ભારતીય કાવ્યસિદ્ધાંત/સ્થાયી અને સંચારી ભાવ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્થાયી ભાવ અને સંચારી ભાવ :

મનના ભાવો રસરૂપે પરિણમે છે એ ખરું, પણ મનના ભાવો તો અનંત છે; એ બધા રસરૂપ પામે છે એમ જો કહીએ તો ભારે અવ્યવસ્થા થઈ જાય. વળી મનના બધા ભાવો એકસરખા મહત્ત્વના કે ઉત્કટ નથી હોતા, તેમ એકસરખી રીતે આપણને આકર્ષી પણ શકતા નથી. આથી આલંકારિકો મનના ભાવોના સ્થાયી ભાવ અને સંચારી ભાવ એવા બે વર્ગો પાડે છે અને સ્થાયી ભાવોની જ રસરૂપે પરિણતિ થાય છે એમ કહે છે. ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ આઠ સ્થાયી ભાવો ગણાવે છે : રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય. એ સ્થાયી ભાવો કાવ્યસામગ્રીના બળે આસ્વાદ્યતા પ્રાપ્ત કરે, ત્યારે અનુક્રમે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસ નિષ્પન્ન થાય. શાન્ત રસ નાટકમાં આકર્ષક ન નીવડે એવી માન્યતાથી એને ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં ગણાવવામાં આવેલ નથી. પણ ઘણા કાવ્યશાસ્ત્રીઓ એનો સ્વીકાર કરે છે અને શમ અથવા નિર્વેદને એનો સ્થાયી ભાવ ગણાવે છે. સંચારી ભાવ તેત્રીસ ગણાવવામાં આવ્યા છે.૧[1] પણ તે સિવાય પણ બીજા ભાવો હોઈ શકે અને તેત્રીસ ઓછામાં ઓછી સંખ્યાની મર્યાદા છે એમ કહેવામાં આવ્યું છે. ભાવોના આ વર્ગીકરણ પરત્વે આલંકારિકોની દૃષ્ટિ કંઈક આવી છે : આમ તો મનોવૃત્તિ તરીકે કોઈ પણ મનોવૃત્તિ હમેશ પ્રગટરૂપે ટકતી નથી. પણ જે સ્થાયી ભાવો છે, તે તો સંસ્કારરૂપે – સતત પ્રવાહરૂપે આપણા મનમાં સ્થિર હોય છે, જ્યારે સંચારી ભાવોનું અસ્તિત્વ તો ક્ષણિક જ હોય છે. એ તો કોઈ સ્થાયી ભાવના પરિણામરૂપે કે સહકારીરૂપે જ આવે છે અને જાય છે. આથી જ એને સંચારી કે વ્યભિચારી ભાવ કહે છે. સ્થાયી ભાવ તે જાણે સમુદ્રરૂપ છે અને સંચારી ભાવો મોજાંરૂપે ઉદ્બુદ્ધ થઈ એમાં જ પાછા લય પામે છે – એ રીતે સ્થાયી ભાવ અને સંચારી ભાવના સંબંધનું વર્ણન કરવામાં આવે છે. એટલે કે સંચારી ભાવોને સ્વતંત્ર અસ્તિત્વ નથી. સંચારી ભાવો બીજા કોઈ ભાવના પરિણામરૂપ હોય છે, એમને સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી એવો અભિપ્રાય રજૂ કરતાં શ્રી રા. વિ. પાઠક કહે છે કે ‘ચિંતા શા માટે થઈ, એના કારણ તરીકે પ્રેમ બતાવી શકાય, પણ પ્રેમ શા માટે થયો તે પૂછી ન શકાય, કારણ કે પ્રેમ સ્થાયી છે.’૨[2] પણ શ્રી પાઠકના અભિપ્રાયની મર્યાદા પણ ધ્યાનમાં રાખવી જોઈએ. વ્યભિચારી ભાવો હંમેશાં કોઈ ને કોઈ ભાવોના પરિણામરૂપ હોય છે એ વાત સ્વીકારીએ તોયે એમાંથી એમ ફલિત ન થાય કે સ્થાયી ભાવો બીજા ભાવના પરિણામરૂપ કદી હોતા નથી. ઉદાહરણ તરીકે, શોકનો ભાવ પ્રેમ કે વાત્સલ્યને કારણે જ મોટે ભાગે જન્મે. ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ જ રસમાંયે શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સને મુખ્ય ગણાવે છે, જ્યારે હાસ્ય, કરુણ, અદ્ભુત અને ભયાનક શૃંગારાદિના અનુકરણ કે કર્મરૂપે પ્રગટ થાય છે એમ કહે છે. સ્થાયી ભાવો સંસ્કારરૂપે સ્થિર છે એમ કહેવાયું હોવાથી એમને કદાચ instinctive emotions – જન્મજાત ભાવો – ગણવાનું મન થાય. એ ભાવો વધારે વ્યાપ્ત છે એ વાત સાચી. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તો ગર્વ આદિ કેટલાક ભાવોને પણ કદાચ instinctive ગણી શકાય. