પતિને કહ્યું, ‘હે સ્વામી, હે મહાયશસ્વી, દુઃખરૂપી જળથી, ભયંકર વિરહરૂપી નદીમાં હું ડૂબી રહી છું, તમે સ્નેહરૂપી હાથનો ટેકો આપી પાર ઉતારો. હે નાથ, સંશય રૂપી ત્રાજવે ચઢીને તમે તમારી જાતને સંદેહમાં શું કામ નાખો છો? ઉન્માર્ગે ભટકતા ચિત્તને તમે મર્યાદામાં રાખો. તમે તમારા ઊંચા કુળને શોભાવો, આત્માને પ્રશંસાપાત્ર બનાવો. ભૂમિ પર ફરતા મનુષ્યની કલહરૂપી જડ જેવી સ્ત્રીને સોંપી દો. શત્રુના મરણનો કે પોતાના મરણનો નિશ્ચય કરીને યુદ્ધમાં લડાય છે. તો પણ તેનું શું પ્રયોજન? એટલે પ્રેમપૂર્વક આ સીતા રામને સોંપી દો, મુનિ પાસે જે વ્રત લીધું હતું તેનું પાલન કરો. દેવોનો અનુગ્રહ મેળવો અથવા ભરત રાજા જેવા થાઓ, પરનારીના સંસર્ગથી માનવીને અપયશ જ મળે છે. જે પોતાની મૂર્ખાઈને કારણે પરનારી સાથે રતિ કરે છે તે ઉગ્ર તેજવાળા આશીવિષ સર્પની સાથે રમત કરે છે. હળાહળ વિષ જેવી, અત્યંત પ્રજ્વલિત અગ્નિજ્વાળા જેવી અને ભયંકર સ્વભાવવાળી વ્યાઘ્રી સમાન પરનારીને ત્યજી દો.’ ઇન્દીવર કમળ તથા વાદળ સમાન વર્ણવાળા રાવણે અભિમાનપૂર્વક હસીને પત્નીને કહ્યું, ‘હે શશિવદના, તને કેમ બીક લાગે છે? હું કંઈ રવિકીર્તિ નથી, નથી વિદ્યાધર અશનિઘોષ, કે એવો કોઈ માનવ-જેની સાથે તું આમ બોલે છે? શત્રુરૂપી વૃક્ષો માટે હું અગ્નિ જેવો છું, હું લંકાપતિ શશિમુખી સીતા નહીં સોંપું.’ રાવણે આમ કહ્યું એટલે ઈર્ષ્યાવશ થઈને પટરાણી બોલી, ‘નાથ, શું તમારે સીતા સાથે રતિસુખ માણવું છે?’ પછી ઈર્ષ્યાથી અને ક્રોધિત થઈ પતિ પર કર્ણોત્પલનો પ્રહાર કર્યો અને તેણે પૂછ્યું, ‘હે પ્રભુ, પ્રશંસા કરવી પડે એવી કઈ સુભગતા તમે તેનામાં જોઈ છે? હે પ્રભુ, કલાહીન અને ભૂમિ પર વિહાર કરનારી સ્ત્રી સાથે અધિક સ્નેહસંબંધ શા માટે બાંધવા માગો છો? વિદ્યાધરી સાથે સંબંધ બાંધો. તમારા હૃદયને ગમે એવી હું શું કરું? શું હું બધા પદ્મોની શોભા ધારણ કરું કે દેવકન્યા જેવી બનું?’ આવું સાંભળીને રાવણ નીચું મોં કરીને લાજી મર્યો. પરનારીમાં આસકત થઈને મેં અપયશ નોતર્યો અને લઘુતા પ્રાપ્ત કરી. પછી જરા હસીને પત્નીને કહ્યું, ‘બીજી કોઈ પણ સ્ત્રી કરતાં તું મને વધારે વહાલી લાગે છે.’ પછી પ્રસન્ન થઈને મંદોદરીએ રાવણને કહ્યું, ‘શું સૂર્યને શોધવા દીવો પ્રગટાવવાનો? નીતિનો માર્ગ જાણ્યા પછી પણ ભાગ્યવશ કોઈ રીતે પ્રમાદ આવી જાય તો તેને બીજા કોઈએ જગાડવો જોઈએ. પ્રાચીન કાળમાં વૈક્રિયક લબ્ધિસંપન્ન વિષ્ણુ નામના એક મુનિ હતા. શું તેઓને સિદ્ધાંતગીતિકા દ્વારા જાગૃત કરવામાં આવ્યા નહોતા? જો મારા પર તમારો થોડો ઘણો અનુગ્રહ હોય તો હે નાથ, તમે રામની હૃદયપ્રિયા સીતાને સોંપી દો. તમારી અનુમતિથી હું સીતાને લઈ જઈ રામને સોંપી દઉં અને ભાનુકર્ણ તથા પુત્રોને લઈ આવું. આમ તમે યુદ્ધમાંથી વિરત થાઓ.’ આવું કહ્યું એટલે રાવણ બોલ્યો, ‘અરે પાપિણી, તું અહીંથી જતી રહે, જેથી હું તારું મોં જોઉં નહીં.’ ત્યારે તેણે કહ્યું, ‘હે પ્રભુ, જ્ઞાનીજનોએ હળધર, ચક્રધર તથા પ્રતિવાસુદેવોના જન્મ વિશે જે કહ્યું હતું તે સાંભળો. ત્રિપૃષ્ઠ, દ્વિપુષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવર, પુંડરીક, અને દત્ત — આ કેશવ હતા. અચલ, વિજય, સુભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ અને નન્દન — આ હળધર થઈ ચૂક્યા છે. ભારતવર્ષમાં આ બળદેવ અને કેશવ થઈ ગયા છે. અત્યારે લોકમાં આ રાઘવ અને નારાયણ છે. તેમણે ત્રણે ખંડોના સ્વામી તારક વગેરે વિરોધી શત્રુઓને મારી નાખ્યા છે. હે સ્વામી, હવે તમે પણ વિનાશ પ્રાપ્ત કરવા માગો છે. કામભોગોનો ઉપભોગ કરીને જેઓ સંયમ પ્રાપ્ત કરે છે તેઓ પાછળથી દેવ તથા અસુરો માટે વંદનીય બને છે. હે સ્વામી, તમે ઉત્તમ વિષયસુખ ભોગવ્યું છે, તમારો યશ જગતભરમાં પ્રસર્યો છે. હવે તમે દીક્ષા લો. અથવા હે દશમુખ, અણુવ્રત ધારણ કરી શીલ-સંયમમાં લીન થાઓ, દેવ તથા ગુરુમાં ભક્તિ રાખી દુઃખને દૂર કરો. હે દશાનન, અઢાર હજાર યુવતીઓ સાથે ક્રીડા કરીને પણ જો તમને તૃપ્તિ ન થઈ હોય તો આ એકથી કેવી રીતે થશે? આ પૃથ્વી પર લાંબા સમય સુધી વિષયસુખથી સંતોષ થયો હોય એવો એક પુુરુષ તો બતાવો. એટલે આ અલ્પ સુખદાયી તથા બહુ દુઃખદાયી એવા આ વિષયસુખનો ત્યાગ કરો. હે દેવ, અનેક સુભદ્રોનો વિનાશ નોતરનારા આ યુદ્ધનું કશું જ પ્રયોજન નથી. હું માથે હાથ મૂકીને તમારા પગે પડું છું.’ આ સાંભળી વીર રાવણ હસતાં હસતાં બોલ્યો, ‘હે કૃશોદરી, હે પ્રસન્નાક્ષી, વાસુદેવના નામથી તું ભય કે ઉદ્વેગ ન પામીશ. આ ભરતખંડમાં બહુ બલદેવ અને વાસુદેવ છે. શું નામ માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે? જેવી રીતે રથનૂપુર નગરના સ્વામી ઇન્દ્રને મેં બંદી બનાવ્યો હતો તેવી રીતે આ નારાયણને પણ બનાવીશ તે તું જલદી જોઈશ.’ આમ બોલીને રાવણ મંદોદરીની સાથે ક્રીડાગૃહમાં પ્રવેશ્યો તે વેળા સૂરજ આથમી ગયો હતો. સૂર્યાસ્ત થવાથી અને સંધ્યાકાળને લીધે કમળ મુરઝાઈ ગયાં, ચક્રવાકનું જોડું છૂટું પડી ગયું. પ્રદોષવેળાને કારણે તથા રત્નદીપિકાઓ પ્રગટી એટલે લંકાપુરી મેરુની ચૂલિકા જેવી શોભી ઊઠી. તે સમયે યુવતીઓને મોકલવા માંડી, પ્રિયતમાઓનુું મંડન થવા લાગ્યું, રતિસુખ ઉજવાયું, પ્રસન્ન કરનારી મદિરાનું પાન થવા લાગ્યું. કોઈ ચન્દ્રમુખી સુંદર યુવતી પતિને આલિંગન આપીને કહેતી હતી, હે સ્વામી, તમારી સાથે હું એક રાત તો આનંદ મનાવું. મધુપાનથી મત્ત, ઉત્તમ સુવાસિત પુષ્પોની સુવાસથી સમૃદ્ધ તથા નવી કૂંપળના જેવા કોમળ શરીરવાળી કોઈ બીજી સ્ત્રી પ્રિયતમના ખોળામાં ઢળી પડતી હતી. અપ્રૌઢ બુદ્ધિવાળી કોઈ સ્ત્રીને પ્રિયતમે મદ્યપાન કરાવ્યું અને તરત જ રતિકર્મમાં પ્રૌઢતા પ્રાપ્ત કરી લીધી. જેમ જેમ વિરહના ભયથી પીડાતા હૃદયવાળી સ્ત્રીઓને મદ ચઢતો ગયો તેમ તેમ રાગ વધતો ગયો, લજ્જા ઘટતી ગઈ, પ્રાત:કાળે તો યુદ્ધ થવાનું છે એમ જાણીને આમ તો દરરોજ માન માગતી સ્ત્રીએ મગજમાં વિરહનાં ભયને કારણે ખૂબ જ ભયભીત થઈને પ્રિયતમને ગાઢ આલિંગન આપ્યું. જાણે ઉત્તરકુરુમાં ક્રીડા કરી રહ્યા છે એમ જાણીને પ્રગાઢ થતા સ્નેહરાગથી વિદ્યાધર યુગલ ઘરોમાં ઇચ્છાનુસાર ક્રીડા કરી રહ્યાં હતાં. વીણા, વાંસળી વગેરેથી સમૃદ્ધ વિવિધ ગીત તથા વાદ્યધ્વનિ વડે, વાર્તાલાપ કરતા લોકો સાથે જાણે મહાનગરી સંભાષણ કરી રહી હતી. તાંબૂલ, ફૂલ તથા ગંધ વગેરેથી, સેંકડો પ્રકારના શરીર પરના અનુલેપન વડે લોકો મદનોત્સવમાં ખૂબ જ પરોવાયેલા હતા. આ તરફ મહાત્મા રાવણે પોતાના સમગ્ર અંત:પુરમાં મંદોદરી દેવીને વિશેષ સન્માનિત કરી હતી. આમ રાત સુખેથી વીતી અને પ્રભાતનું તેજ પ્રગટ્યું. સંગીત અને વાદ્યોનો ધ્વનિ ઘેર ઘેર પ્રસરી ગયો. તે વેળા કમલબંધુ ચક્રાકાર સૂર્ય ઊગ્યો. પ્રણયીઓને કોઈ રીતે આશ્વાસન આપીને રાવણે કહ્યું, યુદ્ધની તૈયારી કરો. સમરભેરી તથા મેઘગર્જના જેવો અવાજ કરનારા વાદ્ય વગાડો. સુભટ્ટો યુદ્ધ માટે પૂરા ઉત્સાહથી તૈયાર થાઓ. વિલંબ ન કરો. તેની આજ્ઞાથી લોકોએ મહાભેરી વગાડી. તે અવાજથી સમગ્ર સેના સમેત સુભટ્ટો તૈયાર થઈ ગયા. મરીચિ, વિમલાભ, વિમલઘન, નન્દન, સુનન્દ, વિમલચન્દ્ર તથા બીજા સુભટ્ટો ઘોડા, રથ, પર્વત જેવા મત્ત હાથી, શરભ, ગર્દભ, સિંહ, વરાહ અને પાડા પર સવાર