ભારતીય કથાવિશ્વ૧/ઉર્વશી-પુરૂરવા કથા
પુરૂરવા : હે નિષ્ઠુર પત્ની, તું ચિત્તમાં પ્રેમ આણીને સ્થિર થા, આજે આપણે અરસપરસ મળીને સવેળા કામની વાતો કરીએ, શું અત્યારે આપણે અંદરઅંદર જે ચર્ચા કરીએ તે ભવિષ્યમાં સુખકારક નહીં નીવડે? જરૂર નીવડશે. ઉર્વશી : માત્ર આ શુષ્ક વાતચીતથી આપણો કયો અર્થ સરશે? હું ઉષાની જેમ તારી પાસે ચાલી આવું છું. એટલે હે પુરૂરવા, તું ફરી તારે ઘેર પાછો જા. હું વાયુની જેમ દુષ્પ્રાપ્ય છું. પુરૂરવા : તારા વિરહને કારણે મારા ભાથામાંથી વિજયપ્રાપ્તિ માટે બાણ પણ નથી નીકળતું. હું બળવાન હોવા છતાં શત્રુઓ પાસેથી ગાયોને, અનંત સમૃદ્ધિને પણ નથી આણી શકતો. રાજ્યકાર્યમાં વીરત્વ ન દાખવવાને કારણે મારું સામર્થ્ય પ્રકાશતું નથી. વિસ્તૃત સંગ્રામમાં શત્રુઓને ધ્રુજાવી દેનારા વીર પણ સંહિનાદ કરી શકતા નથી. ઉર્વશી : હે ઉષા દેવી, આ ઉર્વશી સસરાને ઉત્તમ ભોજન જમાડવાની ઇચ્છા કરતી, જ્યારે મને પતિસુખની કામના થાય છે ત્યારે પતિના શયનકક્ષમાં જઉં છું. જ્યાં તે દિવસરાત પ્રેમ કરે છે અને પતિની સાથે રમણ કરતાં કરતાં આનન્દપૂર્વક રહે છે. હે પુરૂરવા, તું દિવસમાં ત્રણ વાર મને પુરુષદંડથી મારતો હતો. સપત્ની સાથે મારે કોઈ સ્પર્ધા ન હતી. તું મને અનુકૂળ થઈને સંતોષ આપતો રહ્યો. આ જ આશા રાખીને હું તારા આશ્રયે આવતી રહી. હે વીર, તું મારા શરીરનો તે વેળાએ સ્વામી બનતો હતો. પુરૂરવા : ઉર્વશી, સુજૂણિર્, શ્રેણિ, સુમ્નઆપિ, હૃદેચક્ષુ આ ચાર સખીઓની સાથે આવી હતી. પરંતુ તારા આવ્યા પછી એ અરુણ વર્ણવાળી અપ્સરાઓ શૃંગાર કરીને આવતી ન હતી. નવપ્રસૂતા ગાયો જેવો ધ્વનિ કરે તેવો ધ્વનિ હવે તે કરતી નથી. ઉર્વશી : હે પુરૂરવા, જે સમયે પુરૂરવાનો જન્મ થયો ત્યારે દેવપત્નીઓ તેને જોવા આવી હતી. વહેતી નદીઓએ એનું પોષણ કર્યું. મહાન સંગ્રામ માટે અને શત્રુઓનો વધ કરવા માટે દેવતાઓએ તને સામર્થ્ય આપ્યું. જ્યારે આ પુરૂરવા પોતાનું રૂપ ત્યજીને દેવસ્વરૂપા અપ્સરાઓ પાસે મનુષ્યદેહે જતો હતો ત્યારે આ અપ્સરાઓ ભયભીત થઈને દૂર ચાલી જતી હતી, જેવી રીતે કામિની હરણી વાઘથી ભયભીત થઈને ભાગી જાય કે રથમાં જોડાયેલા ઘોડા ભાગે તેવી રીતે. મેઘમાં ઉત્પન્ન થતી વીજળીની જેમ ચમકતી જે