ભારેલો અગ્નિ/૧૮ : વિપ્લવનો વિરોધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮ : વિપ્લવનો વિરોધ

શિવરાત્રિ અને તેનાં પારણાંના બંને દિવસે તરાપો એક પારથી બીજી પાર ફરતો રહેતો. એમાં બેસવા માટે પૈસા આપવા પડતા નહોતા. વિહાર ગામ ત્રણ-ચાર ખલાસીઓનું ખર્ચ ઉપાડી લેતું હતું. માત્ર શોખીનો ને જરૂરિયાતવાળાઓ જ સામે પાર જવાની ફુરસદ મેળવતા. મોટા ભાગના યાત્રાળુઓ તો નદીમાં સ્નાન કરી, ભૈરવનાથનાં દર્શન કરી, વિહાર ગામમાં જ ફરતા અને પાછા ચાલ્યા જતા. ક્વચિત્ સામે પારથી યાત્રાળુઓ આવતા તેમને તરાપો ખપ લાગતો. પરંતુ એ પાસ જંગલનો વધારે ભાગ હોવાથી યાત્રાળુઓની સંખ્યા એ તરફથી નહિ જેવી જ આવતી.

મહાવીર તરાપામાં બેસી ગયો. પરંતુ ગૌતમ અને કલ્યાણી ધ્યાનમુક્ત રુદ્રદત્તની પાસે ઊભાં રહ્યાં. અને તેમના આવવાની રાહ જોવાં લાગ્યાં. મહાવીરે તરાપાવાળાને હંકારવા સૂચના આપી; પરંતુ તરાપો ચલાવનાર એટલી બધી ત્વરા માટે તૈયાર નહોતો.

‘રાખો હમણાં; બાપજી આવે પછી જઈએ.’ તે બોલ્યો.

‘બાપજી કોણ?’ મહાવીર બોલી ઊઠયો.

‘પેલા પણે બેઠા છે તે.’

‘કોણ, રુદ્રદત્ત’

‘હા.’

‘એ વળી બાપજી થઈને બેઠા છે કે?’

ખલાસીને એ ટીકા ગમી નહિ. તેણે ચલમ ફૂંકવા માંડી, અને ધુમાડો મહાવીરના ભણી ધકેલવા માંડયો.

‘અલ્યા, ચલમ પીવી બંધ કર.’

‘કેમ? એમાં તમારું શું ગયું?’

‘ધુમાડો આવે છે તે જોતો નથી?’

‘એ તો આવે. દેવતા હોય ત્યાં ધુમાડો હોય અને ધુમાડો હોય ત્યાં દેવતા!’

‘બસ કર તારું ડહાપણ. તરાપો ચલાવે છે કે નહિ?’

‘ધુમાડો ન વેઠાય તો હેઠા ઊતરો.’

મહાવીર ગુસ્સે થઈ ગયો. ખલાસીને ઊંચકીને પાણીમાં ફેંકી દેવાની તેને વૃત્તિ થઈ. ખલાસીને ફેંકી દેવાની એ વૃદ્ધમાં શક્તિ હતી. જુસ્સો તો હતો જ; પરંતુ તેનો ઉપયોગ થાય તે પહેલાં તો રુદ્રદત્ત, ગૌતમ અને કલ્યાણી તરાપા તરફ આવવા લાગ્યાં.

‘આવ્યા, આવ્યા, ઉતાવળા ન થાઓ.’ ખલાસી બોલ્યો. તેણે ચલમ પીવી બંધ કરી.

‘ચાલ ભાઈ! ચાલ. તારા વગર તરાપો ચાલતો નથી.’

મહાવીરે રુદ્રદત્તને સંબોધીને કહ્યું.

રુદ્રદત્ત, કલ્યાણી અને ગૌતમ અંદર બેઠા.

‘મારા વગર કૈંક તરાપા ચાલવા શરૂ થઈ ગયા છે.’ રુદ્રદત્તે હસતાં હસતાં કહ્યું.

‘તું એકે તરાપામાં બેસે નહિ એટલે શું કરવું?’ મહાવીરે પણ હસીને જવાબ આપ્યો.

‘બધાય ડૂબે એવા લાગે છે. બેસીને શું કરું?’

‘તને જ ડુબાડી દેવો પડશે. ચાલ, જવા દે એ વાત. પેલો ફિરંગી કોણ કિનારે ફરે છે?’

‘એ તો અહીંના પાદરી છે. આજકાલમાં બદલાઈ જવાના છે.’

‘તારો દોસ્ત હશે?’

‘હા.’

‘ફિરંગીની દોસ્તી તારા જેવા શુદ્ધ બ્રાહ્મણ વગર કોણ કરે?’

‘હિંદુ અને મુસલમાન દોસ્ત બને તો હિંદુમુસલમાન ફિરંગીના પણ દોસ્ત કેમ ન બને?’

