ભારતીય કથાવિશ્વ૧/પ્રશ્નો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભારતીય કથાસાહિત્યના પ્રશ્નો

ભારતીય કથાસાહિત્યમાં કેટલાક પ્રશ્નો આજે પણ ભણેલાગણેલાને મૂઝવે છે. પરંપરાગત કથાવાર્તાઓમાં પરિવર્તનો કેવી રીતે આવે છે? એક જ કથા બીજા કોઈ સંપ્રદાયમાં જઈ પહોંચે ત્યારે તેના રૂપરંગ બદલાઈ જાય છે અને એ રંગરૂપ ઘણી વખત મોટા ભાગની પ્રજાને માન્ય નથી હોતા. દા.ત. રામાયણની એક બૌદ્ધ વાચનામાં રામ અને સીતાને ભાઈબહેન બતાવ્યા છે. ‘પઉમચરિય’ નામના જૈન રામાયણમાં હનુમાનનું લગ્ન પણ થાય છે. હવે આપણી અથવા તો દુનિયાની કોઈ પણ પ્રજાના લોહીમાં જે વિષયવસ્તુઓ વણાઈ ગયાં હોય તેનાથી વિરુદ્ધનું આલેખન જે તે પ્રજા સાંખી શકતી નથી અને એનો વિરોધ પ્રજા કરે તે પણ સ્વાભાવિક છે, આજની તારીખે પણ આવા વિરોધ જોવા મળે છે. ક્યારેક આપણા મનમાં એક છબિ અંકાઈ ગઈ હોય તો તે ચિરંજીવ બનીને પેઢીઓ સુધી ટકે છે. ગાંધીજીએ જે હરિશ્ચન્દ્રનું નાટક જોયું તેનો પ્રભાવ તેમના માનસ પર ખૂબ પડ્યો. હવે ભારતીય પ્રજાના મનમાં હરિશ્ચન્દ્રની જે છબિ અંકાઈ છે તે ઐતરેય બ્રાહ્મણમાં જોવા મળતી હરિશ્ચન્દ્રની છબિ કરતાં સાવ જુદી છે. પહેલવહેલી આવી છબિ આ બ્રાહ્મણમાં જોવા મળે છે, એ છબિ પાછળથી દેવી ભાગવતમાં સચવાયેલી જોવા મળે છે. આ છબિને આજે હવે કોઈ ભારતીય પ્રજાજન સ્વીકારશે નહીં: સત્ય, અહિંસા, ત્યાગ, સૌન્દર્ય, ઉદારતા જેવા હકારવાચક ગુણો કોઈ પણ સમયના શાસકમાં હોવા જોઈએ, એ ગુણોને કારણે જ તે અનુકરણીય બને, એ રીતે રામ અનુકરણીય, સીતા અનુકરણીય પરંતુ રાવણ કે દુર્યોધન-દુ:શાસન અનુકરણીય ન બને. વળી કથાવાર્તાઓમાં સર્જક પોતપોતાની રીતે પરિવર્તનો કરે તે પણ સ્વાભાવિક છે, મહાભારતની શકુન્તલાકથામાં કાલિદાસે કેટલા બધા ફેરફારો કર્યા, વાલ્મીકિ રામાયણ પરથી ભવભૂતિએ ઉત્તરરામચરિત રચ્યું પણ તેમાંય કેટલા ફેરફારો થયા. કેટલીક વખત મૂળ કથામાં જોવા ન મળેલાં પાત્ર, વસ્તુ પાછળથી જોવા મળે છે. દા.