થયા. તલવાર, કનક, ધનુષ, વિનાશક શસ્ત્ર, વસુનંદક (એક પ્રકારની ઉત્તમ તલવાર), ચક્ર તથા તોમર વાપરવામાં નિપુણ, ધ્વજા તથા છત્રોનાં ચિહ્નોવાળા, અસુરો જેવા અભિમાની, ઉપર ધરેલા શ્વેત તથા એકબીજાને ભીંસતા રણશૂરા સુભટ્ટો લંકાનગરીની દિશામાં નીકળી પડ્યા. વિવિધ રણવાદ્યોના અવાજથી, ઘોડાઓની હણહણાટીથી, હાથીઓની ચીસોથી, પદાતિ સૈનિકોના નારાઓથી આકાશ જાણે ફાટી રહ્યું હતું. કવચ પહેરેલા તથા રત્નમુકુટોથી શોભતા રાક્ષસસૈનિકો આકાશમાર્ગેથી જતી વીજળીથી ચમકતા વાદળ જેવા શોભી રહ્યા હતા. કવચ પહેરવાથી — અલંકૃત શરીરવાળા તથા ચારે બાજુ ઘોડા-હાથીઓ પર આયુધોથી સજ્જ, સૂર્યતેજ જેવા તેજસ્વી તથા વિમળ યશની અભિલાષાથી મહાભટ્ટ નીકળી પડ્યા. રાક્ષસપતિ રાવણ રાણીઓની વિદાય લઈને કોપિત થઈ પોતાની નગરીમાંથી બહાર નીકળ્યો. બહુરૂપિણી વિદ્યાએ નિર્મેલ, વિવિધ આયુધોથી સંપન્ન, હજાર હાથીઓવાળા ઇન્દ્ર નામના રથને તેણે જોયો. ઐરાવત જેવા મત્ત હાથીઓ ચાર દાંતવાળા હતા. તેમના પર ગેરુના રંગનું લેપન હતું. ગળામાં બાંધેલા ઘંટને કારણે કલકલ ધ્વનિ થતો હતો. ધ્વજા તથા મંડપથી શોભતા તે રથ પર આભૂષણોથી સુશોભિત શરીરવાળો તથા ઇન્દ્ર જેવી સમૃદ્ધિવાળો રાવણ સવાર થયો. રથમાં બેઠેલા રાવણ પર ચંદ્રમંડળ જેવું છત્ર હતું તથા ગાયના દૂધ તથા હાર સમાન શ્વેત બે ચામર તેને ઢોળાતા હતા. તે સમયે પ્રલયકાળના મહામેઘ જેવા અવાજ કરનારા મોટા મોટા ઢોલ, શંખ, કાહલ, મૃદંગ, તિલિમા તથા મોટા અવાજવાળા નગારા જેવા ઉત્તમ વાદ્યો વગાડવામાં આવ્યાં. દેવો જેવા વિક્રમી, લડાઈના ઉત્સાહવાળા પોતાના જેવા દસ હજાર સૈનિકોની સાથે રાવણ નીકળ્યો. આ દરમિયાન રામે સુષેણ વગેરે સુભટ્ટોને પૂછ્યું કે આ કયો પર્વત છે? ભમરા તથા તમાલપત્ર જેવા નીલવર્ણ, અને અનેક સુવર્ણશિખરોવાળો આ પર્વત ચંચળ વીજળીથી સુશોભિત મેઘસમૂહ જેવો લાગે છે.’ આ સાંભળી જાંબવન્તે કહ્યું, ‘હે સ્વામી, બહુરૂપિણી વિદ્યાએ આ મહાન પર્વત બનાવ્યો છે. આ રાવણ દેખાય.’ તેનું સાંભળીને લક્ષ્મણે કહ્યું, ‘મહારથ ગરુડકેતુ લાવો. વિલંબ ન કરો.’ ત્યારે અનેક વાદ્યોવાળી મહાભેરી વગાડી. તેના અવાજથી તરત જ બધા કપિવરો તૈયાર થઈ ગયા. તલવાર, કનક, ચક્ર, તોમર વગેરે અનેક શસ્ત્ર હાથમાં ધારણ કરેલા યુદ્ધનિપુણ વાનરસૈનિકોને તેમની પત્નીઓએ અટકાવ્યા. ત્યારે સુમધુર વચનોથી પ્રિયાઓને આશ્વાસન આપીને કવચધારી અને શસ્ત્રધારી કપિવર રામ પાસે ગયા. સિંહ જોડેલા, તરકશ બાંધેલા રથ પર રામ સવાર થયા. એવી જ રીતે લક્ષ્મણ ગરુડરથ પર સવાર થયા. કવચધારી ભામંડલ વગેરે બીજા મહાસુભટ્ટો પણ રથ, હાથીઘોડા પર સવાર થઈ યુદ્ધ માટે તૈયાર થયા. આમ તૈયાર થઈ વાહનો પર સવાર થઈને રામ, લક્ષ્મણ વાનરસેનાની સાથે યુદ્ધ માટે નીકળી પડ્યા. તેઓ ચાલી નીકળ્યા એટલે પક્ષીઓ મધુર અને પ્રસન્ન સ્વરમાં બોલવા લાગ્યાં. તેઓ સુનિશ્ચિત રૂપે શત્રુનો પરાજય તથા પોતાને માટે આનન્દનો સંકેત કરી રહ્યા હતા. શત્રુસૈન્યને આવતું જોઈ ક્રોધી રાવણે સૈન્યને આગળ કર્યું. ગંધર્વ, કિન્નરોએ, આકાશી અપ્સરાઓએ બંને સેનાના સુભટ્ટો પર પુષ્પવર્ષા કરી. ફર, ઢાલા, ફ્લક (ખાસ અસ્ત્ર), સ્ફોટક (વિનાશક શસ્ત્ર) તથા વસુનન્દન (ઉત્તમ તલવાર) વડે શરીરને સુરક્ષિત કરીને સર્વપ્રથમ ચપળ દૃષ્ટિવાળા પદાતિ સૈનિકોએ યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. કેટલાય સુભટ ઘોડા પર, કેટલાય હાથી પર તો કેટલાય રથ પર સવાર થયા હતા. હર્ષ અને ઉત્સાહવાળા સૈનિકો હાથમાં વિવિધ શસ્ત્રો લઈને યુદ્ધમાં જોતરાઈ ગયા. ઉત્તમ સુભટ્ટોએ હાથમાં રાખેલા શસ્ત્ર તથા યોદ્ધાઓને મારનારા સેંકડો