ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકારાદિ અને વ્યંગ્યાર્થ
૫. અલંકારાદિ અને વ્યંગ્યાર્થ :
કેટલાક લોકો કહે છે કે કાવ્યને જે કાંઈ શોભાવતું હોય તેને ગમે તે નામ આપો, પણ તે ગુણ કે અલંકારમાં આવી જ જવાનું. સમાસોક્તિ, પ્રેયસ્, રસવત્ જેવા અલંકારો વસ્તુધ્વનિ કે રસધ્વનિ પર આધારિત છે જ; પણ વ્યંગ્યાર્થનું ક્ષેત્ર એટલું બધું વ્યાપક છે કે અલંકારરૂપે એનું વર્ગીકરણ કરવું અસંભવિત છે. ગુણ, રીતિ એટલે તો કાવ્યદેહનું સૌન્દર્ય, જ્યારે ધ્વનિ તો કાવ્યનો આત્મા છે. એ બંનેને ભેળવી દઈ શકાય. નહિ. આથી જ તો આનંદવર્ધન રમણીના અવયવસૌન્દર્યથી અતિરિક્ત એવા લાવણ્ય સાથે કાવ્યધ્વનિને સરખાવે છે ને?