ત. રામાયણની પ્રખ્યાત લક્ષ્મણરેખા, દ્રૌપદી વસ્ત્રહરણ વેળાએ કૃષ્ણ દ્વારા પુરાતાં વસ્ત્રો મૂળ કૃતિઓમાં એટલે કે પ્રગટ થયેલી તેમની સમીક્ષિત વાચનાઓમાં જોવા નહીં મળે. સર્જકની વિશિષ્ટ રુચિ જ અહીં ભાગ ભજવતી નથી, પણ ઇતિહાસ, સમાજ, સંસ્કૃતિ પણ એવા ફેરફારો માટે જવાબદાર ગણી શકાય. ઋગ્વેદની ઘણી ઘણી કથાઓમાં વૃત્રનો વધ ઇન્દ્ર વજ્ર વડે કરે છે એના નિર્દેશ જોવા મળે છે. શત્રુઓના નાશ માટે પણ ઘણી પ્રાર્થનાઓ જોવા મળશે. કોઈ પણ યુદ્ધ અહિંસક હોતું નથી. શત્રુઓના જાનમાલનો નાશ, તેમનાં નગરોનો નાશ ઇન્દ્રે કર્યો એવા ઉલ્લેખો પણ જોવા મળે છે. આર્યો કૃષિવિદ્યામાં નિપુણતા ધરાવે છે અને આ કૃષિવિદ્યાને સફળ થવા માટે પાણીની જરૂર છે. અસુરોએ રોકી રાખેલાં પાણી ઇન્દ્ર મુક્ત કરે છે. અને જે અસુરોએ પાણી રોકી રાખ્યાં હોય તેમનો વધ કરવો જ પડે. કૃષિવિદ્યામાં ગાયનું મહત્ત્વ પહેલેથી છે, છેક વેદકાળથી ગોવધ પર પ્રતિબંધ છે. આવી ગાયોનું અપહરણ અસુરો જો કરી જાય તો તે ગાયોને પાછી આણવી પડે. વલ અહિ નામના અસુરો તથા પણિઓએ આ ગાયોનું અપહરણ કર્યું, એટલે ઇન્દ્ર દેવોની કૂતરી સરમાને પણિઓને ત્યાં ગાયોની તપાસ માટે મોકલે છે. ભારતમાં છેક મધ્યકાળ સુધી ગાયોનાં અપહરણ થતાં જ રહ્યાં હતાં. અમેરિકામાં પણ કેટલી બધી લોકપ્રિય કથાઓના મૂળમાં દૂધાળાં પશુઓનાં અપહરણની કથાઓ છે. જેઓ દેવતાઓ પ્રત્યે સ્નેહભાવ રાખતા હતા તે સૌની સહાય કરવામાં આવે છે. દા.ત. કુત્સ, દશદ્યુ, શ્વૈત્રેય, શ્વિત્ર્ય વગેરેને દેવતાઓએ ભારે સહાય કરી હતી. વૃદ્ધને નવયુવાન કરવા, અપંગોના પગ સરખા કરી આપવા, આંધળાઓને દૃષ્ટિદાન કરવું, અવિવાહિતોને સુપાત્ર સંપડાવી આપવાં, નિર્જલ સ્થાનોને જલથી ભરી દેવાં, વાદળોમાંથી વરસાદ વરસાવવો : આવાં ઘણાં કાર્યો દેવોએ કર્યાં હતાં. સ્વર્ગના દેવતાઓ શત્રુઓ સાથે લડવા માનવીઓની સહાય લેતા જ આવ્યા હતા. પુરૂરવાએ પણ દેવતાઓને સહાય કરી હતી. ‘રામાયણ’માં રામ રાવણ સામે લડવા વાનર, રીંછ જાતિની સહાય લે છે જ. માત્ર મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો પ્રાણીઓની કે દેવોની મદદ લેતા નથી. હા, પાંડવોના પક્ષે ગીતાકાર કૃષ્ણ છે, અને તેમની સહાયથી જ તેમણે અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. કેટલીક પ્રાકૃતિક ઘટનાઓને વેદમાં જુદી રીતે જોવામાં આવી છે. સૂરજ વાદળ તળે ઢંકાઈ જાય એ ચિત્ર સાર્વત્રિક છે. ઋગ્વેદની એક ઋચા એમ કહે છે કે ઇન્દ્રે