ભૂંસાતાં ગ્રામચિત્રો/૧૪. સ્વજન-તરુવરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪. સ્વજન-તરુવરો

આપણા પોતાના મલક માટે આપણે જ પરાયા-પારકા થઈ જઈએ એ વેદના તો કોક સંવેદનપટુ જ જાણે. પગ આવે છે ને બાળક ઓસરી-પડસાળ-ફળિયું-પાદર-સીમ-પરગામ કરતું કરતું દૂર જાય છે; ઘરથી દૂર જઈને એ વારંવાર ઘરે પાછું વળે છે. પણ એક દિવસ એવો આવે છે કે એ પાછું વળવા ચાહીનેય ત્યાં નિત્ય જઈ શકતું નથી. ઘરે-ગામડે-વતનમાં સીમવગડે – પોતાનાં નદીતળાવે કે ડુંગર-કરાડે અરે માથે વ્હાલભર્યો છાંયો આપનારાં વૃક્ષતરુવરો પાસે ફરીથી નથી જઈ શકાતું… કદીક જવાય છે તો ઘણુંબધું બદલાઈ ગયું હોય છે. આપણે પણ જરા વધારે પડતા ‘નાગરિક’ થઈ ગયા હોઈએ છીએ. એટલે જે ગયું તે તો ગયું જ! વીસમી સદીનો શાપ તે આપણને આપણાં સગાંવહાલાંથી અને દેશ-પરિવેશથી વિખૂટાં પડવાનો શાપ! ચાલવા માંડતા પગને પછી પ્રલોભનો જાગે છે. નવા નવા રસ્તાઓ ઉપર નિજત્વનાં પગલાં પાડવા ઝંખનારા કવિની જેમ પછી આ રઝળપાટ અટકવા દેતો નથી. એક સ્થળે જીવને ટકવા દેતો નથી.

જોકે પછી કશેક ઠેકાણે માણસ સ્થિર થઈ જાય છે — એક નવું ઘર બાંધે છે. નવી જંજાળ રચે છે ને પછી એમાં ખોવાઈ જાય છે — વચ્ચે વચ્ચે એ ભૂતકાળને વાગોળી લે છે. સાંપ્રતનાં ગમે તેટલાં સુખો કે દુઃખોની વચાળે કૂણોકોમળ માણસ તો વ્યતીત માટે ઝૂર્યા જ કરવાનો. ચાલે છે એ તો પગ છે, પણ આપણને દૂર દૂર સુધી ચલાવે છે એ તો છે કોઈની આરત, કોઈનો પ્રેમ, કોઈનું અદમ્ય ખેંચાણ… એ કોઈ તે પ્રકૃતિ પણ હોય, પ્રિયજન પણ હોય અને અલખ પણ હોઈ શકે.

છેવટે માણસ પડાવને પ્રેમ કરતો થઈ જાય છે. પછી બીજા ઝાઝા પડાવોનો અવકાશ નથી હોતો. આવા મુકામ પર એને આખો અતીત પાછો યાદ આવે છે. હવે એ વર્તમાનમાંય ઘણી વાર વીતેલા કાળને જીવતો હોય છે. કેટકેટલું સહજ, સરળ અને ગમતું-ભાવતું છોડીને એ આટલે દૂર આવી ગયો હોય છે! ક્યારેક થાય છે કે શું મેળવ્યું? શું કામ આ રઝળપાટ વેઠ્યો! પણ ઉત્તરો સંતોષી શકે એટલા સરળ નથી હોતા. આ અવસ્થાએ એને સંસ્મરણોથી વધારે રસાળ કશું લાગતું નથી. એને ગામ સાંભરે છે ને કદી નહીં યાદ આવેલાં લોકો પણ! ઘણું ઘણું ભૂલી જવાયું હોય છે. પણ પેલાં વૃક્ષો નથી ભુલાયાં — જેમની છાયાઓ ત્વચાનો રંગ બની ગઈ છે ને જેમનાં ફૂલ-ફળ લોહીમાં લપાઈને અદૃશ્ય બેઠાં છે; હા! એ વૃક્ષો જે ભેરુઓ હતાં, વડીલો હતાં ને વહાલાં હતાં. એમની છાયાની માયા મટતી નથી. વૃક્ષો સાથે આપણું એક રાજપાટ હતું. કિશોરવયનાં કેટલાંક પરાક્રમો આ વૃક્ષોની સાખે — અને શાખે પણ — થયાં હતાં. નવી પેઢી પાસે ન તો એ તરુવરો રહ્યાં છે, ન એવાં નોખાં તોફાનમસ્તી. આજની પેઢીએ વર્મસંકરતામાંથી પસાર થવાનું આવ્યું છે. અલસથી અળગા અને મા મૂકીને સાવકી માસીનો પનારો પડ્યા જેવું છે આજનું ગ્રામજીવન પણ.