‘દોસ્ત બનીને તો તમે ફિરંગીઓને માલિક બનાવ્યા. જો ને, પેલો પાદરી છે છતાં દેશનો માલિક હોય એમ ડગલાં ભરે છે, અને આપણાં ટોળાં એને જગા આપે છે.’

ગૌતમ કાંઈ કહેવા જતો હતો એટલામાં રુદ્રદત્તની આંખ તેની સામે મંડાઈ. ગૌતમ શાંત રહ્યો. બધાંય શાંત રહ્યાં. પરંતુ મહાવીરનું મુખ અને તેની આંખો ક્ષણે ક્ષણે નવા નવા રંગ પ્રગટ કરતાં હતાં. વૃદ્ધાવસ્થામાં મુખ આટલું પારદર્શક રહી શકે એ નવાઈ જેવું લાગે. પરંતુ મહાવીરને પિછાની રહેલાં રુદ્રદત્તને નવાઈ ન લાગી.

કંપની સરકારનો વિરોધ કોને હતો? સત્તાહીન બનેલા બાદશાહ નવાબને; રાજ્યહીન બનેલા રાજારજવાડાં અને જમીનદારોને. પરંતુ એ સત્તાહીન અને રાજ્યહીન બનેલા વર્ગની સામે કંપની સરકારે પોતાનો આશ્રય આપી સ્થિર બનાવેલા કંઈ કંઈ રાજાઓ અને નવાબો હતા. મૂળ વડની એ બધી વડવાઈઓએ જમીનમાં મૂળ નાખી સ્વતંત્ર જીવન જીવવું શરૂ કરી દીધું હતું. અસલ વડ-જીર્ણ વડ ભાંગેતૂટે કે છેદાય તેની હવે તેમને પરવા નહોતી. ઊલટું, તેમને વિસ્તારનો માર્ગ મળે એમ હતું; વિસ્તાર ન મળે તો મૂળ વડની ચુંગાલમાંથી તે છૂટે એમ હતું. પેશ્વા જતાં ગાયકવાડનું એક જૂનું બંધન તૂટતું હતું; અને બાદશાહ જતાં નિઝામની એક સાંકળ તૂટતી હતી.

એ બંધન – એ સાંકળ તૂટતાં સહુને એક ચૂડે બાંધતી કંપની સરકારની નાગચૂડ એટલી સુંવાળી લાગતી હતી કે એ સુંવાળાશ સહુને આવકારદાયક લાગી. રાજ્ય સ્થિર થાય. તાત્કાલિક તાબેદારી અદૃશ્ય થાય, અને બાદશાહ કે પેશ્વાનું ભારણ માથે રહે નહિ; મોજશોખનાં સાધનો મળે, યુદ્ધ અને મુત્સદ્દીગીરીની દેહ તથા મનને કષ્ટ આપતી જંજાળોમાંથી મુક્તિ મળે, અને રૈયતનો વિશેષ બૂમાટો ન થાય ત્યાં સુધી કોઈ પૂછનાર ન મળે એવી સગવડભરી, રક્ષિત, સરળ, સુખમય, અતંત્ર સ્થિતિ દેવોને પણ માગ્યે ન મળે! એ સ્થિતિ કંપની સરકારે હિંદના રાજ્યકર્તાના – મૂળ રાજ્યકર્તાના માત્ર નોકરોને – માટે ઉપજાવી. એ સ્વર્ગીય જાળમાંથી સ્વાતંત્ર્યની કંટક ભરેલી કેડીએ જવા કર્યો મૂર્ખ રાજ્યકર્તા આગળ આવે? એવી ઇચ્છા હોત તો કંપની સરકારનું મૈત્રીની પરિમલ ફેલાવી માલિકી સ્થાપતું સાર્વભૌમપણું કોઈએ સ્વીકાર્યું જ ન હોત!

આથી તાત્યાસાહેબ સાથે ન જોડાયેલા રુદ્રદત્ત મહાવીર સાથે પણ ન જોડાયા. રુદ્રદત્તને મહાવીરે એક વધારાની લાલચ બતાવી. નિર્માલ્ય રાજઓ ભલે વિપ્લવથી દૂર રહે; પરંતુ કંપની સરકારનું રાજ્ય સ્થાપી આપનાર સૈન્ય કંપની સરકારની સામે થવા એકે પગે થઈ રહ્યું હતું.

