ભારેલો અગ્નિ/૫ : વધુ પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫ : વધુ પરિચય

છે ખાક આલમ મોતની
તે ભૂકી મહીં આશાભારી
લાગી લાય ભસ્મમહીં ફરી,
ધૂણી આગ વિણ ધીખી રહી.
કલાપી

‘હું ત્ર્યંબકને મારી સાથે લઈ જઈશ.’ પાઠશાળામાં પેસતાં જ તાત્યાસાહેબે કહ્યું.

‘ભલે! અમે બધા જ શ્રીમંતના છીએ.’ રુદ્રદત્તે જવાબ આપ્યો.

કલ્યાણી પાસે જ હતી. એક પણ સોબતી પાઠશાળામાંથી ખસે એ તેને ગમતું નહિ. શિક્ષણક્રમ પૂરો કરી પોતાને દેશ પાછા જતા શિષ્યો માટે કલ્યાણી આંસુ ઢાળતી. રુદ્રદત્તની વિદ્વતા અને પવિત્રતાની છાપ સાથે કલ્યાણીના સ્નેહભર્યા સ્વભાવની છાપ પણ પ્રત્યેક વિદ્યાર્થી ઉપર પડતી. એ નિર્દોષ હરિણી સુહને પ્રિય હતી.

ત્ર્યંબક તેનો બાળમિત્ર! ત્ર્યંબકને બહુ બોલવાની ટેવ નહોતી. એ ખરું. પરંતુ કલ્યાણી જેટલું બોલે એટલું સાંભળવાની ટેવ તેને પડી હતી. બાળપણથી અત્યાર સુધી અનેક અનેક વાતો, કલ્પનાઓ, યોજનાઓ અને આશાઓ કલ્યાણીએ ત્ર્યંબકને સંભળાવી હતી. એ મિત્ર બની ગયેલા ત્ર્યંબકને કોઈ લઈ જાય એ કલ્યાણીને કેમ ગમે?

ત્ર્યંબકને કલ્યાણીની મુખરેખા ગમી. પોતે જશે એ કલ્યાણીને ગમવાનું નથી એની તેને ખાતરી થઈ. તેણે જવાનો દૃઢનિશ્ચય કરી લીધો કલ્યાણી ગૌતમને તેની ગેરહાજરીમાં કેટલો બધો યાદ કરતી હતી? પોતાને પણ ગેરહાજરીના કારણે તે ઘણો જ યાદ કરશે એ વિચાર આવતા તે પ્રસન્ન થયો.

મહેમાનોની સાદી ભાવભરી સરભરા રુદ્રદત્તે કરી અને સહુને જમાડયા. ઊંચેથી પીરસતી કલ્યાણીની તાત્યાસાહેબે મશ્કરી કરી :

‘બહેન! હું પણ બ્રાહ્મણ છું, હોં.’

‘મારે તો આખા જગતને બ્રાહ્મણ બનેલું જોવું છે.’ રુદ્રદત્તે હસીને કહ્યું.

‘એ ખોળવા માટે જ આપે જગતપરિક્રમા કરી હશે, ખરું?’ તાત્યાસાહેબે સામું પૂછયું.

‘હં.’ કહી રુદ્રદત્તે ઉત્તર આપ્યો નહિ.

પરંતુ આસપાસ સહુને કુતૂહલથી થયું. ગુરુની ખ્યાતિ હિંદભરમાં તો હતી; પરંતુ ગુરુએ પૃથ્વીની પરિક્રમા કર્યાની ઊડતી અસ્પષ્ટ કથા આમ સ્પષ્ટપણે ઉચ્ચારાતી સાંભળતાં શિષ્યવર્ગ આશ્ચર્યમગ્ન થઈ રહ્યો.

‘દાદાજી! એ વાત તો મને પણ કરી નથી.’ કલ્યાણીથી રહેવાયું નહિ એટલે તેણે ફરિયાદ કરી.

‘એમાં કાંઈ કહેવા જેવું નથી. હિંદુઓને યાત્રાની નવાઈ શી?’ રુદ્રદત્તે કહ્યું.

‘યાત્રાની નવાઈ નહિ, પણ દરિયો પાર કરવાની તો ખરી ને?’

‘ના, ના. જાવા અને ચીન સુધી તો ગુજરાતના ખલાસીઓ રોજ જતા. મશક્કારીફની હજ પણ મુસલમાનોને નવાઈનો નથી. જંગબાર તો આપણાં આંગણાં સરખું છે. અને કદાચ તું જાણતી નહિ હોય, પણ ફિરંગીઓને હિંદનો રસ્તો આફ્રિકા ગયેલા એક ગુજરાતીએ જ બતાવ્યો હતો.’

