મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૩)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ (૪૩)

નરસિંહ મહેતા

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું,’ ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે.
નિરખને
શ્યામ-શોભા ઘણી બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.
નિરખને
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.
નિરખને
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્‌વાએ રસ સરસ પીવો.
નિરખને
અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.
નિરખને