પરંતુ તેમાં રુદ્રદત્તની ના જ હતી. કંપનીને કાઢી બાદશાહો કે પેશ્વાઓ ઉપજાવવા હોય તો હિંદના ઇતિહાસમાં એનું એ આવર્તન થાય એમ જણાયું. બાદશાહો અને છત્રપતિઓથી હિંદી આગળ જાય તો જ કંપની સરકારને કાઢવામાં કાંઈ પણ અર્થ રહેલો હતો એમ તેમને લાગ્યું. વૈદિક શબ્દો ‘પ્રજાપતિ’માં તેમને નવો અર્થ જડયો. પ્રજા રાજ્યનું સ્વામિત્વ ધારણ કરે એ કલ્પના તેમના હૃદયમાં જાગૃત થઈ. એ અભ્યાસનું પરિણામ હોય. અનુભવનું પરિણામ હોય કે પશ્ચિમના અનુકરણનું પરિણામ હોય! એ કલ્પના જાગતાં બરોબર તેમણે તે ફેલાવવા પ્રયાસ કર્યો. પરંતુ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં હિંદી જનતા એ કલ્પનાને સમજી ન શકી – ઓળખી ન શકી. બાદશાહો એ રાજાઓથી ટેવાયેલી પ્રજાને પ્રજાસત્તા એ ન સમજાયય એવી ઇંદ્ર જાળ લાગી. રુદ્રદત્તે શાંતિ ધારણ કરી કંપની સરકારના સહવાસમાંથી એ કલ્પના સત્ય નીવડવાનું સ્વપ્ન તેમણે સેવ્યું. એટલે મહાવીરની દલીલ પણ તેમને પિગળાવી શકી નહિ.

પરંતુ તાત્યાસાહેબ અને મહાવીર રુદ્રદત્ત સરખા નિર્લેપ બની ગયેલા સાધુમાં રહી ગયેલું માનવતાનું – સ્વામી માનવતાનું એક મર્મસ્થાન પિછાની ગયા હતા. ગૌતમ અને ત્ર્યંબક તેમના પુત્ર બની રહ્યા હતા; કલ્યાણી તો તેમની પૌત્રી હતી જ. જગત સાથે યોગીને જોડતી આ સાંકળો ખેંચ્યે યોગી ખેંચાશે કે કેમ તેનો અખતરો તેમને કરી જોવો હતો. બંનેએ એ અખતરો કર્યો. પરંતુ એ યોગી ખેંચાયો કે નહિ તેની એમને સમજ ન પડી. મહાવીર અને સૈયદ અઝીઝ વિપ્લવની યોજના ફેલાવામાં હતા. અગમ્ય રુદ્રદત્તને એ યોજનામાંથી બાતલ રાખવાની તેમની ઇચ્છા હતી. પરંતુ રુદ્રદત્તે તેમની ગુપ્ત મંત્રણામાં હાજરી આપી. અને જોકે યોજનાની પૂરી વિગતો જાહેર થાય તે પહેલાં તેમણે સ્થાન છોડયું, છતાં મહાવીરને ખાતરી થઈ કે રુદ્રદત્ત બધી વિગતો જાણતા જ હોવા જોઈએ.

ગૌતમ અને કલ્યાણીના વાર્તાલાપમાં મહાવીરને એક મુદ્દો મળી આવ્યો. કલ્યાણી ગૌતમને ચાહતી હતી. કલ્યાણી ગૌતમ સાથે લગ્ન કર્યા વગર રહેશે નહિ. ગૌતમ અને કલ્યાણી પરણી જાય તો રુદ્રદત્ત ગૌતમની પાછળ ખેંચાય? કોણ જાણે કેમ આખું વિપ્લવવાદી મંડળ રુદ્રદત્તના જોડાણની આતુરતાથી વાટ જોતું હતું.

તરાપો કિનારે અટક્યો. ત્ર્યંબક કંઈથી નીકવી આવ્યો અને તરાપાને પકડી ઊભો. ત્ર્યંબકના ભાવમાં ગુરુભક્તિ વિશેષ હતી કે કલ્યાણી પ્રત્યેનો પ્રેમ વિશેષ હતો તેની ત્ર્યંબકને જ ખબર નહોતી. કલ્યાણી અને ગૌતમ તરાપામાંથી પ્રથમ ઊતર્યાં. પાદરી તેમના ભણી આવવા લાગ્યો.

‘એ ગોરાને જોઈ મને કંઈક થઈ આવે છે.’ મહાવીરથી બોલાઈ ગયું.

‘હવે ચાલ તું. પેલો ત્ર્યંબક તરાપાને પકડી રહ્યો છે.’ રુદ્રદત્તે કહ્યું.

‘પણ થોડા જ દિવસ રહ્યા છે!… નામનિશાન નહિ રહે!’ મહાવીર ઊતરતે ઊતરતે બોલ્યો.

પાદરી પાસે જ આવી રહ્યો હતો. રુદ્રદત્તને તેણે નમસ્કાર કર્યા.

‘હિંદુઓની પર્વણીનું નિરીક્ષણ કરતો હતો.’ જૉન્સને કહ્યું.

‘જાણે જંગલી જાનવરોનું પ્રદર્શન જોતો હોય!’ મહાવીર બબડયો; જૉન્સને તે સાંભળ્યું નહિ.

