ભૂંસાતાં ગ્રામચિત્રો/૫. ચોતરો
ચૉરો, ચોતરો અને ચબૂતરો.
આમ જોવા જઈએ તો ત્રણે એક જ જગાનાં નામો છે. ઘણી વાર ત્રણે થાનકો સબૂત હોય, તો વળી ક્યારેક ત્રણેમાંથી એકાદ માંડ ટકેલું હોય ને આજકાલ તો એય ના જોવા મળે. તોય જગા તો એ જ નામથી ઓળખાય. ‘હોય ના માણસ ને એનું નામ બોલાયા કરે’ — એવું! એક જમાનો હતો કે ખડકી વગરનાં ગામડાં નહોતાં. જોકે પરગણું બદલાય એમ ‘ખડકી’ના પર્યાયો બદલાતા રહ્યા છે. ક્યાંક ડેલી, ડહેલું, માઢ, પાડો જેવા પર્યાયો મળે છે. ટાઉન થઈ ગયેલાં ગામડાંનો ચહેરો બદલાઈ ગયો હોવા છતાં હજી ત્યાં ખડકીઓ છે, ચૉરા-ચબૂતરાય છે. મોટી ‘સીટી’ થઈ ગયેલાં શહેરોમાંય માઢ ને ચબૂતરા, ખડકી ને ડેલીઓ છે. અમદાવાદમાં હઠીનો ચૉરો બચ્યો નથી. પણ સરનામામાં એ હયાત છે. પાટણ એવા ‘પાડાઓ’ માટે તો ઈડર-લુણાવાડા એવા ‘માઢ’ માટે પ્રખ્યાત છે! ચરોતરનાં ગામડાં ખડકીબદ્ધ છે. પંચમહાલમાં મૂળથી મોકળાશ… ઘર અલાયદાં ને આંગણાં ખુલ્લાંફટ્ટાક. ટેકરીએ ટેકરીએ ઘર; ખેતરે ખેતરે ઝૂંપડી!
ખડકી કે મોઢમાં પાંચસાત મકાનો હોય. મોટે ભાગે એકાદ કુટુંબનો વિસ્તરેલો કબીલો હોય. સૌ એકબીજાની સાથે રહે ને દેખભાળ થાય. વહુદીકરીઓની લાજમલાજા સચવાય, ચોર-ડફેરોનો ભય પણ ઓછો થાય. ખેડાનાં ગામડાંમાં આવી ખડકીઓ વધુ છે. ખડકીઓનાંય જાતભાતનાં નામ… વચલી ખડકી તો બધે હોય… પણ અંબામાની ખડકી કે મોટી ખડકી, દાદુભઈની ખડકી ને બાપાની ખડકી… મહેસાણાનાં ગામડામાં ખોડભઈનો માઢ, મઈદાનો માઢ, સાબરકાંઠામાં વકીલનો માઢ, લુણાવાડામાં દુલાભઈનો માઢ મળે… ક્યાંક કંપાણી પાડો હોય ને વચેટ વહુની ડેલી પણ હોય. સોરઠમાં લાજમલાજોનો મહિમા આજેય એવો છે કે પાકાં ધાબાબદ્ધ મેડીમાળવાળાં મકાનો થાય તોય ઘણી જગાએ ખડકી તો રચવાની જ! ખડકીની એક સોઈ છે, એમાં ‘પ્રાઇવસી’નો આધુનિક અર્થ ન હોવા છતાં ઘરજીવનની અંગતતા ને બાંધી મુઠ્ઠી લાખની — નો મહિમા વસેલો છે.
સંક્રાન્તિકાળમાંથી પસાર થતાં આપણાં ગામડાંનો ચહેરો કૈંક વિરૂપ ને વરવો લાગે છે. નળિયાં-પતરાંનાં છાપરાં વચ્ચે હવે ધાબાંઓની સપાટતા માથું ઊંચકી રહી છે. આપણાં વ્યવસાય, વાતાવરણ અને આબોહવા તથા રીતિરિવાજો અને માનવભાવનાઓના સંદર્ભમાં આ પાકાં — ધાબાવાળાં ફ્લૅટ્સ કે અૅપાર્ટમેન્ટ્સ કહેવાતાં મકાનો આપણને જરાય અનુકૂળ નથી ને તોય આ વિજ્ઞાનયુગનો (જેમાં વિજ્ઞાનને અવગણીને) પ્રભાવ તો જુઓ — ધાબાવાળાં મેડીબદ્ધ મકાનો હવે ‘સ્ટેટસ સિમ્બલ’ બની ગયાં છે… ગામડાંમાં પણ! ખેતરમાં રહેનારો હવે દીવાલોમાં પુરાયો છે ને દીવાલોમાં પુરાયેલો શહેરીજન ‘ફાર્મહાઉસ’ કરવા ગ્રામપ્રદેશ સુધી જવા ઝંખે છે!