વજ્ર ફેંકીને વાદળોને ચીર્યાં અને એટલે સૂર્ય બહાર આવ્યો, અંધકારનો નાશ થયો. વિજ્ઞાન કહે છે કે સૂર્ય અને પૃથ્વી જે અંતરે છે તે અંતરને કારણે જ પૃથ્વી પર જીવસૃષ્ટિ શક્ય બની. સૂર્યને કારણે જ પૃથ્વી પર સંસ્કૃતિઓ ટકી, કૃષિસંસ્કૃતિ સૂર્યને કારણે. જલનો એક પર્યાય જીવન છે, જલ વિના અહીં કશું જ શક્ય ન બને. વળી ભારતની પ્રાકૃતિક ભૂગોળ જોઈશું તો અહીં ત્રણ ઋતુ છે, દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોને બાદ કરીએ તો અહીં બારે માસ વરસાદ પડતો નથી. વળી, ચોમાસા દરમિયાન જે વરસાદ પડે તે પણ અનિયમિત. ઋગ્વેદથી માંડીને મધ્યકાળ સુધી, અર્વાચીન કાળ સુધી ભારતમાં લાખો લોકોનાં મૃત્યુ દુકાળમાં થયાં. વેદમાં પણ વચ્ચે વચ્ચે ઉલ્લેખો આવશે કે બાર બાર વરસનો દુકાળ પડ્યો. (જુઓ — દેવાપિ અને શંતનુની કથા) આ પરિસ્થિતિને કારણે અહીંના લોકો સૂર્ય, ઇન્દ્ર, વરુણને પ્રાર્થે એ સ્વાભાવિક છે, યજ્ઞયાગાદિનાં મૂળ પણ અહીં જોવા મળશે. નદીનાળાં છલકાય એમાં ભારતીય ઋષિઓએ ઇન્દ્રને કારણભૂત માન્યા. સાથે જ આપણને કઠે એવી વિગતો પણ જોવા મળશે. દા.ત. ઇન્દ્રે કૃષ્ણાસુરની સ્ત્રીઓને મારી નાખી એવી એક ઋચા પણ છે. (ઋ. ૨.૨૦.૨) એક ઋચામાં તો અસુરોની સ્ત્રીઓ નદીમાં ડૂબી જવી જોઈએ એમ પણ કહેવાયું છે. વળી શત્રુઓના હાથપગ કાપી નાખવા જેવી નિર્દયતા પણ દેવલોકોએ આદરી હતી. એક સ્થળે ઋષિ કહે છે, ‘હે ઇન્દ્ર, સહાયક વિનાના સુશ્રવસ રાજા સામે લડવા ઊભેલા વીસ રાજાઓને તથા એમના સાઠ હજાર નવ્વાણુ સૈનિકોને રથના ચક્રથી મારી નાખ્યા. (ઋ.૧. ૫૩.૯’) રથના ચક્રનો ઉલ્લેખ આપણને મહાભારતના યુદ્ધ સુધી લઈ જાય છે. ત્યાં શ્રીકૃષ્ણ રથના ચક્ર વડે કૌરવોનો સંહાર કરવા — ખાસ તો ભીષ્મનો — દોડ્યા હતા. ‘દભીતિના કલ્યાણ માટે ત્રીસ હજાર વીરોને મારી નાખ્યા.’ (ઋ.૪.૩૦.૨૧) આપણે એટલું તો સ્વીકારી લઈશું કે આ બધી મોટી મોટી સંખ્યાઓ અતિશયોક્તિપૂર્ણ હતી (સરખાવો — સગર રાજાને સાઠ હજાર પુત્રો હતા). દાનવો નદીઓના કિનારા તોડી નાખે ત્યારે ઇન્દ્ર એ કિનારા સરખા પણ કરે. અહીં સમસામયિક ઘટનાઓને જુદી રીતે પ્રયોજવામાં આવી છે. દા.