ક્યાં છે આંગણાંમાં ઝૂલતા પૂર્વજપોષ્યા લીમડાઓ હવે? લીમડાની છાયામાં રમેલાં એ રમતો અને ભેરુઓ કશું જ નથી આજે. હા! એ શીળી છાયાની માયા માલીપા સચવાઈ છે. એ લીમડાની લીલી ડાળી તોડીને લાલજી ભંગી દૂર બેસીને ઉજણી નાખતો’તો. શરીર પર વા-પ્રકોપ થાય ત્યારે આમ ‘અભડાવી’ને પછી દેશી દવા કરવામાં આવતી. લીમડાને વણી લઈને બનાવાયેલી કહેવતો માત્ર રહી ગઈ! લીમડામાં ઘરનો પાટ જોનારા આવ્યા ને નવાં ઘર થતાં લીમડા કપાઈ ગયા! આંબાના ઝાડ પર નજર ગઈ ને બાપાને એમાં બારીબારણાંના પાટિયાં દેખાયાં… મહુડો પણ પાટ-મોભના માપમાં બેઠો; શિરીષનાં ચોકઠાં ને રાયણના ઉંબરા થયાં, આ તો દાદાઓના જમાનાની પ્રથા, પણ દાદાઓ નવાં વૃક્ષો ઉછેરતા અને જૂનાંને ઘર માટે પ્રયોજતા. આજે તો ‘ઝાડ ગયું અને જગા થઈ’વાળો ન્યાય આવ્યો છે. માણસ જીવતરને જાતે ઉજાડે છે એનાં વૃક્ષવિનાશ અને વનછેદન હાથવગાં દૃષ્ટાંતો છે.

આંગણાના લીમડા ગયા ને જન્મ્યાં-ઊછર્યાં એ ઘર પણ ખંડેર થયાં છે. ‘લીલી વાડી’ — ઢોરાંછોરાંની વસ્તીવાળું એ આંગણું — ફળિયું હવે સાંભરણની વસ બની ગયાં છે, વેળા વીતી ગઈ. કૂવાવાળો આંબો નથી રહ્યો. એની રાતીજાંબલી ઝાંયવાળી સાખો ને પાકતાં મધ જેવી મીઠી લાગતી કેરીઓ, આખો આંબો લચી આવતો ઝૂમખાંથી. ડાળેડાળ નમી પડતી કેરીઓ આડે પાંદડાં દેખાતાં નહીં… એ દૃશ્યો આંખમાં અકબંધ છે. કૂવો છે, એમાં પાણી પણ છે. જોકે હવે કોસ ફરતા નથી, નહેરોથી ભોંય સિંચાય છે. આમ જ નથી રહ્યો લાડવો આંબો. અખાત્રીજ ઉપર સાખો થતી એ ‘અખાતરિયો આંબો’ નહેરનાં પાણી લાગવાથી સુકાઈ ગયો છે. ત્યાં સાખો સાચવીને તમારી વાટ જોતી ઢબૂડી કન્યા હવે એની સાસરીમાં પ્રૌઢા બની ગઈ હશે ગોરવાળો આંબો ક્યારીમાં વણછો કરતો એટલે એય વઢાઈ ગયો. ગામનાં છોકરાંને કેરીઓ સારુ કાયમનો સમર્પિત પાદરવાળો આંબો પાંખો પડતાં પડતાં બરડ થૈને બટકાઈ ગયો… એના થડને વીંધીને ઊગેલો પીપળો આજે પલપલતો ઊભો હશે, પણ એની નીચેની જમીન તો વેરાન-ઉજ્જડ! એને માથે ગીધો રાત ગાળે છે. પવિત્ર ગણાતા પીપળા નીચેય કોઈ મનેખ ફરકે નહીં? લોક કહે છે કે આંબાને ગળી ગયેલો આ પીપળો સારો નથી. ત્યાં ભૂવાએ મૂકેલાં ‘ઉતાયણાં’ છે… દેવ ત્યજી ગયા કેડ્યે પીપળામાં હવે ભૂતોનો વાસ છે. પાદરના આંબા નીચે તો શૈશવનાં કેટકેટલાં કાલાંઘેલાં વાનાં હતાં… હવે તો એ બધુંય પીપળામાં વસતા કોઈ જીન જેવું દેખાય અને અલોપ! સીમવગડાના બે અને ત્રીજો નદી તરફની સીમનો ધોરી મારગ. ત્રણે પાદરમાં આવી મળતા. વિશાળ વાદર વચ્ચે મોટો વડ. ‘વડદાદા’ કહીએ એવો. એની નીચે તો આખા મલકનો ને પશુપંખી સૌનો મુકામ. પણ અમે પ્રાથમિક સ્કૂલમાં ભણતા ત્યારે આ વડ નીચે ઈંટો ગોઠવીને મોટું સ્ટેજ કરેલું, એના પર ભજવેલું ‘સાચો રાહ’ નાટક. મારું જ દિગ્દર્શન અને મુખ્ય પાત્ર પણ આપણે ભજવેલું. થોડાં ગરબાનૃત્યો કરાવેલાં. ગામલોકોએ પૈસા આપેલા એમાંથી ‘નવજીવન વિદ્યાર્થી મંડળ’ સ્થાપેલું ને લાઇબ્રેરી વસાવેલી. મૅટ્રિકના વર્ષમાં લાઇબ્રેરી આખી વાંચી દીધી હતી. પછી ‘યુથ ક્લબ’ કરીને ‘વેલ-કમ’ તથા ‘આવજો — આભાર’નાં પાટિયાં મૂકેલાં… ખબર નહીં આવો ‘શહેરીચાળો’ કરવાનું કેમ થયેલું! કદાચ, કૉલેજજીવનનો પ્રભાવ. હાસ્તો!

પાદરનો એ વડ, પાસેનો કૂવો, બાજુમાં લુહારની આંબલી ને નાનકડી તળાવડીને પેલે કાંઠે સામસામે ઊભેલી બે કોઠીઓ. આ બંને વૃક્ષોને જોડતી ડાભની તોરણ બંધાતી ઝાયણીને દિવસે. ગામ ત્યાં ભેગું થતું ને ‘ઝાયણીના જ્વાર’ (નવા વર્ષની શુભકામનાઓ) કહેતું! શહેરમાંથી આવેલા મિલ-કારખાનાંવાળા ને બીજા નોકરિયાતો અહીં મળતા… ફટાકડા ફૂટતા. ગાયો તોરણ ચઢતી ને રાવણું વીખરાતું. હજી કોઠીનાં બેઉ ઝાડ છે. પણ ઝાયણીની તોરણ હવે નથી વણાતી. પેલી તળાવડીમાં પોયણાં નથી થતાં — હવે એ ખાબોચિયા જેટલી બચી છે. વડ પાંખો પડી ગયો છે… કોઈ ઘરડા વડીલ જેવો જર જર. લીમડા નીચેનું શિવાલય નાનકડી દેરી થઈ ગયું છે. આંબલી વઢાઈ ચૂકી છે.

મારગ માથેનો મહુડો કેવો વિશાળ હતો. બિલિયાના નાકામાંના બીલી ઝાડ, ડુંગર માથેનાં સાગવૃક્ષો અને તળેટીમાં ઊભેલી ધોળાં થડવાળી કલાડીઓ — બધાંને કાળની નજર લાગી ગઈ. ઝાડમાં દેવ જોનારાને બદલે લાકડાં ભાળનારાંએ વનરાઈ વાઢીને ડુંગરો-ટેકરીઓ સાવ બાંડા-નાગાંનટ કરી દીધાં છે. પેલી સીમ વચ્ચેની ટેકરી ઉપર ઊછરેલી મુખીની આંબડી; ટેકરીની ટોચે મઢ્યા જેવી. એનું નામ પણ ‘ટોચમડી!’ એની જાંબલી-કથ્થાઈ રંગની પાકી કેરીઓની મીઠાશ ભારે. બાજુનાં પહાતાંમાં હારબદ્ધ ઊભેલા ને એટલે જ ‘હાર્યોવાળા’ આંબાઓ…! ખેતીની નવી પરિકલ્પના અને નહેરનાં પાણી આવ્યાં. એ સાથે જ વૃક્ષોને જાણે વિદાય કરી દેવાયાં. ત્રિભેટે ટીંબા ઉપર રાયણો હતી. એક તો મહાકાય રાયણ. એનાં દૂધાળાં મીઠાં રાયણ જેટલી જ ઘટ્ટ અને શીળીછાંયા. હવે સીમ વૃક્ષો વિનાની — લીલી તોય લાગે વરવી! જાણે હેવાતન વિનાની નારી જેવી.

આથમણા નેળિયાનો ઘમ્મરઘટ્ટ ચટકીલાં ફૂલોવાળો શીમળો, દાંતી પરની કણજી, ધસો પરના બાવળ, વાડાનાં શિરીષ, કરામાં હંધેરા-સરગવા-આંકલવાનાં ઝાડ, નદી તરફનો શીમળો-ખાખરો ને અદેરોખ… ક્રમશઃ પાંખાં પડીને કપાઈ ગયાં. છે ગામમાં થોડાં નવાં ઝાડ… પણ પેલાં વહાલાં ને ખોળે રમેલાં એ સ્વજનો — તરુસ્વજનો હવે નથી રહ્યાં… એની છાંયા વિના જીતવરના આ આકરા ઉત્તાપ કદી શમવાના નથી. અરે, આજે તો આ સ્મરણો પણ એ તરુજનોનો છાંયડો ઝંખે છે… એમનેય થાક લાગ્યો છે.

[૧૬-૯-૯૮, બુધવાર]