‘એ ગુજરાતીનો આપણે ભારે ઉપકાર માનવો જોઈએ.’ તાત્યાસાહેબે ટીકા કરી. ફિરંગીઓએ ખૂંચવી લીધેલી પેશ્વાઈના વારસનો વકીલ ગુજરાતીના એ કૃત્યને વ્યંગમાં વખાણી શકે!

‘જુઓને, રાવસાહેબ! એ તો જૂનો ઇતિહાસ. શિવાજી મહારાજ જન્મ્યા તેના સવાસો વર્ષ પહેલાંનો એ બનાવ.’

છત્રપતિ શિવાજીએ સ્થાપેલું મહારાજ્ય હિંદુપદ પાદશાહીના સ્વપ્ન તરીકે પેશ્વાઓએ આખા હિંદમાં વિસ્તાર્યું. છતાં વ્યાપારી તરીકે આવેલી ફિરંગી જાતોએ તેને ઉથલાવી પાડયું. આખો ઇતિહાસ નજરતળે લાવવાનો રુદ્રદત્તના વાક્યમાં હેતુ હતો; પરંતુ ટોપેએ એ વાક્યમાં જુદો જ અર્થ વાંચ્યો અને કહ્યું :

એક ગુજરાતી ઉત્તરમાંથી મુસલમાનોને લાવ્યો. અને બીજો ગુજરાતી દક્ષિણમાંથી ફિંરગીઓને લાવ્યો. ગુજરાતે દેશની સારી સેવા કરી!

‘ગૌતમથી આ મહેણું સહન થઈ શક્યું નહિ. તેના કપાળ ઉપર કરચલી વળી. તેનાથી બોલાઈ ગયઃં

‘સ્ત્રીઓના શિયળ ભંગ કરનાર નૃપતિઓ જન્મે એટલે તેમનાં રાજ્ય નષ્ટ થાય જ. માધવે મુસલમાનોને ન બોલાવ્યા હોત તોપણ…’

‘ગૌતમ! વડીલ સાથે વાદવિવાદ ન થાય. ગુજરાતનો દોષ હશે તો તેનું નિવારણ કોઈ ગુજરાતીના જ તપથી થશે.’ રુદ્રદત્તે કહ્યું.

‘ગૌતમ ઠીક કહે છે. હમણાં તો આખો દેશ નમાલો બની બેઠો છે.’ તાત્યાસાહેબ બોલ્યા.

આ વાત આગળ ચાલી નહિ. તે વખતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર હિંદ આજ આપે કલ્પી શકીએ તે કરતાં વધારે નિકટ હતાં. સૈન્યની અવરજવર, મુત્સદ્દીઓની મસલત અને દક્ષિણ રાજ્યોના, ઠેરઠેર વેરાયેલા ટુકડા એક જાતની એકતા સાધી શક્યાં હતાં. વિદ્વાનો, શાસ્ત્રીઓ અને મુનશીઓ સરકારની આપલે સારી રીતે કર્યે જતા હતા. આગગાડીથી ઘણા લાભ થયા છે એ ખરું. પરંતુ સ્થળાંતરનો આગગાડીએ ઊભો કરેલો ભ્રમ તે વખતે નહોતો. આજના ગુજરાતીને ગોકુળ-મથુરા પહોંચતાં પૂરા ચોવીસ કલાકે નહિ થતા હોય એ ખરું; તથાપિ ચૌદ દિવસે પગરસ્તે ત્યાં પહોંચતા ગુજરાતીને આખા રસ્તાનો અને રસ્તે વસતા લોકોનો જેવો નિકટ પરિચય તે સમયે થતો તેવો આજની ઝડપમાં થવો શક્યો નથી. લશ્કરો લઈ જવા લાવવા માટે યોજાયેલી મુખ્ય મથકોને જોડતી આગગાડીએ જેમ અંતરના ભ્રમ ઊભા કર્યા છે તેમ લોકપરિચયનાં સાધનો ઉપરછલાં બનાવી દીધાં છે. ભરૂચ અને ભાવનગર સામસામે આવેલાં હોવા છતાં આગગાડીનો ચકરાવો બંને નગરવાસીઓને દૂરપણાનો ખ્યાલ આપે છે; એટલું જ નહિ, પણ ખંભાતના અખાતને પણ અજાણ્યો બનાવી દે છે. પૂના, સતારા, વડોદરા, નાગપુર, ઇન્દોર, ગ્વાલિયર, આગ્રા, દિલ્હી, કાશી અને પ્રયાગ એ બધાં શહેરો જીવતાં એ પરસ્પર સંકળાયેલાં હતાં. રોજ ખેપિયાઓ ચિઠ્ઠી, રુક્કા અને હૂંડીઓ લઈ જતા હતા. અને શાહુકારોની પેઢીઓ બધે સ્થળે વેરાયેલી હતી. ધર્મિષ્ઠ ધનિકોએ બાંધેલ વાવ, કૂવાઓ, વિસામા, ધર્મશાળા અને સરાઈઓ મુસાફરીની અગવડ ઓછી કરી નાખતાં હતાં. જીવન્ત ગ્રામમંડળો સલામતી માટે એક ગામથી બીજે ગામ જવા માટે વળાવા અને રખાઓ પૂરા પાડતાં. આજની સગવડો તે વખતે નહોતી એથી તે સમયની પ્રજાનું જીવન દુઃખમય અને ભયભર્યું જ વ્યતીત થતું હશે એમ માનનાર મોટી ભૂલ કરે છે.

