મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૯)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ (૯)

રમણ સોની

પિયુજી મને મોકલો
પિયુજી મને મોકલો, હું તો ગોકુળ જાઉં રે;
પ્રાણજીવનનું મુખડું જોઈ, કાંઈ એક સુખણી થાઉં રે.         પિયુજી ૧

અલવે મારી આંખડીએ, એકવાર નિહાળું રે;
વિરહ વ્યાપી રહ્યો છે મનને, તે વેદના ટાળું રે.          પિયુજી ૨

છૂટાં છૂટાં પુન્ય કરી ત્યાં, જાવા ચિત્ત લાગે રે;
તમે રહેજો પાપી પાસે, થયો ભાવ નિપાગે રે.          પિયુજી ૩

જેમ રહે છે રોહિણી, તેમ રહીશું એ પાસે રે;
રાત્ર દિવસ આનંદે રહેશું, મુખ જોવાની આશે રે.          પિયુજી ૪

છાશ લેવાનું મિષ કરીને, અમે મંદિર તેને જાશું રે;
રમતો દેખી હૈડે ચાંપી, ક્ષણું એક સુખિયાં થાશું રે.          પિયુજી ૫

કુંવર જો નહિ ઓલખે તો, સાંઈડું લઈશું ગાઢું રે,
ભાલણપ્રભુ રઘુનાથ જોઈ, હૈડું થાશે ટાઢું રે.          પિયુજી ૬