મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૮)
પદ (૨૮)
નરસિંહ મહેતા
આવડો શો આસંગો, બાઈ! તારે શામિળયાની સાથે રે?
તેં તો કાંઈ અક્ષત મૂક્યા મંત્ર ભણીને માથે રે!
આવડો
જમુના જળ ઘડુલા ભરાવે, મસ્તક પર મેલાવે રે;
ઊંચા કરાડ ચડતાં-ઊતરતાં બળ કરી બાંહ ઝલાવે રે.
આવડો
ગાય દોહી ગાગર ભરાવે, ઘર લગી સાથે તેડે રે;
વૃંદાવનને મારગ જાતાં કહાન પડે તુજ કેડે રે.
આવડો
કો વેળા વહાલો માથું ઓળાવે, લાંબી વેણી ગૂંથાવે રે;
સેંથા માંહે સિંદૂર ભરાવે, નિલવટ ટીલડી સોહાવે રે.
આવડો
કો વેળા એના ખોળામાં મસ્તક મૂકીને પોઢે રે;
પહેર્યું પીતાંબર એનું લઈને તું ઉર ઉપર ઓઢે રે.
આવડો
રાઓલું રમકડું રે કીધું, મરકટ પેરે નચાવે રે.
નરસૈંયાચો સ્વામી ઢળકણો વણતેડ્યો ઘેર આવે રે.
આવડો