જમી રહ્યા પછી તાત્યાસાહેબને સૂવાની સગવડ સહુએ કરી આપી. પરંતુ એ મહાચંચળ તેજસ્વી પુરુષની આંખ મીંચાતી નહોતી. તોપને મુખે બંધાઈ ટુકડેટુકડે થઈ જવા સર્જાયેલા તેના દેહનો અણુ અણુ જાગૃત હતો. સૂવાને બદલે તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતો કરવા માંડી. કોઈની પાસે કુટુંબીઓનું વર્ણન માગ્યું. અને કોઈને તેના ભાવિજીવનની રૂપરેખા દોરવા પ્રેર્યો. એમાંથી તેને એક જ તત્ત્વ તારવી કાઢવું હતું : સાહસ અને યુદ્ધનો શોખ કોઈનામાં છે કે નહિ. જેનામાં એ શોખ દેખાય તેના હૃદયમાં દેશદાઝનો ભડકો પ્રગટાવવો.

આશ્રમમાં સહુ ધારતા હતા કે પાછલે પહોરે તાત્યાસાહેબ આગળ મજલ કરશે. પરંતુ તેમણે તે સ્થળ છોડવાની જરા પણ તૈયારી કરી નહિ. પાઠશાળામાં કોઈ અજાણ્યા ગૃહસ્થ આવ્યા છે, એમ જાણતાં પાદરી જૉન્સન પોતાની પુત્રી લ્યૂસીને સાથે લઈ આવ્યા. રુદ્રદત્ત વિદ્યાર્થીઓને થોડું શિક્ષણ આપી રહ્યા હતા. પાદરીને જોતાં તેમણે શિક્ષણ આપવું બંધ કર્યું અને આવકારથી બોલાવ્યા :

‘પધારો યુવાનસેન! લક્ષ્મી તો આજ બીજી વાર આવી. સંસ્કૃતનો શોખ એનામાં વધતો જાય છે.’ રુદ્રદત્તે લ્યૂસીનું નામ લક્ષ્મી બનાવી દીધું હતું.

‘હિંદુઓમાં રહેવું હોય તો હિંદુઓની ધર્મભાષા પહેલી જાણવી જોઈએ. લ્યૂસી તો મારા કરતાં પણ વધારે સારું સંસ્કૃતમાં જાણે છે. એની પાસે બાઈબલમાંથી કેટલોક ભાગ હું સંસ્કૃતમાં ઉતરાવીશ.’ જૉન્સને કહ્યું….

‘બરાબર છે. બાઈબલ સંસ્કૃતમાં ઊતરશે તો અમારા શાસ્ત્રીઓ કોઈક દિવસ તે વાંચશે.’

‘આપને ત્યાં કોણ આવ્યું છે?’

‘પેશ્વા સરકારના વકીલ.’

‘પેશ્વા… સરકાર…?’ જૉન્સને વિચાર કરતે કરતે લંબાવીને પૂછયું.

‘હા, કેમ?’

‘પેશ્વાઈ ગયે તો લગભગ ચાળીસી થવા આવી!’

‘હા. જી. તોય અમારાથી પેશ્વાઈને સરકાર કહી જવાઈ છે. આવો. હું વકીલસાહેબ સાથે આપની ઓળખાણ કરાવું.’

પાઠશાળાના મુખ્ય ભાગની એક બાજુમાં કામળાના પડદા પાછળ ખાટલામાં બેઠા બેઠા તાત્યાસાહેબ કલ્યાણી સાથે વાતો કરતા હતા.

‘બહેન! તને ઘોડે બેસતાં આવડે ખરું કે?’ તાત્યાસાહેબે પૂછયું.