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જ જોઈએ, તો જે તેત્રીસ વ્યભિચારી ભાવો ગણાવાયા છે તેમને પણ એક વર્ગમાં મૂકી શકાય તેમ નથી. તેમાં શંકા, ગર્વ, ત્રાસ, વિષાદ, હર્ષ, નિર્વેદ, ચિંતા જેવા પ્રાથમિક કે સંમિશ્ર ભાવો છે; ચપલતા, આવેગ જેવા ભાવની તીવ્રતા દર્શાવનાર આવેગો (impulses) છે ; મતિ, તર્ક અને સ્મૃતિ માનસિક જ્ઞાનાવસ્થાનાં સૂચક છે; શ્રમ, આલસ્ય, જડતા, નિદ્રા, ઉન્માદ, મરણ, વ્યાધિ આદિ શારીરિક અવસ્થાના સૂચક ભાવો પણ છે.૧[3] ખરી વાત એ છે કે સ્થાયી-સંચારી આ વર્ગીકરણને આજની વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવાનો બહુ અર્થ નથી. રસાનુભવને સમજાવવા માટેની એ થોડી તાત્ત્વિક અને થોડી સગવડભરી વ્યવસ્થા છે. કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ સ્થાયી-સંચારીનો ભેદ કરવો હોય, તો આસ્વાધતાની દૃષ્ટિએ જ થઈ શકે અને તેમાંય મતભેદને સ્થાન રહે. આચાર્ય રામચન્દ્ર શુક્લ સ્થાયી-સંચારી વચ્ચે એવો ભેદ કરે છે કે બીજાના આશ્રયે રહેલા સ્થાયી ભાવોનો આપણે આસ્વાદ કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ; જ્યારે બીજાના આશ્રયે રહેલા સંચારી ભાવોને આપણે જાણી શકીએ છીએ, એનો આપણે જાતે અનુભવ કરતા નથી.૧[4] આ જાતની વિચારસરણી પાછળ આસ્વાદ્યતાનો સિદ્ધાંત ખોટી રીતે લાગુ પાડવામાં આવ્યો હોય એમ લાગે છે; કારણ કે કાવ્યગત કોઈ પાત્ર શોક અનુભવે ત્યારે આપણે શોક અનુભવીએ છીએ, પણ એ ચિંતા અનુભવે ત્યારે આપણે ચિંતા ન અનુભવીએ એમ કહેવું અસંગત લાગે છે. સ્થાયી ભાવો જ રસદશાને પામે છે એ ખરું પણ રસદશા એટલે આસ્વાદ્યતા માત્ર નહિ, પણ આસ્વાદ્યતાનું પરિપૂર્ણ સ્વરૂપ અને એમાં પણ સંચારી ભાવોનું સહકારિત્વ હોય છે એ ભૂલવું ન જોઈએ, કેમ કે સંચારી ભાવોથી પુષ્ટ થયા વિના સ્થાયી ભાવ રસ દશાને પામતો નથી. સંચારી ભાવથી સ્થાયી ભાવ વધુ આસ્વાદ્ય છે એમ જ કહી શકાય; અને એનું એક કારણ સ્થાયી ભાવ કાવ્યસામગ્રીની વિપુલતાને અવકાશ આપે છે એ પણ છે. બાકી આલંકારિકોએ તો ઉત્તમ કાવ્યના રસાદિધ્વનિકાવ્ય એ પ્રભેદમાં વ્યંજિત વ્યભિચારી ભાવવાળા કાવ્યને ‘ભાવધ્વનિ’ને નામે સ્થાન આપ્યું છે, એટલું જ નહિ, પણ ત્યાં સ્થાયીનું સ્થાન ચાકરનાં લગ્નના વરઘોડામાં રાજા પાછળ ચાલે એ રીતનું પાછળનું ગણેલ છે. એક સ્થાયી ભાવ બીજા સ્થાયી ભાવના સંચારણનું કામ કરે એ સંભવ તો આલંકારિકોએ સ્વીકાર્યો છે અને આચાર્ય રામચન્દ્ર શુક્લ પોતે જ સ્થાયી ભાવ સંચારી ભાવનો સંચારી બનીને આવે એવો સંભવ સ્વીકારે છે અને મંથરાનું ઉદાહરણ આપતાં બતાવે છે કે ત્યાં ક્રોધ ઈર્ષ્યાનો સંચારી બનીને આવે છે. અને ‘ઑથેલો’ના ઈયાગોમાં ઈર્ષ્યા-વૈરનું જે નિરૂપણ થયું છે એ જોઈ એનું સ્વતંત્ર અસ્તિત્વ માન્ય નહિ રાખવું પડે? એને સ્થાયી ભાવની કોટિએ પહોંચતો ગણાવવાનું મન નહિ થાય? તે છતાં સ્થાયીસંચારીનું જૂનું વર્ગીકરણ નકામું છે એમ કહી શકાશે નહિ. ઓછામાં ઓછું એટલું કહી શકાય કે સ્થાયીરૂપે ગણાવાયેલા ભાવોની વાસના આપણા ચિત્તમાં વધારે ગાઢ અને ઊંડી હોય છે. પરિણામે એ ભાવો સહેલાઈથી રસદશાને પામી શકે છે એમાં શંકા નથી.


  1. ૧. નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, પ્રબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ અને વિતર્ક. (‘કાવ્યપ્રકાશ’) નિર્વેદને સ્થાયી તેમજ સંચારી બન્નેમાં ગણવામાં આવ્યો છે, તેનું સમાધાન એમ થઈ શકે કે જ્યારે તત્ત્વજ્ઞાનને કારણે નિર્વેદ ઉત્પન્ન થાય ત્યારે સ્થાયી ભાવ; અને ઈષ્ટ અનિષ્ટરૂપે પરિણમવાથી નિર્વેદ જન્મે તે સંચારી ભાવ.
  2. ૨. ‘આકલન’માં ‘મમ્મટની રસમીમાંસા’ : પૃ.૧૯
  3. ૧. શ્રી જ્યોતીન્દ્ર દવે : વિષ્ણુપદ ભટ્ટાચાર્યકૃત ‘સાહિત્યમીમાંસા’માંનો ‘રસમીમાંસાની પરિભાષા’ એ લેખ : પૃ.૨૨
  4. ૧. ‘રસમીમાંસા’ (હીન્દી) ; પૃ.૨૦૨-૨૦૩