આ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે જનમાનસમાં પેલા ચૉરા-ચબૂતરા-ચોતરાનો મહિમા બચ્યો નથી. હવે એ બધું સ્મરણ રૂપે વાગોળવા માટે છે જાણે!
સોરઠમાં ચૉરા હતા… ગુજરાતમાં ચોતરા-ચબૂતરા! બહુધા ગામ વચ્ચે કે ક્યારેક ગામભાગોળે ચૉરો હોય. તળાવ-પાળ, વડલીમડા કે કૂવાની પગથારવાળાં પાદરમાંય ચૉરા-ચોતરા પાસે ચબૂતરો ચણેલો હોય… ગોળાકાર. એની ભીંતોમાં દીવા મૂકવાના ગોખલા હોય ને માથે પંખીઓને ચણ નાખવાની જગા, ઉપર ભાતીગળ છતરી ચણેલી હોય… પાણીની કૂંડી પણ હોય, પણ લાકડાના મજબૂત થાંભલા માથે છતરી આકારે કલાત્મક કોતરણીથી બનાવેલા ચબૂતરાનો વટ જુદો!
આ ચૉરા-ચબૂતરાની પાસે, પડખામાં હોય પરબડી! ઘણી વાર ચબૂતરાનેય પરબડી કહે છે. મારા મધવાસ ગામની એ પરબડી, લાકડાના એ કલાત્મક ચબૂતરા આજે નથી રહ્યાં. પણ મારા મનમાં એમનું કાયમી આસન છે. પરંપરાઓ જેમ વિલાતી-વીસરાતી જાય એમ કોણ જાણે કેમ વ્હાલી લાગવા માંડે છે! એમાંય પ્રેમ કે લાગણી જેવું છે. પાસે હોય ને પામ્યાં હોઈએ એની જાણે કશી વિસાત નથી રહેતી ને જે છૂટી જાય છે, વેગળું રહી જાય છે એને માટેનો ઝુરાપો વધતો જ ચાલે છે… જાણ્યાં છતાંય વ્યતીતરાગમાંથી મુક્ત થવાતું નથી. વ્યતીતમાંથી મુક્તિ મેળવવી એટલે પરંપરાઓ તરફ પીઠ ફેરવી દેવી. વ્યતીત તો મારા માટે માંહ્યલો આધાર છે. અતીતને હું અળગો રાખીને જીવી નથી શકતો એટલે મને મોડાસાના સાંકડા બજારના ચોરાહે ઊભેલી પરબડી દેખાયા કરે છે — આજેય! બાકી, મારા ગામમાં ન ચોરો હતો ન ચબૂતરો! પાદર અમારો બારમાસી વૈભવ. ગામ વચ્ચેનું ભાઈરામકાકાનું ઘર, એનો ઓટલો-આંગણું તે આખા ગામનો ચૉરો-ચોતરો કે ચબૂતરો, જે ગણો તે! મહી નદીનાં પૂરે ગામ ભાંગ્યું પછી તો એય ઉજ્જડ વેરાન. નવી વસાહતે વળી વડ ઉછેરીને ચોતરો કર્યો છે, પણ આ યુગ કાંઈ ચૉરા-ચોતરાનો નથી. હવે તો ‘બસ-સ્ટેશન’ અને ત્યાં ઊભેલાં લારી-ગલ્લાંની ‘નવી સભ્યતા’ આવી ગઈ છે…