‘હા, જી. પહેલાં ગૌતમ અહીં રહેતો ત્યારે ઘણી વખત ઘોડા લઈ આવતો અને મને બેસાડતો.’ કલ્યાણીએ શરમાતાં શરમાતાં જવાબ આપ્યો.

‘હું એક સારો ઘોડો મોકલાવું?’

‘ના રે. એક તો હવે મહાવરો ઓછો થઈ ગયો. અને બીજું એમ કે ઘોડાનો ખપ શાનો પડે?’

‘કયે વખતે શું બને એ આજ કેમ જણાય? ઘોડાનોય કો’ક દિવસ ખપ પડે. અને જો કલ્યાણી! તારા દાદા જ્યારે ઘોડે બેસતા ત્યારે ઘોડાને પાંખો આવતી.’

‘દાદાજી ઘોડે બેસતા? આપ શું કહો છો?’

‘ખરું કહું છું.’

‘તમે શી રીતે જાણો?’

‘હું જાણું છું.’

‘તમે જોયા છે?’

‘ના. પણ જોનાર પાસેથી સાંભળ્યું છે.’

‘કે?’

‘કે રુદ્રદત્ત ઘોડે બેસતા ત્યારે ઘોડામાં વીજળીનો વેગ આવતો.’

‘એ કેમ ઘોડે બેસતા?’

એકાએક રુદ્રદત્તે યુવાનસેન અને લ્યૂસી સાથે પ્રવેશ કર્યો.

‘રાવસાહેબને કોઈએ આરામ ન લેવા દીધો. કલ્યાણી! ક્યારની માથું ખાય છે?’ રુદ્રદત્તે પ્રવેશ કરતાં જ કહ્યું.

તાત્યાસાહેબ ખાટલા ઉપરથી ઊભા થયા. રુદ્રદત્તે તેમને બેસાડવા મથન કર્યું પરંતુ તેઓ બેઠા નહિ.

‘આ શ્રીમંતના વકીલ, તાત્યાસાહેબ.’ રુદ્રદત્તે જૉન્સન તરફ જોઈ પરિચય કરાવ્યો. જૉન્સને એક પાસ ડોકું નમાવી અંગ્રેજી ઢબે પરિચયના માનભર્યો સ્વીકાર કર્યો.

તાત્યાસાહેબ પાદરીની સામે તીક્ષ્ણ દૃષ્ટિએ જોઈ રહ્યા. ક્ષણ બે ક્ષણ એમ જોઈ રહ્યા પછી તેમણે ભાવ બદલ્યો અને તેમની આંખમાં તિરસ્કાર તથા જુગુપ્સાની લાગણી સ્પષ્ટ તરી આવી. જૉન્સનનો ધવલ દેહ જાણે કોઢભર્યો ન હોય તેમ ફરી તેની સામે જોઈ તેમણે પૂછયું :

‘આ તો અહીંના પાદરી છે, નહિ?’

‘હા જી, એમનું નામ યુવાનસેન; મારા મિત્ર થાય.’ રુદ્રદત્તે કહ્યું.

‘આપના મિત્ર હોય તો આપ જાણો. અમારા તો એ માલિક!’ બહુ જ તીખી દૃષ્ટિ અને તીખી વાણીમાં તાત્યાસાહેબ કહ્યું.

ભલાઈ દર્શાવવાની કળા શીખેલા જૉન્સને કહ્યું:

‘અમે ખ્રિસ્તીઓ તો બધાના જ મિત્ર. ભગવાન ઈસુની આજ્ઞા છે કે પાડોશીઓને અમારે અમારા જીવની માફક ચાહવા.’

‘તેથી જ બધા પાડોશીઓના જીવ તમે હાથમાં લીધા લાગે છે… લબાડ!’ જરા ફરીને છેલ્લો ઉદ્ગાર તાત્યાસાહેબ કાઢયો.

અડધું સંભળાયું, ન સંભળાયું અને રુદ્રદત્તે યુવાનસેન પાદરીને આસન આપ્યું. તાત્યાસાહેબ પણ પાસે પડેલા એક દર્ભાસન ઉપર બેસી ગયા. રુદ્રદત્ત માટે કલ્યાણી હાથમાં આસન લઈ ઊભી હતી તે તેણે પાથર્યું. અને રુદ્રદત્તના બેઠા પછી કલ્યાણી અને લ્યૂસી એક કામળા ઉપર બેસી ગયાં.

લ્યૂસીએ કલ્યાણીને ખભે સહજ હાથ નાખ્યો.

તાત્યાસાહેબની આંખો અગ્નિ વરસી રહી.