ત. નર્મદાશંકર-દલપતરામના સમયમાં વિધવાવિવાહનો પ્રશ્ન બહુ ચગ્યો હતો. પરંપરામાં વિધવાવિવાહનો નિષેધ કરવામાં આવ્યો છે એવી દલીલો અવારનવાર થતી હતી. પણ- છેક વેદ-ઉપનિષદના કાળમાં જઈએ તો? અહીં સતી થવા નીકળેલી સ્ત્રીને સંબોધન કરવામાં આવ્યું છે — ‘હે નારી, તું જીવિત લોકોનો વિચાર કરીને અહીંથી ઊભી થા. પતિ મૃત્યુ પામ્યો છે. એની પાસે તું નિરર્થક સૂતી છે. અહીં આવ. પાણિગ્રહણ કરનાર, તારા પતિના સંતાનને ધ્યાનમાં રાખીને તું એની સાથે રહે’. આ પ્રાચીન સાહિત્યમાં સમાજનું પ્રતિબિંબ પણ જોવા મળશે.દા.ત. યમ-યમી સંવાદમાં સામાજિક વિષમતા જોઈ શકાય છે. યમી આગ્રહપૂર્વક પોતાના સહોદર યમ સાથે શરીરસંબંધ બાંધવા માગે છે, પણ યમ તેનો અસ્વીકાર કરે છે. એવી જ રીતે કચ અને દેવયાની કથામાં કચ દેવયાનીને ગુરુપુત્રી ગણીને બહેન માને છે. દેવયાની જ્યારે કચ આગળ પોતાનો પ્રણય જાહેર કરે છે ત્યારે કચ એનો અસ્વીકાર કરે છે. વળી દરિદ્રતા તો કોને ગમે? મધ્યકાલીન કવિ કહે છે કે નિરધન નર કાં સરજીઆ. એટલે ઘણી બધી ઋચાઓમાં દેવતાઓ પાસે ધનની યાચના કરવામાં આવી છે. ઋગ્વેદનો પ્રારંભ કરનાર ઋષિ મધુચ્છંદા તો વિશ્વામિત્રના સો પુત્રોમાંના એક હતા, તેઓ ધનની ઇચ્છા કરે છે, ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ સોમવલ્લીની આશામાં ને આશામાં ઋષિ પાસે સોમવલ્લી યાચે છે! ક્યારેક ધનની લાલચ મનુષ્યોને પરવશ બનાવી દે છે, ઋગ્વેદની એક ઋચા(૧.૧૧.૬)માં ઋષિ કહે છે, ‘અમે ફરીથી આપની પાસે આવ્યા છીએ.’ અહીં ‘ફરીથી’ શબ્દ દ્વારા સૂચવાયું છે કે આ તો Return of the prodigal son જેવી વાત છે. (વિશેષ માટે જુઓ વેદોપદેશ ચંદ્રિકા, સ્વામી ગંગેશ્વરાજંદજી મહારાજ) આમ છતાં જીવનનિર્વાહ માટે ધન તો જોઈએ છે. એરિસ્ટોટલે કહ્યું હતું કે વિદ્વાનો ધનવાનોને ત્યાં ઉમરા ઘસે છે. વેદ પણ એમ કહેશે કે ધન આપનારાઓની નિંદા કદી નહીં કરવી. (ઋ.૧.૫૩.૧) એ સમયે પણ સિંચાઈ થતી હોવી જોઈએ એવો નિર્દેશ પણ અહીં જોવા મળે છે. ગૌતમ ઋષિને પાણી પૂરું પાડવા માટે કૂવાને ઊંચો કરી પાણી વહેવડાવવામાં આવ્યું હતું. વળી ક્યારેક સ્વાર્થ ખાતર કે પરમાર્થ ખાતર પાપ થઈ જતાં હોય છે, પણ એ પાપ બદલ ક્ષમા યાચવામાં આવે છે. (ઋ.૧. ૯૭-૧-૩) તો ક્યારેક ક્રૂર વ્યક્તિઓને કશો જ પશ્ચાત્તાપ થતો નથી.