‘ધર્મ એ કેટલું જબરું બળ છે!’ જૉન્સને કહ્યું.

‘ખરું કહો છો, મહાશય! માત્ર એ બળ હિંસા ન પ્રેરતું હોય તો કેવું?’ રુદ્રદત્તે કહ્યું.

‘મને લાગે છે કે અમે ખ્રિસ્તીઓ ભીંત ભૂલ્યા છીએ. ઈસુ વગરનો ખ્રિસ્તી ધર્મ અમે પાળીએ છીએ.’

‘બધાય ધર્મનું એમ જ છે. હું મારા એક જૂનામાં જૂના મિત્રને ઓળખાવું. આ મહાવીરસિંહ.’ રુદ્રદત્તે ઓળખાણ કરાવી.

‘જૂનું નવું પરાયું, પોતાનું આપનામાં ભળી રહે છે.’

મહાવીરને આ ઓળખાણ બહુ અનુકૂળ પડી નહિ. તેણે જરાય ઉમળકો બતાવ્યા વગર પાદરી સામે જોયું. તેની દૃષ્ટિમાં અણગમો સ્પષ્ટ હતો. પાદરીને છોડીને બધા આગળ ચાલ્યાં. રુદ્રદત્તે કહ્યું :

‘મહાવીર! વિપ્લવ જગાડતાં પહેલાં જીભને બંધનમાં નાખવી જોઈએ, એ તને કહેવું પડશે?’

‘એમ જ કરીએ છીએ. તારા જેવો જાણી જાય એ જુદી વાત. અમારી વાણીને વાચા નથી.’

‘ભૂલ થાય છે. તરાપામાં તું કેટલું બોલી ગયો?’

‘સાથે તમે જ બધાં હતાં. પછી બોલવાની હરકત શી!’

‘અમારા સિવાય કોઈ જ નહોતું?’

‘અલબત્ત નહિ.’

‘ત્યારે તમારા વિપ્લવને આંખ પણ નથી!’

‘ન સમજાયું. મારી આંખ ખુલ્લી હતી. જાણકાર વગર બીજું કોઈ જ નહોતું.’

‘તું એક જણને ભૂલી જાય છે.’

‘કોને? તને? તું હજી વિરોધી નથી.’

‘હું હોઉ પણ ખરો. જે તમારા પક્ષમાં નહિ તે તમારા વિરોધી જ ગણાય. છતાં મારા ઉપરાંત બીજું કોઈક હતું.’

‘બીજું તો કોઈ દેખાયું નહિ. હા, પેલો ખલાસી હતો, મૂર્ખ જેવો. પણ એને આપણી વાત સાથે લેવાદેવા નથી.’

‘એ જ ભૂલ થઈ છે. ખલાસીને તું મૂર્ખ વેઠિયો માને છે, પણ એ તો એક ભયંકર જાસૂસ છે.’

‘જાસૂસ!’ મહાવીર ચમક્યો. બધાંય ચમક્યાં. ખલાસી જાસૂસ શી રીતે હોય? રુદ્રદત્તને બાપુજી કહી સંબોધનાર ખલાસી શું જાણીતો માણસ ન હતો? રાત્રે તરાપો ભાડે રાખ્યો તે એક જાસૂસ પાસેથી? એણે વિપ્લવકારી ટોળીને ઓળખી રાખી હશે?’

‘પણ હરકત નહિ. કંપની સરકાર સત્તાના નશામાં એટલી મસ્ત રહે છે કે તેને જાસૂસોની ખબર લાગતી નથી. એટલે આ જાસૂસની જાસૂસી વૃથા છે.’ રુદ્રદત્તે કહ્યું.

મહાવીર ઊછળ્યો. તેના વૃદ્ધ દેહમાં સિંહની ચપળતા આવી ગઈ. ગૌતમનો ખભો ઝાલી તેણે કહ્યું :

‘ગૌતમ! ધ્યાનમાં રાખ. વિપ્લવના વિરોધીઓને આજથી અદૃશ્ય કરવાના છે. પહેલવહેલી તને જ આજ્ઞા!’

‘રુદ્રદત્ત વિપ્લવનો વિરોધી હોય તો તેને પણ.’ રુદ્રદત્તે ગાંભીર્યથી કહ્યું. મહાવીરને લાગ્યું કે રુદ્રદત્ત ગાંભીર્યમાં હસે છે. તેણે કહ્યું :

‘હા, હા. ભલે ને એ વિરોધી રુદ્રદત્ત હોય? ભાવના કરતાં માનવી મોટો નથી; આદર્શ કરતાં સગપણ અને પૂજ્યભાવ ચડિયાતાં નથી. જરૂર પડયે. રુદ્રદત્તને પણ રહેંસી નાખજે!’