મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૪૧)
પદ (૪૧)
દયારામ
"નંદનો કુંવર પરણાવ! રે હો માડી! મુને નંદનો કુંવર પરણાવ!
વ્હેલી થા, નહીં તો કોઈ વેવા કરી જાશે, મારી સખીઓની સાથે કાંઈ
કહાવ રે? હો માડી!
મારા પિતાને કહી કુમકુમ કચોળે ભરે વહેલોવહેલો વિપ્રને બોલાવ રે
હો માડી!
રૂપવંતો ને ગુણવંતો ન એવો કોઈ, તુંને દાખું જો ગોકુળિયામાં આવ રે!
હો માડી!
અખંડ હેવાતન વર્યેથી મારા જન્માક્ષર જોવરાવ રે!" હો માડી!
શ્રીરાધાનાં વચન સૂણી કીરતીજીએ હૃદે ચાંપી: "એમજ કરીશ, બેટા!
આવ રે! હો માડી!
મેં પણ દયાનો પ્રભુ તારો વર ધાર્યો, બહેની! તું કોઈ એક ધીરજ
મનમાં લાવ રે!" હો માડી!