ઉર્વશીએ મારા બધા મનોરથ પૂર્ણ કર્યા હતા ત્યારેે તેના ગર્ભમાંથી કર્મકુશળ અને મનુષ્યનું હિત કરનાર પુરંદરપુત્ર જન્મ્યો હતો. ઉર્વશી એને દીર્ઘાયુ અર્પે. આમ તું પૃથ્વીની રક્ષા કરવા પુત્ર રૂપે જન્મ્યો છે. પુરૂરવા, તેં મારામાં ગર્ભ મૂક્યો હતો. હું જ્ઞાનવતી થઈને એ દિવસોમાં તને કહ્યા કરતી હતી પણ તેં મારી વાત સાંભળી નહીં, માની નહીં. તેં મારી વાત માની નહીં. તેં પ્રતિજ્ઞાભંગ કર્યો છે, હવે શા માટે સંતાપ કરે છે? પુરૂરવા : ક્યારે તારો પુત્ર જન્મ લેશે અને મને ચાહતો થશે? અને એ મને ઓળખીને રડતાં રડતાં આંસુ નહીં રેલાવે? એવો કયો પુત્ર છે જે પરસ્પરને ચાહતા પતિપત્નીને વિખૂટા પાડી દે? ક્યારે તારો તેજસ્વી ગર્ભ સાસરવાસે ચમકી ઊઠશે? ઉર્વશી : હું તારી વાતનો ઉત્તર આપું છું. તારો પુત્ર જ્યારે રડશે ત્યારે હું એને માટે શુભ કામના કરીશ, એ ન રડે તેનું ધ્યાન રાખીશ. જે તારું બાળક છે એને તારી પાસે મોકલીશ, હવે તું તારે ઘેર પાછો જા. તું હવે મને મેળવી નહીં શકે. પુરૂરવા : તારી સાથે પ્રેમક્રીડા કરનારો આ પતિ આજે જ ધરા પર ઢળી પડે, અથવા અરક્ષિત થઈને દૂર દૂર પરદેશ જવા પ્રયાણ કરે અથવા આ પૃથ્વી પર દુર્ગતિ પામતો મૃત્યુ પામે અથવા તેને વનનાં બળવાન પ્રાણીઓ ફાડી ખાય. ઉર્વશી : હે પુરૂરવા, તું મૃત્યુને ન પામીશ, અહીં ઢળી ન પડીશ, તને અશુભ વૃક ખાઈ ન જાય, તારો નાશ ન કરે. સ્ત્રીઓની મૈત્રી સ્થાયી નથી હોતી, એ તો જંગલી વરુઓના હૃદયની જેમ હૃદયમાં વેર લઈને જીવતી હોય છે. જ્યારે હું વિવિધ રૂપધારી મનુષ્યરૂપ લઈને માનવીઓમાં ઘૂમી ત્યારે મેં ચાર વર્ષ ભોગ ભોગવ્યા. દિવસમાં એક વાર ઘીનો સ્વાદ લીધો છે, એનાથી જ હું આમ સંતૃપ્ત થઈને તને ત્યજીને દૂર જઉં છું. પુરૂરવા : અન્તરીક્ષને પૂર્ણ કરવાવાળી અને જળ સર્જનારી ઉર્વશીને વસિષ્ઠ-અતીવ વાસયિતા હું પુરૂરવાવશ કરું છું. ઉત્તમ કર્મ કરવાવાળો પુરૂરવા તારી પાસે રહે, તારા વિયોગે મારું હૃદય પ્રજ્વળે છે, એટલે તું પાછી આવ. ઉર્વશી : હે ઇલાપુત્ર પુરૂરવા, આ બધા દેવ તને કહી રહ્યા છે કે તું અત્યારે મૃત્યુના વશમાં હોઈશ એટલે તું તારે યોગ્ય દેવતાઓની પૂજા કરીશ અને સ્વર્ગમાં આવીને સુખ તથા આનન્દ પામીશ. (ઋગ્વેદ મંડળ ૧૦, ૯૫)