મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૫)
નરસિંહ મહેતા
નાગર ન્યાતમાં નિર્ધન સરજિયાં, તમ વિના કૃષ્ણજી! કેને કહીએ?
પુત્રીએ પત્ર સીમંતનુ મોકલ્યું, ક્હોને, નારાયણ! કેમ કરીએ?
નાગરી
દીન વચને કરી, નયણે આંસુ ભરીઃ ‘નર્ધિન તાત પર નથી રે લેણું;
આવે અવસરે અવસર નહીં સાચવો, તો સાસરિયામાં થાશે મહેણું’
નાગરી
કાજ કોને ભજ્યે થાય, ધરણીધરા? મારે નવનિધ તું, એક રાજ,
આવ્યું સીમંત, જાવું છે, જદુપતિ! કાજ તારું ને તુંને છે લાજ.’
નાગરી
સંગે વેરાગી વૈષ્ણવ તણી મંડળી, ગાય ગોવિંદ-ગુણ દિવસરાત;
મામેરું કરવાને મહેતોજી ચાલિયા, તાળ, મૃદંગ ને ચંગ સાથ.
નાગરી
આવ્યો, વહેવાઈએ દીઠો નરસૈંયાને, તહીં ઘરમાં જઈ કીધી વાતઃ
‘વહુજી! વધામણીઃ આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત.’
નાગરી
આવી ઊભી રહીઃ ‘તાત! ત્રેવડ નહિ, શીદ આવ્યા તમો હાંસુ થાવા?
લોક નિંદા કરે, પડોશ જોવા મળે, તાળ વાઓ, વળી ગીત ગાવાં!’
નાગરી
‘દુખ મ કર, દીકરી! ગાઓ ગોવિંદ હરિ, વસ્ત્ર પૂરશે, જો , વૈકુંઠરાય,
ચીર છાયલ ઘણાં, વસ્ત્ર વિધવિધ તણાં; છાબ ઠાલી ધરો મંડપ માંહ્ય.
નાગરી
પહેરે વહેવાઈ, જમાઈ ને દીકરી, તેહ જોશે સર્વે નાગરી નાત;
નરસૈંયાચો સ્વામી સુખદાતા ઘણુંઃ પુત્રીની વાધશે સબળ ખ્યાત.’
નાગરી