મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચતુરચાલીશી પદ ૩૭
વિશ્વનાથ
(રાગ: પ્રભાતી)
આજ રહોજી આણે સ્થાનક, પ્રાત પદ્મની જાજો રે,
માહારા સમ સાસરી સહુને, એક દિવસ ઈમ વાહાજો રે. આજ ૧
કુસુમે કરી શીર શુભ ગુંથુ, સેસફૂલ વચે રાખુ રે,
લટ મુક્તાફલે મેહલું લટકતી, તે કો ન લહે મુઝ પાખી રે. આજ ૨
મૃગમદ કેરી વેલ સમારૂ, હંસમયુર ઉર ભારી રે,
કસણબંધ કંચુકી કેરા, હું જાણુ હાથે સમારી રે. આજ ૩
તીલક કરૂ કેસર કસ્તુરી, નેયણે કાજલ સારૂ રે,
પાન પ્રચુર રંગસહીત આરોગો, મન રીઝવા માહારુ રે. આજ ૪
કટીમેખલા ખલકે કંકણી સુરત વધે સુખકારી રે,
પાગ અલતે એહવા રંગું, જે જુગતે ન જાણે નારી રે. આજ ૫
કારજ કરું હું કેહતાં પહેલું, ખાંત રખે ચંત રાખો રે.
મનના માન્યા સ્નેહી સાથે, ભ્રાંત તજીને ભાખો રે. આજ ૬
નહી જાવા દેઉ નીશ્ચે માનો, માન્યની કંઈક વીમાસો રે,
ઘણા દીવસનો અલજો અંતર, આજ પડો છે પાસો રે. આજ ૭
હાસ કરી હરીવદની બોલી, હું ત્રીકમ છું તાહારી રે,
વિશ્વનાથ સરખા જે વરુઆ, મુજને રાખી વારી રે. આજ ૮