બાણ, ઝસર, શક્તિ, સવ્વલ, સ્ફટિક, શિલાવાળા પર્વત, મુદ્ગર ફેંકાવા લાગ્યા. યુદ્ધમાં ચપળ હાથવાળા સુભટ્ટ તલવારો વાપરતા હતા. તો બીજા સમર્થ સૈનિકો શત્રુઓ પર ગદા ચલાવતા હતા. તલવારના પ્રહારથી જર્જરિત થયેલા બીજા સૈનિકો એકબીજાનાં માથાં પકડીને પ્રાણ લેતા, શરીરને પણ જમીન પર ફંગોળતા. જમીન પર પડેલા તથા લોહી, ચરબીના કીચડથી લથપથ તથા આમથી તેમ ખેંચાતાં ધડ કાગડા, શિયાળ તથા ગીધો ખાઈ રહ્યા હતા. હાથી સામે હાથી, રથીની સામે રથી લડી રહ્યા હતા. ઘોડા પર બેઠેલો સૈનિક બીજા ઘોડેસ્વારને મારતો હતો. તલવાર, કનક, ચક્ર, તોમર એકબીજા પર ફેંકાવાને કારણે તથા શસ્ત્રોના અથડાવાથી ઊઠતી આગવાળો તથા સુભટ્ટો માટે અત્યંત દુ:સહ સંગ્રામ થવા લાગ્યો. મહાવતો વિનાના હાથી અને સવાર વિનાના ઘોડા આમતેમ ઘૂમતા હતા. સારા સારા રથ ભાંગી ગયા, સુવર્ણદંડવાળી ધ્વજાઓ પડી ભાંગી. જમીન પર પડતી તલવારોનો ખણણણ અવાજ થતો હતો, નીચે પડતાં બાણોનો આકાશમાં તડ તડ અવાજ થતો હતો. મણિવાળાં કુંડળોથી ઉજ્જ્વળ તથા મુકુટધારી મસ્તકો નીચે પડવાં લાગ્યાં. લોહી તથા ચરબીથી ખરડાયેલાં ધડ નાચતાં હતાં. કોઈ સૈનિક બીજાને મારતો હતો, બાહુબળથી ઉન્મત્ત સૈનિક સામાવાળાને મારતો હતો. સૈનિક સૈનિકને તથા હાથી હાથીને ખેંચીને મારતા હતા. બંને સેનાના ઉપર કૂદતા, નીચે પછડાતા સૈનિકોથી આકાશ વર્ષાકાળનાં વાદળોની જેમ છવાઈ ગયું. આ યુદ્ધમાં શુક, સારણ વગેરે સુભટ્ટો તથા મારીચિએ વાનર સૈનિકોને વિખેરી નાખ્યા. હનુમાન, બલ, ભૂતનિનાદ તથા નીલ, કુમુદ વગેરે વાનરોએ રાક્ષસસેનાને વિખેરી નાખી. સુંદ, કુંભ, નિસુંભ, વિક્રમ, કમણ, જંબુમાલી, મકરધ્વજ, સૂર્ય, અશનિ, નિહ્યતિ વગેરે રાક્ષસોમાં વૃષભ જેવા શ્રેષ્ઠ તથા પોતાના બળ અને ઉત્સાહને કારણે ઉદ્યત સુભટ્ટ વાનર સૈનિકો સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા. ભુજવર, બલ, સમ્મેત, વિકટ, કુટિલ, અંગદ, સુષેણ, ચંડોમિર્ તથા અંગ વગેરે કપિવર લડવા તત્પર થઈ ગયા. ચંડોમિર્ તથા અંગ વગેરે કપિવર લડવા તત્પર થઈ ગયા. રાક્ષસો અને વાનર વચ્ચે બાથંબાથા ચાલી, જ્યાં ઘણાં બધાં શસ્ત્રો ભૂમિ પર પડી જતાં હતાં એવું ભયાનક યુદ્ધ થવા માંડ્યું. જેવી રીતે મત્ત હાથી પદ્મસરોવરને ડહોળી નાખે તેવી રીતે હાથીવાળા રથમાં સવાર થઈને હનુમાન રાક્ષસસેનાને વિખેરવા લાગ્યા. તેણે એકલે હાથે રાક્ષસોના સમગ્ર મહાસૈન્યને ભારે પ્રહારો કરીને ભયરૂપી જ્વરગ્રસ્ત બનાવી દીધું. તે સેનાને ભયગ્રસ્ત તથા વિહ્વળ જોઈને ક્રોધે ભરાયેલો મય સેંકડો શસ્ત્ર ફેંકતો ફેંકતો હનુમાનની સામે ઊભો રહી ગયો. હનુમાને પણ તરત જ કાન સુધી — ખેંચાયેલાં બાણો વડે મયનો વિશાળ તથા વિચિત્ર સુવર્ણરથ તોડી નાખ્યો. મયને રથહીન જોઈને રાવણે અનેક રૂપિણી વિદ્યા વડે તરત જ રથ બનાવીને સસરાને આપ્યો. તે ઉત્તમ રથમાં બેસીને ક્રોધિત મયે સેંકડો બાણો વડે હનુમાનને જ રથ વગરનો કરી મૂક્યો. એવા હનુમાનને જોઈને જનકપુત્ર ભામંડલ દોડ્યો. તેનો રથ પણ મયે ઉત્તમ બાણો વડે તોડી નાખ્યો. રોષે પ્રજ્વલિત વાનરપતિ, સુગ્રીવ પોતે તેની સામે ઊભો રહી ગયો. મયે તેને પણ શસ્ત્ર વગરનો કરી મૂક્યો, અને તે પણ જમીન પર પડી ગયો. પછી મય સામે વિભીષણ લડવા આવ્યો. તેનાં કવચ અને છત્ર પણ મયે તોડી નાખ્યાં, બાણો વડે તે ઘવાયો. તેના શરીરમાંથી વહેતું લોહી જોઈ સિંહરથ પર બેઠેલા રામે સેંકડો બાણો વડે મયને વીંધ્યો. રામનાં બાણો વડે આક્રાન્ત તથા ભયને કારણે આકુળવ્યાકુળ મયને જોઈને, ક્રોધે રાતોપીળો રાવણ સામે આવ્યો. લક્ષ્મણે તેને જોઈને કહ્યું, ‘અરે, દુષ્ટ, પાપી, ચોર ઊભો રહે. તારા જીવનનો અંત આણું.’ તેણે લક્ષ્મણને કહ્યું, ‘સમગ્ર પૃથ્વીના સ્વામી તથા ઉત્તમ અને દિવ્ય પદાર્થોથી જગતમાં પૂજાતા રાવણ વિશે શું તેં ક્શું સાંભળ્યું નથી?’ લક્ષ્મણે કહ્યું, ‘આજે જ સીતાને મુક્ત કર અથવા તો વિચાર કે ગધેડાના શરીર પર બાંધેલો વિજયઘંટ શું શોભે છે?’ રાવણે કહ્યું, ‘દેવો અને અસુરોમાં યશ મેળવનારા, ત્રણે લોકમાં જેનો પ્રતાપ છે તેવા મને જમીન પર ચાલનારાઓ સાથે લડતાં બહુ સંકોચ થાય છે. તારા પ્રાણ પ્રત્યે હવે જો તું ઉદાસ થઈને યુદ્ધ કરવા માગતો હોય તો મારી સામે ઊભો રહે અને મારા પ્રહારો સહન કર.’ આવું સાંભળીને લક્ષ્મણે કહ્યું,‘ હું તારું બધું પ્રભુત્વ જાણું છું. આજે તારી આ ભારે ગર્જનાને હમણાં જ ખતમ કરી નાખીશ.’ આમ કહી રોષયુક્ત લક્ષ્મણે ધનુષ ઉઠાવ્યું અને વર્ષાકાળે પર્વત પર છવાઈ જતા વાદળની જેમ બાણોની વર્ષા કરી. બળ તથા પરિપૂર્ણ ઉત્સાહવાળો લક્ષ્મણ યમદંડ જેવાં બાણોથી રાવણનાં બાણોનું નિવારણ આકાશમાર્ગમાં કરવા લાગ્યો. દશરથપુત્ર લક્ષ્મણે રત્નશ્રવાપુત્ર રાવણને અસ્ત્રહીન કરી મૂક્યો. પછી ક્રોધિત રાક્ષસરાજે વારુણાસ્ત્ર ફેંક્યું. સમીરણાસ્ત્રનો પ્રયોગ કરીને લક્ષ્મણે તેનો નાશ કર્યો. લંકાધિપતિએ ભયંકર આગ્નેયાસ્ત્ર ફેંક્યું. હજારો જ્વાળાઓવાળા પ્રજ્વલિત અસ્ત્રને પણ જળધારારૂપી બાણોવાળા વારુણાસ્ત્રથી ઓલવી નાંખ્યું. રાવણે લક્ષ્મણ ઉપર રાક્ષસાસ્ત્ર ફેંક્યું. લક્ષ્મણે તરત જ ધર્માસ્ત્ર વડે તેનો નાશ કર્યો. પછી લક્ષ્મણે ઇંધન નામનું મહાશસ્ત્ર ફંગોળ્યું. રાક્ષસેન્દ્ર રાવણે પ્રતિઇંધન શસ્ત્ર વડે તેને દસે દિશામાં વિખેરી નાખ્યું. રાવણે તરત જ તમોનિવહ નામના અસ્ત્ર વડે તેણે બધી દિશાઓને અંધારી કરી મૂકી. લક્ષ્મણે દિવાકશસ્ત્ર વડે તેને પણ નિર્મલ કરી મૂક્યું. રાવણે પછી સર્પોના મણિઓનાં કિરણોથી ઉજ્જ્વળ એવું ઉરગાસ્ત્ર ફેંક્યું. ગરુડાસ્ત્રના પ્રયોગથી લક્ષ્મણે તેનો પણ વિનાશ કર્યો. યુદ્ધમાં લક્ષ્મણે રાવણ ઉપર વિનાયકાસ્ત્ર ફેંક્યું. ત્રિકૂટસ્વામી મહાત્મા રાવણે તેનું નિવારણ મહાસ્ત્રથી કર્યું. વિનાયકાસ્ત્ર નાશ પામ્યું. એટલે લક્ષ્મણે સૈન્યસમેત રાવણ પર બાણોની વર્ષા કરી. રાવણે પણ લક્ષ્મણને બાણવર્ષાથી ઢાંકી દીધો. અભિમાની તથા મનમાં એકબીજા જીતવાની ઇચ્છાવાળા યુદ્ધવીર લડે છે. ભયંકર મનુષ્ય ન શસ્ત્રને, ન વાયુને, ન અગ્નિને, ન વિમલ સૂર્યને ગણકારે છે. તરસે પીડાતા ખિન્ન સુભટ્ટોને પાણી અપાતું હતું, ભોજનથી પિડાતા સુભટ્ટોને અનેક પ્રકારનું ભોજન અપાતું હતું. વ્રણવાળા સુભટ્ટો પર ચંદનનો લેપ થતો હતો. અનેક પ્રકારનાં આયુધ તેમાં ફંગોળાતાં હતાં, દેવતાઓ માટે પણ આશ્ચર્યજનક એવું રાવણ-લક્ષ્મણનું યુદ્ધ થઈ રહ્યું હતું. આકાશમાં ઊભેલી અપ્સરાઓની સાથે ગંધર્વ અને કિન્નરો પણ યુદ્ધવેળા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. તે સમયે ચન્દ્રવર્ધન વિદ્યાધરની સુંદર આઠ પુત્રીઓ આકાશમાં દિવ્ય વિમાનમાં બેઠી હતી. કંચુકીઓથી ઘેરાયેલી એ કન્યાઓને અપ્સરાઓએ પૂછ્યું કે તમે કોની પુત્રીઓ છો, કોની સાથે વરાવી છે? ત્યારે તેમણે કહ્યું, ‘અમારા પિતાનું નામ ચન્દ્રવર્ધન છે. સીતા સ્વયંવરમાં તેઓ પુત્રીઓને લઈને મિથિલા ગયા હતા. અમને લક્ષ્મણને સમર્પી તેઓ પોતાને ઘેર પાછા આવ્યા. ત્યારથી અમારા હૃદયમાં દૃઢરૂપે લક્ષ્મણ અંકિત થયા છે. તેઓ આ મહાસંગ્રામમાં જોડાયા છે, શું થશે તેની કશી ખબર નથી એટલે અમે દુઃખી છીએ. હૃદયવલ્લભ લક્ષ્મણની જે ગતિ થશે તે અમે આઠેય બહેનોની થશે.’ તેમનો શબ્દ સાંભળીને મોં ઊંચું કરીને જોઈ રહેલા લક્ષ્મણે આ સ્ત્રીઓને કહ્યું, ‘આ કાર્યમાં હું સિદ્ધાર્થ થઈશ.’ આ શબ્દો સાંભળીને રાવણને સિદ્ધાર્થ નામના શસ્ત્રનું સ્મરણ થયું. તે અસ્ત્ર લક્ષ્મણ ઉપર ફેંક્યું. સંગ્રામમાં નીડર લક્ષ્મણે વિઘ્નવિનાયક નામના અસ્ત્ર વડે તેને પ્રતાપહીન બનાવી દીધું. રાવણ જે જે અસ્ત્ર ફેંકતો હતો તેનો નાશ કરીને લક્ષ્મણે સૂર્યની જેમ દિશાચક્રને બાણોથી ભરી દીધું. ત્યારે બહુરૂપા વિદ્યા આવી. તે યુદ્ધમાં લંકાપતિ રાવણની આગળ ઉપસ્થિત થઈ. ત્યાર પછી લક્ષ્મણ રાવણનું મસ્તક જેટલી વાર કાપતો તેટલી વાર તે ફરી શરીર સાથે જોડાઈ જતું. મસ્તકને વારંવાર કાપવા છતાં કુંડળવાળું તે મસ્તક ફરી ફરી ઉત્પન્ન થતું હતું. એક મસ્તક કાપે તો બે મસ્તક ફૂટતાં હતાં. બંને કાપે તો બીજા બમણાં ઊગી નીકળતાં હતાં. તે કાપ્યા પછી ભુજાઓની જોડી પણ ઊગી નીકળતી હતી. તે કાપ્યા પછી તેમની બમણી વૃદ્ધિ થતી હતી. ઉત્તમ મસ્તકોથી મંડિત, છેદાયેલાં મસ્તકોથી આકાશ છવાઈ ગયું. કેયૂરથી વિભૂષિત ભુજાઓ વડે આવું વિશેષ થયું. રાવણ તલવાર, કનક, ચક્ર, તોમર અને ભાલા જેવાં અનેક શસ્ત્રો પોતાની ભુજાઓ વડે ફેંકતો હતો. આવતાં શસ્ત્રોને કાપીને લક્ષ્મણ શત્રુના ઉપર બાણવર્ષા કરતો હતો. નારાયણ લક્ષ્મણે તરત જ શત્રુના એક હજાર, બે હજાર, ત્રણ હજાર, ચાર હજાર, પાંચ હજાર, દસ હજાર, લાખ મસ્તક કાપી નાખ્યાં. ભુજાઓની સાથે મસ્તકો એકદમ પડતાં હતાં તે કારણે આકાશ અને ખાસ તો રણભૂમિ છવાઈ ગઈ. બાહુની સાથે જેટજેટલાં મસ્તક ફૂટી નીકળતાં હતાં તે બધાં લક્ષ્મણ બાણો વડે તરત જ કાપી નાખતો હતો. રાવણના શરીર પરના ઘાને કારણે ઢગલો લોહી વહેતું હતું. એટલે આકાશ એકાએક સંધ્યાકાલીન અરુણકાન્તિ જેવું થઈ ગયું. રાવણના શરીરે પરસેવો પરસેવો થઈ ગયો, અત્યંત શ્રમને કારણે તે દીર્ઘ નિઃશ્વાસ નાખવા લાગ્યો, તે વેળા રાવણ ચક્ર વિશે વિચારવા લાગ્યો. વૈદૂર્યના બનેલા હજાર આરાવાળા, મોતીઓની માળાવાળા, રત્નોને કારણે ચિત્રવિચિત્ર, ચંદનના લેપવાળું, સુગંધિત પુષ્પોવાળું, શરત્કાલીન સૂર્ય જેવા તેજસ્વી, પ્રલયકાલીન મેઘના જેવા અવાજવાળું ચક્ર વિચારતાં વેંત રાવણના હાથમાં આવી ગયું. અપ્સરાઓની સાથે કિન્નર, કિંપુરુષો, વિશ્વાવસુ, નારદ યુદ્ધ જોવાનું પડતું મૂકીને દૂર જતા રહ્યા. ચક્રરત્ન હાથમાં રાખેલા રાવણને વીર લક્ષ્મણે કહ્યું, તારી પાસે જો કોઈ શક્તિ હોય તો તેનો પ્રહાર કર. મોડું ન કરીશ.’ આમ સાંભળીને ક્રોધે ભરાયેલા રાવણે મનોવેગી, પ્રલયકાલીન સૂર્ય જેવું, વિજયના સંશય પેદા કરનાર એ ચક્ર ઘુમાવીને છોડ્યું. ભયંકર અવાજની સાથે આવતા એ ચક્રને જોઈને લક્ષ્મણ બાણવર્ષા વડે તેને રોકવાનો પ્રયત્ન કર્યો. વજ્રાવર્ત ધનુષ તથા હલ વડે રામ પણ તેને નિવારવાના પ્રયત્ન કરવા લાગ્યા. ગદા વડે સુગ્રીવ અને તલવાર વડે ભામંડલ તેના પર પ્રહાર કરતા રહ્યા. વિભીષણ પણ ભારે શૂલ વડે અને સુગ્રીવપુત્ર અંગદ કુહાડા વડે તેને રોકવા મથ્યા. બીજા વાનરો પણ સેંકડો શસ્ત્રો વડે તેને નિવારવામાં અશક્ત રહ્યા. આયુધોના સમૂહનો વિનાશ કરીને તે મહાચક્ર ધીરેથી પ્રદક્ષિણા કરીને લક્ષ્મણના હાથમાં સ્થિર થયું... લક્ષ્મણના હાથમાં ચન્દ્રરત્ન જોઈને બધા વાનર સૈનિકો આનંદમાં આવી ગયા. એકબીજાને કહેવા લાગ્યા, અનન્તવીર્ય મુનિએ પહેલેથી સ્પષ્ટ અને જરાય સંકોચ વિના કહ્યું હતું તે બધું કાર્ય હવે બલ અને કેશવનું થઈ ગયું. જે આ ચક્રપાણિ છે તે પણ નારાયણરૂપે પેદા થયો છે. સિંહરથમાં બેઠેલા આ બળદેવ આ મહાનુભાવ રામ અને લક્ષ્મણ નિશ્ચિત આઠમા બલદેવ અને વાસુદેવ રૂપે જન્મ્યા છે. ચક્રપાણિ લક્ષ્મણને જોઈને રાવણ વિચારવા લાગ્યો, ‘અનન્તવીર્યે જે કહ્યું હતું