પેલા ચૉરા-ચોતરાઓ ન્યાયાન્યાય ને સમાજજીવનની રોજિંદી રફતારના સાક્ષી હતા. ગામમાં લડાઈઝઘડો થયો હોય, તો સાંજે ચૉરે એની રજૂઆત થાય, વડીલો ન્યાય તોળવા બેસે. નાનકડી પંચાયત! ક્યારેક તો એ ખરેખર ‘વહેંતિયા’ પંચાયતિયાઓની મંડળીની મનમાની કરવાનું સ્વરૂપમાત્ર બની રહેતી. પક્ષપાત વગરનો ન્યાય ક્યારેક જ થતો… ગરીબને સૌ કોઈ પદાવે. એની સાક્ષી ચૉરો જીવતરભર ભર્યા કરતો. તલાટીનો મુકામ ચૉરે, ગુનાસર કોઈને પકડવા સિપાઈઓ આવે તેય ચૉરે… સારીનરસી વાતોનો પ્રચારપ્રસાર કે અફવાઓનો ફેલાવો તેય ચૉરે! ચૉરો એ જમાનાનું થાણું હતો! નવરા નખ્ખોદિયા રમનારાં નિશાળિયાંય આવી ચઢે. કોઈ છોકરું રિસાઈને ચૉરે બેસી રહે. ઘરડા દાદા પણ મનથી દુભાય તો ચૉરે જ પાઘડી પાથરીને બપોરિયું ગાળેે. ઘરડેરાં અલકમલકની વાતો કરવા ચૉરો પસંદ કરે. ચૉરો ગામનું જાણે કે રેડિયો-સ્ટેશન, ચોતરો જાણે મલકનું સમાચારપત્ર! સાંજસવાર ચૉરો ગામનું જાણ કે ટીવી સેન્ટર!
ચૉરે ખેતીનાં ઓજારો ટીપનાર લુહારિયાનો મુકામ. એની વહુ કોઈ કારણે ચૉરે મરી ગયેલી. તે ગામલોકોને વેળાકવેળા એનું ભૂત દેખાય. કન્યા પરણીને વિદાય થાય ને મંદિરે દર્શન કરી ચૉરેથી સાસરિયે સંચરે ત્યારે પેલી ‘લવાઈણી’ એની હાર્યે થઈ જાય ને રસ્તામાં કન્યા લવારો કરવા લાગે… રોટલો-ડુંગળી ખાવા માગે… જાનડીઓ હસીને કહે, ‘ઓહ! નવાં ભાભીને તો પેલી ‘લવાઈડી’ વળગી સે…’ પછી મંતરેલું પાણી ને દોરોધાગો થાય… કન્યા સાજીસમી પતિના ઘરમાં પ્રવેશે.
ચૉરે નટ નાચવા આવે, ચૉરે રેલ્લા વેચનારા સિન્ધી કે વણકર વેપારી આવે, મુકામ કરે. રૂમાલમાં હાથ ઢાંકી બેઉ પાર્ટી પરસ્પરની આંગળી દાબીને માલનાં મૂલ કરે. ક્યારેક હાથીવાળા બાવા આવી ચઢે ને ચૉરામાં ગામ સમાય નહીં… રામદેવપીરની મંડળીઓ, અગિયારસની ભજન-મંડળીઓ ચૉરાને જીવતો રાખતી. વૃદ્ધો ચકરડીમાં ભીંડી વીંટતા પાન કાઢતા હોય, પરસંગ મેળાતા હોય. મેળા ભરાતા હોય — બધું ચૉરાની સાખે. શિયાળો શીંગોડાં વેચતી રૂપી કાછિયણ પરબડી પાસે ટોપલો લઈને બેસે. બાજુમાં બોર લઈને માલી બારિયા બેસી રહે… પાસે ઘાંચીની દુકાનમાં છોકરાંટોળું ગોળીઓ લેવા મંડરાતું હોય… ચોમાસે વેતર આવેલી ભેંસોને પાડે બંધાવવા લૈને કણબીઓ આવ્યા હોય… કોઈ દૂરના ગામની કાળોતરી લઈને આવેલો ભંગી-નાવણિયો ચિઠ્ઠીઓ વંચાવતો હોય… લોકાચારે આવેલાં બૈરાં મોંવાળીને ઠર્યાં હોય… ચૉરો સૌ વાતનો સાક્ષી! ગામની ‘તબિયત’ ચૉરે-ચબૂતરે પરખાઈ જતી… હવે તો એવાં સ્મરણોય પોપડા થઈને ઊખડતાં-ખરતાં જાય છે.
[૭-૭-૯૭]