ભારતીય કથાવિશ્વ૧/જુગારીનું આત્મકથન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જુગારીનું આત્મકથન

મોટા મોટા, તળભૂમિમાં પેદા થયેલા અને આમતેમ ચાલતા અને કંપનશીલ પાસાં મને આનંદિત કરે છે. જેવી રીતે મૂજવાન પર્વત ઉપર ઉત્પન્ન થયેલા સોમલતાના મધુર રસપાનથી પ્રસન્નતા થાય છે એવી જ પ્રસન્નતા બહેડાના ઝાડના લાકડામાંથી બનાવેલાં જીવંત પાસાં મને બહેકાવે છે. આ મારી પત્ની ક્યારેય મારો અનાદર કરતી નથી, નથી તો મારાથી ક્યારેય લજ્જિત થતી. મારા મિત્રો માટે અને મારા માટે તે કલ્યાણકારિણી છે તો પણ કેવળ પાસાંને કારણે મેં અનુરાગ ધરાવતી પત્નીને ત્યજી દીધી. જે જુગારી જુગાર રમે છે તેની સાસુ પણ તેના પર દ્વેષભાવ રાખે છે. તેની પત્ની તેને ત્યજી દે છે, અને એ યાચક બનીને કોઈની પાસે કશું માગે છે તો એને કોઈ ધન પણ આપતું નથી. એવી જ રીતે ઘરડા ઘોડાની જેમ હું જુગારીની જેમ સુખ અને આદર પ્રાપ્ત કરી શકતો નથી. જે જુગારીના ધન પ્રત્યે બળવાન જુગારીની લોભી દૃષ્ટિ પડે તો તેની સ્ત્રીનો હાથ બીજા લોકો પકડતા થાય છે. તેના માતાપિતા, ભાઈ પણ કહે છે કે અમે એને ઓળખતા નથી, એને બાંધીને લઈ જાઓ. જ્યારે હું મનોમન નિશ્ચય કરું છું કે હવે આ પાસાં વડે હું નહીં રમું કારણ કે મારા જુગારી મિત્ર પણ મારો ધિક્કાર કરે છે પરંતુ મારું મન ઝાલ્યું રહેતું નથી. હું તેમની પાસે વ્યભિચારિણી સ્ત્રીની જેમ ચાલ્યો જઉં છું. શરીરે દેદીપ્યમાન જુગારી પોતાના મનમાં પૂછે છે કે હું કયા ધનવાનને હરાવીશ અને દ્યૂતસભામાં પ્રવેશે છે. ત્યાં વિપક્ષી જુગારીને હરાવવા માટે પાસાંને વિજય માટે ગોઠવેલા જુગારીનાં પાસાં ધનકામનાને વિસ્તારે છે. આ પાસાં જ અંકુશની જેમ ભોંકાય છે, બાણની જેમ વીંધે છે, છરાની જેમ વાઢે છે, પરાજિત થતાં તે સંતપ્ત રહે છે. સર્વસ્વનું હરણ થાય એટલે કુટુંબીજનોને દુ:ખ આપે છે. વિજયી જુગારીને મન પાસાં પુત્રજન્મની જેમ આનન્દ આપે છે, તેને માટે તો એ મધુર, મીઠાં વચનથી બોલનારાં સાબીત થાય છે પણ પરાજિત જુગારીનો વિનાશ જ કરે છે. આ ત્રેપન પાસાંનો સંઘ સત્યધર્મના સ્વરૂપ સૂર્યની જેમ વિહાર કરે છે; ને અત્યન્ત ઉગ્ર મનુષ્યના ક્રોધ આગળ પણ ઝૂકતાં નથી, એના વશમાં આવતાં નથી. રાજા જેવો રાજા પણ પાસાં રમે ત્યારે તેને નમસ્કાર કરે છે. આ પાસાં ક્યારેક નીચે ઊતરે છે, ક્યારેક ઉપર જાય છે. આ પાસાં હાથ વિનાનાં હોવા છતાં હાથવાળા જુગારીને હરાવે છે; આ પાસાં દિવ્ય છે તો પણ સળગતા અંગારાની જેમ સંતાપદાયી છે, તે સ્પર્શવામાં તો ઠંડાં હોવા છતાં જુગારીઓના અંત:કરણને પરાજિત થવાના ભયથી બાળે છે. જુગારીની ત્યક્તા પત્ની દુ:ખી થાય છે, અને ક્યાંય ભટકતા રહેતા પુત્રની માતા પણ વ્યાકુળ બની જાય છે. દેવાળિયો જુગારી ધનની આકાંક્ષા કરતો, ભયભીત થઈને રાત્રિના સમયે બીજાઓના ઘરમાં ચોરી કરવા પ્રવેશે છે. બીજાઓની સ્ત્રીઓને સુખી તથા પોતપોતાનાં ઘરોમાં આશ્વસ્ત જોઈને પોતાની સ્ત્રીની દશા જોતો દુ:ખી થાય છે, પણ સવાર થતાંમાં જ તે ગેરુ રંગનાં પાસાંથી રમતો થઈ જાય છે. એ મૂઢ માનવી રાતે આગ પાસે પહોંચી જાય છે. હે પાસાં, તમારા મહાન સંઘનો જે મુખ્ય નાયક છે અને જે સર્વશ્રેષ્ઠ રાજા છે તેને હું મારા બંને હાથ જોડીને નમસ્કાર કરું છું, એના માટે પણ હું ધન નથી ઇચ્છતો, આ હું સાચું કહું છું. હે જુગારી, તું ક્યારેય જુગાર ન રમીશ, તું મહેનત કરીને ખેતી કર, અને એને જ આદર આપીને એ દ્વારા મળતા ધનથી સન્તુષ્ટ બન, એના વડે જ તું ગાયોને તથા સ્ત્રીને પામીશ, સાક્ષાત્ સૂર્યદેવે મને આમ કહ્યું છે. હે અક્ષો, તમે મને મિત્ર માનો, અમારું કલ્યાણ કરો, અમારા ઉપર દુ:ખદ, દુર્ઘષ ક્રોધ ન કરો. તમારા ક્રોધનો ભોગ અમારા શત્રુ ભલે બને; બીજા અમારા શત્રુ બભ્રૂ રંગનાં પાસાંના બન્ધનમાં ભલે ફસાય. (ઋગ્વેદ મંડળ ૧૦, ૩૪)