ભૂંસાતાં ગ્રામચિત્રો/એકવીસમી સદીમાં વાંચવાનું પુસ્તક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એકવીસમી સદીમાં વાંચવાનું પુસ્તક


વીસમી સદીનો શાપ — તે તો આપણને ઘર-વતન-સીમ-ખેતર-માટીનાં મનેખથી વિખૂટાં પાડી દેવાનો શાપ! વીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં ઝડપથી ‘શહેરો’ ગામડાં સુધી પહોંચી ગયાં છે. જોતજોતામાં — નવમા-દસમા દાયકાઓમાં તો તીવ્ર ગતિએ — ગામડાંની સિકલ ફરી ગઈ છે. વિકાસ-પ્રગતિ એક વાત છે અને વર્ણસંકરતા સાથે વિકૃતિઓ બીજી વાત છે, પણ સંક્રાંતિકાળમાં આવું તો ના બને તો જ નવાઈ! હું તૂટતાં ગામડાંને અને ભૂંસાતાં અસલ ગ્રામચિત્રોને બહુ સભાનપણે વર્ષોથી જીવતો-અનુભવતો રહ્યો છું. સાચું કહું તો એ જ મારી પીડા છે, ને એ પીડા ઠરીને સંવેદનાનું રૂપ પામી ત્યારે ત્યારે આ ચિત્રો લખતાં જવાનું બન્યું છે. ડૂસકાં રૂંધાઈને નીતરેલી પીડાનું રૂપ પામે છે ને ઠરેલી-આછરેલી પીડા એક વિશિષ્ટ સંવેદનાનું રૂપ ધારે છે. ભીતરમાં ભેખડો તૂટે એ ઝીલવાનું અઘરું હોય છે. બધું સમથળ તો ક્યારેય નથી થતું… ને એ જ તો જીવન છે! આ સંવેદનાને કશા શણગારો કર્યા વિના — જેવી અનુભવી તેવી — આલેખવા ચાહી હતી; ને ઘણે અંશે એમ થઈ શક્યું છે. મારું નિબંધલેખન આ સ્મૃતિચિત્રો આગળ જુદો મોડ ધારે છે; એની સ્વાભાવિક વેદનાએ અનેક ભાવકોને ઝકઝોર્યા છે; એવા ભાવકોમાં વિદ્વાનો છે, સાહિત્યકારો છે ને અદનાં મનેખ પણ છે. એમના સૌના પ્રતિભાવોએ આ સ્મૃતિચિત્રોમાં નવું બળ પૂર્યું છે.

આ ગ્રામચિત્રો આજેય અને ભીતરથી ભીનો ભીનો અને ભર્યોભાદર્યો રાખે છે. ગામડું — ‘સમગ્ર ગામડું’ મારી નિસબત છે — અહીં મારો શબ્દ એને ઝીલીને તમારા સુધી લાવ્યો છે… તમે તમારા વતન-પરિસરમાં પાછા મુકાઈ જાવ છો એ આ લેખનની મોટી ઉપલબ્ધિ છે.

‘ભૂંસાતા ગ્રામચિત્રો’ વિશે ‘વનાંચલ’ના સર્જકે પૂરી સમસંવેદનાથી લખ્યું છે; તો અનેકોના પ્રતિભાવોના પ્રતિનિધિત્વ રૂપે ધીરેન્દ્ર મહેતાએ આનંદ અને ઉષ્માથી લખ્યું છે. કવિશ્રી જયંત પાઠક મારા સ્વજન છે ને ધીરેન્દ્રભાઈ પ્રિયજન સમા… એવા જ સહૃદયી મિત્રો જગદીપ સ્માર્ત અને હરિકૃષ્ણ પાઠક છે. એમણે ચિત્રાંકનો-રેખાંકનોથી પ્રેમપૂર્વક પુસ્તકને વધારે આસ્વાદ્ય કરી આપ્યું છે. આ સૌ માટે પ્રેમાદરભર્યો આનંદ વ્યક્ત કરું છું.

‘અખંડ-આનંદ’માં આ ચિત્રો ક્રમશઃ પ્રગટ થતાં હતાં ત્યારે અનેકોનો ભાવાર્દ્ર પ્રતિસાદ મળતો હતો. ‘કુમાર’, ‘નવનીત-સમર્પણ’માં પણ કેટલાંક ગ્રામચિત્રો પ્રગટ થયાં હતાં. આ સૌ સામયિકોના તંત્રી-સંપાદકોનો આભાર માનું છું.

એકવીસમી સદીના પરોઢે આ ગ્રામચિત્રો પ્રગટ થાય છે અને વીતેલી સદીના ગ્રામજીવનને તાદૃશ કરી આપે છે. આ ક્ષણે નથી રહ્યું એ વતનઘર તથા વિગત સ્વજનો સાંભરી આવે છે… ભારે હૈયે આ પુસ્તક એમને જ સમર્પું છું.

— મણિલાલ હ. પટેલ


લાભ પાંચમ : ૨૦૫૬ જી-૨, વૈદેહી એપાર્ટમેન્ટ, બાકરોલ રોડ, વલ્લભવિદ્યાનગર ૩૮૮૧૨૦ ફોન  : (૦૨૬૯૨) ૩૨૬૦૬