ભારતીય કથાવિશ્વ૧/પ્રજાપતિ અને તેની પુત્રીની કથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રજાપતિ અને તેની પુત્રીની કથા

પ્રજાપતિ અને તેની પુત્રીની કથા (૧)

પ્રજાપતિનું જે વીર્ય ઇચ્છાશક્તિયુક્ત વીર્ય પ્રસિદ્ધ છે તે પ્રજાપતિએ સંતતિનિર્માણ માટે સાચવ્યું હતું. મનુષ્યહિત માટે જ ત્યાગ્યું હતું. ફરી તેમણે ધારણ કર્યું. તે સર્વશ્રેષ્ઠ પ્રજાપતિએ પોતાની સુંદર પુત્રી ઉષાના ગર્ભમાં મૂક્યું. જે સમયે યુવતીમાં અભિલાષા કરતા પિતાએ આકાશમાં પાસે જ સંવનન કર્યું ત્યારે અલ્પ વીર્યનો સ્ત્રાવ થયો. પરસ્પર સંગમ કરતા પ્રજાપતિએ યજ્ઞના આધારસ્વરૂપ ઉચ્ચ સ્થાનમાં એનું સંચિન કર્યું, એમાંથી રુદ્ર પ્રગટ્યા. જે સમયે પ્રજાપતિ પોતાની કન્યા સાથે સંગમ કરતા હતા ત્યારે પૃથ્વીની સાથળે વીર્ય સિંચ્યું ત્યારે ઉત્તમ કર્મ કરનારા દેવોએ બ્રહ્મને જન્મ આપ્યો. બધાં કાર્યોના રક્ષક વાસ્તોષ્પતિ — યજ્ઞપાલનું નિર્માણ કર્યું. (ઋગ્વેદ ૧૦. ૫-૬-૭)

પ્રજાપતિ અને તેની પુત્રીની કથા (૨)

પ્રજાપતિએ પોતાની પુત્રીને જોઈને વિચાર્યું, આને કેટલાક દ્યુલોકની દેવતા કહે છે, એને ઉષા પણ કહે છે. પ્રજાપતિ હરણ રૂપે રોહિત બનેલી (હરણી/ઋતુમતી) પાસે ગયા. દેવોએ તેમને જોયા. અંદરઅંદર બોલ્યા, ‘પ્રજાપતિ અકૃત કર્મ કરે છે.’ એમને મારી નાખવાને સમર્થ પુરુષને શોધ્યો, પણ કોઈ ન મળ્યું. પોતાનો જે ઘોરતમ શરીરાંશ હતો તે એક સ્થળે ભેગો કર્યો, એ બધા મળીને આ દેવ થયા. તેમનું નામ ભૂત(રુદ્ર, ભૂતપતિ). દેવોએ તેમને કહ્યું, ‘આ પ્રજાપતિએ ઘોર કૃત્ય કર્યું છે, એટલે એને વીંધ.’ તેમણે એમ કર્યું. ત્યારે તેણે કહ્યું, ‘તમે મને એક વર આપો.’ તેમણે કહ્યું, ‘માગી લે.’ તેમણે વરદાન માગ્યું, ‘હું પશુઓનો અધિપતિ થઉં.’ એટલે તેમનું નામ ‘પશુ’વાળું થયું.(પશુપતિ) તેમણે (પ્રજાપતિને) ધનુષ તાણીને માર્યું. વીંધાયેલ પ્રજાપતિ ઊંચે ઊછળ્યા. તેમને લોકો મૃગશીર્ષ નક્ષત્ર (રોહિણી-આર્દ્રાની વચ્ચે) કહે છે. જેમણે મૃગને માર્યો તે વ્યાધ, જે રાતા વર્ણની હતી તે રોહિણી, જે બાણ ત્રણ અણિવાળું હતું તે ત્રણ ધારવાળું બન્યુું. પ્રજાપતિનું વીર્ય(મૃગીમાં) હતું તે વધારે (હોવાથી) વહ્યું અને સરોવર બની ગયું. (ઐતરેય બ્રાહ્મણ ૩.૯)

પ્રજાપતિ અને તેની પુત્રીની કથા (૩)

પ્રજાપતિએ એક વેળા પોતાની પુત્રીની જ ઇચ્છા કરી. ‘હું તેની સાથે ક્રીડા કરું.’ એમ વિચારીને તે તેની સાથે જોડાયા. દેવતાઓની નજરે તે પાપ હતું. તેમણે વિચાર્યું, જે પોતાની પુત્રી સાથે, આપણી બહેન સાથે આવો વ્યવહાર આદરે છે તે પાપી છે. એટલે તેમણે પશુપતિ રુદ્રને કહ્યું, ‘આમ જે પોતાની પુત્રી સાથે, અમારી બહેન સાથે આવો વર્તાવ કરે છે તે ખરેખર પાપ આદરે છે. એને વીંધી નાખો.’ રુદ્રે લક્ષ્ય સાધીને તેમને વીંધ્યા. આમ કરવા જતાં તેમનું વીર્ય ભૂમિ પર ઢળ્યું અને તે વહ્યું. (શતપથ બ્રાહ્મણ, કાંડ ૧, અધ્યાય ૭, બ્રાહ્મણ ૪)