તે હવે સાચું પડ્યું. યુદ્ધમાં મારું છત્ર જોઈને હાથીઓના સમગ્ર જૂથવાળા શત્રુ ખેચર સુભટ પણ ભયવિહ્વળ થઈને, દુઃખી થઈને ભાગી જતા હતા, સમુદ્રજળ સમેત હિમગિરિ તથા વિન્ધ્યસ્થલી સુધીની પૃથ્વીરૂપી સ્ત્રી દાસીની જેમ આજ્ઞા ઉઠાવતી હતી, અને પ્રણામ કરતી હતી તે હું દશગ્રીવ રાવણ મનુષ્યો દ્વારા પરાજિત થયેલો કેવો દેખાઉં છું? આ પણ એક અવસ્થા. આ આશ્ચર્ય નથી? અદીર્ઘદર્શી, થોડી વાર મારે રમણીય લાગતી રાજ્યલક્ષ્મીને ધિક્કાર છે... દુર્જનો જેવા સ્વભાવવાળી આ બહુ દુઃખદ, દુર્ગતિ આપનાર તથા સાધુઓ દ્વારા સદૈવ સ્વીકાર્ય હોય છે, ભરત વગેરે મહાપુરુષો ધન્ય છે, તેમણે રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી, તપ કરીને વિમલ તથા અનુત્તર શિવપદ પ્રાપ્ત કર્યું હતું. દીર્ઘ સંસારને જન્મ આપનાર મોહ દ્વારા હું કેવો જીતાઈ ગયો? ઘોર ભય ઊભો ઊભો હોઈ હવે હું શું કરું?’ રાવણ સામે હાથમાં ચક્ર લઈ ઊભેલા લક્ષ્મણને જોઈ વિભીષણે રાવણને મીઠા શબ્દોમાં કહ્યું, ‘હે પ્રભુ, તમારા હિતનો વિચાર કરીને મારી વાત સાંભળો. સીતાને સોંપી દઈ રામની કૃપાથી તમે જીવતા રહો. અરે રાવણ, આમ કરવાથી તમારું ઐશ્વર્ય ટકશે. અભિમાનનો નાશ થાય એટલે મનુષ્ય દીર્ઘજીવી થાય છે.’ સહોદર ભાઈની આ વાત નકારીને રાવણે કહ્યું, ‘હે ભૂમિગોચર, તારો ગર્વ ભયંકર થયો છે. ભયંકર અને પાસે ઊભેલા યાળવાળા દીપ્તિમાન સિંહને હાથી જોતા નથી ત્યાં સુધી જ હાથી ચીસો પાડે છે. રત્નશ્રવાનો પુત્ર અને શત્રુદમન હું રાવણ તને જીવનનો નાશ કરનારી અવસ્થા હમણાં જ દેખાડું છું.’ ત્યારે લક્ષ્મણે કહ્યું, ‘બહુ બોલવાથી શું? તારો શત્રુ અને તને મારનાર હું નારાયણ છું.’ રાવણે કહ્યું, ‘અરે પિતા દ્વારા નિર્વાસિત અને જંગલી ફળો ખાનારા તારું નારાયણત્વ મેં લાંબા સમયથી જાણ્યું છે. તું નારાયણ હોય કે બીજો કોઈ હોય, આજે તારો માનભંગ ચોક્કસ કરીશ. હે લક્ષ્મણ, હાથમાં ચક્ર, ખેચર, ઘોડા અને રથની સાથે પાતાળલોકમાં મોકલું છું.’ આમ સાંભળી ક્રોધી નારાયણે ચક્ર ઘુમાવીને લંકાપતિ પર ફેંક્યું. ખૂબ અવાજ કરતાં ભીષણ અને દીપ્ત ચક્રને જોઈ બાણ, ઝસર અને મુદ્ગરથી તેને અટકાવવાનો પ્રયત્ન રાવણ કરવા લાગ્યો. રોકવા છતાં તે આવી ચઢ્યું. અત્યંત અભિમાની, યુદ્ધમાં સામે ઊભેલા લંકાધિપતિ રાવણનું વિશાળ વક્ષસ્થળ એ ચક્રે તરત જ ચીરી નાખ્યું. તમાલ વૃક્ષ અને ભમરા જેવા શ્યામવર્ણવાળો રાવણ, પ્રચંડ ઝંઝાવાતથી તૂટી પડેલા અંજનગિરિની જેમ યુદ્ધભૂમિ પર પડી ગયો. જમીન પર પડેલો રાવણ સૂતેલા કામદેવની જેમ, એક દેવની જેમ, અસ્તાચળ પર સ્થિત સૂર્યની જેમ દેખાતો હતો. પોતાના સ્વામીનો વધ જોઈને રાક્ષસસેનામાં ભાગદોડ મચી ગઈ, એકબીજાને દબાવતી -કચડતી ભોંયરા તરફ જવા લાગી. તે વેળા ઘોડાઓ સૈનિકોને અને હાથીઓ રથને કચડતા હતા. બહુ દુઃખી સુભટ્ટ તો ભયવિહ્વળ થઈને જમીન પર પડી જતા હતા. આમ પલાયન થઈ રહેલી અશરણ સેનાને સુગ્રીવ અને વિભીષણ આશ્વાસન આપવા લાગ્યા, ‘તમે બીશો નહીં. નાસો નહીં. આ નારાયણ તમારા માટે શરણદાતા છે.’ આવું સાંભળી બધી સેનાને ધીરજ સાંપડી. જેઠ માસના કૃષ્ણપક્ષની અગિયારસે દિવસનો ચોથો ભાગ બાકી હતો ત્યારે રાવણનું મૃત્યુ થયું. આમ પુણ્યનો નાશ થવાથી મૃત્યુકાળ આવે છે ત્યારે ઘોડા અને હાથીઓના સમૂહની વચ્ચે હોવા છતાં હાથમાં તલવાર અને કનક ધારણ કરનારા શૂરવીર મનુષ્યો પણ નાશ પામે છે. જે પોતાના તેજ વડે આખા જગતને આલોકિત કરે છે તે સૂર્ય પણ આથમી જાય છે. સુખરૂપી પ્રદોષ કાળ આવ્યા પછી વિમલ કિરણોવાળા ચન્દ્ર શું નથી દેખાતો? ધરતી પર પડી ગયેલા પોતાના સહોદર ભાઈને જોઈ શોકમગ્ન વિભીષણે આત્મહત્યા કરવા છરી પકડી. ત્યારે રામે તેને અટકાવ્યો, બેસુધ થઈ ગયા પછી ફરી ધીરજવાન થયો. પછી સહોદર ભાઈ પાસે જઈને વિલાપ કરવા લાગ્યા, ‘અરે ભાઈ રાવણ, અરે મહા યશસ્વી, સંપત્તિમાં ઇન્દ્રના જેવો હોવા છતાં આવી મહાપાપી અવસ્થા તું કેવી રીતે પામ્યો? હિતકારક એવી મારી વાત તેં ન માની. ચક્ર દ્વારા ઘવાયેલો તું કઠોર ધરતી પર પડ્યો છે. હે સુન્દર, ઊભો થા અને આમ વિલાપ કરનારા મારી સાથે વાત કર. હે મહાયશસ્વી, શોકરૂપી મહાસાગરમાં પડેલા મને પાર પહોંચાડ.’ રાવણના મૃત્યુના સમાચાર સાંભળી શોકાતુર, રડતી કકળતી, દીન એવી અંત:પુરની સ્ત્રીઓ યુદ્ધભૂમિ પર આવી. લોહીના કાદવમાં, જમીન પર પડેલા પતિને જોઈને સુંદરીઓ ધરતી પર પડી ગઈ. રંભા, ચંદ્રવદના, પટરાણી, મંદોદરી, પ્રવરા, ઉર્વશી, નીલા, રુક્મણી, રત્નમાલા, શશિમંડલા, કમલા, સુંદરી, કમલશ્રી, શ્રીદત્તા, શ્રીમતિ, ભદ્રા, કનકપ્રભા, શ્રીકાન્તા, મૃગાવતી, લક્ષ્મી, અનંગસુંદરી, નંદા, પદ્મા, વસુન્ધરા, તડિન્માતા, ભાનુમતી, પદ્માવતી, કીર્તિ, પ્રીતિ, સન્ધ્યાવલી, શુભા, કાન્તા, મનોવેગા, રતિવેગા, પ્રભાવતી, તથા માનવતી વગેરે અઢાર હજાર યુવતીઓ અલંકારો ઉતારીને, વાળ વિખેરીને દુઃખી થઈ અત્યન્ત કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. બેસુધ થઈને પડેલી કોઈ સ્ત્રી ચંદનમિશ્રિત જલનો છંટકાવ શરીર પર થવાથી રોમછિદ્રો વિકસવાને કારણે કમલિનીની જેમ જાગૃત થઈ. પતિને આલિંગન કરીને મૂછિર્ત કનકગૌરી અંજનગિરિ પરની વીજળીની જેમ દેખાઈ. કોઈ કોમલાંગી ભાનમાં આવ્યા પછી છાતી કૂટતી હતી, વાળ વિખેરીને મધુર સ્વરે રડતી હતી. બીજી કોઈ સ્ત્રી મસ્તકને ખોળામાં લઈ તેના વિશાળ વક્ષસ્થળને સ્પર્શતી હતી. કોઈ ચરણારવિંદને તો કોઈ કરપલ્લવને ચૂમતી હતી. બંને આંખોમાં આંસુ સાથે કોઈ મધુર વાણીથી કહેતી હતી, ‘અરે નાથ, શોકસાગરમાં પડેલી અમને તમે નથી જોતા? હે પ્રભુ, શક્તિ, કીર્તિ અને બળવાન હોવા છતાં, વિદ્યાધરોના સ્વામી થઈને રામ સાથેના યુદ્ધમાં તમે પૃથ્વીરૂપી પલંગમાં કેમ સૂઈ રહ્યા છો? પોતાના લોકો ઉપર વાત્સલ્યભાવ રાખનારા ઊઠો....અમારી સાથે એક વાર તો બોલો...નિરપરાધી ઉપર તમે કેમ ગુસ્સો કરો છો? હે સ્વામી, પરિહાસકથામાં આસક્ત અને વિશુદ્ધ દંતપંક્તિને કારણે અત્યંત શોભાવાળા આ મુખને અમારા પર ગુસ્સો આણીને શા માટે સફેદ કરી મૂક્યું છે? હે મનોહર, અત્યંત સુંદર, વિસ્તીર્ણ, યુવતીઓના ક્રીડાસ્થાન એવા તમારા વક્ષસ્થળ પર ચક્રે પગ કેવી રીતે મૂક્યો? હે ગુણનિધિ! શત્રુઓએ જેમને સાંકળે બાંધ્યા છે તેવા પરાધીન ઇન્દ્રજિત, ઘનવાહનને રાજા સાથે સંધિ કરીને છોડાવો. હે સ્વજનવત્સલ પ્રભુ, ઊભા થાઓ. સભાસ્થાનમાં આવેલા ઘણા અશરણ સુભટ્ટોને, દાન-સમ્માન આપો. હે નાથ — વિરહાગ્નિથી પ્રજ્વળતી આ કાયાઓને ચંદનયુક્ત લેપવાળા આલિંગનરૂપી જળથી શીતળ કરો. હે પ્રભુ, હાસ્ય, વિલાસ તથા અનેક પ્રિય સંભાષણોના કારણોને યાદ કરવાથી તે હૃદયને બાળે છે.’ દીન વદનવાળી રાવણની સ્ત્રીઓને આમ રડતી કકળતી જોઈ કોનું હૃદય દ્રવી ન ઊઠે? ત્યારે લક્ષ્મણની સાથે રામે વિભીષણને કહ્યું, ‘લોકવૃત્તાંતની જાણ તો તમને છે, તમે ન રડો. સંસારમાં જે કર્મની ચેષ્ટા હોય છે તેને તમે જાણો છો. પૂર્વે સંચિત કર્મનું ફળ જ જીવ મેળવે છે. એટલે શોક કરવાથી શું? બધાં શાસ્ત્રોમાં વિદ્વાન અને સમસ્ત પૃથ્વીનો સ્વામી રાવણ અતિ દારુણ બળવાળા મોહને કારણે આ અવસ્થાને પામ્યો.’ રામના કહ્યા પછી જનકપુત્ર ભામંડલે વિભીષણને કહ્યું, ‘યુદ્ધમાં પીઠ ન દેખાડનાર ધીર રાવણ માટે શું કામ શોક કરો છો?’ (પર્વ ૬૧-૭૪)