ભારતીય કથાવિશ્વ૧/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

ભારતીય કથાસાહિત્યની સમૃદ્ધિ દેશી-વિદેશી વિદ્વાનોએ આવકારી છે. પશ્ચિમની કેટલીય કથાઓનાં મૂળિયાં આ પ્રાચીન કથાઓમાં ઘણા વિદ્વાનોએ જોયાં છે. આ સમગ્ર વારસાને સમકાલીનો અને અનુકાલીનો યોગ્ય સન્દર્ભમાં જોઈ શકે એટલા માટે આ કથાઓનું સંપાદન પાંચ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે.

પ્રાચીન ભારતીય કથાસાહિત્યની સમૃદ્ધિ હરિવલ્લભ ભાયાણીથી માંડીને હસુ યાજ્ઞિક સુધી બધાએ વખાણી છે. આ કથાઓનો પ્રભાવ દુનિયાભરના કથાસાહિત્ય પર પડ્યો છે એ વાતનો સ્વીકાર પરદેશી વિદ્વાનોએ પણ કર્યો છે. તો આવી કથાઓનો વારસો આપણી ભાવિ પેઢીને મળે એ આશયથી આ પાંચ ભાગમાં આ કથાઓનું સંપાદન શિરીષ પંચાલ દ્વારા કરવામાં આવ્યું છે. આશા છે કે ભારતીય કથાવિશ્વના પાંચ ગ્રંથો તમને એ સમૃદ્ધ વારસાનો સઘન, રસાળ પરિચય કરાવી સમૃદ્ધ બનાવે છે.

પહેલા ભાગમાં વેદ-ઉપનિષદ-બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળતી કથાઓ - કથાબીજો છે. બીજા ભાગમાં રામાયણ-મહાભારતની મુખ્ય કથાને બદલે એમાં આવતી આડકથાઓ ગૌણ કથાનો સંપાદિત કરવામાં આવી છે. આ માટે રામાયણ-મહાભારતની શુદ્ધ વાચનાનો આધાર લેવામાં આવ્યો છે. ત્રીજા ભાગમાં આપણી પ્રાકૃત ભાષાઓમાં જોવા મળતી કથાઓ છે. જાતકકથાઓ, વસુદેવહિંડી, પઉમચરિય, તરંગલોલા, કથાસરિત્સાગરમાંથી ચૂંટેલી કથાઓ છે. ચોથા ભાગમાં પંચતંત્ર, હિતોપદેશ, કાદંબરી, શ્રીમદ્ ભાગવત, યોગ વાસિષ્ઠ રામાયણ, દેશકુમારચરિત, સ્કંદ પુરાણ, વિષ્ણુપુરાણ, હરિવંશ જેવા પુરાણોમાંથી કથાઓ પસંદ કરી છે. પાંચમા ભાગમાં ભારતના જુદા જુદા પ્રદેશોની લોકકથાઓ જોવા મળશે.

આ ગ્રંથોનાં આવરણો તથા કથાઓ આધારિત ચિત્રો વિશ્વવિખ્યાત કળાકાર શ્રી ગુલામમોહમ્મદ શેખે પસંદ કર્યા છે અને એને આ કથાવિશ્વની શોભા અનેકગણી વધારી છે.