ભૃગુરાય દુર્લભજી અંજારિયા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અંજારિયા ભૃગુરાય દુર્લભજી (૬-૧૦-૧૯૧૩, ૭-૭-૧૯૮૦): સાહિત્ય-સંશોધક, વિવેચક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તેથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતા-પિતાના અવસાનને કારણે મૅટ્રિક સુધીનું, પછીનું શિક્ષણ રાજકોટમાં. ૧૯૩૫માં બી.એ. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ મુંબઈમાં કર્યો, પણ પરીક્ષા અધૂરી છોડી. પીએચ.ડી. માટે કવિ કાન્ત વિશે ઊંડો અભ્યાસ કર્યો, પરંતુ એ કામ પણ અધૂરું મુકાયું. તબિયતને કારણે થોડાં વર્ષ જેતપુરમાં રહી રાષ્ટ્રસેવાનાં કામ કર્યાં અને થોડાં વર્ષ પીએચ.ડી.ના અભ્યાસ માટે અમદાવાદમાં રહ્યા, તે સિવાય મુંબઈમાં જ નિવાસ, ખાનગી ટ્યૂશનો, ચિલ્ડ્રન્સ અકૅડમી અને ફાર્બસ ગુજરાતી સભામાં (અનુક્રમે મંત્રી તથા ત્રૈમાસિકના તંત્રી તરીકે) કામગીરી અને કૉલેજમાં અધ્યાપનકાર્ય – એમ વિવિધ પ્રકારની ને વિક્ષેપભરી વ્યાવસાયિક કારકિર્દી, ૧૯૭૭માં મુંબઈની મીઠીબાઈ કૉલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા. અવસાન મુંબઈમાં. સંશોધક વિદ્વાનની તીક્ષ્ણ તથ્યદૃષ્ટિ અને સાહિત્યવિવેચકની રસજ્ઞતા તથા વિશ્લેષણશક્તિ ધરાવતા આ લેખકે જોડણી, શબ્દાર્થ, છંદોલય, કૃતિપાઠ, કૃતિરચના અને કર્તાજીવનના સમગ્ર અભ્યાસમાં અવિરતપણે અને ખંતપૂર્વક કામ કર્યા કર્યું ને અનેક લેખો લખ્યા, જે ગ્રંથસ્થ ધરાર ન કર્યા. ‘કાન્ત વિશે’ (૧૯૮૩) એમનો, લેખક-અભ્યાસનો એક અસાધારણ નમૂનો રજૂ કરતો, મરણોત્તર પ્રકાશિત લેખસંચય છે. ઉમાશંકર જોશી સંપાદિત ‘ક્લાન્ત કવિ’માં સંઘરાયેલાં કાવ્યોના કર્તુત્વના કોયડાને અપૂર્વ સજ્જતા ને સામર્થ્યથી ચર્ચતો સંશોધનલેખ અને અન્ય ઘણા લેખો હજુ સામયિકોમાં જ રહ્યા છે. એમણે નરસિંહરાવ દિવેટિયાકૃત ‘કવિતાવિચાર' (૧૯૬૯), પ્રહ્લાદ પારેખકૃત ‘બારી બહાર’ (ત્રી. આ. ૧૯૭૦) અને ‘શ્રીધરાણી અને પ્રહ્લાદનાં કાવ્યો' (૧૯૭૫)નું સંપાદન પણ કર્યું છે.